રજનીશજીએ કહેલું કે હું તમારા લોકો માટે બોલું છે અને જે. કૃષ્ણમૂર્તિ મારા માટે બોલે છે : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૨ માર્ચ ૨૦૨૩)

માત્ર થોડુંક વિચારવાનું ભાથું મળે એવું કંઈક લખવું છે, જે. કૃષ્ણમૂર્તિ વિશે લખવું છે.

આમ તો આજના ફાસ્ટ ફૂડ જેવા ફાસ્ટ ફિલોસોફિયા જમાનામાં જિદ્દુ કૃષ્ણમૂર્તિ સાવ આઉટ ઑફ ટ્યુન લાગે, પણ મહાન વિચારકો જન્મ લેતા હોય છે જ એટલા માટે – તમારા વિખરાયેલા સૂરને ઠેકાણે લાવવા માટે. ૧૮૯૫ની ૧૧મી મેએ જન્મીને પૂરા ૯૦ વર્ષનું આયુષ્ય પામી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬ના દિવસે દુનિયા છોડી ગયેલા જિદ્દુ કૃષ્ણમૂતિ ફિલોસોફર હતા, પ્રવચનકાર હતા, લેખક હતા.

પ્રવચનકાર એટલે કેવા પ્રવચનકાર. એમની ટેપ કે સીડી સાંભળો તમે. પિન ડ્રૉપ સાયલન્સ, સાહેબ. કોઈ તાળીઓ નહીં ને કોઈ વાહ વાહ નહીં. ચૂપચાપ ઘૂંટડે ઘૂંટડે વક્તાના વિચારોને સુજ્ઞ શ્રોતાઓ પી રહ્યા હશે એવી અનુભૂતિ થાય. ક્યાંય શબ્દોના સાથિયા પૂર્યા ન હોય, વિશેષણોની વૉમિટો ન કરી હોય, ચીપ દૃષ્ટાંતો અને ઉપજાવી કાઢેલી વાર્તાઓ ન હોય, પોતે કેટલા વિદ્વાન છે અને શ્રોતાઓ કેવા અબૂધ છે એવી છાંટ મારવા વારંવાર દેશી-વિદેશી ફિલસૂફોનાં લખાણો અને ધર્મગ્રંથોમાંથી રટ્ટો મારેલાં વાક્યો છુટ્ટાં મારવામાં આવતાં ન હોય. હું પદ ન હોય અને નેમ ડ્રોપિંગ ન હોય. પોતાની મહત્તા વધારવાને બદલે શ્રોતાઓની સમજણ વધારવાનો આશય છે એવું સ્પષ્ટ તરી આવે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને ટાગોર વિશે અભિપ્રાય આપવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે કહેલું કે હું તમારા બધા માટે લખું છું, ટાગોર અમારા જેવા માટે લખે છે. રજનીશજીએ પણ આ જ અંદાજમાં કહેલું કે હું તમારા લોકો માટે બોલું છે. જે. કૃષ્ણમૂર્તિ મારા માટે બોલે છે.

મહેશ ભટ્ટે જેમને ગુરુ માન્યા હતા અને ૨૦૦૭માં જે અવસાન પામ્યા તે યુ. જી. કૃષ્ણમૂર્તિ જુદા. અમરિશ પૂરીને એક ગુજરાતી ચાહકે પૂછ્યું કે ઓમ પૂરી તમારા બ્રધર થાય ત્યારે એમણે હસીને જવાબ વાળેલો કે ગુજરાતીઓમેં સબ મહેતા લોગ આપ કે ભાઈ હૈ! જે. કૃષ્ણમૂર્તિ અને યુ. જી. કૃષ્ણમૂર્તિ ભાઈ-ભાઈ પણ નહોતા. અટક તથા કાર્યક્ષેત્ર સિવાય બંને વચ્ચે કોઈ સામ્યતા નહોતી.

જે. કૃષ્ણમૂર્તિની મૌલિક ફિલસૂફીએ અમારા જેવા હજારો નહીં બલકે લાખો લોકોના વૈચારિક વિશ્ર્વનું શીર્ષાસન કરી નાખ્યું. એક જબરજસ્ત ક્રાંતિના વાવાઝોડામાં અમારા પરંપરાગત વિચારો કેવા ફેકાઈ ગયા એની કોઈ સરત ના રહી. ઈન ફેક્ટ, ફિલોસોફીને કે ધર્મ-અધ્યાત્મની વાતોને જોવાની અને મૂલવવાની દૃષ્ટિ જ સાવ બદલાઈ ગઈ. ચિંતક-વિચારકોની બાબતમાં હું માનતો થયો છું કે જે મૌલિક વિચારક બીજા મૌલિક વિચારકોને જન્મ આપી શકે તે જ સાચો વિચારક, ચિંતક, જે કહો તે, પણ જેના નકલિયાઓ બીજા કૉપી કૅટ ઊભા કરે તે બધા જ બનાવટી ચિંતક-વિચારક. અહીંથી ત્યાંથી ઉછીનું ઉધારિયું લઈને ગાડું ગબડાવનારાઓ ક્યારેય મૌલિક વિચારકોને પ્રેરણા આપી ન શકે કે મૌલિક વિચારક બનવાની પણ કોઈને પ્રેરણા ન આપી શકે. એમના ગયા પછી આપ ગયા પીછે ડૂબ ગઈ દુનિયા જેવું થાય. દુનિયાના એવા હજારો કૃતક, બનાવટી, સો કોલ્ડ વિચારકો સાથે એવું થયું છે. તેઓના ગયા પછી એમનું ચિંતન ડૂબી ગયું છે. જે. કૃષ્ણમૂર્તિ કે રજનીશ (કે કન્ફ્યુશિયસ, કે ચાણક્ય કે વાલ્મીકિ કે વેદ વ્યાસ, કે તુલસીદાસ, કે નરસિંહ ઈત્યાદિ ઈત્યાદિ)નું ચિંતન એમના ગયા પછી પણ તરોતાજા રહીને દરેક નવી પેઢીને ઉજાળતું રહ્યું છે, કારણ કે તે મૌલિક છે, એમનું પોતાનું છે, કોઈનું એઠું નથી. બીજાના વિચારોનું એમાંના કોઈએ ઈન્ટરપ્રીટેશન કર્યું હોય તો તે વિશ્ર્લેષણ પણ અગાઉ કોઈએ એ દૃષ્ટિએ એ વિચારોને જોયા જ ન હોય એવું, મૌલિક હોય છે. જેમ તુલસીએ વાલ્મીકિના રામાયણનું ઈન્ટરપ્રીટેશન પોતાની રીતે કર્યું કે જેમ રજનીશજીએ નાનક – કબીર – બુદ્ધ – મહાવીર – લાઓ ત્ઝુના વિચારોનું કે ભગવદ્ ગીતાનું વિશ્ર્લેષણ પોતાની રીતે કર્યું. જેમ મ્યુઝિકમાં રિમિક્સિગંનો દોર ચાલ્યો એમ ફિલસૂફીના ક્ષેત્રે પણ રિમિક્સિગંવાળું થતું રહે છે. આવા રિમિક્સિંગ અને મૌલિક ઈન્ટરપ્રીટેશન વચ્ચે જોજનોનું અંતર હોય છે, માટે સાવધાન, સાવધાન, સાવધાન!

જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે વ્યવસ્થા સર્જવા માટે અવ્યવસ્થા પર ધ્યાન જવું જોઈએ. અંદરની અને બહારની અવ્યવસ્થાને તમે જો જોઈ શકતા ન હો તો વ્યવસ્થા નહીં સર્જી શકો. અવ્યવસ્થિત દિમાગ વ્યવસ્થા નહીં સર્જી શકે, કારણ કે એને ખબર જ નથી કે વ્યવસ્થા શું છે.

કૃષ્ણમૂર્તિની આ વાત રોજબરોજના વ્યવહારોમાં આપણને સૌને લાગુ પડે. મારે સારા બનવું હશે તો પહેલાં મારે મારામાંની ખરાબીઓને જોવી પડશે. મારે મારો ગુસ્સાવાળો સ્વભાવ દૂર કરવો હશે તો પહેલાં મારામાંના એ ક્રોધને ઓળખવો પડશે. મારે મારું આંગણું સ્વચ્છ કરવું હશે તો આંગણામાં ક્યાં કેવી રીતે કેટલી ગંદકી છે તે ગંદકીને જોવી પડશે. આને બદલે આપણે કહીએ છીએ શું કે વૉટ્સઍપ પર રોજ સવારે મળતા સુવિચારોમાંથી જે સારો લાગ્યો તેનું ચિંતન કરીએ એને એ દિવસે અમલમાં મૂકવાની કોશિશ કરીએ છીએ. ધૂળવાળી સપાટી પર જેમ કોઈ સ્ટિકર લાંબું ટકે નહીં તેમ ધૂળ સાફ કર્યા વિનાના મન પર આ બધા વિચારો થોડી મિનિટો સુધી જ ટકતા હોય છે. મહત્ત્વ સારા વિચારોનું નથી, ધૂળ સાફ કરવાનું છે. સદ્વિચારોનું મહત્ત્વ પછી આવે છે અને ધૂળ જો પ્રોપર રીતે સાફ થઈ હશે તો કદાચ ઉછીના સુવિચારોનાં સ્ટિકરો લાવીને ચિપકાવવાની જરૂર પણ નહીં પડે.

જીવનને વ્યવસ્થિત કરવું હશે તો પહેલાં ભીતરની અવ્યવસ્થા જોવી પડશે. ક્યાં શું ખોરવાઈ ગયું છે. ક્યાં શું તૂટીફૂટી ગયું છે. વર્ષો સુધી અવાવરુ અને હવડ રહેલી આ જગ્યામાં અવ્યવસ્થા સર્જાઈ તો કઈ રીતે? નવા વિચારોની હવાબારી જડબેસલાક બંધ કરી દીધી હતી એટલે આ બધી અવ્યવસ્થા સર્જાઈ? તો હવે એ વાતાયનમાંથી તાજી હવા આવવા દો. અંદરની અવ્યવસ્થા દૂર થશે પછી જ જીવનની ભૌતિક અવ્યવસ્થાઓ વિશે વિચાર કરવાની ક્ષમતા સર્જાવાની. જે કંઈ નવેસરથી ગોઠવવું છે તે ગોઠવતાં પહેલાં જૂની ગોઠવણો બદલવી પડવાની. અવ્યવસ્થા પર ધ્યાન આપ્યા વિના એ દૂર થવાની નથી અને એને દૂર કર્યા વિના વ્યવસ્થા લાવવાના પ્રયત્નો ધૂળવાળી સપાટી પર ચીટકાડેલાં સ્ટિર્ક્સ પુરવાર થવાનાં.

જ્યારે જ્યારે જે. કૃષ્ણમૂર્તિમાં ડૂબકી મારી છે ત્યારે કોઈને કોઈ મોતી લઈને તમે બહાર આવતા હો છો.

સાયલન્સ પ્લીઝ

પોતાની પાસે જે કંઈ છે તેની ખુશી જેઓ માણી શકતા નથી તેઓ જીવનમાં ક્યારેય પ્રસન્નતા નહીં પામી શકે.

–અજ્ઞાત્

8 COMMENTS

  1. If we have innocent mind just like a child throughout whole life then I believe that no any need of any deep thinking about life.

  2. જે. કૃષ્ણમુર્તિના સિલેક્ટેડ પ્રવચનોનું મૅરી લટ્યન્સે સંપાદિત કરેલું નાનકડું પુસ્તક “Freedom from the Known” મેં વાંચેલા કૃષ્ણમુર્તિના પુસ્તકોમાં મને સૌથી શ્રેષ્ઠ લાગ્યું છે. ભાષા સરળછે અને વિચારો સ્પષ્ટ. જેટલી વાર વાંચો તેટલી વાર તેમાંથી કાંઇક નવું જડે.

  3. જે કૃષ્ણમૂર્તિ ને વાંચવા માટે કોશિશ કરી હતી પણ ખૂબ અઘરું લાગ્યું. કદાચ પોતાની કક્ષા પ્રમાણે બહુ ઉપર બહુ ઊંચું ચિંતન હતું. ફરી એક વાર પ્રયત્ન કરીશ. ધૂળ સાફ કર્યા પછી 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here