સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ બીજો) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: મહા વદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, 26 ફેબ્રુઆરી 2022)

ત્યાગના ઉપરછલ્લા નિયમો સાધુઓ બીજાઓ પર પ્રભાવ પાડવા બનાવતા હોય છે એવું સ્વામીજી માને છે. સવારની ચા પીધા પછી અમે સભામંડપમાં ગોઠવાઈએ છીએ. સ્વામીજી હીંચકા પર બેસે છે. પૂર્વમાંથી સૂરજનાં ત્રાંસાં કિરણો સભામંડપમાં પગપેસારો કરવા મથે છે અને સફળ પણ થાય છે. આ બાજુ આશ્રમમાં બહારના માણસોની ખૂબ અવરજવર થતી દેખાય છે. એ સૌ આસપાસના વિસ્તારમાંથી આવ્યા છે. રોજ સવારે બે પીપડાં ભરીને આણંદની અમૂલ ડેરીમાંથી છાશ ખરીદાઈને આશ્રમમાં આવે છે જે આ લોકોમાં વિનામૂલ્યે વહેંચાય છે. છાશ લેવા આવતા લોકોમાંથી મોટાભાગનાઓ સ્વામીજીને વંદન કરીને પાછા જાય છે. એ દરેકને સ્વામીજી મુઠ્ઠી ભરીને સાકરિયા અને ખડી સાકરનો પ્રસાદ આપતા રહે છે, અમારી સાથેની વાતનો તંતુ સાધતા રહે છે. કલાક સુધી વારંવાર પ્રસાદના ડબ્બા તરફ લોલુપ નજરે જોયા પછી પણ સ્વામીજી જ્યારે અમારા અંતરની ઇચ્છા કળી શકતા નથી ત્યારે અમે પેન બાજુએ મૂકી, ટેપ બંધ કરી ( આવી વાતો ઑન ધ રેકૉર્ડ ન હોય) નફ્ફટ બનીને જમણો ખોબો ધરીએ છીએઃ ‘સ્વામીજી, અમને તો પ્રસાદ આપો.’ એ પછી દર કલાકે સ્વામીજી અમને પ્રસાદ આપતા રહે છે ને એક વખત સ્વામીજી હીંચકા પરથી ઊભા થઈને કોઈ કામે કાર્યાલયમાં જાય છે ત્યારે અમે ચૂપચાપ બીજી એક મુઠ્ઠી સાકરિયાદાણાની લઈ લઈએ છીએ જે મોઢામાં હોય છે ત્યારે જ સ્વામીજી પાછા ફરે છે.

‘આવે એને એક સલામ, જાય એને સો સલામ અને કદી ન આવે એને લાખ સલામ’ — આશ્રમના સભામંડપની બહારની દીવાલ પર મોટા અક્ષરે આ સૂત્ર ચીતર્યું છે. શું સ્વામીજી નથી ઇચ્છતા કે અહીં કોઈ આવે? અમારા આવવાથી સ્વામીજીએ જેટલો આનંદ બતાવ્યો એના કરતાં સો ગણો આનંદ એમને અમારી આશ્રમવિદાય વખતે થશે? અમે સ્વામીજીને સવારનો સૌથી પહેલો સવાલ આ વિશે પૂછ્યો અને સ્વામીજીએ તંદુરસ્ત હાસ્ય સાથે કહ્યું: ‘એનો ગૂઢાર્થ એવો છે કે જે સંસારમાં જન્મ લઈને આવે છે એને એક સલામ છે; પોતાનાં કર્મો કરીને પરવારીને જે મૃત્યુ પામે છે એને સો સલામ છે પણ જે કદીય જન્મ લેતો નથી એ પરમાત્માને લાખ લાખ સલામ છે.’

‘દરેક કામમાં કોઈ એક જ વ્યક્તિ સર્વેસર્વા હોય તો એ કામ વધુ સારી રીતે પાર પડે એ આપણે જોયું છે…’: સ્વામી સચ્ચિદાનંદ

સ્વામીજી પ્રવચન માટે જાય ત્યારે એમની તાકીદ હોય છે કે કોઈ રાજકારણીને મંચ પર બોલાવવાના હો તો પોતે નહીં આવે. દંતાલી આશ્રમમાં તેઓ રાજનીતિક નેતાઓના આગમનને વધાવતા નથી. રાજકારણ માટે કે આજના રાજકારણીઓ માટે એમને આટલી સૂગ શા માટે છે?

‘ભારતમાં લોકશાહીનું રાજકારણ સફળ થયું નથી કારણ કે આપણી લોકશાહીમાં પાયાના અનેક દોષ રહી ગયા છે. રાષ્ટ્રે સ્વીકારેલા બંધારણમાં અનેક ફેરફારો કરવા જરૂરી છે. અત્યારની લોકશાહીમાં સારા માણસો આગળ નથી આવી શકતા.’

આનો કોઈ વિકલ્પ ખરો?

‘વિકલ્પ છે. આપણે ટીમ સ્પિરિટથી, સંઘ ભાવનાથી કામ નથી કરી શકતા; દરેક કામમાં કોઈ એક જ વ્યક્તિ સર્વેસર્વા હોય તો એ કામ વધુ સારી રીતે પાર પડે એ આપણે જોયું છે…’

સ્વામીજી સરમુખત્યારશાહીની તરફેણ કરે છે?

‘ના, એનું સારું સ્વરૂપ પણ હોઈ શકે.’

સરમુખત્યારશાહીનો એક પ્રકાર બાળ ઠાકરેમાં જોવા મળે છે…

‘ના, બાળ ઠાકરેનું ઉદાહરણ બરાબર નથી. આદર્શ રાજકારણીમાં જે ગંભીરતા જોઈએ, જે સમતા જોઈએ એ એમનામાં નથી. એમનું વર્તન વધારે લાગણીશીલ, વધારે તોછડાઈભર્યું હોય છે એટલે એવા માણસો તો ઊલટાનું વધારે નુકસાન કરે. શુદ્ધ લોકશાહી એવી પ્રજા માટે છે જે શિસ્તબદ્ધ હોય, નૈતિકતાવાળી હોય.’

‘મારે ઇતિહાસનાં બે પુસ્તકો (‘ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો’) એટલા માટે લખવાં પડ્યાં કે તમને ખબર પડે કે તમને કીડામંકોડાની માફક કેવી રીતે છૂંદવામાં આવ્યા છે. દુશ્મનો સામે લડી શકે એવી એક ટકો, અડધો ટકો પ્રજા પણ આપણી પાસે નહોતી’: સ્વામી સચ્ચિદાનંદ

તો હવે ભારતનું ભાવિ કેવું?

સ્વામીજી જરા વિગતે સમજાવે છેઃ

‘લશ્કરી બળવો કે કોઈ પણ પ્રકારનો બળવો ભારતની હિંદુ પ્રજા દ્વારા થાય એવી શક્યતા નથી. અફઘાનિસ્તાનમાં રશિયા પેસી ગયું. અફઘાનિસ્તાનીઓએ રશિયાને જંપીને રાજ કરવા ન દીધું. જો રશિયા ભારતમાં પેસી ગયું હોત તો એની સામે ભાગ્યે જ કોઈ વિરોધ થયો હોત. અને જો થયો હોત તો બે-ચાર-છ મહિનામાં કચડી નાખી શકાયો હોત. પણ અફઘાનો રશિયનોને બહાર તગેડીને જ જંપ્યા. એ પછી અંદરઅંદર લડ્યા એ જુદી વાત છે. અત્યારે તાલિબાનોની સરકાર છે. એમને હું સમર્થન નથી આપતો પણ એટલું તો કહેવું પડશે કે એ વિદ્યાર્થીઓ જે કરી શકે તે ભારતના વિદ્યાર્થીઓ ન કરી શકે. ભારતના વિદ્યાર્થીઓ કે આપણા અમદાવાદના વિદ્યાર્થીઓ બહુ બહુ તો થોડું આંદોલન કરે, થોડી ગોળીઓ ખાય એ બધું થાય પણ તમે એમને બે-ત્રણ દહાડામાં જ લશ્કર દ્વારા કચડી શકો, પણ તાલિબાનોએ સરકાર રચવા જેટલી શક્તિ ઊભી કરી. આ રીતે ઝઝૂમવાની તાકાત આપણી પ્રજામાં નથી, એવું ખમીર આપણામાં નથી. એટલું ખરું કે આ મુસ્લિમ પ્રજા ભાવુક હોવાથી અંદરઅંદર લડી પડતી હોય છે. જ્યારે અંગ્રેજો એકબીજા સાથે લડતા નહીં. ભારતમાં સો વર્ષ એમણે રાજ કર્યું પણ ક્યારેય સાંભળ્યું છે કે અંગ્રેજોનું એક જૂથ બીજા જૂથ સાથે લડી પડ્યું હોય? મુસ્લિમોએ ભારતમાં આવીને એકબીજા સાથે ઘણી લડાઈઓ કરી. એમનામાં રાષ્ટ્રવાદ નથી. હિંદુઓમાં તો બિલકુલ નથી. મારે ઇતિહાસનાં બે પુસ્તકો (‘ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો’) એટલા માટે લખવાં પડ્યાં કે તમને ખબર પડે કે તમને કીડામંકોડાની માફક કેવી રીતે છૂંદવામાં આવ્યા છે. દુશ્મનો સામે લડી શકે એવી એક ટકો, અડધો ટકો પ્રજા પણ આપણી પાસે નહોતી. આજે ય નથી. આજે ય તમે કલ્પના ન કરી શકો કે કોઈ વાણિયો કે વાળંદ બજારમાં તલવાર-રિવોલ્વર લઈને નીકળે. લોકો હસવા માંડે. શીખોમાં તો સંતો પણ હથિયાર રાખે. આપણે રાખીએ તો લોકો કહેશે અરરર, તમને શોભતું હશે? આપણી વર્ણવ્યવસ્થાએ પ્રજાને શૌર્યહીન બનાવી દીધી અને જે પ્રજા શૂરવીર હતી-રાજપૂતો વગેરે- એમણે બહારના લોકો કરતાં પોતાના જ દેશના ગરીબો વગેરે પર જોહુકમી કરવામાં શક્તિ ખર્ચી. કેટલાક સારા રાજાઓ થયા એમાં કોઈ શંકા નહીં… પણ આ લોકોને બાદ કરતાં પ્રજાને એમના તરફથી સુખ ન મળ્યું. બીજું અહિત કર્યું અહિંસાવાદી ફિલોસૉફીએ. મૂળ ભારતીય સંસ્કૃતિ હિંસાવાદી ય નથી, વાસ્તવાદી છે. પણ આપણે એને ભૂલી ગયા. અર્જુન યુદ્ધ કરવા નથી માગતો, પણ કૃષ્ણ એને સમજાવે છે. રામ, કૃષ્ણ, દેવી-દેવતાઓએ યુદ્ધો કર્યા જ છે. માતાજીએ મહિષાસુરનો નાશ કર્યો. મૂળ સંસ્કૃતિની દૃષ્ટિએ આપણે અહિંસાવાદી હતા જ નહીં. ભારતીય શાસકોમાં ઓછામાં ઓછી હિંસા અંગ્રેજોએ કરી. ખૂબ ઓછી પોલીસથી કામ ચલાવ્યું. જ્યારે આઝાદી પછી છેલ્લા પાંચ દાયકામાં આપણી જ સરકારોએ ખૂબ મોટી હિંસા કરી. એસ.આર.પી., લશ્કર, કમાન્ડો આ બધાંનો ઉપયોગ પોતાના જ દેશના નાગરિકોને મારવામાં થયો…’

‘જેઓ ચિંતક છે, વિચારક છે, લેખક-પત્રકાર છે તેઓ આર્કિટેક્ટ જેવા છે. પ્રવૃત્તિનાં બે પાસાં છે – એક પાસું આર્કિટેક્ટનું અને બીજું પાસું એન્જિનિયરનું. વિચારકોએ થિયરીઓ આપવાની હોય, વિચાર આપવાના હોય. એક માણસ નકશો બનાવે, બીજો માણસ એ નકશા પરથી ઇમારત બનાવે’: સ્વામી સચ્ચિદાનંદ

અમે પૂછ્યું: ‘અત્યારે (૧૯૯૬માં) દેશની જે હાલત છે એમાં બુદ્ધિજીવીઓ અથવા વિચારશીલ લોકો શું ભાગ ભજવી શકે છે? એક બાજુ તેઓ આજના રાજકારણથી વ્યથિત છે, નારાજ છે અને બીજી બાજુ તેઓ કહે છે કે અમારે આ રાજકારણની ગંદકીમાં ઝંપલાવવું નથી તો રાજકારણની શુદ્ધિ કેવી રીતે થશે?’

બાપજીએ સમજાવ્યું:

‘જેઓ ચિંતક છે, વિચારક છે, લેખક-પત્રકાર છે તેઓ આર્કિટેક્ટ જેવા છે. પ્રવૃત્તિનાં બે પાસાં છે – એક પાસું આર્કિટેક્ટનું અને બીજું પાસું એન્જિનિયરનું. વિચારકોએ થિયરીઓ આપવાની હોય, વિચાર આપવાના હોય. એક માણસ નકશો બનાવે, બીજો માણસ એ નકશા પરથી ઇમારત બનાવે. આપણને આઝાદી પછી વારસામાં જે ચિંતન મળ્યું છે, અર્થતંત્ર વિશેનું-રાજવ્યવસ્થાનું, તેનો કશો ઉપયોગ નથી. દેશની અર્થવ્યવસ્થા વિશે, એના વહીવટીતંત્ર વિશે નવેસરથી ચિંતન થવું જોઈએ. આપણે ત્યાં ત્રણ વર્ગો છે. એક છે તે રેડિયો-છાપાં વગેરે દ્વારા જે માહિતી મેળવે છે એનાથી એને લાગે છે કે આ બધું ખોટું થઈ ગયું છે, એ નિરાશ છે, શું કરવું-કેમ કરવું એ સૂઝતું નથી. એ સંગઠિત પણ નથી. બીજો વર્ગ બહુ શક્તિશાળી લૉબીઓનો છે. એ એમ વિચારે છે કે કોઈ પણ પક્ષ રાજમાં આવે એની પાસેથી આપણે આપણું કામ કરાવી લેવાનું છે. વેપારીઓની લૉબી છે, ઉદ્યોગપતિઓની લૉબી છે. સ્મગલરોની અને માફિયાઓની લૉબી છે. ત્રીજો જે મોટો વર્ગ છે એને બિચારાને આ બધામાંથી કશી જ ખબર નથી. એને એટલી જ ખબર છે કે આપણી જ્ઞાતિનો માણસ આવવો જોઈએ. એને સાડી આપો, કોઈ ચીજ આપો તો એ બીજે દિવસે જઈને તમને વોટ આપી દેશે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં લોકશાહી સફળ થાય છે કારણ કે ત્યાંની પ્રજા ભણેલી છે અને જાગૃત પણ છે… જ્યારે અહીંના તો ભણેલાઓ પણ અભણ જેવા છે. બે દિવસ પહેલાં આશ્રમમાં ગરીબ પ્રજા માટે કપડાંનું વિતરણ થયું ત્યારે કૉલેજમાં ભણનારી છોકરીઓ આવી. તેઓ ખરેખર ભણે છે કે શું કરે છે એ જાણવા પહેલા વર્ષની એક વિદ્યાર્થિનીને મેં પૂછ્યુ કે જવાહરલાલ નેહરુને ઓળખે છે? તે કહે ના. ગાંધીજીને ઓળખે છે? ના. આટલું અજ્ઞાન? તમે કેટલા પૈસા વાપરી શકો છો તેના પર ચૂંટણીમાં તમારી હારજીતનો આધાર છે. પછી નિરાશા તો વ્યાપે જ ને. હમણાં થોડીક આશા આ ન્યાયાલયો તરફથી જાગે છે. ચારે તરફથી તો અંધકાર છે, ત્યારે ન્યાયાલય ત્રાટકે છે એટલે આશા છે. એમાં કેટલીકવાર અતિરેક થાય છે, તે તો થવાનો…’

*

સવારના છાપાં આવી ગયાં છે, ‘નયા પડકાર’, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’. સચ્ચિદાનંદજીએ મથાળાં પર નજર ફેરવી અને યુપીમાં હજુ સરકાર કેમ નથી બની શકતી એ બાબત પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો. બહારગામથી ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સ્થાનિક મુલાકાતીઓ આવવા માંડ્યા છે. બે-પાંચ મિનિટ વાત કરીને મુલાકાતીઓ જતા રહે છે. આશ્રમની પડખે નાનકડું ખેતર છે-આશ્રમની માલિકીનું. એમાં બીજાના ખેતરનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. આ પ્રૉબ્લેમ કેવી રીતે સોલ્વ થાય એની ચર્ચા થઈ. મિસ્ત્રી સાથે દસ ખાટલાઓ પર બાંધવાની મચ્છરદાનીની ફ્રેમ લગાવવાના હૂક કેવી રીતે ફિટ કરવા એ વિશે ચર્ચા થઈ. જમવાનો સમય થઈ ગયો.

સ્વામીજી કહે છે કે નહાવાના સાબુની એક ગોટી પોતાને નવ-દસ મહિના સુધી ચાલે છે. ખૂબ ધૂળમાં પ્રવાસ કરીને આવ્યા હોય કે વધુ પડતો પરસેવો થયો હોય ત્યારે જ તેઓ નહાવા માટે સાબુનો ઉપયોગ કરે છે.

સવારના ભોજન પહેલાં, અમારા કહેવાથી સ્વામીજી અમને પોતાના આવાસે લઈ ગયા. સવારના ત્રણ વાગ્યે ઊઠીને છ વાગ્યા સુધી અહીં જ તેઓ પોતાનું લેખનકાર્ય કરે છે, સૌના પત્રોના જવાબ લખે છે. હમણાં જોકે, મોતિયો આવે છે એટલે લખવા-વાંચવાનું ઓછું છે. પ્રથમ ખંડમાં એક પલંગ, લખવાનાં ટેબલ-ખુરશી અને ટેબલના માથે લટકતી બત્તી તથા ચિક્કાર પુસ્તકોથી શોભતી અભરાઈઓ. લગભગ દરેક ધર્મ અને અનેક વિષયોને લગતાં પુસ્તકો રૂઆબદાર રીતે પૂંઠાં ચડાવાઈને ગોઠવેલાં છે. પુસ્તકની પીઠ –સ્પાઇન પર શાહી-પેન વડે પુસ્તકની ઓળખ લખી છે. સાધુ બન્યા પછી આજ સુધી એમણે ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ ચિંતન કર્યું છે. સંન્યાસી તરીકે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભટકવાનું થતું ત્યારે આશ્રમ કરીને એક જગ્યાએ રહેવાનું નક્કી થયું એ વખતના નિર્ણયમાં પુસ્તકોની જાળવણીના પ્રશ્ને મોટો ભાગ ભજવ્યો હતો. બાજુનો ખંડ નાનકડા દીવાનખાના જેવો છે. મહાનુભાવો મુલાકાતે આવે ત્યારે એમના માનને ઓપ આપે એવી સજાવટ છે. પાછળના ખંડમાં કસરત માટેની સાઇકલ છે જેનો વપરાશ બાયપાસ સર્જરી પછી નથી થતો. સાદા બાથરૂમમાં કૉલગેટ અને ડાબર લાલ દંતમંજન તથા ઓલ્ડ સ્પાઇસનું શેવિંગ ક્રીમ છે. સ્વામીજી કહે છે કે નહાવાના સાબુની એક ગોટી પોતાને નવ-દસ મહિના સુધી ચાલે છે. ખૂબ ધૂળમાં પ્રવાસ કરીને આવ્યા હોય કે વધુ પડતો પરસેવો થયો હોય ત્યારે જ તેઓ નહાવા માટે સાબુનો ઉપયોગ કરે છે. સ્વામીજીની ગૌર તથા ચમકભરી ચુસ્તી ધરાવતી ત્વચાનો રાઝ સાબુના ત્યાગને આભારી હશે? ખબર નહીં. સંસારી જીવોએ આવો અખતરો કરવો હોય તો પોતાના જોખમે કરવો. અમારા એક પત્રકારમિત્રે કિશોર અવસ્થામાં ક્યાંકથી જાણ્યું કે મોરારજી દેસાઈ સાબુ લગાડ્યા વિના માત્ર પાણીથી દાઢી ભીની કરીને શેવિંગ કરે છે એટલે એમની ત્વચા મોટી ઉંમરે પણ સુંવાળી તથા ચમકદાર છે. મિત્રે શેવિંગ ક્રીમનો ત્યાગ કર્યો. વર્ષો પછી દાઢીના વાળ એટલા કડક ઊગે છે કે એક બ્લેડ બે દિવસ પણ ચાલતી નથી. શેવિંગ ક્રીમનો જે ખર્ચ બચાવ્યો તે બધો જ હવે બ્લેડમાં વપરાઈ જાય છે. દળી દળીને ઢાંકણીમાં. પાછા નીચે આવ્યા.

આશ્રમના સભામંડપ બહાર બીજું એક સૂત્ર પણ મોટા અક્ષરે લખેલું છેઃ ‘પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં મદદ કરવા માટે લંબાયેલો એક હાથ વધુ ઉપયોગી છે.’ સ્વામીજીની વૈદકીય સેવાઓ તથા અન્નક્ષેત્રની પ્રવૃત્તિઓ ઉપરાંત એક ખૂબ મોટી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય આપવાની છે. ભણતા છોકરાઓને ફી કે નોટબુક-ચોપડીઓના પૈસાની ત્રુટિ હોય તો એમને આશ્રમમાંથી મદદ મળી જાય છે. છાત્રાલયમાં રહેવાની ફી ઉપરાંત દર મહિને નિશ્ચિંત અનાજ પણ આપવામાં આવે. છેક બનારસમાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓને પણ નિયમિત મનીઑર્ડરો મોકલાય છે. સ્વામીજીએ આત્મકથામાં સંસ્કૃતના અભ્યાસ માટે સાડા દસ આનાની ગીતાપ્રેસ-ગોરખપુરની ‘લઘુ કૌમુદી’ કેવી રીતે ખરીદી હતી તેનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. પોતાની પાસે માત્ર આઠ આના હતા અને બાકીના અઢી આના, પંદર પૈસા ખૂટતા હતા. બીજા દિવસથી સંસ્કૃતનો અભ્યાસ શરૂ થતો હતો. રસ્તે જતી આવતી દરેક વ્યક્તિ તરફ વિદ્યાર્થી સચ્ચિદાનંદ આશા અને લાચારીભરી નજરે જોતા. પણ માગવાની હિંમત ન ચાલે, કદાચ અપમાન કરશે તો? અને આ કિસ્સાને વાગોળતાં ત્રણ-ચાર દાયકા બાદ સ્વામીજી આત્મકથામાં લખે છેઃ ‘માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનાં તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલાં ઘેંસ જેવાં થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો.’

‘મફતનું ખાવા માટે આવનારાઓ વખાના માર્યા આવે છે. કોઈને ગમતું નથી આ રીતે ભોજન કરવું, પાંચ ટકા લોકો ગેરલાભ ઉઠાવતા પણ હશે પરંતુ એ પાંચ ટકાને અટકાવવા માટે શા માટે બાકીના ૯૫ ટકાને ભૂખ્યા રાખવા?’: સ્વામી સચ્ચિદાનંદ

આવી લાચારી બીજા કોઈએ વેઠવી ન પડે એ માટે આશ્રમમાં મદદ માટે આવતો દરેક વિદ્યાર્થી હસતા મોઢે પાછો જાય એવી વ્યવસ્થા છે.

સચ્ચિદાનંદજી ક્યારેય દાન માટે ટહેલ નાખતા નથી. પરદેશ જાય અને સામેથી કોઈ રકમ આપી જાય તો એ જ શહેરમાં કોઈ સારા કામ માટે સોંપીને ભારત પાછા આવે છે. દંતાલી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર માર્ગ પર કોબા પાસે તથા ઊંઝામાં પણ એમના આશ્રમો છે. આ આશ્રમોનાં ટ્રસ્ટ છે અને આશ્રમમાં આવતા અવિરત દાનના પ્રવાહમાંથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ જ થાય છે. હોમ-હવન કે યજ્ઞ જેવા કર્મકાંડોથી તેઓ જોજનો દૂર છે.

અન્નક્ષેત્રમાં રોજ ભૂખ્યાંને ભોજન આપીને તમે એમની ગરીબીને કે બેકારીને ઉત્તેજન નથી આપતા? એવું અનેકવાર એમને પૂછાયું હશે, અમે પણ પૂછ્યું.

સ્વામીજી કહે છે, ‘મફતનું ખાવા માટે આવનારાઓ વખાના માર્યા આવે છે. કોઈને ગમતું નથી આ રીતે ભોજન કરવું, પાંચ ટકા લોકો ગેરલાભ ઉઠાવતા પણ હશે પરંતુ એ પાંચ ટકાને અટકાવવા માટે શા માટે બાકીના ૯૫ ટકાને ભૂખ્યા રાખવા? કેટલાક લોકો એવા છે જેમને અમે બહુ કહીએ તોય અન્નક્ષેત્રમાં જમવા આવતા નથી. એમના ઘરે દર મહિને અનાજ પહોંચે છે. આવાં ઘણાં કાર્ડ આશ્રમ તરફથી જરૂરતમંદોને અપાયાં છે.’

વાર-તહેવારે કપડાં અપાય છે. પેટલાદના સ્મશાનમાં, જેની સ્થિતિ સારી ન હોય એમની અંતિમવિધિ માટે, માત્ર પ્રતીકનો એક રૂપિયો લઈ લાકડાં, સામગ્રીનો તમામ ખર્ચ આશ્રમ ભોગવે છે. ખોડાભાઈ અને ચંપકભાઈ ઉપરાંત ધર્માભાઈ અને દરબાર પણ આશ્રમના કામકાજમાં સ્વામીજીને સાથ આપે છે. સ્વામીજીએ કોઈ શિષ્ય નથી બનાવ્યા, કોઈને દીક્ષા નથી આપી. આ પ્રથાના તેઓ સખત વિરોધી છે.

ગૃહત્યાગનાં ત્રણ વર્ષ સુધી એમણે કોઈ ગુરુ બનાવ્યા નહીં. સાધુસંસ્થાનું ખોખલાપણું અનુભવી લીધું. પંજાબના ફિરોઝપુર શહેરના સ્વામી મુક્તાનંદ મહારાજ વિશે સાંભળીને એમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો પણ ફિરોઝપુરથી જવાબ મળ્યો કે, ‘હું કોઈને શિષ્ય બનાવતો નથી’ સચ્ચિદાનંદજી હજુ સત્યાનંદને નામે ઓળખાતા. અનેક મઠાધિપતિ ગુરુઓ એમને શિષ્ય બનાવવા આતુર છતાં સ્વામી મુક્તાનંદ સમા અકિંચન ગુરુના સ્થાને તેઓ પહોંચી ગયા. ‘તમે દીક્ષા નહીં આપો તો પણ હું મારી મેળે શિખા-સૂત્રને ગંગાજીમાં ત્યાગીને આપના નામનો સંન્યાસ લઈ લઈશ’ એવી જીદ પછી ગુરુએ દીક્ષા આપી. નામ સત્યાનંદમાંથી સચ્ચિદાનંદ થયું. ગુરુદક્ષિણામાં ગુરુએ માગ્યું: ‘હું કહું ત્યાં સુધી ભણ્યા કર’.

વધુ આવતી કાલે.

( આ મુલાકાત ૧૯૯૬માં એક ગુજરાતી સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થઈ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. You are doing wonderful job… about your series of interviews with respected Swami Sachchidanand ji…In fact we can prosper in right direction if we follow the revolutionary thoughts of Bapji…Hats off to you Saurabhbhai, for this philanthropic task…. Keep it up.

  2. સ્વામીજી વિશે વિસ્તૃત જાણકારી મળી. એમને મારા વંદન.

  3. ભુખ્યાને ભોજન બાબતે ૯૫% અને ૫% વાળી વાત બિલકુલ સાચી છે. દેવો અને દેવીઓના હથિયાર અને યુદ્ધની વાત પણ ખૂબ સાચી છે. શિષ્ય ન બનાવવાની પ્રથા માટે સ્વામીજી ને સાદર પ્રણામ અને abhinanandan.

  4. ખરેખર સ્વામીજી વિશે આટલું ઉંડાણથી અગાઉ વાંચવા મળ્યું નથી… એટલે આપને આ લેખ બદલ લાખ લાખ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here