હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ત્રીસ વાતો

ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ
( ‘લાઉડમાઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, October 26, 2016)

ગોસ્વામી તુલસીદાસે હનુમાનજીના ગુણ ગાવા માટે હનુમાન ચાલીસાનું સર્જન કર્યું. આપણે એનું ભાવપૂર્વક રટણ કર્યું. સંકટમોચન આપણા પર વિપત્તિ આવશે ત્યારે એને હરી લેશે એવી આશાએ સો વાર એનું પારાયણ કર્યું. વર્ષો અને દાયકાઓ દરમ્યાન દરરોજ અથવા દર મંગળ કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. પણ એમાંથી જે શીખવાનું છે તે હજુ સુધી શીખ્યા નથી. સંકટ કે આપત્તિ સમયે હનુમાનજીનું માત્ર સ્મરણ તમારું મનોબળ નથી વધારતું. હનુમાન ચાલીસાનો પાઠ યંત્રવત કરી જવાથી ફળ નથી મળી જતું. હનુમાનજીના ગુણો તમારા પોતાનામાં ખીલવ્યા હોય ત્યારે એનું સાચું ફળ મળે- તમને અને તમારી આસપાસના લોકોને.

તુલસીદાસજીએ તો કિલયર કટ પ્રિસ્ક્રિશન આપી દીધું છે સદીઓ પહેલાં. એને અનુસરવાનું આપણે છે. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી એક મહિના સુધી રોજ આમાંનો એક એક સંકલ્પ અમલમાં મૂકીએ તો હનુમાનજીના ચરણની રજ બનવાની લાયકાત કેળવાતી જશે. કુલ ત્રીસ સંકલ્પ છે– રોજનો એકઃ

૧. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવનકુમારઃ આપણી હોશિયારી છોડી દઈએ. આપણી આસપાસના ચાર જણા કરતાં આપણામાં વધારે અક્કલ હશે તો એવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે બહુ મોટા બુદ્ધિશાળી છીએ આપણે. તમને નહીં દેખાતા હોય પણ તમારા કરતાં લાખગણા અક્કલવાળા લોકો આ દુનિયામાં પડયા છે. માટે ખોટા અહમ્
માં ના રહીએ. અહમ્ ને ઓગાળી કાઢીએ. જાતને બુદ્ધિહીન માનીશું તો પ્રોગ્રેસ સારો થશે.

૨. બલ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિ,હરહુ કલેસ વિકાર : હનુમાનજી તો તમને બળ, બુદ્ધિ અને વિદ્યા આપશે જ. તમારે એ તમારી આસપાસનાઓમાં વહેંચવાની છે. સૌથી પહેલાં તો તમારે પોતે બળવાન થવાનું, બુદ્ધિવાન બનવાનું અને વિદ્યા પ્રાપ્ત કરવાની. તમારા અથક પ્રયાસો હશે તો હનુમાનજીની કૃપા અવશ્ય વરસશે. પણ એથીય વધુ અગત્યનું જીવનમાં એ છે કે જેમ હનુમાનજીએ તમારા પર કૃપા વરસાવી એમ તમે તમારી આસપાસના-તમારાં નિકટના સ્વજનો-મિત્રો-પરિચિતો સૌ કોઈના બળ-બુદ્ધિ-વિદ્યા વધે એવો સતત પ્રયાસ કરતા રહો. માત્ર તમે એકલા શક્તિશાળી હશો અને તમારી આસપાસનાઓ અશક્ત હશે તે નહીં ચાલે. એમને પણ પાવરફુલ બનાવો. એમની બુદ્ધિ વિકસે એવી વાતો એમને કરો. એમની વિદ્યામાં વૃદ્ધિ થાય એવી વાતો કરો.આવું થશે તો તમારા સહિત સૌ કોઇની મનશુદ્વિ — તનશુદ્ધિ થશે. કલેશ એટલે કે સંતાપ — ઉદ્વેગ મનમાં હોય. વિકાર-રોગ શરીરમાં હોય. તન-દુરસ્તી અને મન-દુરસ્તી : આ બેઉ એકબીજા સાથે જોડાયેલાં છે. આપણે હજારો વર્ષ પહેલાં આ વાત જાણી લીધી. પશ્ચિમ જગતની એલોપેથીએ માંડ પચાસ-સો વર્ષ પહેલાં સાયકો-સોમેટિક રોગ પિછાણ્યા.

૩. જય હનુમાન જ્ઞાાન ગુન સાગરઃ હનુમાનજી તો જ્ઞાાનનો સાગર છે જ. તમારે એ સાગરમાંથી અંજલિ ભરીને જેટલું જ્ઞાાન મેળવાય એટલું મેળવવાનું છે. અને આ જ્ઞાાન એટલે માહિતીનો ખડકલો નહીં. એ તો ગૂગલ પર ઉપલબ્ધ છે. માહિતીના મંથનમાંથી જે તારવણી નીકળે છે તે નવનીત તમને જ્ઞાાન તરીકે કામ લાગવાનું છે. શારીરિક બળ તો હોવું જ જોઈએ. ફિઝિકલી સ્ટ્રોંગ તો બનવાનું જ છે. પણ હનુમાનજી માત્ર મસલમેન નહોતા. એમની પાસે અગાધ જ્ઞાાન હતું. તમે જિમ્નેશિયમમાં જાઓ- ત્રણ દિવસ કાર્ડિયો કરો, ત્રણ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. બોડી તો બનાવો જ. સાથોસાથ બુદ્ધિની કસરત કરો. ખૂબ વાંચો, સારું સારું વાંચો. પુસ્તકાલય મનનું જિમ્નેશિયમ છે. સારું સારું સાંભળો, જુઓ, વિચારો અને બધા સાથે ડિસ્કસ કરો. જ્ઞાાન ગુન સાગર બનવાની તૈયારી આજથી જ શરૂ કરી દો.

૪. મહાવીર વિક્રમ બજરંગીઃ મહાવીર બનો. વીરતા અને સાહસ વિનાની જિંદગી ફટ્ છે. એડવેન્ચર પહાડો ચડવામાં તો છે જ, એડવેન્ચર જીવનની કટોકટીઓનો બહાદુરીપૂર્વક સામનો કરવામાં પણ છે. બીજાઓ જ્યારે સત્ય માટે લડતા હોય ત્યારે એમની પડખે રહેવામાં પણ સાહસ છે. પ્રામાણિક માણસોનું ઉપરાણું લેવામાં પણ બહાદુરી છે. દુશ્મનોનો સામનો કરવામાં તો વીરતા છે જ, વીરપુરુષોના આદર્શોને અનુસરવામાં પણ વીરતા છે.

૫. કુમતિ નિવાર સુમતિ કે સંગીઃ મનમાં આવતા ખરાબ વિચારોને હનુમાનજી આવીને દૂર કરશે તે તો સાચું જ છે. પણ એ શ્રદ્ધા ત્યારે ફળીભૂત થાય જ્યારે તમે તમારું મન એવું મજબૂત બનાવ્યું હોય જેમાં કુવિચારોનો જન્મ જ ન થઈ શકે અને ભૂલેચૂકે જો જન્મ્યા તો હનુમાનજી આવીને એને હાંકી કાઢે એ પહેલાં તમે જ સાવધ બનીને એને ભગાડી મૂકો. એવું ક્યારે થાય? જ્યારે મનમાં સારા વિચારોનો ઉછેર થઈ શકે એવી ફળદ્રુપ ભૂમિ તમે કલ્ટિવેટ કરેલી હોય ત્યારે. સારી જાતિનાં બી વાવીને રાખ્યાં હશે તો એને ઉછેરવામાં એટલું બધું ધ્યાન રાખવું પડશે કે ખરાબ વિચારો નજીક પણ નહીં ફરકે. મન એટલે વિચારોનો પ્રવાહ. સારા વિચારોનો પ્રવાહ વહેતો હશે તો ખરાબ વિચારો ટકી જ નહીં શકે.

૬. હાથ બ્રજ ઔ ધજા બિરાજૈ, કાંધે મૂંજ જનેઊ સાજૈ: બીજાઓ કેવી રીતે જાણશે કે તમારા ઈરાદાઓ કેવા છે? તમારે પ્રગટપણે તમારા ઈરાદાઓ એમને કહેવા પડશે જેથી સાથ આપનારાઓ તમને સાથ આપી શકે અને ડરપોક તમારાથી દૂર ભાગે. હાથમાં વજ્ર અને વિજયધ્વજ રાખવાં એટલે કે તમારી તાકાત અને તમારા દૃઢનિશ્વયની લોકોને જાણ કરવી. પણ સાથે જનોઈ ધારણ કરેલી હોવી જોઈએ. જે મેળવવું છે તે મેળવવા માટેનો માર્ગ શુભ અને પવિત્ર છે એવો સંકલ્પ પહેરેલો હોવો જોઈએ. અપવિત્રતતા ગમે એટલી આકર્ષક લાગે પણ આ માનસિક જનોઈ ચોવીસ કલાક તમને ભ્રષ્ટ કર્મોથી દૂર રાખશે.

૭. વિદ્યાવાન ગુનિ અતિ ચાતુરઃ વિદ્વતાની વાત રિપિટ છે. સદ્ગુણી હોવાનું પણ આવી ગયું. હવે એક નવી વાત ઉમેરાય છે. ચતુરાઈ. આ ચતુરાઈ કોઈને ઉલ્લુ બનાવવા માટે નથી કેળવવાની. કે પછી તમારા પોતાનાં ખોટાં કર્મોને વાજબી ઠેરવવા પણ નથી વાપરવાની. આ ચતુરાઈ કોઈ તમને ઠગી ન જાય તે માટે કેળવવાની છે. તમારામાં કમ સે કમ એટલી અક્કલ તો હોવી જોઈએ કે કોઈ તમને પેંડો આપીને તમારા હાથની કલ્લી કાઢી ન જાય. કોઈ તમારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકાવી ન દે એટલી સ્માર્ટનેસ તમારી પાસે હોવી જોઈએ.

૮. રામ કાજ કરિબે કો આતુરઃ તમે જેમને હૃદયથી ચાહો છો એમનું કામ કરવા માટે તમારે હંમેશાં તૈયાર રહેવાનું છે. અડધી રાતે જરૂર પડે તો હાજર થઈ જવાનું છે. તમારું આ ડેડિકેશન માત્ર એમને જ નહીં તમને પણ ઉપયોગી થશે તે એ રીતે કે તમે જ્યારે મહેસૂસ કરશો કે તમારામાં કોઈના માટે આવી નિષ્ઠા છે ત્યારે તમારા બાકીના તમામ જીવન વ્યવહારોમાં પણ આવી નિષ્ઠા પ્રસરવા માંડશે. તમે સૌ કોઈના માટે એક ભરોસાપાત્ર વ્યક્તિ બની જશો.

૯. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયાઃ તમને જેમના માટે આદર છે, પૂજયભાવ છે, પ્રેમભાવ છે એમનાં ગુણો ગવાતા હોય ત્યારે તમને એમાં આનંદ મળવો જોઈએ. આનો બીજો અર્થ એ કે એમની નિંદા થતી હોય, કૂથલી થતી હોય, ટીકા થતી હોય ત્યારે તમને એમાંથી આનંદ નથી મળતો. તમને એવું સાંભળીને ગ્લાનિ થાય છે. જો તમે એને અટકાવી શકો એમ હો તો અટકાવો. અન્યથા ત્યાંથી દૂર થઈ જાઓ. ફેસબુક પરથી એવી વ્યક્તિને અનફ્રેન્ડ કરી નાખો,ટ્વિટર પર બ્લૉક કરી દો અને વૉટ્સએપ ગ્રુપમાંથી હાંકી કાઢો.

૧૦. રામ લખન સીતા મન બસિયાઃ તમને જેમના માટે પૂજયભાવ છે તેમનો પરિવાર પણ તમારા માટે એટલો જ નિકટ હોવો જોઈએ. સમગ્ર પરિવારનું હિત તમારે હૈયે હોવું જોઈએ-માત્ર પૂજનીય કે પ્રિય વ્યક્તિનું જ નહીં. આનું કારણ છે. એ વ્યક્તિને ચોવીસે કલાક તો એનો પરિવાર જ સાચવે છે ને. એમનું ભોજન, એમનો વિશ્રામ, એમના વ્યવહારો-આ બધી જ વ્યવસ્થા એમના પરિવારે જ એમના માટે કરવાની હોય છે. તો માત્ર એમને જ નહીં, પરિવારને પણ આદર આપો. રામભક્ત તમે ખરા પણ સીતા-લક્ષ્મણને પણ તમારી ભક્તિના દાયરામાં રાખો.

૧૧. સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા. બિકટરૂપ ધરિ લંક જરાવા. ભીમ રૂપ ધરિ અસુર સંહારે. રામચંદ્ર કે કાજ સંવારેઃ જે કંઈ કાર્યો કરવાના છે તે ત્રણ પ્રકારે કરવાનાં છે. સૂક્ષ્મરૂપે, વિકટરૂપે અને ભયંકરરૂપે. હનુમાનજી વારાફરતી આ ત્રણેય રૂપ ધારણ કરીને સીતાજી સમક્ષ પ્રગટ થયા પછી એમણે લંકા જલાવી અને પછી રાક્ષસોનો નાશ કર્યો. જે કામ કરવામાં બીજા કોઈનેય જાણ ન થવી જોઈએ એમ હોય ત્યારે સૂક્ષ્મરૂપે કામ કરવાનું. ચુપચાપ. હું જાણું અને એ જાણે. કામ થવું જોઈએ. બીજા કોઈનેય એની જાણ કરવાની જરૂર નથી. કેટલાક નિર્ણયો લેવાનું કામ કપરું હોય છે. ઊંટની પીઠ પર છેલ્લું તણખલું મુકાય તે પહેલાં જ વિકટ નિર્ણય કરી લેવાનો હોય જે સમસ્તના હિતમાં હોય. આવો નિર્ણય કરતી વખતે સૂકા ભેગું લીલું ય બળી જવાનું છે એનો ખ્યાલ રાખવો પણ ઝાઝો અફસોસ ન કરવો. સમગ્રતયા દૃષ્ટિ કેળવીને જ વિકટ નિર્ણયો લેવાય. ઓસામા બિન લાદેનનો વધ કરવા અમેરિકન લશ્કરની ‘સીલ’ ટીમ પાકિસ્તાન ગઈ ત્યારે એમણે ગણતરી રાખેલી કે કદાચ એના કોઈ ફેમિલી મેમ્બર અડફટે ચડી જાય તો ચડી જાય પણ ઓસામા બિન લાદેનનો ખાતમો તો કરવાનો જ છે.ભીમ રૂપ એટલે પોતાની ભયંકર તાકાતનું પ્રદર્શન. લોકો થરથરવા જોઈએ તમારા કોપથી. (બાલાકોટની એર સ્ટ્રાઇક પછી દુશ્મનો ભારતથી કાંપતા થઈ ગયા).

૧૨. લાય સંજીવન લખન જિયાયે. શ્રી રઘુબીર હરષિ ઉર લાયેઃ તમારા માટે જે આદરણીય, પૂજનીય, પ્રિય વ્યક્તિ છે-એમને જે ગમતી વ્યક્તિ હોય એની કાળજી તમે કરો છો ત્યારે તમારા માટેની આદરણીય વ્યક્તિના જીવનમાં અત્યંત હર્ષ વ્યાપી જાય છે અને આ સેવા માત્ર લિપ સર્વિસ નથી. માત્ર મીઠું મીઠું બોલવાથી આ કાળજી વ્યક્ત થવાની નથી. તમારે ખરેખર સંજીવની લેવા દોડવાનું છે. ફિઝિકલ કામ કરવાનું છે અને એમાં બહાનાબાજી નથી કરવાની. કઈ જડીબુટ્ટી લાવવાની છે તે ભૂલી જાઓ તો મોં વકાસીને ખાલી હાથે પાછા આવવાને બદલે આખો પહાડ લઈ આવવાનો. ડેડિકેશન એને કહેવાય.

૧૩. જમ કુબેર દિક્પાલ જહાં તે. કબી કોબિદ કહિ સકૈં કહાં તેઃ તમારી સિદ્ધિઓ એવી હોવી જોઈએ કે કોઈ જાહેરમાં તમારો પરિચય આપતાં જ્યારે કહે કેઃ ‘આમની ઓળખાણ આપવી એ તો સૂરજ સામે દીવો ધરવા જેવું છે’ ત્યારે એ શબ્દો અક્ષરશઃ તમને લાગુ પડે. તમારું નામ જ તમારી ઓળખાણ બની જાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની. જીવનમાં એવાં કામ કરવાનાં કે યમ, કુબેર, દિગ્પાલ, કવિઓ અને વિદ્વાનો તમારી કીર્તિની યશોગાથા ગાવામાં ઊણા ઉતરે.

૧૪. તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હાઃ તમારી નિષ્ઠા ભલે એકમેવ હોય પણ એ નિષ્ઠાના વિસ્તારનો લાભ તમારા સમગ્ર સમાજને મળવો જોઈએ. સુગ્રીવને રામ સાથે મેળવીને એને એનું રાજ પાછું મેળવવામાં હનુમાનજીનો ક્યાં કોઈ સ્વાર્થ હતો? સમાજ માટે એવાં કાર્યો નિરંતર કરવાનાક જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય પણ બધાનું ભલું થતું હોય.

૧૫. તુમ્હરો મંત્ર બિભીષન માના, લંકેશ્વર ભયે સબ જગ જાનાઃ તમારામાં લોકોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે દુશ્મન પણ તમારી સલાહ લેવા આવે, તમારી સાચી સલાહને એ અનુસરે ને છેવટે એ તમારો મિત્ર બની જાય જેને કારણે એને પોતાને પણ લાભ થાય ને તમને પણ. આવી નિષ્ઠા, આવું ચારિત્ર્ય ત્યારે કેળવાય જ્યારે તમે હંમેશાં સત્યને જ સાથ આપો છો એવી જગતને ખાતરી હોય.

હનુમાન ચાલીસામાંથી જીવનમાં ઊતરવા જેવી બાકીની ૧૫ વાતો હવે
પછી. હનુમાનજી જેવી એકનિષ્ઠા, તત્પરતા અને એકાગ્રતા સૌને પ્રાપ્ત થાય એવી પ્રભુ રામચંદ્રજીને પ્રાર્થના.

15 COMMENTS

  1. Saurabh Bhai,

    You are great person !

    May God give you more strength to serve & guide all our community.

    You are trying your best ! 👌

    We are all need you for a long l….ong time to give us great knowledge in lots of different topics ! 🙏

    God always with us
    &
    gave us great opportunity,

    if we know
    how to utilize !

    Unfortunately only we got troubles,

    when we succeed & we feel I’m doing !!!

    Try to follow his guidance then
    no worry.

    just remember,

    ‘ Prabhu tum Bahut
    Anugrah (krupa)
    kinho ! ‘ 👏

    Only we got troubles when don’t have trust and when we are not following as per Our parent’s & God’s guidance !

    It is bitter truth but hard to understand & follow ! 😂

  2. ખરેખર સુંદર માહિતી. જયશ્રી રામ.જય હનુમાન.

  3. Sir,
    Thanks for this in depth meaning. I was asked to learn it by heart. Though, I read it daily, I could not remember the entire chalisa. But with this real meaning, it would be not only easier to remember but also practice or actually follow the real meaning. Thanks once again for this article. Looking forward to the remaining narration. Hopefully very soon

  4. Jay shree kishana everyone’s INDIA very very beautiful words my brother Rajnikant Raja send me link I am really happy to reed all very very useful in life to live I am very very proud to Indin this busy life in U.k to reed to manny things to learn this life I am very experienced to reed good luck all way give updates your life experience please take care be safe in your on holiday home I love my INDIA and miss my INDIA every one very very happy in your beautiful house and home and all INDIA nea Mara pranam ???????

  5. આદરણીય સૌરભભાઇ,
    તમારા લેખ એક એકથી ચડિયાતા તો હોય જ છે પણ સાથે સાથે સરળ અને દિલ અને દિમાગ માં ઉતરી જાય છે. ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સમાજ માટે નવા નવા લેખો પ્રકાશિત કરી અમારા જ્ઞાન માં વધારો કરતાં રહો તેવી અભ્યર્થના.
    રજનીકાંત રાજા, રાજકોટ

  6. Thank you.गुरूबिन ज्ञान कहांसे पाअऊं ? धन्यवाद नमस्कार

  7. સૌરભભાઇ સરળ ભાષામાં હનુમાન ચાલીસા સમજાવવા માટે આભાર. બાકી હનુમાન ચાલીસા વાંચી તો ઘણી વાર પણ સારી રીતે સમજાણી હવે.

  8. સૌરભભાઈ બહુજ સુંદર અને સરળ ભાષામાં હનુમાન ચાલીસા સમજાવવા માટે આભાર. બાકી આપે જેમ લખ્યું તેમ વાંચી તો ખુબ ખુબ વખત.

  9. I want to go back a little.
    Some days ago you wrote about social distancing during current pandemic, how our ancestors practiced it in their daily life & as a result of which how untouchability & cast system came into existence.
    Very convincingly & beautifully explained.
    I’m sure even most of the elderly did not know…!!!

  10. What a great explanation! Saurabh bhai aap ne Sarswati mata na asshirwad. Tamari Kalam dwara malta lekh amaaru gnan vadhhare chhe. Aap no khub abhhar. Dar roj tatparta thi tamaro lekh vanchi ne man manthan karie chhie.

    Jay Shree Raam.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here