આમ તે કંઈ થાય, એવું વિચારીને જીવ્યા કરતા લોકો વિશે

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૧ ઑગસ્ટ ૨૦૧૯)

માણસની જિંદગીમાં બે પ્રકારના ભય જોવા મળેઃ એક, જે છે તે જતું રહેશેનો ભય. બે, જેની ઈચ્છા રાખી છે તે નહીં મળે એનો ભય. આ બેઉ પ્રકારના ભયમાંથી મુક્તિ મેળવવી સહેલી નથી. કારણ કે પ્રથમ નજરે જોતાં માણસની આખી જિંદગીનું ચાલકબળ આ ભયને કારણે સર્જાતું હોય છે. માણસ પાસે જે નથી તે નહીં જ મળે તો શું થશે એવા ભયથી એ પોતાની પ્રવૃત્તિઓ કરતો રહે છે. આ ભય નાબૂદ થઈ જાય, ઈચ્છા પ્રમાણેનું બધું જ મળી જશે એવી એને ખાતરી થઈ જાય તો એ કદાચ પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દે, કામ કરવાનું છોડી દે. એ જ રીતે, પ્રાપ્ત થઈ ચૂકેલું જતું રહેશે એવા ભયથી એને સાચવવા માટે કે એની જાળવણી કરવા માટે માણસ જે કંઈ મહેનત કરે છે તે છોડીને બેદરકાર થઈ જાય તો શક્ય છે કે પ્રાપ્ત થઈ ચૂકેલું બધું ક્રમશઃ ઓછું થતું જાય અને છેવટે જે છે તે બધું જ જતું રહે. આમ દેખીતી રીતે જીવનનું ચાલકબળ ભય છે એવું કોઈ કહી શકે.

પરંતુ સહેજ ઊંડે ઊતરીને તપાસતાં ખબર પડે કે જીવનનું ચાલકબળ ભય નથી – આ એક વાત અને બીજી વાત – ભયને કારણે જીવન ખવાતું જાય છે. જીવનનું ચાલકબળ ભય નહીં તો બીજું ક્યું( કે ક્યું ક્યું) છે એ વિષય ચર્ચાયોગ્ય છે પણ અહીં એમાં આગળ વધવાથી સાવ ફંટાઈ જઈશું. આપણે વાત ભયની કરવાની છે, જીવનના ચાલકબળની નહીં. માટે એટલી સ્પષ્ટતા જોઈ લઈને આગળ વધીએ કે ભય શા માટે જીવનનું ચાલકબળ ન હોઈ શકે.

ભય માણસને પ્રેરણા અપીને કે એનો ઉત્સાહ વધારીને એની પાસે કામ નથી કરાવાતું, ચાબુક બતાવીને કામ કરાવે છે. ભય એ નેગેટિવ ફોર્સ છે અને જીવનમાં આવાં કોઈપણ નકારાત્મક ચાલકબળ બહુ બહુ તો તત્કાળ ફાયદો કરાવી આપી શકે. ટૂંકા ગાળા માટે થઈ જતો આ ફાયદો જીવનને કાયમી નુકસાન કરી જાય, શારીરિક તાકાત વધારવા માટે લેવાતા સ્ટીરોઈડયુક્ત ઔષધીઓની જેમ.

ભયને લીધે જીવન સંકોચાઈ જાય. ધ્રાસકો પડ્યો હોય એવી લાગણી સાથે આજીવન જીવનારા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે એમના મનમાં અદ્રશ્ય પ્રકારના અનેક ભય ઘર કરી ગયા છે. કેટલાક માણસોના વિચાર હંમેશા હેબતાઈ ગયેલા જોવા મળેઃ ‘આમ તે કંઈ થાય.’ આ એમના સૌથી પ્રિય ઉદ્‌ગારો. તેઓએ ક્યારેય આવા ડર વિનાનું જીવન અનુભવ્યું નથી એટલે એમને ખબર જ હોતી નથી કે નિર્ભયતા વિનાના જીવનનો આનંદ કેવો હોય. વાસ્તવમાં તો, આ ડરને એમણે ક્યારેય ડર ગણ્યો જ નથી હોતો. કાદવિયા પાણીમાં રહેતા મગરને ક્યારેય ચોખ્ખા પાણી વિશે કલ્પના જ ન આવે. એને મન પાણી એટલે એ કાદવિયું જ હોય. જન્મથી એ વિચાર એનામાં. દ્રઢ થઈ ગયેલો હોય અને મરતાં સુધી એના માટે પાણીની એ જ કલ્પના હોવાની. ડરને કારણે મનમાં સર્જાતા વિચારો ડરને લીધે જન્મ્યા છે એવી જાણકારી ન હોવાથી આપણે જાણી શકતા નથી કે આપણે ક્યાં, કેટલા અને કઈ કઈ બાબતે ભયગ્રસ્ત છીએ.

ભયને આર્થિક, સામાજિક, શૈક્ષણિક, બૌધ્ધિક કે સાંસ્કૃતિક સીમાઓ નથી નડતી. ફૂટપાથવાસીથી માંડીને ફ્લેટરહેવાસી સુધીની કોઈપણ વ્યક્તિમાં ભય હોવાનો. સમાજમાં જેની પાસે પ્રતિષ્ઠા છે, ઉચ્ચ શિક્ષણ છે અને બૌધ્ધિક તેજસ્વિતા છે એવા લોકો પણ ભયગ્રસ્ત હોઈ શકે અને જેમની પાસે આમાંનું કશું જ નથી તેઓ પણ ફફડાટથી જીવતા હોઈ શકે. પાશ્ચાત્ય કે પૌર્વાત્ય સંસ્કૃતિમાં ઊછરેલા તેમ જ આધુનિકતાવાદી કે રૂઢિવાદી – સૌ કોઈ ભયગ્રસ્ત હોઈ શકે.

આ ભયની નાબૂદી માટે પહેલાં તો એને ઓળખવો જોઈએ. એવી કઈ બાબતો તમારી પાસે છે જેના જતા રહેવાની તમને બીક લાગે છે? યાદી બનાવશો તો ઘણી લાંબી બનવાની. હવે આ જ સવાલ જો આ રીતે પૂછ્યો હોય તો? એવી કઈ કઈ બાબતો તમારી પાસે છે જે જતી રહેશે તો તમારી પાસે એની ગેરહાજરી પૂરવાના વિકલ્પો નથી અથવા તો એવા વિકલ્પો તમે ઊભા નહીં કરી શકો એવું તમને લાગે છે અથવા તો તમે એના વિના ચલાવી નહીં શકો એવું લાગે છે? જવાબની યાદી હવે સાવ ટૂંકી થઈ જશે. કદાચ સદંતર નાબૂદ પણ થઈ જાય. જો એ પ્રામાણિકપણે તમને એવું લાગે કે હવે આ યાદી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે તો માનવું કે તમારો ભય પણ પૂરેપૂરો નાબૂદ થઈ શકે એમ છે. આ પ્રશ્નોત્તરીની પ્રક્રિયા એક ધડાકે શરૂ કરીને પૂરી થઈ શકે એવી નથી. મોકાઓ મળતા રહે કે ઊભા થતા રહે ત્યારે આ સવાલ મનમાં પૂછાતો જાય. એનો જવાબ તાત્કાલિક ન પણ મળે. ક્યારેક અચાનક જડી જાય કે અરે, જેના વિના ચાલે જ નહીં એવું માનીને બેઠા હતા એના વગર તો અડધી જિંદગી વિતી ગઈ અને વિતી ગઈ એટલું જ નહીં, સુખેથી વિતી ગઈ. જે નથી મળ્યું એના વિશેનો ભય પણ આવો જ પ્રશ્નોત્તરીની પ્રક્રિયાથી ટળે.

તમારી પાસે એવું શું છે જે કોઈ છીનવી શકે એમ નથી એવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ આપી શકો એમ છો? તમારી પાસે એવું કશુંક હોય તો જ જવાબ આપી શકાય. તમારી પાસે ખરેખર એવું ક્યારે હોય? જ્યારે તમે જાણી ચૂક્યા હો કે જીવનમાં તમે શું કરવા માગો છો, તમારો સ્વધર્મ શું છે, તમારા જીવનનો હેતુ શું છે અને એ હેતુ સિધ્ધ કરવા માટે તમે ક્યો નકશો બનાવ્યો છે. ગાડરિયા પ્રવાહમાં તણાઈને, બીજાઓ જેમ કરે છે એમ કરવા જતાં અસંખ્ય લોકો ડૂબી ગયા. કેટલાકને શેરબજારિયાઓનો ધર્મ વહાલો લાગ્યો એટલે પોતાનું કામ છોડીને તેઓ ત્યાં ગયા. કેટલાકને બિલ્ડરનો ધર્મ વહાલો લાગ્યો તો કેટલાકને બીજાઓએ રચેલી પોતાની અંગત જિંદગી આકર્ષક લાગી – જ્યારે પણ માણસ પોતાની ચાલ છોડીને બીજાના તાલે નાચવા ગયો છે ત્યારે અંતે તો દુઃખી જ થયો છે. આવું ત્યારે બને જ્યારે માણસ જે કંઈ કરી રહ્યો છે તે સાચું જ કરી રહ્યો છે એવો એને વિશ્વાસ ન હોય. સ્વધર્મ માટેની ખાતરીમાં જ ભયની નાબૂદી છે. ભગવદ્‌ગીતામાં પરધર્મ ભયાવહ કહેવામાં આવ્યો ત્યારે ગીતાકારે જગતના સૌથી પહેલા અને અત્યાર સુધીના સૌથી મોટા માનસશાસ્ત્રીનું કામ કર્યું, આજે અનેક સંશોધનો અને સર્વેક્ષણો પછી સાઈકિયાટ્રિસ્ટો જે તારણો પર આવે છે તે તારણો ભારતના ૠષિઓ હજારો વર્ષ પહેલાં આપી ગયા. નિર્ભયતા પામવા માટે દેખાદેખીથી સ્વીકારેલો પરધર્મ છોડી દેવાનો હોય. પોતાનું ગજું, પોતાની સૂઝબૂઝથી વિકસે અને પછી એ માર્ગે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધાય એનું નામ સ્વધર્મને અનુસરવું. જેઓ સ્વધર્મને અનુસરી શકે છે તેઓ હંમેશાં નિર્ભયપથ પર આગળ વધતા રહે છે.

છેલ્લે, એક વાત સમજી લેવાની કે નિર્ભયતા અને નફ્ફટાઈ વચ્ચે ફરક છે. નિર્ભયતા એટલે જેનો ભય લાગતો હોય તેની સાથે જવાબદારીભેર વ્યવહાર કરીને એની અસરથી મુક્ત થઈ જવું. નફ્ફટાઈમાં ભયનો સામનો કરવાને બદલે ભય પ્રત્યે બેપરવાહ, બેજવાબદાર બનવાની વાત આવે છે. ભય પ્રત્યે આંખમીંચામણાં કરી દેવાથી એ દૂર થઈ જતો નથી, કામચલાઉ ઢંકાઈ જાય છે એટલું જ.

અનુપમ ખેરની તાજેતરમાં પ્રગટ થયેલી સુપર્બ આત્મકથામાં તેઓ પોતાના દાદાજીની એક વાત વારંવાર ટાંકે છેઃ તમારે જો બીજાઓ સાથે ખભેખભો મીલાવીને વાત કરવી હશે તો એમની પાસેથી કોઈ અપેક્ષા રાખવાની નહીં.

કોઈકની પાસે કશુંક મેળવવાની લાલચ હોય ત્યારે મનમાં ભય જન્મે છે કે એ નહીં મળે તો? આ ભય તમને એમનાથી ઈન્ફિરિયર હોવાની લાગણી આપે છે. અને આવી લઘુતાગ્રંથીને કારણે તમે એની સાથે એવું નમાલું વર્તન કરી બેસો છો જે તમને એમના ઈક્‌વલ નથી બનવા દેતા. છેવટે એ જે કહે તે શરતો તમારે માન્ય રાખવી પડે છે. તમારામાંથી જો એ ભય નીકળી જાય કે ઠીક છે, મને એની પાસેથી જે જોઈએ છે તે જોઈતું જ નથી – તો જ તમે એની સાથે એક ટેબલ પર સરખું બૅલેન્સ રાખીને વાત કરી શકો.

સાયલન્સ પ્લીઝ

માત્ર એક જ વાત તમને તમારું સપનું સાકાર કરતાં રોકે છેઃ નિષ્ફળ જવાનો ભય.

_પાઉલો કૉએલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here