( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 29 મે 2020)
( મોરારીબાપુએ સનાતન ધર્મનો યજ્ઞ પ્રજ્વલિત રાખવા માટે આપેલી ‘આહુતિ’ઓ –ભાગ : 4)
જેટલા સારા વક્તા છે એટલા જ સારા એ શ્રોતા પણ છે. પૂજ્ય મોરારીબાપુની વાત કરું છું. ‘અસ્મિતા પર્વ’ના ત્રણ દિવસ દરમ્યાન બાપુ માત્ર સાંભળતા જ હોય છે. મંચ પરથી એક શબ્દ બોલવાનો નહીં. છેલભાઈ વ્યાસ અમરેલી રહે છે, ગુજરાતીના પ્રાધ્યાપક હતા. બાપુ વિશે લખે છે: ‘વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બતાવતા હોય.’
રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. કવિ તુષાર શુક્લના લેખનું મથાળું છે ‘સ્મરણાંજલિ-કથાઓ.’ બાપુએ મહાત્મા ગાંધી વિશે ત્રણ કથાઓ કરી: અમદાવાદના સાબરમતી આશ્રમમાં, દાંડીમાં અને દિલ્હી રાજઘાટ પર. જેરુસલેમમાં ઈસુ ખ્રિસ્ત વિશે અને એથેન્સમાં સૉક્રેટિસ-પ્લેટો-ઍરિસ્ટોટલ વિશે કથા કરી. આદિ શંકરાચાર્ય વિશે એમના જન્મસ્થાન કાલડી જઈને કથા કરી. મહાકવિ નિરાલા વિશે, મહર્ષિ અરવિંદ વિશે અને ટાગોર વિશે બીઘાપુર, પોંડિચેરી અને શાંતિનિકેતનમાં કથા કરી. સરદાર વલ્લભાઈ પટેલ વિશે બારડોલીમાં, મીરાં વિશે મેડતા (રાજસ્થાન)માં, બુદ્ધ વિશે સારનાથ અને પછી બુદ્ધગયામાં તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય વિશે ચંપારણ્યમાં રામકથા કરી. ક્ન્ફ્યુશ્યસ વિશે ચીનમાં જઈને કથા કરવાની એમની ઈચ્છા છે. બાપુએ મનોરથ સેવ્યો છે કે ઉમાશંકર જોશી વિશે એમના વતન બામણા જઈને રામકથા કરવી અને ખલીલ જિબ્રાન વિશે રામકથા કરવા બૈરુત જવું. ( આ લેખ 2017ના એપ્રિલમાં લખાયો. બામણાની કથાનો સંકલ્પ 2020માં પાર પડ્યો છે.)
બાપુએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં આવતા ગોપીગીતના ૧૯ શ્લોક વિશે ૧૯ કથાઓ કરી છે. રાજકોટ સ્થિત સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મનસુખ સાવલિયા લખે છે: ‘એક શ્લોક પર નવ દિવસ સુધી કથા કરવી અને તેમાં વિવિધ વિષયો, વાતો અને પ્રસન્નકર પ્રસંગોનું રસપાન કરાવી, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા એવું અગાઉ કોઈ કથાકારે કર્યું હોય એવું મારી જાણમાં નથી.’
‘ઉપેક્ષિતો અને બાપુ’ લેખમાં સૌરભ શાહ લખે છે: કિન્નરોને સામાજિક સ્વીકૃતિ અપાવવાની પહેલ બાપુએ કરી છે. પાશેરામાં પહેલી પૂણી કિન્નરો માટે કરેલી રામકથાથી મુકાઈ ગઈ છે. કોઈ માણસ સમાજમાં આટલો મોટો બદલાવ એકલા હાથે કેવી રીતે લાવી શકે? ફૂલે, રામમોહન, આંબેડકરે અલગ માધ્યમો પસંદ કર્યાં હતાં. બાપુનું માધ્યમ રામકથા છે. કિન્નર સમાજ માટેનો અભિગમ બદલવામાં બાપુની મુંબઈ-થાણેની રામકથાએ જે કામ કર્યું તે કંઈ પહેલવહેલું કામ નથી. દાયકાઓથી બાપુ આવા કાર્યમાં ખૂંપેલા છે. પંચમહાલના જંગલ વિસ્તારના લીમખેડામાં એમણે આદિવાસીઓને-વનવાસીઓને કેન્દ્રમાં રાખીને રામકથા કહી હતી. વ્યારા અને સુબીર (ડાંગ)માં પણ એમણે આ જ સમાજને કેન્દ્રમાં રાખીને ‘રામચરિત માનસ’ની વાત કરી હતી. મુંબઈ (ક્રૉસ મેદાન) અને કોલકાતામાં ગિરિ-વનવાસી સમાજ એમની કથાના કેન્દ્રબિંદુમાં હતો. દલિત (વણકર) સમાજને એમણે સરલી (કચ્છ)ની કથાના કેન્દ્રમાં રાખ્યો. વણકર સમાજ માટે નાંદરખી (માંગરોળ)માં પણ કથા કરી. વાઘરીના તિરસ્કૃત નામે ઓળખાતા આદરણીય દેવીપૂજક સમાજનું ગૌરવ બાપુએ દેવળા (જેતપુર)ની કથામાં સ્થાપિત કર્યું અને રાજકોટમાં ભંગી તરીકે તરછોડાયેલા વંદનીય વાલ્મીકિ સમાજને એમણે રામકથા દ્વારા મુખ્ય પ્રવાહમાં આવકાર્યા. રાજકોટમાં બીજી એક કથા સમાજના અઢારેય વરણ માટે કરી. આ ૧૮ વર્ણ એટલે ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ પછી આવે નવ નારુ અને પાંચ કારુ. કારુ એટલે કારીગરીમાંથી આજીવિકા મેળવનારાઓ. સમાજે આ બધા અત્યંત ઉપયોગી કામ કરનારા પૂજનીય એવા લોકોને ‘વસવાયા’ ગણ્યા — ગામમાં હલકાં ગણાતાં કામો કરવા માટે વસાવવામાં આવેલા. આ સમુદાયના નવ નારુમાં ૧. કંદોઈ, ૨. કાછિયા, ૩. માળી, ૪. વાળંદ/હજામ, પ. સુથાર, ૬. ભરવાડ, ૭. કડિયા, ૮. તંબોળી અને ૯. સોની. અને પાંચ કારુમાં ૧. ઘાંચી, ૨. છીપા, ૩. લુહાર, ૪. મોચી તથા ૫. ચમાર.
બાપુ પોતે કહેતા હોય છે એમ સમાજને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, જરૂર હોય તો તે સ્વીકારકની છે.
આ અઢાર વરણ ઉપરાંત આપણા સમાજમાં ૪૦ વિચરતી જાતિઓ છે જેમના માટે બાપુએ એન્ડસા (વિરમગામ)માં કથા કરી હતી. વણજારા, કાંગસિયા, લુવારિયા, ભવાયા, બહુરૂપી, ડફેર, મલગોડિયા, ઓડ, સરાણિયા વગેરે ૪૦ વિચરતી જાતિઓનો મહિમા પણ બાપુએ રામકથામાં ગાયો.
અત્યાર સુધી સભ્ય સમાજ દ્વારા હાંસિયામાં ધકેલી દેવામાં આવેલા આ બધા ઉપેક્ષિત અને વંચિત સમાજને મુખ્ય ધારામાં લાવીને એમને શોષિત, દલિત કે પીડિતના અભિશાપમાંથી મુક્ત કરીને એક આદરણીય, સમૃદ્ધ તથા ગૌરવવંતું અસ્તિત્વ આપવાની દિશામાં રામકથા શું શું કરી શકે એનો ઊજળો હિસાબ બાપુએ આપ્યો છે.
બાપુ પોતે કહેતા હોય છે એમ સમાજને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, જરૂર હોય તો તે સ્વીકારકની છે. બાપુએ આ સૌનો સ્વીકાર કર્યો અને પરિણામે બાપુમાં શ્રદ્ધા ધરાવતા કરોડો લોકોએ પણ આ સૌનો સ્વીકાર કરીને સમાજને-રાષ્ટ્રને-ધર્મને વધુ મજબૂત બનાવવાની દિશામાં મક્કમ પગલાં માંડ્યાં.
૧૯૮૩ના માર્ચમાં મુંબઈની ચોપાટી પર યોજાયેલી બાપુની રામકથાનો સાર ‘રોજેરોજની રામકથા’ના નામે નવ દિવસ સુધી મેં લખી છે, પ્રગટ કરી છે અને ચોપાટી પર રોજેરોજ પચાસ-પચાસ પૈસામાં લોકો સુધી પહોંચાડી પણ છે. રોજની દસ હજાર નકલો ચપોચપ ઉપડી જતી. પછી એ નવેય નાની ચોપડીઓને એક નાનકડા પુસ્તકરૂપે પણ પ્રગટ કરી.
કવિ નીતિન વડગામા ‘આહુતિ’ પુસ્તકમાં ‘કથાસારદોહન’ શીર્ષક હેઠળના લેખમાં જણાવે છે: ‘બાપુના કહેવા મુજબ ગુજરાતીના સમર્થ સાહિત્યકાર શ્રી હરીન્દ્ર દવેએ વર્ષો પહેલાં બાપુની વાણી લિખિત રૂપમાં સુલભ થાય એ માટે સૂચન કર્યું હતું અને એના સંપાદનની જવાબદારી સ્વીકારવાની પોતે તૈયારી પણ દર્શાવી હતી, પરંતુ એ વખતે પ્રકાશન માટેની બાપુની માનસિકતા ન હોવાથી એ ન થઈ શક્યું. વર્ષો પછી ઈ.સ. ૨૦૧૧માં જોગ, લગન, ગ્રહ, વાર, તિથિ અનુકૂળ થયાં અને તા. ૨૨-૮-૨૦૧૧થી ૩૦-૮-૨૦૧૧ના દિવસો દરમિયાન કૈલાસની પાવન ભૂમિમાં યોજાયેલી કથાનો સાર પ્રકાશિત થયો અને સોમનાથ ખાતે યોજાયેલી બાપુની ‘માનસ: દેહોત્સર્ગ’ કથા દરમિયાન તા. ૧૧-૧૦-૨૦૧૧ના રોજ એ પ્રકાશન વ્યાસપીઠને અર્પિત થયું.’
રામકથાની આ પુસ્તિકા મૅગેઝિન સાઈઝમાં ગુજરાતી તથા હિંદીમાં પણ પ્રગટ થાય છે. અત્યંત સુંદર મુદ્રણ-કાગળ ધરાવતી આ પુસ્તિકા વિનામૂલ્યે ટપાલ કે કુરિયર ખર્ચ પણ લીધા વિના, જેને જોઈતી હોય તેને ઘેરબેઠાં પહોંચાડવામાં આવે છે. એનો અંગ્રેજી અનુવાદ પણ થાય છે જે મોરારિબાપુની ઑફિશ્યલ વેબસાઈટ મોરારિબાપુ ડૉટ ઓઆરજી પર મુકાય છે.
કવિ નીતિન વડગામાએ પોતાના લેખના અંતે ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનો શેર ટાંક્યો છે:
આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે; કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે.
પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે બાપુને પણ કંઈક આવો જ ભાવ હશે.
( વધુ આવતી કાલે)
આજનો વિચાર
જિંદગીમાં મળતો બધો આનંદ માત્ર તમારી હિંમત અને તમારા કામ દ્વારા જ આવતો હોય છે.
– બાલ્ઝાક (ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખ: ૧૭૯૯-૧૮૫૦).
ખુબ સરસ લેખ વાંચવા મળે છે.લખવાની શૈલી રસપ્રદ અને આનંદ થાય તે રીતે જોરદાર છે.પ્રત્યેક લેખ બદલ આભાર.
Very Nice Series of BAPU’S Life ??
Dear Saurabhbhai, I read Fully U explain who is OUR BAPU. Really He has very majestic Knowledge in all subject of RamcharitManas # Music # RationalizamScience # # Motivation # even if Any religion # Sahitya # Gazal # Pictures Songs right meaning etc….so much. No One can Compare BAPU with anybody. He is really Live HANUMAN. WE ALL FAMILY MEMBERS ARE HEARING RAMKATHA CONSTANTLY WHICH CREAT TRUE FAITH IN GOD AND BELIEF IN MANAVATA .& U are doing very great project. we also read all articles by U. Good Done Saurabh bhai I salute U .??
સૌરભ ભાઈ આભાર આપનો. વિગતવાર માહિતી આપવા તથા પૂજય બાપૂ ની ઝીણવટ ભરી પ્રવૃતિ સરસ રીતે રજૂ કરવામાં આવી.. ધન્યવાદ આપને. વંદન સાથે ?. આપનો વાચક મિત્ર.
પૂજનીય બાપુનુ વ્યક્તિત્વ ખૂબ વંદનીય છે. સંગીત હોય કે વિજ્ઞાન – એમની પાસે દરેક વિષયની ઊંડી જાણકારી મળી આવે. સર , આપના માધ્યમ થકી , પ્રથમવાર મેં પૂ બાપુના ” તપ ” વિશે જાણ્યું. આપનો ખૂબ ખૂબ આભાર.
Bapu means Bapu.I heard many kathas of different. Kathakarsbut I. Can not compare. anyone of themwith Bapu’s katha.Thanks.
Bapu means Bapu.I heard many kathas of different. Kathakarsbut I. Can not compare. anyone of themwith Bapu’s katha
સૌરભભાઇ, તમારા વિચારો તથા માહિતી સભર લેખો ગમે છે, મઝા આવે છે.
ઉપરના લેખમાં ૧૮ વર્ણ વિશે પૂરતી ખબર ન હતી જે મળી…. તેમાં મારા મત મુજબ નાનો સુધાર જરૂરી લાગ્યો. નવ નારુ માં તમે હજામ લખ્યું છે, તેની જગ્યાએ વાળંદ જોઈએ જે હિન્દુ ચૌલકરમ કારીગર માટે વપરાય છે. હજામ મુસ્લિમ કારીગર માટે. આશા છે હું સાચું સમજ્યો છું.
વંદન.
સરસ બહુજ સરસ ? ? ? ?
Saurabh bhai , I have immense respect for Bapu, and I consider myself so small even to utter his name ! But This is my personal thought that he is great without even ram and allah , I’m Osho sanyasi and for me the essence of god is different then what people in general believe , hence the message goes to masses is that he’s pro Islam where as he’s enlightened and doesn’t feel differently in names ..but saurabh bhai I’m not secular and I believe in Savarkar , Modi,and RSS , and that’s why I don’t know I go towards hindutva, Bapu is liberal in true sense but our normal janta is not matured enough to adapt bapus narration on Islam and allah .so I guess people may follow wrong path and may be the line demarcating difference is becoming less potent . My personal view is that he can be neutral and slightly hard liner ..??