નર્મદના ચાર ગુણ–વીર, સત્ય ને રસિક, ટેકીપણું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : ગુરુવાર , ૨૪ ઑગસ્ટ ૨૦૨૩)

૧૮૩૩ની ૨૪મી ઑગસ્ટના દિવસે, આજથી બરાબર ૧૯૦ વર્ષ પહેલાં જન્મેલા નર્મદને પાકી ખબર હતી કે પોતાની પર્સનાલિટીમાં ક્યા ક્યા ગુણ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને એ જ બધા ગુણ એની ક્રિયેટિવિટીની આગવી લાક્ષણિકતા છે, એના યુએસપી છે, એની કલમના યુનિક સેલિંગ પોઈન્ટ છે.

નર્મદમાં હિંમત હતી. સલામતી આપતી નોકરીઓ કરવાનું છોડીને માત્ર ફ્રીલાન્સર તરીકે જીવવાની ઈન્સિક્યોરિટી એણે સામે ચાલીને સ્વીકારી હતી. પોતે ધારે તે અને ધારે તેની નોકરી કરી શકતો. એટલી ટેલન્ટ એનામાં હતી જ. કામ કરવાની ધગશ પણ હતી. વર્કોહોલિક હતો. એનાં પુસ્તકોની (એટલે કે એણે લખેલાં પુસ્તકોની) થપ્પી લગાવો તો ખાસ્સી ઊંચી થાય અને આ એવાં પુસ્તકો જેનું એક એક પાનું લખવામાં શરીર નીચોવી દેવું પડે. દાત. ‘નર્મકોશ’, ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સંપૂર્ણ શબ્દકોશ, ડિક્શનરી.

નર્મદે કલમને ખોળે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા લીધા પછી એની પાછલી જિંદગીમાં કંઈક એવા વળાંકો આવ્યા કે એણે આ પ્રતિજ્ઞા છોડવી પડી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે એણે પોતાના જૂના મિત્ર ગોકળદાસ તેજપાલના ધર્માદા ખાતા (ટ્રસ્ટ)માં સેક્રેટરીની નોકરી સ્વીકારવી પડી. આવો નિર્ણય લેવામાં બમણી હિંમત જોઈએ.

‘ડાંડિયો’ મૅગેઝિન એણે ૧ સપ્ટેમ્બર ૧૮૬૪ના રોજ શરૂ કર્યું અને એનો છેલ્લો અંક ૧૮૬૮માં પ્રગટ થયો. પછી એ ‘સન્ડે રિવ્યુ’ સાથે ભળી ગયું અર્થાત્ બંધ થઈ ગયું. આ ચાર વર્ષ દરમ્યાન ‘ડાંડિયો’ ત્રણ વાર બંધ પડ્યું અને ત્રણ વાર ફરી ચાલુ થયું. ચોથી વાર બંધ પડ્યા પછી ક્યારેય ચાલુ ન થયું. ‘ડાંડિયો’ શું કામ ચાલુ-બંધ થતું? કારણ કે ‘ડાંડિયો’ જેમની મદદથી ચાલતું તેઓ ખસી જતા. શું કામ ખસી જતા? કારણ કે નર્મદ ‘વ્યવહારુ’ નહોતો, ‘પ્રેક્ટિકલ’ નહોતો. પોતાના સપોર્ટર્સના કે ઓળખીતા-પાળખીતાઓના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સાચવતો નહીં, એટલું જ નહીં એ વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળા ઓળખીતાપાળખીતાઓ પર પ્રહાર કરતો રહેતો. ‘ડાંડિયો’ના જેટલા અંકો ઉપલબ્ધ છે, ઘણા ખોવાઈ ગયા છે, તેનું સંકલન નર્મદ વિશે (અને અફકોર્સ કલાપી વિશે તેમ જ બીજા અનેક વિષયો વિશે) સંશોધન કરનાર આજીવન અભ્યાસી અને નિષ્ઠાવાન સાહિત્યકાર સ્વ. રમેશ મ. શુકલે કર્યું છે. કુલ ૬૩ અંક ઉપલબ્ધ છે.

સામયિક શરૂ કરવાનું કારણ શું? પૈસા કમાવાના? ના. એણે પોતાની કમાઈ પણ આ મૅગેઝિનમાં ઈન્વેસ્ટ કરેલી

પહેલા જ અંકના તંત્રીલેખમાં નર્મદે વૉર્નિંગ આપી દીધી હતી: ‘…આજકાલ ખાતર-ધાડ ઘણાં પડે છે. ચોર, જુગારી, છિનાળવા, રાંડબાજ, ઠગ, ધુતારા, ખૂની વગેરે હરામનું તકાવનારાઓની ટોળીઓ ઠામ ઠામ જોવામાં આવે છે. રે, તેમાં મોટમોટાઓ છે, બડે બડે વેપારીઓ છે, સરકારી ઓદ્ધેદારો છે, પઢેલા લોકો છે. તેઓએ પોતપોતાનો આબરૂદાર ધંધો કરવો છોડી દીધો છે. તેઓ હરામનું ખાવાનું (આડીવાટની ધૂળ ખાવાની) અને તેથી ગરીબ રૈયતને પાયેમાલ કરી નાખવાની તજવીજો કરે છે…’

આટલું લખ્યા પછી છેવટે આ સૌને ચેતવણી આપતાં ઉમેરે છે:
‘… રૈયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વેહેમ, અનીતિ કાઢી નખાવવાને – દેશનું ભલું થાય તોય કરવાને હું થોડો ઘણો લાયક છઊં: મેં તરેહ તરેહવાર આદમીઓ જોયા છે. પંડિત સાથે, મૂરખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને ડાંડ-ડાંડગા – ડાંડિયા લોકો સાથે મારે ઝાઝો પ્રસંગ પડેલો છે. પૈસાદાર અને ગરીબના ઘરોમાં ફરી વળ્યો છઊં. ગાડી ઘોડે બેઠો છઊં ને જંગલોમાં ચાલ્યો છઊં. શાહેબી ને વેઠ કરી છે. મતલબ કે મેં દુનિયાને સારીપેઠે ઓળખી છે. હું ડાંડિયાના ભેદપ્રપંચો જાણું છઊં. (ડાંડિયાપણું કર્યું નથી). માટે ડાંડિયાઓની વાત હું બાહાર કાઢીશ અને તે ઉપરથી તેઓ મને ડાંડિયો કેહેશે માટે હું માહારી મેળે પેહેલીથી જ ડાંડિયો છઊં એમ કહું છું. ખબરદાર…’

સાર્થ ગુજરાતી શબ્દકોશ પ્રમાણે ‘ડાંડિયો’ના બે અર્થ થાય. જે દાંડી પીટે છે, રોન ફરે છે, નાનો પાતળો દંડો રાખે છે (ચોકી કરવા માટે) તેને તો ડાંડિયો કહેવાય છે. પણ એનો પહેલો અર્થ વધુ પ્રચલિત છે. જે ડાંડ માણસ હોય એને ડાંડિયો કહેવાય. ડાંડ એટલે? કોશ મુજબ નાગો, લબાડ, લુચ્ચો. ડાંગઈ કરવી એટલે વ્યવહારમાં લબાડી કરવી, લુચ્ચાઈ કરવી, નાગાઈ કરવી.

નર્મદે આ બેઉ અર્થ સમજીને પોતાના મૅગેઝિનનું નામ ‘ડાંડિયો’ રાખ્યું હતું. અને સામયિક શરૂ કરવાનું કારણ શું? પૈસા કમાવાના? ના. એણે પોતાની કમાઈ પણ આ મૅગેઝિનમાં ઈન્વેસ્ટ કરેલી.

૧૫ ડિસેમ્બર ૧૮૬૫ના અંકના છેલ્લા પાને નર્મદે પોતાના ચાહકો, વાચકો, ગ્રાહકો, લવાજમદાતાઓ અને સપોર્ટર્સ માટે એક નોંધ મૂકીને કહ્યું કે ‘ડાંડિયો’ હવે બંધ થાય છે. આ નોંધનું મથાળું હતું:‘ડાંડિયોનું મોત’

‘ડાંડિયો’ના આઠમા અંકમાં નર્મદે સ્પષ્ટતા કરતાં કહ્યું છે (જરા અટકી અટકીને અને સમજી સમજીને વાંચશો તો આ જૂની ગુજરાતીને આજના સમયમાં પ્રોપર કૉન્ટેક્સ્ટ સાથે સમજી શકશો):

‘વર્તમાનપત્ર અને ચોપાનીયાં કાંહાં કાંહાં નિષ્પક્ષપાત અને ખરાં દેશ હિતેચ્છુ સમજવાં? જાંહાં તેના તે જ ધણી (પ્રકાશક અથવા માલિક) અને તેના તે જ અધિપતિઓ (તંત્રી અથવા સંપાદક) હોય છે તાંહાં. અથવા ધણીઓએ અધિપતિને કુલ મુખત્યારી આપી હોય છે તાંહાં. અને જાંહાં અધિપતિની ઈચ્છા, વેળાએ પોતાના ગજવામાંથી પણ કંઈક કાહાડીને (ગજવું ભરવાને નહિ) અને સર્વજન સંબંધી જ વાત કાહાડીને (પેટ બળ્યો ગામ બાળે તેમ નહિ) દેશને સુધારવાનો હોય છે તાંહાં. એવાં વર્તમાનપત્ર આજ કાલ એક બે હશે. શાસ્ત્રીય અને ભાષા વિષય સંબંધી ચોપાનીયાં વિષે બોલવાની જરૂર નથી. પણ ચોપાનીયું અને વર્તમાનપત્ર એ બેનું કામ કરતું એવું પત્ર તો આજ કાલ એક છે જેમાં સર્વ વિષય ઉપર નિષ્પક્ષપાતે થોડું ઘણું લખાય છે… જે ચોપાનીયું પોતાના માલેક તથા લખનારનાં મતની સામાના મતો પણ છાપવામાં હરકત જોતું નથી, જેને ઘરાકો કરવાને લોકની ખુશામત કરવી પડતી નથી, જેને બિજાં ચોપાનીયાંની પઠે શરુઆતમાં ધનવંતોનો આશરો મળ્યો નથી ને હજી પણ મળતો નથી…’

આવું લખીને નર્મદે ‘ડાંડિયો’નું પ્રકાશન શરૂ થઈ ગયા પછી પણ એના હેતુ વિશે વિશેષ સ્પષ્ટતા કરવી પડી હતી.

‘ડાંડિયો’ પહેલીવાર બંધ પડ્યું ૧૫ ડિસેમ્બર ૧૮૬૫ના અંક સાથે (અહીં નોંધવાનું કે ‘ડાંડિયો’ના જીવનકાળ દરમ્યાન એનું પ્રકાશન માત્ર બંધ પડ્યા કરતું એટલું જ નહીં, ઘણી વાર એના અંકો અનિયમિતપણે પ્રગટ થતા). ૧૫ ડિસેમ્બર ૧૮૬૫ના અંકના છેલ્લા પાને નર્મદે પોતાના ચાહકો, વાચકો, ગ્રાહકો, લવાજમદાતાઓ અને સપોર્ટર્સ માટે એક નોંધ મૂકીને કહ્યું કે ‘ડાંડિયો’ હવે બંધ થાય છે. આ નોંધનું મથાળું હતું:

‘ડાંડિયોનું મોત’

આ શીર્ષક પછી ‘અવસાન સંદેશ’ તરીકે જે એનું કાવ્ય બહુ જાણીતું થયું એની પંક્તિ ટાંકી:

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

રસિકડાં એટલે પોતાના ચાહકો, વાચકો, ગ્રાહકો, લવાજમદાતાઓ, સપોર્ટર્સ વગેરે.

આ નોંધમાં નર્મદ લખે છે:

‘પેટને સાંસાં છે માટે મરૂં છ પણ ટેકમાં મરૂં છ – ભીખ નહીં માગું – હજી પણ આ સમે કરણની પઠે ભીખ આપી મરૂં છ.’

અને પછી એ જ કાવ્યની અજર અમર પંક્તિ ટાંકે છે નર્મદ:

‘મેં શું શું કિધું છ તે થોડામાં સમજી લેજો; કે મારૂં-

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’

અને છેલ્લે આટલું લખીને ‘ડાંડિયો’ અને કૌંસમાં (નર્મદ) ઉમેરીને સહી કરે છે: ‘વેળાએ આ મરણ મૂર્ચ્છારૂપ પણ હોય – પાછો ઊઠી ઊભો પણ થાઉં પણ હમણાં તો બોલો: રામ બોલો ભાઈ રામ…’

નર્મદની પર્સનાલિટીના જે ચાર ગુણ છે જે એના સર્જનમાં પણ ઊતરી આવ્યા તેમાંના પ્રથમ ગુણ ‘વીરતા’ વિશે વાત કરી. નર્મદની સત્યપ્રિયતા, એની રસિકતા અને એના ટેકીપણા વિશે પણ વાતો કરવી છે.

નર્મદની સત્યપ્રિયતાનો ગુણ એની પોતાના માટેની સભાનતામાં પણ પ્રગટ થાય છે. ‘ડાંડિયો’માં એણે બીજાઓ વિશે તો જે લખવાનું હતું તે લખ્યું જ અને સમાજમાં ઉઘાડા પડી ગયેલા આ લોકોમાં નર્મદના પોતાના જ મિત્રો, બેનિફેક્ટર્સ વગેરે હતા. આમાંના કેટલાક હાથ પાછો ખેંચી લેતા એટલે ‘ડાંડિયો’ બંધ પડતું. ફરી પાછું ચાલુ થતું, ફરી બંધ પડી જતું. નર્મદ માટે આ બધું સાહજિક હતું. મહિપતરામ રૂપરામ મહેતા નર્મદના સારા મિત્ર. કરસનદાસ મૂળજીએ ‘સત્યપ્રકાશ’માં મહિપતરામને કામે લગાડેલા. આ રીતે મહિપતરામની કારકિર્દી શરૂ થયેલી. ( યશ ચોપરાએ સ્થાપેલી યશરાજ ફિલ્મ્સ– વાય.આર.એફ મારી ‘મહારાજ’ નવલકથા પરથી એ જ નામની એક બિગ બજેટ હિંદી ફિલ્મ બનાવે છે. નવલકથામાં આવતાં બધાં જ પાત્રો– મહિપતરામ, નર્મદ, ગોકલદાસ તેજપાલ બધાં ફિલ્મમાં પણ આવે છે. કરસનદાસ મૂળજી કથાનાયક છે.)

મહિપતરામ સાથે અણબનાવ થયા પછી શિક્ષણખાતું ‘નર્મકોશ’ની ખરીદી કરતું બંધ થઈ ગયું.નર્મદે પોતાની સત્યપ્રિયતાની કિંમત ચૂકવવી પડી

‘સત્યપ્રકાશ’ છોડ્યા પછી તો મહિપતરામ ખૂબ આગળ વધ્યા. પરદેશ ગયા. પાછા આવીને શિક્ષણખાતામાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા. બાય ધ વે, ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ મહિપતરામ નીલકંઠ તે આપણા આ મહિપતરામ રૂપરામના સુપુત્ર. વિનોદિની નીલકંઠ રમણભાઈનાં પુત્રી થાય.

મહિપતરામ વિલાયતથી પાછા આવ્યા ત્યારે ન્યાતબાહર મુકાયા. નર્મદે કહ્યું કે તમે મૂંઝાતા નહીં, અમે સૌ તમારે પડખે છીએ. મહિપતરામ સાથે એના નાતીલાઓએ ઊઠવા – બેસવાનો અને જમવા કરવાનો વહેવાર તોડી નાખ્યો. નર્મદ મહિપતરામને એકલું ન લાગે એટલે એમની સાથે જમવા બેસતો.

પણ પછી મહિપતરામે પશ્ચાતાપ કરીને માફી માગી લીધી અને માનપાન સાથે ફરી નાતમાં જોડાઈ ગયા. નર્મદને થયું કે આ કેવી નબળાઈ? નર્મદે મહિપતરામની વિરુદ્ધ બોલવાનું, લખવાનું શરૂ કર્યું. જે મિત્રની ક્રાઈસિસના પિરિયડમાં તમે એના પડખે રહ્યા હો એ પોતે જ જ્યારે પાણીમાં બેસી જાય ત્યારે સ્વાભાવિક રીતે તમારી આવી જ પ્રતિક્રિયા હોય.

મહિપતરામનો શિક્ષણ ખાતામાં ખૂબ દબદબો. નર્મદના ‘નર્મકોશ’ના વિવિધ ખંડો પ્રગટ થયા કરે અને શિક્ષણખાતામાં એની સારી ઘરાકી. ગુજરાતીનો આ સૌ પ્રથમ શબ્દકોશ. મહિપતરામ સાથે અણબનાવ થયા પછી શિક્ષણખાતું ‘નર્મકોશ’ની ખરીદી કરતું બંધ થઈ ગયું.

નર્મદે પોતાની સત્યપ્રિયતાની કિંમત ચૂકવવી પડી. આવા તો ઘણા કિસ્સા નર્મદની જિંદગીમાંથી ટાંકી શકીએ. પોતાનાં વ્યસનો અને સ્ત્રીસંબંધોની વાત એ ધારત તો છુપાવી શક્યો હોત પણ એણે આ વિશે લખ્યું પોતાની આત્મકથા ‘મારી હકીકત’માં. ગાંધીજી કરતાં એ એક ડગલું આગળ હતો. ગાંધીજી ૧૮૬૯માં જન્મ્યા એનાં ત્રણ વર્ષ પહેલાં, ૧૮૬૬માં નર્મદની આત્મકથા લખાઈ અને છપાઈ ચૂકી હતી. (પણ નર્મદના કહેવાથી, ત્રણ વાર નકલો મિત્રોમાં અપાઈ તે અપાઈ, બાકીની નકલો એના મૃત્યુ પછી વાચકોના હાથમાં પહોંચી.)

નર્મદમાં સત્યપ્રિયતાની સાથે વિવેક પણ હતો. કેટલાક લોકો સાચું બોલવાના એટલા આગ્રહી હોય છે કે બીજાને થતું નુકસાન જોઈ શકતા નથી

નર્મદ દંભી નહોતો, પોતે જે છે એવા દેખાવામાં એને સંકોચ નહોતો. સાથોસાથ નમ્રતાનો દેખાડો કરવાનો દુર્ગુણ પણ એણે કેળવ્યો નહોતો. આત્મકથાના આરંભે એ લખે છે: ‘આ હકીકત લખુંછ તે કોઈને માટે નહીં, પણ મારે જ માટે – મારે માટે પણ તે ઓળખાવાને નહીં (ઓળખાઈ ચુકોછ), દ્રવ્યપદવિ મેળવવાને નહીં પણ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યા કરે એ માટે.’

નર્મદમાં સત્યપ્રિયતાની સાથે વિવેક પણ હતો. કેટલાક લોકો સાચું બોલવાના એટલા આગ્રહી હોય છે કે બીજાને થતું નુકસાન જોઈ શકતા નથી. આત્મકથાના પ્રથમ પ્રકરણમાં એ લખે છે, (જોડણી યથાવત્ રાખી છે): ‘આ હકીકત અધુરી ને ખરડો છે એમ સમજવું. અધુરી એટલા માટે કે કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીયોને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટીત ધારતો નથી. (મારે માટે તો હું થોડી જ દરકાર રાખુંછ), ખરડો એટલા માટે કે અજાણપણું અને ઉતાવળ (તરત લખાયછ અને તરત છપાયછ) એ બેને લીધે વેળાયે ગમે તે લખાય જે આગળ ખોટું ઠરે.’

નર્મદની ગુજરાતીમાં ‘મારે માટે તો હું થોડી જ દરકાર રાખુંછ’ એમાં થોડી એટલે હાર્ડલી. મારા માટે તો હું ક્યાં દરકાર રાખું જ છું? એ અર્થમાં.

અને જુઓ કે એ કેટલો સભાન છે કે સુરેશ જોષીએ પોતાની એક નવલકથાને (આય થિન્ક, ‘છિન્નપત્ર’ને) લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો ગણાવી એના પૂરાં સો વર્ષ પહેલાં એણે પોતાના લખાણને ડ્રાફટ, મુસદ્દો કે ખરડો ગણાવ્યું. અને કારણ શું? વૉટ એન એક્સ્પ્રેશન: ‘તરત લખાયછ ને તરત છપાયછ’.

આ એક બાબતમાં આપણું પણ આદિ ગદ્યસ્વામી જેવું જ છે: તરત લખાયછ ને તરત અપલોડ થાયછ.

રસિક એટલે જીવનને ભરપૂર જીવનાર. આ અંગત વ્યાખ્યા છે. બાકી સાર્થ જોડણીકોશ પ્રમાણે રસિક એટલે ભાવુક માણસ અથવા રસજ્ઞ. અને ભગવદ્ગોમંડળ મુજબ તો રસિકના ડઝનબંધ અર્થ છે જેમાંના કેટલાક છે: રહસ્યને જાણનાર -મર્મજ્ઞ, સ્વાદ અને લાગણીવાળો માણસ, ઈશ્કની વાતોથી પોતાનું અને સામાનું દિલ ખુશ કરવાના સ્વભાવવાળું માણસ, ગુણજ્ઞ- કદરદાન, ચાલાક- ચપળ, ભાવિક-પ્રેમી, મશ્કરું, રમુજી, શોખીન, લંપટ-વિષયી- વ્યભિચારી, સુંદર વગેરે.

નર્મદે જ્યારે લખ્યું કે ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’ ત્યારે પોતનામાંના કયા (અથવા કયા કયા) રસિકપણા એના મનમાં હશે તે તો ભગવાન જાણે. પણ મારી જે અંગત વ્યાખ્યા છે તે નર્મદમાં રહેલા રસિકતાના ગુણને યોગ્ય રીતે વર્ણવે છે: જીવનને ભરપૂર જીવનાર માણસ.

નર્મદની વીરતા અને સત્યપ્રિયતાનાં ગુણો જોઈ લીધા પછી બાકીના બેની વાત કરીએ. નર્મદે આત્મકથામાં પોતાની રસિકતા વિશે, જીવનને ભરપૂર રીતે જીવવાના પોતાના પ્રયાસો વિશે અનેકવાર ઉલ્લેખો કર્યા છે.

‘પાસે નાણું થશે ત્હારે એકલા જઈશું- એમ કહી બીજા શ્રીમંતો પાસથી નાણું માગી લઈ ફરવા જવાનો વિચાર બંધ રાખ્યો’:નર્મદ

પ્રવાસો કરવાનો શોખ નર્મદની રસિકતાનો જ એક અંશ. નર્મદ લખે છે: ‘મારી ઘણાં વરસ થયાં ઉત્તર હિન્દુસ્તાનમાં પ્રવાસ કરવાની ઈચ્છા છે.’ પછી તરત જ ઉમેરે છે: ‘મારી જેટલી ઈચ્છા હિન્દુસ્તાનમાં ફરવાની છે તેટલી ઇંગ્લાંડ જવાની નથી- ને મનમાં એવું પણ ખરું કે હિન્દુસ્તાન જોયા વના ઇંગ્લાંડ જવું નહીં-વળી જે પ્રમાણે કેટલાક મિત્ર ઇંગ્લાંડને બાહારનો દબદબો જોવાની ઈચ્છા રાખે છે તેમ હું ઈચ્છતો નથી- ઇંગ્લાંડ જવાનો મારો હેતુ ત્હાંનું સૃષ્ટિ સૌંદર્ય જોવાનો, લોકની રીતભાત જાણવાનો અને ત્હાંના વિદ્વાનોનો સમાગમ કરવાનો છે, ને એ જ હેતુ હિન્દુસ્તાન ફરવાનો પણ છે.’

એક વખત હિન્દુસ્તાનનો લાંબો પ્રવાસ કરવાનો મોકો ઊભો થયો પણ ખરો. પણ, નર્મદના શબ્દોમાં: ‘જેવારે ડા. ભાઉ, અરદેશર ફરામજી મુસ, ખરસેદજી નસરવાનજી કામા, રૂસ્તમજી ખરસેદજી કામા વગેરે સહુ હિન્દુસ્તાન ગયા હતા ત્યારે મેં સાથે જવાની, ….પહેલા બેને ઈચ્છા દેખાડી હતી ને એ બે તો મને સાથે તેડી જવાને ઘણા ખુશી હતા પણ મારા ખરચને સારૂ મારી પાસે સાધન ન્હોતું ને ડાક્ટરે કહ્યું કે થોડુંક તો હું આપું પણ બીજું થોડુંકે પણ આપવાને ખરસેદજી કામા હવે કચવાશે; અરદેશરે પણ સલાહ આપી કે એ વાતને સારૂ કોઈને ભારે પડવું એ ઠીક નહીં. મેં પણ વિચાર્યું કે મોટા લોકને ભારે પડી તેઓની સાથે જવામાં મારો ટેક શો ને હુસહુસની દોડાદોડીમાં મારે જે જાણવાનું છે તે તો જાણ્યામાં આવવાનું નહીં. પાસે નાણું થશે ત્હારે એકલા જઈશું- એમ કહી બીજા શ્રીમંતો પાસથી નાણું માગી લઈ ફરવા જવાનો વિચાર બંધ રાખ્યો.’

આત્મકથામાં એક અન્ય ઠેકાણે નર્મદની રસિકતા એના જ શબ્દોમાં: ‘અપરેલની શરૂઆતમાં મારે બે કુળવંતી સ્ત્રી સાથે સ્નેહ બંધાયો.’ નર્મદ અહીં ૧૮૬૧-૧૮૬૪ વચ્ચેના ગાળાના એપ્રિલ મહિનાની વાત કરે છે. એની કીર્તિનો મધ્યાહ્ન ચાલતો હતો. ૧૮૬૩ના ગાળામાં ‘પ્રીતિવિયોગ’નો ઉલ્લેખ કરે છે. એ પહેલાં ‘હું દરરોજ એક કલ્લાક ગાયન શીખતો’ એવો પણ ઉલ્લેખ છે. ૧૮૬૨માં પણ ‘મે મહીનાથી મેં પ્રીતિવિયોગનાં દુ:ખથી રીબાવા માંડ્યું ને એ દુ:ખમાં મેં ઘણીએક કવિતા કરી’ એવો ઉલ્લેખ છે.

૧૮૬૪માં નર્મગીત ગાયક મંડળી રચીને પારસી નાટ્યગૃહમાં નાટકો પણ કર્યાં જેમાં ખોટ ગઈ. ૧૮૩૩માં જન્મેલા નર્મદનાં પ્રથમ લગ્ન ૧૮૪૪માં ગુલાબ સાથે થયાં હતાં અને ૧૮૫૩માં પ્રથમ પત્ની ગુલાબનું મૃત્યુ થયું. એ પછી નર્મદે ૧૮૫૫માં બુદ્ધિવર્ધક સભામાં ‘વ્યભિચાર રંડીબાજી ન કરવા વિશે’ નિબંધ વાંચ્યો. ૧૮૫૬માં ડાહીગૌરી સાથે લગ્ન કર્યાં જે ઉંમરલાયક થઈ ત્યારે ૧૮૬૦માં નર્મદના ઘરે રહેવા આવી. એ જ વર્ષે નર્મદે વિધવા દીવાળીનું ગણપત નામના માણસ સાથે લગ્ન કરાવ્યું. ૧૮૬૫માં પોતાની જ્ઞાતિની વિધવા સવિતાગૌરીને પડોશમાં પોતાના મકાનમાં આશ્રય આપ્યો અને ૧૮૬૯માં ડાહીગૌરીની હયાતિમાં જ પોતાની જ્ઞાતિની વિધવા નર્મદાગૌરી (સુભદ્રા) સાથે લગ્ન કર્યાં. આમાનું કશું જ ખાનગીમાં નહીં, કોઈ છાનગપતિયાં નહીં, બધું જ ખુલ્લમખુલ્લા. લોકોને જે કહેવું હોય તે. એટલું જ નહીં નર્મદ-ડાહીગૌરી સંવાદ નર્મદે પોતે જ લખ્યો છે.

બીજી પત્ની સુભદ્રા (નર્મદાગૌરી)ની બાબતમાં પ્રથમ પત્ની ડાહીગૌરી સાથે થયેલી ચર્ચાને તેમ જ ડાહીગૌરીના કેટલાક સંબંધોને કારણે થતી ચર્ચાને નર્મદે ૧૮૮૨ના સપ્ટેમ્બરથી ૧૮૮૪ના ઑકટોબરના ગાળામાં શબ્દબદ્ધ કરીને મૂકી હતી જે હવે ૧૮૬૬માં લખાયેલી ‘મારી હકીકત’ના પરિશિષ્ટરૂપે વાંચવા મળે છે. આ સંવાદ વિશે એક આખું સ્વતંત્ર પ્રકરણ લખાય પણ અહીં એટલો જ ઉલ્લેખ પૂરતો છે કે નર્મદે પોતાની રસિકતાનો ન તો ડાહીગૌરી સમક્ષ ઢાંકપીછાડો કર્યો છે ન એના વાચકો-ચાહકો સમક્ષ. અન્યથા એણે આવું લખાણ લખ્યું જ ન હોત.

૧૮૩૫માં જન્મેલા અને ગુજરાતી ભાષાની સૌપ્રથમ મૌલિક નવલકથા લખનારા નંદશંકર તુળજાશંકર સાથે નર્મદને કોઈક વાતે મોટો અણબનાવ થયો હતો (જેની વિગતમાં અત્યારે અહીં જતા નથી). નર્મદે ૧૮૬૮માં નંદશંકરને એ બિના વિશે બે કડક પત્રો લખ્યા જેમાંના બીજા પત્રના અંતે નર્મદે જે વાક્યો લખ્યાં તે આજે પણ નર્મદના અંતરમનને સમજવા માટે બિલકુલ પ્રમાણભૂત જણાય છે. એ ફેમસ વાક્યો હતાં: ‘તમારા મનમાં મારે વિષે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો. એ જ વિચાર તમને મારૂં અભિમાન રખાવવાને બસ છે એમ હું અભિમાનથી કહું છઉં ને તમે એ અભિમાન ઉપર હસશો જ- હસો.’

હવે ટેકીપણું બાકી રહી ગયું. પછી પૂર્ણ.

ટેક એટલે નિશ્ચય, સંકલ્પ અને ટેકીપણું એટલે વચનબદ્ધતા, સંકલ્પબદ્ધતા. નર્મદ જ્યારે ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’ કહે છે ત્યારે ટેકીપણાનો ચોથો ગુણ એના જીવનમાં કઈ રીતે વણાયેલો છે તે આ લેખના અંતે જોઈ લેવું જોઈએ.

ટેકનો બીજો એક અર્થ થાય આબરૂ, શાખ. ટેકીલાપણું એટલે વટ રાખવાની વૃત્તિ એવો પણ અર્થ થાય. નર્મદ આ સઘળાય અર્થમાં ટેકીલો હતો. અને આ ટેક એને વારસામાં મળી હતી. એના દાદા અર્થાત્ લાલશંકરના પિતા, પુરુષોત્તમ દવે પણ ટેકીલા હતા. નર્મદે ‘મારી હકીકત’માં નોંધ્યું છે: ‘એનો ટેક એવો હતો કે કોઈ વેદપુરાણ સારૂં આમંત્રણ કરતું તો જ જતા, બાકી કોઈની ખુશામત કરતા નહીં. એના ટેકનો એક દાખલો એવો છે કે એક વખત એ (સુરતના) બાલાજી (મંદિર)નાં દરશન કરીને શ્રીમંત ત્રવાડીને ત્યાં સ્હેજ મળવા ગયા હતા; ત્યાં કોઈએ ત્રવાડી પાસે એની મશ્કરી કરાવી કે કેમ દવેજી ન્હોતરૂંબોતરૂં પકવાને આવ્યાછ કે? ત્યારે દવેજીએ જવાબ દીધો કે હા, મહારાજ. ને પછી તે કોઈ દહાડો ત્રવાડીને ઘેર તો શું પણ બાલાજીના દરશણ કરવાને પણ ગયા નહીં. ત્રવાડીને ઘેર ઘણાં ઘણાં કર્મકાંડ થતાં ને તે દવેજીને બોલાવતા પણ દવેજી જતા નહીં.’

સાલ ૧૮૫૮ની. નર્મદની ઉંમર ૨૫ વર્ષની. અત્યાર સુધી સુરત-મુંબઈની વિવિધ શાળાઓમાં શિક્ષકની નોકરીઓ કરી, પણ મન કહ્યા કરતું કે ફુલટાઈમ માત્ર લખવું જ છે. ખૂબ લખવું છે. લખવા સિવાય બીજું કશું નથી કરવું. ૨૩ નવેમ્બર ૧૮૫૮. નર્મદ ‘મારી હકીકત’માં લખે છે: ‘મારૂં મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કુલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. ‘સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય એ કવિત જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કુલના આસિસ્ટંટ માસ્તરોને દેખાડ્યું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દિલ ન લાગવાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩થી સ્કૂલની નોકરી છોડી દીધી.’

પછી આગળ ઉમેરે છે: ‘મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં તેને ઝળઝળીયાં સાથે અરજ કરી કે “હવે હું તારે ખોળે છઉં. કોઈ પણ રીતની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને એટલું કહ્યું કે, ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી?’ મેં વિચાર કીધો કે કવિતા તરફ મારૂં મન છે – નીતિ ભક્તિ તરફ મારૂં મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારૂં મન માનતું નથી, માટે હરદાસનું કામ કરૂં (હરદાસ એટલે હરિદાસ, હરિની કથા કહેનાર, કથાકાર) કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે – ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારી ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું. એમ નક્કી કર્યા પછી મેં બે ત્રણ હિંદુ શેઠિયાઓ પાસે દ્રવ્યની મદદ માંગી કે નિરાંતે થોડોક સંસ્કૃત અભ્યાસ કરી હરિકથાનું કામ ચલાવું. તેમાં એક જણે રૂા. ૨૫૦)ને બીજાએ રૂા. ૫૦) એટલા આપ્યા તે એક જણે ન આપતાં ઊલટી મારી મજાક કરી. જોઈએ તેટલી રકમ ન મળવાથી હું ઘણો જ નારાજ થયો તો પણ મેં ધાર્યો ઉદ્યોગ પાર પાડવાનું નક્કી કર્યું.’

નર્મદને સંસ્કૃત શીખવા માટે જો દ્રવ્યની પૂરતી મદદ મળી ગઈ હોત તો એ કથાકાર તરીકે વિખ્યાત થયો હોત. કથાકાર નહીં બની શકેલા નર્મદે આર્થિક ઉપાર્જન માટે સંપૂર્ણપણે કલમનો જ સહારો લીધો એ ગાળામાં એક મિત્રની ભલામણથી એણે લઘુહિતોપદેશનું કવિતામાં ભાષાંતર કરીને છાપવા આપ્યું. પછી તો નર્મદે અનેક પુસ્તકો લખ્યાં, છપાવ્યાં, વેચ્યાં અને ગુજરાન ચલાવ્યું. વચ્ચે વચ્ચે ‘ડાંડિયો’ પ્રગટ કર્યું, આર્થિક ભીંસ આવતાં બંધ કર્યું, પાછું ચાલુ કર્યું. ચાર વખત ચાલુબંધ કરીને છેવટે આટોપી લીધું. ૧૮૫૮માં લીધેલી ટેક નર્મદે ચડતીપડતીના તમામ સંજોગોમાં સાચવી. કલમને ખોળે મૂકેલું માથું બીજા કોઈના શરણમાં લઈ જઈને નોકરી ન કરી તે ન જ કરી. વચ્ચે વચ્ચે ક્યારેક હરિકથા પણ કરી. ‘મારી હકીકત’માં ૧૮૬૧ની સાલની નોંધ છે: ‘એ વરસમાં કે આવતા વરસમાં (બરાબર સાંભરતું નથી) મેં વાલકેશ્વરમાં ગોકળદાસ તેજપાલને બંગલે રાતે હરદાસની કથા કરી હતી ને મને તેઓએ રૂા. ૫૦) આપ્યા હતા.’

એ જ અરસામાં પારસી છોકરીઓની નિશાળમાં એક કલાક કવિતા ગાતાં શીખવતો અને અંગ્રેજ તેમ જ શ્રીમંત પારસી ગૃહસ્થોને ગુજરાતી શીખવવા પણ જતો. આ કામમાંથી આર્થિક ઉપાર્જન થતું. એ લખે છે: ‘સને ૧૮૬૨ની શરૂઆતથી તે જુન સુધી હું રાતદહાડો અંગ્રેજી ને ગુજરાતી ડિક્શનરી બનાવવામાં મારો મિત્ર નાનાભાઈ રૂસ્તમજી (રાણીના) ને અરદેશર ફરામજી સાથે ગુંથાયો હતો. એ પુસ્તકનાં વેચાણથી મને ત્રીજે હિસ્સે પણ સારી પેઠે નફો થયો હતો.’

આટલી નાની જિંદગીમાં નર્મદે જે વિપુલ, વૈવિધ્યસભર અને ઊંડાણ સાથેનું કામ કર્યું છે તેનો ગુજરાતી સાહિત્યમાં જોટો જડે એમ નથી

નર્મદનો પોતાનો ‘નર્મકોશ’ જુદો. પેલો અંગ્રેજી-ગુજરાતી કોશ જે રાણીનાની ડિક્શનરી તરીકે જાણીતો થયો. એનો પ્રથમ ભાગ ૧૮૫૭માં, સંક્ષિપ્ત કોશ તરીકે પ્રગટ થયો હતો. ૧૮૬૨માં નર્મદ સાથે મળીને છપાયેલા કોશને નાનાભાઈ રાણીનાના પુત્રે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. એમના વારસદારોએ પણ ચાલુ રાખ્યું. ૧૮૮૮માં છપાયેલી ‘નર્મકવિતા’ની ત્રીજી આવૃત્તિની દુર્લભ નકલ ઉપરાંત ‘નર્મકોશ’ની રેર
નકલ પણ મારા પુસ્તકસંગ્રહમાં છે. નાનાભાઈ રાણીના પોતાના યુનિયન પ્રેસમાં નર્મદનું ‘ડાંડિયો’ પણ છાપતા. ત્રીજા પાર્ટનર અરદેશર ફરામજી તે ‘ખબરદાર’ ઉપનામ ધરાવતા કવિ નહીં પણ બીજા એક સજ્જન હતા.

‘મારી હકીકત’ ૧૮૬૬માં લખાઈ/છપાઈ પણ એ પછીનાં વર્ષો દરમ્યાનની નર્મદની જીવન હકીકતો છૂટીછવાઈ છે જેને ભેગી કરીને વાંચવાથી માલુમ પડે છે કે જીવનના અંત સમયે નર્મદે કલમને ખોળે માથું મૂકીને જીવવાની ટેક છોડીને નોકરી કરવાની મજબૂરી સ્વીકારવી પડી હતી. ૧૮૮૬ની ૨૬ ફેબ્રુઆરીએ નર્મદે છેલ્લા શ્વાસ લીધા.

નર્મદના મિત્ર જેવા એમના પગારદાર આસિસ્ટન્ટ નરભેરામ પ્રાણશંકરના બનેવી રામશંકર પણ નરભેરામની સાથે નર્મદની મદદમાં રહેતા. આ રામશંકરના પુત્ર રાજારામને નર્મદે પુત્રવત્ પોતાની પાસે રાખીને ભણવા માટે આર્થિક સહિતની બધી જ મદદ કરી હતી. રાજારામની લેખનપ્રવૃત્તિને પણ કવિ પ્રોત્સાહન તથા ઉત્તેજન આપતા. આ રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર: ‘મૃત્યુના એક વર્ષ પહેલાંથી, ફેબ્રુઆરી ૧૮૮૫થી નર્મદની પ્રકૃતિ શિથિલ થવા લાગી હતી. આનું કારણ તેઓ અંતર્ગત – માનસિક હોવાનું કહે છે. ટેક છોડીને નોકરી સ્વીકારવી પડી તેનો માનસિક આઘાત ઘણો તીવ્ર હતો. (નર્મદ ગોકળદાસ તેજપાલના ધર્માદા ખાતામાં, ટ્રસ્ટમાં સેક્રેટરીની જવાબદારી સ્વીકારીને નોકરી માટે જતો હતો.) શેઠ ગોકળદાસ તેજપાલ બોર્ડિંગ સ્કૂલની યોજના તૈયાર કરવામાં મોડી રાતના ઉજાગરા થતા તેનો શ્રમ પણ ખરો. શરૂઆતમાં અન્ન પર અરુચિ, શરીર નિર્ગત થવા માંડ્યું, ચક્કર આવતાં, બેએક વાર પડી પણ ગયા હતા. એપ્રિલ ૧૮૮૫માં તો સાંધાઓ ગંઠાઈ જતાં ઊભા પણ ન થવાય તેવી સ્થિતિ થઈ, પરંતુ પોતે તૈયાર કરેલી યોજના પ્રમાણે બોર્ડિંગ શાળા શરૂ થઈ તેના આનંદમાં કવિએ શારીરિક દુ:ખ અવગણ્યું. એમ દશ મહિના ખેંચ્યું.’

૧૮૩૩થી ૧૮૮૬. ૫૩ વર્ષનું આયુષ્ય. આટલી નાની જિંદગીમાં નર્મદે જે વિપુલ, વૈવિધ્યસભર અને ઊંડાણ સાથેનું કામ કર્યું છે તેનો ગુજરાતી સાહિત્યમાં જોટો જડે એમ નથી. તમામ પ્રકારની આર્થિક, સામાજિક અને પારિવારિક તેમ જ ઈમોશનલ અને મેન્ટલ વિટંબણાઓનો સામનો કરીને નર્મદે આટલું વિશાળ કામ કર્યું અને તે પણ પોતાની વીરતા, સત્યપ્રિયતા, રસિકતા તથા પોતાનું ટેકીપણું જાળવી રાખીને. નર્મદનાં આ ચાર ગુણો અરિ (દુશ્મનો) પણ વખાણશે એવી નર્મદને ખાતરી હતી, તો ચાહકોને આ ચાર સ્વભાવલક્ષણોને લઇને નર્મદને, એના સાહિત્યને, આજની તારીખેય માથે ઊંચકીને નાચવાનું મન ન થાય તો જ નવાઈ.

આજનો વિચાર

‘ગદ્ય, વ્યાકરણ, કોશ વગેરે ન લખત, પ્રુફ તપાસવાનાં ન હત (હોત), કંપાઈલેશન ન હત, ઘર ચલાવવાની ખટપટ ન હત, નાણાંની હંમેશ તંગી ન હત વગેરે વગેરે… તો નિરાંતથી ઘણી કવિતા લખત. મેં કવિતા ઘણી જ તાકીદથી લખી છે. ઘણીએક તો પ્રસંગોપાત્ત ઉભરામાં લખી છે. એ જોતાં થોડી મુદતમાં મેં જેટલી કવિતા લખી છે, તે કવિતા ઘણામાં ઘણું સામળ, પ્રેમાનંદ ને દયારામ તેની કવિતાના સંગ્રહના અર્ધ બરાબર તો હશે જ. તેઓએ પોતાની જિંદગી કવિતામાં જ કાઢી, માટે ઓછામાં ઓછો ૬૦ વરસનો તેઓનો સંગ્રહ કહેવાય. મને તા. ૩૧ ડીસેમ્બર ઈ.સ. ૧૮૬૭એ કવિતા લખતાં ૧૧ વરસ ને ત્રણ મહિના થયા છે.’

– નર્મદ (‘મારી કવિતા વિશે મારા વિચાર’, ૧૮૬૮માં કરેલી નોંધ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. આ પહેલા પણ નર્મદ વિષે આપની કૉલમ માં વાંચ્યું છે,
    દર વખતે વાંચવાની ખૂબ જ મજા પડે છે.

    ખાસ તો તમારા રિસર્ચ ને વાંચન પર માન ઉપજે છે.
    કેટલી જીણી જીણી વાતો ને ઘટનાઓ એના સંદર્ભો સાથે રજૂ કરવાની તમારી રીત ખૂબ વાંચન ને ખૂબ જ રસિક બનાવે છે, ને જકડી રાખે છે.
    ખાસ તો તમારા આવા ગુજરાતી લેખકો ને પુસ્તકો વિશેના અભિપ્રાયો પરથી એ લેખકો ને પુસ્તકો ને વધુ ને વધુ વાંચવાની પ્રેરણા મળે છે.

    (કાલે જ તમારા ૧૦ પુસ્તકો ના લિસ્ટમાના મોટા ભાગના જે મારી પાસે નહોતા તે લોકમિલાપ પર ઓર્ડર કરેલ છે.)

  2. નર્મદ વિશે ઘણી બધી જાણકારી જે હું ખરેખર નહોતો જાણતો તે આપના આ લેખ થકી મળી,

    કદાચ, હું ખોટો ન હોવું તો નર્મદ નું જ એક કાવ્ય…ખુમારી સાથેનું, ” ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું…મસ્તક….હાથ, બહુ દઈ દીધું નાથ, જા… ચોથું નથી માગવું!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here