તમારું તેજ તમારા જ કન્ટ્રોલમાં

ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ
(‘લાઉડમાઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, November 9, 2016)

ગોસ્વામી તુલસીદાસે હનુમાનજીની સ્તુતિમાં ચાળીસ ચોપાઈઓ લખી. (આરંભના બે અને અંતનો એક – આ દુહા જુદા ગણવાના) ૧૬મી સદીના સંતકવિની આ રચના ૨૧મી સદીમાં પણ કરોડો લોકોને કંઠસ્થ હોય એ કેટલી મોટી વાત છે. દુનિયામાં એવી કેટલી ભક્તિરચનાઓ હશે જે આટલી લાંબી હોવા છતાં અને જેની રચનાને પાંચ સદીઓનો ગાળો વીતી ગયો હોવા છતાં એનો સંપૂર્ણ પાઠ કરોડો બાળકો-વયસ્કોને મોઢે હોય. હનુમાન ચાલીસા અનેક રીતે અદ્વિતીય છે. એમાંથી શીખવા જેવી પંદર વાતો વિશે આપણે જાણ્યું. આજે બાકીની પંદર વાતોઃ

૧૫. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતેઃ
હનુમાનજીના સ્મરણથી એમની કૃપાથી આપણાં અતિ દુર્ગમ કામો પણ પાર પડતાં હોય છે. હનુમાનજી પર સ્વયં પ્રભુ રામચંદ્રજીની કૃપા હતી. તમારા પર હનુમાનજીની કૃપા ત્યારે વરસે ત્યારે તમારામાં હનુમંત સમાન એકનિષ્ઠા, તત્પરતા અને એકગ્રતા આવે. તમારા પોતાના સાથીઓમાંથો જેઓ તમારા પ્રત્યે આવી એકનિષ્ઠા રાખતા હોય, તમારાં ચીંધેલાં કામ ચીંધતાં પહેલાં જ પૂરાં થાય એવી તત્પરતા રાખતા હોય અને તમે જે કંઈ કરી રહ્યા છો તે તમામ કાર્યોને એકગ્રતાપૂર્વક નિહાળીને એમાંથી બે વસ્તુ શીખવાની કોશિશ કરતા હોય એમનાં દુર્ગમ કામો આસાન થઈ જાય તે જોવાની જવાબદારી તમારી. તમારે એમની જરૂરિયાતો સમજીને એમના માર્ગ પરની કઠણાઈઓ દૂર કરી આપવાની. હનુમાનજીના ગુણો તમારા પોતાનામાં ખિલવવા હોય તો આ પવિત્ર શબ્દોમાંથી જે શીખવાનું છે તે શીખીને અને શીખેલી વાતોને જીવનમાં ઊતારીને આસપાસના લોકોને એના ફળનો લાભ આપવો એમાં જ હનુમાન ચાલીસાના પઠનની કે રટણની સાર્થકતા છે.

૧૬. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે. સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરનાઃ તમારાં સ્વજનોને તમારા પર એવો અતૂટ વિશ્વાસ હોવો જોઈએ કે તમે એમના જીવનમાં છો એટલે એમને આપોઆપ કોઈપણ આપત્તિનો સામનો કરવાનું બળ મળી ગયું. પોતે નિશ્વિંત છે. જેમ હનુમાનજી રક્ષક હોય ત્યારે કોઈનેય કશાનો ડર નથી હોતો તેમ તમારી ફરજ છે કે જેમને તમે પ્રિય છો, જેમના માટે તમે આદરણીય છો એમના તમામ પ્રકારના ડર તમે દૂર કરો, એમને ભયમુક્ત રાખો.

૧૭. આપન તેજ સમ્હારો આપૈઃ તમારું તેજ તમારા કાબૂમાં છે. તમારી પ્રચંડ શક્તિઓ પર તમારા એકલાનો જ કન્ટ્રોલ છે. તમારા પર બીજું કોઈ હાવી થઈ શકે એમ નથી. આવું ક્યારે બને? જ્યારે તમે સ્વંયપ્રકાશિત હો. તમારું તેજ, તમારી તાકાત ઉછીનાં લીધેલાં ન હોય. જેઓ પોતાની તેજસ્વિતા બીજાઓના ડહાપણમાંથી ચોરીને લઈ આવે છે એમનું તેજ ઝાઝું ટકતું નથી.

૧૮. ભૂત પિશાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ: આ જગત ઉપદ્રવી લોકોથી ભર્યું છે. સજ્જનોના હવનમાં હાડકાં નાખવા માટે રાક્ષસજનો તૈયાર જ બેઠા હોય છે. સારું કામ લઈને તમે બેઠા નથી ને તમારા હવનમાં હાડકાં જ નહીં આખેઆખાં હાડપિંજર નાખવા લોકો ટોળે વળતા હોય છે. પણ તમારું નામ, તમારા ભૂતકાળનું કામ એવું હોવું જોઈએ, તમારી પ્રતિભાનો દબદબો એવો હોવો જોઈએ કે એ નામ પડતાંની સાથે જ આ ભૂત-પિશાચ જેવી પ્રજા સો જોજન દૂર ભાગે, અને દૂર રહીને પણ ફડ ફડ કાંપે. તમારાં વીરતાભર્યા કામ તમને મહાવીર બનાવશે.

૧૯. નાસૈ રોગ હરૈ સબ પીરા: તમારાં સ્વજનોને પીડામુક્ત કરવાની જવાબદારી તમારી. એમને સંકટમાંથી છોડાવવાની જવાબદારી પણ તમારી. સ્વજનો કોને કહેવાય? જે તમારા માટે તન-મન-ધનથી ખર્ચાઈ જાય. આવાં સ્વજનો માટે તમારે એ બધું જ કરવાનું જે તમે હનુમાનજી તમારા માટે કરશે એની આશા રાખી રહ્યા છો.

૨૦. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. ઔર મનોરથ જો કોઈ લાવૈ. સોઈ અમિત જીવન ફલપાવૈઃ આ એક સુંદર અમૃતચક્ર છે. પ્રભુ રામચંદ્ર આ જગતમાં રહેલા એમના તમામ ભક્તોના મનોરથ પૂરા કરે છે. પ્રભુ રામચંદ્રના તમામ કામ હનુમાનજી પાર પાડે છે. તમે જે કંઈ ચાહો છો તેની ફળપ્રાપ્તિ તમને હનુમંત આરાધનાથી પ્રાપ્ત થાય છે. તો પછી તમારા મિત્રો-શુભેચ્છકો-કુટુંબીઓ-ચાહકોની તમારી પાસેથી જે કંઈ અપેક્ષા રાખતા હોય તેને ફુલફિલ કરવાની જવાબદારી તમારી.

૨૧. સાધુ સન્ત કે તુમ રખવારેઃ હનુમાનજીની જેમ તમારે પણ આ દુનિયામાં જે લોકો સારું કામ કરી રહ્યા છે તે સૌનું રક્ષણ કરવાનું છે. આજના જમાનામાં આ રીતનું રક્ષણ ગદા કે ધનુષ્યબાણથી કરવાની જરૂર નથી રહેતી. ફેસબુક કે બીજા સોશિયલ મીડિયા પર તમે સજ્જનોનો બચાવ કરી શકો છો. તમારી કમેન્ટ્સ, લાઈક્સ, ડિસ્લાઈક્સ દ્વારા. જેઓ આ દુનિયાને એક ડગલું આગળ લઈ જવાના પ્રયત્નોમાં દિન-રાત ગળાડૂબ છે તે સૌ આજના સાધુ-સંતો છેે.

૨૨. અસુર નિકંદન રામ દુલારેઃ અને માત્ર સાધુપુરુષોના રક્ષણથી કંઈ નહીં વળે અસુરોનું નિકંદન પણ કરવું પડશે. આ દેશની સંસ્કૃતિ, પરંપરાને રગદોળી નાખવા માગતા અસુરોને મારી હટાવવા પડશે. એમને એમના ટૂંકા સ્વાર્થો સિદ્ધ કરવામાં ફાવવા નહીં દેતા. હનુમાનજી આ જ રીતે રામજીના પ્યારા બન્યા. તમારે જો હનુમાનજીના પ્યારા બનવું હોય તો તમારી આસપાસના અસુરોને શોધીને એમનું ‘નિકંદન’ કાઢી નાખવાનું.

૨૩. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતાઃ અષ્ટ સિદ્ધિ એટલે યોગથી પ્રાપ્ત થતી આ ૮ સિદ્ધિ-અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. આ આઠેયનો સરવાળો થાય-જીવનમાં લીલાલહેર. નવ નિધિ એટલે કુબેરના ખજાનામાં રહેલાં ૯ પ્રકારના રત્નઃ કચ્છપ, મુકુંદ, નંદ અથવા કુંદ, વર્ચ્ચ, મકર, નીલ, શંખ, પદ્મ અને મહા પદ્મ. આ ઉપરાંત બીજા નિધિઓ પણ છે. આ બધા નિધિ લક્ષ્મીના આશ્રિત છે. જેને તે પ્રાપ્ત થાય તેના પર ભિન્ન ભિન્ન પ્રકારે ધનવર્ષા થાય છે.

૨૪. જનમ-જનમ કે દુઃખ બિસરાવેઃ તમારું સ્તુતિગાન મને પ્રભુ રામ પાસે લઈ જાય છે, હે હનુંમતવીરા. તમારી ભક્તિ કરવાથી મને પણ પ્રભુ જન્મોજનમના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. દુનિયાના વહેવારોમાં જે પ્રિયજનો તમારું સ્મરણ કરતા હોય એમને ક્યારેક તમારે પણ સામેથી યાદ કરવા, મળવું અને એમને સુખ આપવું. સુખ આપી ન શકાય તો કમ સે કમ એમનું દુઃખ જરૂર દૂર કરવું.

૨૫. ઔર દેવતા ચિત્ત ન ધરઈઃ બધી ભાષાઓને માન આપીએ પણ માતૃભાષાનું ગૌરવ તો ગુજરાતીને જ. દુનિયાના તમામ દેશોની પ્રજા સાથે આદર સત્કારનો વહેવાર રાખીએ પણ માતૃભૂમિ તો એક જ, ભારત. એ જ રીતે બધી વાતે મને આ પણ ગમે છે, તે પણ ગમે છે અને એ પણ ગમે છે એવું કહીને વહેંચાઈ જવાને બદલે અમુક બાબતોમાં એકનિષ્ઠ થઈએ.

૨૬. સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલબીરાઃ સ્મરણમાત્રથી સંકટ દૂર થતું હશે કંઈ? પીડા મટી જતી હશે કંઈ? હા. જો એ સ્મરણ પાછળ વર્ષોનું તપ હોય. વર્ષો સુધી તમે સ્મરણ કરતાં કરતાં તમારામાં પણ એવા ગુણો ખીલવ્યા હોય જે હનુમંતવીરામાં છે તો ખરેખર સંકટ આવશે ત્યારે એમનું સ્મરણમાત્ર તમને પ્રચંડ તાકાત આપશે, એમના સ્મરણથી તમને એવાં એવાં કાર્યો કરવાની પ્રેરણા મળશે જે તમારાં બધાં જ દુઃખ, તમારી બધી જ પીડા-વેદના દૂર કરશે.

૨૭. જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં: જેઓ સંત છે, જેમની વૃત્તિમાં સાધુપણું છે તેમની કૃપાદ્દષ્ટિ મેળવવા હંમેશાં એમની નિશ્રામાં રહેવું. એમનો છાંયો તમારા પર પડતો હશે તો તમામ તડકી છાંયડીઓનો સામનો તમે કરી શક્શો.

૨૮. જો શત બાર પાઠ કર કોઈ, છૂટહિ બંદિ મહા સુખ હોઈઃ સો વાર હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો બંદિગૃહમાંથી, પોલીસ કસ્ટડી કે જેલમાંથી તમારી મુક્તિ થઈ જશે એવું માનવાની જરૂર નથી. પણ સો વાર પઠન કર્યા પછી અર્થાત્ એનું હાર્દ પૂરેપૂરું સમજીને જીવનમાં ઉતારી લીધા પછી આ દુન્યવી વળગણોના બંધનમાંથી તમે છૂટી જશો. પછી તમે સંસારમાં હોવા છતાં એક સાધુની જેમ હળવાશથી, પીછું હવામાં તરતું હોય એટલી આસાનીથી જીવી શકશો.

૨૯. જો યહ પઢે હનુમાન ચાલીસાઃ મહાત્મય દર્શાવતી આ છેલ્લી ચોપાઈનો ભાવાર્થ એ કે જેમ હરિને ભજતાં હજુ સુધી કોઈની લાજ ગઈ હોય એવું જાણ્યું નથી એમ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કયારેય કોઈનું અહિત નથી થયું, વહેલી કે મોડી ફળની પ્રાપ્તિ જ થઈ છે. માટે જો ધાર્યું તરત ન મળે તો પાઠ કરવાનું પડતું નહીં મૂકવું. તુલસીદાસની જેમ સદાયને માટે પ્રભુના ચરણસેવક બનીને રહેવું.

૩૦. પવનતનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂપઃ સમાપનના આ દુહામાં સૌને યાદ કરીને હૃદયમાં સમાવાયા છે. શુભનો વાસ હોય એવા મનમાં અશુભ ટકતું નથી. સારા વિચારોના આગમનથી આપોઆપ નકામા વિચારો બહાર ધકેલાઈ જાય છે. હનુમાન ચાલીસાના દરેક શબ્દનો અર્થ સમજી, એની દરેક ચોપાઈનું આપણા જીવનના સંદર્ભમાં અર્થઘટન કરીને રટણ કરીએ છીએ ત્યારે ઘણી શાતા મળે છે. હવે જ્યારે હનુમાનજીની સ્તુતિ કરો ત્યારે આ વાત ધ્યાનમાં રાખજો. તમારી આધ્યાત્મિક સમૃદ્ધિમાં ઔર વધારો થશે.

સાયલન્સ પ્લીઝ!

શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારે.

બરનઉં રઘુબર બિમલ જસુ જો દાયકુ ફૂલ ચારે.

–હનુમાન ચાલીસા (ઈન્ટ્રોડક્ટરી દોહો)

7 COMMENTS

  1. Very Excellent…. .. .,

    Chalo, Aapne te aapana jivan ma utariye.. .. . ane sarthak kari Batavi e.. .pavitra tan-man-Dhan ane sankalp thi…. .. .,

    “JAY JAY SHREE RAM”

    જય જય શ્રી રામ… .. પ્રભુ… ..

  2. Dear Saurabhbhai,
    Jay Shree Ram and Shree Hanumantey Namah ..
    Your interpretation of Hanuman Chalisha is Really Wonderful my wholehearted compliments for the same . May God Bless you very very long active healthy life like our very respectful Padmashree Nagindas
    Sanghavi Saheb .Once again Thanks a lot ..

    • Thank you. Looking to the health of Sanghavisaheb I left smoking before 4 years. I have written about in in my column at that time. And 2 years ago I left drinks. I have written a long article ગયાં વર્ષો ચાળીસ , રહ્યાં વર્ષો ચાળીસ two years back when I completed 40 years of my career suggesting that I have another full 40 years of writing ahead of me!

  3. હનુમાન જયંતી ની શુભેચ્છા,
    એકદમ વર્ગીકૃત પ્રસંગોચિત લેખ. ગુજરાતી વાંચક તરીકે, ગુજરાતી સમાચાર માં અપમૃત્યુ માટે મોત કે મૌત શબ્દ હાલની પિસ્થિતિમાં સતત વાંચવા સાંભળવા મળે છે. આ સિવાય પણ અન્ય ઘણાં શબ્દો છે કે જેનાથી લખાણ વાંચવા પ્રત્યે અણગમો થાય, આપના લેખ બાબતે આનંદ છે!
    આપને નમ્ર વિનંતિ કે આપ સાથે સંકળાયેલ માધ્યમો આવા કપરા સમયમાં યથા યોગ્ય શબ્દો ઉપયોગમાં લે તો સમાચાર માધ્યમ માં સુરુચિ જળવાઈ શકે.
    આભાર

  4. Shresth lekh ane samaj aaptu vivran. Prabhu Ram chandra na janam divse, sankalp karie ke Samgra Vishwa ma a mahamari nu nivaran nikale ne loko ni muskhelio dur thay. Prabu Koi Doctor ke Scientist dwara aan upaay sodhi kaadhe.

    Jay Shree Ram.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here