સ્વર્ગસ્થ અજિતકાકા

ગુડ મૉર્નિંગ એક્સક્લુસિવ :સૌરભ શાહ
(રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૦)

વર્ષોમાં ઘરમાં જમવા માટે સ્ટેનલેસ સ્ટીલની એક જ થાળી. બાકીનાં બધાં વાસણો પિત્તળનાં. સ્ટીલની થાળીમાં પપ્પાને ભોજન પીરસાય. પપ્પાને એક જ સગા ભાઈ. અજિતકાકા. પપ્પા કરતાં બાર વર્ષ નાના. બહેન કોઈ નહીં.

પપ્પાના દાદાના જમાનામાં જાહોજલાલી હતી. સંયુક્ત કુટુંબમાં સૌ રહેતા એટલે પપ્પાને એમના કાકાઓ (મારા દાદાના મોટાભાઈ રમણલાલ સબુરદાસ અને દાદાના નાનાભાઈ કાન્તિલાલ સબુરદાસ) સાથે ઘણી માયા અને એટલે જ પપ્પાનાં તમામ ફર્સ્ટ કઝિન્સ મને મારાં સગા કાકાઓ તથા સગી ફોઈઓ સમાન લાગે. એ બધાંનાં સંતાનો ટેક્‌નિકલી મારાં સેકન્ડ કઝિન્સ થાય પણ સૌની સાથે સગાં પિતરાઈઓ જેવી આત્મીયતા હતી. પછી ધીમે ધીમે બધું વિખેરાતું ચાલ્યું.

પપ્પાની જેમ અજિતકાકા દેવગઢ બારિયામાં ઉછરેલા. ત્યાંની એસ. આર. (સર રણજિતસિંહ) હાઈસ્કૂલમાં એસ.એસ.સી. થઈને વડોદરાની એમ. એસ. (મહારાજા સયાજીરાવ) યુનિવર્સિટીમાં કૉમર્સ ગ્રેજ્યુએટ થયા. સાલ ૧૯૬૫-૬૬ની.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા માટે અજિતકાકાનું વડોદરાથી મુંબઈ આવવાનું નક્કી થઈ ગયું. મારી મમ્મીએ છાપાંની પસ્તી અને ભંગાર વેચીવેચીને થોડાક મહિનાઓથી પૈસા બચાવવાનું શરૂ કરી દીધું. અજિતકાકા મુંબઈ આવે એ પહેલાં ઘરમાં બીજી સ્ટીલની થાળી વસાવી લીધી. ‘બે ભાઈઓ સાથે જમવા બેઠા હોય ત્યારે તારા પપ્પા સ્ટીલની થાળીમાં જમે અને અજિતભૈ પિત્તળની થાળીમાં જમતા હોય તો કેવું લાગે?’ મમ્મીએ આ વાત મને સમજણો થયો પછી કરી હતી. મારા મનમાં ચોંટી ગયેલી. અજિતકાકા મુંબઈમાં સિટીલાઈટ સિનેમાની સામે આવેલી દીનાથવાડીના વન બેડરૂમ-હૉલ-કિચનના નાનકડા ફ્લૅટમાં અમારી સાથે રહેતા થયા ત્યારે હું કેટલો – માંડ પાંચછ વર્ષનો હોઈશ.

હું અને કાકા ડ્રોઈંગરૂમમાં પથારી પાથરીને સૂઈ જતા. મારો મોટોભાઈ પરાગ દાદા સાથે રહેતો. નાની બહેન અપેક્ષાનો જન્મ થવાને હજુ વાર હતી. અજિતકાકા સાથેનાં એ વર્ષો ખૂબ હૂંફભર્યા હતા. કાકાએ બી.કૉમ થઈને સી.એ.ની પરીક્ષા માટે વાંચવાનું શરૂ કરી દીધું હતું. આર્ટિકલશિપ માટે કાલા ઘોડાની દલાલ ઍન્ડ શાહ જૉઈન કરી હતી. સખત મહેનત કરતા. ઉજાગરાઓ કરીને વાંચતા. સી.એ. થયા પછી એમનું ડ્રીમ હતું અમેરિકા જવાનું. પણ અમેરિકા જવાના ખર્ચા નીકળે એવો વેંત ન તો મારા દાદા વાડીલાલનો હતો, ન મારા પપ્પાનો. દાદાના નાના ભાઈ કાન્તિદાદાએ અજિતકાકાને અમેરિકા જવાની અને ત્યાં રહીને આવક શરૂ ન થાય ત્યાં સુધી ટકી રહેવાની સગવડ કરી આપી. કાન્તિદાદા સિવિલ એન્જિનિયર હતા. એમની કંપની શાહ કન્સ્ટ્રક્‌શન દેશભરમાં ખૂબ મોટા કોન્ટ્રાક્‌ટો લેતી – કોયના ડેમ, બોકારો સ્ટીલ પ્લાન્ટ, તાપી પરનો નેહરુ બ્રિજ, મુંબઈમાં એલ.આઈ.સી.નું વડું મથક, નરીમાન પોઈન્ટ પરનું ઍર ઈન્ડિયાનું મકાન, મરીન ડ્રાઈવના ફ્લાય ઓવરથી શરૂ થતા ક્‌વીન્સ નૅકલેસનું સૌથી પહેલું મકાન ‘મેઘદૂત’. આવાં તો કંઈ કેટલાંય સ્ટ્રક્‌ચર્સ કાન્તિદાદાએ બાંધેલાં અને એમની સફળતા જોઈને પપ્પા સહિત પ્પપાના તમામ કઝિન્સ સિવિલ એન્જિનિયર બન્યા. કાન્તિદાદાએ સૌને પ્રેરણા આપી, સૌને સેટલ કર્યા. અમારી વિશાળ ખડાયતા જ્ઞાતિ માટે અને વતન દેવગઢ બારિયા માટે પણ કાન્તિદાદાએ ખૂબ મોટી સેવાઓ આપી.

અજિતકાકા માટે અમેરિકા જવા વિઝા-ટિકિટ બધું આવી ગયું. સપ્ટેમ્બર ૧૯૬૮માં એમણે મુંબઈ છોડ્યું. છૂટા પડતાં પહેલાં એમણે મારા માટે બે કામ કર્યાં. ‘અસ્મૌ બસ્મૌ’ જેવી સાંકેતિક ભાષાનું વધારે અઘરું સ્વરૂપ એમને આવડતું. સરકૌ ૨૨ક ભરક (સૌરભ)વાળી ‘ગુપ્ત ભાષા’ એ કડકડાટ બોલતા. મને આવડતી નહીં. કાકા મને શીખવાડતા પણ નહીં. જવાને આગલે અઠવાડિયે શીખવાડતા ગયા: અરક જરકી તરક (અજિત) બોલતાં મને આવડી ગયું.

બીજું કામ એમણે શું કર્યું? મારો વાંચવાનો શોખ શરૂ થઈ ગયેલો. દીનાથવાડીમાં જ રહેતા મારા દોસ્તાર સંદીપને ત્યાં દર મહિને ‘રમકડું’ આવતું. ‘રમકડું’ની જૂના અંકોની ફાઈલો પણ એના પપ્પાએ એના માટે ખરીદેલી. એ બધું હું એને ત્યાં જઈ જઈને વાંચતો. એનાં મમ્મી પદ્મામાસી કોઈને આ બધું પોતાના ઘરની બહાર લઈ જવા દેતાં નહીં. એમના ઘરે બેસીને જ વાંચવાનું અને વાંચવા જઈએ ત્યારે નાસ્તો બનાવીને આપે.

મેં પપ્પા આગળ ઘણીવાર જીદ કરી હતી કે ‘રમકડું’ બંધાવીએ. પપ્પા ટાળ્યા કરે. એ વખતે ઝાઝી સમજ નહોતી. પપ્પા પોતે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતા. ફર્સ્ટ ક્‌લાસનો પાસ પોસાતો નહીં. થર્ડ ક્‌લાસમાં જતા આવતા. અજિતકાકાએ અમેરિકા જતાં પહેલાં મારા માટે ‘રમકડું’નું લવાજમ ભરી દીધું. એક વર્ષ માટે નહીં, બે વર્ષ માટે. જતાં પહેલાં મારી મમ્મીને અને મને દાદરના પ્લાઝા સિનેમાની સામે આવેલી ‘તૃપ્તિ’ રેસ્ટોરાંમાં લઈ ગયેલા. મમ્મીએ એ દિવસે પહેલીવાર ટુટીફ્રૂટી આઈસ્ક્રીમ ખાધો. એ પછી આખી જિંદગી ટુટીફ્રૂટી એનો ફેવરિટ આઈસ્ક્રીમ રહ્યો. મારી ફરમાઈશ ‘ઊંચા ગ્લાસમાં આવે એવા આઈસક્રીમ’ની હતી. ટ્રિપલ સન્ડે મગાવેલો જે મારાથી બેઠાં બેઠાં પહોંચાય નહીં એટલે ઊભા થઈને ખાવો પડેલો.

અજિતકાકા અમેરિકા ગયા ત્યારે અપેક્ષા છ મહિનાની હતી. એ જન્મી ત્યારે કાકાએ એને ખોળામાં લીધી છે અને હું-પરાગ આજુબાજુ બેઠા છીએ એવી બ્લેક ઍન્ડ વ્હાઈટ તસવીર અત્યારે મારી સેપિયા બની ગયેલી સ્મૃતિમાં સળવળે છે. પરાગ આ ગાળામાં મુંબઈ આવી ગયેલો.

અજિતકાકા એકદમ અપટુડેટ. રાત્રે સૂતાં પહેલાં માથું વ્યવસ્થિત ઓળીને સૂઈ જાય. પછી હું પણ એવું કરતો થઈ ગયેલો. મોઢા પરના ખીલના ઉપદ્રવનો ઈલાજ કરવા સૂતી વખતે મુલતાની માટી પોતાના આખા ચહેરા પર લગાવે. પછી અમને બેઉ ભાઈઓને ભૂ…ત… કરીને ડરાવે-હસાવે.

અમેરિકા ગયા તે પહેલાં એમના વિવાહ દક્ષાકાકી સાથે થઈ ગયેલા. અમેરિકા જઈને ત્યાં નોકરી-ધંધા માટે જરૂરી એવી પરીક્ષાઓ આપી. અહીંના સી.એ.ની ઇક્‌વિવેલન્ટ ગણાય એવી સી.પી.એ.ની ડિગ્રી લીધી. સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ. સેટલ થઈને કાકીને બોલાવી લીધાં. ત્યાં જ લગ્નવિધિ થઈ.

અજિતકાકા અમેરિકા ગયા ત્યારે કાન્તિદાદાએ ચોપાટીની ‘આરામ’ રેસ્ટોરાંમાં બહુ મોટી પાર્ટી આપીને એમને વિદાયમાન આપ્યું હતું. સો કરતાં વધુ લોકો હશે. એ જમાનામાં ‘આરામ’નું બહુ મોટું નામ હતું. એરપોર્ટ પર એમને વળાવવા ઘણી મોટી ભીડ હતી. સગાં–વહાલાં-મિત્રો-જ્ઞાતિજનો. કેટલા બધા હારતોરા, ગુલદસ્તા, કલગીઓ. એ વખતે મારા ડાબા હાથે ફ્રેક્‌ચર હતું. પ્લાસ્ટરવાળો હાથ ગળામાં દોરી સાથે લટકાવી રાખવો પડે. શર્ટની એક બાંય ઝૂલતી રહે. મને બિલકુલ ન ગમે. પણ છૂટકો નહીં. એરપોર્ટ પર વિદાય કરવા જઈએ ત્યારે મારા શર્ટની બાંય ઝુલતી ન રહે એટલે એમણે એક નવું શર્ટ સિવડાવી આપેલું. મારી સાથે દરજીની દુકાને આવીને ફૂલ શર્ટની ડાબી બાંયમાં કેવી રીતે ખભાથી કફ સુધીની સળંગ સ્લિટ કરીને એને ડઝનેક હૂકથી બંધ કરવા એવું સમજાવેલું. એ વખતના ફોટામાં એરપોર્ટ પર એ શર્ટ પહેરીને હું ખુશખુશાલ દેખાઉં છું. એક ફોટામાં મારી મા સગા દીકરાથી છૂટી પડતી હોય એ રીતે એમને ભેટે છે. અજિતકાકા પણ એવી જ ભાવમુદ્રામાં છે.

મારી મમ્મીને એમણે હંમેશાં સગી જનેતા ગણી. એ વખતે અમેરિકાના ઇન્ડિયનોમાં એવો ટ્રેન્ડ કે સુવાવડ કરાવવા કાં પત્નીની, કાં પતિની માતા આવે. આજે પણ હશે. દક્ષાકાકીની સુવાવડ હતી. અજિતકાકાએ મારી મમ્મીને ત્યાં બોલાવેલી. મમ્મીને અજિતકાકાએ ન્યુયોર્કમાં ઘણું બધું દેખાડ્યું. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ વગેરે. ખૂબ શૉપિંગ કરાવ્યું. અમારા માટે બેગો ભરીને ભેટો મોકલી.

હાર્ડ વર્ક અને બુદ્ધિ પ્રતિભાથી અજિતકાકા ન્યુયોર્ક સિટીના ધનાઢ્ય ઇન્ડિયન્સ સાથે હળીભળી શકે એવી લાઈફસ્ટાઈલ ધરાવતા થઈ ગયા હતા. માત્ર ગુજરાતના જ નહીં તમામ રાજ્યોના ઇન્ડિયન્સ તેમ જ અનેક અમેરિકન્સ એમના મિત્રવર્તુળમાં હતા. અરવિંદ મફતલાલ સાથે એક સોફા પર બેસીને ગપ્પાં મારતા હોય એવો એમનો ફોટો જોયો છે. સારા લત્તામાં સારું મોટું હાઉસ. એ જમાનાથી મર્સીડીસ. પછી તો ગોલ્ફ જેવી શ્રીમંતોની રમત રમતા થયેલા. ટાઈગર વૂડ્‌સની સ્પર્ધાઓ જોવા જતા. ફ્‌લાઇંગ સિક્‌ખ તરીકે ઓળખાતા દોડવીર મિલ્ખા સિંહના દીકરા જીવ મિલ્ખા સિંહ મશહૂર આંતરરાષ્ટ્રીય ગોલ્ફ ખેલાડી છે. જીવને મળ્યા ત્યારે એની સાથેની અવનવી વાતો અમારી સાથે શેર કરતા. જોકે, એ તો હજુ હમણાંની વાત – દસવીસ વર્ષ પહેલાંની.

અજિતકાકા અમેરિકા ગયા એ પછીના ઉનાળુ વૅકેશનમાં દક્ષાકાકીએ પરાગને અને મને અમદાવાદ પોતાને ત્યાં રહેવા બોલાવેલા. કાકીનું અમેરિકા જવાનું નક્કી થઈ ગયેલું પણ હજુ વાર હતી. દક્ષાકાકી અમને બેઉ ભાઈઓને અમદાવાદ બતાવવા લઈ જાય. એક વખત સી. જી. રોડ પર ફરતાં ફરતાં મેં કે પરાગે એમને સંબોધીને કહ્યુંઃ ‘દક્ષાકાકી, તમે…’ કાકી તરત જ અમારી સામું જોઈને બોલ્યાંઃ ‘આપણે બહાર હોઈએ ત્યારે તમારે બંનેએ મને દક્ષાબહેન કહેવાનું, ઘરમાં ભલે કાકી-કાકી કહો.’ કાકી પોતે એ વખતે અર્લી ટ્‌વેન્ટીઝમાં હશે એટલે સ્વાભાવિક છે એમને એ સંબોધન વિચિત્ર જ લાગે. અને એમાં બેઉ ભત્રીજાની હાઈટ એ વખતેય એમના કરતાં વધારે. દક્ષાકાકી અને એમના પરિવાર સાથે ‘રૂપાલી’માં ‘પડોસન’ જોયેલું. દક્ષાકાકીના ફાધરનો ‘મધુરમ’ બંગલો નવરંગપુરાની પૉશ લોકાલિટીમાં. દર્શન સોસાયટી. એમને ત્યાં જાહોજલાલી એવી કે ટૉયલેટમાં પણ પંખો હોય,એવું અમદાવાદમાં રજાઓ વિતાવ્યા પછી અમે મુંબઈના દોસ્તારોને કહેતા.

અજિતકાકાએ અમેરિકા જઈને દેવગઢ બારિયાના સરનામે મારા દાદા માટે ‘ટાઈમ’ અને ‘ન્યુઝવીક’નું લવાજમ ભરી દીધેલું. વર્ષો સુધી ચાલ્યું. દાદાને વાંચનનો અને નવું નવું જાણવાનો ખૂબ શોખ. દાદા બધા અંકો સાચવી રાખતા. દિવાળી અને ઉનાળાની રજાઓમાં આ મેગેઝિનોનો ઢગલો લઈને કુતૂહલથી પાનાં ફેરવીએ. દાદા એડવોકેટ હતા. બારિયા સ્ટેટના પબ્લિક પ્રોસિક્યુટર રહી ચૂકેલા. કાકાએ અમેરિકા જઈને બારિયાના ઘર માટે ગોધરાથી ફ્રિજ ખરીદાવીને મોકલેલું. ઉનાળાની રજાઓમાં અમે છોકરાંઓ દાદા-બા સાથે રહેવા ગયાં હોઈએ ત્યારે લીંબુનું શરબત ઠંડું કરવા માટે બાએ સામેના ઘરમાં રહેતા કુટુંબી સમાન ડૉકટર બાબુભાઈ સોનીને ત્યાં બરફની ટ્રે લેવા જવું ન પડે. અજિતકાકા-દક્ષાકાકી લગ્ન પછી પહેલી વાર ઇન્ડિયા આવ્યાં ત્યારે દાદાએ નવપરિણિત યુગલને રહેવા માટે બારિયાના ઘરમાં મેડાવાળી પૂજાની રૂમને નવેસરથી સજાવી હતી. અમને એ ફાઈવ સ્ટારના પ્રેસિડેન્શયલ સ્વીટ જેવી લાગતી.

શરૂઆતનાં વર્ષોમાં હું એમને ખૂબ પત્રો લખતો. એ પણ લાંબા લાંબા જવાબો મોકલતા. બધાંની વર્ષગાંઠે, દિવાળી-ક્રિસમસે એરમેલમાં સુંદર ગ્રીટિંગ કાર્ડ અચૂક આવે. કાકા ત્યાં ગયા તે જ ગાળામાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જઈને પાછો આવેલો. એ ઐતિહાસિક બનાવને ઉજવવા જે અનેક સુવેનિયરો બજારમાં આવેલા એમાંથી કેટલાક એ અમારા માટે મોકલતા. એપોલો-ઈલેવન રોકેટમાંથી ‘ઈગલ’ નામનું યાન ચંદ્ર પર ઊતરેલું. એના ચિત્રવાળા ભરતકામ કરેલા કાપડના બિલ્લા નીકળેલા. કાકાએ ટપાલમાં પત્ર સાથે બીડેલા. તે વખતે ખબર નહીં કે એને જીન્સ પર સીવડાવીને થીગડાની જેમ પહેરવાના હોય. જીન્સ જ ક્યાં હતા? અડધી ચડ્ડીની તો ઉંમર હતી.

ટીનએજમાં પ્રવેશ્યા પછી બાંધાની સાથે અવાજ પણ બદલાયો. તીણા અવાજમાંથી મર્દ જેવો ઘાંટો થયો. મારો અવાજ બદલાયા પછી પપ્પા અને અજિતકાકા જેવો થઈ ગયો. અમારા ત્રણેયના અવાજ સરખા. કાકા અમેરિકાથી આવ્યા હોય ત્યારે ફોન પર ઘણા લોકો ભૂલાવામાં પડી જાય. દીનાથવાડી છોડીને સાંતાક્રુઝના મોટા ફ્લેટમાં રહેતા થઈ ગયા ત્યારની વાત છે. કાકા અમેરિકાથી આવ્યા હતા. મેં ડ્રોઈંગરૂમમાંથી પપ્પાને બૂમ પાડી, ‘અશ્વિનભાઈ!’ પપ્પા બેડરૂમમાંથી બોલ્યા, ‘હા, અજિત!’

વરસો વીતતાં ગયાં. સૌના સ્વતંત્ર પરિવારો બનતા ગયા. કોઈક ગેરસમજને કારણે પપ્પા અને અજિતકાકા વચ્ચે મનદુઃખ થયું. હું કાકાના પક્ષે હતો. વચ્ચે અમદાવાદ રહેવા ગયો ત્યારે અજિતકાકા મારી સાથે સમય ગાળવા મારે ત્યાં આવતા. પછી હું અને કાકા મારી કારમાં મારા પપ્પા-મમ્મીને મળવા વડોદરા જતા. ઇન્સ્યુલીન પર હતા એટલે લાંબા પ્રવાસ દરમ્યાન ચોકલેટ-પિપરમિંટ સાથે રાખે.મને ઑફર કરે.બાળપણમાં ઘણી ખવડાવી છે.એ સ્મૃતિ મમળાવવા મળે એટલે હું પણ એમનો સ્ટૉક ઓછો કરતો. ૨૦૦૪માં કાકાને ત્યાં પહેલો જ લગ્ન પ્રસંગ હતો. એમની મોટી દીકરી સેજલ પંજાબી કુટુંબમાં પરણવાની હતી. (નાઈન ઈલેવને ન્યુયોર્કના ટ્‌વિન ટાવર્સમાંના એકમાં સૌથી પહેલું પ્લેન ઘૂસ્યું ત્યારે સેજલ બીજા ટાવરમાં એની ઑફિસમાં હતી. સેજલ અને એના કલીગ્સ હેમખેમ બહાર નીકળી ગયા અને બીજું વિમાન અથડાયું. કુટુંબ પરથી એક મોટી ઘાત ટળી.) સેજલનાં લગ્ન માટે કાકાએ ઈન્ડિયા આવીને ઉમંગપૂર્વક દિલ્હીની ફાઈવસ્ટારમાં બધું આયોજન કરેલું. સમ હાઉ ઓર અધર ફૅમિલીમાંથી કોઈ નહોતું આવવાનું. મેં નક્કી કરેલું કે હું જવાનો. ગયો. ખૂબ મઝા કરી. અમદાવાદથી મુંબઈ પાછો આવ્યો ત્યારે હું જિંદગીના સૌથી કપરા ગાળામાંથી પસાર થઈ રહ્યો હતો.બધું જ છિન્નભિન્ન થઈ ગયેલું. કાકા-કાકી ફોન પર મને ખૂબ સધિયારો આપતા. એ જ ગાળામાં કાકી એકલાં અમદાવાદ આવ્યાં ત્યારે ઘરે આવેલાં, એમના ઘરે અમને બોલાવેલાં. સુખદુઃખની વાતો શેર કરીને અમે સૌ હળવાં થયેલાં. મુંબઈમાં રિસેટલ થવામાં જે સ્વજનો મારા પડખે રહ્યા એમાં અજિતકાકા પ્રથમ હરોળમાં હતા. છેલ્લા દાયકામાં જ્યારે જ્યારે મુંબઈ આવે ત્યારે અચૂક અમને બંનેને બ્રેકફાસ્ટ કે લંચ કે ડિનર માટે એમના ઉતારે બોલાવે. વીતેલાં વર્ષોનું સાટું વાળી દેતા હોય એટલી વાતો કરે. છૂટા પડતી વખતે સૌની આંખોમાં ઝળઝળિયાં હોય.

મારા જીવન પર અજિતકાકાની ઘણી બધી ઈન્ફ્લ્યુઅન્સ છે. સૌથી મોટી કઈ? વાડીદાદા અને એમના બે ભાઈઓને કુલ છ દીકરાઓ. એમાંથી મારા પપ્પા સહિત પાંચ સિવિલ એન્જિનિયર. એક અજિતકાકા જ અલગ. મારો મોટોભાઈ પણ સિવિલ એન્જિનિયર. મારે કંઈક ‘જુદું’ કરવું હતું. ‘જુદું’ એટલે શું? અજિતકાકાએ જે કર્યું તે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. શું કામ? કુટુંબમાં બધા જે કરે છે તે નથી કરવું. પપ્પા કહેઃ ‘તો ડૉક્ટર થા, સાયન્સમાં જા.’ એસ.એસ.સી.માં ઘણા સારા પર્સન્ટેજ હતા. પણ સાયન્સ મને કોઈ દિવસ કોઠે પડ્યું નથી – નગેન્દ્ર વિજય સમજાવે એટલી જ સમજ પડે. કૉમર્સ લીધું. સી.એ. એન્ટ્રન્સની પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્‌લાસની ફી પણ ભરી હતી. પરંતુ આ બાજુનું આકર્ષણ અનેકગણું હશે એટલે બારમા ધોરણ પછી એફ.વાય.બી.કૉમ. અને એસ.વાય.બી.કૉમ.માં ગુજરાતી સિવાયના વિષયોમાં એ.ટી.કે.ટી.ઓ જમા થવા લાગી. કુટુંબના એક માત્ર સી. એ. તરીકેનો અજિતકાકાનો દરજ્જો અકબંધ રહ્યો તે મારે કારણે.

ગઈકાલે રાત્રે સંદેશો આવ્યો કે કોરોનાવાઈરસનો એમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હૉસ્પિટલમાં છે અને એકદમ ક્રિટિકલ છે. ડાયાબીટીસ હતો. ૭૭ વર્ષની ઉંમર. આજે વહેલી સવારે હજુ ઊંઘમાં જ હતો અને ફોનની રિંગ વાગી. સાંભળતાં જ અપશુકન થશે એવું લાગ્યું. નંબર-નામ જોઈને ખાતરી થઈ ગઈ કે અમંગળ સમાચાર છે. અજિતકાકા ઈઝ નો મોર.

છએક અઠવાડિયાથી કાકાને સૂકી ખાંસીનાં લક્ષણો હતાં. ડૉક્ટરની સલાહથી ઘેરબેઠાં જ સારવાર ચાલુ હતી. પરમ દિવસે તાવ એકાએક વધી ગયો. તાબડતોબ હૉસ્પિટલ લઈ ગયા. ઍડમિટ થયા ત્યારે જ ક્રિટિકલ હતા. ચોવીસ કલાકમાં વાત પૂરી થઈ ગઈ. અંતિમ કલાકો દરમ્યાન કાકીને મળવાની પરવાનગી આપવામાં આવી. કાકા-કાકી જૂની-નવી સ્મૃતિઓ વાગોળીને વાતો કરતાં રહ્યાં. ત્રણ કલાક પછી કાકાએ કહ્યું કે હવે મારે ઘરે જવું છે. કાકીએ કહ્યું કે થોડો આરામ કરી લો, પછી ઘરે જવાની તૈયારી કરીએ. કાકાએ નિશ્ચિંત બનીને માથું ઢાળી દીધું. એ એમના જીવનની અંતિમ ક્ષણ હતી. કોઈ ભાર વિનાની, નિરાંતની, ચિર શાંતિની.

કોરોનાવાયરસ અને નાઈન-ઈલેવન આ બેઉ આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો અમારા પરિવારને પ્રત્યક્ષ પરિચય થયો. આ મહામારીમાં મેં અજિતકાકા ગુમાવ્યા. સવારે ઊઠીને કેજરીવાલે દિલ્હીમાં સામૂહિક હિજરતવાળું બવંડર ખડું કર્યું તેના વિશે એક સણસણતો લેખ લખવાની તૈયારી સાથેની બધી જ નોંધનાં કાગળિયાં મારી ડેસ્ક પર તૈયાર હતાં. પણ કાગળ પર પેન અડકી અને લખાઈ ગયું: સ્વર્ગસ્થ અજિતકાકા.

ઈસ્ટમૅન કલરમાં સેપિયા સ્મૃતિ: અજિતકાકા લગ્ન પછી પહેલીવાર દેવગઢ બારિયા આવ્યા ત્યારની તસવીર. બારિયાના ઘરની બહાર ચબુતરા શેરીમાં બધા ઊભા છે. બૅકગ્રાઉન્ડમાં જમણી તરફ ડૉ. બાબુભાઈ સોનીના મોટા દવાખાનાનો એક નાનકડો ભાગ દેખાય છે- સળિયાવાળી બારી, કમાડ વાસેલો દરવાજો. ડાબી તરફ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાવાળું (દેવગઢ બારિયાના દીવાન એક જમાનામાં જ્યાં રહેતા તે) મકાન છે. એનો કોતરકામવાળો થાંભલો નજરે ચડે છે. કાન્તિદાદાએ આ ભવ્ય મકાન ખરીદી લીધેલું. તસવીરમાં છેક જમણેથી બ્રાઉન જર્સીમાં અજિતકાકા, મારી મમ્મી, પાછળ પપ્પા, મમ્મીની બાજુમાં દક્ષાકાકી, કાકીની સાથે મારી નાની બહેન અપેક્ષા, મારી બા, દાદા વાડીલાલ સબુરદાસ, દાદાની બાજુમાં કાળા પેન્ટમાં આપનો વિશ્વાસુ અને છેલ્લે મારો મોટો ભાઈ પરાગ.આ તસવીર ૧૯૭૧ની સાલની હશે. ૧૯૮૦માં દાદા ગયા, એમની પાછળ અગિયાર મહિનામાં બા, દસ વર્ષ પહેલાં મમ્મીએ વિદાય લીધી. પપ્પાનો સ્વર્ગવાસ એના બેએક વર્ષ પછી. અને હવે અજિતકાકા.

87 COMMENTS

  1. આપણા પોતિકા સ્વજનની સ્મૃતિ હંમેશા આંખોમાં પાણી લાવી દેતી હોય છે એ ભલે સુખમાં સાંભરે લી હોય કે દુઃખમાં આ લેખ વાંચીને મને પણ મારી સ્મૃતિઓ a આંખો ભીની થઈ ગઈ .

    સ્વર્ગસ્થ અજીત કાકા ની આત્માને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના.

  2. મને પણ.મારા.મધુકાકા યાદ આવી ગયા. ડૉ.મધુકાન્ત એમ. શાસ્ત્રી?

  3. મારે કાંતિભાઇ શાહ ના દિકરા અનુપમ વિશે જાણવું હતું અનુપમ અને હું 1963માં એમ.એસ.યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ માં સાથે અભ્યાસ કરતા હતા ત્યારબાદ છૂટા પડી ગયા પછી ૫૭ વર્ષથી તેમનો કોઇ સંપર્ક નથી આપ કઈ માહિતી આપી શકો તો આનંદ થશે google ઉપર શાહ construction કંપનીના માલિકોના નામ બદલાઈ ગયા છે એટલે સંપૂર્ણ માહિતી મળતી નથી.

      • વાહ સૌરભભાઇ,
        મજા આવી, દેર ભોજાઈ ના સંબંધો મને યાદ આવી ગયાં..
        તાદશ્ય ચિત્રણ..
        ખૂબ ખૂબ આભાર.
        ???

  4. અજિતભાઈનું સ્વરૂપ તાદ્રશ્ય સામે આવી ગયું.
    R I P. ?
    મોટો ભાઈ પરાગ શુ કરે છે ? અને બેન દક્ષા ?

    • Parag is at US with his family.
      Dakshakaki is trying to come out of the shock.Both the daughters are with her.
      My sister Apeksha and her husband both are architects practising at Nashik.

      • પરમાત્મા સદગત આત્મા ને સાચી શાંતિ આપે અને પરીવારને આવી પડેલ દુખ ને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. જીવન નો એક ધટનાકર્મ છે અને સાચી યાદ અને સાથે વિતાવેલી ક્ષણો આપણે આગળ વધવા માટે પ્રેરણા બને છે, એ તમારા લેખો થી શિખવા મળ્યુ છે.

  5. We are extremely sorry to hear the sad news. We pray to the lord to give a peace to departed divine soul and courage to the families, relatives and friends. JJSG!!!

  6. Please translate to English someone. Would love to read this beautiful piece about our Ajit masa

    Kinjal Parikh

  7. ઠાકોરજી સ્વ. અજીતભાઈના જીવને ચિર શાંતિ તથા મોક્ષ અર્પે તેવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. જય જય શ્રી ગોકુલેશ : દિપક કડકીયા પરિવાર તરફથી (લોકસત્તાવાળા), વડોદરા. આપ સૌ કુટુંબીજનોની સાથે આપના દુ:ખમાં સહભાગી થઈએ છીએ. આપ સૌને દિલાસો પાઠવીએ છીએ.

  8. Your artical is written so touchy

    That I feel I lost my uncle

    Bhagwaan emna atma ne shanti

    Aape e prathna

  9. Param krupalu parmatma aap na,ne havee to shabdo thi vachya etle amara pan eva sadgat na aatma ni chir shanti aape

  10. Sadgat Ajitkaka ne Jay Shree Krishna.
    Nagendrabhsi Vijay ne SAFARI MAGAZINE UPRANT FLASH MAGAZINE MATE PAN YAAD RAHESHE.

  11. Losing someone we love is never easy but you must be thankful for the beautiful moments and memories you shared with your uncle. May the departed soul rest in eternal peace.

  12. પ્રભુ, આપના અજિત કાકા ના આત્માને શાંતિ અને સદ્ ગતિ અપેૅૅ તેવી પ્રભુ ના ચરણોમાં પ્રાથૅના કરું છું. બાકી લેખ ની રસાળતા એવી લાગી જાણે એ સમય માં તમારી સાથે હોઈએ.

    • પ્રભુ એમના આત્મા ને સદગતિ આપે એવી હૃદય પૂર્વક પ્રાર્થના, અજીતભાઈ મારા બનેવી થાય કેમકે દક્ષાબેન મારા ફોઈ ની દીકરી છે, અજીતભાઈ ને જયારે પણ મળવા નું થતું ત્યારે એવુ ક્યારેય લાગ્યું નથી કે તેઓ મારા બનેવી છે એક મિત્ર ની જેમજ વાત કરતા, મને એમના માટે ખુબજ માન, એમની જીવં શૈલી થી હુ ખુબજ પ્રભાવિત હતો, હુ જયારે 2018 મા અમેરિકા ગયો ત્યારે અજીતભાઈ અને દક્ષાબેન બંને એ ફોન કરીને અમને એમના ઘરે આવવા માટે આમંત્રણ આપેલ હતુ પરંતુ સંજોગો ને કારણે હુ જઈ ના શક્યો એનો મને જિંદગીભર રંજ રહી ગયો…… લખવું તો ગણુ છે પણ મન ભરાઈ આવ્યું છે ભૂતકાળ ને નજર સમક્ષ લાવીને એટલે હુ અંત મા ફરી એકવાર પ્રભુ ને પ્રાર્થના કરુ કે એમનો આત્મા સદગતિએ જાય…… જયશ્રીકૃષ્ણ.

        • સૌરભભાઈ,
          આપે જે રીતે અજીતભાઈ ની જીવનશૈલી અને જીવન ચરિત્ર નું ટુંકાણ મા વર્ણન કર્યુ છે એ માટે આપ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છો, જો જીવન મા ક્યારેક આપને મળવાનો મોકો મળશે તો ખુબજ આનંદ થશે

  13. પ્રભુ અજિતભાઈના આત્માને શાંતિ અર્પે. એમની વાતોમાં રસ પડતો હતો ત્યાં જાણે અચાનક જાણે બધું ખતમ થઈ ગયું હોય એવું લાગ્યું.
    શુ હજુ વધારે એમના વિષે વિગતવાર ના લખી શકો ?..
    ખૂબ જલ્દી તમે આ લેખ આટોપી લિધો એવું લાગ્યું.

  14. During my school days at Devgad Baria, when I was reading with your elder brother parag, Ajitkaka very often take interest in me. He had given me too much inspiration to become a doctor. He could find out my efficiency and intectual height. He had helped me drawing out my inner skills and knowledge and power to become a doctor. Prabhu temna aatmane shanti aape. Dr Ajay Rajnikant Baxi Baroda (baria wala)

  15. ? શાંતિ
    હરિ ?
    પરમાત્મા અજિતકાકાના આત્માને શાંતિ અપેઁ એવી પા્થઁના.. ?????
    ?????

  16. વેજલપુર એકડા નું ગૌરવ. પ્રભુ તેમના આત્મા ને શાતા આપે .

  17. સંબંધોના હૃદય સ્પર્શી/લાગણી સભર લેખ વાંચી આપના પરિવાર પ્રત્યે ખૂબ જ માનની લાગણી ઉત્પન્ન થઇ આવી વાત સામાન્ય રીતે ફિલ્મમાં કે નવલકથામાં જોવા મળે. આપના પૂ અજીતકાકાના આત્મા ને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના. આપના લેખો નિયમિત રીતે વાંચું છું સત્ય/સ્પષ્ટ વક્તા તરીકે આપની છાપનો પ્રશંસક છુ. જયશ્રી કૃષ્ણ.

  18. Dear Saurabhbhai
    Aptajan ne gumav vanu dukh anubhavyu.
    Prabhu Ajitbhai na Atma ne shanti Aape.
    Om Shanti.

  19. પ્રભુ સદ્ગત ની આત્મા ને શાંતિ આપે.. ખરેખર ત્યાગ અને સમર્પણ ની જે ભાવના તે સમય દરમિયાન સંયુક્ત કુટુંબ માં હતી તેની યાદ આવી ગઈ. સાચે જ આપણી સંસ્કૃતિ ની ધરોહર હતી.

    ????????????

  20. Bhagwan Emna atma ne Shanti aape
    Sheelaben Sheth
    Prabhakarbhai ni sister
    Javaher Parikh’s bhatriji

  21. ઓમ શાંતિ શાંતિ… પ્રભુ એમના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના… આપના દુઃખ માં સહભાગી

  22. Hi Saurabh, really enjoyed reading article especially good old days when we were neighbour in Dinath Wadi, whilst reading article I could literally see all your family faces in front of me. Also remember cricket we used to play outside our flats. Sorry to hear sad demise of Ajitkaka. May his soul rest in internal peace. Jai Shree Krishna

  23. સૌરભ અજીત કાકા ના અવસાન ના સમાચાર જાણી ખુબ દુખી થયું.પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ ઠાકોર જી ને પ્રાર્થના….જય જય‌ શ્રી ગોકુલેશ.મિહીર ઘારીઆ…..દીનાથ વાડી મુંબઈ

  24. ભાવભરી શ્રદ્ધાંજલિ… પ્રભુ તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના…
    ખુબજ લાગણી ભર્યો લેખ….

  25. પુ. અજીત કાકાને પરમ શાંતી મડે, એવી પ઼ભૂ ચરણે પ઼ાથૅના?

  26. ૐ શાંતિ..
    સ્વર્ગીય સ્નેહિશ્રી નાં આત્માને પ્રભુ શાંતિ આપે…
    વોટ્સ એપ પર કોઈ ગૃપ માંથી દેવ આનંદ સાહેબના ફિલ્મ ગાઈડ વિશેના લેખથી સૌરભભાઈ ના લેખ નિયમિત રીતે વાંચતો થયો છું. એમના લેખ માટે જ વર્ષોથી ઘરે આવતું ન્યુઝ પેપર પણ બદલ્યું છે.
    અંગત સ્વજન ગુમાવ્યાની સંવેદના કરાવતો લેખ

  27. બઉ દુઃખ થયું સર વાંચીને….અમે વાચકો તમારી સાથે છીએ…those we luv dnt go away… they walk beside use evryday… unseen.. unheard… still missed and forever dear….Sad…એમની આત્મા ને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના…

  28. When we were in Nes York, we used to meet quite often with Ajit and Daxabhzbhi with our close friend Vinod Patel and Pushpzbhabhi. My father and Vadikaka- Ajit’s father both were close friends,and L.L.B.
    Anupam and I were in Baroda when Ajit was there and we used meet there as well. May God grant his soul an eternal peace and strength to all loved ones bear this enormous loss!
    – ,Anil Lalitkant and Aruna Parikh.

  29. Ajitkakakane apeli shradhjli nu article vanchi ne aankho bhijai gai
    Aapda nana gam na sajjan pan khatarnak virus na bhog bani gaya
    Ghanu dukh thayu
    Prabhu temna aatmane ne nij charno ma sthan arpe tej prarthna

  30. કુટુંબ ના કોઈ મેમ્બર નો પરિચય એટલો સરળ ભાષામાં વ્યક્ત કર્યો કે અમને જાણે કે એમ ફીલ થયું કે જાણે અમારી બચપન ની કુટુંબ ની યાદો તરોતાજા થઈ ગઈ… ખેર દરેક વ્યક્તિ એ આ ફાની દુનિયા છોડીને જવાનું છે એ અટલ સત્ય છે.. એમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે તથા એ આત્મા જલ્દી માં જલ્દી મોક્ષ ગતી પ્રાપ્ત કરે એવા આશિર્વાદ આપે એજ પ્રાર્થના ?
    ભરત સાવલા

  31. Heart touching article & very very sensitive article.I am with you in these criticle moment.I am sure Ajitbhai must be resting in peace in heaven.I am also in the same line in Vadodara, 73 years old & enjoying life fully because I have never taken allopathy medicine uptill now.

  32. You named ” Nagendra Vijay” in your article. This is same guy that of “SAFARI”.
    Nice article, we all have such type of our young life-age memory.

  33. સૌરભભાઈ, અજિતકાકા ના આત્મા ને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ જ અભ્યર્થના..

    તમારી જ લેખ લખવા ની સ્ટાઇલ છે એ જ જબરજસ્ત છે.. એક ફિલ્મની જેમ આંખ આગળ આવી જાય છે.. પણ આ વખતે છેલ્લે છેલ્લે તો થોડું ધૂંધળું ય દેખાયું, આંખ માં આંસુ આવી ગયા…

  34. મુ.અજીતકાકા ને પરમ શાંતિ માટે પ્રભુ ને પ્રાર્થના. આપે સંબધોની માનવ મુલ્યોની સરળ રજુઆત સાથે આપેલી આદરાજલી મનનેસ્પર્શી ગઈ..

  35. ओम् शांति: शांति: शांति: बिपिंचंद्र केशवलाल जमनादास ना पुत्र शैलेश सम्पूर्ण परिवार

  36. Shrijjiprabhu Tamara Ajjitkaka na attma ne shanti ape evi prathna. Ek Vaat khubaj sari thai ke Ajjitkaka CA thayya ne Tame emno varsso n Sambhadyyo nahiter Amara jeva Lakkho Vhaahakko ne Tamara Darekk lekh je amne read karva mate Aaturtta Purvak Raah jovdave Che Eva LEKHAK amne N Madyya hott

  37. Ajit kaka ni khot toh koi nahi puri kari sake, pan tamara aa lekh ne karane koi saurabh na ajit kaka banvani koi ne prerna malse ne; toy aarki jariki tarat upar betha betha markase.

    Tamaro lekh ava kapra samay maan mann na bhav ne ankush maan rakhee ne kevi shahi maan bodi ne lakhayo hase, eni kalpana karvi mushkeel che.

    Prabhu emna jeva aatma ne chokkas sudgatee apse.

  38. શાહ construction કંપનીના કાંતિભાઈ શાહ ના પુત્ર અનુપમ ભાઈ 1963માં એમ એસ યુનિવર્સિટી વડોદરા મા મારી સાથે સિવિલ એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતા હતા હાલમાં તેમનું કોઈ લોકેશન મારી પાસે નથી મારે જાણવું છે કે અનુપમ ભાઈ a કાંતિભાઈ ના દીકરા છે કે કેમ અને હાલમાં તેઓ શુ પ્રવૃત્તિમાં છે

  39. પૂ કાકાનો કુટુંબના એકમાત્ર સી.એ નો દરજ્જો અકબંધ રહી શક્યો, આપના કારણે

    અમે પણ સંયુક્ત કુટુંબની ધરોહર સમા કાકાને મળી શક્યા એ આપના લેખને કારણે….

  40. પૂ.કાકાનો સી.એ તરીકેનો દરજ્જો અકબંધ રહ્યો હતો, તમારા કારણે ,

    અમે પણ એમને મળી શક્યા, તમારા લેખના કારણે…??

  41. Tamara Dada Na hath Ni balpan ma me chocolate khadhi che…swargasth na atma ne prabhu shanti aape

  42. સાહેબ, તમારા કાકા ના મૃત્યુ ના સમાચાર વાંચી ઘણું દુઃખ થયું…. પ્રભુ તેમની આત્મા ને પરમ શાંતિ આપે ,તેવી દિલસોજી.
    ખૂબ જ હ્રદય સ્પર્શી લેખ, ભૂત કાળ ની તમામ વાતો ને કેટલી હૃદયસ્પર્શી રજૂ કરી છે. દિયર- ભાભી,કાકા – ભત્રીજા અને મોટાભાઈ- નાનાભાઈ ના સંબંધ ને ઊંચેરું સ્થાન આપ્યું.
    સ્વજન ને ખોઈ નાખ્યા ના સમાચાર જાણી ને તેમની સાથે તમારી યાદો ને , તમારા જીવનમાં કાકા ના મહત્વ ને ખૂબ ઉદારભાવે રજુઆત કરી તેજ સાચી શ્રદ્ધાંજલિ.
    ખડાયતા છો ,જાણી આનંદ થયો.
    કેજરી…. લાલા ના લેખ માટે ઉત્સુક……
    પરેશ શાહ .કાંદિવલી.

  43. Aaje aa lekh per thi ghanu sikhyo. sam family relationship i have. so i am understand the sadness of you personally. but great message. and pl publish the letter tomorrow for kejriwal which was replaced today.

  44. સૌરભ ભાઇ આપના લેખો રોજ વાંચુ છું, rather વળગણ થઇ ગયુ છે. ખૂબ વેધક અને સચોટ !
    આજે અજિતકાકા ના દેહાંત વિશે જાણી રડી પડ્યો ! શ્રીજી એમના આત્મા ને ચીર: શાંતી આપે. હું પણ કઠલાલ નો ખડાયતો છું. શુભેચ્છા સાથે..

  45. Ghani saras Shraddhanjali ?????…. Very touching….!!! Aatlu saras tame j lakhi shako….Ame pan Khadayata chahiye ane me ane mara be mota cousins e pan Dalal and Shah ma artickeship kari chhe ane ena amumanis nu whatsApp group pan chhe…

  46. ભગવાન સદગત ના આત્મા ને શાંતિ આપે

  47. ખુબ જ લાગણીસભર લેખ. પરમકૃપાળુ પરમાત્મા અજિતકાકાના આત્માને પરમ શાન્તિ અર્પે એ પ્રાર્થના……

  48. સ્વ.અજીત કાકા ના આત્માને પરમાત્મા શાંતિ આપે . હરિૐ તત્ સત્ . તમારી બાયોગ્રાફી વાંચી ને અંગત સ્વજન ગુમાવ્યા ની વ્યથા અનુભવી.

  49. Just beautiful Saurabh bhai. It’s just analogy but found something like characterization of Malgudi Days…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here