ડ્રાઈવિંગ કે રેસિપી શીખવાડનારાઓ કાંઈ તમારા ગુરુ નથી બની જતા : સૌરભ શાહ

(Newspremi.com : રવિવાર, 5 જુલાઈ 2020)

આજે સવારથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી દેશભરમાં શરૂ થઈ ગઈ છે. આશ્રમો અને ગુરુઓ આ દેશની ભવ્ય અને પવિત્ર પરંપરા છે. સાધુ, સંત અને મહંતથી આ દેશની ઉજળી પરંપરાઓ સર્જાઈ છે. પણ કેટલાક લેભાગુઓ આ પરંપરાનો ગેરલાભ લેવા આતુર હોય છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતાં પહેલાં ગુરુ વિશે સ્પષ્ટતા થઈ જવી જોઈએ. જે શીખવાડે તે કંઈ બધા જ તમારા ગુરુ ન થઈ જાય. ડ્રાઇવિંગ સ્કૂલમાં તમને કાર ચલાવતાં શીખવાડતા ઈન્સ્ટ્રક્ટર કે પછી રેસિપીના ટીવી શોમાં તમને વાનગી બનાવતાં શીખવાડનારાં બહેન તમારા ગુરુ નથી. એમના માટે તમે આભાર જરૂર વ્યક્ત કરી શકોઃ એમને ગુરુપદે ન બેસાડી શકો. શાળા-કોલેજના શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા માટે પાંચમી સપ્ટેમ્બરનો શિક્ષકદિન પૂરતો છે.

ગુરુ એ છે જે તમને જીવન જીવવાની સાચી દિશા સુઝાડે છે. ગુરુ એ છે જે તમને જીવનમાં તમારો ધર્મ શું છે તે શીખવાડે છે. અને ધર્મ એટલે ? ધર્મ એટલે અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર તથા કર્તવ્ય. ધર્મની આટલી સટિક વ્યાખ્યા બીજી કોઈ નથી. આ વ્યાખ્યા ભગવદ્ ગોમંડલ કોશની દેણ છે. વ્યાખ્યાના ત્રણેય અંશને ફરીવાર ધ્યાનપૂર્વક જુઓ. પહેલાં કહે છે કે ‘અવશ્ય કરવા યોગ્ય’, પછી ઉમેરવામાં આવે છે કે ‘પાળવા યોગ્ય’ અને પછી ઉમેરાય છેઃ ‘આચાર, વિચાર તથા કર્તવ્ય’.આ વ્યાખ્યાને સમજણપૂર્વક જીવનમાં ઉતારતાં શીખવાડે એવા ગુરુ મળે કે પછી આપમેળે એવી સમજણ પ્રગટે તો ધર્મસંબંધી ઘણી બધી મૂંઝવણો દૂર થઈ જાય.

આજની યંગ જનરેશન માટે ધર્મનો અર્થ માત્ર એટલો જ કરવો પૂરતો છે કે, સારા-નરસાનો ભેદ પારખવાની મેચ્યોરિટી જેમાંથી મળે એવી વાતો એટલે ધર્મ. એવી વાતો જાણવી, શીખવી, આચરણમાં મૂકવી એટલે ધાર્મિક હોવું, ધર્મિષ્ઠ હોવું. આવી વાતો અમુક જગ્યાએથી જ મળી શકે એવી માન્યતાઓ હવે જરીપુરાણી થઈ ગયેલી ગણાય. ગમે ત્યાંથી એ પ્રાપ્ત થઈ શકે. કોઈકે કહ્યું એટલે એ વાક્ય પથ્થરની લકીર એવું માનીને ચાલી શકાય નહીં. શાસ્ત્રોમાં જે લખાયું તે બધું જ સાચું અને એ તમામનું પાલન અનિવાર્ય એવા ભ્રમમાં પણ ન રહેવાય. ગઈ કાલે જે લખાયું તેનું ઇન્ટરપ્રીટેશન કોઈ પોતાની સગવડ મુજબ કરીને તમને ભરમાવતું હોય એવું પણ બની શકે, વારંવાર બનતું રહ્યું છે. અને હજુ પણ બનશે, જો તમે સાવધ નહીં રહો તો. ધાર્મિક ગ્રંથોમાં કે પુરાણો વગેરેમાં લખાયેલી વાતોને ધાર્મિક માન્યતાઓને પડકારનારા કે એમાં ફેરફારો સૂચવનારા તમે વળી કોણ ત્યારે મનોમન ઉત્તર આપવાનો કે પડકારવાનું સૂઝ્યું એ જ પુરવાર કરે છે કે, મને અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. શું સારું છે, શું સ્વીકારવા યોગ્ય છે અને નઠારું શું છે, ફેંકી દેવા જેવું શું છે એ વિશેનો દ્વંદ્વ સતત મનમાં ચાલતો રહેવાનો. આ દ્વંદ્વથી મનને જે વધુમાં વધુ મુક્ત કરી શકે, એ વિશેની વધુમાં વધુ સ્પષ્ટતા જે આપી શકે તે જ સાચો ધર્મગ્રંથ અને એ જ સાચો ગુરુ અને એ જ આપણો ધર્મ.

ગાંધીજીએ કહ્યું કે, ‘મારે મન ધર્મ એટલે એક સર્વોપરી અદ્રશ્ય શક્તિને વિશે જીવતી અચળ શ્રદ્ધા’.

ગાંધીજી જે કહેવા માગે છે તેને થોડાક સિમ્પલ શબ્દોમાં સમજીએ. મારા કરતાં, તમારા કરતાં, બધા કરતાં વધુ શક્તિશાળી એવું કોઈક છે એવી પ્રતીતિ જ્યારે થાય છે ત્યારે જીવનમાંના ખરાબ ગાળાને સહેલાઈથી સહન કરી શકાય છે. એ સર્વોપરી અદ્રશ્ય શક્તિએ આ જે દુઃખ સર્જ્યું તેને સહન કરી લેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. કારણકે આ અંગે ફરિયાદ કરીશું કે દુઃખના સ્વીકાર માટે આનાકાની કરીશું કે એની સાથે ઝઘડો કરી બેસીશું તો આપણું કંઈ ઊપજવાનું નથી. કેમ ઊપજવાનું નથી? કારણકે આપણને ખબર છે કે આપણા કરતાં વધુ શક્તિશાળી એવું કોઈક છે જેણે આ બધું સર્જ્યું છે અને એની પાસે કોઈનીય લાગવગ ચિઠ્ઠી ચાલવાની નથી કારણ તમે જેને ઓળખો છો તેના કરતાંય એ વધુ શક્તિશાળી છે અને એક વખત જ્યારે શ્રદ્ધા બેસી જાય કે એ અદ્રશ્ય સર્વોપરી શક્તિમાન ધારશે ત્યારે તમારી વહારે આવશે જ. એ જ તમને ઉગારશે. આવી શ્રદ્ધા એનામાં આરોપ્યા પછી ઘણીબધી ચિંતાઓમાંથી છૂટી શકાય છે અને નિશ્ચિંત બનીને કર્તવ્ય તરફ એકાગ્રતા કેળવી શકાય છે.

ઇમોશનલ બ્લેકમેલિંગની જેમ રિલિજિયસ બ્લેકમેલિંગ પણ એક ખતરનાક પ્રકાર છે.

માણસમાત્રમાં રહેલી આ શ્રદ્ધાનો દુરુપયોગ ધાર્મિક આડતિયાઓએ ખૂબ કર્યો. આપણામાં રહેલી આ અમૂલ્ય શ્રદ્ધાને રમાડવાનું આ ધાર્મિક દલાલોને સદીઓથી ફાવતું આવ્યું છે. શરૂમાં એમણે આ શ્રદ્ધા સાથે થોડી ગેલ કરવાનું રાખ્યું અને આપણે જ્યારે વિશ્વાસ મૂકીને એમને આગળ વધવા દીધા ત્યારે આપણી ધાર્મિક લાગણીઓને એમણે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

ઇમોશનલ બ્લેકમેલિંગની જેમ રિલિજિયસ બ્લેકમેલિંગ પણ એક ખતરનાક પ્રકાર છે. પોતાનું ગુજરાન ચલાવવા, પોતાની દુકાન ચલાવવા, પોતાની તિજોરીઓ ભરવા અને પોતાની પથારીઓ ગરમ કરવા ધર્મના બ્રોકરો આપણી આ પ્રથા સાથે ખૂબ ખિલવાડ કરતા રહ્યા છે. એમણે પોતાના શિકારમાંથી વધેલા ટુકડાઓ વેરીને અગણિત સબ-બ્રોકરો પણ ઊભા કરી દીધા છે અને જ્યારે જ્યારે આપણી જાગૃતિની સાબિતી આપતી શંકાઓ પ્રગટ થાય છે ત્યારે આ પેટા-દલાલો પેરન્ટ કંપની વતી આપણને ચૂપ કરી દેવા માટે તૈયાર જ ઊભા હોય છે.

મારી લાશને સળગાવી દીધા પછીના સમયગાળા સાથે નિસબત ધરાવતા બોગસ તત્વચિંતન સાથે મારે શું કામ?

અંધશ્રદ્ધાનો અભાવ જ માણસને સાચા અને જીવનપયોગી તત્વચિંતન તરફ લઈ જઈ શકે એવું તત્વચિંતન જે આપણું રોજિંદુ જીવન છે એના કરતાં બહેતર બનાવી શકે અથવા એટલીસ્ટ છે એના કરતાં ઓછું ખરાબ બનાવી શકે સાચું તત્વચિંતન આ જન્મને, મૃત્યુ પર્યંતની આપણી આવરદાને, કોઈ ગિલ્ટ વિના માણવાની સમજ આપે. મારી લાશને સળગાવી દીધા પછીના સમયગાળા સાથે નિસબત ધરાવતા બોગસ તત્વચિંતન સાથે મારે શું કામ? એવી અટપટી વાતોમાં આપણને ગૂંચવી દેવાનું કામ ધર્મના ઓઠા હેઠળ હાટડીઓ ચલાવનારાઓએ કર્યું છે. આપણી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરફ દોરી જવાનું કામ એમણે જ કર્યું છે. આવી અંધશ્રદ્ધામાં કોઈ સરી પડે એ પહેલાં એની સામે જીવન સાથે નિસબત ધરાવતું તત્વચિંતન જે મૂકી શકે તે જ આપણો ગુરુ. પણ શ્રદ્ધાના પ્રદેશમાં ચાલતાં ચાલતાં અંધશ્રદ્ધાની સરહદમાં ક્યારે પગ મૂકાઈ જશે એનું ચોક્કસ જ્ઞાન આપવાનું ગજું કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિમાં તો છે નહીં તો પછી નક્કી કેવી રીતે કરવું કે શ્રદ્ધાનો અંત ક્યારે આવ્યો અને અંધશ્રદ્ધાનો આરંભ ક્યાંથી થયો.

આ સવાલનો કોઈ એક વાક્યમાં ઉત્તર નથી અને આમ છતાં હવે પછીનો અંતિમ પરિચ્છેદ આ સવાલના ઉત્તરસમો છે. સો ટચના તર્ક અને સો ટચની આસ્થા વચ્ચે કોઈક એવો પ્રદેશ જરૂર હોવો જોઈએ જ્યાં જવાનું મન સૌ કોઈને હોય છે. દરેક વ્યક્તિ પોતાને જે સત્ય લાગે છે એમાં શ્રદ્ધા ધરાવે છે. આ સત્ય વ્યક્તિનું અંગત સત્ય હોઈ શકે અથવા અન્ય વ્યક્તિઓનું લાગુ છે એવું નિરપેક્ષ સત્ય પણ હોઈ શકે. સત્ય પોતે ક્યારેય સંપૂર્ણ હોતું નથી, સત્ય પરની શ્રદ્ધા જ એ સંપૂર્ણ છે એવી પ્રતીતિ કરાવે છે.

વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’માં લખેલું એક વાક્ય વારંવાર ટાંકવાનું મન થાય છેઃ ‘અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય ત્યાં તર્કને જગ્યા રહેતી નથી.’ વિનોબાજીના આ સુંદર વિધાનને યથાવત સ્વીકારી લેતાં પહેલાં સમજી લેવું જોઈએ કે તર્કથી મુક્ત થઈ ગયેલી શ્રદ્ધા વ્યક્તિની આંતરિક પ્રગતિનું. એના આંતરિક વિકાસનું પરિણામ છે અને આવી પ્રગતિ સાધ્યા વિના શ્રદ્ધાને તર્કથી મુક્ત કરી દેવાની ઉતાવળ કરનારાઓ અચૂક અંધશ્રદ્ધાના પ્રદેશમાં જઈ શકે છે. સાચા ગુરુ તમને આવી ઉતાવળ કરતાં રોકીને ધીરજ ધરતાં શીખવાડે છે.

બાકી ગુરુ જેવા પવિત્ર શબ્દનો દુરૂપયોગ કરનારાઓ તો ઘણા મળી આવશે. મેનેજમેન્ટ ગુરુથી લઈને લવગુરુ સુધીના લોકો છે. એક જમાનામાં ફિલ્મી પાકીટમારનો પંટર એને કહેતો: ગુરુ, વો કામ હમને કર ડાલા!

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે તમને કોણ કોણ તમારા ગુરુ તરીકે યાદ આવે છે એના પરથી નક્કી થાય છે કે તમારામાં કેટલું ઊંડાણ છે.

આજનો વિચાર

ધર્મ માણસના અંતઃકરણના વિકાસનું ફળ છે. તેથી જ ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહીં, અંતઃકરણ છે.
-સ્વામી વિવેકાનંદ
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Krushnam Vande Jagad Gurum
    Guru Dattatreya had enumerated 24 Gurus.
    Whomsoever is your Guru, please keep it with you.
    Saurabhbhai , thanks to you for your learned articles.

  2. ધર્મની સુંદર વ્યાખ્યા અને સમજણ ,સાથે ગુરુપદ કોને અપાય અને કોને નહિ તેની નિખાલસ વિચારો, બહુજ સુંદર આર્ટિકલ.

  3. આગવી સૂઝ
    કોલેજ કાળ દરમિયાન રસેલ નું Gates of wisdom વાંચેલું
    એને પણ ભુલાવી દે એવી એવી મૌલિકતા
    અભિનંદન

  4. જે વ્યક્તિ પોતાનાં લેખનકાર્ય દ્વારા સમાજમાં પ્રચલિત અને અનુસરાતા (accepted and followed) ખોટાં વ્યવહાર અને ખોખલી વ્યવસ્થાને પડકારી નવી સુરેખ વ્યવસ્થા અને સમજપૂર્વક જીવવાની ગુરૂચાવી આપે છે તે હરહંમેશ વંદનીય રહેશે- એ અલગ વાત છે કે એને મળતું માન એ તત્કાલીન સમાજની ડહાપણની કક્ષા જેટલું જ હશે. (પણ એ ફરિયાદ તો હંમેશા સમયથી આગળ જોઈ શકનાર વ્યક્તિ વિશેષ ની રહેવાની જ. )

  5. અફલાતુન મસ્તાન આર્ટિકલ. આટલી સરસ અને સુંદર રીતે આ વિષયને લઈને ભાગ્યેજ કોઈએ લખ્યું હશે કે લખી શકે.
    આપે ટાંકેલા દરેક સંદર્ભ પણ વંદનીય છે. સરસ વરસાદી માહોલમાં ગુરુપૂર્ણિમાના દિવસે સુંદર લેખ મુકવા બદલ દિલી અભિનંદન બોસ.
    ???????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here