ગઈ કાલનો પડછાયો આજ પર પડતો રહે ત્યારે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧)

ગઈ કાલે જે આપવાનું હતું કે પછી જે લઈ લેવાનું હતું તમારી પાસેથી તે અપાઈ ગયું, લેવાઈ ગયું. તમારામાં એ ઉમેરાઈ ગયું કે બાદ થઈ ગયું. હવે એ વાત તમારી આજ જીવાતી હોય ત્યારે વચ્ચે ન આવવી જોઈએ.

ન તો ગઈ કાલની સમૃદ્ધ ક્ષણોને, ન ગઈ કાલની તોડી નાખનારી ક્ષણોને આજે યાદ કરવાથી કશો ફાયદો થવાનો છે. એક જમાનામાં મારી પાસે કેવી જાહોજલાલી હતી- સંબંધોની, ભૌતિક સુખસગવડોની, શારીરિક દેખાવની, તબિયતની-એ બધું યાદ કર્યા કરવાથી એમાંથી કશુંય પાછું આવવાનું નથી. એક જમાનામાં તમે કેટલા દુખી થયા હતા- કેવી રીતે સંજોગોએ તમારા પર એક પછી એક પ્રહારો કરીને તમને તોડી નાખ્યા હતા- એ યાદ કરીને પણ કશું જ બદલાવાનું નથી.

ગઈ કાલનો પડછાયો તમારી આજ પર પડતો રહે છે ત્યારે એ તમારી આજને છાંયડો આપવાને બદલે તમારી આજને મળતો સૂરજનો નવો- તાજો પ્રકાશ અટકાવી દે છે. આ એ પ્રકાશ છે જેમાં તમારી આજનો છોડ ઉછરવાનો છે. આ એ પ્રકાશ છે જે તમારા છોડની રોજે રોજે વૃદ્ધિ કરીને એમાંથી ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બનાવવા માટે સૂર્યે મોકલ્યો છે. ગઈકાલ ઝળુંબતી હશે તમારી આજ પર, તો એ પ્રકાશ તમારા સુધી પહોંચી નહીં શકે. તમારી આજ જન્મ્યા વિનાની જ રહી જશે. તમે ગઈ કાલના માણસ બનીને જ જીવ્યા કરશો.

શું થઈ ગયું અને શું કરી શકીએ છીએ એ બંનેની વચ્ચે શું કરી રહ્યા છીએનો તબક્કો હોય છે. પણ એ સમયગાળાને ઓળખવાને બદલે વીતેલા અને આવનારા વખતને જ વાગોળ્યા કરીએ છીએ, એની કલ્પનામાં રાચ્યા કરીએ છીએ. ભૂતકાળમાંથી બહાર આવીએ તો જ આજ વિશે કંઈક વિચારી શકીએ. ભવિષ્યની ફિકર કે લલચામણા સપનાં છોડી દઈએ તો જ આ વિશે જે વિચાર કર્યો છે તેનો અમલ કરી શકીએ. આજે કરવાનું કામ જ તમને આવતી કાલ તરફ લઈ જશે. આજ જો વેડફાઈ ગઈ તો કહેવું પડશે કે: તમારું કોઈ ભવિષ્ય નથી.

માણસને જે મળી ચૂક્યું છે એની કદર નથી હોતી. જે નથી મળ્યું તે મેળવવામાં એ જે મળી ચૂક્યું છે તે પણ દાવ પર લગાડી દે છે. આમ કરીને એ જે છે તે પણ ગુમાવી દે છે.

ક્યારેક એવો વિચાર આવી જાય કે જે મળ્યું હતું તે જો સાચવી રાખવાની સદ્બુદ્ધિ પ્રગટી હોત તો આજે કેટલા સમૃદ્ધ હોત. સૌથી વધુ અફસોસ જે સમય મળ્યો તેનો ઉપયોગ નહીં કરવાની ભૂલનો થવાનો. જે સરી ગયો છે તે સમયની નિષ્ક્રિયતા અથવા એને વેડફાઈ જવા દેવાની બેદરકારીમાંથી એટલું જ શીખવાનું કે આજની સાથે હવે એવું ન થવા દેવું જોઈએ. સમયને સાચવી લેતાં આવડશે, સમયનો ભરપૂર ઉપયોગ કરતાં આવડી જશે તો બધું જ સચવાઈ જશે જીવનમાં, બધું જ. પૈસો, સંબંધો, પ્રતિષ્ઠા બધું જ.

પ્લાનિંગ શબ્દ ક્યારેક બેમાની, અર્થહીન લાગે ત્યાં સુધી આપણે ફ્યુચરનું આયોજન કરતાં રહીએ છીએ. ભવિષ્યનું પ્લાનિંગ કરવામાં આજને માણવાનું ચૂકી જઈએ છીએ. પ્લાનિંગ હોય તો, બહુ બહુ તો આજનું હોય. આજે મારે શું કરવું છે, અત્યારે મારે શું કરવું છે. આજે જે કરવાનું છે તે કરવાની જવાબદારીમાંથી છટકી જવા માટે ઘણી વખત આપણે ભવિષ્યમાં શું કરવું છે એના વિચારો કરવામાં સમય બગાડતા થઈ જઈએ છીએ.

ગઈ કાલના અનુભવોને લીધે ડર છે એટલે હવે ડરમુક્ત થવા, સલામતી મેળવવા ભવિષ્યનું આયોજન કરતાં રહીએ છીએ. પણ એનું પરિણામ ઊંધું જ આવે છે. ભવિષ્યને જેટલું વધારે સલામત કરવાની મથામણ કરીએ છીએ એટલો ડર વધતો જાય છે. મોટી રકમની ઈન્શ્યોરન્સ પૉલિસી કઢાવીને સિકયૉર્ડ થઈ ગયા પછી ડર લાગવા માંડે છે કે ક્યાંક મુદત પહેલાં જ એ પાકી ન જાય! પૉલિસી નહોતી કઢાવી ત્યાં સુધી એવો ડર નહોતો.

કુદરત ક્યારેય વર્તમાન સિવાયની ક્ષણોને મહત્ત્વ નથી આપતી. એટલે જ એ હરહંમેશ તરોતાઝા રહે છે. આ દુનિયા ચાલે છે કારણ કે અહીં દરેક જણ આજનું મહત્ત્વ જાણીને આજે અને અત્યારે જ પોતાનું કૉન્ટ્રિબ્યુશન નોંધાવે છે. વિમાનનો પાયલટ નથી કહેતો એના પૅસેન્જરોને કે આજે તમે બેસી રહો તમારી સીટ પર, કાલે તમને લઈ જઈશ તમારા ડેસ્ટિનેશન પર. કરિયાણાની દુકાન પર ઊભેલા ગ્રાહકને એવું નથી કહેવામાં આવતું કે છ કલાક ઊભા રહો પછી તમારું મીઠું- મરચું- તેલ બાંધી આપવામાં આવશે. આખી દુનિયા આજે અને અત્યારેના સિદ્ધાંત પર ચાલે છે. કાલે જે શોધ થવાની છે તેનું કામ પણ આજે જ થઈ રહ્યું છે. ભવિષ્યમાં જે ફિલ્મ રિલીઝ થવાની છે તેનું શૂટિંગ તો આજે જ કરવું પડશે. આજનું અને અત્યારની ક્ષણનું મહત્ત્વ જે જે લોકો નથી સમજયા તેઓ ક્રમશ: વાસી થતા જાય છે. આઉટડેટેડ થતા જાય છે અને પછી કોઈને ખબર ન પડે એમ ફેંકાઈ જતા હોય છે.

અને આપણે કોણ વળી આજનું મહાત્મ્ય સમજાવવાવાળા? નરસિંહે પાંચસો વર્ષ પહેલાં ગાયું હતું : આજની ઘડી રે રળિયામણી…

આજનો વિચાર

ભૂતકાળના ડરથી હું મારું ભવિષ્ય રંગાવા નહીં દઉં.

– જુલી કગાવા (અમેરિકન ઑથર, જન્મ: ૧૨ ઑકટોબર ૧૯૮૨, ‘આયર્ન ફે’ સિરીઝની ચાર બુક્સ માટે જાણીતી લેખિકા).

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Kudrat – Nature gets modified in future with mankind’s past and present malpractices. It is high time we respect nature.

  2. આનેવાલા પલ જાને વાલા હૈ , હો સકે તો ઈસમે જિંદગી બિતા દો , પલ જો યે જાનેવાલા હૈ……….

  3. Excellent article !! ” કુદરત ક્યારેય વર્તમાન…. તરોતાજા રહે છે ” ખૂબ સચોટ ઉદાહરણ આપ્યું છે તમે. ભૂતકાળ તો શબ કહેવાય અને શબને સંઘરી રાખો તો એ ગંધાવાનું જ છે. સર , નાના મોંએ હું શું કહું !! આપે ખૂબ સરળ શબ્દોમાં, ખૂબ સ્પષ્ટ રીતે બધુ જ સમજાવી દીધું છે. આપ આવી જ રીતે માર્ગદર્શન આપતા રહેજો એવી વીનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here