બ્રાન્ડેડ માલની ‘ફર્સ્ટ કૉપી’ના શોખીનો માટેઃ સૌરભ શાહ

( તડક ભડકઃ ‘ સંદેશ ‘, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 26 સપ્ટેમ્બર 2021)

દરેક જાણીતી ચીજવસ્તુનો બનાવટી માલ બજારમાં ફરતો રહે છે. આ ફેક પ્રોડક્ટ્સને કેટલાક લોકો ‘ફર્સ્ટ કૉપી’ જેવું છેતરામણા અને ગેરમાર્ગે દોરનારા લેબલથી ઓળખે છે. આ ‘ફર્સ્ટ કૉપી’ એટલે વાસ્તવમાં નકલી માલ, બનાવટી માલ.

નકલી દવાઓ, ખાવાપીવાની બનાવટી ચીજવસ્તુઓ તમારી તબિયત પર ગંભીર અસર કરી શકે છે. નકલી માલ સસ્તો મળે છે તો લઈ લઈએ અને બ્રાન્ડેડ કપડાં, શૂઝ, સનગ્લાસીસ વગેરે પહેરવાના અભરખા પૂરા કરીએ એવું વિચારનારાઓને ખબર નથી હોતી કે આ બનાવટી માલ કોણ બનાવે છે, બનાવનારાઓની કમાણી શેમાં વપરાય છે.

યુરોપમાં મુસ્લિમ શરણાર્થીઓનો ધસારો થયા પછી સ્વીડન અને નૉર્વે જેવા શાંતિના પ્રતીક જેવા દેશોમાં પણ ઇસ્લામિક આતંકવાદે જબરદસ્ત જોર પકડ્યું છે. સ્પેન માટે આ પ્રશ્ન ઘણો જૂનો છે. 2004માં સ્પેનની રાજધાની માડ્રિડની સ્થાનિક ટ્રેનમાં થયેલા બૉમ્બ ધડાકાએ 193 લોકોનો જીવ લીધો. આ બૉમ્બ ધડાકાનું કાવતરું અલ-કાયદાએ ઇરાકમાં રહીને ઘડ્યું હતું એવા પુરાવાઓ કોર્ટમાં માન્ય રાખવામાં આવ્યા.

બનાવટી ચીજવસ્તુઓના ઉત્પાદન સાથે આ બૉમ્બ ધડાકાઓને શું લેવા દેવા? આ કાવતરું ઘડવા માટેનું ફાઇનાન્સ ફેક એટલે કે કાઉન્ટરફીટ ચીજવસ્તુઓના ઉત્પાદકો પાસેથી આવ્યું હતું.

તમને જો એમ થાય કે હું સસ્તામાં મળતા નાઇકીના બનાવટી શૂઝ પહેરીને મહાલું કે પછી લુઈ વિતોંની નકલી હેન્ડ બૅગ હાથમાં રાખીને વટ પાડું એમાં કોઈના બાપનું શું જાય? તો વિચારજો કે આવું કરવાથી કોઈનો જાન જઈ શકે છે અને કદાચ તમારો પોતાનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. માડ્રિડની ટ્રેનમાં ફરવાનું તમારા નસીબમાં કદાચ ન હોય તો પણ તમે તમારા પોતાના શહેરની ટ્રેન-બસમાં કે રસ્તે જતાં બૉમ્બ ધડાકાનો ભોગ બની શકો છો.

અમેરિકાની સરકારે એકલા ન્યુ યૉર્કના જે.એફ.કે. ઍરપોર્ટ પર ગયા વર્ષે રૂ.9,600 કરોડ કરતાં વધારેનો બનાવટી માલ કસ્ટમ્સમાં પકડીને નષ્ટ કર્યો હતો. સવા બિલિયન ડૉલરથી પણ વધુની કિંમતનો માલ!

દરેક જાણીતી બ્રાન્ડના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હોય છે. આ આઈ.પી.આર.ને કારણે એમની પરવાનગી વિના બીજું કોઈ એવી પ્રોડક્ટ બનાવી શકતું નથી. મૂળ કંપની પાસે આ પ્રોડક્ટના નામનો ટ્રેડમાર્ક પણ હોય છે અને ઘણી વખત એના ઉત્પાદનની રીતની તથા પ્રોડક્ટની ડિઝાઇનની પેટન્ટ પણ હોવાની.

અમેરિકામાં આવેલા બનાવટી માલમાંથી લગભગ અડધો અડધ – 48 ટકા નકલી માલ ચીનથી આવ્યો હતો. ચીનથી આવ્યો એનો અર્થ એ નથી કે આ માલનો તમામ પ્રોફિટ ચીનાઓ મેળવે છે. નાઇજિરિયાથી માંડીને અનેક આફ્રિકન દેશોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો આ નકલી માલની ફેક્ટરીઓના અસલી માલિક હોય છે. ચીન પછી વારો હોંગકોંગનો આવે (35 ટકા) અને એ પછી આવે સિંગાપોર.

આ બનાવટી માલની સૌથી મોટી પહેચાન એ છે કે કઈ બ્રાન્ડ કયા દેશમાં બને છે એની જાણકારી રાખવાની. લુઈ વિતોંની બૅગ્સ ફ્રાન્સમાં બને છે, રોલેક્સ ઘડિયાળ સ્વિત્ઝર્લેન્ડમાં બને છે. આ બ્રાન્ડનો માલ ચીનથી આવતો હોય ત્યારે અમેરિકાના કસ્ટમવાળાને તરત જ શંકા જાય.

એપલના આઇફોન જેવી બીજી ઘણી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઑફિશ્યલી ચીનમાં થતું હોય છે. પણ કસ્ટમ્સ અફસરોની અનુભવી નજર એક નજરમાં પકડી પાડે છે કે ચીનથી આવેલા આઇફોન જેન્યુઇન છે કે પછી ફેક. બનાવટી માલ પકડવાના અમુક પૅરામીટર્સ કસ્ટમ્સવાળા ખાનગી રાખતા હોય છે જેથી ઊંધા ધંધા કરનારાઓ ગફલત કરતા રહે. અમુક ઓરિજિનલ ઉત્પાદકો ક્યારેય પોતાનો માલ બબલ રેપમાં વીંટાળતા નથી હોતા, એમનાં પેકિંગ અને પેકેજિંગ અલગ પ્રકારનાં હોવાનાં. ફરેરો રોશે જેવી જાણીતી ચૉકલેટ સહિત મેકઅપની અનેક બ્રાન્ડ, પરફ્યુમ્સ અને એરબૅગ સહિતના મોટરકારના પાર્ટ્સ પણ બનાવટી બનતા હોય છે. મોંઘી વસ્તુ સસ્તામાં મળી ગઈ હોવાનો આનંદ ક્યારેક તમારા પોતાના જ મોતનું કારણ બની શકે.

બનાવટી માલને કારણે ઓરિજિનલ કંપનીઓને આર્થિક નુકસાન તો થતું જ હોય છે, એમની આબરૂને પણ ઘસારો પહોંચતો હોય છે. તમે ઓરિજિનલ જાણીને ખરીદેલો માલ બનાવટી હોય ત્યારે એની ક્વૉલિટી વિશે જો કોઈ ફરિયાદ ઊભી થાય તો તમે આ ‘ફર્સ્ટ કૉપી’ના ઉત્પાદકને નહીં પરંતુ ઓરિજિનલ બ્રાન્ડના ઉત્પાદકને યાદ કરીને નિસાસો નાખતા હો છો.

2004ના માડ્રિડ બૉમ્બ બ્લાસ્ટના કાવતરાખોરોએ બનાવટી સી.ડી. (કૉમ્પેક્ટ ડિસ્ક) વેચીને કેટલુંક ફાઇનાન્સ ઊભું કરેલું. નવમી સપ્ટેમ્બર 2001 પહેલાં 1993ની 26મી ફેબ્રુઆરીએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નૉર્થ ટાવર પર એક ટ્રકમાં બૉમ્બ ભરીને હુમલો થયો હતો જેમાં 6 જણ માર્યા ગયા હતા. હુમલાખોરો ન્યુ યૉર્કમાં નાટકોનાં ઑડિટોરિયમ ધરાવતા બ્રૉડવે વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના બનાવટી ટી શર્ટ વેચવાનો ધંધો કરતા હતા.

સિરિયાના ગૃહયુદ્ધનો પડઘો ફ્રાન્સના પેરિસમાં 2015માં થયેલા બૉમ્બધડાકામાં સંભળાયો. ઇસ્લામિક આતંકવાદના ભાગરૂપે 13 નવેમ્બરની રાત્રે અને 14 નવેમ્બરનો દિવસ ઊગે તે પહેલાં શ્રેણીબંધ બૉમ્બ ધડાકાઓ થયા જેમાં 7 હુમલાખોરો (એમાંના કેટલાક ફિદાઈન-સુસાઇડ બૉમ્બરો હતા) ઉપરાંત 130 નિર્દોષ નાગરિકો માર્યા ગયા. માર્યા ગયેલા હુમલાખોરોમાં બે સગા ભાઈઓ હતા જેમણે નાઇકીના બનાવટી સ્નીકર્સ વેચીને દારૂગોળો-હથિયારો મેળવ્યાં હતાં.

જાણીતી બ્રાન્ડનો બનાવટી માલનો ધંધો આજની તારીખે દુનિયાભરમાં સવા ત્રણ ટકા જેટલો છે. અર્થાત્ લગભગ દર 97 જેન્યુઇન આઇટમોની સામે 3 ટકા કરતાં વધારે આઇટમો કૉપીકેટ ઉત્પાદકોએ બનાવેલી હોય છે.

વિચારોના જગતમાં પણ ‘ફર્સ્ટ કૉપી’એ પગપેસારો કરી દીધો છે. મૌલિક વિચારો કરવાની જેમની ત્રેવડ નથી એવા કેટલાય અમેરિકી, યુરોપીય, ભારતીય તેમજ આપણી માતૃભાષાના બેસ્ટ સેલર બની ગયેલા લેખકો, પ્રવચનકારો તેમજ મોટિવેટરોના નકલી માલથી તમે પ્રભાવિત થઈ જાઓ છો. તમને ખબર જ નથી કે તમને સહેલાઈથી, સસ્તામાં મળી જતો માલ બનાવટી છે અને કોઈકના કૉપીરાઇટનો ભંગ કરીને, કોઈકના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યો છે. જેમ અમેરિકામાં બનાવટી માલના ઉત્પાદકો પોતાનાં ટ્રેડમાર્ક, પેટન્ટ વગેરે માટે અરજીઓ નાખીને જનતાને તથા સત્તાવાળાઓને ઊંધા માર્ગે દોરવાની કોશિશ કરે છે એમ આ વૈચારિક કૉપીકેટો પણ પોતે ઉઠાંતરી કરેલા માલ પર પોતાનો કૉપી રાઇટ ચડાવીને મૌલિકતાનો દાવો કરતા હોય છે.

રેવલોનની બનાવટી લિપ્સ્ટિક વાપરશો તો એલર્જીથી હોઠ સુઝી જાય એવું જ કંઈક વિચારોની ‘ફર્સ્ટ કૉપી’ના વેપારીઓ તમારા દિમાગ સાથે કરતા રહે છે. તમારા વિચારોને ખાલી ચડી જતી હોય છે એમની રૂપાળી દેખાતી ઊંધીચત્તી વાતોથી. ચબરાક શ્રોતાઓ-વાચકો-ભાવકો તરત જ સમજી જતા હોય છે કે આ ફેક માલના ઓરિજિનલ ઉત્પાદકો કોણ છે. પણ કેટલાય નિર્દોષ ગ્રાહકો સસ્તામાં મળી જતી સુવ્વરની ચરબી નાખેલી ચૉકલેટો ચગળતાં રહીને પોતાની અજાણપણે પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતાં રહે છે.

‘ફર્સ્ટ કૉપી’નો ધંધો કરતા બનાવટી વિચારકો મૂળ સર્જકને જેટલું નુકસાન કરે છે એના કરતાં કંઈક ગણું વધારે નુકસાન તમારું કરે છે. પેકિંગ-પેકેજિંગને ઓરિજિનલ જેવાં જ બનાવીને તકલાદી વૈચારિક માલ વેચનારાઓમાં શ્રદ્ધા રાખ્યા પછી જીવનમાં અણીના ટાંકણે કોઈ સદ્‌વિચારની જરૂર પડે છે ત્યારે તમને ભાન થાય છે કે તમારી ગાડીમાંની ઍરબેગ તો તમે ચોરબજારમાંથી ખરીદેલી. 120ની સ્પીડે તમારી ગાડી થાંભલા સાથે અથડાય છે ત્યારે એ એરબૅગ ખુલતી નથી. પૂરપાટ દોડી જતા જીવનમાં માર્ગદર્શન માટે ખરે વખતે કોઈ સારા વિચારની જરૂર પડે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે જે માલનાં વખાણ કરતાં થાકતા નહોતા એ તો ચાઈનાથી આવેલો!

પાન બનાર્સવાલા

જાતનું ઘડતર એવી રીતે કરતા રહેવું કે અચાનક તકદીરનો કોઈ દરવાજો ખુલી જાય ત્યારે તમારા શરીરે તમારા દિમાગે ફાંફાં ન મારવા પડે.

—સદ્‌ગુરુ

6 COMMENTS

  1. I think till now nobody must be knowing that profit of first copy was being used for this thing. Every body who buys first copy must be thinking that it is something like Ulhasnagar made. Thanks saurabhai to open our eyes .

  2. સારો અને શિખામણ આપતો આર્ટિકલ.
    અમે તો બ્રાન્ડ સાથે લેવા દેવા જ નથી રાખી. જેથી બ્રાન્ડ સાથે વટ પડે.

    કુટુંબ સાથે જીંદગી જીવીએ એ જ મોટી વાત છે. શિખવા જેવું ભારતનાં વાણીયાઓ પાસેથી જ છે જે હજારો વર્ષોથી દેશપાર વેપાર કરતા અને ખુબ સહજ જીવન જીવતા

  3. આવી તો કલ્પના પણ નહોતી કે ફર્સ્ટ કોપી જેવી વસ્તુઓની થતો નફો આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાય છે. સર , થેંક્સ આ વાત અમારા સુધી પહોંચાડવા બદલ આપનો આભાર

  4. First Copy વિશેની માહિતી ખૂબ ગમી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here