ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
રાજુ રોઝી સાથે નૃત્ય વિશે કંઈ પણ વાત કરતો ત્યારે એ ખીલી ઊઠતી. હમણાં હમણાં જોકે પ્રેમ કરવામાં નૃત્યની વાતો પાછળ ઠેલાઈ જતી હતી. માલગુડીના બજારમાં ફરવામાં, સિનેમાગૃહોમાં જઈને ફિલ્મો જોવામાં અને રાજુ સાથે પ્રેમ કરવામાં રોઝી પણ પોતાના આ વળગણને ભૂલી ગઈ હતી. પણ એક દિવસ એને ફરી નૃત્યની યાદ આવી. એણે રાજુને સીધું જ પૂછી નાખ્યું,
‘તું પણ એના જેવો જ છે?’
‘કઈ બાબતમાં?’
‘તને પણ હું નૃત્ય કરું તે જોવાનું ગમતું નથી?’
‘એવું કોણે કહ્યું?’
‘પહેલાં તું મારી સાથે બહુ મોટો કળાનો પૂજારી હોય એવી વાતો કર્યા કરતો. હવે તારા હોઠ પર ભાગ્યે જ હું નૃત્ય વિશે કોઈ શબ્દ પણ સાંભળું છું.’
વાત તો સાચી હતી. રાજુએ તરત રોઝીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તને નૃત્ય કરતી જોવા માટે હું મારો જીવ આપી દેવા તૈયાર છું, તું બોલ તારે શું કરવું છે, હું કરીશ.’
રોઝીનો ચહેરો ચમકી ઊઠ્યો. એની આંખમાં નવો ચમકારો દેખાયો. નૃત્યની વાત સાંભળતાં જ એ ખીલી ઊઠતી. રોઝીનું દીવાસ્વપ્ન સાકાર કરવા રાજુ પોતાનો જીવ રેડી દેવા આતુર હતો. રોઝીના આ દીવાસ્વપ્નમાં એના પતિ માર્કોને ક્યાંય સ્થાન નહોતું. રોઝીએ ઘણું પ્લાનિંગ વિચારી રાખ્યું હતું. રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને ત્રણ કલાક સુધી રિયાઝ કરશે. એક મોટા રૂમમાં જાડી કારપેટ પાથરેલી હશે. અગરબત્તી પ્રગટાવી હશે. ખૂણામાં નટરાજની વિશાળ મૂર્તિ શોભતી હશે. રિયાઝ પછી એ ડ્રાઈવરને બોલાવશે.
‘તું ગાડી ખરીદવાનું સપનું પણ જુએ છે?’ રાજુએ પૂછ્યું.
‘કેમ નહીં? ગાડી વિના હું હૉલ પર પહોંચીશ કેવી રીતે? કેટલા બધા શો કરતી હોઈશ. બધે સમયસર પહોંચવા આપણી પોતાની ગાડી તો હોવી જ જોઈએ ને.’
‘બિલકુલ હોવી જોઈએ. હું યાદ રાખીશ.’
રિયાઝ કર્યા પછી એ કલાક-બે કલાક ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરશે. સંસ્કૃત શીખવા માટે પંડિતને બોલાવશે. બપોરે લંચ પછી ત્રણ વાગ્યે ઘરની બહાર નીકળશે. શૉપિંગ, સિનેમા અને જો સાંજે કાર્યક્રમ આપવાનો હશે તો બપોરે ત્રણ કલાક આરામ કરશે. કાર્યક્રમના અડધો કલાક પહેલાં જ હૉલ પર પહોંચશે. મેકઅપ અને વેશભૂષા સાથે ઘરેથી તૈયાર થઈને જ નીકળશે. રોઝીએ ઝીણામાં ઝીણી વિગતો વિચારી રાખી હતી. સવારના રિયાઝ માટે મૃદંગવાદકો, તબલચી અને અન્ય સંગીતકારોની જરૂર પડવાની. સપનાંની દુનિયાની સજાવટ શરૂ થઈ ગઈ હતી.
ગફૂરની ટૅક્સીમાં ફરતાં ફરતાં પણ રોઝી રાજુને પોતાના ભવિષ્યનાં આ સપનાઓ તરફ ખેંચી જતી. ક્યારેક હૉટેલના રૂમમાં આવીને ફર્નિચર વગેરે ખસેડીને રાજુને પ્રેક્ષક તરીકે બેસાડીને નૃત્ય કરતી, સાથે ધીમા સાદે ગાતી. એના ઝાંઝરના રણકારથી રાજુ મોહિત થઈ જતો. રોઝી સમજાવતી: ‘ગાતી વખતે જ્યાં પ્રેમની વાત આવે ત્યાં ઈશ્ર્વર સાથેનો પ્રેમ છે એવું સમજવાનું.’ અને ક્યારેક નૃત્ય કરતાં કરતાં એ રોકાઈ જતી અને રાજુ પર પોતાની જાતને ફંગોળીને કહી બેસતી, ‘રાજુ, રાજુ, તું મને એક નવી જિંદગી તરફ લઈ જઈ રહ્યો છે.’
રોઝીને આશા હતી કે માર્કો રોઝીને નૃત્યકાર બનવામાં રાજુની સહાયને મંજૂર રાખશે. ‘મને ખબર છે કે એમની સાથે કઈ રીતે વાત કરવી,’ રોઝી કહેતી. આ બાજુ માર્કો પણ ખુશ હતો. એને એક ત્રીજી ગુફા મળી આવી હતી. રાજુ હજુ અસમંજસમાં હતો: ‘રોઝીની માગણી માર્કો સ્વીકારશે કે નહીં.’ માર્કો ઉત્સાહથી પોતાના સંધોશનની વાતો રોઝીને અને રાજુને કરતો અને કહેતો, આ અભ્યાસ-સંશોધનનાં ગ્રંથ તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે અત્યારની સંસ્કૃતિના ઈતિહાસને જોવાની સૌની દૃષ્ટિ બદલાઈ જશે. રાજુ, આ જગ્યા સુધી પહોંચવામાં તેં મારી મદદ કરી છે. મારા પુસ્તકમાં હું તારા નામનો ઉલ્લેખ અચૂક કરીશ.?
પણ બે જ દિવસમાં હવામાન પલટાઈ ગયું. રોઝીએ રડતાં રડતાં રાજુને કહી દીધું, ‘અમારી પાછળ તું તારો સમય વેડફવાનું બંધ કરી દે. પાછો જતો રહે. હમણાં ને હમણાં જ જતો રહે. બસ, મારે તને આટલું જ કહેવાનું હતું.’
આ સ્ત્રીને એકાએક થઈ શું ગયું? કેમ એ એના પતિની સાથે ભળી ગઈ? રાજુ એને પૂછવા માગતો હતો પણ રોઝી ચિલ્લાઈ ચિલ્લાઈને એને કહી રહી હતી: તું સમજતો કેમ નથી, અમારે તારી કોઈ જરૂર નથી, તું જતો રહે અહીંથી.
રાજુને હવે ગુસ્સો આવ્યો. હજુ ૪૮ કલાક પહેલાં આ સ્ત્રી મારી બાંહોમાં હતી. એ શું એનો દેખાડો હતો? રાજુના ગળામાં કેટલાય અપમાનજનક અને અભદ્ર શબ્દોનો ડૂમો ભરાયો જે એણે ઓગાળી નાખ્યો. રાજુ જાણતો હતો કે હવે એક પળ પણ જો એ અહીં વધારે રોકાયો તો એ પોતાની જાત પર કાબૂ નહીં રાખી શકે. રાજુએ ગફૂરને ટૅક્સી ફોરેસ્ટ બંગલોથી માલગુડી લઈ લેવાનું કહ્યું. ટેકરી ઊતરતી વખતે ગફૂરે રાજુને કહ્યું, ‘તારા ઘરના વડીલોએ તારા માટે વહેલામાં વહેલી તકે કોઈ વહુ શોધી લાવવી જોઈએ.’ રાજુ કંઈ બોલ્યો નહીં. ગફૂરે કહ્યું, ‘તારા કરતાં હું મોટો છું, રાજુ. તેં અત્યારે જે કર્યું છે તે સારું જ કર્યું. ભવિષ્યમાં તું સુખી થઈશ.’
પણ ગફૂરની ભવિષ્યવાણી આગામી દિવસોમાં ખોટી પડી. રાજુની જિંદગીનો સૌથી બેહાલ ગાળો શરૂ થયો. ન ખાવામાં સ્વાદ, ન ઊંઘ આવે, ન કશામાં મન લાગે, અજંપો અને બેચેની સૂનમૂન બેસી રહેવાનું. બધું જ અજાણ્યું લાગે.
દુકાન સાચવતા છોકરાને રાજુએ કાઢી મૂક્યો. પોતે દુકાન સંભાળી લીધી. ટ્રેન આવતી ત્યારે પ્લેટફોર્મ પર યંત્રવત્ આંટો મારતો. પર્યટકોની વર્ધી મળી જતી તો કોઈ ઉત્સાહ વિના એમના માટે ગાઈડની ફરજ બજાવી લેતો. આખો વખત રોઝી યાદ આવ્યા કરતી. માને રાજુની ચિંતા થવા માંડી. રાજુએ ધાર્યું હતું કે માર્કો પોતાને શાબાશી આપશે અને કહેશે. ‘સારું થયું તું રોઝીની નૃત્યકળાને ખીલવવાની જવાબદારી તારા માથે લઈ લે છે. હવે હું નિરાંતે ગુફાઓના અધ્યયન માટે સમય કાઢી શકીશ. તું કેટલો સજ્જન છે, બહુ સારો માણસ છે તું.’
અથવા તો માર્કો બાંયો ચડાવીને પોતાને મારવા દોડશે, રાજુએ વિચાર્યું હતું. પણ આવા સન્નાટાની એને અપેક્ષા નહોતી. રોઝીની ડબલ ઢોલકી જેવી વર્તણૂક માટે રાજુને રોષ હતો. રોઝી માટે શું શું કરવા એ તૈયાર થઈ ગયો હતો. પણ રોઝી જ પાણીમાં બેસી ગઈ. રાજુએ આનંદ ભવન હૉટલના રસ્તે જવાનું છોડી દીધું હતું. ધીમે ધીમે રાજુને પર્યટકોનો કંટાળો આવવા માંડ્યો. એણે સ્ટેશને જવાનું પણ છોડી દીધું. પેલા પોર્ટરના છોકરાને કહી દીધું કે ટૂરિસ્ટોને તું જ સંભાળ.
કેટલા દિવસ વીતી ગયા હશે? ત્રીસ. પણ લાગતું હતું કે એક આખો યુગ પસાર થઈ ગયો. એક બપોરે એ ઘરે ભોંય પર અડધોપડધો સૂઈ ગયો હતો. સાડા ચાર વાગ્યે મદ્રાસ મેલ આવ્યાના ડંકા સંભળાયા. ધસમસતું ઍન્જિન પ્લેટફોર્મ પર પ્રવેશ્યું હશે. રાજુએ વિચાર્યું અને ફરી સૂઈ જવાની કોશિશ કરી. થોડી વારમાં મા આવી.
‘રાજુ, કોઈ તને મળવા આવ્યું છે.’ મા રસોડામાં જતી રહી. રાજુ ઊભો થઈને દરવાજે ગયો. બૅગ લઈને રોઝી ઊભી હતી.
આજનો વિચાર
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી
ક્યારેક કાચ સાથે ક્યારેક સાચ સાથે
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી
– ચિનુ મોદી
એક મિનિટ!
બકો: કોઈ સારા વકીલને તું ઓળખે છે?
પકો: અચાનક વકીલનું કેમ કામ પડ્યું?
બકો: સુપ્રીમ કોર્ટે આડા સંબંધો બાંધવાની હા પાડી છે છતાં મારી પડોશણ ના પાડે છે. મારે પૂછવું છે કે કોર્ટનો તિરસ્કાર કરવા બદલ હું મારી પડોશણની ધરપકડ કરાવી શકું?
( મુંબઇ સમાચાર : સોમવાર, 1 ઓક્ટોબર 2018)
આપની ગાઈડ ની લેખમાળા વાંચીને લાગ્યું કે હવે ગાઈડ વાચવી પડશે, ઘણાં સમયથી ખરીદીને રાખી મુકેલ પણ વાંચવાનો યોગ થતો ન હતો. આપની રસીક શૈલીમાં રજૂઆત વાંચીને યોગ થઈ ગયો જણાય છે.