જ્યારે મણિસર કેન્દ્રીય ગૃહમંત્રીની કૅબિનમાં એક પોલિસ અફસરને મળ્યા

ગુડ મોર્નિંગ : સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી, ગુરુવાર, ૨૯ માર્ચ ૨૦૧૯)

‘હિન્દુઆતંકવાદ’ આ કન્સેપ્ટનું મૂળ ક્યાં? આર.વી.એસ. મણિ એ વખતે મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સ(એમ.એચ.એ. અર્થાત્‌ ગૃહ મંત્રાલય)માં અવર સચિવ હતા. ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ પુસ્તકમાં મણિસરે એ દિવસોનું બયાન કર્યું છે જ્યારે છાશવારે મુસ્લિમ આતંકવાદીઓ હિન્દુબહુલ વિસ્તારો પર હિન્દુ ધર્મસ્થાનકો પર બૉમ્બ વડે હુમલાઓ કરતા. મંગળવાર, ૭ માર્ચ ૨૦૦૩. વારાણસીનું અતિપ્રસિધ્ધ સંકટમોચન મંદિર. ભારતભરના શ્રધ્ધાળુઓ હનુમાનજીનાં દર્શન માટે અહીં આવે. ગોસ્વામી તુલસીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. દર વર્ષે એપ્રિલમાં અહીં સંકટમોચન સંગીત સમારોહ થાય. હનુમાનજી સમક્ષ સંગીત-નૃત્યના કાર્યક્રમો કરવા દેશના ટોચના કળાકારો પધારે. પંડિત જસરાજ તો ફાઈવ સ્ટાર હૉટલનો ઉતારો છોડીને મંદિર સાથે સંલગ્ન અતિથિનિવાસની નાનકડી સાદી ઓરડીમાં રહેવાનું પસંદ કરે. પંડિતજીના મુખે હનુમાન ચાલીસાનું ગાન સાંભળવું જીવનનો એક લહાવો છે. યુ ટ્‌યુબ પર મળી જશે. ગઝલગાયક ગુલામ અલી પણ આ સમારોહમાં ગાઈ ચૂક્યા છે. ૭મી માર્ચ ૨૦૦૬ના મંગળવારની સાંજે આરતીટાણે ૬ ને ૨૦ મિનિટે, આ મંદિરમાં બૉમ્બ ધડાકો થાય છે. મંગળવારને હિસાબે હનુમાનભક્તોની ભારે ભીડ હતી.

આ જ સમયે વારાણસી રેલ્વે સ્ટેશને બૉમ્બ ધડાકો થાય છે. મંદિરમાં ૧૦ ભક્તોનું મૃત્યુ થાય છે. સ્ટેશને ૧૧ જણનાં મોત થાય છે.

શહેરના બીજા વિસ્તારોમાંથી બીજા છ બૉમ્બ મળી આવે છે જેને ડિફ્યુઝ કરવામાં આવે છે. બીજે દિવસે આખું વારણસી શોકમય બંધ પાળે છે. વડા પ્રધાન મનમોહનસિંહ સૌને શાંતિ રાખવાની અપીલ કરે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ દાવો કરે છે કે યુ.પી. પોલિસે આ બૉમ્બ ધડાકાના એક કાવતરાખોરને ઠાર માર્યો છે. લશ્કર-એ-કહાર નામના કોઈ અજાણ્યા આતંકવાદી ગ્રુપ દ્વારા આ કાંડની જવાબદારી લેવામાં આવે છે (આવા આતંકવાદી જૂથોને સેક્યુલર મીડિયા પબ્લિસિટી આપીને લાર્જર ધૅન લાઈફ ચીતરતું હોય છે. બૉમ્બ ધડાકા અમે કર્યા છે એવું કહીને આવાં ગ્રુપ મીડિયાને પોતાના પી.આર.ઓ. બનાવીને પોતાના શુભેચ્છકો પાસેથી લાખો ડૉલરનાં ફંડનું ઉઘરાણું કરી શકતાં હોય છે એટલીય મીડિયાને ખબર નથી હોતી.)

એ દિવસે મણિસર ઑફિસથી ઘરે જવા નીકળી જ રહ્યા હતા ત્યાં આ સમાચાર આવ્યા. મણિસરને કહેવામાં આવ્યું કે એમ.એચ.એ.ના કન્ટ્રોલ રૂમ પાસેથી વિગતો એકઠી કરીને એક સ્ટેટમેન્ટનો ડ્રાફ્ટ બનાવી આપો જેથી મંત્રીશ્રી એ નિવેદન બોલી શકે. માહિતી એકઠી કરીને મણિસરે કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલે બીજા દિવસે સંસદના બેઉ ગૃહોમાં વારાફરતી બોલવા માટેનું નિવેદન લખી આપ્યું. વારાણસીના બૉમ્બ બ્લાસ્ટ પછી ભારતના વિવિધ વિસ્તારોમાં આવી આતંકવાદી ઘટનાઓમાં રીતસરનો ઉછાળો આવ્યો. પણ આ બધી ઘટનાઓ વખતે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૃહ મંત્રાલયને નિવેદન તૈયાર કરવાની જવાબદારી સોંપવાને બદલે ગૃહમંત્રાલય પાસેથી બૉન્બધડાકાનું સ્થળ, એનો સમય તથા એમાં કેટલા લોકોની જાનહાનિ થઈ એટલી વિગતો મંગાવીને મંત્રીશ્રીનું કાર્યાલય પોતે જ નિવેદન તૈયાર કરી નાખતું. બન્યું એવું કે સપ્ટેમ્બર ૨૦૦૮માં દિલ્હીમાં ત્રણ બૉમ્બ હુમલા થયા એ પછી કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રતિનિધિઓએ જે જાહેર નિવેદન આપ્યું તેની મીડિયામાં (મણિસર કહે છે કેઃ ‘હું ભૂલતો ન હોઉં તો દૈનિક ‘પાયોનિયર’ નામના દૈનિકમાં’ આ ટીકા થઈ હતી. પાયોનિયર એન્ટિ-કૉન્ગ્રેસ છાપું છે.) ટીકા કંઈક એવી હતી કે હોમ મિનિસ્ટર આવા હુમલા ન થાય એ માટે કોઈ પ્રયત્નો પણ કરે છે કે પછી બસ, આવા હુમલા વખતે કામ લાગે એવાં નિવેદનો તૈયાર કરીને રાખવામાં આવે છે?

વારાણસીના બનાવ પછી એ જ ગાળામાં, ૨૦૦૬ના મેની ૯ થી ૧૫મી દરમ્યાન મહારાષ્ટ્રના ઔરંગાબાદ, નાસિક, બીડ વગેરે શહેરોમાંથી દારૂગોળો અને શસ્ત્રોનો મોટો જથ્થો પકડાયો. ૧૦ એકે-ફોર્ટીસેવન રાયફલ, ૪૦ મૅગેઝિન, ૨૦૦ લાઈવ કાર્ટિજ, ૧૦ મૅગેઝિન પાઉચ, ૪૩ કિલો એક્‌સપ્લોઝિવ જેમાંથી ૧૩ કિલો (આર.ડી.એક્સ. જેવું) સેમી-સોલિડ એક્‌સપ્લોઝિવ. લશ્કર-એ-તોયબા અને સિમિના આતંકવાદીઓ આમાં સંડોવાયેલા હતા. ૧૭ જણાની ધરપકડ થઈ હતી. આ ખતરનાક સામગ્રી નાગપુરના આર.એસ.એસ.ના હેડક્‌વાર્ટરને ઉડાવી દેવા માટે તેમ જ મહારાષ્ટ્રના અન્ય ઠેકાણાઓ પર આતંક ફેલાવવા માટે વપરાવાની હતી. એ પછી ૨૮ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ, બૅન્ગલોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સમાં યોજાયેલી વૈજ્ઞાનિકોની એક ઉચ્ચ સ્તરીય કૉન્ફરન્સમાં ચાલુ મીટિંગે એક આતંકવાદીએ હેન્ડગ્રેનેડ ફેંકીને ગોળીબાર કર્યો હતો. હેન્ડગ્રેનેડ ફૂટ્યો નહીં. ગોળીબારમાં આઈ.આઈ.ટી.(દિલ્હી)ના પ્રોફેસર એમ.સી.પુરી નામના ગણિતશાસ્ત્રી માર્યા ગયા, બીજા ચાર વૈજ્ઞાનિકો ઘાયલ થયા. પોલિસને એક એકે-ફિફ્‌ટી સિક્‌સ મળી આવી જેમાં ચાર ફુલ્લી લોડેડ મૅગેઝિન હતાં. આ ઉપરાંત બીજા ચાર હેન્ડગ્રેનેડ પણ મળ્યાં. એ પહેલાં ૨૦૦૫ની ૨૯મી ઑક્ટોમ્બરે, દિવાળીની આગલી સાંજે, દિલ્હીમાં પહાડગંજ, ગોવિંદપુરી, કાલકાજી અને સરોજિની માર્કેટ પાસે થયેલા બૉમ્બધડાકાઓમાં ૬૭ જણ માર્યા ગયા, ૨૨૪ ઘાયલ થયા. તારિક અહમદ દર, મોહમ્મદ હુસૈન ફઝિલિ અને રફીક મન્સૂર સહિતના આરોપીઓ પકડાયા.

આ જ ગાળામાં કેટલાક કૉન્ગ્રેસી લોકોએ મુસ્લિમોનો બચાવ કરવાનું શરૂ કર્યું. તેઓના નેતા છાપામાં નિવેદનો આપતા કે બધા મુસ્લિમો કંઈ આતંકવાદી નથી હોતા. એની સામે આ ફેમસ એસ.એમ.એસ. ફરતો થયેલો (એ જમાનો વૉટ્‌સઍપનો નહોતો): ‘બધા મુસ્લિમો આતંકવાદી નથી હોતા પણ બધા આતંકવાદીઓ મુસ્લિમ હોય છે.’
મણિસર લખે છેઃ ‘તે વખતે હું મોબાઈલ નહોતો રાખતો પણ મને એવી લેખિત માહિતી મળી હતી.’

વાચકોને ખબર હશે કે સેન્સિટિવ જવાબદારીઓ સાથે સંકળાયેલા અનેક બ્યુરોક્રેટ્‌સ તથા સૈન્યના અધિકારીઓ મોબાઈલ વાપરતા નથી હોતા જેથી કોઈ પોતની હિલચાલને ટ્રેસ ન કરી શકે તેમ જ એમની વાતચીતને આંતરી ન શકે. તેઓ સુરક્ષિત લેન્ડલાઈનનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરતા હોય છે.

પહેલી જૂન ૨૦૦૩ના રોજ નાગપુરના આર.એસ.એસ.ના હેડક્વાર્ટર પર હુમલો થયો. આવો હુમલો થવાનો છે એવી ઈન્ટેલિજન્સ ઈન્ફર્મેશન મળી ગઈ હતી જેને કારણે સંઘના કેટલાક અધિકારીઓને સાબદા કરીને સાવચેત રહેવાનું કહી દેવામાં આવ્યું હતું. આને લીધે મોટી હોનારત થતાં રહી ગઈ.

આર.એસ.એસ.ના વડા મથક પરના હુમલા પછીના દિવસોની વાત છે. ગૃહ ખાતાના આંતરિક સુરક્ષા વિભાગ (ઈન્ટરનલ સિક્યુરિટી-આઈ.એસ.-ડિવિઝનના તમામ અધિકારીઓ ડેલિગેશન લઈને પાકિસ્તાન ગયા હતા. ઉચ્ચ અધિકારીઓમાં મણિસર જ ડિપાર્ટમેન્ટમાં હતા. કામકાજ ઓછું હતું. જુનિયર સાથીઓ સાથે નૉર્થ બ્લોકમાં આવેલા ઈન્ડિયન કોફી બોર્ડના વેન્ડિગ મશીનની જેન્યુઈન કોફીનો સ્વાદ માણતાં મણિસર બેઠા હતા. ત્યાં જ કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યાલયમાંથી એક સંદેશવાહક મણિસરને શોધતાં શોધતાં કોફી મશીન પાસે આવ્યો. મણિસર પાસે મોબાઈલ ફોન નહોતો એટલે સંદેશવાહકે રૂબરૂ આવવું પડ્યુંઃ ‘સાહેબ તાત્કાલિક બોલાવે છે.’

મણિસરને સાહેબ એમના સાહેબ પાસે લઈ ગયા જેમનું નામ હતું શિવરાજ પાટિલ. ગૃહમંત્રી શિવરાજ પાટિલની કેબિનમાં તે વખતે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ હાજર હતા. આ ઉપરાંત ૨૬/૧૧/૨૦૦૮ના દિવસે કસાબ તથા સાથીઓએ જેમના પર ગોળીબાર કર્યો એ પુલિસ અફસર હેમંત કરકરે પણ ત્યાં હાજર હતા.

‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવાનું બીજ એ મીટિંગમાં રોપાયું.

વધુ આવતી કાલે.

આજનો વિચાર
ચોકીદાર સ્પેસ મેં ભી ચૌકન્ના હૈ.
_વૉટ્‌સઍપ પર વાંચેલું

એક મિનિટ
છોકરીવાળાઃ છોકરો કેટલું કમાય છે?
હાર્દિકઃ હાલ તો રખડે છે, કામે જતાં જોર આવે છે પણ રાહુલ પી.એમ. બનશે તો વર્ષે ૭૨,૦૦૦ કમાશે.

8 COMMENTS

  1. By not seeing you in Mumbai Samachar for last few days I belived they would have asked you not to write against congress. Thankfully I found you articles on newspremi. Bravo Saurabh bhai. It takes courage to write what you are writing

  2. હવે તો આ કોંગ્રેસી ઓ ની નફ્ફટાઈ માટે શું લખવું કે એવા કયા શબ્દો નો ઉપયોગ કરવો તેની સમજ નથી પડતી,પણ આપની નિડરતા ,મણિસરે લખેલ પુસ્તક,આ બધું જ આ નાલાયક , દેશદ્રોહીઓને જરૂર ખુલ્લા પાડશે

  3. આરએસએસ હેડક્વાર્ટર્સ પર હુમલો 1 જૂન 2006 ના રોજ થયો હતો., 2003 નહીં..નાની ક્ષતિ…બાકી સિરીઝ ઘણી સારી છે..બુક વાંચવી જ પડશે

  4. આવી મહેનત કરી, સાચી વાત અમને જાણવા મળી, એ માટે ખુબ આભાર

  5. Sir, we are very much thankful for your factual information. It will help us to elect next government.

  6. શિવરાજ પાટીલ, દિગ્વિજય સિંહ, શુશીલ શિંદે, ચિદંમ્બરમ, મનમોહન જેવા કેટ્લાય બેશરમ કોંગ્રેસી નેતાઓ કેટ્લા નફ્ફ્ટ અને નકઢ્ઢા છે કે આટલી સચોટ અને નક્કર વિગતો કોઈ નિવ્રુત સરકારી અધિકારી પુસ્તક સ્વરૂપે બહાર પાડે છે છતાં માફી માગવાની જરૂરત નથી સમજતા. સાથે સાથે એ લોકો એટ્લા જ બાયલા પણ ખરા. જો એ લોકો ખરા અર્થમાં પુરુષ હોય તો ઈસ્લામીક આતંકવાદી સંગઠનોની જાહેરમાં ટીકા કરી બતાવે.

    જ્યાં જયાં હિંદુંઓને નુકશાન પહોંચાડવા કે મુસ્લિમોને ઉશ્કેરવા માટે આતંકી હુમલાઓ કરવામાં આવ્યા હોય તે બધાં જ જાહેર સ્થળોએ તમારા આ લેખોની શ્રેણી મઢાવીને કે આરસ પથ્થરમાં કોતરાવીને રાખવી જોઈએ, જેથી લોકો અને ખાસ કરીને નવી પેઢીને ખબર પડે કે ભારતને આઝાદી આપવાનાં બણગાં ફૂંકવાવાળા કૉંગ્રેસીઓએ કેવાં કેવાં કારનામાં હિંદુઓ પર કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here