રોઝીએ માર્કોને રાજુવાળી બધી વાત કહી દીધી

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

‘રોઝી, તેં મને જાણ કેમ નહીં કરી કે તું આવવાની છે? હું તને લેવા સ્ટેશને આવી જાત. આવ, આવ. ત્યાં કેમ ઊભી છે? એ તો મારી મા છે, વાંધો નહીં.’

રાજુ રોઝીની ભારે બેગ ઊંચકીને અંદર આવે છે અને એના દિમાગમાં એક સામટા હજારો પ્રશ્ર્ન ફૂટી નીકળે છે, પણ અત્યારે એે એને કોઈ સવાલ પૂછવા માગતો નહોતો, કશું જાણવા માગતો નહોતો. રાજુએ પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો. દાઢી નહોતી કરી. વાળ નહોતા ઓળ્યા. ધોતી ચોળાયેલી હતી. ગંજીમાં આગળપાછળ કાણાં જ કાણાં હતાં. ભોંય પર પડેલી ચટાઈ તૂટેલીફાટેલી હતી. પોતાની, ઘરની આ કંગાળ હાલત જોઈને રોઝી શું વિચારશે?

રોઝી સાથે નિરાંતે, એકાંતમાં વાત કરવાનો મોકો આ સાંકડા ઘરમાં મળે એમ નહોતો.

મોડેથી ગફૂરને લઈને રાજુ રોઝી સાથે નદી કિનારે ગયો. ટૅક્સીમાંથી ઊતરીને બેઉ જણા ગફૂરની આંખોથી ઓઝલ થઈને દૂર કિનારે ગયા. રાજુએ હાથરૂમાલ પાથરીને રોઝીને બેસવાનું કહ્યું. તાલુકા ઑફિસના ટાવરમાં સાતના ડંકા સંભળાયા.

‘કેવી સરસ સાંજ છે’, રાજુ બોલ્યો. પછી થોડીવાર રહીને પૂછયું, ‘હવે મને પહેલેથી છેલ્લે સુધીની બધી જ વાત કહે.’

‘આજે સાંજે એ ટ્રેનમાં જતો રહ્યો, બસ.’

‘તું એની સાથે કેમ ના ગઈ?’

રોઝીએ આખી રામાયણ માંડી. રોઝીએ નૃત્યાંગના તરીકે કારકિર્દી બનાવવી છે. એ વાત માર્કોને કહેવાની હતી. માર્કો ખુશ મિજાજમાં હતો ત્યારે રોઝીએ માર્કોના ગુફા સંશોધનના કાર્યમાં રસ લેવાનું શરૂ કર્યું. માર્કોએ મોડે સુધી જાગીને રોઝીને ઉત્સાહપૂર્વક પોતાનાં અભ્યાસનાં કાગળિયાં દેખાડ્યાં. આ બધું જ પુસ્તકરૂપે પ્રગટ થવાનું હતું.

બીજે દિવસે રોઝીએ નૃત્યવાળી વાતનો મમરો મૂક્યો હતો: તમે મને ડાન્સ કરવાની પરવાનગી આપશો?

‘કેમ?’

‘જેમ તમે તમારા કામમાં આગળ વધી રહ્યા છે એમ મારે પણ મારા શોખના વિષયમાં…’

‘એટલે તું મારી સાથે સ્પર્ધા કરવા માગે છે? મારી બરાબરી કરવા માગે છે? હું જે કામ કરું છું તે એક મોટી વિદ્યાશાખા છે, સડક પર નાચવા – ગાવાવાળાઓ જેવું કામ નથી?

‘નૃત્યને તમે સડકછાપ ગણો છો?’

‘મારે તારી સાથે કોઈ ચર્ચા કરવી નથી. ડાન્સ કરવામાં વળી અક્કલ ક્યાં લડાવવાની હોય, એમાં ક્રિયેટિવિટી જેવું શું હોય? કોઈ વાંદરાને શીખવાડે તો એ વાંદરું પણ જિંદગી આખી એ રીતે નાચ્યા કરે.’

માર્કોના અપમાનજનક શબ્દો રોઝી ગળી ગઈ. રોઝીએ વાત બીજે વાળી દીધી. માર્કોનો ગુસ્સો પણ ઊતરી ગયો. એ પાછો શાંત થઈ ગયો.

ફોરેસ્ટ હાઉસમાં એક રાતે રોઝીથી બોલાઈ ગયું, ‘તમારા સિવાય બીજા બધાને મારું નૃત્ય પસંદ છે.’

‘એટલે?’

‘રાજુએ મને નૃત્ય કરતાં જોઈ. એ ભાવવિભોર થઈ ગયો.’

‘રાજુની આગળ તું ક્યારે નાચી?’

‘હૉટેલમાં હતા ત્યારે…’

આ સાંભળીને માર્કોએ રોઝીની ઊલટતપાસ કરવાનું શરૂ કર્યું. આખી રાત પૂછપરછ ચાલતી રહી. ક્યારે મળતાં, ક્યાં ક્યાં, કેટલીવાર, ક્યારે છૂટા પડતાં, શું શું કરતાં. રોઝી રડતી જતી અને પ્રામાણિકતાથી બધું જ સાચેસાચું કહેતી જતી. વહેલી પરોઢે રોઝી થાકીને સૂઈ ગઈ. સવારે ઊઠીને જોયું તો માર્કો એકલો જ ગુફાનો અભ્યાસ કરવા જતો રહ્યો હતો. જોસેફ પાસે કૉફી બનાવડાવીને પીધા પછી રોઝીને ખ્યાલ આવ્યો કે ગઈ કાલે માર્કો સામે બધી જ હકીકતો પ્રગટ કરી દઈને એણે જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી હતી. પ્રામાણિકતાનું પૂંછડું બનવા જતાં એણે એ પણ ન વિચાર્યું કે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી રહી હતી. રાજુ સાથે એણે જે કંઈ કર્યું હતું તે ખોટું કર્યું હતું અને એ બધી વાતો માર્કોને કહી દઈને એણે વધારે ખોટું કર્યું હતું. રોઝીને હવે બીજું કશું જ નહોતું જોઈતું. માર્કોનું દિલ દુભાવ્યા બદલ એને પસ્તાવો થતો હતો, પણ હવે એ માર્કો સાથે શાંતિથી રહેવા માગતી હતી. જિંદગીભર ક્યારેય ડાન્સ કરવા માગતી નહોતી.

રોઝીએ બે હાથ જોડીને માર્કોની માફી માગી. ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય અને માર્કો જે કહેશે તે જ પોતે કરશે એવી બાંયધરી પણ રોઝીએ આપી.

પણ માર્કોએ રોઝીના શબ્દોની, એની હાજરીની, એના સમગ્ર અસ્તિત્વની અવગણના કરી. માર્કોએ રોઝી સાથે બોલવાનું બંધ કરી દીધું, એની સામે જોવાનું સુધ્ધાં બંધ કરી દીધું. રોઝી પલંગ પર સૂતી હોય તો માર્કો જમીન પર જઈને સૂઈ જતો. રોઝીએ પલંગ છોડીને જમીન પર સૂવાનું શરૂ કરી દીધું જેથી માર્કો પલંગ પર જઈને આરામથી લંબાવી શકે.

પણ રોઝી દિવસરાત માર્કોની સાથે જ રહેતી. ફોરેસ્ટ હાઉસમાં, ગુફામાં એ માર્કોની સાથે પડછાયાની જેમ રહેતી. ત્રણ અઠવાડિયાં થયાં પણ બંને વચ્ચે એક શબ્દની આપલે થઈ નહીં. ‘તમે મને પૂરતી સજા કરી દીધી હોય એવું નથી લાગતું તમને?’ એક રાતે રોઝીએ માર્કોને પૂછયું હતું.

માર્કોએ મૌન તોડીને કહ્યું હતું, ‘આ મારા તારી સાથેના છેલ્લાં શબ્દો છે. મારી સાથે તું બોલતી જ નહીં. તારે જ્યાં જવું હોય ત્યાં જા, જે કરવું હોય તે કર.’

‘મારે તમારી સાથે રહેવું છે. મેં તમને જે કહ્યું તે બધું ભૂલી જાઓ, મને માફ કરી દો.’ રોઝીને લાગ્યું કે પોતાને હવે માર્કો બહુ ગમવા લાગ્યો હતો. માર્કો એને માફ કરીને પાછી અપનાવી લે એટલું પૂરતું હતું એના માટે.

‘હા, હું પણ બધું ભૂલવાની કોશિશ કરી રહ્યો છું. હું શું કામ તને પરણ્યો એ પણ મારે ભૂલી જવું છે, પણ અત્યારે તું મારી વાઈફ નથી. તું એક એવી ઔરત છે જે ગમે તે માણસ વખાણ કરે તેની સામે સૂઈ જાય. બસ.’

એક દિવસ માર્કોએ પોતાનો પથારો સંકેલવાનું શરૂ કર્યું. સામાન બાંધવામાં રોઝીએ એને મદદ કરવાનું શરૂ કર્યું. માર્કોએ એને દૂર રાખી. રોઝીએ પોતાનો સામાન પણ તૈયાર કરી લીધો. ગફૂરની ગાડી આવી. ફોરેસ્ટ હાઉસમાંથી માલગુડીની હૉટેલમાં આવ્યાં. એક દિવસ રોકાઈને સૌ કોઈનાં બિલ ચૂકવ્યાં. ટ્રેનના ટાઈમે માર્કો એકલો જ પોતાનો સામાન ઊંચકીને સ્ટેશને ગયો. રોઝી ચૂપચાપ એની પાછળ પાછળ ચાલી. રોઝી જાણતી હતી કે માર્કો મદ્રાસ પાછો જઈ રહ્યો છે. ઘરે. રોઝી પણ માર્કો સાથે ઘરે જવા માગતી હતી. પ્લેટફોર્મ પર આવીને માર્કોએ પોતાનો સામાન દેખાડીને કહ્યું, ‘આ બૅગ્સ ગાડીમાં ચડાવવાની છે – પેલી પેટી કોની છે, મને ખબર નથી.’ પોર્ટરે ઘડીભર રોઝી સામે જોયું. ટ્રેન આવી. રોઝી પોતાની બૅગ લઈને માર્કોની પાછળ પાછળ કંપાર્ટમેન્ટમાં ગઈ. માર્કોએ કહ્યું, ‘મેં તારી ટિકિટ કઢાવી નથી’ અને એણે ખિસ્સામાંથી સિંગલ ટિકિટ કાઢીને રોઝીને બતાવીને કંપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરી દીધો.

‘ટ્રેન ચાલી. હું ઊતરી ગઈ અને તારે ત્યાં આવી.’ રોઝી બોલી અને ક્યાંય સુધી રડતી રહી.

આજનો વિચાર

જેને ગમતો એ ધૂપ કહેતા મને,
ના ગમતો એ મને ધુમાડો કહી ગયા.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: તને ખબર છે, 377 અને 497 વચ્ચે શું ફરક છે?

પકો: શું?

બકો: તમારી વાઈફની બહેનને પ્રેમ કરો એ 497 થયું, અને વાઈફના ભાઈને પ્રેમ કરો તો 377 કહેવાય.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 2 ઓક્ટોબર 2018)

1 COMMENT

  1. મસ્ત લેખ ફિલ્મ જોઈ તો પણ વાંચવા ની મજા આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here