સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાં‍શી-બાણુંનું, કોઈ ફરક પડતો નથી : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર ૨૦ ડિસેમ્બર ૨૦૨૦)

લાંબું જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલાં વર્ષના આયુષ્યને લાંબુ કહેવું અને કેટલાંને ટૂંકુ ગણવું? રાજ કપૂર સિક્સટી થ્રીની ઉંમરે ગુજરી જાય છે ત્યારે લાગે છે કે કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો? એ પછી સત્યજિત રાય 71ની ઉંમરે અવસાન પામે છે અને એ જ સવાલ ફરી થાય છે. આર. ડી. બર્મન 54 વર્ષે ગુજરી ગયા, સ્મિતા પાટીલનું અર્લી થર્ટીઝમાં અવસાન થયું ત્યારે પણ આવો જ સવાલ થયો હતો. નર્મદ ત્રેપનમા વર્ષે, મેઘાણી એકાવનમા વર્ષે કે રાવજી પટેલ ઓગણત્રીસ પૂરાં કરીને અવસાન પામે છે ત્યારે ફરી એક વાર આ જ સવાલ થાય છે કે કેટલું આયુષ્ય જીવવા માટે પૂરતું છે. અઠ્યોતેર કે અઠ્યાસી વર્ષે ગુજરી જતી વ્યક્તિ જીવન અધૂરું છોડીને જતી રહી છે એવી લાગણી જન્માવી શકે છે અને બત્રીસમા વર્ષે અવસાન પામનારી વ્યક્તિ જીવનને શક્ય હતું એટલું તમામ આપી દીધું હોવાનો સંતોષ એના સ્વજનોને/ચાહકોને આપતી જઈ શકે છે. ઝિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં એવું આનંદે એના બાબુમોશાયને કહ્યું ત્યારે બડી ઝિંદગીની વ્યાખ્યા સૌ કોઈ પોતપોતાની રીતે કરી લેશે એવું એણે વિચાર્યું હશે. એક પછી એક વર્ષગાંઠો વીતતી જાય અને જૂનાં કેલેન્ડરો તથા જૂની ડાયરીઓની પસ્તી જીવનમાં વધતી જાય એવી લાંબી જિંદગી કોને જોઈએ છે ? કોઈપણ ભોગે અસ્તિત્વ ટકાવી રાખવું, બે હાથ જોડીને યાચક બનીને, કાલાવાલા કરીને મહેરબાનીઓ ઉઘરાવીને જીવ્યા કરવાથી કદાચ છ, સાત, આઠ કે નવ દાયકાનું આયુષ્ય પસાર થઈ જાય અને વડીલોએ આપેલા દીર્ઘાયુ થવાના આશીર્વાદ સાચા પણ પડે, પરંતુ એવી લાચારીથી કોણ જીવવા માગે છે ? દુનિયામાં સૌથી સુખી માણસ એ છે, જેને ઉપરથી કહેવામાં આવે છે કે ચોવીસ કલાક પછી તારું મોત છે ત્યારે એ એવા વિચારોમાં ન અટવાઈ જાય કે આગામી અંતિમ કલાકોમાં મારે કયાં કયાં કામ આટોપી લેવાં જોઈએ. જેનાં તમામ કામ આટોપાયેલાં હોય અને અધૂરા રહી જતા કામથી કોઈનેય તકલીફ ન થવાની હોય એ માણસ સૌથી સુખી. આવા સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાંશી-બાણુંનું ,કશો ફરક પડતો નથી.

જીવીએ ત્યાં સુધી કામ કરીએ અને કાયમ પથારીવશ રહેવું પડે એવી માંદગી આવે એના કરતાં મોત સારું એવી ઇચ્છા ઘણાંને હોય, પણ માણસની દરેક ઇચ્છા પૂરી થવા માટે જન્મતી નથી, કેટલીક ઇચ્છાઓ અધૂરી જ રહી જવા માટે સર્જાતી હોય છે, જેથી માણસને અહેસાસ થતો રહે કે એણે અપૂર્ણતાઓ વચ્ચે જ જીવવાનું છે અને એમાં જ પોતાનું પૂર્ણ વિશ્વ રચવાનું છે. પરવશતા ક્યારેય ગમતી નથી. માનસિક ખુમારીને ટીચી ટીચીને એનો ભૂક્કો બોલાવી દે છે આ પરવશતા. કશી જ ખબર નથી હોતી કે પાછલી જિંદગી કેવી જવાની છે. પાછલી જિંદગી જેને કહી શકાય એટલાં વર્ષો બચ્યાં છે કે નહીં એની પણ ક્યાં ખબર હોય છે ? અને એટલે જ માનસિક સલામતી આપનારાઓનો વેપાર ધમધોકાર ચાલે છે. વેપાર વીમા કંપનીઓનો, વેપાર મોક્ષનો માર્ગ બતાવતા ધર્મગુરુઓનો અને વેપાર તબીબી જગતનો. પાછલી ઉંમરની સલામતી માટે માણસે આગલી ઉંમરનાં કેટલાં વર્ષો વેડફી નાખવા જોઈએ ? જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં સાજામાંદા થઈએ ત્યારે કામ આવે એ માટેની મૂડી જમા કરવા માણસે જિંદગીનાં વચલાં વર્ષોમાં દિવસરાત કામ કરીને શરીર તોડી નાંખવું જોઈએ?

પણ જેને વચલાં વર્ષો માનીને ચાલીએ છીએ એ મધ્યવય જ જિંદગીનો અંતિમ તબક્કો પુરવાર નહીં થાય એની ખાતરી શી ? કુદરતના કોઈ પણ એક સૌથી મોટા રહસ્ય વિશે તમને પૂછવામાં આવે તો તમે કયું રહસ્ય ગણાવો? કુદરતમાં રહેલા સૌથી મોટા એક ફ્રસ્ટ્રેશન વિશે પૂછવામાં આવે તો તમે કઈ કારમી હતાશાનું નામ આપો? માનવીનું આયુષ્ય. માણસ જન્મે ત્યારે એના શરીરના કોઈ એક અંગ પર માણસની એક્સપાયરી ડેઇટ્ પણ લખેલી આવવી જોઈએ. – દવાની શીશી પર લખી હોય છે એવી. ઘણા બધા પ્રશ્નો એકસામટા ઊકલી જાય. ફિલ્મ શરૂ થતાં પહેલાં સેન્સર બોર્ડના સર્ટિફિકેટમાં તમને જણાવવામાં આવે છે કે તમારે કેટલા ઘંટા અને કેટલી મિનિટ એ ફિલ્મ માણવાની છે (કે સહન કરવાની છે) માણસને ભગવાન પાસેથી કમસેકમ એટલું જાણવાનો તો હક્ક છે જ કે પોતે કેટલાં વર્ષ સુધી આ પૃથ્વી પર જીવવાનો છે. પ્લાનિંગ કરવાની ખબર પડે જેને કારણે દરેકેદરેક માણસને પોતાનું આયુષ્ય કેટલું છે એ વિશે ખબર પડી જાય તો જિંદગી વિશેના એના વિચારોમાં, બીજાઓ સાથેની વર્તણૂંકમાં કેટલો અને કેવો ફરક પડે? એક આખી સાયન્સ ફિક્શન લખી શકાય આ વનલાઈનર પ્લોટ પર.

માણસની સૌથી મોટી જે અસલામતી છે એ જ એનું સૌથી મોટું આશ્વાસન છે. એનું નામ છે આવતી કાલ. આવતી કાલનો વિચાર મનમાં ફફડાટ પેદા કરે છે. અને આ પેદા થયેલો ફફડાટ આવતી કાલે ભૂંસાઈ જશે એવો વિચાર આવે છે ત્યારે કોઈ પીઠ પસવારીને આશ્વાસન આપતું હોય એવી લાગણી જન્મે છે. જેને કારણે અને જેના માટે મનમાં અસલામતી હોય એનામાં જ તમને આશ્વાસન આપવાની ક્ષમતા હોય છે.

મરાઠી નવલકથાકાર રાજેન્દ્ર બનહટ્ટીની નવલકથા ‘અખેરચી આત્મકથા’નો સુંદર ગુજરાતી અનુવાદ શકુંતલા મહેતાએ કર્યો છે. ‘આખરની આત્મકથા’ ત્રાણું પૂરાં કરીને ચોરાણુંમા વર્ષમાં પ્રવેશી ચૂકેલા અને છતાં ભરપૂર જીવન જીવવા માગતા એક વૃદ્ધની નવલકથા છે. નવલકથામાં એક જગ્યાએ વાર્તા નાયક કહે છે : ‘નોકરી કરી ત્રીસ વર્ષ, પેન્શન ખાઉં છું પાંત્રીસ વર્ષથી… ચોરાણુંમું વર્ષ બેઠા પછી ઝીણા અક્ષરે છાપેલું દેખાતું નથી. ટાઈમ્સના મથાળા પરથી જ બધું સમજાઈ જાય. માહિતીનો સાર સમજાય છે એટલું પૂરતું છે. હવે સારાંશના જ દિવસો છે. સવિસ્તર માહિતીનું કામ પણ શું છે?’

રાજેન્દ્ર બનહટ્ટીએ જે અવસ્થાને જીવનના સારાંશના દિવસો જેવી અદભૂત ઉપમા આપી તે અવસ્થામાં માણસે શું વિચારવાનું રહેશે? એ જ કે જે દિવસોના સાર સમી અવસ્થા ભોગવી રહ્યા છીએ એ દિવસોમાં, જીવનના મધ્યાહ્નમાં, જે કંઈ કર્યું તે બધું જ કરવું શું જરૂરી હતું ? શું શું જરૂરી હતું – શું શું જરૂરી નહોતુ. સારાંશના દિવસોમાં જાતને પૂછવાનો સવાલ એના ક્રિયાપદનો કાળ બદલીને થોડોક વહેલો પૂછી લીધો હોત તો ? અત્યારે જે કંઈ કરીએ છીએ એમાંનું શું શું કરવું જરૂરી છે ? શું શું જરૂરી નથી ? શક્ય છે કે અત્યારે આ સવાલો પૂછાઇ જાય અને જવાબ મેળવવાની મથામણ શરુ થઈ જાય તો સારાંશના દિવસો આવે ત્યારે કશું પૂછવાપણું રહે જ નહીં.

પાન બનાર્સવાલા

નબળા ન જ પડવું એ બહાદુરી નથી, પણ નબળાઈની પળોમાં સ્વસ્થતા રાખીને ટકી રહેવું એ બહાદુરી છે.

— આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ (‘વાત હવે કંઈક બની’ પુસ્તકમાંથી)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. આભાર સરજી. ખૂબ સુંદર જીવન જીવવાની જડીબુટ્ટી જેવો લેખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here