કરવું તો ઘણું હતું જિંદગીમાં, પણ… : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૧ મે ૨૦૨૩)

જિંદગીમાં જે કરવાનું ખૂબ મન હોય તે કરતાં તમને કોઈ રોકી શકતું નથી.

તમે અત્યારે જે કંઈ કરો છો તે નહીં પણ કંઈક બીજું કરવું હતું તમારે? શું કામ? કારણ કે જે કરવું હતું તે કરવા માટે જે છોડવું પડે એમ હતું તે છોડવા તમે તૈયાર નહોતા.

તમે એને મજબૂરીનું રૂપાળું નામ આપ્યું. કોઈકના માટે તમે તમારું મન મારીને એમનું કહ્યું માન્યું એવું કહો છો ત્યારે તમે ભૂલી જાઓ છો કે એનો રિયલ મીનિંગ શું થયો?

રિયલ મીનિંગ એ થયો કે તમારે જે કરવું હતું એના મૂલ્ય કરતાં તમે જેમના માટે એ કરવાનું જવા દીધું એમના પ્રત્યેની લાગણી તમારા માટે વધારે મૂલ્યવાન હતી. તમે વધુ મૂલ્યવાન અને એના કરતાં ઓછા મૂલ્યવાન વચ્ચે પસંદગી કરી.

તો પછી હવે ફરિયાદ નહીં કરવાની. તે વખતે મારી પરિસ્થિતિ એવી હતી કે જો હું એ કરવા જઉં તો મારું કુટુંબ રખડી પડે એવું કહીને હવે અત્યારે ત્યાગમૂર્તિમાં ખપવાની કોશિશ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તે વખતે તમે એ જ પસંદ કર્યું જે તમને વધારે વહાલું લાગ્યું, જેમાં તમને તમારું ફયુચર દેખાયું. જે છોડી દીધું એના કરતાં પેલામાં વધારે ઉજ્જવળ ભવિષ્ય દેખાયું.

શક્ય છે કે અત્યારે તમને લાગતું હોય કે તમારી ગણતરીઓ ઊંધી પડી છે અને તમારે એ નહોતું કરવું જોઈતું જે તમે કર્યું, તમારે એ જ કરવું હતું જે તમે છોડી દીધું.

પણ શક્ય એ પણ છે કે એ બીજો વિકલ્પ અપનાવ્યા પછી પણ તમારી ગણતરીઓ ખોટી પડી શકી હોત. કદાચ પહેલા કરતાં બીજા વિકલ્પની ગણતરીઓ વધારે ખોટી પુરવાર થઈ હોત એવું પણ બને.

ઈન ઍની કૅસ, બે વાત છે: એક, માણસ જે ધારે છે તે કરી શકે છે અને બે, ધાર્યું કરવાને બદલે કંઈક બીજું કરીએ છીએ ત્યારે ફરિયાદ નહીં કરવાની, અફસોસ નહીં કરવાનો, વિકિ્ટમાઈઝ્ડ ફીલ નહીં કરવાનું – આખરે એ નિર્ણય પણ તમારો જ હતો. અને જો એ નિર્ણય તમારો ન હોય અને બીજા કોઈના નિર્ણયને તમે માન આપ્યું હોય તો એનો મતલબ એ કે તમને તમારું ધાર્યું કરવા કરતાં એ નિર્ણય લેનારી વ્યક્તિની લાગણીની વધારે પડી હતી. અથવા એવું પણ બને કે તમે કોઈના કે બધાના વિરુદ્ધ જઈને નિર્ણય લેશો તો એનાં જે પરિણામો સર્જાશે તે પરિણામો સહન કરવાની તમારી શક્તિ નહીં હોય. તમને ડર લાગતો હશે કે બધા મને તરછોડી દેશે તો? મારી સપોર્ટ સિસ્ટમ છિનવાઈ જશે તો? મારું ધાર્યું કરવાની જીદમાં હું જેમને નારાજ કરું છું એમની જરૂર પડશે ત્યારે એ મને સાથ નહીં આપે, મદદ નહીં કરે તો?

જિંદગીમાં જે લોકોએ સિદ્ધિ મેળવી છે એમણે આવા ડરનો સામનો કર્યો છે, આવા ડરને જીત્યો છે અને પોતાની જીદ પૂરી કરવા માટેની મક્કમતા દેખાડ્યા પછી જે પરિણામો સર્જાયાં તેનો સામનો પણ કર્યો છે.

મારું કેવું લાગશે અને લોકો શું કહેશે એવા ડરની પાછળ ખરો ડર એકલા પડી જવાનો હોય છે. ડિફાયન્ટ બનીને ધાર્યું કરવાનો નિર્ણય કર્યા પછી છેક છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જઈએ છીએ કારણ કે તે વખતે વિચાર આવે છે કે: સપોઝ જે મેળવવા આવું બધું કરું છું તે નહીં મળ્યું તો? કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈશ? અને એથી વધારે તો આ વાત સતાવે છે – મારે રસ્તે આગળ વધવાની જીદમાં અત્યારે જે કંઈ મારી પાસે છે તે ઓછું થઈ જશે, છિનવાઈ જશે તો? લોકો મારી આ મૂર્ખામીને ક્યારેય માફ નહીં કરે.

મારે જે કરવું હતું તે નથી થઈ શક્યું એ માટે બીજાઓને બ્લેમ કરવા બહુ આસાન છે. છટકબારી છે આ. લોકોની સહાનુભૂતિ મેળવવાનો સરળ રસ્તો છે આ. જાણે-અજાણે તે વખતની પરિસ્થિતિનાં કેટલાંક પાસાં અર્ધપારદર્શક રાખીને કે બિલકુલ છુપાવીને આપણે બીજાઓને અને આપણી પોતાની જાતને છેતરતાં રહીએ છીએ કે: આમાં તો મારી મજબૂરી હતી, મેં લાખ પ્રયત્નો કર્યા પણ એમણે ના પાડી, તે વખતના મારા સંજોગો જ જુઓને કેવા હતા, મેં ધાર્યું હોત તો ઘણું થઈ શકયું હોત પણ મને મારી ફરજ આડે આવી.

મજબૂરી, ફરજ, કર્તવ્ય, જવાબદારી જેવાં રૂપાળાં શબ્દોની આડમાં આપણે આપણો ડર છુપાવતા હોઈએ છીએ અને ઘણી વખત તો આપણને પોતાનેય એની ખબર નથી હોતી.

તે વખતે જ નહીં, આજે – આજની તારીખે પણ, તમે તમારું ધાર્યું કરી શકો એમ છો. જિંદગીનાં પાંચ-દસ-વીસ-પચાસ, જેટલાં વર્ષ બાકી હોય એટલાં – તમે તમારી રીતે હજુ પણ જીવી શકો એમ છો. તે વખતે જે ન છૂટી શકયું એના કરતાં હવે કદાચ વધારે છોડવાની જરૂર પડે કારણ આ વીતેલાં વર્ષોમાં તમે છોડવા જેવી અનેક વસ્તુઓનાં પોટલાં બાંધી દીધાં છે.

પણ જો ડર લાગતો હોય – કોઈ પણ પ્રકારનો – તો પછી ફરિયાદ કરવાનું માંડી વાળો. અને હા ફરજ – જવાબદારી જેવા શબ્દોની આડશ તો લેતા જ નહીં, સિવાય કે તમારે તમારી જાતને છેતરવી હોય.

ધાર્યું કરવા માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડતું હોય છે. તમારે નક્કી કરવાનું છે. તમને શું વધારે પ્યારું લાગે છે, શું વધારે મૂલ્યવાન લાગે છે – તમારો કમ્ફર્ટ ઝોન? કે પછી તમારાં સપનાં?

સગવડોની આદત પડી ગયા પછી હૃદયની ખરી જરૂરિયાતો સંતોષવાની પૅશન મોળી પડી જતી હોય છે.

પાન બનારસવાલા

દિલો મેં તુમ અપની બેતાબિયાં લેકે ચલ રહે હો

તો ઝિન્દા હો તુમ

નઝર મેં ખ્વાબોં કી બિજલિયાં લેકે ચલ રહે હો

તો ઝિન્દા હો તુમ…

હવા કે ઝોંકો કે જૈસે આઝાદ રહના સીખો

તુમ એક દરિયા કે જૈસે લહરોં મેં બહના સીખો

હર એક લમ્હે સે તુમ મિલો ખોલે અપની બાહેં

હર એક પલ એક નયા સમાં દેખે યે નિગાહેં

જો અપની આંખોં મેં હૈરાનિયાં લેકે ચલ રહે હો

તો ઝિન્દા હો તુમ

દિલોં મેં તુમ અપની બેતાબિયાં લેકે ચલ રહે હો

તો ઝિન્દા હો તુમ…

– જાવેદ અખ્તર

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Last line: Sagwado ni adat padya pachhi, hraday ni khari jaruriato puri karwani passion khatam thai jati hoy chhe. This is gold. So true

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here