શું ઉર્દૂ ભાષા આપણી દુશ્મન છે : સૌરભ શાહ

(લાઉડ માઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર 6, ઑક્ટોબર, 2021)

સુરેન્દ્ર મોહન પાઠક હિંદીમાં લખનારા મિસ્ટ્રી રાઇટરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. સુમોપાના ટૂંકાક્ષરી નામે વાચકોમાં પ્રિય બનેલા પાઠકજીએ આત્મકથાના પ્રથમ ભાગમાં બાળપણની યાદો તાજી કરી છે. એમનો જન્મ 1940માં અવિભાજિત પંજાબમાં થયો અને બાળપણ લાહોરમાં વીત્યું. એમની સાડા સાત આઠ વર્ષની ઉંમરે એમના નિર્વાસિત પરિવારે લાહોરથી સ્થળાંતર કરીને દિલ્હીમાં આશ્રય લીધો.

સુમોપા લખે છેઃ ‘લાહૌર મેં દો જમાત પઢી ઉર્દૂ આજ ભી મેરે કામ આ રહી હૈ. મૈં બડે ફખ્ર કે સાથ યે તસલીમ કરતા હૂં કિ આજ જો ભી મેરી જાત ઔકાત બતૌર મિસ્ટ્રી રાઇટર હૈ, વો ઉર્દૂ સે બની હૈ, ઉર્દૂને બનાઈ હૈ.’

છ વર્ષની ઉંમરે સુમોપાને પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યા. એ વખતના અખંડ હિન્દુસ્તાનમાં હિન્દીનું ચલણ ઓછું હતું, શિક્ષણનું માધ્યમ ઉર્દૂ હતું. બધું જ સરકારી કામકાજ ઉર્દૂમાં થતું. કોર્ટકચેરીની ભાષા ઉર્દૂ રહેતી, પોલીસમાં એફઆઇઆર પણ ઉર્દૂમાં લખાતી.

આઝાદી પછી ઘણા વખત સુધી આ સિલસિલો ચાલ્યો. ગુલઝારની જેમ સુમોપા પણ પંજાબી છે. એ જમાનામાં પંજાબીઓ ગુરુમુખીમાં નહીં, પણ ઉર્દૂ લિપિમાં લખતા. ગુલઝાર આજની તારીખે પણ બધું જ લખાણ ઉર્દૂ લિપિમાં લખે છે, દેવનાગરીમાં નહીં. આદતનો સવાલ છે, બીજું કંઈ નહીં. દરેકને પોતપોતાની ભાષા, લિપિ માટે લગાવ હોવાનો.

ગુજરાતી લિપિ માટેના લગાવને લીધે અનેક લોકોએ એક ‘ઇ’ અને એક ‘ઉ’ની અભદ્ર ચળવળનો જોરશોરથી વિરોધ કર્યો હતો. સંસ્કૃતમાંથી ઊતરી આવેલી દેવનાગરી અને ગુજરાતી સહિતની અનેક લિપિઓમાં મૂળ સંસ્કૃતમાં હોય એવા અનેક સ્વર-વ્યંજનો દર્શાવતા અક્ષરો ગાયબ થઈ ગયા છે. જેમકે દેવનાગરી લિપિમાં પાણીનો ‘ણ’ અને ‘નળ’નો ‘ળ’ ગાયબ તઈ ગયો છે જેની જગ્યાએ ‘ન’ અને ‘લ’ મૂકાય છે.
ગુજરાતી લિપિમાં ‘સાષ્ટાંગ’માં જે ‘અંગ’ લખાવો જોઈએ (‘ડ’ની ઉપરના વળાંકમાં એક ટપકું એટલે કે ઙ) તે હવે ભૂલાઈ ગયો છે. સુરેશ જોષીનાં લખાણોમાં આ ‘અંગ-ઙ’ બડી ખૂબસૂરતીથી વપરાતો.

સંસ્કૃત ભાષા અને લિપિ જેમ આપણો વારસો છે એમ ઉર્દૂ ભાષા અને એની લિપિ પણ આપણો જ વારસો છે. ગુજરાતીમાં લખીને અમર થઈ ગયેલા સ્વામી આનંદ અને ચંદ્રકાન્ત બક્ષી જેવા લેખકોનાં લખાણોમાંથી ઉર્દુ શબ્દો કાઢી નાખો તો એમની ભાષાની અડધી ફ્લેવર અને તાકાત ઓછી થઈ જાય. જે લેખકો સાહજિકપણે ગુજરાતીમાં ઉર્દૂ કે અંગ્રેજી ભાષાના શબ્દો વાપરે એ એમની નૈસર્ગિકતા અને જે લેખકો જાણી જોઈને, ઇશ્ટાઇલ મારવા, ઉર્દૂ કે અંગ્રેજી શબ્દો છિડકતા હોય એમની કૃત્રિમતા વચ્ચે રાજા ભોજ અને ગંગુ તેલી જેટલો તફાવત છે એવું જાણકારો સમજતા જ હોય છે.

જગતની દરેક ભાષા પર વત્તેઓછે અંશે અન્ય ભાષાઓનો પ્રભાવ રહેવાનો જ છે. આજકાલ તમને વૉટ્સઍપ પર રોજેરોજના ન્યુઝની હેડલાઇન્સ સંસ્કૃતમાં પણ મળતી રહે છે. અત્યંત સ્તુત્ય પ્રયાસ છે. આ સંસ્કૃતના સમાચારોમાં અનેકવાર અંગ્રેજી શબ્દપ્રયોગો થતા રહે છે જે અનિવાર્ય છે. ગૂગલ અને ટ્વિટર અને વાયફાય અને ઇન્ટરનેટના જમાનામાં સંસ્કૃતને જીવતી રાખવી હોય, વધુ સમૃદ્ધ કરવી હોય તો આ પ્રકારનાં એડજસ્ટમેન્ટ આવકાર્ય છે. અંગ્રેજી ભાષા પોતે કેટકેટલી બીજી ભાષાઓના શબ્દોને અપનાવી લે છે — લેટિન અને ગ્રીકથી માંડીને ભારતીય ભાષાઓના શબ્દો અંગ્રેજીમાં છે. ઑક્સફર્ડ ડિક્શનરી તો દર વર્ષે કયા હિન્દી-ભારતીય શબ્દો પોતે ઉમેર્યા છે/અપનાવ્યા છે તેની યાદી બહાર પડે છે. બાઝાર, મંત્ર, ગુરુ, યોગથી માંડીને સેંકડો શબ્દો તમે એ શબ્દકોશમાં રિફર કરી શકશો.

ગાંધીજીએ એક સ્તુત્ય પગલું ‘હિન્દુસ્તાની’ ભાષાને પ્રચલિત કરવાનું કર્યું. ઉર્દૂમાં હિન્દીનું વ્યાકરણ, હિન્દીના શબ્દો ઉમેરીને એને દેવનાગરીમાં લખવાની એટલે ‘હિન્દુસ્તાની’ ભાષા તૈયાર. ‘હિન્દુસ્તાની પ્રચાર સભા’ નામની એક સંસ્થા દ્વારા એ કામ થતું. ઉર્દૂનો પ્રભાવ ઓછો થાય અને હિન્દીનો પ્રચાર વધે, બોલચાલની હિન્દીનો, તે માટેનું આ પ્રથમ પગલું હતું.

આઝાદી પછી હિન્દીનો પ્રભાવ-પ્રચાર વધારવા તે વખતની સરકારે જે કામ કર્યાં એમાં હવાઈ આડી ફાટી. જુનિયર એન્જિનિયરનું સરકારી હિન્દી ટ્રાન્સલેશન ‘કનિષ્ઠ અભિયંતા’ કરવામાં આવે તો કોને પલ્લે પડે? અંગ્રેજી શબ્દોનો હિન્દી અનુવાદ બોલચાલની ભાષામાં કરવો કઠિન છે, એ માટે અનુભવ જોઈએ, મહાવરો-પ્રેક્ટિસ જોઈએ. આ અઘરું કામ જેમને નથી આવડતું તેઓ હિન્દીનું સંસ્કૃતકરણ કરી નાખીને ત્રણેય ભાષાઓ સાથે— અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત—અન્યાય કરીને ભાષાનો દાટ વાળી નાખતા હોય છે.

કમ્યુનિકેશન કરવું એટલે તમારી વાત બીજા સુધી પહોંચાડવી એની તમને સૌને ખબર છે. આ શબ્દનો હિન્દી-ગુજરાતી અનુવાદ શું થાય છે, ખબર છે? ‘પ્રત્યાયન’! ભલા માણસ, આ રીતે ક્યાંથી તમે તમારી વાત બીજાઓ સુધી પહોંચાડી શકવાના છો?

આઝાદી પછીના છ-સાત દાયકા સુધી સરકારની ભાષાને લગતી ઊંધી ખોપડીની નીતિનો જન્મ વાસ્તવમાં શાસકોની ભારતીય પરંપરાઓને અવગણવાને કારણે થયો. બાકી, ચીન-જપાનની જેમ આપણે ત્યાં પણ આઝાદી પછીના એક દાયકાની અંદરઅંદર મેડિકલ, એન્જિનિયરિંગ વગેરેનું ભણતર હિન્દી તથા અન્ય તમામ ગૌરવવંતી ભારતીય ભાષાઓમાં મળતું થઈ ગયું હોત.

શાસકોની અને સરકારની આ અવળી નીતિઓનો પડઘો હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર પણ પડ્યો. હિન્દી ફિલ્મોમાં અને એનાં અનેક ખૂબસૂરત ગીતોમાં ઉર્દૂનો પ્રભાવ પથરાયો. સમાજનો પડઘો ફિલ્મો તથા સાહિત્ય તેમજ અન્ય કળાઓ પર પડતો હોય છે. સમાજમાં બળવાખોર પરિબળોનો પડઘો પણ આ બધાં માધ્યમો પર પડતો હોય છે. છેલ્લાં પાંચ-સાત વર્ષથી શાસનના નજરિયામાં જે પરિવર્તન આવ્યું છે તે દૃષ્ટિકોણનો પ્રભાવ પણ બહુ જલદી હિન્દી ફિલ્મો પર, સાહિત્ય વગેરે પર પડશે જ, પડવાની શરૂઆત થઈ જ ગઈ છે.

હિન્દી ફિલ્મોમાં કે ગીતોમાં સાહજિક રીતે ઉર્દૂ વાપરનારાઓનો કોઈ વિરોધ નથી. વિરોધ એવા લોકોનો છે જેઓ જાણી જોઈને પોતાની વનઅપમૅનશિપ સ્થાપવાનો પ્રયાસ કરવા ઉર્દૂને ઠાંસતા રહે છે. ફિલ્મોમાં કે રોજબરોજની ભાષામાં વપરાતા એકેએક ઉર્દૂ શબ્દ પર ડીડીટી છાંટીને દૂર કરવાની જીદ કરનારાઓ જેટલા બેવકૂફ દેખાય છે એટલા જ બેવકૂફ જાણી જોઈને ઉર્દૂ શબ્દો ઘુસાડનારા દેખાય છે. આ બેઉ અંતિમોવાળાઓ, મારી દૃષ્ટિએ એક સરખા હાનિકારક છે – ભાષા માટે.

સાર્થ ગુજરાતી જોડણીકોશ લઈને બેસો. સંસ્કૃતમાંથી સીધા ઊતરી આવેલા તત્સમ્ શબ્દો કેટલા છે તે જુઓ. અરબી, ફારસી, અંગ્રેજી વગેરેમાંથી ઊતરી આવેલા તદ્‌ભવ શબ્દો જુઓ અને આપણી તળપદી ભાષાના દેશ્ય શબ્દો જુઓ. ગુજરાતી ભાષા આ ત્રણેય સ્ત્રોતમાંથી આવતા શબ્દોની સુગંધનું પરિણામ છે. એમાંથી જો તમે તદ્‌ભવ શબ્દોની બાદબાકી કરી નાખશો તો તમારે જીવતેજીવ તમારી પત્નીના માથા પરનું સિંદૂર, ગળામાંનું મંગળસૂત્ર અને હાથમાંની બંગડીઓ ગાયબ થઈ ગયેલી જણાશે. હિન્દીનું પણ આવું જ છે.
ભાષાના નામે કેટલાક રાજકારણીઓએ ભૂતકાળમાં ઘણું પોલિટ્કસ ખેલ્યું. આજે પણ કેટલાંક રાજ્યોમાં નિમ્નકક્ષાના રાજકારણીઓ આવી ખ્વાહિશ ધરાવીને સત્તા મેળવવા કે ટકાવી રાખવા માગે છે.

દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની ઉદારતાને કુંઠિત કરી નાખવાને બદલે, એને બંધિયાર કે સંકુચિત બનાવી દેવાને બદલે આ વેદ મંત્ર યાદ રાખીએઃ આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ
અર્થાત્, હે પ્રભુ! અમને વિશ્વમાં બધી જગ્યાએથી કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ.

સાયલન્સ પ્લીઝ!

જિંદગી વિશે કંઈ પણ લખતાં પહેલાં જિંદગી જીવવી પડે.

—અર્નેસ્ટ હેમિંગ્વે

9 COMMENTS

  1. Urdu language is beautiful , no doubt . No need to go against it.
    The problem is – Urdubhashi and identificcation with Islam.
    Have come across many shiya / sunni people speaking Gujarti among themselves changing over all of a sudden to Urdu on realizing that the new person enquiring in gujarati is not belonging to their religion.
    Bollywood has remained dominated by Urdu. Why? Just forget it.

  2. ઉર્દૂ એટલે લશ્કર નહિ પણ લશ્કરની છાવણી. આવું મારા જાણવા/વાંચવામાં આવ્યું છે. મુગલોના લશ્કરમાં ભારતિયો,, ઈરાનીએ, આરબો તેમજ અન્ય દેશોના લોકો શામેલ હોવાથી પરસ્પર પ્રત્યાયન (કમ્યુનિકેશન) કરવામાં જુદી જુદી ભાષાના શબ્દો ભળવાથી એક નવી જ ભાષા ઉદ્ભવી. વ્યાકરણ હિન્દીનું રહ્યું. મોગલ શાસકોનું મુખ્ય મથક ફતેપુર- સિક્રી (આગ્રા) હતું. એટલે ઉર્દૂ ભારતની ભાષા જ ગણાય. પાક્સ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી એથી એ પાકિસ્તાનની ભાષા બની નથી જતી અને હિન્દુસ્તાનની ભાષા મટી નથી જતી. બાંગલાદેશની રાષ્ટ્રભાષા બંગાળી (બાંગ્લ) ભાષા જ છે ને.

  3. નાસીર હુસૈન ના બધા પિક્ચર માં સેન્સર સર્ટિફિકેટ માં મૂવી language ઉર્દૂ જ જોવા મળશે. લગભગ નેવુંના દાયકા સુધી બધા movie title પણ ઈંગ્લીશ,હિન્દી અને ઉર્દૂ માં જોવા મળતા.

    • ઉર્દૂ એટલે લશ્કર નહિ પણ લશ્કરની છાવણી. આવું મારા જાણવા/વાંચવામાં આવ્યું છે. મુગલોના લશ્કરમાં ભારતિયો,, ઈરાનીએ, આરબો તેમજ અન્ય દેશોના લોકો શામેલ હોવાથી પરસ્પર પ્રત્યાયન (કમ્યુનિકેશન) કરવામાં જુદી જુદી ભાષાના શબ્દો ભળવાથી એક નવી જ ભાષા ઉદ્ભવી. વ્યાકરણ હિન્દીનું રહ્યું. મોગલ શાસકોનું મુખ્ય મથક ફતેપુર- સિક્રી (આગ્રા) હતું. એટલે ઉર્દૂ ભારતની ભાષા જ ગણાય. પાક્સ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી એથી એ પાકિસ્તાનની ભાષા બની નથી જતી અને હિન્દુસ્તાનની ભાષા મટી નથી જતી. બાંગલાદેશની રાષ્ટ્રભાષા બંગાળી (બાંગ્લ) ભાષા જ છે ને.

  4. I like one Lataji’s song , which is based on Hindi prayer by pt Narendra Sharma in subeh movie that is Tum Asha vishvaas hamare! Powerful rendition by Latadidi , Sankritised Hindi sounds slightly difficult as we have been ruled by Moghuls and Urdu mixed Hindi sounds very sweet and not bookish like Hindi , you just mentioned kanishth abhiyanta kinda words ..they sound artificial and bookish ! Also language can’t be owned by any religion or cult , it’s purely should be used for powerful communications. One example I will give you of stupidity is that in Rajasthan state courts use Urdu ( written in devnagri script) is nightmarish to understand…hope govt wakes up on such important issues 🙏 Sir your good morning article makes my day 💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here