મન રે તુ કાહે ન ધીર ધરે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૨૮ જાન્યુઆરી ૨૦૨૧)

ઉતાવળે આંબા ન પાકે અને ધીરજનાં ફળ મીઠાં એ સૌ જાણે છે પણ આ જાણકારીને અમલમાં મૂકવાની આવે છે ત્યારે? ત્યારે આપણામાંના મોટાભાગના એ કસોટીમાં નાપાસ થઈએ છીએ કારણ કે આપણે આ વાતને બરાબર સમજ્યા નથી અને એ અર્ધસમજણ આપણને અધીરા બનાવી દે છે.

ઘરમાં રસોડામાં ગૃહિણી તપેલીમાં ચોખા પલાળી રાખે છે. એને ખબર છે કે પંદર મિનિટથી અડધો કલાક સુધી ચોખાને બીજું કશું જ નથી કરવાનું, પાણીમાં મૂકી રાખવાના છે. એને ખબર છે કે આ દરમ્યાન ચોખાને તાકીને બેસી રહેવાથી કંઈ ચોખા જલદી પલળી નહીં જાય. એને એ પણ ખબર છે કે એ પછી ચોખામાંથી ભાત, ખીચડી, પુલાવ કે બિરિયાની બનાવવા માટે કેટલી વાર લાગવાની છે. એ શું કરે છે?

ચોખા તપેલીના પાણીમાં હોય ત્યારે કોઈ બીજું કામ હાથમાં લઈ લે છે. એ પછી એના ભાત કે એની ખીચડી બનતી હોય ત્યારે કોઈ ત્રીજું કામ હાથમાં લઈ લેતી હોય છે. કૂકરમાં સીટી વાગતી હોય એ દરમ્યાન જો પુલાવ કે બિરિયાની બનાવવાની હોય તો એની તૈયારીમાં લાગી જતી હોય છે. પુલાવ કે બિરિયાની બની રહ્યા હોય ત્યારે એની પ્રોસેસમાં ગળાડૂબ થઈ જતી હોય છે. એને ક્યારેય એવો વિચાર નથી આવતો કે તપેલીમાં પાણી ભરીને ચોખા પલળવા મૂક્યા હોય એટલે પુલાવ તૈયાર થઈ ગયો. એને ખબર છે કે પૂરતી સીટી નહીં વાગે તો ભાત કાચો રહી જશે અને મરીમસાલા નાખવામાં ઉતાવળ કરી તો ધાર્યું પરિણામ નહીં આવે, વાનગીનો સ્વાદ બદલાઈ જશે.

ધાર્યું પરિણામ જોઈતું હશે તો ધીરજપૂર્વક આખીય પ્રોસેસમાંથી પસાર થવું પડશે એની ગૃહિણીને ખબર છે. એના મનમાં આ ચોખામાંથી જે વાનગી બનવાની છે તેનું આખરી સ્વરૂપ નક્કી છે પણ એ આખરી સ્વરૂપ સુધી પહોંચતાં પહોંચતાં કેટલાં પગથિયાં વટાવવા પડશે તેની એને બરાબર ખબર છે. એ ક્યારેય બબ્બે-ત્રણત્રણ પગથિયાં એકસામટાં ચડી જવાના પ્રયત્નો કરતી નથી. એ સભાનપણે ‘મારે ધીરજવાન બનવું છે’ એવું વિચાર્યા વિના ધીરજ દેખાડી રહી છે કારણ કે એને ખબર છે કે ધીરજ નહીં રાખે તો વાનગી બગડી જશે.

ધીરજ નહીં હોય તો કામ બગડી જશે એવો આપણને વિચાર નથી આવતો એટલે આપણે અધીરા થઈ જઈએ છીએ. ગૃહિણીને ખબર છે કે સાદો ભાત બનતાં અંદાજે કેટલી વાર લાગે, ખીચડી બનતાં કેટલી વાર લાગે, પુલાવ બનાવતાં કેટલી વાર લાગે, બિરિયાની બનાવતાં કેટલી વાર લાગે.

ઘણાં બધાં કામ એવાં હોય છે જેમાં આપણને ખબર નથી હોતી કે આ કામ કરતાં નૉર્મલી કેટલી વાર લાગતી હોય છે. પહેલી વાત તો એ કે જે કામ હાથમાં લેવાતું હોય તેના માટે સામાન્યપણે કેટલી વાર લાગે તે જાણી લેવું પડે. અમુક માળનું, અમુક કદનું મકાન બાંધતાં બીજાઓને કેટલી વાર લાગી? એક શર્ટ સીવતાં કે એક પગરખાંની જોડ બનાવતાં બીજાઓને કેટલો સમય લાગે છે? ફલાણાનો અમુક પ્રોજેક્‌ટ કેટલા સમયમાં પૂરો થયો? આપણી પાસે જે મૅનપાવર અને મનીપાવર છે એને હિસાબે આવો જ પ્રોજેક્‌ટ પૂરો કરતાં આપણને વધારે વાર લાગશે કે ઓછી?

મોટાભાગનાં કામમાં આવી ગણતરી કરીને દરેક કામની સમયમર્યાદા નક્કી થઈ શકતી હોય છે અને કામ શરૂ થયા પછી આપણી ગણતરીમાં થયેલી ભૂલચૂકને ફાઈન ટ્યુન કરી શકાતી હોય છે.

પણ કેટલાંક કામની સમયમર્યાદા નિશ્ચિત નથી હોતી. તમારે હરકિસન મહેતા કે અશ્વિની ભટ્ટ જેવા નવલકથાકાર બનવું છે તો એ બનવામાં કેટલી વાર લાગશે તે નક્કી નથી. અરે, એક નવલકથા લખવામાં કેટલો સમય લાગશે એ પણ નક્કી નથી હોતું. તમારે અમુક સાઈઝનું ઘર લેવા, અમુક બ્રાન્ડની કાર લેવા કે અમુક ગુણો ધરાવતી છોકરી સાથે પરણવા માટે કેટલો સમય લાગશે એની તમને ખબર નથી હોતી. તમે મનોમન ભલે નક્કી કર્યું હોય કે આવતા છ મહિનામાં મારે અમુક પ્રકારની છોકરી શોધીને પરણી જવું છે પણ એ ‘પ્રોજેક્‌ટ’નું પરિણામ સંપૂર્ણપણે તમારા હાથમાં નથી હોતું. તમે ભલે નક્કી કર્યું હોય કે અત્યારે મારી ઈન્કમ આટલી છે એટલે હું અમુક વર્ષ પછી આવું ઘર કે આવી ગાડી લઈ શકીશ પણ ક્યારેક એવું ન પણ બને.

ધીરજની જરૂર આવા સમયે પડે. મનમાં કલ્પના કરી હોય એવું ૧૦૦ ટકા ન થાય તે સમજી શકાય પણ સાવ કંઈ તમે જે મળી તે છોકરીને પરણી જાઓ તો પછી છૂટાછેડા લેવામાં સમય-લાગણી-પૈસાની બરબાદી થવાની છે એની તૈયારી રાખવાની અથવા જિંદગી આખી લંગડાતી ચાલે જીવવાની તૈયારી રાખવાની. ઘર કે ગાડી સમયસર એટલે કે આપણે ધારી લીધેલા સમયે ન મળે ત્યારે હતાશ થઈને, ફ્રસ્ટ્રેટ થઈને કામ કરવાનો ઉત્સાહ ઠંડો થઈ જાય તે ન ચાલે.

ધીરજની ખરી જરૂર આવા અણધાર્યા વિલંબ વખતે પડતી હોય છે. વિલંબ ધીરજનો સૌથી મોટો દુશ્મન છે. ઘણી વખત એ વિલંબ આપણે માની લીધેલો હોય છે કારણ કે આપણને જાણ નથી હોતી કે કુદરતે ચોખાને પલળવા મૂક્યા પછી એમાંથી ભાત બને તે પ્રક્રિયા પાછળ કેટલો સમય નક્કી કર્યો છે.

આપણે કરવાનું એટલું કે ચોખા તપેલીના પાણીમાં મૂકી રાખ્યા હોય તે દરમ્યાન એને તાકીને બેસી રહેવાને બદલે કોઈ બીજું કામ હાથમાં લઈ લેવું. એ કામ પલળી રહેલા ચોખામાંથી નવી વાનગીને બનાવવાની તૈયારીરૂપે જે કંઈ કરવાનું હોય તે હોઈ શકે અને બીજું કોઈ કામ પણ હોઈ શકે જેને એ પલાળેલા ચોખા સાથે કોઈ લેવાદેવા ન હોય. ગૃહિણી ક્યારેક એ પંદર મિનિટ-અડધો કલાકનો સમય છોકરાંને ભણાવવામાં, ટીવી જોવામાં કે ફોન પર ચૅટ કરવામાં પણ વિતાવતી હોય છે.

બીજી વાત. પુલાવ કે બિરિયાની બનાવતી વખતે એને બનાવવાની પ્રક્રિયામાં ઓતપ્રોત થઈ જવાનું. એ બની જશે અને ડાઈનિંગ ટેબલ પર પીરસાશે ત્યારે બધાને કેવી મઝા આવશે એવા વિચારો કર્યા વિના અત્યારે એમાં એલચી નાખવાથી, તજ-લવિંગ કે ઘી નાખવાથી કેવી સુગંધ આવી રહી છે, કેવી રીતે એનાં રંગરૂપ બદલાઈ રહ્યાં છે તેને તન્મયતાથી અનુભવતાં રહેવાનું. કામના પરિણામને બદલે કામ કરવાની પ્રક્રિયામાંથી આનંદ મળતો થઈ જાય છે ત્યારે ધીરજ આપોઆપ કેળવાતી જાય છે.

સાહિર લુધિયાનવીએ એક યાદગાર પંક્તિ લખી છે : ‘મન રે તૂ કાહે ન ધીર ધરે, ઓ નિર્મોહી મોહ ન જાને જિનકા મોહ કરે…’ આ શબ્દો વિશે ચિંતન કરતાં રહીએ.

સાથોસાથ લિન્ડા ગુડમૅનના શબ્દો પણ યાદ રાખીએ. પોતાની રાશિ મુજબ વ્યક્તિનો સ્વભાવ હોય છે એવું જ્યોતિષના આધારે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરનારી વર્લ્ડ ફેમસ લિન્ડા ગુડમૅને દાયકાઓ પહેલાં ‘સનસાઈન્સ’ નામના બેસ્ટ સેલર પુસ્તકમાં એરીઝ( ૩૦મી માર્ચથી ૨૧મી એપ્રિલ વચ્ચે જેમની જન્મ તારીખ આવતી હોય) રાશિવાળાઓ માટે લખેલું કે આ રાશિના લોકો હંમેશાં ભગવાનને પ્રાર્થના કર્યા કરતા હોય છે: ‘હે, ભગવાન! મને ધીરજવાન બનાવ. પણ જરા જલદી કરજે હં.’

અમારી પણ આ જ રાશિ છે. અમારી પણ આ જ પ્રાર્થના છે.

આજનો વિચાર

નદીને ખબર હોય છે—ઉતાવળ કરવાની જરૂર નથી. એક ને એક દિવસ ત્યાં પહોંચવાનું નિશ્ચિત છે.

– ઍલન એલેક્‌ઝાન્ડર મિલ્ન (૧૮૮૨ – ૧૯૫૬. ‘વિનિ-ધ-પુ’ના બ્રિટિશ સર્જક, લેખક, કવિ, નાટ્‌યકાર)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here