(ઈલેક્શન એક્સપ્રેસ : શનિવાર, ૩ ડિસેમ્બર ૨૦૨૨)
( ‘ખાસ ખબર’માં પ્રકાશિત)
પહેલી ડિસેમ્બરે થયેલા પ્રથમ તબક્કાના મતદાન પછી ગુજરાતના મતદારો ભાજપને પસંદ કરે છે એ વાતની હવા કોંગ્રેસ સુધી પહોંચી ગઈ એટલે કોંગ્રેસે મરણિયા બનીને જાહેરાત કરી કે તે જીતશે તો ડેપ્યુટી સી.એમ. તરીકે કોઈ મુસ્લિમને બેસાડશે. ભૈ, પહેલાં જીતો તો ખરા. પછી કહ્યું : ઓબીસીને સી.એમ. બનાવીશું, ત્રણ ડેપ્યુટી સી.એમ બનાવીશું- બાકીના બે એસ.સી. / એસ.ટી.ના હશે.
મારે હિસાબે તો કોંગ્રેસે ડેપ્યુટી સી.એમ. નહીં પણ સી.એમ.પદ મુસ્લિમને આપીશું એવું કહીને દોઢસો ડેપ્યુટી સી.એમ. બનાવીને ગુજરાતની દરેક જ્ઞાતિ- પેટાજ્ઞાતિના પ્રતિનિધિને ચાન્સ આપીશું એવી જાહેરાત કરવી જોઈતી હતી! (અને તોય કોન્ગ્રેસ હારતી હોત) કેજરીવાલ જ્યારે બધું મફત આપવા નીકળે છે ત્યારે કોંગ્રેસ શું કામ પાછળ રહી જાય?
વોટ બેન્ક સર્જવા માટે, દેશની આઝાદીના દિવસોથી, કોંગ્રેસીઓ સતત કોમવાદનું અને જ્ઞાતિવાદનું રાજકારણ ખેલતા આવ્યા છે અને પોતાને સેક્યુલર કહેવડાવીને આક્ષેપ ભાજપ પર કરતાં આવ્યા છે કે તમે તો કોમવાદી છો. 2014માં વડાપ્રધાનપદ સંભાળતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની ઘોષણા કરી. મોદીએ અમલમાં મૂકેલી એક પણ સરકારી યોજના એવી નથી જે માત્ર હિન્દુઓને ખુશ કરતી હોય કે પછી માત્ર મુસ્લિમોને લાડ લડાવતી હોય. ભાજપ પર જ્યારે આરોપ લગાવવામાં આવે છે કે તમે મુસ્લિમોને ચૂંટણી ટિકિટ કેમ નથી આપતા, ત્યારે ભાજપનો જવાબ સ્પષ્ટ હોય છે: મુસ્લિમ જ પોતાના લોકોનું કામ કરી શકે એવું કોણે કહ્યું? હિન્દુ કેમ મુસ્લિમ સમાજનું કામ ન કરી શકે? અને મોદીની ભાજપ સરકારે પુરવાર કર્યું છે કે પોતાની તમામ યોજનાઓનો લાભ દેશમાં- રાજ્યમાં તમામ જાતિધર્મના લોકોને મળે છે. આની સામે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહે શું કહેલું તે યાદ છે? ‘ભારતનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસ્લિમોનો છે.’
મોદીએ ઈફતારીમાં હાજરી નહીં આપીને, જાળીદાર વાટકા ટોપી નહીં પહેરીને પણ દેશના મુસ્લિમોને પોતાના ગણ્યા છે. કોંગ્રેસીઓ દેખાડો કરતા, એકબીજાને લડાવી મારતા અને આતંકવાદીઓને છુપી મદદ કરતા. મોદીએ દેખાડો કરવો પડતો નથી. મોદીએ હુલ્લડો બંધ કરાવ્યાં અને આતંકવાદીઓને છાવરવાનું બંધ કરાવીને એમના મદદગારોને કાનૂની સકંજામાં લીધા. મોદીએ આતંકવાદીઓને મદદ કરતી, દેશના વિકાસમાં અવરોધરૂપ બનતી, દેશમાં અરાજકતા ફેલાવતી, સિવિલ વોર (ગૃહયુદ્ધ)નું વાતાવરણ સર્જવા હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ફાટફૂટ પડાવતી હજારો ‘સેવા સંસ્થાઓ’ અર્થાત્ એન.જી.ઓ. (નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન) સામે 2014માં આવતાંવેંત કાનૂની પગલાં લીધાં. નિયમ મુજબ તમે લોકો તમારા હિસાબકિતાબ સરકારમાં કેમ સબમિટ નથી કરતા, લાયસન્સ વિના શેનું ફોરેન ફંડિંગ લઈ આવો છો વગેરે સવાલો પૂછતી નોટિસો મોકલી. આ એન.જી.ઓ.માંની હજારો એન.જી.ઓ. કોંગ્રેસના રાજમાં કૌભાંડો કરતી રહી પણ એમને પડકારનારું કોઈ નહોતું. મોદી સરકારે મોકલેલી નોટિસો પછી છ-બાર મહિનામાં જ ચાર હજાર જેટલી એન.જી.ઓ.ને તાળાં લાગી ગયાં. એ પછી સતત આ એન.જી.ઓ.ની બહેનજીઓ (તિસ્તા, મેધા ઈત્યાદિ) વિધવાવિલાપ કરીને મોદીને ગાળો આપતી રહી છે.
મોદીને અપાતી ગાળોને સોગણી કરીને આપણા સુધી પહોંચાડવાનું પાપ જેણે આજીવન કર્યું તે પ્રણય રોયની એન.ડી.ટી.વી. નામની ન્યુઝ ચેનલ હજારો કરોડનું દેવું કરીને મરણપથારીએ હતી. અદાણી એ ખરીદી લીધી એટલે પ્રણય રોયની રહીસહી આબરૂ બચી ગઈ. બાકી એમના પર મની લોન્ડરિંગથી માંડીને આવકવેરો નહીં ભરવાના અને અન્ય આર્થિક ઘપલાઓ કરવાના તોતિંગ કેસો પેન્ડિંગ છે.
પ્રણય રોયના એ મીડિયા હાઉસે એક જમાનામાં રાજદીપ સરદેસાઈથી માંડીને બરખા દત્ત, વિનોદ દુઆ અને બીજા ડઝનબંધ ડાબેરી, ભારતદ્વેષી પત્રકારોને પાળ્યા પોષ્યા. આમાંથી રવિશકુમાર હજુ ગઈ કાલ સુધી એન.ડી.ટી.વી.માં હતો. યુટયુબ પર પાંચ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતા અને ભારતના જૂજ પ્રામાણિક, નિષ્ઠાવાન પત્રકારોમાં અગ્રણી ગણાતા ભાઉ તોર્સેકર જેવા વરિષ્ઠ રાજકીય વિશ્ર્લેષકે તો ખુલ્લેઆમ કહ્યું છે કે , “રવિશકુમાર એક વેશ્યા જેવો પત્રકાર છે. રવિશકુમારે એનું જૂનું વેશ્યાલય (કોઠો) છોડી દીધું છે પણ એણે વેશ્યાવૃત્તિ નથી છોડી, હવે એ બીજે ક્યાંક જઈને ‘ધંધો’ કરશે.”
રવિશકુમાર માટેનો તોર્સેકરનો આક્રોશ સો ટકા વાજબી છે. પ્રણય રોયે ખરેખર જ ભારતને, હિન્દુત્વને, મોદીને, ભાજપને, ગુજરાતને બદનામ કરતું વેશ્યાલય જ ખોલી દીધું હતું. એન.ડી.ટી.વી. અદાણી પાસે આવી જવાથી મીડિયાના પવિત્ર વ્યવસાયમાંની એટલી ગંદકી ઓછી થઈ.
મીડિયા પર વારંવાર પ્રહારો થતાં રહેવાનું કારણ એ છે કે દેશના દુશ્મન બની ગયેલા કેટલાક પત્રકારોએ મોટા-મોટા મીડિયા હાઉસમાં ઘૂસીને ભારતની પ્રજાને ઊઠાં ભણાવવાનું કામ કર્યું છે. હજુય કરતા રહે છે.
સોનિયા ગાંધી 90ના દશકના અંતમાં રાજકારણમાં પ્રવેશવા માગતાં હતાં એટલે એમણે પ્રણય રોય જેવા ભ્રષ્ટ પત્રકારોને સાધીને લેફટિસ્ટ મીડિયાને પોતાનું બગલબચ્ચું બનાવી દીધું. કોંગ્રેસનું ખાઈ-પીને તગડા થઈ ગયેલા મીડિયા હાઉસીસ અને એના સંચાલકો તથા પ્રમુખ પત્રકારો જે કંઈ તમને પીરસે છે તેની પાછળ એક એજન્ડા હોય છે. તમારા પર સતત મારો ચલાવવો કે મોદી સરકાર નિકમ્મી છે, ભાજપ જેવો કોમવાદી રાજકીય પક્ષ ભારતનું ધનોતપનોત કાઢશે અને તમે જો ભાજપના કે મોદીના સમર્થક હશો તો તમારા જેવો બેવકૂફ નંબર વન બીજો કોઈ નહીં.
મિત્રો, ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણી સંદર્ભે ‘ખાસ-ખબર’ માટે ખાસ શરૂ કરેલી ‘ઈલેકશન એક્સપ્રેસ’ સિરીઝના આજના છઠ્ઠા તથા પરમ દિવસના સોમવારના સાતમા- અંતિમ હપ્તામાં મારે તમારી સાથે આ જ વિષય પર જરા વિગતે વાત કરવી છે. મોદીને ગાળો આપનારા, મોદીને અપમાનિત કરનારા અને મોદી જેવી વિરાટ પ્રતિભા પર લાંછન લગાડવાનો પ્રયત્ન કરનારા મીડિયાને તમારે બરાબર ઓળખી લેવું જોઈએ. આ લોકો ગામના ઉતાર જેવા દેશ-વિરોધીઓને પ્લેટફોર્મ પૂરું પાડીને આપણી આંખમાં ધૂળ નાખે છે, પોતાની તિજોરીઓ છલકાવે છે.
2001માં મોદીના આવ્યા પછી ગુજરાતમાં તેમજ 2014માં સમગ્ર દેશમાં કોંગ્રેસીઓ અને ભાજપના અન્ય વિરોધીઓનો ગરાસ લૂંટાઈ ગયો છે. એવા લાખો વિપક્ષી રાજકીય કાર્યકર્તા, નેતા, હોદ્દેદારો છે જેમની આંખમાં મોદી કણાની જેમ ખૂંચે છે. આ બધા વિરોધીઓ લેફટિસ્ટ મીડિયાને સાધીને મોદી વિરૂદ્ધ પ્રચાર કરાવે છે.
વિપક્ષોની ફરજ છે શાસક પક્ષનો વિરોધ કરવાની. (કોંગ્રેસ સત્તા પર હોય ત્યારે ભાજપ પણ જોરશોરથી કોંગ્રેસનો વિરોધ કરે જ છે, કરશે જ. ) પણ આ વિરોધ પાયાની વિચારસરણીને લાગેવળગે તે બાબતો સુધી જ સીમિત હોવો જોઈએ. મોદી-શાહના વડપણ હેઠળની ભાજપ આ સમજે છે કારણ કે અત્યારના ભાજપનો ઉછેર વાજપેયી- અડવાણી જેવા દિગ્ગજોની દીર્ઘદ્રષ્ટિ તથા નિષ્ઠાને કારણે થયો છે તથા દીનદયાલ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન નેતાઓએ અત્યારના ભાજપનાં બીજ, જનસંઘરૂપે વાવ્યાં હતાં. ભાજપમાં આ સમજ છે પણ કોંગ્રેસમાં નથી કે સરકાર રાષ્ટ્રહિત માટે જે નિર્ણયો લેતી હોય તેનો વિરોધ ન હોય. અહીં તો પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈકનો વિરોધ થાય છે, ફાર્મર્સ બિલનો વિરોધ થાય છે, રમખાણો કરનારાઓ વિરુદ્ધ લેવાતા કાનૂની પગલાંનો વિરોધ થાય છે.
પ્રજાનાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે લેવાતા નિર્ણયોનો વિરોધ ન હોય: યોગ જે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને દુનિયા આખીની સ્વીકૃતિ મળી છે તેનો વિરોધ આ દેશમાં કેવી રીતે હોય?
પ્રજાનાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે લેવાતા નિર્ણયોનો વિરોધ ન હોય. યોગ જે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને દુનિયા આખીની સ્વીકૃતિ મળી છે તેનો વિરોધ આ દેશમાં કેવી રીતે હોય? નોટબંધી અને જીએસટીને કારણે જે અપ્રામાણિક લોકોને ફટકો પડ્યો હોય તેમનું ઉપરાણું લઈને સરકારનો વિરોધ કરવો એ તો સરાસર બાલિશતા છે. નોટબંધીને લઈને હજુય, આજની તારીખેય, અનેક જુઠ્ઠાણાં ફેલાવીને મોદીનો વિરોધ કરનારી એક આખી લોબી કાર્યરત છે. જીએસટીને પ્રતાપે નકલી કે વિધાઉટ બિલો દ્વારા ધંધો કરનારાઓને ફટકો પડે એ સ્વાભાવિક છે. નોટબંધી અને જીએસટી શા માટે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા જરૂરી છે અને શા માટે આ બંનેના વિરોધમાં કશું વજૂદ નથી એ વિશે મેં વિગતે ઘણું બધું લખ્યું છે એટલે અહીં એનું પુનરાવર્તન કરતો નથી. ગૂગલ સર્ચ કરી લેશો.
આધારકાર્ડ સામે કેટલો મોટો વિરોધ કર્યો વિપક્ષે? આધાર, પાનકાર્ડ અને મતદાર કાર્ડને જોડીને ભારત સરકાર ભારતના સાચા નાગરિકો અને રોહિંગ્યા કે બાંગલાદેશીઓ જેવા ઘુસપેઠિયાઓને જુદા કરવા માગે છે, જેથી સરકારી રાહત યોજનાઓનો લાભ આ દેશના દુશ્મનો ન લઈ જાય.
મોદી જેવા નેતા આ દેશને અગાઉ ભાગ્યે જ મળ્યા છે. મોદીની પ્રામાણિકતા, 24 કલાક કામ કરવાની ક્ષમતા, 130 કરોડની જનતાને સાથે લઈને ચાલવાની દાનત અને મોદી જેવી લોકપ્રિયતા અગાઉ એક પણ વડાપ્રધાને જોઈ નથી. અમદાવાદના 54 કિ.મી. લાંબો રોડ શોમાં મોદીના દર્શન કરવા માટે પડાપડી કરી રહેલી ગુજરાતની પ્રજાને જોઈને મુંબઈ-દિલ્હીથી રિપોર્ટિંગ કરવા આવેલા મોદીવિરોધી પત્રકારો અચંબામાં મૂકાઈ ગયા. આ ચેનલિયાઓને લાગ્યું કે અમે દિવસ-રાત મોદીને ગાળો આપીએ છીએ છતાં આ માણસની લોકપ્રિયતા વધતી જ જાય છે એનું કારણ શું?
મોદી જાણે છે કે પોતે લાંબી રેસના ઘોડા છે. સાઠ-સિત્તેર વર્ષ સુધી જામી ગયેલો કચરો ઉખાડીને, ઘસીને, નવું રંગરોગાન થતાં વાર લાગશે. પોતે જે કંઈ કરી રહ્યા છે તેમાં મેગીના ટુ મિનિટ્સ નૂડલ્સ જેવા પરિણામની આશા રાખનારાઓને મોદી ગણકારતા નથી. દેશની કોઈપણ સમસ્યાનું નિરાકરણ જો કાયમી ધોરણે લાવવું હશે તો વાર લાગવાની છે તે મોદી જાણે છે. એટલે જ કોંગ્રેસ કે કેજરીવાલની જેમ મોદી આડેધડ વચનોની લહાણી કરતાં નથી. એમને પછેડી પ્રમાણે સોડ તાણતાં આવડે છે અને પછેડીને પુરુષાર્થ દ્વારા વધુને વધુ લાંબી-પહોળી કરવાનો અનુભવ પણ એમની પાસે છે. મોદી સમસ્યાઓના ઉકેલ માટે થૂંકપટ્ટી જોબ કરીને પ્રજાને રિઝવતા નથી. એટલે જ ટૂંકા ગાળાના સ્વાર્થ સિદ્ધ કરવાને બદલે તેઓ ગાળો ખાઈને પણ લાંબા ગાળાનું આયોજન કરવાને પ્રાથમિકતા આપે છે.
મોદીને ઝૂડવાની સિઝન તેઓ ગુજરાતમાં હતા ત્યારે નિયમિત આવતી અને કેન્દ્રમાં આવ્યા પછી દેશની દરેક વિધાનસભા- લોકસભા ચૂંટણી વખતે આવે છે. ભલે આવતી. મોદીને આ બધી ટીકાઓથી કશો ફરક નથી પડતો. તમને પણ ન પડવો જોઈએ- સોમવારે બીજા તબક્કાના મતદાનનો સમય થશે ત્યારે પોલિંગ બૂથની લાઈનમાં ઊભાં ઊભાં વિચારજો કે 2002થી 2014 સુધીનાં બાર વર્ષ દરમ્યાન ગુજરાતમાં મોદીને બદલે કોઈ કોંગ્રેસી મુખ્યપ્રધાન હોત તો એણે આ રાજ્યને કેટલું બદતર બનાવી દીધું હોત. 2014થી 2022નાં આઠ વર્ષ દરમ્યાન જો મોદી વડાપ્રધાન ન હોત અને સોનિયા ગાંધીનો કોઈ હજૂરિયો એ પદ પર હોત તો એણે આ દેશને કોઈ પછાત લેટીન અમેરિકન કે કોઈ ગરીબ આફ્રિકન રાષ્ટ્ર કરતાંય વધારે પછાત બનાવી દીધો હોત.
દિવસ-રાત દેશનું કામ કરનારા નિષ્ઠાવાન, પ્રામાણિક, તેજસ્વી વડાપ્રધાનને મીડિયામાં ઘૂસી ગયેલા આજકાલના છોકરા-છોકરીઓ તેમજ ખાઈબદેલા સિનિયર પત્રકારો જ્યારે ‘આપ’ અને કોંગ્રેસના પૈસા મેળવીને બદતરમાં બદતર વિશેષણોથી નવાજતા હોય છે ત્યારે પ્રથમ દુ:ખ થાય અને પછી ગુસ્સો આવે.
આ ગુસ્સો વ્યક્ત કરવાનો એક જ સરળ માર્ગ છે-સોમવારે કમળનું બટન દબાવીને મીડિયા પરનો બધો ગુસ્સો થૂંકી નાખવો અને પછી પાંચ વર્ષ સુધી નિરાંતે ગુજરાતને એક પછી એક પ્રગતિનાં સોપાન સર કરતું જોવાનો લ્હાવો લેવો.
આ સિરીઝનો અંતિમ હપતો વાંચવાનું ચૂકશો નહીં.
•••
( રાજકોટથી પ્રકાશિત ગુજરાતી ભાષાના અગ્રણી ડિજિટલ સાંધ્ય દૈનિક ‘ખાસ ખબર’ માટે લખાયેલી એક્સક્લુઝિવ સિરીઝ ‘ ઇલેક્શન એક્સપ્રેસ’નો પ્રસ્તાવનાલેખ)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ખરેખર આપના લેખ ખૂબ જ સરસ અને સત્યતા પૂર્ણ હોય છે