લતા મંગેશકરના બાળપણના દિવસો : ‘ભૂખથી બહુ બહુ તો મરી જઈશું એટલું જને. ભીખથી તો મર્યા વિના જ ખલાસ થઈ જઈશું’ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : શનિવાર, મહા સુદ અગિયારસ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨)

લતા મંગેશકરના નાના હરિદાસ રામદાસ લાડ ગુજરાતી હતા અને માતા પણ નૅચરલી, ગુજરાતી હતાં. શેઠ હરિદાસ લાડ તાપી નદીના કિનારે થલનેર ગામમાં હવેલી બાંધીને રહેતા. હરિદાસની ગોરી અને સુંદર પુત્રી નર્મદા માતાપિતાની લાડકી. આ માતાપિતાની જાણ વિના જ કુટુંબના એક વડીલે નર્મદાના વિવાહ બળવંત સંગીત મંડળીના માલિક દીનાનાથ મંગેશકર સાથે ગોઠવી નાખ્યાં. વિવાહને દિવસે દીનાનાથે નર્મદાની નાની બહેન સેવંતીને જોઈ. સેવંતીનો વાન સાંવરો અને માતાની એ અણમાનીતી પુત્રી. સેવંતીને જોઈ દીનાનાથ બોલ્યા, ‘આ છોકરીને તમે લોકોએ મને પહેલાં કેમ બતાવી નહીં.’ દીનાનાથ મનોમન સાળીને ચાહવા લાગ્યા. લગ્ન તો નર્મદા સાથે જ થયાં.

લગ્નનાં ચાર વર્ષ બાદ સુવાવડ દરમિયાન યુવાન નર્મદાનું મૃત્યુ થયું. પ્રથમ બાળકીને સાચવવાની જવાબદારી માસી સેવંતીના માથે આવી. શેઠ હરિદાસે જમાઈના પગે પાઘડી મૂકીને સેવંતીને પત્ની તરીકે સ્વીકારી લેવાની વિનંતી કરી.

૧૯૨૭માં દીનાનાથ- સેવંતીના લગ્ન થયાં જેમાં સેવંતીનાં માતાએ હાજરી આપી નહીં.
૧૯૨૯ની ૨૯મી સપ્ટેમ્બરે લતાનો જન્મ થયો. સેવંતીનું સાસરવાસનું નામ ‘શ્રીમતી’ થઈ ગયું હતું અને શ્રીમતી પતિ દીનાનાથ ‘માલક’ (માલિક) કહેતા.

લતાના જન્મ સમયે માસ્ટર દીનાનાથનો સૂર્ય મધ્યાહ્ને હતો. મરાઠી રંગમંચના એ સૌથી લોકપ્રિય ગાયક- અભિનેતા. એ જમાનામાં એમનું એક સ્ટેજ પ્રોડકશન રૂ. ૭૦,૦૦૦નું બનતું. શિશુ લતાને ખોળામાં લઈને દીનાનાથ કશુંક ગાતા ત્યારે ભૂલકું એ જ સૂરમાં ગાતું. પિતાને મઝા પડી જતી. અને એ ગાતા જ રહેતા.

બાપ-દીકરીની આ મઝાની રમત ચાલ્યા કરતી. સંગીતની પાયાની તાલિમ લતાને પિતા પાસેથી મળી, પણ પિતાની એવી કોઈ મહેચ્છા નહીં કે દીકરી મોટી થઈને આ વ્યવસાયમાં આવે, ફિલ્મલાઈનની તો વાત જ જવા દો.

દીનાનાથની હયાતિમાં જ કુટુંબની સમૃદ્ધિનાં વળતાં પાણી થવા માંડ્યાં. કપરા દિવસો ચાલતા હતા એ ગાળામાં એક દિવસ નોકર ખરીદી કર્યા વિના પાછો આવ્યો. કરિયાણાવાળાએ કહ્યું હતું કે આ બે આનાનો સિક્કો નહીં ચાલે, ખોટો છે. નાનકડી લતા એ સિક્કો લઈ પાછી દુકાને ગઈ અને દુકાનદાર આનાકાની કરે એ પહેલાં રુઆબભેર બોલી: ‘તમને ખબર છે, હું કોણ છું? માસ્ટર દીનાનાથની દીકરી છું.’ દુકાનદારને દીનાનાથની કળા માટે આદર હશે કે પછી આ કળાકરની દરિદ્ર પરિસ્થિતિનો અંદાજ હશે- ખબર નહીં, પણ એણે માલ આપી દીધો.

આ કિસ્સો યાદ કરતાં લતા મંગેશકર આજે પણ ભાવપૂર્વક કહે છે:

‘બજારમાંથી સામાન લઈને હું ઘરે આવી ત્યારે બાબાએ મને ખૂબ ઠપકો આપ્યો. એ ખોટા સિક્કાથી ખરીદેલો સાબુ પાછો આપી આવવાનું તો કહ્યું જ, સાથોસાથ મોદીની માફી માગવાનું પણ કહ્યું, દુકાને પાછા જતી વખતે મને ભાન થયું કે બાબા મને એ વાત શીખવાડવા માગે છે કે મારે ક્યારેય કોઈના નામનો ગેરલાભ ન લેવો જોઈએ, એ નામ પિતાનું હોય તો પણ.’

માસ્ટર દીનાનાથના મૃત્યુ પછી કુટુંબની દશા સાવ બેસી ગઈ. અંતિમવિધિઓ પાછળ પંચોતેર રૂપિયા ખર્ચાઈ ગયા પછી ઘરમાં ચાર દિવસ ચાલે એટલું રાશન હતું. ઘરમાં મા સહિત છ જણ ખાવાવાળા અને પાંચમે દિવસે શું ખાશું એની ચિંતા. માના દાગીના અગાઉ જ વેચાઈ ચૂક્યા હતા. દીનાનાથની બળવંત ફિલ્મ કંપનીનો ગિરવે મૂકેલો કૅમેરા છોડાવવા દાગીના વેચવા પડ્યા
હતા. રસોડાનાં વાસણો એક પછી એક વેચાવા માંડ્યાં. કેટલાક દિવસ સુધી ઘરની નોકરબાઈ આજુબાજુ ગમે ત્યાંથી થોડુંક ખાવાનું ઘરમાં લઈ આવતી અને ભૂખે ટળવળતાં પાંચ મંગેશકર ભાઈ-બહેનોને ખવડાવતી. માતાને આ વાતની ખબર પડી. એણે ગુસ્સામાં ખાવાનું ફગાવી દીધું અને બોલી, ‘ભૂખથી બહુ બહુ તો મરી જઈશું એટલું જ ને. ભીખથી તો મર્યા વિના જ ખલાસ થઈ જઈશું.’

દીનાનાથના મૃત્યુનાં બે વર્ષ બાદ માતા અને પંદર વર્ષની લતાએ કુટુંબના ભરણપોષણનો ભાર પોતાના ખભે ઉપાડી લીધો. ટીન એજર લતાએ ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. મુંબઈ આવીને મંગેશકર કુટુંબે ગ્રાન્ટ રોડ પાસે નાના ચોકમાં એક ખોલી લીધી. ખોલીની બહાર ખુલ્લી જગ્યામાં રાત્રે બચ્ચાંઓ સૂઈ જતાં. મુગ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલી અને પ્રવેશી રહેલી દીકરીઓ રાત્રે ખુલ્લામાં સૂઈ જાય એને કારણે માને આખી રાત ચિંતા રહેતી. એ આખી રાત છોકરીઓની ચોકી કરતી જાગતી બેસી રહેતી. ક્યારેક એકલી એકલી પત્તાં રમતી.

‘ઈન કી ઉર્દૂ મેં દાલભાત કી બૂ આતી હૈ’

લતા મંગેશકર અને અનિલ બિશ્વાસ મુંબઈની લોકલ ટ્રેનમાં ગોરેગાંવના ફિલ્મીસ્તાન સ્ટુડિયો જઈ રહ્યાં હતાં ત્યારે વાંદરાથી એ જ કમ્પાર્ટમેન્ટમાં દિલીપકુમાર ચડ્યા અને અનિલ બિશ્વાસે જ્યારે પોતાની સાથે મુસાફરી કરતી આ દુબળી- કાળી છોકરીની ઓળખાણ કરાવીને એની ગાયકીને બિરદાવી ત્યારે દિલીપકુમારે આ વાક્ય કહીને લતાને ઉતારી પાડી હતી. લતાએ ઉર્દૂ શીખવાનું નક્કી કર્યું. એક મૌલવીને શીખવવા માટે રાખ્યા. ઉચ્ચારો, શાયરી બધું જ શીખવતા. ઉર્દૂ ઉપરાંત લતા સંસ્કૃત પણ શીખ્યાં. ૧૯૬૬માં ભગવદ્ ગીતાના શ્લોક રેકૉર્ડ કરવાના હતા. પૂનાથી સંસ્કૃતના પ્રકાંડ પંડિત જી. એન. દાંડેકરને આમંત્રણ આપીને મુંબઈ બોલાવવામાં આવ્યા. દોઢ મહિના સુધી એક પણ ફિલ્મી ગીત રેકોર્ડ કર્યા વિના લતા સંસ્કૃત શીખ્યાં.

લતા મંગેશકર કેવી રીતે લતા મંગેશકર બન્યા એની આ કથાનો સાર એટલો જ કે જીવનમાં કોઈ પણ પડકાર ઝીલી શકાય છે અને પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યા પછી પણ જે વ્યક્તિ આવા પડકારો ઝીલતી રહે તે જ સફળતાના શિખર પર ટકી શકે છે.

અને હા, ‘મહલ’ અને ‘બરસાત’ પછી સડસડાટ ધસમસતી કારકિર્દીના પરિણામે લતાજી ૧૯૫૦ના દાયકામાં નાના ચોક છોડીને ફેમિલી સાથે વાલકેશ્વરમાં ફલેટ લઈને રહેવા આવી ગયાં. ત્યાંથી ૧૯૬૦માં ‘પ્રભુ કુંજમાં’ પહેલા માળે ફલેટ લીધો ત્યારે વાલકેશ્વરની જગ્યા વેચીને થોડી રકમ ઉમેરવી પડી હતી. એ પછી તો ‘પ્રભુ કુંજ’માં જ બીજા ફ્લેટો લેવાયા. પૂણેમાં બંગલો થયો, લંડનમાં પણ ફલેટ લેવાયો. ૧૯૬૦થી જીવનના અંત સુધી તેઓ ‘પ્રભુ કુંજ’માં રહ્યા. હાજી અલી વટાવીને તમે ડાબી તરફ તાડદેવ જવાને બદલે સીધા આગળ વધો તો મહાલક્ષ્મી જંકશને બે ફાંટા પડે. ત્યાં જ કેડબરીનું એક જમાનાનું હેડ ક્વાર્ટર એટલે એ કેડબરી જંકશન તરીકે પણ જાણીતું. જમણો ફાંટો વૉર્ડન રોડ તરફ જાય. તમારે ડાબે જવાનું છે. પહેલું જ મકાન ‘પ્રભુ કુંજ’. ત્યાંથી થોડે દૂર જગજિત સિંહના ‘પુષ્પ મહેલ ‘ જવાની ગલી આવે. પેડર રોડ પર જ જસલોક હૉસ્પિટલ નજીક ‘દેવ આશિષ’માં પહેલા માળે આણંદજીભાઈ અને બીજા માળે કલ્યાણજીભાઈનું ઘર. લતાજીના ઘરથી હાર્ડલી પાંચસાત મિનિટનું વૉકિંગ ડિસ્ટન્સ. એક જમાનામાં મદનમોહન અને ગુરુદત્ત પણ આની આસપાસનાં મકાનોમાં જ રહેતા.

‘પ્રભુ કુંજ’નું મહાત્મ્ય અમારા માટે સામે આવેલા મહાલક્ષ્મી મંદિર જેટલું જ છે. આ મા સરસ્વતીનું મંદિર છે.

* * *

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

17 COMMENTS

  1. આપના કોઈ પણ લેખ નું વાંચન એ શબ્દ યાત્રા અને ભાવ યાત્રા જેવું ઉમદા અનુભવાય છે .

  2. તાપી કિનારા નું થલનેર થી ગ્રાન્ટ રોડ અને પ્રભુ કુંજ ની સફર.. અદભૂત

  3. I thought the flow is so good that we feel just now we will see Lataji coming out from prabhakunj
    U r deadly

  4. તમે જ્યારે વર્ણન કરતા હો છો ત્યારે તે પ્રસંગ ચલચિત્ર ની જેમ આંખો સામે થી પસાર થઈ જાય છે અને અમે પણ લતાજી ની સાથે નાના ચોક ની જગ્યા વેચી પ્રભુ કુંજ આવી જઈએ છીએ…

  5. ખુબજ ટૂંકો વિસ્તારભર્યો માહિતી સભર લેખ. સુંદર.

  6. સુંદર લેખ છે
    એક મહાન વ્યક્તિત્વ નો લેખ ગમ્યો
    લતાજી ના વિશેષ પ્રસંગો વાચવાની ઈચ્છા કરી

    નમસ્તે….

  7. સૌરભભાઇ,
    અરે તમે મજા આવવાની વાત પૂછો છો! પણ અમે તો જાણે નવનીત આરોગીએ છીએ જે તમે માહિતીનો ભંડાર વલોવી વલોવીને અમને પીરસો છો! ખૂબ ખૂબ આભાર 🙏😊

      • ભૂખથી બહુ બહુ તો મરી જઈશું પણ ભીખથી તો મર્યા વિના ખલાસ થઈ જઈશું… આવું શીખવનાર ખુદ્દાર માતાને પણ સલામ.. સુંદર લેખ

    • તમે જ્યારે વર્ણન કરતા હો છો ત્યારે તે પ્રસંગ ચલચિત્ર ની જેમ આંખો સામે થી પસાર થઈ જાય છે અને અમે પણ લતાજી ની સાથે નાના ચોક ની જગ્યા વેચી પ્રભુ કુંજ આવી જઈએ છીએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here