પૈસા ઝાડ પર નથી ઉગતા, ભલે. શું બાકીનું બધું ઝાડ પર ઉગે છે? : સૌરભ શાહ

તડક ભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. (રવિવાર, 19 માર્ચ, 2023)

પૈસા નથી ઉગતા ઝાડ પર. બહુ મહેનત, પરિશ્રમ અને તપશ્ચર્યાથી પૈસા મળે છે. પૈસા ઝાડ પર નથી ઉગતા કે તમે ડાળીઓ ખંખેરો અને પૈસા તમારા ખોળામાં આવીને પડે.

પૈસાનું મહત્ત્વ તો તમે બરાબર સમજાવી દીધું. પણ ટેલન્ટનું કે પ્રતિભાનું મહત્ત્વ કેમ આ રીતે ન સમજાવ્યું કે ટેલન્ટ શું ઝાડ પર ઉગે છે?

કોઈ પણ ક્ષેત્રની પ્રતિભા હોય. એ પણ ભારે મહેનત, પરિશ્રમ અને તપશ્ચર્યા પછી જ ઝળકે છે. તમારામાં જન્મજાત ટેલન્ટનાં બીજ હોય તોય મહેનત, પરિશ્રમ અને તપશ્ચર્યા તો જોઈએ જ જોઈએ.

પૈસો જેમ આદરણીય છે, પૂજનીય છે એમ વ્યક્તિમાં રહેલી પ્રતિભા પણ એટલી જ આદરણીય અને પૂજનીય છે. પણ આપણને એની કદર નથી હોતી. ટેલન્ટનો ઉપયોગ અઢળક પૈસો કમાવવામાં થાય ત્યારે જ સમાજ એ ટેલન્ટની કદર કરતો હોય છે, એ પહેલાં નહીં.

પ્રતિભાની કદર કરતાં તમને ડર લાગે છે. તમારું બે-પાંચ વર્ષનું સંતાન પ્રતિભાશાળી છે એવી ખાતરી થઈ ગયા પછી પણ તમે એને એ જે ક્ષેત્રમાં ટેલન્ટેડ છે તે ક્ષેત્રનું એક્સપોઝર આપવાને બદલે ભણવામાં જ ધ્યાન આપવાનું કહેશો જેથી ભણીગણીને ભવિષ્યમાં ‘સારી’ નોકરીએ લાગી જાય – કમાતું ધમાતું થઈ જાય.

‘પૈસા ઝાડ પર નથી ઉગતા’ એ સિન્ડ્રોમ એટલો બધો બળવત્તર હોય છે કે પૈસા સિવાયની બાકીની બધી જ બાબતો ઝાડ પર ઉગે છે એવું આપણે માની લઈએ છીએ.

પૈસો જેમ દુર્લભ છે એમ આ બાબતો પણ દુર્લભ છે એવું સ્વીકારવા આપણે તૈયાર નથી. એટલે જ પૈસાને જેમ જતનપૂર્વક સાચવીએ છીએ એમ આ બાબતોને જીવની જેમ સાચવવા માગતા નથી, સાચવી શકતા નથી.

પૈસાનું મહત્ત્વ સમજાવવાને બદલે મહેનત, પરિશ્રમ અને તપશ્ચર્યાનું મહત્ત્વ સમજાવવું જોઈએ. ખંત અને કામના સાતત્યનું મહત્ત્વ સમજાવવું જોઈએ. ભણવા કરતાં રમવામાં કે ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ પડતો હોય તો એ પ્રવૃત્તિઓમાં નિપુણતા કેવી રીતે મેળવવી એનું કોચિંગ બાળકને આપવું જોઈએ. જે કંઈ કરો તે તમારી અંદરનું છેલ્લું ટીપું નીચોવીને કરો એવી તાલિમ નાનપણથી જ મળવી જોઈએ.

કોઈપણ ક્ષેત્રમાં માત્ર છબછબિયાં કરવાથી ભવિષ્યમાં તમે છીછરા જ રહેશો એ સમજ બાળકમાં નાની ઉંમરે જ આવી જવી જોઈએ. એવું થશે તો જ તેઓ મોટા થઈને સૂંઠને ગાંગડે ગાંધી થઈ જવાનાં સપનાં જોતાં અચકાશે.

ટેલન્ટનું મહત્ત્વ જીવનમાં ટોચનું છે. દરેક બાળક કોઈને કોઈ બાબતમાં પ્રતિભાશાળી હોવાનું, હોવાનું ને હોવાનું જ. કુદરતની આ વ્યવસ્થા છે. માબાપ-શિક્ષકોની ફરજ છે કે આ ટેલન્ટ પારખીને બાળકની પ્રતિભા પાંગરી શકે એવી ભૂમિ એના માટે તૈયાર કરી આપે. એને જે પ્રવૃત્તિમાં રસ પડતો હોય તે પ્રવૃત્તિને અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપે.

પણ થાય છે એનાથી ઊંધું જ. આખો વખત રખડી ખાય છે, ભણવામાં ધ્યાન નથી તારું – આવી ફરિયાદ કરીને માબાપ-શિક્ષકો બાળકમાંની પ્રતિભાને ઉગતી જ ડામી દેવાનું કાવતરું કરે છે. શું કામ? તેઓ પોતે ઇન્સિક્યોર્ડ હોય છે. એમને ડર હોય છે કે પરીક્ષામાં જો સારા માર્ક્સ નહીં આવ્યા તો બાળક આગળ નહીં વધી શકે; સારી ઉચ્ચ શિક્ષણસંસ્થામાં એને પ્રવેશ નહીં મળે. અસલામતી ઉપરાંત બીજું પણ એક કારણ હોય છે. લોકો શું કહેશે? બાળકના મિત્રોમાં પેરન્ટ્સ, અડોશ-પડોશ, સગાંવહાલાંમિત્રો-બધાં જ કહેશે કે આ તે કેવાં માબાપ? છોકરાંને ભણાવવાની જવાબદારી પણ નથી લેતા? છોકરું આખો વખત કેરમ ટીચ્યા કરે છે તોય માબાપ કંઈ બોલતા નથી? છોકરું ભવિષ્યમાં બિલિયર્ડ્સનો ગ્રાન્ડ માસ્ટર બની શકે છે એવું કોઈ નથી જોતું.

કોઈપણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે વ્યક્તિની માનસિકતા બદલાય. સમાજની માનસિકતા વ્યક્તિઓની માનસિકતા પર આધારિત હોય છે. વ્યક્તિ જો પૈસાને પ્રાધાન્ય આપશે તો સમાજ પણ પૈસો મારો પરમેશ્વરનું ભજન ગાશે. વ્યક્તિ જો ટેલન્ટને મહત્ત્વ આપશે તો સમાજ પણ ટેલન્ટેડ લોકોને પ્રોત્સાહન આપશે, આદર-સન્માન આપશે, પોંખશે. વ્યક્તિ જો એમ માનીને ચાલશે કે જે ટેલન્ટનું રૂપાંતર અઢળક પૈસો કમાવવામાં થાય તે જ સાચી ટેલેન્ટ તો સમાજ પણ પ્રતિભાશાળી પરંતુ શ્રીમંત ન હોય એવા લોકોને હાંસિયામાં ધકેલી દેશે.

કરવત વડે લાકડું વહેરનારનો દીકરો ભવિષ્યમાં પિતાના કામનું નિરીક્ષણ કરીને એ ક્ષેત્રમાં નિપુણતા મેળવીને ‘આઇકિયા’ જેવી મલ્ટીનેશનલમાં એક અતિ મહત્ત્વનો ડિઝાઇનર બની શકે છે અને શક્ય છે કે ‘આઇકિયા’ જેવી જ કંપની શરૂ કરીને પ્રતિસ્પર્ધીને હંફાવી દે એવાં કામ પણ કરે.

કોઈપણ ક્ષેત્રનું કામ, કોઈ પણ ક્ષેત્રની પ્રતિભા આ દુનિયા માટે કામનાં છે. ભગવાનને આ સૃષ્ટિ ચલાવવા માટે આપણા બધાની જરૂર છે.
પૈસાના મહત્ત્વ વિશે, આવક ખર્ચનો હિસાબ રાખવાની મહત્તા વિશે અને બચતની ટેવ વિશે બાળકને તાલીમ આપીએ. આ બધું જ જરૂરી છે જીવનમાં. પણ બાળકની પ્રતિભાને ઓળખીને જીવનમાં ટેલન્ટના મહત્ત્વને પણ ઓળખીએ કુદરતે આપેલા આ વરદાનને જીવની જેમ ઉછેરીને કુદરતનો ઋણસ્વીકાર કરતાં શીખીએ. પૈસાની જેમ ઘણી બધી બાબતો ઝાડ પર નથી ઉગતી એ વાત સમજીએ.

પાન બનારસવાલા

કેટલાક લોકો તમારી જિંદગીમાં હવે નથી રહ્યા એની પાછળ કુદરતની એક ચોક્કસ ગણતરી છે. એનો અફસોસ કરવાની જરૂર નથી.
-અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. લેખકે ખરી મજેદાર વાત કહી.પૈસા સિવાય ઘણી વસ્તુ મહત્વની છે જે કષ્ટ સાધ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here