જિંદગીના બે સૌથી અગત્યના નિર્ણયો કયા : સૌરભ શાહ

(તડકભડક:’સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર ૧૩ ડિસેમ્બર ૨૦૨૦)

કોઈ આપણને રોકી રહ્યું છે કે રુંધી રહ્યું છે એવું લાગે ત્યારે સૌથી પહેલાં એ વિચારવું પડે કે આ બંધન સ્વૈચ્છિક છે કે પછી બહારની વ્યક્તિઓને કારણે કે પરિસ્થિતિને કારણે આવી પડ્યું છે.

પોતાની જાતે પોતાના સ્વાતંત્ર્યના એક હિસ્સાનો ત્યાગ કર્યા પછી ક્યારેક લાગે પણ ખરું કે આવું કરવું ખોટું હતું, એનો ગેરલાભ લેવાઈ રહ્યો છે, બીજાઓને આપણી સ્વતંત્રતાનો આટલો હિસ્સો મેળવીને સંતોષ નથી – હજુ વધારે જોઈએ છે – તેઓ આપણા બાકીના સ્વાતંત્ર્ય પર તરાપ મારવા આતુર છે.

આવું બને ત્યારે આપણે આપણી જતી કરી દીધેલી સ્વતંત્રતા પાછી મેળવી લેવી પડે. બીજા લોકો તમારી આવી ક્રિયાને બળવાખોરીનું નામ આપતા હોય છે. સામે ચાલીને છોડી દીધેલી કે કોઈકના દ્વારા બળજબરીપૂર્વક છિનવાઈ ગયેલી સ્વતંત્રતા પાછી મેળવવાની કોશિશ હંમેશાં બળવાખોરી જ ગણાતી આવી છે. બળવો કરીને પણ આપણી અમૂલ્ય સ્વતંત્રતા મળી જતી હોય તો એમાં શું ખોટું? બળવો કર્યા પછી પણ એ ન જ મળે તોય તમારે ગુમાવવાનું તો કશું જ નથી હોતું.

કોઈપણ વ્યક્તિ આર્થિક રીતે પગભર થઈ જાય એટલે એને પાંખો ફૂટવા માંડે. એ સ્ત્રી હોય કે પુરુષ. કૌટુંબિક ધંધામાંથી છૂટા થઈને સ્વતંત્ર કામકાજ કરવા માગતા ભાઈ કે પુત્ર કે નિકટના સગાને આપણે ધંધામાં સાથે લીધા હોય ત્યારે એક વાતની તકેદારી ખાસ રાખી હોય છે. એમને એમના હક્કનું ભલે મળે પણ એ હક્ક કંપની કે પેઢીમાં જ જમા રહે. દીકરાને રોજ પૉકેટમની આપવાના પણ એ બધા જ પૈસા દીકરાએ એની પિગી બૅન્કમાં જમા કરાવી દેવાના – કંઈક એના જેવી જ મેન્ટાલિટી થઈ આ. જે છે તે બધું જ તમારું જ છે ને એવું કહીને આપણે એ જેનું છે એને એના હક્કથી વંચિત રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ. સ્ત્રીઓની બાબતમાં તો ખાસ.

આજની તારીખે પણ મુરતિયાઓ, ખાસ કરીને ગુજરાતી મુરતિયાઓ, નોકરી કે વ્યવસાય કે બિઝનેસ કરતી છોકરીને પરણવા માગતા નથી. અમે કમાઈએ છીએ તે શું ઓછું છે: એમનો ઘમંડ આ બોલે છે. આવા યુવાનોને પરણી જતી યુવતી આજીવન એક સ્ત્રી મટીને માત્ર એક પત્ની બનીને રહી જતી હોય છે. અફકોર્સ, એ વાત અલગ છે કે કેટલીક યુવતીઓ પોતે જ પોતાનું આગવું વ્યક્તિત્વ ગુમાવીને ધનિક પતિની પત્ની બની જવા આતુર હોય છે. આવી યુવતીઓ મધ્યવયસ્ક બની ગયા પછી પત્નીમાંથી એક ગંદા ગુજરાતી શબ્દ જેવી – ‘બૈરી’ બની જતી હોય છે. આવી સ્ત્રીને કોઈ હક્ક રહેતો નથી ફરિયાદ કરવાનો. ઉંદર પકડવાના પાંજરામાં એક હૂકમાં રોટલીનો ટુકડો ભેરવવામાં આવે એ રીતે અરેન્જ્ડ મેરેજના હૂકમાં મુરતિયાના માબાપો ટુ બીએચકેનો ફલેટ ભેરવતા હોય છે જેમાં ગરીબ બિચારી ઉંદરડી આસાનીથી સપડાઈ જતી હોય છે.

જીવનમાં બે નિર્ણયો કરવા ખૂબ કપરા છે, પણ અત્યંત અનિવાર્ય છે: ૧. જે દેખાય છે તે બધું જ મેળવી લેવાની ઈચ્છાને ઓગાળી નાખવાનો પ્રયત્ન કરવાનો નિર્ણય અને ૨. કોઈ એક સૌથી મહત્ત્વના સંબંધમાં આપણી પાસે જે કંઈ છે – ભૌતિક, અભૌતિક – તે બધું જ સમર્પી દેવાનો નિર્ણય. આ બેઉ નિર્ણયો કરવા ખૂબ જ અઘરા છે.

માણસનું મન જન્મજાત લાલચુ છે. એ જે કંઈ જુએ છે તે એને તરત જોઈએ છે. જુએ કે સાંભળે કે જાણે કે વાંચે. એ જોઈએ જ છે. મન પોતાની પાત્રતા નથી માપી શકતું. બીજાઓ દ્વારા જ ખબર પડતી હોય છે કે આપણું મન કેટલા પાણીમાં છે. જેઓ પોતાની પાત્રતા વિશેનો સચોટ અંદાજ જાતે જ લગાવી શકે છે એમને જિંદગીમાં પછી ક્યારેય સ્વની શોધ કે સ્વની ઓળખ જેવા ભારેખમ શબ્દોમાં ગૂંચવાતી કૃતક ફિલસૂફીઓ સમજવાની જરૂર રહેતી નથી.

જે જોયું તે બધું જ મેળવવાની ઈચ્છા રાખનારને ધારો કે તે બધું જ મળી પણ ગયું તોય એને ધરવ થવાનો નથી. હજી-હજીની એની ભૂખ સદાની રહેવાની.

અને કોઈ એક સૌથી મહત્ત્વના સંબંધમાં આપણું હન્ડ્રેડ પર્સેન્ટ આપી દેવાની વાત. ખૂબ અઘરું છે આવો પ્રયત્ન પણ કરવાનો નિર્ણય લેવાનું કામ. સંબંધ જ શા માટે, જિંદગીમાં જે સૌથી મહત્ત્વનાં કામ હોય એની બાબતમાં પણ એવું જ. પૂરેપૂરા નીચોવાઈ જવું શબ્દ પ્રયોગની અભિવ્યક્તિ ‘ન્યોચ્છાવર થઈ જવું’માં વધારે સારી રીતે થાય છે. સો ટકાનું સમર્પણ કોઈ વ્યક્તિ માટે થયું હોય કે કોઈ કામ માટે – થયું હોય ત્યારે એનું પરિણામ ધાર્યું ન આવે તોય અફસોસ નથી થતો. હજુ વધારે મહેનત કરી હોત તો આ કામને જે નિષ્ફળતા મળી તે ન મળી હોત એવો પસ્તાવો ત્યારે જ ન થાય જ્યારે તમે એ કામ પાછળ તમારાથી બનતી તમામ મહેનત કરી હોય. કોઈ તમારી સાથે છેડો ફાડીને બીજા સાથે સંબંધ બાંધે છે એનો એક અર્થ એવો થયો કે તમે એને જે આપ્યું છે કે આપી શકો એમ છો એના કરતાં વધારે હવે કોઈ અન્ય તરફથી એને મળવાનું છે એની એને ખાતરી છે. આવો સંબંધ તૂટે ત્યારે અફસોસ રહી જતો હોય છે કે મેં શા માટે મારું હન્ડ્રેડ પર્સેન્ટ આ સંબંધને ન આપ્યું? શા માટે મેં આટલું અને આવું આવું આપવામાં દિલચોરી કરી? સંબંધ તૂટ્યા પછી સાવ ખાલીખમ થઈ ગયા હોવાની લાગણી થાય તો ભલે થાય. અફસોસ કરતાં ખાલીપો સારો.

બહુ બધું મેળવી લેવાની ઈચ્છા રોકવાનો એક જ ઉપાય. શું એ બધું જ મેળવવાની પાત્રતા છે મારામાં? આ સવાલનો જવાબ મળે તો જ એ ઈચ્છાઓને પંપાળ્યા કરવાને બદલે પોતાની પાત્રતા વધારવા બાબતે ધ્યાન આપી શકાય. કોઈ કામને કે કોઈ સંબંધને પોતાનામાંનું બધું જ આપી દેવાનો નિર્ણય લેવો સરળ ક્યારે બને? જ્યારે આ સવાલનો જવાબ જડી જાય: આ વ્યક્તિને કે આ કામને બીજું કોઈક મારા કરતાં વધારે આપી જશે તો?

પાન બનાર્સવાલા

અશક્ય ઘણી વખત એ જ લાગતું હોય છે જેના માટે હજુ સુધી પ્રયત્નો જ કરવામાં આવ્યા નથી.

– જિમ ગુડવિન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here