કદાચ કોઈ મને અભિમાની કહે તો ભલે કહે, મારું અભિમાન પરમેશ્વરના જોરે છે— પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( લેખ સાતમો) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: શનિવાર, મહા સુદ એકાદશી, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨)

સ્વામી સચ્ચિદાનંદ લિખિત ‘અગવડોમાં આરાધના’માંથી એક ઔર કિસ્સોઃ

‘ભાવનગર પાસેનું સમુદ્ર કિનારાનું એક નગર. મારે ઘણી વાર અવારનવાર ત્યાં જવાનું થતું. એક મારા ખાસ પરિચિત ભાઈને ત્યાં ઉતારો રહે. ઘર જેવું વાતાવરણ લાગે. તેમના જ આગ્રહથી એક દાતાના સન્માનમાં ભાગ લેવા માટે જવાનું થયું. સાંજે સભા શરૂ થઈ અને રાતના આઠેક વાગ્યા સુધી સભા ચાલી. સભા ખૂબ સારી રહી. દાતાએ આ નગરમાં ઘણાં દાન આપેલાં એટલે બધા તેમની પ્રશંસા કરે તે સ્વાભાવિક છે. સભા પૂરી થઈ એટલે મંચ ઉપર બેઠેલું દાતાનું કુટુંબ વિદાય થયું. મારા પરિચિત ભાઈને ત્યાંથી તો હું વિદાય લઈને જ આવ્યો હતો, તે પણ કોઈ કાર્યવશ આઘાપાછા થઈ ગયા હતા. મંચ ઉપર હું એકલો દસેક મિનિટ બેસી રહ્યો. હવે મારી પાસે બે જ રસ્તા હતા – એક તો દાતા પરિવારને શોધતો શોધતો તે જ્યાં હોય ત્યાં પહોંચી જાઉં અથવા વિદાય થાઉં. મને બીજો રસ્તો ઠીક લાગ્યો. હું વિદાય થયો. ગાડીમાં ગઈ કાલનો રોટલો પડ્યો હતો. તે ચાવી-ચાવીને ખાવાની મજા આવી. મારો ડ્રાઇવર પણ આવી પરિસ્થિતિથી ટેવાઈ ગયેલો એટલે રોટલો ચાવતા જઈએ અને પાણીનો ઘૂંટડો પીતા જઈએ. બહુ સ્વાદ આવે…’

સ્વામી સચ્ચિદાનંદ આગળ લખે છેઃ
‘પેલા દાતાશ્રીને પાછળથી પોતાની ભૂલ સમજાઈ હશે એટલે પશ્ચાતાપ થયો અને મને અઢી હજાર રૂપિયાનો ચેક મોકલી આપ્યો. ઘણા શ્રીમંતો એમ સમજતા હોય છે કે પૈસાના દ્વારા બધી ભૂલોને ધોઈ શકાય છે, કારણ કે જે ભૂલનો ભોગ બન્યો હોય તે પૈસાથી રાજીરાજી થઈ જાય છે. તેમની વાત પણ મોટા ભાગે સાચી જ હોય છે. લોકો પૈસા મળતાં જ ધન્ય ધન્ય થઈ જતા હોય છે. પણ ઈશ્વરની મારા ઉપર બહુ જ કૃપા છે. અત્યાર સુધી ગમે તે કાર્યક્રમમાં જવાનું થયું હશે પણ મેં ક્યાંય સીધી કે આડકતરી રીતે પૈસોય માગ્યો નથી કે નથી ક્યાંય પધરામણીની ગોઠવણ કરાવી કે નથી કોઈ શિષ્યો બનાવવાની પ્રવૃત્તિ કરી.’

પછી બાપજીએ પેલા અઢી હજાર રૂપિયાના ચેકનું શું કર્યું?

‘મેં અત્યંત આભાર સાથે પેલો ચેક કૅન્સલ કરીને પાછો મોકલ્યો અને લખ્યું કે યોગ્ય લાગે ત્યાં આ રકમ વાપરી નાખજો. દાતાશ્રીએ ફરીથી નવો ચેક મોકલ્યો. મેં તેને પણ આભાર સાથે પાછો મોકલી દીધો. મને બરાબર યાદ નથી પણ કદાચ તેમણે ત્રીજીવાર એક ચેક મોકલ્યો તો મેં એ પણ પાછો મેકલી દીધો. છેવટે તેમણે એ રકમ અન્યત્ર વાપરવાની વાત માન્ય રાખી. મારે દાતાશ્રીનો આભાર માનવો જોઈએ કે તેમને પોતાની ભૂલ સમજાઈ અને પશ્ચાતાપ થયો.’

આ કિસ્સો પૂરો કરતાં સ્વામીજી નોંધે છેઃ

‘ખરેખર તો તેમણે મંચ ઉપરથી મને સાથે લઈને ભોજનવાળા સ્થળે જવું જોઈતું હતું. ભોજનવાળું સ્થળ ક્યાં છે તેની મને ખબર ન હતી. કદાચ ખબર હોત અને હું શોધતો શોધતો પહોંચી પણ ગયો હોત તો પણ સ્વમાનના ભોગે જમવાનું થાત… કદાચ કોઈ મને અભિમાની કહે તો ભલે કહે, મારું અભિમાન પરમેશ્વરના જોરે છે…’

ભાવનગર અને ભોજનની વાત પરથી મને મારી સાથે બનેલા એકબે કિસ્સા યાદ આવે છે. વર્ષો પહેલાં, કદાચ બે દાયકા થઈ ગયા, ભાવનગરમાં એક પ્રવચન હતું. એ બહાને મેં ત્યાં બેત્રણ દિવસનો ઉતારો મારા અંગત મિત્ર ગોપાલ મેઘાણીને ત્યાં રાખ્યો હતો. મારા ભાવનગરનિવાસ દરમ્યાન એક શ્રીમંત પરિચિતે મને બીજે દિવસે રાત્રે જમવાનું નિમંત્રણ આપ્યું અને મેં સ્વીકારી લીધું. ગોપાલભાઈએ મને ચેતવ્યો કે તમે ના પાડી દો, આપણે ઘરે બધા સાથે જ જમીએ. મેં કહ્યું કે મેં જીભ કચરી દીધી છે, હવે ના કહું તો એમને માઠું લાગશે.

બીજે દિવસે સાંજે જેટલા વાગ્યે નક્કી થયું હતું બરાબર એટલા વાગ્યાના ટકોરે હું એમના બંગલે પહોંચી ગયો. મેં ઘરમાં જઈને જોયું તો મારા યજમાન નિરાંતે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. હું સડક થઈ ગયો. એ ભાઈએ ન તો ખેદ વ્યક્ત કર્યો, ન કોઈ ખુલાસો કર્યો. એમણે જમી લીધું ત્યાં સુધી હું બેઠો રહ્યો. જેવા એ હાથ ધોઈને આવ્યા કે તરત મેં કહ્યું કે એક અર્જન્ટ કામ યાદ આવ્યું છે મારે જવું પડે એમ છે. તરત રિક્શા કરીને હું ‘લોકમિલાપ’ પાછો ફરીને ગોપાલભાઈના ઘરે જમ્યો.

બીજા દિવસે મુંબઈ જતા પ્લેનમાં એ શ્રીમંત મારી જ ફ્લાઇટમાં હતા. એમણે કેમ છો – કેમ નહીં કહ્યું પણ ગઈ કાલ રાતનો કોઈ ખુલાસો કર્યો નહીં અને મેં માગ્યો પણ નહીં.

આના કરતાં ચડિયાતો બનાવ મને અમદાવાદમાં થયો. વચ્ચે કેટલાંક વર્ષ માટે હું મુંબઈ છોડીને અમદાવાદ કામ કરવા ગયો હતો તે સમયની આ વાત. એક પરિચિત સાહિત્યકાર મારી પાસે કંઈક કામ કઢાવવા મારા ઘરે આવ્યા. મેં ખુશી ખુશી એમની મદદ કરવાની હા પાડી. કામ થઈ ગયા પછી ઘરે આવીને લઈ ગયા. બેઉ વખત ખૂબ આગ્રહ કરી કરીને પોતાને ત્યાં ભોજન માટેનું નિમંત્રણ આપે. એ પછી પણ બે-ત્રણ વાર ફોન આવ્યો. છેવટે મેં એમનું નિમંત્રણ સ્વીકાર્યું.

નક્કી કરેલા દિવસે હું એમના ઘરે ગયો. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ વૉચમેને પૂછ્યું કે કોને ત્યાં જવું છે. મેં સાહિત્યકારનું નામ કહ્યું. મને કહે કે એ તો ઘરે નથી. મેં કહ્યું ભલે કંઈ વાંધો નહીં, આવતા જ હશે બીજું કોઈ તો ઘરમાં હશે ને! એમ કહીને હું લિફ્ટ તરફ આગળ વધ્યો. વૉચમેન કહે કે ઘરે કોઈ નથી, તાળું છે. મને નવાઈ લાગી. મેં નીચે જ રાહ જોવાનું નક્કી કર્યું. અડધોએક કલાક રાહ જોઈને મેં સાહિયકારને ફોન કર્યો. ફોનની રિંગ વાગે પણ કોઈ ઉપાડે નહીં. કલાકેક પછી વૉચમેનને સંદેશો લખાવીને હું નજીકની મારી ફેવરિટ રેસ્ટોરાંમાં જમવા માટે જતો રહ્યો. ત્યાંથી મેં ફરીથી ફોન લગાડ્યો, એમ વિચારીને કે ક્યાંક એમની કોઈ ભૂલથી ઘરે રસોઈ ન બનાવી હોય તો એમને કહું કે હું આ જગ્યાએ બેઠો છું અને તમે આવી જાઓ તો સાથે જમીએ-તમારે ત્યાં કે બહાર રેસ્ટોરાંમાં, સાથે ડિનર લેવાનો લહાવો જ લૂંટવો છે ને. મારો ફોન એમના ઘરના એક સભ્યે ઉપાડ્યો. મેં મારી વાત કરી. એમણે સાંભળીને કહ્યું કે ભાઈ તો અત્યારે એક કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે, તમારી સાથે વાત નહીં કરી શકે. મેં કહ્યું, કશો વાંધો નહીં, ઇન્ટરવલમાં ફોન કરાવજો.

ફોનબોન તો આવ્યો નહીં. મેં વિચાર્યું સવારના પહોરમાં ફૂલ કે ચોકલેટ લઈને તેઓ મારા ઘરે આવી પહોંચશે અને માફી માગશે. એમને એમ્બેરેસમેન્ટ ના થાય એટલે મેં ‘મહારાજ’ના સમોસા મગાવીને તૈયાર રાખ્યા જેથી ચા સાથે ખાતાં ખાતાં હસીને વાતો કરતાં કરતાં ગઈ કાલ રાતનો કડવો બનાવ ભૂલી જઈએ. ન એ આવ્યા, ન કોઈ ફોન. આજ દિવસ સુધી મને ખબર નથી પડી કે એમણે આવું શું કામ કર્યું હશે. મારા ફોન સંદેશા પછી એમને ખબર તો પડી જ હશે કે હું એમના ઘરે પહોંચ્યો હતો. પણ આ વાતનો ખુલાસો એમણે ક્યારેય નથી કર્યો.

બધા શ્રીમંતો, બધા પરિચિતો, બધા આયોજકો કે બધા સાહિત્યકારો આવા નથી હોતા એ તો જાણે સ્વાભાવિક વાત છે. પણ એક વાત મેં નોંધી છે કે જેઓ માત્ર પૈસા કમાવવા પ્રવચનો કરવા જાય છે અને જેઓ પોતાના નીજી સ્વાર્થ અને ઉપયોગિતા ખાતર શ્રીમંતો સાથે કે મોટા સાહિત્યકારો સાથે ઉઠબેસ રાખે છે એમને ક્યારેય સ્વામી સચ્ચિદાનંદની જેમ ‘અગવડોમાં આરાધના’ કરવી પડતી નથી, કારણ કે તેવા લોકોનું લક્ષ્ય એક જ હોય છે – પુરસ્કારની રકમ અને વગદાર લોકોની ક્યારેક ખપમાં આવે એવી વગ. સ્વમાન કે એવી બધી બાબતો એમના માટે ગૌણ હોય છે. ખુમારી વગેરે સાથે એ લોકોને કંઈ લેવાદેવા હોતી નથી. અને એટલે જ તેઓની વાણીમાં મા સરસ્વતીના આશીર્વાદ જોવા નથી મળતા, એમના લખાયેલા શબ્દોમાં સ્વામી સચ્ચિદાનંદનાં લખાણો જેવું તેજ, એવી મૌલિકતા અને એવી ધાર જોવા નથી મળતી.

આવતી કાલે સ્વામીજીના જીવનકાર્યમાં ટેકારૂપ થનારાઓ વિશે, એમણે લખેલા પુસ્તક ‘મારા ઉપકારકો’માંથી કેટલીક વાત.

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. બહુ જ સરસ લેખ આવા અનેક કિસ્સાઓ સ્વામીજી એ પ્રવચનો માં પણ કહ્યા છે

  2. ખુમારી અને અભિમાન નો મસ મોટો ફરક સમજાય છે આ લેખ મા.
    આજ નહીં તો કાલે અભિમાન ના ચૂરેચૂરા થયે જ છુટકો.
    ખુમારી તો સુર્ય નારાયણ દેવ ના અજવાળા ની જેમ ચમકે .
    આપણા મોદી ભારતની ખુમારીને કળિયુગ ના અંધકારે શોધવા નું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

    • અહીં અભિમાન અને ખુમારી એક જ અર્થમાં છે.
      ભારત દેશને શહીદ ભગતસિંહ જેવા સપૂત માટે અભિમાન છે.

  3. સત્ય નું તેજ સ્વામિ જી ને પ્રણામ
    સૌરભ ભાઈ લેખ લખ વા મટે ધન્યવાદ

  4. ખૂબ મઝા આવે છે, પણ આવા લોકોને જ્યારે આપણો વારો આવે ત્યારે યથાયોગ્ય જવાબ આપવો જ પડે,

  5. મઝા પડે છે; ખરેખર.
    તમારા સાહિત્યકાર મિત્ર સાથે ના તમારા અનુભવ પર થી એમ જણાય છે કે અંદરખાને એ તમારી સખત ઈર્ષ્યા કરતા હશે.
    જ્યોતીન્દ્ર દવે અને નરસિંહરાવ દિવેટિયા સમકાલીન સાહિત્યકારો અને મિત્રો જેવા. એક વાર નારસિંહરાવે દવે સાહેબ ને લંચ નું આમંત્રણ આપ્યું. ઠરાવેલ સમયે જ્યોતીન્દ્ર સાહેબ એમના ઘરે પહોંચી પણ ગયા. સાહિત્ય ની ખાસી વાતો ચાલી; જ્યોતીન્દ્ર ભાઈ ને ભૂખ લાગી ગઈ,પેટ મા ઉંદરડા દોડવા લાગ્યા.પણ નરસિંહરાવ તો જમવા માટે ઉઠવાની વાત જ ના કરે. થોડી વાર થઈ ને કહે તમે જરા બેસો,હું જમી લઉં. ખાસી વાતો ના વડા કરી ને છેવટે વિલા મોઢે દવે સાહેબ ઘરે પાછા આવી ને જમ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here