શું સોશ્યલ મીડિયા બકવાસ છે? તમારો સમય બરબાદ કરે છે?

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૭ નવેમ્બર ૨૦૧૯)

સોશ્યલ મીડિયાનાં દુષણોથી સૌ કોઈ વાકેફ છે પણ એના ફાયદાઓ વિશે કેમ કોઈ ગળું ખંખેરીને બોલતું નથી? કોઈ પણ વસ્તુના ફાયદા-ગેરફાયદા બેઉ હોવાના. અગ્નિ, પવન અને પાણીથી લઈને પૈડું, ચાકુ, કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટ સુધીની દરેક વસ્તુના અગણિત ફાયદા છે અને એના દુરૂપયોગથી થતું નુકસાન પણ એટલું જ છે. યુ ટ્‌યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્‌વિટર, ફેસબુક અને વૉટ્‌સઍપ. સોશ્યલ મીડિયાના આ પાંચ સૌથી જાણીતા અને વધુ વપરાતાં માધ્યમો. આમાં ક્‌વોરા અને વીકિપીડિયા વગેરે પણ ઉમેરવા જોઈએ કારણ કે એ માધ્યમોની પણ એક કમ્યુનિટી છે જે જાહેર જનતામાંથી જ આવે છે, ભલે એનો ટિપિકલ સોશ્યલ મીડિયામાં આપણે સમાવેશ ન કરીએ તો ય એની પેરિફરીમાં તો એ આવે જ – જેમ કે આઈ.એમ.ડી.બી. નો પણ એમાં સમાવેશ થાય.

યુ ટ્‌યુબ, વૉટ્‌સઍપ વગેરે પાંચ મૂળભૂત સોશ્યલ મીડિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ટીકાકારો કહે છે કે આને કારણે આપણું ફિઝિકલ સામાજિક ઈન્ટરેક્‌શન ઘટી ગયું કે સાવ બંધ થઈ ગયું છે કે પછી બંધ થઈ જશે. હશે. જે કાકા-મામા-ફોઈ-પાડોશીને રૂબરૂ મળવું તમને આમેય ન ગમતું હોય તેમને આ બહાને તમે તમારા સોશ્યલ સર્કલમાંથી આઉટ કરી શકો છો. આને લીધે શું તમે સાવ એકલવાયા થઈ જશો? ના. માણસ એક ‘સામાજિક પ્રાણી’ છે એવું સમાજશાસ્ત્રીઓ પરાપૂર્વથી કહેતા આવ્યા છે અને એ વાત સાચી પણ છે. પરંતુ આ ‘સામાજિક પ્રાણીઓ’ બીજાં પ્રાણીઓ સાથે પોતાની શરતે, પોતાના સમયે અને પોતાની મુનસફીથી સંબંધો રાખતાં થઈ ગયાં છે. આ મહત્વના મુદ્દાની હજુ સુધી કોઈએ નોંધ લીધી નથી. સેંકડો કિલોમીટર દૂર રહેતી તમારી ફોઈની દીકરીની નણંદના માસા ગુજરી ગયા હોય તો તમારે બેસવા જવું જ પડે એવું કમ્પલ્ઝન હવે કોઈ સ્વીકારતું નથી. ભલે પછી તમારાં ફોઈને માઠું લાગે તો લાગે, એ તમારે ત્યાં કોઈ સારા-માઠા પ્રસંગે ના આવે તો ના આવે. ભલું થયું ભાંગી જંજાળ. લોહીના કે એવા જ પણ બીજી-ત્રીજી-ચોથી પેઢીએ કે સાંકળે થતા સગાવહાલાઓની જ્યાં જરૂર હોય ત્યાં છે જ, પણ જ્યાં જરૂર ન હોય ત્યાં લાંબા થવાનું હવે કોઈને પોસાતું નથી – સમય, શક્તિ, પૈસા – બધી દૃષ્ટિએ.

સોશ્યલ મીડિયાથી તમે જે જે લોકો સાથે સંકળાયેલા છો એ હવે તમારું નવું ફેમિલી છે – અમિતાભ બચ્ચને આ નવા પરિવાર માટે ‘એક્‌સ્ટેન્ડેડ ફેમિલી’(ઈ.એફ.) એવો શબ્દપ્રયોગ પ્રચલિત કર્યો છે.

તમારા પર્સનલ વૉટ્‌સઍપ ગ્રુપમાં પણ એવા કેટલાક સભ્યો હોવાના જેમાંના ઘણાને તમે વરસને વચલે દહાડે મળતા હો, કેટલાકને કદાચ ક્યારેય ન મળ્યા હો કે એક જ વાર મળ્યા હો એવું પણ બને. આમ છતાં એમની સાથે તમારે ગ્રુપમાં ડેઈલી બેઝિસ પર ઈન્ટરેક્‌શન થતું હોય જેને કારણે તમને એમની સાથે આત્મીયતા ઊભી થઈ હોય, તમે બંને એકબીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થતા હો – લોહીની સગાઈ હોય એ જ રીતે.

ફેસબુકની વાત જુદી છે. વૉટ્‌સઍપ જેટલું પર્સનલ માધ્યમ નથી. કોઈ પણ તમારી ફેસબુકની વૉલ પર આવીને શ્વાનકર્મ કરી જઈ શકે છે, ટ્‌વિટર પર પણ એવું છે. આવી વ્યક્તિઓને તમે તરત જ બાન કરીને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ શકો છો. બેચાર-છ મહિના દરમ્યાન આ પ્રકારની સાફસૂફી થઈ ગયા પછી જિંદગીની નિરાંત.
યુ ટ્‌યુબ ચેનલ શરૂ કરનારા કે બીજાઓની યુ ટ્‌યુબ ચેનલના ચાહક બની જનારાઓને અનુભવ હશે કે આ માધ્યમથી કેટલી બધી આત્મીયતા ઊભી થતી હોય છે. નોકરી કરવા માટે જપાન જઈને સેટલ થનારા રોમ રોમ જી નામના ચંદીગઢના યુવાનથી માંડીને મુંબઈ આવીને વાયોલિનવાદક તરીકે કરિયર બનાવવા માગતા જપાનીઝ યુવાનની યુ ટ્‌યુબ ચેનલોને કારણે વતનથી હજારો કિલોમીટર દૂર વસતા લોકો વચ્ચે કૌટુંબિક સભ્યો જેવી આત્મીયતા સર્જાઈ હોવાના દાખલા તમારી સમક્ષ છે. આવા તો બીજા કેટલાંય ઉદાહરણો તમારી પાસે પણ હોવાનાં.

સોશ્યલ મીડિયા તમને તમારી પ્રાઇવસી જાળવી રાખવાની સગવડ આપે છે અને તમે જેમનાથી કમ્ફર્ટેબલ મહેસૂસ કરતા હો એમની સાથે તમારી સગવડે કમ્યુનિકેશન કરવાની છૂટ આપે છે.

શું સોશ્યલ મીડિયાને કારણે વાંચન ઘટી ગયું છે? ના, માધ્યમો બદલાયાં છે. લોકો કાગળ પર છપાયેલા શબ્દો વાંચવાને બદલે ઈન્ટરનેટ દ્વારા એક્‌સેસ થતા ડિજિટલ મીડિયા દ્વારા મળતા વાંચનને પસંદ કરતા થયા છે કારણ કે એ એમના માટે વધારે સગવડભર્યું છે. આ નવું માધ્યમ એમને વાંચવા ઉપરાંત સાંભળવાનો અને જોવાનો વિકલ્પ પણ આપે છે. અનેક ઍપ્સ એવી છે જેમાં તમે કોઈ લેખ કે પુસ્તક વાંચવાને બદલે સાંભળી શકો છો અને અમુક ઍપ્સમાં બોલનારને જોઈ પણ શકો છો.

શ્રુતિ અને સ્મૃતિ. એક જમાનામાં આ જ માધ્યમ હતું માહિતીને સંઘરવાનું. વેદ-ઉપનિષદો તથા રામાયણ-મહાભારત એ જ રીતે સંઘરાયાં. ૠષિ એની રચના કરે અને શિષ્યોને સંભળાવે. શિષ્યો સાંભળીને એને યાદ રાખે. વખત જતાં આ શિષ્યો અનુભવ પામીને પોતે ગુરુ બને અને પોતાને યાદ રહી ગયેલા શ્લોક, મંત્રો, ૠચાઓ શિષ્યોને સંભળાવે. આ જ રીતે હજારો વર્ષ સુધી ચાલ્યું. પછી તાડપત્ર, ભોજપત્ર પર બરુની કલમથી લખવાનું શરૂ થયું. ત્યાર બાદ શાહી આવી, કાગળ આવ્યો, કલમ આવી. થોડીક સદીઓ પહેલાં પ્રિન્ટિંગ પ્રેસ શોધાયાં જેને લીધે શ્રુતિ-સ્મૃતિ પ્રથાની જ નહીં, લહિયાઓની પણ જરૂર રહી નહીં. ડિજિટલ મીડિયાને લીધે પ્રિન્ટ મિડિયમનાં ઓસરતાં પાણી હોય તો હશે. દુનિયા આગળ વધી રહી છે.. પ્રગતિનો ગ્રાફ ઊંચે ને ઊંચે જતો હોય એનો અફસોસ ન હોય.

સોશ્યલ મીડિયાનો બીજો એક ઘણો મોટો ફાયદો તમે માર્ક કર્યો? કેટલી બધી નવી નવી ટેલન્ટ્‌સ બહાર આવી. ટ્‌વિટર પર રોજ સવારે આંટો મારવાથી ખબર પડે કે ગુજરાતીઓમાં ક્રિયેટિવિટીની કોઈ કમી નથી. યુ ટ્‌યુબ પર નજર નાખો તો ખ્યાલ આવે કે કેટકેટલા ગુજરાતીઓને સારો અભિનય કરતાં આવડે છે, એમની પાસે અદ્‌ભુત વક્‌તૃત્વ કળા પણ છે. ફેસબુકે તો અનેક ગુજરાતી લેખકો, હ્યુમરિસ્ટો, રાજકીય વિશ્લેષકો, કવિઓ આપ્યા છે જેમનું કામ કોઈ પણ પ્રોફેશનલની હરોળમાં ઊભું રહી શકે એમ છે.

છરીથી તમે રોજ એક સફરજન સમારીને તમારી તબિયત ફૂલગુલાબી બનાવી શકો છો અને એ જ છરીથી તમે કોઈનું ખૂન પણ કરી શકો છો. ચોઈસ ઈઝ યોર્સ.
તો હવે, કાલથી સોશ્યલ મીડિયાને ગાળો આપવાનું બંધ અને સફરજન સમારવાનું ચાલુ.

સાયલન્સ પ્લીઝ

તમારી જિંદગીમાં અપ્રિય સંજોગોનો સામનો કરવો પડ્યો હોય તો તમારામાં એટલી સૂઝ આવવી જોઈએ કે બીજા કોઈ માટે તમે એવી પરિસ્થિતિનું સર્જન ન કરો.

_સદ્‌ગુરૂ

5 COMMENTS

  1. Saurabhbhai agreed but the loss of intimacy with close family member and the addiction of this media in younger generation isn’t it too much

  2. Saurabhbhai, please also post Article on Ayodhya series. Appreciate your efforts to improve knowledge among people.

  3. Balanced unbiased opinion. It’s up to individual, how much to involve and how much to avoid. Only problem is group. Many of the members just throw messages in bulk. Even though we can delete without reading but even it takes time. There should be self control over forwarding messages in group.

  4. ઈશાવાસ્ય ઉપનિષદના પ્રવચનમાં ઓશોએ કહ્યું છે કે આ દુનીયાની મોટી સમસ્યા કઇ? તેમનો જવાબ છે. વ્યક્તિનું પ્રકૃતિથી છૂટી જવું અને યંત્રથી જોડાઇ જવું.
    સોસીયલ મીડિયા સાથે એટલો જ વાંધો છે કે તે યંત્રવત છે. તેનાથી ઓળખાણ થતી હશે, કનેક્ટેડ રહેતા હસું. પણ એટલી લાગણી નહીં જે નાના પણ સર્કલમાં રૂબરૂ રહેતી. માહિતી ધણી, ફોલોવર્સ ધણાં. પણ પ્રાકૃતિક કે જીવંતપણું ક્યારેય નહીં.આજે પડોશમાં રહેતા લોકો સાથે પણ રૂબરૂ ને બદલે સોસીયલ મીડિયાથી કનેક્ટેડ છે.

  5. ડીજીટલ વિશ્વ નું પ્રભુત્વ વધતું જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here