‘ઉકરડામાં પડેલો તોય હીરો એ હીરો છે અને મુગટમાં જડાયેલો હોય તોય કાચ એ કાચ છે’ —પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( ત્રીજો લેખ) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: સોમવાર, મહા સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૭ ફેબ્રુઆરી ૨૦૨૨)

‘અનિશ્ચિતતામાં ઈશ્વરવિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે’

‘મારા અનુભવો’ના આરંભે સ્વામી સચ્ચિદાનંદે આ વાક્ય લખ્યું છે. તીવ્ર વૈરાગ્યની ધૂનમાં એમણે ઇ.સ. 1953ની સાલમાં એક રાત્રે માત્ર સવા રૂપિયો મૂઠીમાં લઈને ગૃહત્યાગ કર્યો હતો. એમનો જન્મ 1932માં. 1953માં ઉંમર એકવીસની (એમના પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ દવે એવું ક્યાંક એમણે નોંધ્યું છે). સ્વામીજી લખે છે :

‘મૂઠીમાં એટલા માટે કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને સવા રૂપિયો એટલા માટે કે તેની જેટલી (રેલવેની) ટિકિટ આવે તેટલે દૂર પહોંચી જઈ પછી લક્ષ્મીનો સ્પર્શ નહિ કરવાનો નિયમ લેવો હતો.’

ગૃહત્યાગ કરવાના થોડા સમય પહેલાં એમણે પોતાની પાસે જે કાંઈ ચીજવસ્તુઓ હતી તે મિત્રો તથા સ્નેહીઓને ભેટ આપી દીધી. પૂર્વાશ્રમમાં પોતે આજીવિકા મેળવવા જે કામકાજ કર્યું તેનો હિસાબકિતાબ ચોખ્ખો કરી નાખ્યો. પૈસા માગનારાઓને પૈસા આપી દીધા અને પોતે જેમની પાસેથી લેવાના નીકળતા હતા એમને જઈને કહી આવ્યા કે હવે તમારે આ પૈસા આપવાના રહેતા નથી, હિસાબ ચૂક્તે થઈ ગયો સમજજો. એમના આવા વ્યવહારથી ગામલોકો સમજી ગયા હતા કે આ યુવાન સાધુ થઈ જશે પણ પોતે કદી કોઈને આવી વાત કરી નહોતી કે બીજા કોઈએ સીધી એમની સાથે આ વિશે ચર્ચા પણ નહોતી કરી.

સ્વામીજી કહે છે: ‘મંઝિલ ના હોય ને ચાલવાનું શરૂ કરો તો વહેલા થાકી જાઓ.’

ગૃહત્યાગના દિવસે એમણે પોતાના જમા પૈસાની વ્યવસ્થા કરતા બે પત્રો લખ્યા હતા જે ટપાલમાં નાખવા માટે એમણે પોતાની સાથે લીધા હતા. આ પત્રોમાં એક પત્ર જે સંસ્થામાં પૈસા હતા તેના મૅનેજર ઉપર તથા બીજો પત્ર જેને એ પૈસા આપી દેવાના હતા તેના પર હતો. પોતાની પાસેની રોકડ રકમનો એમણે ઘરમાં છૂટો ઘા કરી દીધો હતો. પોતાના ગયા પછી જેને લઈ લેવા હોય તે લઈ લે. માત્ર ટિકિટ પૂરતો સવા રૂપિયો હાથમાં લીધો હતો.

સ્વામીજી લખે છેઃ ‘ઈશ્વર પરના વિશ્વાસ સિવાય મારી પાસે કશું જ ન હતું. આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી ન હતી કારણકે હું રળતો-કમાતો અને મારી જરૂરિયાતો મેળવી લેતો. પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું. એટલે આજે ઈશ્વર વિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી. પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતાં હસતાં પૂરું કરી શકે છે.’

આ પછી એક ઠેકાણે બાપજી નોંધે છેઃ ‘ચિંતા અને ભય પ્રાર્થનાનાં પ્રેરક બળ છે.’

માણસની બે મોટી નબળાઈઓ તરફ સ્વામીજી આપણું ધ્યાન દોરે છે. એક તો દિશાહીન, હેતુવિહીન જીવન અને બીજું સ્પર્ધા વિશેના ખોટા ખ્યાલો. તેઓ લખે છેઃ

‘માણસના વ્યક્તિત્વને પ્રદિપ્ત કરનારાં બે તત્ત્વો છેઃ એક, લક્ષ્ય પ્રત્યે તીવ્ર ઝંખના અને બીજું, સ્પર્ધા. જીવનમાં જો આ બે વસ્તુઓ ન હોય તો શક્તિશાળી માણસ પણ પોતાની શક્તિઓનો ઉપયોગ પૂરેપૂરો નહિ કરી શકે. સ્પર્ધા કેટલીક વાર દ્વેષમૂલક અથવા અહંકારમૂલક પણ થઈ જતી હોય છે. એવી સ્થિતિમાં સ્પર્ધક બીજાને હાનિ પહોંચાડીને સ્વયં હાનિ ઉઠાવવાનાં કામ પણ કરી બેસતો હોય છે. પણ જો ઉર્ધ્વગતિપ્રેરક લક્ષ્ય જીવનમાં સ્થિર થયું હોય તો વ્યક્તિ આપોઆપ ઉન્નત માર્ગે ચાલ્યા કરશે. વ્યક્તિને લક્ષ્યહીનતાવાળું જીવન ન મળે. લક્ષ્યહીનતા માણસને કઠોર માર્ગે ચાલતા રહેવાની હિંમત નથી આપતી.’

લક્ષ્ય ઉપર વધુ ભાર મૂકતાં સ્વામીજી પછીના પ્રકરણમાં નોંધે છેઃ

‘મંઝિલ ના હોય ને ચાલવાનું શરૂ કરો તો વહેલા થાકી જાઓ. પણ મંઝિલ નક્કી હોય તો હવે આટલું જ બાકી રહ્યું, હમણાં પહોંચી જઈશું –નું આશ્વાસન મળે એટલે પગમાં જોર રહે.’

સ્વામીજી બીજી એક જગ્યાએ લખે છેઃ

‘લક્ષ્યહીન થઈને સૂઝ-સમજ વિના હું કેટલોક સમય આમતેમ ફરતો રહ્યો. આ દિવસો માનસિક અકળામણના હતા. મને થયા કરતું કે મારું જીવન વ્યર્થ છે, હું ભારરૂપ થઈને જીવી રહ્યો છું… લક્ષ્યહીનતાથી વ્યક્તિમાં એક પ્રકારની રિક્તતા ઉદ્‌ભવે છે. આ રિક્તતા માણસને ઉત્સાહહીન અને તેજહીન બનાવી દેતી હોય છે. મારી સ્થિતિ આવી થઈ ગઈ હતી.’

સ્વામીજી કહે છે: ‘ઉચિત ચિંતા તથા કંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે.’

જીવનનું ચાલકબળ શું એવું કોઈ પૂછે તો આપણે શું જવાબ આપી શકીએ? આપણા પોતાના માટે, આપણી આસપાસનાઓ માટે, સમાજ અને દેશ માટે, પ્રેમભાવ-કરુણાભાવ ક્યારે જન્મે? સૌનાં દુખદર્દ સમજીને એને દૂર કરીને પ્રસન્ન થવાનું ક્યારે સૂઝે? સ્વામીજી પાસે એનો સટિક જવાબ છેઃ

‘જીવનનો સંદેશ વેદનામાંથી પ્રગટતો હોય છે. વેદના જ જીવનનો પર્યાય છે અને વેદનાને દૂર કરવાનું નામ ધર્મ છે. આ સિવાયની તમામ ક્રિયાઓ, આડંબરો અને માન્યતાઓ પાણી વલોવીને માખણ કાઢવાની વ્યર્થ પ્રક્રિયા માત્ર છે.’

અને આ ધર્મ એટલે શું? સ્વામીજીની વ્યાખ્યા એકદમ સાદીસીધી અને વ્યવહારુ છેઃ

‘ધર્મ એટલે પ્રકાશ, ઉચ્ચ જીવન માટેનું પ્રેરકબળ. શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રક બળ. જો એમાંથી કાંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો ધર્મ માનવજીવનને ગુંગળાવનાર અને લડાવનાર અનિષ્ટ થઈ જતો હોય છે.’

પોતે સંન્યાસી હોવા છતાં સંસારની ગતિવિધિઓ તેઓ આપણા કરતાં વધુ સારી રીતે સમજે છે. આ એક વાત તમે પણ નોંધી હશે કે જે મહાન સાધુ-સંતો-સંન્યાસીઓ હોય છે એમણે સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં (અથવા તો એટલે જ) એમનામાં સંસાર વિશેનું વ્યવહારજ્ઞાન છલકતું હોય છે. સ્વામી સચ્ચિદાનંદે ‘મારા અનુભવો’માં લખ્યું છેઃ

‘સારા માણસો પણ ભૂલ કરતા હોય છે. માટે પૂજ્યભાવમાં અંતર લાવ્યા વિના શાંતિથી રહેવું.’ : સ્વામી સચ્ચિદાનંદ

‘જવાબદાર વ્યક્તિ નિશ્ચિંત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય. જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું.’

જીવનમાં લક્ષ્ય નથી હોતું ત્યારે માણસ વિચારોમાં ભટકીને નિષ્ક્રિય થઈ જાય છે. આને કારણે એ છેવટે સેલ્ફપિટીમાં સરી પડતો હોય છે, સ્વપીડન જેને કહીએ છીએ તેમાં. સ્વામીજી એક જગ્યાએ લખે છેઃ

‘…હું સવારથી સાંજ સુધી કુંભમેળાના જુદા જુદા ભાગોમાં ગુરુની શોધમાં ફરતો. નવા નવા સંતો તથા મહાત્માઓ પાસે જઈને બેસતો, ચર્ચાઓ કરતો પણ ગુરુ તરીકે કોઈને સ્વીકારી શકાય તેટલી શ્રદ્ધા થતી નહિ. ઘણી વાર હું એકલો બેસીને રડતો. મને મારામાં જ ત્રુટિ દેખાતી. આખી દુનિયા ખરાબ નથી પણ હું જ ખરાબ છું તેવું મને લાગ્યા કરતું.’

આ શ્રેણીના સૌથી પહેલા લેખમાં ટાંકેલું એક વાક્ય તમને યાદ હશે. સ્વામીજીએ કહ્યું છે કે, ‘અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોષ રહેવાનો…’ (આખું ક્વોટ સમજવા એ લેખ પર ફરી નજર ફેરવી લેશો). પ્રકરણ 23માં સ્વામીજીએ જે વાત કહી છે તે આ જ વાતનો વિસ્તાર છેઃ

‘કેટલીક વાતો બનવાકાળ બની જતી હોય છે. સારા માણસો પણ ભૂલ કરતા હોય છે. માટે પૂજ્યભાવમાં અંતર લાવ્યા વિના શાંતિથી રહેવું.’

સચ્ચિદાનંદજી લખે છે: ‘આપણા સંબંધમાં પણ કેટલાક માણસો ઉપયોગ વિનાના હોઈ શકે. તેમને નિભાવવા જોઈએ.’

લોકો બીજાની બાહ્ય વાતોથી બહુ જલદી અંજાઈ જતા હોય છે. કોઈની પાસે પદ હોય, પ્રતિષ્ઠા હોય કે પૈસો હોય તો તરત જ બધાને લાગવા માંડે છે આ માણસ તો સો ટચના સોના જેવો છે. સ્વામીજી લાલબત્તી ધરતાં કહે છેઃ

‘બહુ પ્રસિદ્ધ થયેલા લોકોની પાસેનાં ટોળાં જોઈને મુગ્ધ ન થવું. હીરાને ઓળખવો હોય તો હીરો ક્યાં પડ્યો છે તે તરફ ધ્યાન ન આપવું. એવું પણ બને કે હીરો ઉકરડામાં પડ્યો હોય અને મુગટમાં કાચ જડાઈ ગયો હોય. ઉકરડામાં પડેલો તોય હીરો એ હીરો છે અને મુગટમાં જડાયેલો હોય તોય કાચ એ કાચ છે.’

સચ્ચિદાનંદજીએ દુનિયા જોઈ છે. જાતજાતના લોકોના સંપર્કમાં તેઓ આવ્યા છે. ‘અગવડોમાં આરાધના’ અને ‘મારા ઉપકારકો’ આ બે પુસ્તકોમાં એમણે સામસામા છેડાના અનુભવોનું વર્ણન કર્યું છે જેના વિશે પછી ક્યારેક વાત કરીશું. ‘મારા અનુભવો’માં તેઓ લખે છેઃ

‘કેટલાક લોકો પ્રદર્શિત ઉદારતા વાણી દ્વારા તો બતાવી શકે છે, પણ જો એક વાર તમે કાંઈક માગો તો તેમની ઉદારતાના દડામાં પંક્ચર પડીને તે હવા વિનાનો થઈ જાય છે.’

આવા અનુભવો થયા હોવા છતાં સ્વામીજી પોતાના હૃદયની વિશાળતા છોડતા નથી. તેઓ તરત જ ઉદારદિલે કહે છેઃ

‘હું જીવનમાં એક બોધપાઠ શીખ્યો છું કે ગૌશાળામાં બધી જ ગાયો કંઈ પવાલી ભરીને દૂધ આપનારી નથી હોતી. એકાદ બે ગાયો વરોલ (વાંઝણી), દૂધ વિનાની, પણ હોઈ શકે. આપણા સંબંધમાં પણ કેટલાક માણસો ઉપયોગ વિનાના હોઈ શકે. તેમને નિભાવવા જોઈએ. માત્ર ઉપયોગ અને તેમાં પણ પૈસાનો ઉપયોગ જ સંબંધમાં નિમિત્ત બનવો ન જોઈએ. હાનિકારક ન હોય તેવી વરોલ ગાયોને નિભાવીએ તેમ માણસને પણ નિભાવવા જોઈએ.’

‘હિન્દુ પ્રજાના ઉત્થાન માટે હિન્દુ ધર્મે ( પોતાનામાં) ઘણાં પરિવર્તનો કરવાં જરૂરી છે’ : સ્વામી સચ્ચિદાનંદ

સ્વામીજીની આ એક સલાહ ઘણાને કામ લાગશેઃ

‘ઠોકરોથી કોઈ મોટો ગુરુ નથી. તરંગી માણસોને ઠોકરો જ ઠોકરો ખાવી પડતી હોય છે જ્યારે વાસ્તવદર્શી વ્યક્તિને ઓછામાં ઓછી ઠોકરો ખાવી પડતી હોય છે.’

સ્વામીજી પોતાનો આશ્રમ બનાવવા માગતા ન હતા. જીવનભર વિરક્ત રહીને ગામેગામ ભ્રમણ કરીને જીવન પૂરું કરવું હતું. પણ કેટલાક અનુભવોના અંતે એમને સમજાયું:

‘સ્વતંત્ર વિચારકોને આવું પરાધીન જીવન પોસાય જ નહિ. આવી સ્થિતિમાં જીવનની વાસ્તવિકતાએ જે મારે નહોતું કરવું તે જ કરવા તરફ દોર્યો. મને થયું કે એકાદ નાની કુટિયા બનાવી હોય તો લોકોની લાચારી ભોગવવી ન પડે.’

ખૂબ વિચારતા કરી મૂકે અને દરેક જમાનાને લાગુ પડે એવી એક વાત સ્વામીજીએ 77મા પ્રકરણના પહેલા જ ફકરામાં લખી છેઃ

‘શક્તિનાં મુખ્ય ચાર કેન્દ્રો છેઃ જનશક્તિ, ધનશક્તિ, શસ્ત્રશક્તિ અને કલમશક્તિ. આ ચારમાંથી એક પણ શક્તિ જેની પાસે નથી હોતી એ વ્યક્તિનું જીવન માત્ર લાચારીમાં જ વીતતું હોય છે. જે પ્રજા પાસે આમાંથી એક પણ શક્તિ નથી હોતી તે પ્રજા ગુલામીમાં સબડતી હોય છે. સ્વમાન, સમ્માન અને સમૃદ્ધિનાં તેને દર્શનેય નથી થતાં. પ્રજાને બધી રીતે સુખી કરવી હોય તો આ ચારે શક્તિઓની અભિવૃદ્ધિ કરાવવી. પ્રજાને દુઃખી દુઃખી કરી નાખવી હોય તો આ ચારેય શક્તિઓથી વિમુખ બનાવવી.’

સ્વામીજી એક વખત હિન્દુ સાધુ-ધર્મગુરુઓના સંમેલનમાં પ્રવચન આપવા ગયા. ત્યાં એમણે શું જોયું? તેઓ લખે છેઃ

‘એક તરફ તેઓ હિન્દુ ધર્મની શ્લાઘા (પ્રશંસા) કરતા હતા તો બીજી તરફ વિધર્મોની ભર્ત્સના (ટીકા) કરતા હતા. આ કામ બહુ સરળ હતું. ખરું કામ પોતાના સ્વરૂપને સુધારવાનું હતું તે કરવા કોઈની ખાસ તૈયારી ના હતી… હિન્દુ પ્રજાના ઉત્થાન માટે હિન્દુ ધર્મે ( પોતાનામાં) ઘણાં પરિવર્તનો કરવાં જરૂરી છે. એ પરિવર્તનો વૈચારિક કક્ષા સુધર્યા વિના શક્ય નથી. વૈચારિક ભૂમિકાને તાજગી આપવા સ્વસ્થ ચિંતન-મનન-વાચન અને નિરીક્ષણ જરૂરી છે. માત્ર ચીલાચાલુ ગ્રંથોના પાઠ કરવાથી કે, સ્તોત્રો રટવાથી એ શક્ય નથી.’

આત્મકથામાં એક જગ્યાએ એમણે અમુક પ્રકારના ગુરુઓની આલોચના કરતાં લખ્યું છેઃ

‘ગુરુ ભગવાનની જગ્યાએ ગોઠવાઈ જાય. શિષ્યો ગુરુની આરતી-પૂજા કરે, પગ ધોઈને પીએ, કેટલીક વાર તો એંઠવાડ પણ ખાય. ગુરુનાં પ્રવચન તથા પુસ્તકોનો મોટો સૂર એ હોય કે ‘ગુરુ એ જ ભગવાન’. એટલે આખો અનુયાયી વર્ગ ગુરુ નામની વ્યક્તિને વળગ્યો હોય. તે જ તારણહાર છે તેવાં ગીતો ગવાતાં હોય. ગુરુમહિમાની આગળ ઈશ્વરમહિમા લુપ્ત થઈ ગયો હોય. ગુરુ દ્વારા પદ્ધતિસર ઈશ્વરવિમુખતા ફેલાવાતી હોય. તન, મન અને ધન સર્વસ્વ ગુરુને અર્પણ કરી દેવાની કથાઓ, ગીતો, ભજનો ગવાતાં હોય… આવા વાતાવરણનું નામ ધર્મ તથા સંસ્કૃતિ કહેવાતું હોય તો પ્રજાનું કલ્યાણ થાય કે અકલ્યાણ તે કહેવાની જરૂર નથી.’

સ્વામીજીના આ વિચારો મારા અજાગૃત મનમાં જડબેસલાક રીતે છપાઈ ગયા હોવા જોઈએ. 1990ના દાયકાના અંતિમ વર્ષોમાં વિલેપાર્લામાં એક જ્ઞાતિ મંડળે સ્વામી સચ્ચિદાનંદ અને સાથે સૌરભ શાહ – એમ બે વ્યક્તિઓનાં પ્રવચનોનો કાર્યક્રમ રાખ્યો હતો. મારા માટે આ ઘણું મોટું બહુમાન કહેવાય. એક મંચ પરથી સ્વામીજીની હાજરીમાં પ્રવચન કરવાની લાયકાત તે વખતે પણ નહોતી અને આજેય નથી. આના કરતાં પણ મોટું બહુમાન થયેલું ત્યારે લાગ્યું જ્યારે સ્વામીજીએ પોતાના પ્રવચનમાં મારાં વખાણ કરીને મને ખૂબ બિરદાવ્યો. કયા કામ માટે? એ વખતે મારી, 2013માં પૂરી થઈને પ્રગટ થયેલી, નવલકથાનો પૂર્વાર્ધ એક સામયિકમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ રહ્યો હતો જે સ્વામીજી દર અઠવાડિયે વાંચતા હતા. હિન્દુ ધર્મમાં પેસી ગયેલાં દૂષણોને દોઢસો વર્ષ પહેલાં એક ગુજરાતી પત્રકારે પડકાર આપ્યો અને એના પર મસમોટો લાયબલ કેસ કરવામાં આવ્યો તે ઘટના પરથી એ નવલકથા લખી હતી. સ્વામી સચ્ચિદાનંદ જેવા સાધુસંતો અને વિચારગુરુઓના આશીર્વાદથી જ એ નવલકથા લખાઈ હતી.

( વધુ આવતી કાલે)

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. સૌરભભાઇ, મેં મારા અનુભવો પુસ્તક મંગાવી ને વાંચવા ની શરૂવાત કરી અને ભૂમિકા ના બે પાનાં વાંચતાં જ શબ્દો સોંસરવા ઉતારવા લાગ્યા . . .
    ધન્ય છે સ્વામીજી અને તમારા પ્રયત્નો ને . . .
    મુકુન્દ વ્યાસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here