૧૦૦% પરફેક્‌શન રાખવું કે પછી જેટલું મળે એટલું લઈ લેવું?

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૦ નવેમ્બર ૨૦૧૯)

લાઉડમાઉથ : સૌરભ શાહ

કશુંક જોઈતું હોય ત્યારે એ જેટલું અને જેવું મળે છે એટલું અને એવું સ્વીકારી લેવું? કે પછી જ્યાં સુધી આપણી સો ટકા કલ્પના મુજબનું ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવાનું?

અટપટો સવાલ છે જેનો સામનો આપણે ડગલે ને પગલે કરવો પડતો હોય છે.

ભણતી વખતે મેડિકલમાં પ્રવેશ મળે એટલા પર્સન્ટેજ ન આવ્યા હોય તો શું હવે એન્જિનિયરિંગમાં ઍડમિશન લઈ લેવું કે પછી કોઈ પેરા-મેડિકલ ડિસિપ્લિનમાં પ્રવેશીને હોંશ પૂરી કરવી. એમ.બી.બી.એસ. થયા પછી કાર્ડિયોલોજીમાં પ્રવેશ ન મળ્યો તો હવે ઑર્થોપેડિકમાં લઈ લેવો?

શ્રીમંત ઘરના હૅન્ડસમ છોકરા સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું અને હવે સો-સો લુકિંગ મિડલ ક્‌લાસ મુરતિયાઓમાંથી જ પસંદગી કરવાની છે તો પરણી જવું કે મેરેજેબલ ઉંમર વીતી ગયા પછી પણ ટ્રાય ચાલુ રાખવી?

રસોઈ કરતી વખતે પરફેક્‌ટ ગોળ રોટલી નથી વણાઇ તો એનો પાછો લૂવો બનાવી દેવો કે પછી જેવી બની છે એવી રોટલીને તવા પર શેકીને ગેસ પર ફુલાવી લેવી?
જિંદગીમાં પરફેક્‌શન બહુ જરૂરી છે, જે કંઈ કરવું તે પરફેક્‌ટ કરવું એવી ભાવના હોય તો જ ઉત્તમ ક્‌વૉલિટીનું કામ થાય. આ વાત સાચી. ડૉક્‌ટર તમારી બાયપાસ સર્જરી કરતા હોય ત્યારે એમણે સો ટકા પરફેક્‌શન રાખવું પડે અન્યથા તમારો જાન જાય. પણ હૉટેલના રસોડામાં તમારા માટે નાન, રૂમાલી રોટી કે કુલચા બનાવતા રસોઈયાએ તમારા ઑર્ડરમાં ઉન્નીસ-બીસનો ફરક કર્યો હોય તો કંઈ આસમાન નથી તૂટી પડવાનું. આવી વાતોમાં તમારી ધારણા મુજબનું નથી થતું ત્યારે હૉટેલ માથે ન લેવાય. હમણાં જ એક લેખક એમના પ્રકાશક મિત્રની ઑફિસે ગયા. લંચનો સમય વીતી ચૂક્યો હતો અને લેખક ભૂખ્યા હતા એટલે પ્રકાશકે એમની ઑફિસના સહાયકને સૅન્ડવિચનો ઑર્ડર આપવાનું કહ્યું. લેખકે ભારપૂર્વક સૂચના આપી કે તદ્દન સાદી સૅન્ડવિચ, એને ગ્રિલ કરવાની નહીં એમાં ચીઝ નાખવાનું નહીં, માત્ર કાકડી-ટામેટાં-ચટણીવાળી સૅન્ડવિચ. પ્રકાશકે પણ ફરીથી સહાયકને યાદ દેવડાવ્યું. પંદર મિનિટ પછી ગરમાગરમ ગ્રિલ્ડ સૅન્ડવિચની પ્લેટો આવી. શું કરવાનું? સહાયક પર બગડ્યા વિના હસીને ખાઈ લેવાનું. લેખક-પ્રકાશક બેઉને ખબર હતી કે અહીં તેઓ સૅન્ડવિચ ખાવા ભેગા નથી થયા, ભવિષ્યના પ્રોજેક્‌ટ્‌સ વિશે ચર્ચા કરવા મીટિંગ કરી રહ્યા છે.

પરફેક્‌શનનો આગ્રહ ઘણી વખત માત્ર ઇગોના પ્રોબ્લેમ્સને કારણે આપણે રાખતા હોઈએ છીએ અને બધું જ મેળવવાના આગ્રહમાં જે કંઈ મળતું હોય એ પણ જતું કરી દેવાની બેવકૂફી કરીએ છીએ.

અમુક બાબતમાં પરફેક્‌શન રાખવું જોઈએ અને અમુકમાં જે કંઈ મળે કે સિધ્ધ થાય તે ચલાવી લેવું જોઈએ એવું પર્સનલી માનવું છે. હવે સવાલ એ થાય કે આ બંને ‘અમુક’ની યાદી કઈ?

ચાલો, બનાવીએ. જિંદગીની જે સૌથી મહત્વની બાબતો હોય એમાં પરફેક્‌શનનો આગ્રહ રાખવો જોઈએ. મારે કદાપિ ભ્રષ્ટાચાર કરીને, મારા ફિલ્ડના નૈતિક સિધ્ધાંતોને નેવે મૂકીને કે હું જેને કરપ્ટ પ્રેક્‌ટિસ માનું છું એવો વ્યવહાર કરીને કદી કમાણી કરવી નથી એવું જો તમે સ્વીકાર્યું હોય તો ગમે તેવી મોટી આપત્તિ આવે તો પણ બાંધછોડ ન થાય. મારે મારા મિત્રો સાથે કદી વિશ્વાસઘાત નથી કરવો એવો સિધ્ધાંત તમે સ્વીકાર્યો હોય તો એમાં ક્યારેય ઉન્નીસ-બીસ ન થાય, એમાં હન્ડ્રેડ પર્સેન્ટવાળી જ વાત હોય. માબાપની કે વડીલોની બીમારીમાં એમની સેવા કરવી છે એવું સ્વીકારી લીધું હોય તો ‘મારાથી જેટલું બનશે એટલું કરીશ’ એવું માનવાનું નહી, સો એ સો ટકાના સમર્પણ ભાવથી ચાકરી કરવાની.

અને કઈ કઈ બાબતોમાં બાંધછોડ કરવાની કે જે થયું છે તે બેસ્ટ છે એમ માનીને સ્વીકારી લેવાનું? તમારા ઘરમાં મિસ્ત્રીએ તમારી કલ્પના મુજબનું ફર્નિચર ઘડવાને બદલે એમાં પોતાનું દોઢ ડહાપણ ઉમેરીને કશુંક બનાવ્યું તો તમારે ચલાવી લેવાનું. પરફેક્‌શનનો આગ્રહ રાખીને કકળાટ કરશો તો દુઃખી તમે થશો, મિસ્ત્રી નહીં. અહીં પરફેક્‌શનનો આગ્રહ જતો કરવાથી આસમાન તૂટી પડતું નથી કે તમારી જિંદગીનાં પાયાનાં મૂલ્યો સાથે કોઈ બાંધછોડ થતી નથી. માત્ર તમારા કેટલાક આગ્રહો સચવાતા નથી એટલું જ. ધ્યાન એ રાખવાનું કે કામ તમે બીજાઓ પાસે કરાવવા માગો છો કે પછી જે સર્વિસીસ માટે તમારે બીજાઓ પર આધાર રાખવો પડે છે ત્યારે પરિણામમાં પરફેક્‌શનનો આગ્રહ મનોમન જતો કરવો. તમારી ઘરની કારની જાળવણી માટે, એટલી ચોખ્ખાઈ માટે તમે પરફેક્‌શનના આગ્રહી હો તે સારું છે પણ જ્યારે ઉબર-ઓલા કે કાળીપીળીમાં મુસાફરી કરતા હો ત્યારે આવા આગ્રહો મગજ પર રાખ્યા વિના મંઝિલ સુધી પહોંચી જવાનું હોય, બીપી વધારવાનું ન હોય.

આમ છતાં આ યાદીઓ જડબેસલાક હોઈ શકે. જીવનસાથીની બાબતમાં ક્યારે પરફેક્‌શનનો આગ્રહ રાખવો અને ક્યારે જે મળે છે તે ઘણું છે એમ માનવું એનો આધાર તમારી તત્કાલીન પરિસ્થિતિ અને તમારી તે વખતની માનસિકતા પર છે. પૈસાની બાબતમાં પણ એવું જ છે. અમુક ચોક્કસ પૈસા નહીં મળતા હોય તો એ કામ કે એ ધંધો હું નહીં કરું એવો આગ્રહ હોવો જ જોઈએ. પણ ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો તમારે જે મળે છે તે સ્વીકારીને જીવનનિર્વાહ ચલાવી લેવો જોઈએ. ક્યારેક લાંબા ગાળાનો વિચાર કરીને તમારે તમારા આગ્રહ મુજબની રકમ ન મળતી હોય તો કામ જતું કરી દેવું જોઈએ. અને ક્યારેક લાંબા ગાળાનો વિચાર કરીને તમારે તમારા આગ્રહો જતા કરીને જે મળે છે તે સ્વીકારી લેવું જોઈએ.

અવઢવ રહેવાની. અસમંજસ રહેવાની. જિંદગી કેવી રીતે જીવવી એની કોઈ ટેક્‌સ્ટબુક કે ગાઈડ ભગવાને તમારા જન્મ સાથે તમને તમારા હાથમાં પકડાવી દીધી નથી. ઈન ફેક્‌ટ, જિંદગીની કોઈ પણ બાબતમાં આ સાચું કે આ ખોટું હોતું જ નથી. અને એટલે જ તો જિંદગી આટલી એક્‌સાઈટિંગ છે. અન્યથા આપણે સૌ ફેક્‌ટરીની એસેમ્બલીની લાઈનમાં તૈયાર થતી પ્રોડક્‌ટ જેવી બીબાંઢાળ જિંદગી જીવતા હોત. દુનિયાની દરેક વ્યક્તિ પાસે પોતાની એક ઑરિજિનલ સ્ટોરી છે, મૌલિક વાર્તા છે જે બીજા દરેકથી જુદી છે એનું કારણ એ જ છે કે દરેકની જિંદગી કસ્ટમ મેઈડ છે, બીસ્પોક છે, એનાં પોતાનાં માપ-આગ્રહો-પરિસ્થિતિ મુજબ ઘડાઈ છે. આ અસમાનતા જ રોમાંચક વિવિધતામાં પરિણામે છે અને આ વિવિધતાએ જ દુનિયાને રહેવા જેવી બનાવી છે, રંગીલી બનાવી છે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એનું આકર્ષણ ન છૂટે એવી બનાવી છે.
સાયલન્સ પ્લીઝ

મૌન એટલે માત્ર વાણીને જ થંભાવી દેવી એવું નહીં, વિચારો પણ થંભી જાય ત્યારે સાચું મૌન સર્જાય અને એવું મૌન તમને પરમાત્માની નિકટ લઈ જાય.

_ઓશો રજનીશ

6 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    એક પણ શબ્દ ચોર્યા વગર લખું છું કે 100% પરફેક્ટ આર્ટિકલ.
    વાસ્તવિક,વ્યવહારુ છણાવટ.

  2. Sir,
    This article is 100% on the mark. Especially on topic of marriage and money.
    Worth sharing as well

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here