તપેલી, ઇડલી અને અર્જુન : સૌરભ શાહ

(તડક ભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 25 સપ્ટેમ્બર 2022)

રોજ સવારે ઉઠતાંવેંત અનેક અવાજો કાનને ઘેરી વળે છે.

ઘરના અવાજો. રસોડામાં તપેલી અને સાણસી ખખડે છે. પૅસેજમાં વૉશિંગ મશીનની ગતિ જોર પકડે છે. દૂધવાળો – છાપાવાળો – સફાઈવાળો બેલ મારીને તમારી સેવા કરે છે. કુરિયર અને ડિલીવરી મેન આ જ રીતે દિવસભર બેલ મારશે, સારું છે કે સવારના પહોરમાં એમની ડ્યુટી શરૂ થઈ જતી નથી. કોઈકને ભક્તિસંગીત સાંભળવું છે તો કોઈને ભૂલે બિસરે ગીતમાં કુમાર સાનુનાં ગીતો સાંભળવાં છે. તૂઉઉઉ મેરી ઝિંદગી હૈ, તૂઊઊઊ મેરી હર ખુશી હૈ… સવારના પહોરમાં પાડોશીના ઘરમાં કોઈ ટીવી ચાલુ કરીને તાર સ્વરે બોલાતા ગઈ કાલના વાસી સમાચાર સાંભળી રહ્યું છે. બીજા પાડોશી છેલ્લી પાંચ મિનિટથી બાથરૂમમાં મોટા અવાજે મીઠાના પાણીના કોગળા કરીને શરીરનો કચરો વૉશ બેઝિનમાં ઠાલવી રહ્યા છે.

બહારના અવાજો. રસ્તા પર બાળકોને સ્કૂલે લઈ જતી રિક્ષાઓ દોડી રહી છે, વગર કારણે તીણા હૉર્ન મારી રહી છે. ઍમ્બ્યુલન્સની સાઈરન રસ્તો ચીરીને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને હૉસ્પિટલે પહોંચાડી રહી છે. ભગવાન એને સો વર્ષનું તંદુરસ્ત આયુષ્ય આપે. એને અને ઍમ્બ્યુલન્સના ચાલકને પણ. કોઈ બહાદુર બાઈકના સાયલન્સર સાથે ચેડાં કરીને ધમધમાટ અવાજે ફટફટી ભગાડીને ગલીના નાકા પર રહેતી પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવામાં ચક્કરમાં પેલીના બાપને ગુસ્સે કરી રહ્યો છે. ઇડલીવાળો સાયકલ પર સામાન લાદીને લોકોની સવારની ભૂખ ભાંગીને પોતાના આખા દિવસના ભોજનની વ્યવસ્થા કરવા માટે કાનમાં પેસીને કાણું પડી જાય એવું ભોંપુ વગાડી રહ્યો છે. સોસાયટીનો વૉચમૅન કાંકરાવાળી વ્હિસલ વગાડી વગાડીને આગંતુકના વાહનને વિઝિટર્સ પાર્કિંગની જગ્યા આ નહીં પણ પેલી બાજુએ છે એવો દિશાનિર્દેશ કરી રહ્યો છે. દૂરના કોઈ પ્લૉટ પર પાતાળ કૂવો ખોદવા માટેનું ડ્રિલિંગ મશીન તમને ધમકાવી રહ્યું હોય એવા અવાજે શરૂ થઈ ગયું છે. થોડી જ વારમાં મેટ્રોનું કામકાજ શરૂ થઈ જશે અને તમારા મગજ પર સો-સો મણના હથોડા ઠોકાતા હોય એવી આહ્‌લાદક અનુભૂતિ થશે. બહારગામથી આવેલી લક્ઝરી બસોને સાંકડી ગલીમાં યુ ટર્ન મારવો છે. ટ્રાફિક જામ થઈ જાય છે. હૉર્ન વગાડવાથી ટ્રાફિક જામ દૂર થઈ જાય છે એવું માનતા ડ્રાયવરો મંડી પડ્યા છે. બસચાલક પર આની જરા સરખી અસર પડતી નથી. એ પોતાના કામમાં મગ્ન છે. શાકની લારીવાળો તાજાં શાકભાજી લહેરથી લહેકા કરીને વેચી રહ્યો છે પણ એના ઉચ્ચારોમાંથી ખબર નથી પડી રહી કે આજે તે ગલકાં લાવ્યો છે કે તૂરિયાં. રીંગણાં અને ભીંડા લાવ્યો હોય તો સારું.

ત્રીજા પ્રકારના અવાજો નજીકનાં વૃક્ષોમાંથી આવી રહ્યા છે. કમ સે કમ અડધો-પોણો ડઝન પંખીઓની જાતોની મોટી વસાહતો છે. કાગડા, કબૂતર, કાબર, પોપટ, —બસ, પક્ષી વિશારદ સલીમ અલી બનવાની કોઈ તાકાત નથી. બાકીનાં પંખીઓને ઓળખવાની લાખ કોશિશ કરી પણ નાકામિયાબી સાંપડી. લોકો તો પંખીના ટહુકા પરથી પારખી જાય કે એનું નામ શું, નર છે કે માદા, બચ્ચું છે કે પુખ્ત વયનું. આપણા માટે પંખીઓનો કલબલાટ પૂરતો છે. ગળામાંથી અવાજ કાઢીને એ બીજા જાતભાઈઓને શું સંદેશો આપી રહ્યા છે એની સાથે આપણને કોઈ નિસબત નથી. એનો ટહુકો માદાને આકર્ષવા માટેનો છે કે પછી ઉત્તેજનાના ચિત્કારનો છે એની ય આપણને પડી નથી. એ લોકોનું એ જાણે.

સવાર સવારમાં આ ત્રણ અવાજોમાંથી કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું તે તમારા પર છે. ઘરમાં ખખડતી તપેલીઓ, રસ્તા પર જતી ઍમ્બ્યુલન્સ કે પછી પંખીઓનો કલરવ નિર્ણય તમારા પર છે. માત્ર તમારા પર. પ્રયત્ન અને પ્રેકટિસથી બાકીના બે અવાજો પ્રત્યે બેધ્યાન બની શકાય એમ છે. રોજ આંખ ઉઘડે ને તરત તમારે રસ્તા પરના ટ્રાફિકનો અવાજ સાંભળવાનો છે એવી માનસિકતા તમને પંખીઓના કલરવ તરફ બેધ્યાન બનાવી દે છે એ તમે જોયું છે.

મહાનગરમાં બધું જ ઉપલબ્ધ છે. જંગલમાં, ખેતરમાં, ફાર્મ હાઉસમાં જઈને રહેવા જવાનું નસીબ નથી મળ્યું. કદાચ એવી કોઈ પાત્રતા પણ નથી કે કુદરતને ખોળે જઈને આખી જિંદગી સુધી રહી શકીએ. હવે તો કદાચ એટલી બધી શાંતિ અઠવાડિયા – પંદર દિવસથી વધારે સહન પણ ન થાય.

તો પછી બહેતર છે કે જ્યાં છીએ ત્યાં જ ઍડજસ્ટ થઈને રહીએ, પસંદગી કરીને રહીએ, ફરિયાદો છોડીને રહીએ. તપેલી અને ઍમ્બ્યુલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કોઈ અનામી પંખીના ગળામાંથી નીકળતા મધુર મધુર સ્વરોથી પ્રસન્ન થઈને રહીએ.

આ દુનિયામાં, જિંદગીમાં બધું જ છે. બધું જ તમને મળવાનું છે. ભગવાને વિશાળ બુફે ટેબલ પર બધું જ ગોઠવેલું છે. હાથમાં જે સાઈઝની પ્લૅટ જોઈએ તે આપવા માટે ભગવાન રાજી છે. બુફે ટેબલ પરથી જે જોઈતું હોય, જેટલું જોઈતું હોય – લેવાની છૂટ છે. વજનદાર થઈ જતી પ્લેટનો ભાર ઊંચકી શકવાની ક્ષમતા જોઈએ તમારામાં. તમારા વતી પ્લેટ ઉંચકવા માટે એ કોઈને નહીં મોકલે. પસંદગી તમારે કરવાની છે. સાવધાની તમારે રાખવાની છે. ત્રણેય રસાવાળાં શાક પ્લેટમાં મૂકી દેવાની લાલચ સંતોષ્યા પછી એવી ફરિયાદ કરવાનો તમને હક્ક નથી કે ત્રણેય શાકનો સ્વાદ તો એક સરખો છે. એક સરખો સ્વાદ નથી, ભઈલા. એક પંજાબી, એક રાજસ્થાની અને એક ગુજરાતી શાક છે. તેં ત્રણેયની ગ્રેવી ભેગી કરી નાખી. હવે ખા.

વિવેક આપણામાં જોઈએ. જમતી વખતે જમવાનું હોય. નાસ્તો કરતી વખતે નાસ્તો કરવાનો હોય. યજમાને તમામ પ્રકારના મહેમાનોને સંતોષ મળવો જોઈએ એવી વ્યવસ્થા કેટરર સાથે બેસીને ગોઠવી આપી એનો અર્થ એ નથી કે તમારે પાણીપુરી ખાઈને દાળઢોકળી ખાવાની કે પંદર મીઠાઈઓમાંથી બધી એકએક લઈને પ્લેટ પર ખડકલો કરવાનો.

ડિસ્ક્રિશન. પસંદગીનો હક્ક તમારો છે. જિંદગીમાં શું જોઈએ છે એ નક્કી કરવા જેટલો જ અગત્યનો નિર્ણય છે કે શું શું જતું કરવું છે, ક્યા ક્યા વિકલ્પો નથી લેવા. હસવું અને લોટ ફાકવો એકસાથે નથી બનવાનું એવું આપણા વડીલોએ પૂર્વજો પાસેથી સાંભળેલું અને અમલમાં પણ મૂકેલું. આપણે એ ડહાપણનો વારસો માળિયા પર ચડાવી દીધો. આજે શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે, પિતૃઓના એ વારસાને માળિયામાંથી બહાર કાઢીને એના પર બાઝી ગયેલી ધૂળ ખંખેરીએ અને કાં તો હસવાનું બંધ કરીએ, કાં લોટ ફાકવાનું બંધ કરીએ.

મહાભારતમાં વેદ વ્યાસ લખવાનું કદાચ ચૂકી ગયા છે પણ અર્જુનના એક દોસ્તારે મને આ વાત કહી હતી. અર્જુન સવારે ઉઠતો ત્યારે એને ન તો રસોડામાં તપેલી ખખડવાનો અવાજ સંભળાતો, ન ઇડલીવાળાનું ભોંપુ એને સંભળાતું, દૂરથી આવતા ટુકટુકિયાના સ્વર સિવાય એને બીજું કશું નહોતું સંભળાતું. અને એટલે જ ગુરુ દ્રોણાચાર્યે પરીક્ષા લીધી ત્યારે યુધિષ્ઠિરથી માંડીને દુર્યોધન સુધીના સૌ કોઈને ઝાડ, થડ, ડાળી, પાંદડાં દેખાતાં પણ આ સાહેબને પંખીની માત્ર આંખ જ દેખાતી.

પ્રેકટિસ ચાલુ રાખવી. ક્યારેક આપણને પણ માત્ર પંખીની આંખ જ દેખાતી થઈ જશે.

પાન બનારસવાલા

આપણી જિંદગી મર્યાદિત છે. બહુ મોટી અને પોલી મહત્ત્વાકાંક્ષા પાછળ પડવાને બદલે જે કામ સારું હોય અને હાથવગું હોય એ તરત જ કરજો. ઘણીવાર એક સારું કામ બીજા માટે રસ્તા ખુલ્લા કરશે. નામના અને કીર્તિ બધાને ગમે છે, પરંતુ મોટેભાગે એની પાછળ પડનારથી એ દૂર ભાગે છે. અને જે માણસ નિષ્ઠાપૂર્વક પોતાને મનગમતું કામ કરે છે એને જરૂરી કીર્તિ સામેથી આવીને મળે છે અને ન મળે તો એને એનો અફસોસ થતો નથી.

—મોહમ્મદ માંકડ

(‘નવનીત – સમર્પણ’ માં પ્રકાશિત પામેલા અવતરણમાંથી)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. રમણ મહર્ષિ બહુ સરસ કહે આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, આ કામ મનનુ છે, મન જે સાંભળવા માંગે તે સંભળાય, હવે આજના લાઉડ સ્પીકર ના ટાઈમ મા જે જબરદસ્તી થાય છે તે ના થી મહર્ષિ અજાણ હશે

  2. બહુ જ સરસ લેખ ઘણી‌ સમસ્યાઓ ના સમાધાન મળી જાય છે મુંઝવણમાં માર્ગ ચીંધનારો ઉત્તમ… શ્રેષ્ઠ

  3. ખૂબ જ સરસ , સરળ અને તો પણ ખૂબ… ખૂબ… અસરકારક લેખ.
    મનન, ચિંતન કરી વાગોળવા જેવો લેખ.
    ખૂબ ખૂબ ધન્યવાદ.

  4. I want to take Print out So Please give articles without locked I am Senior citizen The best article Thanks

  5. નામના અને કીર્તિ બધાને ગમે છે પણ એની પાછળ પાડનાર થી એ દૂર ભાગે છે. એકદમ સો ટકા સાચી વાત.

  6. સરસ છણાવટ, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવા જેવો વિચાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here