તમારી સુંદર સ્મૃતિઓને કોણ વેરવિખેર કરી નાખે છે

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૮ ઑગસ્ટ ૨૦૧૯)

તમે પૈસા ખર્ચીને, તમારી રજાઓ વાપરીને, મહેનત કરીને વૅકેશન ગાળવા કોઈ હિલ સ્ટેશને, દરિયા કિનારે કે તમારા મનગમતા સ્થળે જાઓ છો. તમારો હેતુ શું હોય છે? બે-ચાર-છ દિવસ રૂટિન કામકાજમાંથી મુક્તિ મેળવવી, આરામ કરવો, બેટરી રિચાર્જ કરવી, નવાં નવાં સ્થળો જોવાં, નવી જગ્યાઓમાં ખાવુંપીવું, મોજમજા કરવી. શું આટલો જ હેતુ હોય છે. બે-ચાર-છ દિવસની મોજમજા માટે આપણે આટલો બધો ખર્ચ કરીએ છીએ? ના. આ વૅકેશનો બે-ચાર-છ દિવસોનો મામલો નથી, જિંદગીભર ચાલે એવી સ્મૃતિઓ તમે આટલા દિવસોમાં ભેગી કરી લો છો. નેક્‌સ્ટ યર, પાંચ વર્ષ પછી, દસ વર્ષ પછી, ઈવન વીસ-ત્રીસ-ચાલીસ વર્ષ પછી તમે યાદ કરશોઃ યાદ છે, આપણે ત્યાં ગયા હતા ત્યારે… અને તમે તે વખતે બે-ચાર-છ દિવસ માટે જે કંઈ પૈસા ખર્ચેલા, સમય-ઍનર્જી – ખર્ચ્યાં હતાં તે તમને વસૂલ લાગશે. વૅકેશનનો લાંબા ગાળાનો એક મહત્વનો આ હેતુ હોય છે સ્મૃતિઓ. આ સ્મૃતિઓ તમારાં વૅકેશનોને ચિરંજીવી બનાવે છે. બે-ચાર-છ દિવસમાં ઘરે પાછા આવી ગયા પછી પણ તમે એ સ્મૃતિઓ વાગોળતા રહો છો, વર્ષો પછી પણ અચાનક પણ આવી જતી આ સ્મૃતિઓ તમને તરબતર બનાવી દે છે.

પણ ક્યારેક બને છે એવું કે આ વૅકેશનો દરમ્યાન થયેલા કડવા અનુભવો તમને એની પૂરેપૂરી મઝા લેતાં રોકે છે. ટેક્‌સીવાળાએ પાંચસો રૂપિયા વધારે પડાવી લીધા, હૉટેલમાં બ્રેકફાસ્ટનાં ઠેકાણાં નહોતાં, બજારમાં ખરીદી કરતી વખતે છેતરાઈ ગયા. અનેક કડવા અનુભવો તમારી મઝામાંથી અમુક ટકાની બાદબાકી કરી નાખે છે.
આનો ઉપાય શું?
આવા ‘કડવા’ અનુભવોના સંજોગો ઊભા થાય કે તરત વિચારવાનું કે તમે ઘર છોડીને આટલો ખર્ચો કરીને અહીં શું કામ આવ્યા છો? ફરિયાદ કરવા? ઝગડો કરવા?
તમારે વિચારવાનું કે તમારા માટે પ્રાયોરિટી શું છે? ટેક્‌સીવાળા સાથે પાંચસો રૂપિયા માટે ઝગડો કરીને તમારી જિંદગી આખી ચાલનારી સ્મૃતિઓની વણઝારમાં આ એક ઝગડાનો એપિસોડ ઉમેરી દેવો છે? કે પછી ‘છેતરાઈ’ જવાની લાગણીને ઢાંકીને એને પાંચસોની ઉપર બીજા સો રૂપિયા એનાં બાળકોને ચોકલેટ-મીઠાઈ લાવવા માટે આપીને તમારા આનંદમાં વૃધ્ધિ કરવી છે? તમે કંઈ ઘરથી આટલે દૂર બ્રેકફાસ્ટ કરવા નથી આવ્યા. હૉટેલવાળાએ તમારા બ્રેકફાસ્ટ માટેની ફરિયાદને દાદ ન આપી તો ઠીક છે, હાઈપર થવાની જરૂર નથી. એની સાથે તમે જેટલી કચકચ વધારે કરશો એટલું તમારું જળ ડહોળાશે, તમારી શાંતિ વિખેરાઈ જશે. એના માટે તો આ રોજનું થયું. લાંબા ગાળાની સ્મૃતિમાં ખરાબ હૉટલવાળો અનુભવ વારંવાર ડોકાયા કરશે.

વૅકેશન દરમ્યાન તમારું જ ધાર્યું થાય તે જરૂરી નથી. લાઈફમાં પણ તમારું જ ધાર્યું થાય એ જરૂરી નથી. કોઈની પણ સાથે, ઈવન અપરિચિતો સાથે પણ, ડીલ કરતા ધ્યાન રાખવું કે તમે તમારી ભવિષ્યની સ્મૃતિઓ સાથે અત્યારે ખિલવાડ તો નથી કરી રહ્યા ને. આપણી જીદને કારણે, અકડને કારણે, ઈગો કે અણસમજને કારણે આપણી ક્ષુલ્લક ગણીને અવગણી શકીએ એવી વાતોને બિલોરી કાચ નીચે મૂકીને જોતા રહીએ છીએ. આજે મસમોટી લાગતી કેટલીક વાતોનું વજન આવતી કાલે હળવું રૂ જેવું લાગવાનું છે. તો પછી અત્યારે આટલો બધો લોડ લઈને શું કામ આપણી ભવિષ્યની સ્મૃતિઓ સાથે રમતરોળાં કરવાં છે? લગ્નના વિવિધ પ્રસંગોએ, ઘરમાં કોઈ પણ મોટા તહેવારની ઉજવણી વખતે, પાર્ટી-મહેફિલો વખતે સૌ કોઈનો આશય હોય છે આ ઘડીને મનભરીને માણી લેવી અને પછી ભવિષ્યમાં જ્યારે પણ આ ઘડીને યાદ કરવામાં આવે ત્યારે એમાંથી પ્રાપ્ત થતી સુગંધોને માણવી. પણ વાંધાવચકા, ફરિયાદો અને દુરાગ્રહોને કારણે આપણે ભવિષ્યમાં આ બધી સ્મૃતિઓમાંથી સુગંધ પ્રાપ્ત થવાને બદલે બદબૂ મળશે એ વાત ભૂલી જઈએ છીએ. ધ્યાન રાખવું.

વૅકેશનમાં કે જિંદગીના કોઈપણ તબક્કામાં મધુર દિવસો પસાર થતા હોય ત્યારે જતું કરવાની માનસિકતા રાખીને કડવી ક્ષણો સર્જાય જ નહીં એનું ધ્યાન રાખવું. તમે સર્જેલી કે તમારાથી ટાળી ન શકાયેલી એક કડવી ક્ષણ તમારી એ ગાળાની અને એની આગળપાછળની તમામ સ્મૃતિઓને કડવી બનાવી દેશે. દૂધની તપેલીમાં એક ટીપું લીંબુનો રસ પડે છે ત્યારે દૂધનું માત્ર એક જ ટીપું બગડી જતું નથી, તપેલીનું બધું જ દૂધ બગડી જતું હોય છે.

આપણી પ્રિયમાં પ્રિય વ્યક્તિઓ હોય, આપણા પરિચિતો હોય કે તદ્દન અજાણ્યા લોકો હોય – એમની સાથેના વર્તાવમાં જ નહીં, એમના વિશેના વિચારમાં પણ, આપણે જ્યારે જ્યારે કશુંક અણગમતું સર્જીએ છીએ ત્યારે યાદ રાખીએ કે એ આપણા સબકૉન્શ્યસમાં કાયમ માટે જડાઈ જવાની શક્યતા છે. વરસો પહેલાં તમે કોઈની સાથે કરેલું ગેરવર્તન કે એમના વિશે વિચારેલી/કોઈને કહેલી અનર્થ સર્જે એવી વાતો તમને અત્યારે અચાનક યાદ આવી શકે છે. આવી યાદ તમારી સ્મૃતિઓની વણઝારને મંગલમય તો બનાવવાની નથી જ. તો પછી શું કામ એને સંઘરી રાખવી. પણ સંઘરાઈ જવાની જ છે. તો પછી શું કામ એને સર્જાવા જ દેવાની? સર્જાશે તો સંઘરાશે ને?

અને હવે એક છેલ્લી વાત. વૅકેશનો તો સુખદ પ્રસંગોમાં ગણાય. માણસે જિંદગીના દુઃખદ કે કરુણ કે આકરા દિવસોમાં પણ સુખદ સ્મૃતિઓનું સર્જાય એવું કંઈક કરવું જોઈએ. પરીક્ષામાં ફેઈલ થનારા દીકરાને ડૅડી આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય એવું કંઈક. ધંધામાં ખોટ આવે, નોકરી છૂટી જાય, પ્રિય વ્યક્તિ છોડીને જતી રહે કે આવા કંઈ કેટલાય આકરા પ્રસંગો જીવનમાં આવે ત્યારે એની સ્મૃતિ ભવિષ્યમાં તમારામાં કડવાશ ન સર્જે એ માટે એ ઘટનાઓ બનતી હોય ત્યારે જ સભાનપણે એ દરમ્યાન કશુંક જાણી જોઈને સારું બને એવો પ્રયત્ન કરવાનો. કશુંક સારું શૉપિંગ, કોઈક સારો પ્રવાસ, ક્યાંક સારું ખાવાનું, કોઈ સારી વ્યક્તિનો સહવાસ.

માઠા દિવસો દરમ્યાન સભાનપણે સર્જેલી સારી ક્ષણો બનતી હશે ત્યારે કોઈક તમને કહી જશે કે ઘરમાં મૃત્યુ થયું છે ને તમે બહારગામ જતા રહ્યા? તમારે એમને કોઈ જવાબ આપવાની જરૂર નથી. કારણ કે તમને ખબર છે કે તમે શું કામ આવું કરી રહ્યા છો. વર્ષો પછી તમે જ્યારે જિંદગીના એ કરુણ-કડવા પ્રસંગોને યાદ કરતા હશો ત્યારે એ પ્રસંગો સાથે સંકળાયેલી, તમે પોતે સર્જેલી, થોડીક વાસંતી ક્ષણો તમારા એ ટ્રોમાને-આઘાતને સહ્ય બનાવશે, ઓછો વજનદાર બનાવશે.

સાયલન્સ પ્લીઝ

સ્મૃતિમાં તાકાત છે તમને અંદરથી હૂંફાળા બનાવી દેવાની અને તમારામાં તોડફોડ કરીને તમને વેરવિખેર કરી નાખવાની શક્તિ પણ સ્મૃતિમાં છે.

_હારુકી મુરાકામી( જપાનીઝ નવલકથાકાર, જન્મઃ ૧૨ જાન્યુઆરી ૧૯૪૯)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here