એ તો આવો જ છેઃ ખરેખર?

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૪ નવેમ્બર ૨૦૧૯)

આપણને ખબર પણ નથી કે અત્યાર સુધીની જિંદગીમાં આપણે કેટલી મોટી ભૂલ કરતા આવ્યા છીએ અને એનાં કેટલાં મોટાં પરિણામ ભોગવતા આવ્યા છીએ. આપણી ભૂલ દરેક વાતનું સામાન્યીકરણ કરી નાખવાની, જનરલાઈઝેશન કરી નાખવાની.

એ માણસ તો છે જ આવો. તું તો દરેક વખતે આવું જ કરે છે. આવાં વાક્યો આપણે કેટલી વાર ઉચ્ચાર્યા હશે? સેંકડો વાર.

અમુક પ્રદેશના કે અમુક જાતિના લોકો માટે આપણે એવું માની લીધું છે કે એ લોકો તો આવા જ હોય. ગુજરાતીઓને બિઝનેસમાં જ રસ હોય એવી માન્યતા છે. જગતભરમાં ફેલાયેલા છ કરોડથી વધુ ગુજરાતીઓમાંથી કેટલા ગુજરાતીઓ ધંધો કરે છે? દસ ટકા કરતાં ઓછા. બાકીના નેવું ટકા કાં તો નોકરી કરે છે, કાં તો પ્રોફેશનલ્સ છે – ડૉક્‌ટર, એન્જિનિયર, આર્કિટેક્‌ટ વગેરે. આવું જ મારવાડી, સિંધી, બંગાળી, પંજાબી વગેરે પ્રજાઓની બાબતમાં. વ્યક્તિ સાથે પરિચય થતાં પહેલાં જ આપણે માની લેતા હોઈએ છીએ કે આ માણસ મારવાડી છે, સિંધી છે વગેરે છે એટલે આવો જ હશે.

આવું જ પ્રદેશની બાબતમાં. સુરતી હોય એટલે એ આવો જ હોય, દિલ્હીનો હોય એટલે એ તેવો જ હોય, કાઠિયાવાડીઓ તો આવા ને કચ્છીઓ તો તેવા. પરદેશ ફરીએ ત્યારે પણ મનમાં ગ્રંથિ લઈને ચાલીએ કે જ્યુઝ આવા અને ફ્રેન્ચ પ્રજા તેવી, ઈટાલિયન, સ્પેનિશ, આફ્રિકન, અમેરિકન દરેક પ્રજા માટે આપણે પૂર્વધારણાઓ લઈને ચાલતા હોઈએ.

ઘરમાં, કુટુંબમાં, મિત્રવર્તુળમાં અને સમાજમાં પણ આપણે આપણી પૂર્વધારણાઓથી લોકોને માની લેતા હોઈએ છીએ. મારો દિકરો તો પહેલેથી જ આવો છે. મારી વાઇફનું તો આમ જ હોવાનું. પ્રોફેશનલ્સ વિશે પણ આપણા મંતવ્યો રેડી હોવાનાં. ડૉક્‌ટરો કેવા તો કહે આવા. પત્રકારો? તેવા. શિક્ષકો? અમુક પ્રકારના. વકિલો? પૂછો જ નહીં. અને નોકરિયાતો માટે પણ આપણે પૂર્વગ્રહોથી પીડાતા હોઈએઃ સરકારી કર્મચારીઓ? આવા હોય. બૅન્ક કર્મચારીઓ? તેવા જ હોય. પોલીસો? બધાને ખબર છે.

આવું જનરલાઈઝેશન કરીને આપણે આપણી સગવડ સાચવી લઈએ છીએ, કોઈ વ્યક્તિ વિશે જાણીને – એને પારખીને – બંને બાજુનો વિચાર કરીને અભિપ્રાય બાંધવાની લાંબી પ્રક્રિયામાંથી બચી જઈએ છીએ. જનરલાઈઝેશન આપણી માનસિક આળસનું પરિણામ હોય છે. આપણને ક્યારેય રિયલાઈઝ જ નથી થયું કે આ માનસિક આળસ આપણો કેટલો મોટો ગેરફાયદો કરે છે. ઊલટાનું જનરલાઈઝેશન કરીને આપણે માનતા રહીએ છીએ કે આપણને માણસ પારખતાં આવડે છે, કઈ વ્યક્તિ કેવી છે એ હું તરત કહી આપું એવી ભ્રમણામાં રહીને આપણે આપણું ઘણું મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ.

કોઈ પણ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં એકસરખું વર્તન કરતી નથી. કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે દર વખતે અમુક જ રીતે વર્તન કરશે એવું તમે નહીં કહી શકો. કોઈકે કોઈકની સાથે બેવફાઈ કરી છે એવી માહિતી તમને ખબર હોય તો એનો અર્થ એ નથી કે તમારી સાથે કે બીજા કોઈની સાથે એ વફાદારીભર્યું વર્તન નહીં કરે. આપણને ખબર નથી કે એણે જેની સાથે વફાદારી નથી નિભાવી એ વ્યક્તિએ અગાઉ એની સાથે કેવો વ્યવહાર રાખ્યો હશે. આપણને ખબર નથી કે બેવફાઈ કરી ત્યારે એના સંજોગો કેવા હતા અને અત્યારે કેવા છે.

આપણી નજીકની વ્યક્તિઓને પણ આપણે સર્ટિફિકેટ આપી દેતાં હોઈએ છીએ, ખાસ કરીને ઝગડો કરતી વખતે કેઃ તું પહેલેથી જ આવો છે કે આવી છે. એ દર વખતે આવું જ વર્તન કરે છે એવો આરોપ લગાવતી વખતે આપણે ભૂલી જતાં હોઈએ છીએ કે આપણે દર વખતે એની સાથે આવી જ રીતે વર્તીએ છીએ જેને કારણે, આપણા વર્તનના પડઘા રૂપે, પ્રતિભાવ રૂપે એનું આવું વર્તન આવે છે. આપણી ખામી જોવાને બદલે એનો વાંક કાઢીને આપણી ખામીને ઢાંકી લેવા માગીએ છીએ.

અમુક પ્રદેશના લોકો તો બહુ અતડા અથવા અમુક વિસ્તારના લોકોની મહેમાનગતીનો કોઈ જવાબ નહીં એવું માનીને આપણે દેશ-પરદેશમાં ફરતાં હોઈએ ત્યારે એવા અનેક કિસ્સાઓ અનુભવવા મળે જ્યારે આપણી પૂર્વધારણાઓ ખોટી પુરવાર થાય.

થોડાક આગળ વધીને જોઈએ. ક્યા સંજોગોમાં કેવી રીતે વર્તવું જોઈએ એવું જનરલાઈઝેશન આપણને બંધિયાર બનાવી દે છે. રાષ્ટ્રપતિ ભવનના સમારંભમાં પ્રોટોકોલ મુજબ ક્યારે ઊભા થવું અને કેવી રીતે બેસવું એનું રિહર્સલ તમારી પાસે કરાવવામાં આવે તે જુદી વાત છે. ફૉર્મલ કે ઔપચારિક કે સત્તાવાર-ઑફિશ્યલ સમારંભો કે પ્રસંગોની વાત નથી. આપણા રોજબરોજના જીવનની વાત છે. કોઈ સ્વજનના મૃત્યુ પ્રસંગે કે પછી કોઈ આઘાતજનક કે કોઈ પ્રસન્ન સમાચાર મળે ત્યારે કેવી રીતે એનો આપણે પ્રતિભાવ આપવો એ જાણે સમાજે નક્કી જ કરી નાખ્યું છે.

પરીક્ષામાં ફેઈલ થવાના, કોઈના ડિવોર્સ થવાના કે કોઈએ નવું ઘર લીધું હોવાના સમાચાર મળે ત્યારે આપણા પ્રત્યાઘાત નિશ્ચિત જ હોવાના. વાતમાં ઊંડે ઉતર્યા વિના, વિગતો જાણ્યા વિના સ્ટાન્ડર્ડ પ્રતિભાવ આપવામાં જોખમ છે. આવા વર્તનને લીધે આપણું જગત સંકોચાઈ જતું હોય છે.

કેવી રીતે?

પૂર્વધારણાઓથી જીવીએ છીએ ત્યારે નવા નવા અનુભવો માટેની તૈયારી રાખતા નથી. પૂર્વધારણામાં વ્યક્તિ કેવી રીતે વર્તશે એવું નક્કી કરી લીધા પછી વ્યક્તિ એ રીતે ન વર્તે ત્યારે આઘાત લાગતો હોય છે – ક્યારેક સુખદ આઘાત તો ક્યારેક દુઃખદ. અમુક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમુક જ પ્રતિભાવ હોવો જોઈએ એવું માની લીધું હોય છે ત્યારે એવા નિશ્ચિત પ્રતિભાવ સિવાયનું ક્યું ક્યું વર્તન હોઈ શકે એવા વિકલ્પો મનમાં સૂઝતા નથી જેને લીધે ઓલરેડી સર્જાઈ ગયેલી પરિસ્થિતિનો શ્રેષ્ઠતમ લાભ આપણે લઈ શકતા નથી અથવા તો એ પરિસ્થિતિને કારણે જો નુકસાન થવાનું હોય તો એ નુકસાનને હજુ ઓછું કઈ રીતે કરી શકાય એવા વિકલ્પો વિચારી શકતા નથી.
જનરલાઈઝેશન કરવાથી કે દરેક વ્યક્તિ પર એક નિશ્ચિત લેબલ લગાડી દેવાથી આપણું કામ આસાન થઈ જતું હશે પણ જે કામ આસાન થઈ જાય તે આપણા માટે લાભકારક હોય એ જરૂરી નથી.

પાન બનાર્સવાલા

જિંદગીમાં જે કંઈ કરીએ તે એમ વિચારેને કરીએ કે એની અસર પડવાની જ છે. અને તમે જો જો પડશે જ.

_વિલિયમ જેમ્સ (અમેરિકન ફિલોસોફર અને સાયકોલોજિસ્ટ, ૧૮૪૨ – ૧૯૧૦, ‘ધ પ્રિન્સિપલ્સ ઑફ સાયકોલોજીના ભીષ્મ પિતામહ)

4 COMMENTS

  1. એ માણસ તો છે જ આવો. તુ દરેક વખતે આમ જ કરે છે. આવા વાક્યો બધા જ લોકો એ સેંકડો વાર બોલ્યા હશે.. આ એક બાબત માં તો બધા જ આવા ??? બાકી ખરેખર તો જનરલાઈજેશન કરવું જ ન જોઈએ. દરેક વ્યક્તિ અલગ છે

  2. આપનો પૂર્વ ધારણા વિશે નો લેખ સામાન્ય રીતે અને મહારાષ્ટ્રના અત્યારના રાજકીય સંજોગોમાં સમયોચિત છે. આ એક સામાન્ય સામાજિક રોગ છે.

  3. ફક્ત વિચાર સારા રાખવા કે સારી સારી વાતો કરવાથી જીંદગી સારી નથી થઈ જતી. સારા વિચારો જીવનમાં ઉતારવા જરૂરી છે. 100% પરફેકશન શકય નથી. બને એટલો
    પરફેકશનનો આગ્રહ રાખવો જીદ ન રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here