ગુસ્સો : કરવાનો કે દબાવી રાખવાનો : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર ૨૩ ડિસેમ્બર ૨૦૨૦)

હિન્દી ફિલ્મના ગીતકારો ભલે કહે કે ગુસ્સો જો આટલો હસીન છે તો પ્યાર કેવો હશે, પણ ગુસ્સો ક્યારેય મોહક હોતો નથી.

કશુંક અણગમતું થાય કે તરત પ્રથમ પ્રતિક્રિયા એ ન ગમતી ઘટનાના પ્રતિકારની આવે. આ પ્રતિકાર એટલે જ ગુસ્સો કે ક્રોધ. જિંદગીમાં એવા કેટલાય માણસો તમે જોયા હશે જેઓ વાતવાતમાં ગુસ્સે થઈ જતા હોય. એની સામે એવી પણ કેટલીય વ્યક્તિઓ જોઈ હશે જેમની પાસે ગુસ્સે થવાનાં સજ્જડ કારણો હોય છતાં તેઓ ઠંડે કલેજે અને પ્રસન્નચિત્તે બેસી રહે.

રાજ કપૂરના ફેવરિટ ગીતકાર શૈલેન્દ્ર અકાળે ગુજરી ગયા હતા. શૈલેન્દ્રના પુત્ર શેલી શૈલેન્દ્રે પોતાના કવિપિતા વિશે એક વાત કહી હતી. (ઇંગ્લેન્ડના જાણીતા રોમેન્ટિક કવિ પર્સી શેલીના નામ પરથી શૈલેન્દ્રએ પોતાના દીકરાનું નામ પાડેલું). ગીતકાર શૈલેન્દ્ર બાળક પર ક્યારેય ગુસ્સે થતા નહીં. સંતાન ન કરવા જેવું કામ કરે કે કોઈ પ્રકારનું તોફાન કરે ત્યારે એને પાસે બોલાવતા પણ ધમકાવવાને બદલે પોતે જ રડી પડતા. પિતાનાં આ આંસુમાં લાચારીની વ્યથા વ્યક્ત થતી. બાળકો પોતાના કહ્યામાં ન હોય એનું એક કારણ એ તો ખરું જ કે એમના ઉછેરમાં ક્યાંક પેરન્ટ્સની ખામી રહી ગઈ છે.

અત્રિ અને અનસૂયાના પુત્ર દુર્વાસા મુનિનો ક્રોધ પુરાણકથાઓ દ્વારા વિખ્યાત છે. દુર્વાસામાં શિવનો અંશ હતો એવું મનાય છે. દુર્વાસાના આશીર્વાદથી કુંતીની કૂખે સૂર્યપુત્ર કર્ણનો જન્મ થયો, પણ દુર્વાસાના ક્રોધથી ભલભલાં દેવીદેવતાઓ ધ્રૂજતા. બિચારી શકુંતલાએ દુર્વાસાને થોડી રાહ શું જોવડાવી, મુનિશ્રીએ ક્રોધમાં આવીને કહી દીધું કે અણીના સમયે દુષ્યંત તને ભૂલી જશે.

મહાભારતમાં એક કથા આવે છે. દુર્વાસા એક વખત શ્રીકૃષ્ણના મહેમાન હતા. જમણ બાદ મુનિના પગ પાસે પડેલો થોડો એંઠવાડ સાફ કરવા પ્રત્યે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ગયું નહીં. ભગવાનની આવી બેદરકારીથી દુર્વાસા ક્રોધે ભરાયા અને કૃષ્ણ તથા યાદવોના જીવનનો ભયંકર ખરાબ અંત આવશે એવો શ્રાપ આપ્યો. દુર્વાસાના ક્રોધથી પ્રગટેલા શ્રાપને કારણે યાદવાસ્થળી સર્જાઈ જેમાં સૌ યાદવોનો સંહાર થયો. કૃષ્ણ ભગવાનનો પારધીના તીરે દેહોત્સર્ગ થયો.

શાંત સ્વભાવના માણસો વાતવાતમાં ક્રોધે ભરાતા નથી. નાનીમોટી અનેક અન્યાયકારી બાબતોને તેઓ સહન કરી લેતા હોય છે, પણ એમનો રોષ ભભૂકે છે ત્યારે બધું જ ભસ્મીભૂત કરીને તેઓ જંપે છે. બ્રિટિશ કવિ-નાટ્યકાર જૉન ડ્રાયડને સાચું જ કહ્યું હતું: બીવેર ધ ફ્યુરી ઑફ અ પેશન્ટ મૅન.

ગુસ્સો ખોટી રીતે વગોવાઈ ગયો છે. જાહેર જીવનમાં તેમ જ અંગત જીવનમાં એ માત્ર ઉપયોગી જ નથી, અનિવાર્ય પણ છે. ક્યાંક કશુંક ખોટું થતું હોય ત્યારે માણસને ગુસ્સો ન આવે તો માની લેવું કે એની માનસિકતા નાન્યતર જાતિની છે. અન્યાય થતો જોઈને લોહીનું ઊકળવું સ્વાભાવિક છે. ક્રાન્તિઓ આવા ગુસ્સામાંથી જ સર્જાતી હોય છે. ચૂપચાપ સહન કરી લેવાની વૃત્તિને સહનશીલતા કે ધીરજના ઉચ્ચ આસને બેસાડી શકાય નહીં. ‘એમાં મારા કેટલા ટકા’ વાળી ઍટિટ્યુડ દ્વારા પોતાની સામાજિક જવાબદારી ફંગોળી દેનારાઓ ગુસ્સાને વગોવે છે. આવા લાખો લોકોમાંથી જ્યારે કોઈ એક જણ ઊભો થઈને આક્રોશ વ્યક્ત કરતાં વિરોધના સૂરમાં કહે છે કે જે ખોટું થઈ રહ્યું છે તે હવે અટકવું જોઈએ ત્યારે એને ટપલાં મારીને બેસાડી દેવાની ચેષ્ટાઓ થાય છે. એની વિરુદ્ધ બેફામ આક્ષેપબાજીનું વાતાવરણ સર્જાય છે, એને બદનામ કરવા માટેનો પ્રચાર કરવાનું ષડ્યંત્ર રચાય છે. પોતાની માનસિક નિર્વીર્યતાને ખુલ્લી પડી જતાં જોઈ ન શકનારા લોકો ક્રોધ દ્વારા વ્યક્ત થઈ જતી કોઈકની ખુમારીને, મર્દાનગીને, એના શૌર્યને સહન કરી શકતા નથી. વસ્ત્રવિહીનોના નગરમાં નિર્વસ્ત્ર ન હોય એવી કોઈક વ્યક્તિ આવી ચડે ત્યારે એની શું હાલત થાય? સ્વાભાવિક છે કે સૌ નગરવાસીઓ સાથે મળીને એનાં કપડાં ઉતારી લેવાની જ કોશિશ કરવાના. વસ્ત્રધારી પરદેશી પોતાનાં કપડાં ઉતારવાની ના પાડે ત્યારે તટસ્થ ગણાતી વ્યક્તિઓ પણ ઘડીભર ડગમગી જવાની. એમને પણ લાગવા માંડશે કે નક્કી આ પરદેશી પાસે ઢાંકવા જેવું કશુંક જરૂર છે, ખુલ્લું પડી જાય તો પોતે ઉઘાડો થઈ જશે એવો ડર આ પરદેશીને હશે અને એટલે જ નગરજનો એને નિર્વસ્ત્ર કરવા માગે છે ત્યારે એ એનો વિરોધ કરે છેે. આવી પરિસ્થિતિમાં તટસ્થો પણ વિચારી શકતા નથી કે પેલા લોકો શા માટે આનાં કપડાં ઉતારવાની કોશિશ કરે છે. કોઈક નબળી પળે ભલભલા તટસ્થોને પણ નગરવાસીઓની પંગતમાં બેસી જતાં તમે જોયા હશે.

જાહેરજીવનમાં ગુસ્સો વ્યક્ત કરવાની એક તરાહ હોય. આવેશમાં આવીને જેમતેમ બોલી નાખીને વ્યક્ત થતો ગુસ્સો ગમે તેટલો સાચો પણ હોય તોય એ વેડફાઈ જાય. આવી તક ગુમાવી દેવાથી બે રીતનું નુકસાન થાય. ગુસ્સો કરનારની જેન્યુઈનનેસ ઢંકાઈ જાય અને જેઓ ગુસ્સાને પાત્ર છે તેઓને આરોપી મટીને ફરિયાદી બનવાની તક મળી જાય.

અંગત જીવનના ગુસ્સાની બાબતમાં પણ લગભગ આ જ માપદંડો લાગુ પડે. વ્યક્તિ સાથે વ્યવહાર દ્વારા કે લાગણી દ્વારા જોડાયેલી અન્ય વ્યક્તિઓ સામે ગુસ્સો ન જ કરવો એવું ન કહી શકાય. સામેની વ્યક્તિ કશુંક ખોટું કરતી હોય ત્યારે એના હિતમાં ગુસ્સો કરવો પડે. સામેની વ્યક્તિઓ તમને અન્યાયકર્તા વર્તણૂક દેખાડતી હોય ત્યારે પણ ગુસ્સો કરવો પડે, પણ આવો ગુસ્સો જેમતેમ બોલી નાખવાથી કે ઘાંટા પાડીને દલીલો કરવાથી વેડફાઈ જવાનો. ગુસ્સો કરવાનો કોડ ઑફ ક્ધડક્ટ કોઈએ નક્કી નથી કરી આપ્યો એટલે દરેક વ્યક્તિએ પોતાની જાતે જ એના નિયમો બનાવી લેવા પડે.

મગજ તપી જાય કે માથું ફાટફાટ થાય એવી પરિસ્થિતિમાં ઈન્સ્ટન્ટ ગુસ્સો પચવામાં ભારે સાબિત થાય. વાસ્તવમાં એ ગુસ્સો નહીં, આવેશ હોય છે. નકરી ઈન્સ્ટન્ટ પ્રતિક્રિયા-બીજું કશું જ નહીં. અંગત જીવનમાં પણ ગુસ્સો વ્યક્તિનિરપેક્ષ બનવો જોઈએ અર્થાત્ સામેની વ્યક્તિ કશુંક ખોટું કરી રહી હોય ત્યારે ‘તમે તો છો જ આવા’ એવા શબ્દો વાપરીને આખેઆખી વ્યક્તિને ઝપટમાં ન લેવાની સાવચેતી રાખીને ગુસ્સાને વસ્તુલક્ષી કે મુદ્દાલક્ષી બનાવી શકાય. આ ચોક્કસ બાબત વિશેનું તમારું વર્તન ન ગમ્યું. આ ખાસ પ્રસંગે તમે જે નિર્ણય લીધો તે બરાબર નહોતો. કે પછી તમારા વ્યક્તિત્વની આટઆટલી બાબતો સાથે હું બિલકુલ સહમત થઈ શકું એમ નથી: આવું કહીને તમારા ગુસ્સાને સંસ્કારી બનાવી શકાય.

ગુસ્સો કાબૂમાં કેવી રીતે રાખવો? માનસશાસ્ત્રીઓએ દસ વિવિધ ઉપાયો સૂચવ્યા છે. આમાંથી કોઈપણ એક ઉપાય કે એક કરતાં વધુ ઉપાયોનું કૉમ્બિનેશન ઉપયોગી પુરવાર થઈ શકે. શક્ય છે કે આ બધા ઉપાયો ભૂલીને તમે તમારી આગવી રીતે ક્રોધનું નિવારણ કરવાની યુક્તિ શોધી શકો:

૧. ગુસ્સો આવે ત્યારે તાત્કાલિક એ સ્થળ, વાતાવરણ કે વ્યક્તિથી દૂર થઈને કોઈક ગમતા કે પછી ન્યુટ્રલ વાતાવરણમાં અથવા ગમતી કે ન્યુટ્રલ વ્યક્તિ પાસે જતા રહેવું.

૨. ખોરાક, આરામ, પ્રવાસ, ઊંઘ, સંગીત, ગમતી પ્રવૃત્તિ, શાંતિ, પ્રાકૃતિક સ્થળોની મુલાકાત વગેરેથી ક્રોધ શાંત થઈ શકતો હોય છે.

૩. ક્રોધ પ્રગટાવતી ઘટનાઓની વિગતવાર નોંધ પર્સનલ ડાયરીમાં કરી રાખવી.

૪. પોતાની જાત પર એવું બંધન લાદવું કે મને મારો ગુસ્સો રોકવામાં સફળતા મળશે ત્યારે હું મારી અમુક ચોક્કસ મનગમતી ચીજ હું મને આપીશ અને ગુસ્સો રોકી ન શકાય ત્યારે એનાથી વંચિત રહીશ.

૫. કોઈકની; ખાસ કરીને મનગમતી વ્યક્તિની વર્તણૂકની પ્રતિક્રિયારૂપે આવતા ક્રોધમાંથી પ્રગટતા શબ્દો એ વ્યક્તિને ગુસ્સામાં કહેવાને બદલે ગુસ્સો શાંત થઈ ગયા પછી એ જ વાત હસતા હસતા કહી શકાય.

૬. આ જિંદગી, આ દુનિયા અને આસપાસના તમામ લોકો આપણી ઈચ્છા મુજબ ચાલે એ અશક્ય છે. આટલું સત્ય સ્વીકારીને મન ઘણું સ્વસ્થ બની શકે.

૭. ક્રોધ પ્રગટ થશે તો એનાં માઠાં પરિણામ કયાં કયાં આવશે એ વિશે વાકેફ રહેવું.

૮. વ્યાયામ, યોગાસન, ધ્યાન, સ્નાયુઓ હળવા કરવાની રિલેક્સેશનની કસરતો વગેરેથી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કરવા.

૯. નજીકની વ્યક્તિઓને ક્રોધ કાબૂમાં રાખવા સાથે લઈ શકાય. એમને કહી દેવાનું કે અમુક વ્યક્તિની અમુક બાબતે હું સખત ગુસ્સે છું. અને તમારો સાથ લઈને ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ છું. અણીને સમયે મન હળવું કરવાથી પણ ફાયદો થતો હોય છે.

૧૦. ક્યારેક માણસ પોતાની અસમર્થતા બીજા આગળ તેમ જ પોતાની સમક્ષ ઉઘાડી પડી જતાં ક્રોધે ભરાય છે. ઈચ્છિત વસ્તુ ન મળવાથી ક્રોધ ભરાતો હોય છે. આવા સમયે ક્ષણભર રોકાઈને વિચારવું કે ઈચ્છિત વસ્તુ મેળવવાની આપણી પાત્રતા છે? અને જો એવું લાગતું હોય કે હા, પાત્રતા છે તો વિચારવું જોઈએ કે કઈ પરિસ્થિતિ એ વસ્તુને નજીક આવતા રોકી રહી છે? એ પરિસ્થિતિ પર આપણો કાબૂ છે? અસમર્થતા પ્રગટ થઈ જતાં જે હતાશા ઘેરી વળે છે તે ક્રોધરૂપે પ્રગટ થાય છે. આવા સમયે આપણી અસમર્થ પરિસ્થિતિ શેના કારણે સજાર્ર્ઈ તે સમજીને એનો સ્વીકાર કરવો જોઈએ.

આવેશ દ્વારા વ્યક્ત થતો ક્રોધ વ્યક્તિને પોતાને જ નુકસાનકારક પુરવાર થતો હોય છે. તત્ક્ષણના સંયમ પછી વ્યક્ત થતો ગુસ્સો પોતાને તો એ નુકસાનમાંથી બચાવી જ લે છે, સામેની વ્યક્તિને પણ પોતાનામાં રહી ગયેલી ખામીઓ સુધારવાની તક આપે છે. કોઈક પરિસ્થિતિમાં સર્જાયેલી મડાગાંઠ આવેશવાળા ગુસ્સાથી ઉકલવાને બદલે વધુ સખત બની જાય છે. ભવિષ્યમાં એ ગાંઠ ઉકલી પણ જાય તોય પેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરવામાં અનેકગણી શક્તિઓ ખર્ચાઈ જાય. આવેશને સંયમમાં રાખવાનું કામ આના કરતાં ઘણી ઓછી શક્તિએ કરી શકાય અને આ કામ દેખાય છે એટલું અઘરું નથી.

આવેશને વાળવા માટેનો ઉત્તમ ઉપાય જે બાબતે ગુસ્સો પ્રગટયો હોય એ વિશે વિચારવાનું બંધ કરી દેવાનો નથી. વિચાર ચોક્કસ ચાલુ રાખવો, પણ એ વિચારની પ્રક્રિયાને લાગણીના રસ્તે લઈ જવાને બદલે તર્ક કે બુદ્ધિના માર્ગે વાળી લેવી. કોઈકનું વર્તન તમને અયોગ્ય લાગે ત્યારે ગુસ્સે થવાનો તમને હક્ક છે, પણ આવું વર્તન કરવા પાછળના એના કારણો વિશેની પૂરતી માહિતી કે હકીકતો તમારી પાસે તે ક્ષણે ન હોય તે શક્ય છે અને શક્યતા એ પણ ખરી કે ઘાંટા પાડીને, દલીલો કરીને તમે એ કારણો જાણવાની કોશિશ કરો છો ત્યારે તમારી ધાકને કારણે વ્યક્તિ તમને પૂરતી માહિતી આપવાને કે યોગ્ય સંદર્ભો સમજાવવાને અસમર્થ બની જાય.

ગુસ્સો ક્યારેય દાબવો નહીં, માત્ર ખાળવો અને કોઈક બીજા રસ્તે વાળી દેવો. દાબી દીધેલો ગુસ્સો શક્ય છે કે કોઈક અન્ય પ્રકારે ફૂટી નીકળે. મનમાં ધૂંધવાયા કરવાને બદલે એ ધુમાડો બહાર નીકળી જાય એ જ સારું. પણ વધારે સારું એ કે બહાર નીકળતો આ ધુમાડો ચારેકોર પ્રસરી જાય એ રીતે બહાર નીકળે એને બદલે ચીમની કે ધુમાડિયા વાટે ફેંકાઈ જાય. જેમની પાસે આવી ચીમની નથી હોતી એમના વ્યક્તિત્વની દીવાલો પેલા પ્રસરી જતા ધુમાડાની મેશથી કાળી બની જતી હોય છે. દરેક ઘરમાં જેમ એક મોરી કે ખાળ હોવી જરૂરી છે એવી રીતે દરેક માણસમાં આવી ચીમની પણ અનિવાર્ય છે. ભગવાને ભૂલ એ કરી છે કે એણે માણસને ઘડતી વખતે સ્ટાન્ડર્ડ ફિટિંગ્સમાં ચીમનીનો સમાવેશ નથી કર્યો. આવી એકસ્ટ્રા એક્સેસરી વ્યક્તિએ જાતે બેસાડી લેવાની હોય, કારણ કે ગુસ્સો બત્રીસલક્ષણા માણસ માટેનું તેત્રીસમું આભૂષણ છે.

સાયલન્સ પ્લીઝ!

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ;
અમે કમભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા

– મનોજ ખંડેરિયા
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. ભારતની વર્તમાન પરિસ્થિતિ, દરેકે દરેક બાબતે, રાજકીય, સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, સાહિત્યિક વગેરે વગેરે, આપણા માનવંતા વડાપ્રધાન શ્રી મોદીજીને શું ગુસ્સો નહિં આવતો હોય ? આપણા જેવા સામાન્ય નાગરિકને જો ગુસ્સો આવતો હોય તો તેઓ તો સમ્પૂર્ણપણે દેશને સમર્પિત સર્વોચ્ચ નાગરિક છે. છતાં તેઓએ ક્યારેય કોઈના પર ગુસ્સો કરતા જોયા કે સાંભળ્યા છે ? કારણ કે એમને ગુસ્સામાં ખર્ચાતી શક્તિનો સર્જનાત્મક ઉપયોગ કરતાં આવડે છે. મોદીજી ક્યારેક આ વિષય પર મન કી બાતમાં માર્ગદર્શન આપે તો ગણા બધાને ફાયદો થશે. ….. બાકી સૌરભભાઈએ અહીં સારી એવી માહિતી સરળ રીતે મૂકી છે. મોરારજીભાઈ દેસાઈ જ્યારે કટોકટીમાં જેલમાં હતા ત્યારે જેલના પીરસનારે કઢી ઢોળતાં તેમના પર ગુસ્સે થઈ એક તમાચો માર્યો હતો, પણ એ મહાનુભાવે પાછળથી પત્રકારોને કહ્યું હતું કે મારે એ ગુસ્સો નહોંતો કરવો જોઈતો, કારણ કે એ વ્યક્તિને દારૂના નશામાં મને હેરાન કરવા માટે મોકલવામાં આવ્યો હતો અને એ પૂરેપૂરા હોશમાં નહોંતો. અને એટ્લે એવી વ્યક્તિ પર ગુસ્સો કરવો એ સમજદાર વ્યક્તિની ભૂલ છે. એટલે ગુસ્સો કયાં કરવો અને ક્યાં પી જવો, એ પ્રસંગ અને પરિસ્થિતિ પર નિર્ભર છે. મોટેભાગે માણસ અનૂભવે ઘડાય છે.

  2. Anger management નું સર્વોત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીજીએ દુનિયાને આપ્યું છે. પ્રિટોરિયા જતા Saintmarisburg સ્ટેશન પર તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતર્યા ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ જે પણ હશે, પણ ગાંધીજીએ એ અનુભવને જે મોડ આપ્યો અને એક મહામાનવ નો જનમ થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here