નિષ્ફળતાની એંધાણી સાથે ઉકેલ પણ આવે છે : હારજીતની સાપસીડી-લેખ 2: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: મંગળવાર, 5 મે 2020)

નિષ્ફળતા આવે છે ત્યારે એ અચાનક નથી ત્રાટકતી. એના પહેલાં એની એંધાણી અને એંધાણીની સાથે એનો ઉકેલ પણ આવે છે. પણ આપણે એ બેઉ નથી જોઈ શકતા કે નથી જોવા માગતા. કારણ કે, કાં તો આપણે તે વખતે મળી રહેલી સફળતાના નશામાં ચૂર હોઈએ છીએ અથવા તો નિષ્ફળતાના આગમન સાથે એવા હેબતાઈ જઈએ છીએ, સ્તબ્ધ થઈ જઈએ છીએ કે પેલી એંધાણી સાથે આવેલા ઉકેલને જોઈ શકતા નથી.

સફળતાના દૌરમાં આપણે ઑટો પાયલટ પર જતા રહીએ છીએ. સાનુકૂળ પવનમાં વગર હલેસાએ હોડી સડસડાટ આગળ વધતી રહેતી હોય ત્યારે નાવિકે વધારે સાવધાન થઈ જવાનું હોય, કઈ ઘડીએ આ પવન વાવાઝોડામાં પલટાઈ જશે અને સમંદરમાં તોફાન આવશે એ કંઈ કહેવાય નહીં. સફળતાનો એ દૌર નશીલો હોય છે. ખૂબ મહેનત કરી લીધા પછી થોડો આરામ, થોડી ઐય્યાશી કરવાનું મન થતું હોય છે. તે વખતે ખબર નથી હોતી કે સફળતાનો માર્ગ ફૉર્મ્યુલા-વનના રેસિંગ ટ્રેક જેવો હોય છે. એક સેકન્ડની લાપરવાહી થઈ તો ડિઝેસ્ટર સામે જ છે. બીજાઓ તમારાથી આગળ નીકળી જશે એ તો જાણે કે ઓછું નુકસાન છે. તમે પોતે ફુલ સ્પીડે ઊથલી પડશો અને જમીન પર દોડતાં પૈડાં આકાશમાં અદ્ધર થઈ જશે, ભલું હશે તો જાન બચશે અન્યથા ત્યાંને ત્યાં જ રામ રમી જશે અથવા બાકીની આખી જિંદગી મરવાને વાંકે, વેન્ટિલેટર પર કે વ્હીલચેર પર, જીવતા રહેશો.

સફળતા મેળવવાનો હેતુ જિંદગીમાં એશોઆરામ પ્રાપ્ત કરવાનો હોય ત્યારે આવું થાય. જિંદગીમાં મારે જે કામ કરવું છે અને જે રીતે એ કામ કરવું છે તેની સ્વતંત્રતા મને સફળતા મળવાને લીધે મળે છે, એવી સમજ બહુ ઓછા લોકોમાં હોય છે. સફળતા મેળવ્યા પછી સાવધ થઈ જનારા લોકોમાં આવી સમજ હોવાની. અથવા તો કહો કે આવી સમજ ધરાવનારાઓ સફળતા મળ્યા પછી સાવધ થઈ જતા હોય છે.

અહીં સાવધ થઈ જવું એટલે ચોવીસે કલાક ભયભીત બનીને જીવવું, આસપાસની દરેક વ્યક્તિના ઈરાદાઓ પર શંકાકુશંકા કરવી કે સફળતાનો આનંદ માણવાને બદલે ચહેરો ઘુવડ જેવો બનાવીને લાઈફ ગંભીર બનાવી દેવી એવું નહીં. અહીં સાવધ રહેવું એટલે બેદરકાર ન રહેવું, કોઈ પણ વાતને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન લેવી. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તમારી વિપરિત થઈ શકે છે એવું માનીને કોઈ પણ વાતે ઉછાંછળા ન થઈ જવું, સ્વચ્છંદ ન બની જવું.

બહુ ડિફિકલ્ટ છે આ. સફળતા મળ્યા પછી પોતાનામાં જે કૉન્ફિડન્સ આવે છે તેને કારણે આપણે આપણી જાતને બીજાઓ કરતાં વધારે ડાહ્યા માનતા થઈ જઈએ છીએ. એમનામાં જે નથી તે આપણામાં છે એટલે જ તો આપણે સફળ થયા છીએ એવું માનતા થઈ જઈએ છીએ. આને લીધે આપણે એ વખતે બીજાઓને અન્ડરમાઈન કરતા થઈ જઈએ છીએ અથવા તો જેટલા સિરિયસલી એમને લેવા જોઈએ એટલા લેતા નથી. આ ઍટિટ્યૂડને લીધે નિષ્ફળતા આવતાં પહેલાં એની જે પાયલટ કાર આવે છે તેને જોવાનું ચૂકી જઈએ છીએ.

જેમને સતત સફળતા મળી રહી છે તેઓ આ એંધાણીને પારખવામાં પાવરધા બની ગયા હોય છે. તેઓ આવી રહેલી નિષ્ફળતાને જોઈ શકે છે. એમણે ડિઝેસ્ટર સર્જાય તે પહેલાં જ તેને નિવારવાની સિસ્ટમ વિચારી રાખી હોય છે. નિષ્ફળતાના આગમન પહેલાંના ઉકેલને તેઓ સૂંઘી શકે છે અને તાબડતોબ એનો અમલ કરવાની ચપળતા એમનામાં હોય છે. સામેથી પુરપાટ ધસી આવતી કારને જોઈને ચપળ ડ્રાયવર પોતાનો કોઈ વાંક જ નથી, બધો વાંક રોંગ સાઈડથી આવતી સામેવાળી કારના ડ્રાયવરનો જ છે, એવું નથી વિચારતો. એને ખબર છે કે મારો કોઈ વાંક ન હોવા છતાં છેવટે નુકસાન તો મારું જ જવાનું છે. આ સેકન્ડે વાંક કોનો છે એવી દલીલબાજીમાં ઊતરવાનો કોઈ મતલબ નથી સરવાનો એની એને ખબર છે. એ તો માત્ર એટલું જ જોશે કે આ જીવલેણ અકસ્માતમાંથી હું બચું કેવી રીતે?

એક ખાસ વાત.

નિષ્ફળતામાંથી બચવું કેવી રીતે તેની સભાનતા સફળતા મળ્યા પછી રાખવાની હોય, એ પહેલાં નહીં. સફળ થવા માટેના પ્રયત્નો કરતી વખતે નિષ્ફળતાથી બચવાની સાવધાની રાખવા જઈશું તો કદાચ સફળતા સુધી પહોંચી જ નહીં શકીએ. તે વખતે તો બધું જ ધ્યાન, બધું જ જોર સફળતા મેળવવા માટે જ લગાવવાનું હોય. ચાલવાનું શીખતા હોઈએ ત્યારે પડવા-આખડવાનું આવવાનું જ છે, ઢીંચણ છોલાઈ જ જવાના છે. તે વખતે જો ઈજા ન થાય એનું ધ્યાન રાખવા જશો તો સરખી રીતે, વિથ ફુલ કૉન્ફિડન્સ, ચાલતાં ક્યારેય નહીં શીખો.

બીજી એક વાત.

સફળતાના દૌરમાં સડસડાટ આગળ વધતા હો ત્યારે નિષ્ફળતાના ભયથી આવી રહેલી અનેક નવી નવી તકને અવગણવાની નહીં. મળી રહેલી સફળતાથી સંતુષ્ટ થઈને બેસી રહેવાનું નહીં કારણ કે તમને ખબર જ નથી કે તમારું પોટેન્શ્યલ કેટલું મોટું છે. એ તો ખાલી ટ્રાયલ એન્ડ એરરથી જ ખબર પડશે. જે જે તક સામે દેખાઈ રહી છે તે બધી ઝડપી લેવા જઈશ તો હાથમાં જે છે તે પણ ખોઈ બેસીશ એવું વિચારીને નિષ્ફળતાનો ભય રાખવાની કોઈ જરૂર નથી. જોખમ લીધા વિના કશું જ પ્રાપ્ત થતું નથી. મોટું જોખમ, મોટી સફળતા.

નિષ્ફળતાને રોકવાના તમામ પ્રયત્નો પછી એ આવી જ જાય તો શું કરવું ને શું નહીં એ વિશે જાણતાં પહેલાં આજની ત્રીજી અને છેલ્લી વાત જોઈ લઈએ.

જેમ સફળતામાં છકી ન જવું જોઈએ, સફળતાથી બહેકી જવું ન જોઈએ એમ નિષ્ફળતાથી ડરવું ન જોઈએ. નિષ્ફળતા આવશે એવી કલ્પનાથી નાસીપાસ થઈને સફળતા માટે લેવાઈ રહેલાં સાહસિક પગલાઓને ત્યજી દેવાં ન જોઈએ. નિષ્ફળતાના ડરથી સફળ થવાનું માંડી વાળવાનું નથી. કારણ કે નિષ્ફળતાઓ તમારી કસોટી કરવા આવતી હોય છે, તમારું ટિમ્બર ચેક કરવા આવતી હોય છે, તમારામાંની અશુદ્ધિઓ દૂર થાય એ માટે તમારે નિષ્ફળતાની આગમાં તપાવું પડતું હોય છે.
નેકસ્ટ લેખમાં જોઈશું નિષ્ફળતાના ત્રણ તબક્કા અને ચાર પ્રકાર વિશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here