(ઈલેક્શન એક્સપ્રેસ : ગુરુવાર, ૧ ડિસેમ્બર ૨૦૨૨)
(‘ખાસ-ખબર’માં પ્રકાશિત)
ઍન્ટી ઈન્કમ્બન્સી એટલે જે કોઈ સરકાર હોય એને ચૂંટણી આવે એટલે હરાવીને નવી સરકાર બેસાડો. કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ ઍન્ટી ઈન્કમ્બન્સી શબ્દપ્રયોગ પ્રચલિત થયો. કારણ કે કોંગ્રેસની સરકારને ચૂંટયા પછી મતદારો પસ્તાતા અને ભ્રષ્ટ તથા નિકમ્મી સરકારને ફરીવાર ચાન્સ નથી આપવો એવું નક્કી કરીને નેકસ્ટ ચૂંટણી વખતે પોતાના એક મતનો પરચો દેખાડી દેતા.
મતદારો અક્કલમંદ હોય છે. એમને મૂરખ બનાવવાનું કામ અશક્ય છે. જે સરકાર પ્રજા માટે સારું કામ કરતી હોય એને તેઓ ફરી ચૂંટે છે, ન કરતી હોય તેને ઘરે બેસાડી દે છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. મતદારોએ કોઈ લાલચ-લોભ વિના, કોઈ ધાકધમકી-ડર વિના સતત ભાજપની સરકારને ફરી ફરી ચૂંટી છે. ભાજપ સરકાર ગુજરાતમાં સારું કામ કરે છે તે મતદારો જોઈ શકે છે, અનુભવી શકે છે. એટલે જ પાંચ વર્ષ પૂરાં થયાં પછી મતદારો ભાજપના ઉમેદવારોને ફરી સત્તા પર બેસવાનો ચુકાદો આપે છે. વિપક્ષ ગમે એટલો કકળાટ કરે, ગેસનો બાટલો સાયકલ પર લાદીને મતદાન કરવાની બાલિશ નૌટંકી કરે, તો પણ મતદારો ભરમાતા નથી. દિલ્હીનો ઠગ ગુજરાતીમાં ગમે એટલું ભરડી જાય કે પરિવર્તન દુનિયાનો નિયમ છે તો ય ગુજરાતના મતદારો એની જાળમાં ફસાતા નથી. વિરાટ કોહલી કે સચિન તેન્ડુલકરને તમે કહી શકો કે ભૈ, પરિવર્તન દુનિયાનો નિયમ છે એટલે ગયા વખતે તેં ભલે સેન્ચ્યુરી ફટકારી આ વખતે તું ઝીરોમાં આઉટ થઈ જાય તો સારું. વૃક્ષ પર દર વર્ષે પાંદડાં નવાં આવે છે કારણ કે વૃક્ષ તમને દરેક સીઝનમાં ફળ આપે છે. વૃક્ષ કંઈ દર વર્ષે પોતાનું થડ નથી બદલતું, પોતાનાં મૂળિયાં નથી બદલી નાખતું. ભાજપના વૃક્ષનું થડ આ વીતેલાં 27 વર્ષમાં વધુ ને વધુ મજબૂત થતું ગયું છે અને એનાં મૂળિયાં વધુ ને વધુ ઊંડાં ઉતરતાં ગયા છે. એને ઉખાડીને, થડને કાપીને પરિવર્તન લાવવાની વાત કોઈ બેવકૂફ જ કરી શકે. સદ્ભાગ્યે ગુજરાતના ચતુર સુજાણ મતદારોએ ક્યારેય આવા લેભાગુઓની વાત પોતાના કાને ધરી નથી.
ગુજરાત બદલાયું છે. 27 વર્ષ પહેલાંનું, કોંગ્રેસના શાસન હેઠળનું બિચારું ગુજરાત, આજે (ભારતનું એક રાજ્ય છે છતાં) વિશ્ર્વના દેશો સાથે જાણે હરીફાઈ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી સી.એમ. હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમ વખતે એમણે કહ્યું હતું કે ગુજરાતની સ્પર્ધા ભારતનાં બીજા રાજ્યો સાથે નહીં, ચીન સાથે છે. 27 વર્ષ દરમ્યાન ગુજરાતની પ્રગતિ જોઈને ગુજરાતદ્વેષીઓની આંખ ફાટી જાય છે અને તેઓ ‘પરિવર્તન લાવો’, ‘પરિવર્તન લાવો’નાં મંજીરાં વગાડવાનું શરૂ કરી દે છે. આઠમી ડિસેમ્બરે આ પરિવર્તનવાળાઓની ડિપોઝિટો જપ્ત થઈ જશે અને ઊભી પૂંછડીએ ભાગીને તેઓ ફરી એકવાર પોતાના દરમાં ભરાઈ જશે. એમના આકા દિલ્હી પહોંચીને તિહારનિવાસી સાથીઓ સાથે બેસીને નવી કૌભાંડનીતિની બ્લ્યુ પ્રિન્ટો બનાવવામાં લાગી જશે. એમના પિયક્કડ મિત્રો સાથે બેસીને દારૂને લગતી નવી આબકારી નીતિ ઘડીને પોતાના મિત્રોને કરોડપતિ બનાવવાની નવી યોજનાઓ ઘડશે. અને આ બાજુ ગુજરાતમાં એમની મહેરબાનીથી માલદાર થયેલા પત્રકારો પોતાની કાળી કમાણીને થાયલેન્ડની ટુરો કરીને વાપરી કાઢશે.
ગુજરાત પછી, 2014ની સાલ બાદ ભારત પણ, બદલાઈ રહ્યું છે અને ભારતનો આ નવો ચહેરો જેમને ખૂંચે છે તેઓ મોદી સરકારને બદનામ કરવાની એક પણ તક છોડતા નથી. અગાઉ વિશ્ર્વમાં ભારતની ઓળખાણ શું હતી? આગ્રાનો તાજ મહાલ! વિદેશી વડાઓ ભારત આવે ત્યારે આપણા વડાપ્રધાનો એમને તાજની પ્રતિકૃતિઓ ભેટ આપતાં થાકતા નહોતા. મોદીએ ‘ભગવદ્ગીતા’ની પ્રત આપવાનું શરૂ કર્યું. ભારતની અસલી પહચાન ‘ગીતા’ છે, તાજ નહીં. આ વાત એમણે ગાઈ-બજાવીને નિ:સંકોચ આખા દેશ સુધી પહોંચાડી, દુનિયા સુધી પહોંચાડી.
મોદીના રાજમાં ગેસના બાટલાના ભાવ વધી ગયા, પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા, અનાજ- શાકભાજીના ભાવ વધી ગયા એવો પ્રચાર સાચો છે એવું જેઓને લાગતું હોય તે સૌને વિનંતી કે સહેજ ધીરજ રાખીને ગૂગલ સર્ચ કરો કે કોંગ્રેસના રાજમાં આ બધાના ભાવવધારાની ટકાવારી કેટલી હતી અને આજે કેટલી છે? દસ-વીસ-ત્રીસ વર્ષ પહેલાં તમારી આવક કેટલી હતી અને આજે કેટલી છે? એક-બે-ત્રણ દાયકા પહેલાં તમારા જીવનમાં કેટલી સુખ-સગવડો હતી અને આજે કેટલી છે?
મોદીનો પ્રતાપ જુઓ કે ગઈકાલ સુધી જે જોકર માથે જાળીદાર વાટકા ટોપી પહેરીને ઘૂમતો હતો તે હવે ફેન્સી ડ્રેસ હરીફાઈમાં સાધુનો વેશ કાઢ્યો હોય એમ કપાળ પર ભસ્મ લગાવીને મંદિરમાં જઈને સાષ્ટાંગ પ્રણામ કરતો હોવાના પોતાના ફોટા મીડિયામાં છપાવતો થઈ ગયો છે. રાવણે સીતાનું અપહરણ કરવાના બદઇરાદાને અમલમાં મૂકવા કેવો વેશ। ધારણ કર્યો હતો? જોકરની ચાલબાજીથી કોઈ ભરમાવાનું નથી.
મોદીએ કોઈ વાદવિવાદ વિના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની સામે કાશી વિશ્ર્વનાથ કોરિડોરની વધુ લાંબી લીટી તાણીને સનાતન સંસ્કૃતિની સર્વોપરિતા સિદ્ધ કરી
અગાઉના કોંગ્રેસી વડાપ્રધાનો અને નેતાઓ મંદિરમાં પગ નહોતા મૂકતા.
મોદીએ કોર્ટ દ્વારા અયોધ્યામાં રામમંદિર બાંધવાનો પ્રશ્ર્ન ઉકેલી નાખ્યો. કોંગ્રેસની સરકાર હોત તો આજે બાબરી ફરી બંધાઈ ગઈ હોત. મોદીએ કોઈ વાદવિવાદ વિના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની સામે કાશી વિશ્ર્વનાથ કોરિડોરની વધુ લાંબી લીટી તાણીને સનાતન સંસ્કૃતિની સર્વોપરિતા સિદ્ધ કરી. મોદીને કારણે અતિપ્રાચીન નગરી ઉજ્જૈનની મહત્તા ફરી સ્થપાઈ. હિન્દુઓની આસ્થાનું શહેર અલાહાબાદ રાતોરાત પ્રયાગરાજ થઈ ગયું. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને મોઢેરાને આધુનિક ગુજરાતીઓનાં પણ આસ્થાનાં-આકર્ષણનાં તીર્થધામો બને તે રીતે સજાવવામાં આવ્યા.
મોદી દિલ્હી ન ગયા હોત તો હજુય નર્મદા બંધની ઊંચાઈ આડે મેધા પાટકર અને એમના કોંગ્રેસી ભાંગફોડિયા સાથીઓનું આંદોલન ચાલતું હોત. મોદીને બદલે કોઈ કોંગ્રેસી વડાપ્રધાન હોત તો એમણે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત કરી હોત? નહેરુની જીદથી બંધારણમાં 370મી કલમનું જે લાકડું ઘૂસી ગયેલું તે હટાવવાની હિંમત કોંગ્રેસી વડાપ્રધાને કરી હોત?
વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની, સ્થાનિક ગ્રામ પંચાયત કે તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની- દરેકે-દરેક ચૂંટણી દિલ્હીમાં બેઠેલા મોદીસાહેબનો હાથ મજબૂત કરવા માટે અગત્યની છે. આપણા એક મતની શક્તિ એમની તાકાતમાં ઉમેરો કરી શકે છે અને આપણા એક મતની શક્તિ જો ઉંધે માર્ગે વપરાઈ તો તે કેજરીવાલ કે રાહુલ જેવા ઠોઠ નિશાળિયાઓને મોનિટર બનાવીને દેશની, રાજ્યની, શહેરની, જિલ્લાની, તાલુકાની, ગામની પરિસ્થિતિને નર્ક સમાન બનાવી શકે એમ છે.
મોદીના વિઝનથી જેઓ સહમત નથી, મોદીના કામથી જેમનો ગરાસ લૂંટાઈ જાય છે, મોદી પાસેથી જેમની અપેક્ષાઓ સંતોષાતી નથી તે સૌ મોદીના વિરોધી બની જાય છે. દેશહિતવિરોધી કામમાં દિવસરાત જે મીડિયાવાળાઓ વ્યસ્ત રહે છે તેઓ મોદીના આ વિરોધીઓને પોતાના ખભે બેસાડીને આપણને જતાવતા રહે છે કે મોદી કેટલા અપ્રિય છે, મોદી માટે કોઈને માન નથી, મોદીની લોકપ્રિયતા ઘટતી જાય છે.
આમ છતાં દરેક ચૂંટણીમાં મોદી માટેનો સપોર્ટ વધતો જાય છે જેનું એકમાત્ર કારણ છે મોદીનાં કામ- આર્થિક ક્ષેત્ર હોય, સામાન્ય માણસની સુવિધાઓ માટેના ઈન્ફ્રાસ્ટ્રકચરનાં કામ હોય કે પછી કૃષિ ક્ષેત્રનાં, ધાર્મિક ક્ષેત્રનાં, વિદેશી રાષ્ટ્રો સાથેનાં સંબંધોનાં, સંરક્ષણ માટેનાં, રમતગમત ક્ષેત્રનાં, શિક્ષણ ક્ષેત્રના- એક-એક ક્ષેત્રે મોદી દિવસ-રાત કંઈક ને કંઈક નવી યોજનાઓ લાવ્યા કરે છે, એને અમલમાં મૂકીને દેશને એક-એક ડગલું કરી આગળ વધારતા રહે છે.
આમ છતાં કેટલાક લોકો મોદીનો વિરોધ કરીને, ભાજપનો પાયો હચમચાવીને આ દેશની કુસેવા કરવાની પ્રવૃત્તિ છોડતા નથી. કોણ છે આ લોકો?
જેઓને ભારત એક હિન્દુરાષ્ટ્ર તરીકે પ્રગતિ સાધે તે ગમતું નથી એવા કોંગ્રેસીઓ અને આપિયાઓ. આ વિરોધીઓ ઓવૈસી અને ઝાકીર નાઈકના શુભેચ્છકો હોય છે. આ વિરોધીઓ ખ્રિસ્તી મિશનરીઓની ધર્માતરણની પ્રવૃત્તિના ટેકેદારો છે. આ વિરોધીઓ ભારતમાં રહેલા ડાબેરી વિચારધારા ધરાવતા ભાંગફોડિયાઓ અને અર્બન નકસલોના ચાહકો હોય છે.
ભારતની સનાતન પરંપરાનો બહાદુરીપૂર્વક બચાવ કરીને એને આગળ વધારવાના નક્કર પગલાં લઈ શકે એવા સૌ પ્રથમ વડાપ્રધાન આ દેશને મળ્યા છે
ભારતની સનાતન પરંપરાનો બહાદુરીપૂર્વક બચાવ કરીને એને આગળ વધારવાના નક્કર પગલાં લઈ શકે એવા સૌ પ્રથમ વડાપ્રધાન આ દેશને મળ્યા છે. એમના પ્રયત્નોને બદનામ કરીને, એમનાં કાર્યો આડે તોતિંગ વિઘ્નો નાખીને આ વિરોધીઓ દેશને નહેરુયુગમાં લઈ જવા માગે છે, ફરી પાછો પછાત બનાવવા માગે છે.
હિન્દુત્વની, સ્વદેશી સંસ્કૃતિની, ભારતની પરંપરાની સુરક્ષા માટે કે એની પ્રગતિ માટે તમે કંઈ પણ પગલું ભરો એટલે તરત તમારા પર અભણ, ગમાર, પરંપરાવાદી ધર્મઝનુની, કોમવાદી જેવા લેબલો લગાડી દેવામાં આવતાં. આજે પણ મીડિયાનો એક ચાંપલો-ચિબાવલો-બાયલો-વેવલો હિસ્સો એવો છે જેને ભારતીય સમાજનાં મૂળિયાં ઉખાડી દેવામાં રસ છે, જેઓ દેશપ્રેમીઓની છડેચોક મજાક ઉડાવતા રહે છે. આ ન્યુસન્સ મેકર મીડિયાની પ્રજા પર કોઈ અસર પડતી નથી પણ વિદેશી નાણાંની સહાયના જોરે એમનાં ખર્ચા-પાણી ચાલતા રહે છે.
મોદી માટેનો દ્વેષ વ્યક્ત કરવા તેઓ મોદીના પ્રધાનો, મોદીના સલાહકારો, મોદીના સમર્થકો અને મોદીના નામે ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢતા મતદારોની સતત ઠેકડી ઉડાવતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન બહારગામથી આવીને અહીં પડ્યાપાથર્યા રહેતા અજિત અન્જુમ, પુણ્ય પ્રસૂન, વાજપાયી, રાજદીપ સરદેસાઈ વગેરે આવા જ પત્રકારો છે. રવિશ કુમારને નોકરીમાંથી એનડી ટીવીએ કાઢી મૂક્યા એટલે, નહીં તો એ પણ ગુજરાતમાં આવીને મોદીદ્વેષી વાતાવરણ ઉભું કરવામાં કોઈ કસર ન છોડત. ઈન્ડિયા-ટુડેનું ઓફિશ્યલ બગલબચ્ચુ નામે લલ્લનટોપ પણ ગુજરાતમાં આવીને ધામા નાખે છે અને ગુજરાતના હાલના રાજકારણમાં ભોજિયો ભાઈ પણ જેમનો ભાવ નથી પૂછતું તે શંકરસિંહ વાઘેલાનો ત્રણ કલાક લાંબો ઈન્ટરવ્યૂ લઈને યુટયુબ પર મૂકે છે.
આ ઉપરાંત સ્થાનિક ચેનલો અને યુટયુબ પર ફૂટી નીકળેલી ન્યુઝ ચેનલો–વ્યુઝ ચેનલો મોદીને, હિન્દુત્વને અને ગુજરાતીઓના ખમીરને ધોલધપાટ કરવાની એકપણ તક છોડતી નથી. અંગ્રેજી પ્રિન્ટ મીડિયા પણ આમાં સાથે ભળે છે. રાહુલના સાષ્ટાંગ પ્રણામવાળી તસવીરની મજાક ઉડાવવાને બદલે જેઓ દાયકાઓથી હિન્દુ દેવી-દેવતીઓનાં દર્શન જતો હોય એમ ભાજપના નેતાઓની મજાક કરવાનું તેઓ છોડતા નથી.
આજે મતદાનનો પ્રથમ તબક્કો પૂરો થશે. આજના મતદાનમાં ખંભાળિયા અને કતારગામની બેઠકો પણ છે. ઈસુદાનની હાર નિશ્ર્ચિત છે, એમની ડિપોઝિટ બચે છે કે નહીં તે જ એક સવાલ છે. ગોપાલ ઈટાલિયાનું પણ એ જ ભવિષ્ય છે. મતદાનનો બીજો તબક્કો, પાંચમી ડિસેમ્બરે સાંજે પૂરો થશે ત્યાં સુધીમાં કેજરીવાલ બેગબિસ્તરા બાંધીને દિલ્હી ભેગા થઈ જશે અને ફરી ક્યારેય ગુજરાતમાં પગ મૂકવાનું નામ નહીં લે.
કોંગ્રેસના ચીફ મલ્લિકાર્જુન ખડગે થોડું ન્યુસન્સ સર્જીને ભાગી ગયા. રાહુલબાબાએ એકબે અડધીપડધી પ્રચારસભા કરી. સૌને ખબર છે કે કોંગ્રેસનાં વળતાં પાણી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસીઓને એવો મરણતોલ માર પડશે કે ફરી ક્યારેય તેઓ મોદીને, ભાજપને, હિન્દુત્વને ગાળો આપવાની હિંમત નહીં કરે. અમિત શાહની ભવિષ્યવાણી છે કે આ વખતે ભાજપને ગુજરાતમાં રેકોર્ડબ્રેક થાય એટલી સીટો મળશે. કોનો રેકોર્ડ તૂટશે- નરેન્દ્ર મોદીનો? જેમણે 182માંથી, 2002નાં રમખાણો પછી, 127 સીટો જીતી બતાવી હતી? કે પછી માધવસિંહ સોલંકીનો? જેમણે 1985માં (ઈન્દિરા ગાંધીની હત્યા પછી સર્જાયેલા સહાનુભૂતિના જુવાળમાં) 149 સીટ જીતી બતાવી હતી.
ગુજરાતનું ભાવિ 127 અને 149 સીટ્સ વચ્ચે નક્કી થવાનું એ વાતમાં બેમત નથી.
( રાજકોટથી પ્રકાશિત ગુજરાતી ભાષાના અગ્રણી ડિજિટલ સાંધ્ય દૈનિક ‘ખાસ ખબર’ માટે લખાયેલી એક્સક્લુઝિવ સિરીઝ ‘ ઇલેક્શન એક્સપ્રેસ’નો પ્રથમ લેખ)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો