ખાલી થતી જિંદગીને રિ-ફિલ કરતાં રહીએ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, ૧૨ ડિસેમ્બર ૨૦૨૦)

જિંદગી જો ખાલીખમ લાગતી હોય તો એનું કારણ એ છે કે એને રિ-ફિલ કરવાની કોશિશ આપણે છોડી દીધી છે. નાના હતા, સ્કૂલમાં જતા ત્યારે રોજેરોજ નવું નવું શીખતા. દરેક નવા દિવસે નવું જાણવાનું મળતું, નવા અનુભવો મળતા, નવા દોસ્તો બનતા. જિંદગી વિસ્મયથી ભરેલી હતી, કૌતુકથી છલોછલ હતી. કૉલેજમાં અને ભણી લીધા પછી નવાનવા વ્યવસાય, નોકરી, ધંધો કરતા થયા ત્યારે આ વિસ્મય અને કૌતુક પરાકાષ્ઠાએ પહોંચ્યાં. દુનિયા આખી બાથમાં આવી ગઈ. નવા સંબંધોની હૂંફથી જગત આખું આપણું સ્વાગત કરી રહ્યું હોય એવી લાગણીઓ જન્મી.

પરણીને ઠરીઠામ થઈ ગયા પછી કે એકાદબે સંતાનના જન્મ પછી અને નિયમિત આવકો આવતી થઈ ગયા પછી ક્રમશઃ જિંદગી સ્થગિત થઈ ગઈ હોય એવું લાગવા માંડ્યું. ઉંમરનો ત્રીસેક વર્ષનો ગાળો વટાવી દીધા પછી, ચાળીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં જ, જિંદગી ખાલીખમ થઈ જવા લાગી. કંટાળો પ્રવેશ્યો અને કંટાળાને દૂર કરવાના ભૌતિક પ્રયત્નો શરૂ થઈ ગયા. વીકએન્ડમાં મિત્રો સાથેની મહેફિલો, વરસમાં બે વેકેશન્સ, શૉપિંગ, હજુ મોટું ઘર, વધુ સારી કાર અને બૅન્ક બૅલેન્સમાંથી મળતી ભવિષ્યની સલામતીઓ પણ જિંદગીને નવેસરથી હરીભરી બનાવી શકે એમ નથી. નવું જાણવાનું, નવું શીખવાનું નવું જોવાનું, નવું અનુભવવાનું અને નવા લોકો સાથે હળવા-ભળવાનો મતલબ એ નથી કે એફિલ ટાવર જોઈને, પેરિસની કાફેના વેઈટર સાથે ઓળખાણ કરી લેવી. નવું નવું જાણવાનો અર્થ એ નથી કે રોજેરોજ નવા છપાઈને આવતા છાપામાં ટર્કીમાં થયેલા ભૂકંપની વિગતો જાણવી. નવું શીખવાનું એટલે સંતાનને ભણાવતી વખતે એની ટેક્સ્ટબુક્સમાં લખાયેલી વાતો આપણે શીખી લેવી એવું નહીં.

રોજ ખાલી થતી જતી જિંદગીને રિ-ફિલ કરવા માટે ન તો તમને પૈસાની જરૂર છે ન સમયની. પૈસો-સમય ખર્ચ્યા વિના જિંદગીની ફરી એકવાર છલકાવી શકાતી હોય છે. રોજેરોજ.

ખાલી થતી જિંદગીને ફરી છલોછલ કરવા માટે સૌપ્રથમ તો એક અવેરનેસ હોવી જોઈએ કે હા, મારી જિંદગીમાંથી રોજ કશુંક ઓછું થઈ રહ્યું છે જેનું પરિણામ કંટાળો છે અને આ કંટાળો દૂર કરવા અત્યારે હું જે કંઈ પ્રયત્નો કરું છું—ટીવી સામે બેસી રહેવું, પિક્ચરો અને વેબ સિરીઝોના એપિસોડ એકસાથે જોઈ નાખવા વગેરે—એ બધા પ્રયત્નો નિરર્થક છે.

આટલી સભાનતા પછી આપણે એ કરવાનું છે જે નાનપણમાં અનાયાસ થઈ જતું. જિજ્ઞાસા, કુતૂહલ. દુનિયા કેટલી વિશાળ છે. આપણી આસપાસની વ્યક્તિઓ કરતાં ઘણી મોટી છે. અંદર ઝાંકીને જોઈશું તો એના કરતાંય મોટી લાગશે. જિજ્ઞાસાને પામવા માટે પૈસાની જરૂર નથી. કુતૂહલ વૃત્તિ કેળવવા માટે મનની શ્રીમંતાઈ, ઉદારતા હોવી જરૂરી છે. ત્રીસ વર્ષની ઉંમર પછી આપણે બંધિયાર બનતા જતાં હોઈએ છીએ. આપણા રસના વિષયો અને આપણા વિસ્મયની ક્ષિતિજો વિસ્તરતાં નથી. આપણે એક કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ છીએ. દા.ત. મને હિંદી ફિલ્મ સંગીત સાંભળવાનો શોખ છે એટલે હું મદનમોહન કે આર.ડી. બર્મનનાં ગીતો સાંભળતો રહીશ. આવા જ બીજા બે-ચાર-છ મહાન સંગીતકારોની રચનાઓ માણતો રહીશ. પણ એક ડગલું આગળ વધીને શાસ્ત્રીય સંગીત તરફ જવાનું નહીં વિચારું. આપણને એમાં ગતાગમ નહીં પડે એમ માનીને એનાથી દૂર રહીશ. ભલા માણસ, હિંદી ફિલ્મ સંગીતમાં વળી કઈ ગતાગમ પડે છે? એમાં કયો સૂર ક્યાં ગોઠવાયેલો છે એની કોઈ સમજ નથી હોતી છતાં માણી શકો છો ને? માણી શકીએ છીએ એટલા માટે કે નાનપણથી જ આપણે એનાથી એક્સપોઝ થયા, શાસ્ત્રીય સંગીતથી નહીં. આ બેમાંથી કયું મ્યુઝિક ઊંચું કે નીચું છે એવી વાત નથી. મારે મન બેઉ આદરપાત્ર છે. નાનપણથી જેઓ માત્ર શાસ્ત્રીય સંગીતથી એક્સપોઝ્ડ હોય એમને જો ત્રીસ વર્ષની ઉંમર પછી ખાલીપો લાગતો હોય તો એમણે ફિલ્મ સંગીતનું શ્રવણ જીવનમાં ઉમેરવું જોઈએ.

જિંદગીને રિ-ફિલ કરવા માટે જે ક્ષેત્રોમાં રસ પડતો હોય, જે ક્ષેત્રોમાં કામ કરવાની મઝા આવતી હોય તે ક્ષેત્રનાં અત્યાર સુધી ન ખેડેલાં પાસાંઓને સ્પર્શવા જોઈએ. તમે લેખનના ક્ષેત્રમાં હો તો મૌલિક લખાણો પૂરતા સીમિત ન રહીને ઉત્તમ અનુવાદો કરવા જોઈએ અને સ્વતંત્ર લેખન કરવાને બદલે તમારી તમામ શક્તિઓ માત્ર અનુવાદો કરવામાં ખર્ચાઈ જતી હોય તો તમારે મૌલિક લખવા તરફ ધ્યાન આપવું જોઈએ. આ બધા માત્ર ઉદાહરણો છે. દરેકે પોતપોતાની જિંદગી અનુસાર વિસ્તરવું જોઈએ.

પણ મોટાભાગના લોકો માટે કંટાળો દૂર કરવા માટે કે રિફ્રેશ થઈ જવા માટે, આગળ કહ્યું એમ પેરિસ જઈને એફિલ ટાવર જોઈ આવવા જેવી પ્રવૃત્તિઓ પૂરતી હોય છે. મિત્રોની મહેફિલો કે પિક્ચર જોવાં બસ થઈ પડે છે. આ બધું કરવાથી કંટાળો દૂર નથી થતો, માત્ર તત્પૂરતો દબાઈ જાય છે. કંટાળો કાયમી ધોરણે દૂર નથી થતો એટલે જિંદગી રિ-ફિલ થતી નથી. ખાલી ને ખાલી રહે છે. એટલે તમે બમણા જોરથી એ પ્રવૃત્તિઓ કરો છો. લાસ્ટ ટાઈમ બે પેગમાં નશો ન ચડ્યો એટલે આ વખતે ચાર પેગ પી લઉં એમ વિચારીને હવે તમે માત્ર ફ્રાન્સને બદલે સંપૂર્ણ યુરોપની યાત્રા કરવાની તૈયારી કરો છો. પણ આમાં કશું વળવાનું નથી. અગાઉ બે દિવસ માટે દબાઈ ગયેલો કંટાળો હવે બે અઠવાડિયા કે બે મહિના પૂરતા દબાઈ જશો એ પછી ફરી તમે ત્યાંના ત્યાં.

પોતાનું વ્યક્તિત્વ વિસ્તારીને રોજિંદી પ્રવૃત્તિઓમાં તમારે શું શું ઉમેરવું પડશે એવું ચિંતન કર્યા વિના બાકીની જિંદગી ખાલીખમ જ વીતી જવાની. મૃત્યુ વખતે તમને પોતાને તમે હર્યુંભર્યું જીવ્યા છો એવા સંતોષ નહીં થાય. જો એવો સંતોષ જોઈતો હશે તો ત્રીસ અને ચાળીસ વર્ષની ઉંમરના દાયકા દરમ્યાન તમારે નક્કી કરી લેવું પડશે કેઃ

(1) મારી જિંદગીને રિ-ફિલ કરતાં રહેવાની જવાબદારી મારી છે. મારે એ માટે બહાર ફાંફાં મારવાની જરૂર નથી.

(2) મારા રસના વિષયો અને મને રસ પડે એવી વ્યક્તિઓ આ બેઉમાં વધારો થતો રહેવો જોઈએ અને 

(3) કંટાળો એ બાજુ કંઈ નહીં પણ ગાડીમાં એમ્પ્ટીનું સિગ્નલ બતાવતો કાંટો છે, એ દેખાય કે તરત જ મારે ટાંકી નવેસરથી ભરાવી લેવાની હોય અન્યથા ગાડી બંધ પડી જશે, જીવન સ્થગિત થઈ જશે.

ટાંકી ખાલી થઈ ગયા પછી ગાડીને ધક્કા મારીને એફિલ ટાવર સુધી લઈ જતા ઘણા લોકોને તમે જોયા છે. કમનસીબે, એફિલ ટાવર પાસે કોઈ પેટ્રોલ પમ્પ નથી એની આ ભોપાઓને ખબર જ નથી હોતી.

આજનો વિચાર

જે કંઈ એકનું એક છે તે બધું જ કંટાળામાં પરિણમે છે.

– અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. To give up emptiness in life, just keep on revising Narsi Mehta’s ” Vaishnavajanato….” and keep on imbibing those qualities in life. It is useful to each and every strata of society – from the richest to the poorest.
    Eiffel Tower and pegs are in the minds of only those who afford it, mostly with easy money.

  2. ઉત્તમ વિચાર.. સર , ખૂબ ખૂબ આભાર તમારો. આ જ વાત હું મારી દીકરીને કહેવા માંગતી હતી એના કંટાળાના જવાબ સામે !! પણ કઈ રીતે શરુ કરવુ એ સમજાતુ નોતુ. તમે એકદમ…. ટુ ધ પોઈન્ટ….. સમજાવ્યું. આજની પ્રજાને સતત નવીનતા જોઈએ છે અને નવીનતાથી પણ એટલા જ જલ્દી પાછા કંટાળી પણ જાય છે. આપનો આ લેખ આવા અનેક પ્રશ્નોનો સ્પષ્ટ અને સચોટ ઉકેલ છે. ફરીથી આપનો દીલથી આભાર માનું છું ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here