સારી સારી વાતો, સારા સારા વિચારોઃ છતાં જિંદગી આવી ને આવી કેમ?

તડકભડકઃ સૌરભ શાહ

(‘સંદેશ, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર,૧૭ નવેમ્બર ૨૦૧૯)

લૉટરી ખરીદીને રાતોરાત કરોડપતિ બની ગયા હોય એવા કેટલા લોકોને તમે ઓળખો છો? અમે તો કરોડપતિ શું લખપતિ બની ગયા હોય એવા કોઈને પણ જાણતા નથી. આમ છતાં અસંખ્ય લોકો લૉટરીઓ ખરીદતા રહે છે, કરોડપતિ થવાનાં ખ્વાબ જોતા રહે છે.

લૉટરી જેવું જ આજકાલ ફૂટી નીકળેલા મોટિવેશનના ધંધાનું છે. લૉટરીના ધંધામાં જેમ ફાયદો લૉટરી વેચનારાઓને થતો હોય છે, ખરીદનારાઓને નહીં, એમ મોટિવેશનના ધંધામાં પણ ફાયદો મોટિવેશન આપનારાઓને થતો હોય છે – પૈસા, પ્રસિધ્ધિ અને પ્રેમ એમને મળતાં હોય છે, મોટિવેશન મેળવનારાઓ બિચારા એવા ને એવા જ કોરા રહી જતા હોય છે.

પ્રેરણાદાયી વાતો સાંભળવાથી કે વાંચવાથી મને પ્રેરણા મળી જશે એવી ભ્રમણામાં ઘણા લોકો રહેતા હોય છે. મોટિવેશનના સેમિનારોમાં જઈને કે એવી શિબિરો અટેન્ડ કરીને કે એવાં પ્રવચનો સાંભળીને, પુસ્તકો-લેખો વાંચીને રાતોરાત મારી જિંદગીનું સ્તર ઉપર આવી જશે, મારી સમજણ વધી જશે, મારામાં ઉત્સાહ/પ્રેરણાના ધોધ વહેવા માંડશે એવું ઘણા લોકોએ માની લીધું હોય છે. પણ ચિંતનનાં અઢળક ચૂરણો ચાટીચાટીને અને પ્રેરણાની અસંખ્ય પડીકીઓ ફાકીફાકીને પણ આપણું જીવન હતું ત્યાંનું ત્યાં જ રહે છે એમાં વાંક કોનો? મોટિવેશનનો ધંધો કરનારાઓનો? કે પછી મોટિવેશનની દુકાનો પર જઈજઈને ભીડ કરનારાઓનો એટલે કે આપણો?

આપણો. કમાણી કરવા માટે બીજાઓ તો પોતાના બસમાં હોય એવો કંઈ પણ ધંધો કરવાના, એમને હક્ક છે. અક્કલ આપણામાં હોવી જોઈએ કે રાતોરાત કોઈ વ્યક્તિનું જીવન ‘સુધરી’ જાય એવું બનવાનું નથી. પણ આપણને લોભ હોય છે, તાલાવેલી હોય છે આપણું જીવન રાતોરાત અપગ્રેડ કરી નાખવાની. આપણા આ લોભને કારણે એ લોકોનો ધંધો ધમધોકાર ચાલે છે. કહેવત બહુ જૂની છે અને દરેક જમાનાનું, દરેક પરિસ્થિતિનું, દરેક સમાજનું એ સત્ય છે – લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભૂખે ના મરે.
તમારા પૈસા કેવી રીતે ઈન્વેસ્ટ કરવા, તમારી મૂડીનું કેવી રીતે રોકાણ કરવું એને લગતી ટિપ્સ આપતાં પુસ્તકો-લેખો તમે વાંચ્યા હશે. કદાચ એ પ્રકારનાં સેમિનારો-પ્રવચનોમાં પણ તમે ગયા હશો. ટીવી પર કે યુટ્‌યુબ પર તમે પાકકળાને લગતા અનેક ફૂડ શોઝ જોયા હશે. રેસિપીની બુક્‌સ વાંચી હશે. વાનગી બનાવવાની રીત સમજાવતી કૉલમો વાંચી હશે.

શું આટલું કરવાથી તમારા પૈસાનું સલામત ઈન્વેસ્ટમેન્ટ થઈ જવાનું છે? કે પછી તમને રસોઈ બનાવતાં આવડી જવાનું છે? માત્ર વાંચવા-જોવાથી ઈન્વેસ્ટમેન્ટ કરતાં કે વાનગી બનાવતાં આવડી ના જાય એટલી સાદી સમજ આપણામાં છે. આપણને ખબર છે કે એવા સેમિનારોમાં જઈને કે ફૂડ શોઝ જોઈને કે એ વિષયનાં પુસ્તકો વાંચીને આપણે એ બધી વાતો અમલમાં મૂકવી પડશે. એટલું જ નહીં, અમલમાં મૂકીશું એટલે રાતોરાત આપણી મૂડી બમણી થઈ જશે એવું બનવાનું નથી, ઈન્વેસ્ટમેન્ટ ધોવાઈ જાય એવું પણ બનવાનું. નવી શીખેલી વાનગી ગળે પણ ન ઊતરે એવી બેસ્વાદ બને કે બળી જાય કે કાચી રહી જાય એવું બનવાનું છે. જ્યાં સુધી એની પ્રેક્‌ટિસ કરીને પરફેક્‌ટ નહીં બનીએ ત્યાં સુધી આવું બનતું જ રહેવાનું છે. ઈન્વેસ્ટમેન્ટ કરવામાં કે વાનગી બનાવવાની બાબતમાં આપણે આ વાત સ્વીકારી લીધી છે. પણ મોટિવેશનની બાબતમાં આપણે માની લેતા હોઈએ છીએ કે કોઈ મહાન વ્યક્તિ વિશેના પ્રેરણાત્મક પ્રસંગો વાંચી લીધા એટલે આપણામાં આપોઆપ પ્રેરણાનું ઝરણું ફૂટી નીકળશે, જીવન જીવવાની જડીબુટ્ટીને લગતી વાતો સાંભળી લીધી કે આપોઆપ આપણું બીમાર માનસિક જીવન રાતોરાત હસતુંરમતું તગડુંમગડું થઈ જશે. સત્યનું મહાત્મ્ય સમજાવતી કે પછી નિયમિતતાના પાઠ શીખવતી કાર્યશાળાઓ-શિબિરો-વર્કશોપ્સ અટેન્ડ કરવાથી આપણામાં આપોઆપ એવાં ગુણોનો ફુવારો ફૂટશે.

માણસ શું કામ આવું માની લે છે? કારણ કે એને મહેનત નથી કરવી. નૂડલ્સ પણ બે જ મિનિટમાં રંધાઈને ડાઈનિંગ ટેબલ પર પીરસાઈ જવા જોઈએ એવી મેન્ટાલિટી ધરાવતા આપણે સૌ કાને જે કંઈ વાતો પડી, આંખે જે કંઈ વાતો વાંચી તે તરત આપણા જીવનમાં સમાઈ જશે એવું માની લઈએ છીએ. એવી વાતોને જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવાને બદલે, પડીઆખડીને એ વાતોની પ્રેક્ટિસ કરવાને બદલે, એનો સતત રિયાઝ કરવાને બદલે આપણે એક મોટિવેશનલ સેમિનારમાંથી બીજામાં, એક પ્રવચનમાંથી બીજામાં, એક પુસ્તકમાંથી બીજામાં, એક લેખમાંથી બીજામાં સતત ઠેકડા મારતા રહીએ છીએ. અને માની લઈએ છીએ કે સુંદરસુંદર વિચારો પામીને આપણું જીવન પણ સુંદરસુંદર બની જવાનું.

અચાનક એક દિવસ સમજાય છે કે મહાન પુરુષોની આટઆટલી બોધદાયક વાતો સાંભળ્યા પછી પણ આપણે બદલાયા નથી. પથ્થર પર પાણી પડે એમ આ બધી વાતોની કોઈ અસર આપણા પર દેખાતી નથી. ગીતાની પ્રેરણાદાયી વાતો સાંભળી સાંભળીને આપણે થાકી ગયા છતાં આપણે અર્જુન બની શક્યા નથી.
પહેલી વાત તો એ કે કૂવામાં હોય તો હવાડામાં આવે. ગીતાનો – ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ પામવા માટે અર્જુન જેવી પાત્રતા કેળવવી પડે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનારે ગાંધીજીએ કર્યો હતો એવો કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડે. પણ આપણે આપણી પાત્રતા વધારવાને બદલે, હવે બાકીનું કામ આ મોટિવેશન-પ્રેરણાવાળી વાતો સંભાળી લેશે એવું માની લઈએ છીએ. કારણ કે આપણને ટેવ પડી ગઈ છે કે બીપી-ડાયાબીટીસની ગોળીઓ ગળવાની. બ્લડ પ્રેશર-શ્યુગરને કન્ટ્રોલમાં રાખવા માટે આ ગોળીઓનું સેવન કરતાં હોઈએ એમ આવી પ્રેરણાદાયી, મોટિવેટ કરે એવી વાતોના ઘૂંટડા આપણે આંખ-કાન દ્વારા આપણામાં ઉતારી દઈએ છીએ. એમ માનીને કે પેલી ગોળીઓ જેમ શરીરમાં પ્રવેશે અને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ્‌સમાં બધું કન્ટ્રોલમાં છે એવું દેખાડે છે એ જ રીતે આપણી જિંદગીની બધી સમસ્યાઓ પણ મોટિવેશનલ વાતો સાંભળી/વાંચીને કન્ટ્રોલમાં આવી જશે.

પણ હકીકત એ છે કે જ્યાં સુધી તમે નમક ઓછું નહીં કરો, મીઠાઈઓ અને આઈસ્ક્રીમોનો ચસકો ઓછો નહીં કરો ત્યાં સુધી તમારું બ્લડ પ્રેશર, તમારો ડાયાબીટીસ કાબૂમાં આવવાનો નથી, નથી અને નથી જ. ગોળીઓ ગળવાને લીધે જે નૉર્મલ રિપોર્ટ્‌સ આવે છે તે પરિસ્થિતિ હકીકતમાં નૉર્મલ નથી, તમારું શરીર અંદરથી ખવાતું જાય છે, તમારો રોગ ઢંકાઈ જાય છે જે બીજા રોગોને જન્મ આપે છે. પ્રેરણાત્મક, બોધદાયક વાતો તમારી સાથે આવું જ કરે છે. તમને ભ્રમણામાં રાખે છે કે હવે તમારી જિંદગીની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ, હવે તમારો સ્વભાવ બદલાઈ ગયો, હવે તમારો ગુસ્સો ઓગળી ગયો, હવે તમે નિઃસ્વાર્થ બની ગયા, ઓવરઑલ તમારું જીવન ‘સુધરી’ ગયું.

જીવન એ રીતે ‘સુધરી’ જતું નથી. તમારે પોતે રોજેરોજ, પ્રતિપળ કસોટીમાંથી પસાર થવું પડે છે. પરીક્ષાઓ આપવી પડે છે. જિંદગી એક એક પળ સભાનપણે જીવાય છે ત્યારે એ બદલાય છે. અને બદલાશે જ એવી કોઈ ગેરન્ટી નથી. એમાં પણ પડવા-આખડવાનું આવશે. તમારું શરીર સુદૃઢ બનાવવા, સશક્ત બનાવવા તમારે પોતે કસરત કરવી પડે, તમારા શરીરમાંથી પરસેવો પડવો જોઈએ. મોટિવેશનલ પ્રવચનો સાંભળીને કે પ્રેરણાની પડીકીઓ ચાટીને આપણે માનતા થઈ જઈએ છીએ કે બીજું કોઈ તમારા વતી કસરત કરશે તો એનો ફાયદો તમને થશે. કોઈ નોકરને રાખીને એની પાસે પરસેવો પડાવાનો વ્યાયામ કરાવશો તો સિક્‌સ પૅક ઍબ્સ તમારા બનશે. જાતે અમલમાં મૂકવાની દાનત ન હોય તો અમસ્તાં અમસ્તાં, ટાઈમપાસ માટે યુટ્‌યુબ પર વાનગીઓ બનાવવાની રીત શિખવતી ક્‌લિપ્સ જોઈને જે મનોરંજન મળે છે એવું જ મનોરંજન આવી મોટિવેશનલ વાતો સાંભળી/વાંચીને આપણને મળે છે માત્ર મનોરંજન. એથી વિશેષ કંઈ નહીં.

પાન બનાર્સવાલા

સુવિચારોથી લાઈફ બદલાઈ જતી હોત તો વૉટ્‌સ ઍપ પર રોજ સવારે સૂરજનાં કિરણોવાળા ફોટા સાથે આવતા મેસેજીસ વાંચીવાંચીને કરોડો લોકો સંત બની ગયા હોત.
_અજ્ઞાત

11 COMMENTS

  1. Saurabh bhai

    Very good artcile. Today people buy fitness watch and still don’t do exercise. Preach 100 things but practice nothing. Practice only makes us better. Always look forward for your articles.

  2. શ્રી સૌરભભાઈ,
    આપની વાત શીરા જેવી સુપાચ્ય છે. નારદમુનિએ વાલિયો લૂંટારને મોટીવેશનલ સ્પીચ આપી અને ખાલી ‘રામ’ શબ્દનું જ ઉચ્ચારણ કરીને તપ કરવા કહ્યું. અને એ વાલિયા જેવા ખૂંખાર લૂંટારાએ પૂરી મહેનતથી પાળી બતાવ્યું. અને ઋષિ વાલ્મિકી બની ગયા. ઉપરાંત રામાયણ નામ્નુ મહાકાવ્ય લખી નાખ્યું.
    તડક ભડક એ જ કે આપની વિશદ છણાવટ સમજે એને આમાંથી પણ ખૂબ મોટીવેશન મળી શકે એમ છે. અને સાર્થક ખરી શકે છે.

  3. Sir,
    I was not focused even after completing my post graduation. You can say i was like a rolling stone which gathers no moss. One day, I met across one person named Amit Patel, my friends friend. When he realised I kept changing my interests, he advised me/ motivated me/ inspired me. I stuck to my profession. I faced my ups and downs, but i am successfully placed now because of initially his advise / motivation/ inspiration. My commitment certainly mattered sir, as you said in this article. But i regained focus in life because of his words. In fact, I have started being successful because of such timely motivation and my hard work.
    I am inspired by Modi sir’s fit india movement. Put it in practice as well.
    I sincerely believe not all people who motivate have just an agenda to earn money.
    Some lives are changed… Mine has… Definitely

  4. આ આર્ટીકલ આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર…
    આ બધી સારી સારી વાતો ,મોટિવેશનલ સેમિનાર વતો, સાચી અને સારી દિશાની ખબર પડતી હોય છે, અને જીવન કઈ રીતે જીવવું, તે બાબત ની જાણકારી ,ઉત્સાહ સાથે, ભલે ટેમ્પરરી પણ મળતા હોય છે .
    હવે જ્યારે આપણે તેના પર ચાલીએ ત્યારે તેની સાર્થકતા જણાતી હોય છે. માત્ર હોટેલ નું મેનુ વાંચવાથી પેટ ભરાતું નથી… એ સ્પષ્ટ છે.
    એવું મને લાગે છે.

  5. મોટીવેશન પ્રોગ્રામના ધંધાની તમારી વાત એકદમ સાચી છે. જેવું મોટીવેશનુ છે તેવું જ આપણાં કથાકારોનું પણ છે. શુકદેવજીથીં માંડી આજશુધી કોણ જાણે કેટલીય કથાઓ થઈ. પરિણામ શૂન્ય.
    આ બધું શાહમૃગનુ રેતીમાં મોઢું છૂપાવા જેવું છે.
    આપણો અહંકાર સંતોષાય છે. પરિસ્થિતિ બદલતી નથી.
    ખરેખર તમારૂં તડને ફડ ઘણું ગમ્યું.

  6. દરેક શબ્દ, વાક્ય, વાર્તા, ફિલ્મ, તસવીર, દ્રશ્ય, વસ્તુ, પદાર્થ વગેરેમાં માત્ર motivation/સંદેશ/સલાહ જ શોધતા/જોતા/દેખાડતા લોકોની પોતાની જીંદગી પણ આગળ જતા કંટાળાજનક બની જતી હોય છે કેમ કે આ બધામાં, શોધી કાઢેલા કે ચીપકાવી દીધેલા motivation/સંદેશ અને સલાહો સિવાય પણ, સૌન્દર્ય કે મજા અને એ સિવાયનું બીજું ઘણું બધું હોય એ વાતની એવા બહુ બધા લોકોને ખબર જ નથી રહી હોતી…

  7. ખૂબ સરસ! કોઈ પણ ઉપદેશ ના ભારણ વગર ના આપના લેખો શીરા ની જેમ ગળે ઉતરી જાય છે. વઘાર વગર ની આપની આ રસોઈ મન ને હમેશા મન દુરસ્ત રાખે છે. ચંદ્રકાન્ત બક્ષી હમેશા મારા favourate લેખક રહ્યા છે પરંતુ ની:શંક પણે તમને પણે હું હવે તમને આ હરોળ ના લેખક ગણું છું.

  8. Good Morning!

    It was indeed pleasure to see you after long period. I am die hard fan of your articles
    Please continue the same

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here