જીવન સરળ છે. જીવનમાં કશું જ સમજવું અઘરું નથી. જીવનની કોઈ વાત કઠિન નથી : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘ સંદેશ’ , અર્ધ સાપ્તાહિક પૂર્તિ . બુધવાર , ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ )

રોજિંદુ કાર્ય પડતું મૂકીને ધર્મધ્યાન કરવા ન જવાય. કેટલાક લોકો જીવનનો અર્થ શોધવા ગામ આખામાં ભટકતા થઈ જાય છે. તેઓ પલાયનવાદી છે. સંસારની જવાબદારીમાંથી છટકવા માટે બાબાગુરુઓના આશ્રમમાં જતા રહે છે. પછી ત્યાં જઈનેય બાગકામ, રસોઈકામ, સફાઈકામ, વહીવટી કામ વગેરે કરવાનાં આવે ત્યારે સમજાય છે કે કામ કરવાની જવાબદારીમાંથી તમે ક્યારેય છટકી શકવાના નથી. તો પછી બહેતર છે કે તમે જ્યાં છો ત્યાં રહીને જ, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં, તમારી જવાબદારીઓ નિભાવો.

વરસમાં એકાદવાર થોડા દિવસ પૂરતું વતનના ગામે કે પછી માથેરાન-મહાબળેશ્વર કે પછી કેરળ-સિક્કિમ કે પછી મોરેશ્યસ યુરોપ વૅકેશન માટે જતા હો તે રીતે તમે અઠવાડિયા દસ દિવસની શિબિર કે વિપશ્યના કે મૌન સાધના માટે સંસારથી દૂર જતાં રહો તો તેમાં કશો વાંધો નથી. ઊલટાનું સારું છે, આવકાર્ય છે, કારણ કે તમે ફરી તાજામાજા થઈને એ જ સંસારમાં પાછા આવો જ છો. કામચલાઉ ધોરણે, બે-ચાર દિવસ-અઠવાડિયા માટે તમે સંસાર ત્યાગ કરો છો તે તમારા માટે મનનો ઉપવાસ કરવા જેવું છે. જેમ શરીર અસ્વસ્થ હોય ત્યારે એકાદ ટંક પૂરતું તમે પેટને સંપૂર્ણ આરામ આપો તો સારું જ છે. આવું કરીને કંઈ તમે અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુને બોલાવી રહ્યા છો એવું કોઈ ન કહી શકે એ જ રીતે અમુક દિવસ પૂરતું તમે સંસારથી અલિપ્ત થઈ જાઓ છો તો તમે કંઈ પલાયનવાદી નથી થઈ જતાં. ઊલટાનું થોડા દિવસ સંસારથી દૂર રહેવાથી સંસારને દૂરથી જોવાની નવી દૃષ્ટિ કેળવાઈ શકે છે.

જીવન શું છે તે સમજવા કાયમ માટે સંન્યાસી થઈ જવાની કે દીક્ષા લેવાની કે પછી સંસારનો ત્યાગ કરવાની જરૂર જ નથી. ઈન ફૅક્ટ, જીવન શું છે તે, સમજવા માટે તમારા ચોવીસ કલાકના સમયમાંથી અલગ સમય ફાળવવાની પણ અનિવાર્યતા નથી. જો ફાળવતા હો તો સારી વાત છે. પણ એ અનિવાર્ય નથી. આખા દિવસમાં થોડો સમય તમે જો બીજું કંઈ કામ કર્યા વિના બે મિનિટ ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહેતા હો કે હનુમાન ચાલીસાનો પાઠ કરતાં હો કે દીવો અગરબત્તી પ્રગટાવીને કે ભજન ગાઈને ભગવાનની પ્રાર્થના કરતા હો તો સારું જ છે. કારણ કે એ આપણા સંસ્કાર છે, આપણી વિરાસત છે. પણ જો કોઈ પણ કારણસર તમે એવું ન કરતા હો, આવા બધામાં રોજની એક મિનિટ પણ ફાળવતા ન હો તોય તમે સહેજ પણ ઓછા ધાર્મિક બની જતા નથી, સહેજ પણ ઓછા આધ્યાત્મિક બની જતા નથી, સહેજ પણ ઓછા ફિલોસોફિકલ બની જતા નથી.

જીવન જીવવું, પૂરેપૂરી વ્યસ્તતાથી જીવવું, ભરપૂર વ્યસ્તતાથી જીવવું એ જ પર્યાપ્ત છે. જેમ શ્ર્વાસ લેવા માટે તમે અલગ સમય ફાળવતા નથી એમ ઈશ્ર્વર સાથે સંબંધ બાંધવા માટે પણ અલગ સમય ફાળવવાની જરૂર નથી હોતી. જીવનનો હેતુ શોધવા માટે પણ અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. જીવનનો હેતુ એક જ છે—તમે જે કામ કરો છો તે કરતાં રહો. એ જ હેતુ છે જીવનનો. કોઈ તમને આંગળી પકડીને તમારા જીવનના હેતુની ખોજ કરાવવાનું વચન આપે તો એવા ફ્રૉડ લોકોથી બચતા રહેજો. એમના માટે જીવનનો હેતુ તમને આધ્યાત્મિક મમ્બો-જમ્બોમાં ગૂંચવી દઈને શીશામાં પૂરવાનો હોય છે એટલું લખી રાખજો.

જીવન વિશેની અઘરી અને કઠિન અને ન સમજાય એવી વાતોને ‘ગહન’નું લેબલ ધરાવતા બાટલામાં રેડીને વેચવાનો વેપાર ધમધોકાર ચાલે છે. ચાલવા દો. પણ તમારે આવા માર્કેટિંગના શિકાર બનવું જરૂરી નથી.

ભગવાન વિશે કે પછી આ વિષય પરના કોઈ પણ મુદ્દા વિશે જો તમને કોઈના દ્વારા કહેલી વાતો સમજાતી ન હોય ત્યારે તરત સાવધ થઈ જજો. આ વિષય એવો અટપટો છે જ નહીં કે એમાં સમજ ન પડે. જો કોઈની વાતો સમજમાં ન આવતી હોય તો એમાં તમારી અક્કલ ઓછી પડે છે એવું જરાય માનતા નહીં. ઊંચી ઊંચી અને ન સમજાય એવી વાતો કરનારનો એ વાંક છે. એણે જાણી જોઈને, તમને ગૂંચવી નાખવા માટે, સાદીસીધી કન્સેપ્ટને ગૂંદી ગૂંદીને ન ઓળખાય એવી બનાવી દીધી છે. બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરીને તમે ઈસ્ટમાં બહાર આવશો તો કોઈ પણ માણસને પૂછશો કે મરાઠા મંદિર ક્યાં આવ્યું કે તરત ડાયગ્નોલી ઑપોઝિટ દેખાતી એ ભવ્ય ઈમારત દેખાડશે જ્યાં સત્વીયાવીસ વરસથી, હજુય, ડીડીએલજે મૉર્નિંગ શોમાં ચાલી રહ્યું છે. પણ કોઈ બાબા ગુરુપ્રવચનકારના સંસ્કારો જેનામાં ઠાંસી ઠાંસીને ભર્યા છે એવા કોઈ ફ્રૉડ ટૅક્સીવાળાની ટૅક્સીમાં બેસીને તમે પૂછશો કે મરાઠા મંદિર લે લો, તો એ પહેલાં મીટર પાડશે અને પછી જમણો દરવાજો ખોલીને કહેશે— ઊતરી જાઓ, સામે દેખાય… અને તમારી પાસેથી એ ભાડું વસૂલ કરશે.

તમારે જો તમારાં સમય-એનર્જી વગેરેનું ભાડું ચૂકવવું જ હોય તો ચૂકવો. ‘ગુરુજી વાતો બહુ ઊંચી ઊંચી કરે છે. ભલે આપણને બધું ન સમજાય, પણ એમાં તો આપણો વાંક કહેવાય. આપણી અક્કલ ઓછી છે’ આવું માનીને તમારે પેલા ટૅક્સીવાળાના સહોદર એવા ગુરુજીને ખટાવવા હોય તો એમાં બીજા કોઈને કશું નુકસાન નથી. તમારી મરજી.

જીવન સરળ છે. જીવનમાં કશું જ સમજવું અઘરું નથી. જીવનની કોઈ વાત કઠિન નથી. જીવન વિશેની અઘરી અને કઠિન અને ન સમજાય એવી વાતોને ‘ગહન’નું લેબલ ધરાવતા બાટલામાં રેડીને વેચવાનો વેપાર ધમધોકાર ચાલે છે. ચાલવા દો. પણ તમારે આવા માર્કેટિંગના શિકાર બનવું જરૂરી નથી. આધુનિક મેડિકલશાસ્ત્રમાં ઉછરેલા ડૉક્ટરો, જેમની સાથે સાઠગાંઠ હોય એવી ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરિંગ કંપનીઓની, કેટલીક દવાઓ તમને પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે, જેનું સેવન શરૂ કર્યા પછી ન તો તમારું દર્દ કાયમ માટે દૂર થઈ જાય છે, ન તમે એને બંધ કરી શકો છો. આજીવન તમારે એ નહીં તો એની બહેનપણી જેવી ગોળીઓ ગળવી જ પડે. મરતા દમ સુધી.

જીવનનાં ‘ગૂઢ રહસ્યો’ સમજાવનારાઓનું બજાર પણ આ મલ્ટીનૅશનલ કંપનીઓના રેકેટનું પ્રતિસ્પર્ધી છે. એક વખત તમે એ કુંડાળામાં પગ મૂક્યો કે તમારું આવી બન્યું. ન તમે ક્યારેય સમજી શકવાના છો આ ‘ગૂઢ રહસ્ય’ને (કારણ કે એવા કોઈ ‘ગૂઢ રહસ્ય’નું અસ્તિત્વ જ નથી.) ન તમે એ લોકોની લપેટમાંથી, ચુંગાલમાંથી બહાર આવી શકવાના છો કારણ કે આવી વાતો સાંભળવાનો નશો થઈ ગયા પછી, તમને ગૂંચવાઈ જવાની મઝા આવતી હોય છે, નાનપણમાં ફેરફુદરડી ફરવામાં આવતી હતી એવી અથવા તો મોટા થયા પછી ડિઝનીલૅન્ડની રૉલર કોસ્ટરની વિવિધ રાઈડ્સમાં બેસવાથી આવી હતી એવી. એવી કૃત્રિમ થ્રિલ્સનો રોમાંચ મેળવવામાં જીવન વેડફી નાખવું હોય તો ભલે. બાકી, ખરું કહું? આ બધા વિશે કશું વિચારવાનું જ નહીં. એ દિશામાં જોવાનું જ નહીં. જે કામ કરીએ છીએ તે કરતાં રહીએ એજ ખરું જીવન છે, ખરું અસ્તિત્વ છે, એ જ ખરો ઈશ્ર્વર છે, એ જ ખરા પરમાત્મા છે અને એ જ જલસા છે, એ જ મોક્ષ છે.

સાયલન્સ પ્લીઝ!

મારી ગઈ કાલની વાત મારી સાથે અત્યારે કરવાનો કોઈ મતલબ નથી. ગઈ કાલે હું અલગ વ્યક્તિ હતી.

– લુઈ કેરોલ (‘એલિસ ઈન ધ વન્ડરલૅન્ડ’માં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. સાવ સાચી વાત કહી સાહેબ.
    આપના આર્ટિકલ માં ઘણું જાણવા મળે છે.
    જય શ્રી કૃષ્ણ

  2. એકદમ સાચી અને સાવ સરળ વાત હોવા છતાં ઘણા ઘણા લોકો સમજતા નથી. જો બધા લોકો સાધુ બની જાય તો સંસાર કેવી રીતે ચાલે. પ્રગતિ કેવી રીતે થાય! જે ઉદ્યમ આપણે ઉત્તમ રીતે કરી શકતા હોઈએ સમજો એને માટે જ આપણને જીવન મળ્યું છે અને એ પૂરું કરવાની આપણી ફરજ છે. આપના શબ્દો થી આ વાત ખૂબ સરળ રીતે વ્યક્ત થાય છે. ઉદાહરણ આપી ને ઢોંગીઓ ને ઉઘાડા પાડ્યા છે. જે જરૂરી હતું. કેટલાય સંતો અને દીક્ષાર્થી ઓને અભિમાનમાં રાચતા જોયા છે તેઓના સંસર્ગમાં આવનારા લોકોને કઈ જાતનો આધ્યાત્મિક ફાયદો થઇ શકે એ જ સમજાતું નથી!
    લેખ માટે આભાર.

  3. સાવ સાચી વાત, પણ ભક્તિનો નશો સાવ કાઢી નાખવા જેવો નથી, અગડમ બગડમ બાબાઓથી બ ચીને ઉત્તમ ગ્રન્થો ભગ વ દ ગીતા નો પાઠ એની મેળે સમજાય જો તમેશ્રધ્ધાલુ છો, બાકી આ શાશ્વત પ્રશ્નો છે જે બબળેછે કે અમે પામી ગયા હવે તમે પામો તો સા v ધા ન કારણ,કે જો જાનતી વો કહતી નાહી, જો કહતી વો જાનત નાહી.
    પરંતુ સાચા ચિંયકો સાધકો ને ઓળખી વાત માનવી તેં સદ્દ છે.

  4. 100%True .vyast raho, mast raho. No regrets , Enjoy What we have. Satisfied people always feel happy in every situation. Apna Man, Apna Guru.

  5. Suuuuuuuuuperb…..
    કર્મયોગ ને બિરદાવવા નો સરળ અને એટલે જ ધારદાર લેખ.
    તમે સ્વામી વિવેકાનંદ હો કે નરેન્દ્ર મોદી કે કોઇ સામાન્ય વ્યક્તિ… તમારી જવાબદારીઓ (તમારી જાત પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે , દેશ પ્રત્યે)… પ્રમાણિકપણે…. પુરી નિષ્ઠાપૂર્વક….. એજ તમારી આધ્યાત્મિકતા ….

  6. સરસ સરળ જીવન સહુને ગમે છે. પણ ધીમે શધીમે નીરસતા આવે છે. મનને, હ્રદયને ક્યારેક ચકમકની જરૂર પડે છે. એને change કે recreation પણ કહે છે. સારું વાંચન, સાહચર્ય જરૂરી છે.

    પણ, મનને વિવેક કેળવવાની જરૂર પણ પડે છે!
    આમ ઘંટીના બે પડ વચ્ચે જીવન અટવાયું તો થોડો સમય દર્દ પણ સારું લાગે છે! પછી બહાર નીકળવાની તકલીફ પડે છે!

    આવા માણસોને તમારો લેખ હળવાશ આપશે….આભાર… ખૂબ ખૂબ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here