સાચા કૃષ્ણ કયા, આરાધ્ય કૃષ્ણ કયા, રિલેવન્ટ કૃષ્ણ કયા? (જન્માષ્ટમી સ્પેશ્યલ, ભાગ: ૨) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : ગુરુવાર, ૧૮ ઑગસ્ટ ૨૦૨૨)

ભક્તિ એટલે વેવલાવેડા નહીં પણ ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધાનું આરોપણ. ભક્તિ એટલે માત્ર લાલાને જમાડવા, ઝુલાવવા, સુવડાવવાની પ્રવૃત્તિઓ નહીં પણ ભક્તિ એટલે નિરાકાર બ્રહ્મની શક્તિને શરણે જઈ એ શક્તિ પર અખંડ ભરોસો રાખવો. કૃષ્ણનું ભજન કરવું એટલે મજીરાં લઈને મંડી પડવું એવું નહીં પણ કૃષ્ણ રાજી થાય એવી પ્રવૃત્તિઓમાં ધ્યાન પરોવવું. ભગવાન ક્યારે રાજી થાય?માત્ર તમારાં દીવા – આરતીથી? માત્ર તમે ધરાવેલા પ્રસાદથી? ના. માનસિક, બૌદ્ધિક, શારીરિક રીતે તમે એને ગમે એવાં કામોમાં લીન રહો એનાથી એ પ્રસન્ન થાય.

ગીતાના બારમા અધ્યાય નામે ભક્તિયોગનું ખોટું ઈન્ટરપ્રીટેશન કરીને ભક્તિ એટલે વેવલાવેડા એવું સ્થાપિત કરવામાં આવ્યું. ગાંધીજીએ પણ નોંધવું પડ્યું કે, ‘લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારું કે દરદીની સારવાર કરવાને સારું કદી નહીં.’ (‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં).

ભક્તિના ખોટા અર્થઘટનની સાથોસાથ રાધા અને રુક્મણી અને દ્રૌપદી અને રાસલીલાવાળા કૃષ્ણ પણ જનમાનસમાં છવાઈ ગયા. કૃષ્ણ કંઈ તમારી ખાનગી ફૅન્ટસીઓની પરિપૂર્તિ કરવા માટે નથી. કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની કાળજી અને કૃષ્ણની મૈત્રીનાં ખોટાં અર્થઘટનો કરી કરીને એક આખી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે જે આ બધાં સ્ત્રીપાત્રો તથા લીલાઓનાં નામે પર્સનલ ફૅન્ટસીઓને સંતોષે છે. ધર્મનો ધંધો થાય છે આવી વાતો દ્વારા. જે સ્ત્રીઓને પતિ ઉપરાંત એક બૉયફ્રેન્ડ પણ જોઈતો હોય તો એ રાખે, એની અંગત ચૉઈસ છે, એ એનો અંગત મામલો છે. પણ દ્રૌપદીના સખા શ્રીકૃષ્ણ હતા એવી આડશ હેઠળ આવી ફૅન્ટસીઓને ના પોષે કે પોતાના એવા વ્યવહારોને જસ્ટિફાય ના કરે. આ તમારા ભગવાન છે, કંઈ તમારું લફડું નથી. જરા તો સમજીએ અને મર્યાદા રાખીએ.

કેટલાક હિન્દુ સંપ્રદાયોએ કૃષ્ણના નામે જે રીતે જાતીય આવેગોને ઉત્તેજન આપ્યું તેની આખી સત્યકથા મહારાજ લાયબલ કેસ પર આધારિત મારી નવલકથા ‘મહારાજ’માં આલેખાયેલી છે એટલે અત્યારે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. કૃષ્ણને ભોગલીલાનું સાધન બનાવનારા ધર્માચાર્યો તેમ જ કૃષ્ણની ફૅન્ટસીઓ દ્વારા ગલગલિયાં કરાવનારાઓ – બેઉ એકસરખાં કલ્પ્રીટ છે.

સ્વામી વિવેકાનંદે ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’ નામની પુસ્તિકામાં શું કહ્યું તે જોઈએ. સ્વામી વિવેકાનંદ કર્મ અને અકર્મને લગતા ચોથા અધ્યાયના ૧૮મા શ્લોકનું મૌલિક અર્થઘટન કરતાં કહે છે: ‘અત્યંત પ્રવૃત્તિમાં જે મનુષ્ય અત્યંત શાંતિ મેળવી શકે છે અને અત્યંત શાંતિમાં જે મનુષ્ય પ્રવૃત્તિ કરી શકે છે તે જ યોગી છે.’

ગાંધીજીએ તો ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં લખ્યું જ છે કે: ‘… ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.

મોક્ષ કોઈ હવે પછીના જન્મમાં મેળવવાની ચીજ નથી અને શાંતિ એટલે? શાંતિ એટલે બધી પળોજણમાંથી મુક્તિ એવું દુનિયા માને છે. હકીકતમાં તો તમને તમારી જાત સાથે, તમે જે કંઈ કરી રહ્યા હો એ કામ સાથે, તમારામાં રહેલા વિચારો સાથે સંતોષ પ્રાપ્ત થતો હોય તો ગમે એવા ટેન્શનમાં, ગમે એવી અંધાધૂંધીમાં પણ તમે શાંતિ અનુભવી શકો છો. શાંતિ કંઈ પગ પર પગ ચડાવીને દિમાગને ફુરસદ પમાડવાની ક્ષણો સર્જાય ત્યારે નથી આવતી. શાંતિ તમારા તમામ સંઘર્ષો સાથે લડતાં લડતાં, એનું પરિણામ ભગવાનના હાથોમાં સોંપી દેવાથી સર્જાય છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે શ્રીકૃષ્ણ એક સાથે અદ્ભુતમાં અદ્ભુત સંન્યાસી હતા તેમ અદ્ભુતમાં અદ્ભુત ગૃહસ્થાશ્રમી પણ હતા. એમનામાં અતિ અદ્ભુત પ્રમાણમાં રજસ્ શક્તિ હતી અને સાથોસાથ તેઓ અતિ અદ્ભુત ત્યાગમય જીવન જીવતા હતા. જ્યાં સુધી તમે ગીતાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી કૃષ્ણને સમજી શકશો નહીં.

સ્વામી વિવેકાનંદે સાન ફ્રાન્સિસ્કોમાં ૨૮ મે, ૧૯૦૦ના દિવસે આપેલા ભાષણના આ શબ્દો પણ પુસ્તિકામાં છે: ‘આ જગતમાં આપણા સૌના માટે જીવન એ સતત યુદ્ધ છે… ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે વટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે; સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણી વાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ, અમે બહાદુર છીએ – એવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. (એટલે જ) આ અર્થપૂર્ણ શ્લોકથી ગીતાની શરૂઆત થાય છે: ‘હે અર્જુન, ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર’ (૨:૩).

સ્વામી વિવેકાનંદ કહે છે:

‘શ્રીકૃષ્ણ પરણેલા હતા. એમના વિશે હજારો પુસ્તકો લખાયેલાં છે. મને તેમાં ઝાઝો રસ નથી. તમે જાણો છો કે હિંદુઓ વાર્તાઓ કહેવામાં ઘણા કુશળ છે. જો ખ્રિસ્તી મિશનરીઓ એમના બાઈબલમાંથી એક વાર્તા કહે તો હિંદુઓ વીસ વાર્તાઓ સામી ટાંકે. તમે કહો છો કેવહેલ માછલી જોનાહને ગળી ગઈ; હિંદુઓ કહે છે કે કોઈક હાથીને ગળી ગયું…’

અને સ્વામી વિવેકાનંદ જે કહેવા માગે છે તે બિટ્વીન ધ લાઈન્સ છે. સાચા શ્રીકૃષ્ણ કયા, કયા શ્રીકૃષ્ણ તમારા આરાધ્ય દેવ હોવા જોઈએ અને કયા શ્રીકૃષ્ણ તમારા માટે રિલેવન્ટ છે? આ બધાના જવાબ તેઓ આપે છે:

‘બાળક હતો ત્યારથી હું શ્રીકૃષ્ણના જીવન વિશે સાંભળતો આવ્યો છું. શ્રીકૃષ્ણ નામની કોઈ વ્યક્તિ થઈ ગઈ છે એ હું સ્વીકારી લઉં છું; એમની ગીતા દર્શાવે છે કે એ પોતાની પાછળ એક અદ્ભુત ગ્રંથ મૂકી ગયા છે. મેં તમને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ગૂંથાયેલી દંતકથાઓનું પૃથક્કરણ કરવાથી તે વ્યક્તિને તમે સમજી શકો. દંતકથાઓ તો શોભારૂપ છે. તમે જોશો કે જીવનચરિત્ર સામે સુસંગત થાય તેવી રીતે દંતકથાઓ સુધારીને રજૂ કરવામાં આવે છે.’

હજુ પણ જો થોડી ઘણી અવઢવ હોય તો સ્વામી વિવેકાનંદ ફોડ પાડીને કહે છે:

‘… તમે આ બધી કથાઓનો વિચાર કરીને તેમાંનો સાર કાઢો છો; પછી જાણો છો કે એ વ્યક્તિના ચરિત્રનો મુખ્ય મુદ્દો કયો છે. તમે જોશો કે શ્રીકૃષ્ણના જીવનનો મધ્યવર્તી વિચાર છે અનાસક્તિ. એને કશાની જરૂર નથી; એને કશાની આકાંક્ષા નથી. એ કર્મની ખાતર કર્મ કરે છે. કર્મ ખાતર કર્મ કરો, ઉપાસના ખાતર ઉપાસના કરો, સત્કર્મ કરવું તે સારું છે માટે સત્કર્મ કરો, વધારે કંઈ માગો નહીં – આ જ શ્રીકૃષ્ણનું ચરિત્ર હોવું જોઈએ.’

કયા શ્રીકૃષ્ણનું મહત્ત્વ છે અને શ્રીકૃષ્ણના નામે જોડી કાઢવામાં આવેલી કઈ કથાઓ નગણ્ય છે એની સ્પષ્ટતા તમારા મનમાં હવે થઈ ચૂકી છે. તો હવે આજના પવિત્ર જન્માષ્ટમીના દિવસે સંકલ્પ કરવાનો કે શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ પામવા માટે કયા ગ્રંથનું પારાયણ કરવાનું છે. સ્વામી વિવેકાનંદ એ ગ્રંથ તરફ તમને આંગળી ચીંધતાં કહે છે:

‘હું જાણું છું ત્યાં સુધી શ્રીકૃષ્ણ સૌથી વિશેષ સંપૂર્ણ ચારિત્ર્યવાળા હતા. બુદ્ધિ, હૃદય અને કર્મ એમનામાં સમાન રીતે અદ્ભુત વિકાસ પામેલાં હતાં. એમના જીવનની દરેક ક્ષણ કર્મથી ભરેલી છે. એ કર્મ કાં તો ગૃહસ્થ તરીકે, કાં યોદ્ધા તરીકે, કાં મંત્રી તરીકે કે પછી બીજા કંઈ રૂપમાં હોય છે. ગૃહસ્થ તરીકે, વિદ્વાન તરીકે, કવિ તરીકે એ મહાન છે. ગીતા અને અન્ય ગ્રંથોમાં એમની આ બધી જાતની અદ્ભુત કર્મશીલતા અને બુદ્ધિ તથા હૃદયનો સુમેળ આપણને જોવા મળે છે. આ પુરુષની જબ્બર કર્મશીલતાની છાપ હજુ પણ આપણા ઉપર છે.’

અમિતાભનો ‘શોલે’વાળો રોલ પણ ગમે ને ‘દીવાર’વાળો પણ ગમે ને ‘અમર-અકબર-એન્થની’વાળો પણ ગમે ને ‘ડૉન’વાળો પણ ગમે એવું ભગવાનની બાબતમાં ન હોય. ભગવાનની એક છબિ હૃદયમાં અંકાઈ જાય અને પછી જીવનની દરેક પળે એ છબિ તમને પ્રેરણા આપતી રહે, તમારો હાથ ઝાલતી રહે, તમારી પીઠ પસવારતી રહે, તમારું માર્ગદર્શન કરતી રહે, તમારી રક્ષા કરતી રહે.

ઈટ ઈઝ ઍન્ટાયરલી અપ ટુ યુ કે તમારે તમારા હૃદયમાં કયા શ્રીકૃષ્ણની છબિ સંઘરવી છે?

પ્રૌઢાઓ અને ડોશીઓ જેને ઝૂલે ઝુલાવતાં થાકતી નથી એ લાલાની?

કે પછી સતત ફૅન્ટસીમાં રાચતી અને કલ્પનાની ભીનાશમાં ભીંજાઈ જતી પોતાને રાધા કે દ્રૌપદી માનતી અને કૃષ્ણને પોતાના ‘સખા’ (યુ નો વૉટ આય મીન) માનતી સ્ત્રીઓના મનમાં જે છે તે રાસલીલાવાળા કૃષ્ણની?

કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણની? જે પ્રતાપી છે, વ્યવહારું પણ છે અને આદર્શવાદી પણ છે, જેમનામાં કરુણતા છે અને દૃઢતા પણ છે. જેમનામાં જ્ઞાન, સમજણ અને ડહાપણનો ભંડાર છે અને જેમનામાં આ સંસારનાં તમામ સુખ માણવાની, તમામ કષ્ટ સહન કરવાની ક્ષમતા છે, એવું સામર્થ્ય છે.

શ્રીકૃષ્ણની ભક્તિ કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી, વેવલાઓનું કામ નથી. જેમનામાં શૌર્ય નથી, ખમીર નથી ને સાહસિક બનીને કામ કરવાની વૃત્તિ નથી તેઓ તમને કૃષ્ણની બાળલીલા – રાસલીલામાં રચ્યાપચ્યા રહેવાની પ્રેરણા આપતા રહે છે. ઓરિજિનલ જે કૃષ્ણ છે તે મહાભારતના કૃષ્ણ છે, ગીતાકાર કૃષ્ણ છે. એ પછી હજારો વર્ષ બાદ કૃષ્ણના જીવનચરિત્રમાં અસંખ્ય આડકથા વણાઈ – પુરાણોના જમાનામાં પણ જનમાનસમાં આ પુરાણોની સ્વછંદ કૃષ્ણ કથાઓ જડાઈ ગઈ, મૂળ પુરુષ ભુલાઈ ગયા.

આવો, આવતી કાલે સાબુદાણાની ખીચડી અને રાજગરાની પુરી સાથે સુરણ બટાકાનું શાક ખાધા પછી થોડુંક ચિંતન કરીએ અને ઓરિજિનલ કૃષ્ણને પાછા બોલાવીએ.
આવતી કાલનો લેખ વાંચવાનું ચૂકતા નહીં.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. લોકોને શિરા ની જેમ સહેલાઇ થી ગળે ઉતરી જાય તેવું કૃષ્ણ સ્વરૂપ ગમે છે.
    તમે કૃષ્ણ ને અલગ દૃષ્િકોણથી જોવાનો પ્રયત્ન કર્યો છે,આ અભિગમ પણ આવકાર્ય છે.
    લાગે છે કે આ લેખન ઉપર નગીનદાસ સંઘવી લિખિત” મહામાનવ શ્રી કૃષ્ણ” ની અસર છે.

    વખાણ કરો કે વિરોધ કરો, પરંતુ

    कृष्ण वन्दे जगद्गुरु

    અસ્તુ………

  2. જોરદાર સર ,,,,, અત્યારે મહાભારત ના યુદ્ધ ના મેદાન માં જે કૃષ્ણ હતા તેની જરૂર છે.

  3. આદરણીય સૌરભભાઈ,
    આપનાં આ લેખે જરા નિરાશ કર્યો. કયા કૃષ્ણ ? એ સવાલ પૂછવો પડે તો એ તો આપણાં કૃષ્ણ ને જુદા જુદા ખંડોમાં, વિભાગોમા વહેંચી દીધા હોય તેમ કહેવાય ..? કૃષ્ણ જુદા જુદા કાળખંડો માં જુદા જુદા છે કે ? બાળપણનો કમલ ઝવેરી કે બાળપણના સૌરભ શાહ એ જ છે કે જે અત્યારે છે. You can not departmentalize કૃષ્ણ. આ હિન્દૂ સમાજ નું, હિન્દૂ ધર્મ નું એક એવું અસ્તિત્વ છે કે દરેક માટે છે. દરેક ઉંમર માટે, સ્ત્રી કે પુરુષ માટે, સમાજ ના પ્રત્યેક , એટલે કે પ્રત્યેક, I repeat, પ્રત્યેક વર્ગ, પ્રત્યેક વર્ણ, પ્રત્યેક કક્ષાની વ્યક્તિ માટે છે. તે મારી બે પૌત્રી ઓ નો છે, મારી જૈન ધર્મ માંથી આવેલ પુત્ર વધુ નો છે, મારા સંતાનો નો છે, મારો છે, મારા માતાપિતાનો છે, મારા સદગત દાદા દાદી નો છે. તમે કૃષ્ણ પાસે થી , તમારા ઇષ્ટ પાસેથી, તમારા ભગવાન પાસે થી જે પણ માંગશો, અપેક્ષા રાખશો તે માત્ર ને માત્ર કૃષ્ણ પાસેથી મળશે, માત્ર ને માત્ર તે જ આપી શકશે. તેની પાસેથી આદર્શ મિત્ર-સખા, પુત્ર, પ્રેમી, શત્રુ, યોદ્ધો, રાજા, શિષ્ય, વિષ્ટીકાર, શાહુકાર, ભ્રાતા, તારણહાર, પતિ, પિતા, સમાજસેવક, અને બીજું અનેક હોઈ શકવાની અપેક્ષા રાખી શકાય અને તેણે પ્રત્યેક પાત્ર તદ્દન સહજીકતા થી, પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક, સંપૂર્ણ પરફેક્ટ રીતે નિભાવી જાણ્યું છે.
    સૌરભ ભાઈ, કૃષ્ણનો બાલ્યકાળ અવગણવામાં આવે તો અસુરો નો વિનાશ, વિશ્વના કોઈપણ બાળકે રમેલી રમતો, નાનપણ ના નિર્દોષ piping tomisms, મુગ્ધવસ્થાનાં સ્પર્શો અને રોમાંચો, તત્કાલીન સહજ શિશુવસ્થામાં સમગ્ર વસ્તી નો બાળકો પ્રત્યેનો , તેમના ઘરમાં જઇ, બાળકો ખોરાક, માખણ, દહીં લાઇ જઇ શકે તે સ્વાભાવિક સ્વીકાર….આ બધું અવગણવું પડે…..
    ના, સૌરભ ભાઈ, હું તમને આટલા સ્વાર્થી થવા ની મંજૂરી ના આપી શકું.
    વિશ્વના દરેક ધર્મ માં fantasisation ઉમેરાયેલુ છે. ક્રાઈસ્ટ ના સલીબ પરથી અવરોહણ, કે મહમદ નાં ચમત્કારો કે ડેવિડ ની કથા કે નોઆહ ની આર્ક, કે રોમન અને ગ્રીક માયથોલોજી ની કથા ઓ. કૃષ્ણ વિશે કથાકારો એ, ભક્તો એ , બિલિવરો એ તેમની પોતાની રીતે એંગલો ઉમેર્યા હોય તો તે તેમને મુબારક. તમને તેને અવગણવા નો પૂરેપૂરો હક્ક છે, પણ વેવલાવેડા ? ઘેલા પણું? ના સાહેબ, this is too much of arrogance. માફ કરશો.
    જેને ને રીતે કૃષ્ણ ને માનવું હોય, જે રીતે સ્વીકારવો હોય, જે રીતે કૃષ્ણ માટે જે અભિપ્રાય બાંધવો હોય તેને તેમ કરવા દો. તેનું માન રાખો.
    જૈનો કૃષ્ણ ની યુદ્ધખોરીને વખોડે જ છે ને?

    • ઉતાવળમાં બહુ લાંબું પીંજણ તમે કરી નાખ્યું, મારા સાહેબ.

      તમારી મંજૂરી મેં વળી ક્યારે માગી!

      આજના લેખ સાથેની ૧૩ લિન્ક ખોલીને વાંચશો એવી પ્રાર્થના.

      Also watch this:

      https://youtu.be/_0mhPxtY7Ec

      • સાહેબ, હું તમારો ચાહક છું, તમારી કલમ નો આશિક છું. તમારા લખાણો ની સતત અને હંમેશા પ્રશંશા કરી છે. સારું લાગ્યું તેને હારતોરા કર્યા છે, ગમ્યું તેને ગળે લગાવ્યું છે. અને તમારા ઓલમોસ્ટ દરેક લેખે અભિભૂત કર્યો છે.
        ક્યાંક કશુંક ખૂંચે તો અહીં વાચક તરીકેનો તમને સુચવવાનો પ્રેમપૂર્વક નો હક્ક વાપર્યોછે. કદાચ સખત શબ્દો વપરાયા હશે, પણ કૃષ્ણને કે કૃષ્ણભક્તિ ને જ્યારે ઉતરતા પરિક્ષેપમાં દર્શાવાતી જોઉં ત્યારે હું તીવ્ર અભિપ્રાય આપ્યા વગર નથી રહી શકતો.
        વાત રહી, મંજુરી ની….
        દરેક વાચકના મન માં પોતાને ગમતા લેખકની એક છબી રચાયેલી હોય છે. કોઈક માટે તે લેખક સલાહકાર, કોઈક માટે મિત્ર, કોઈક માટે સમાન વિચાર ધારા ધરાવનાર…વિગેરે..
        તમારી એક નિશ્ચિત પ્રતિભા કંડારેલી છે, મનમાં. તેની પાસે થી અમુક અપેક્ષાઓ રાખેલી છે, અમુક અમુક રીસ્પોનસીઝ ની ધારણાં કરેલી છે. તમારો આ લેખ મારી આ અપેક્ષાઓની સીમારેખામાં સમાયેલ મારા સૌરભ શાહને સુસંગત ન લાગ્યો. તમારી મનોછબી સાથે તેનો મેળ ના લાગ્યો…અને મારે તે છબી અખન્ડ, આરક્ષિત રાખવી છે….લાગ્યું કે જરા આગ્રહ પૂર્વક આ અસંગત વિચારસરણી તે છબી ઉપર અતિક્રમણ કરી રહી છે. સાહેબ, મને તે મંજુર નથી , બાકી હું કોણ, તમને મંજૂરી આપવા વાળો ……

  4. કાનો સર્વજ્ઞ, સર્વ શકિત, સર્વ વ્યાપી એમના માટે કોઈ વસ્તુ દુર્લભ ન હતી છતાં પણ કર્મ નિષ્ઠ બની બધાં રોલ જીવન ના બખુબી નિભાવ્યો. લોકસંગરહ નો ઉત્તમ ઉદાહરણ બતાવ્યું.
    એષ કામ એષ કોર્ધ જયારે અર્જુન ને સમજાવે અને પોતે લીલા કરે તેવુ માનવું જ ક્ષતિ ભરેલું છે.
    માટે પોતાના પરમાત્મા માટે કોઈ જરાપણ ઘસાતું બોલવું તે મહાપાપ જ છે.
    આવતી કાલે પ્રાયશ્ચિત નો અવસર છે જે ચૂકશો નહીં.
    સો શા ના વિચારો સ્પષ્ટ છે.
    આભાર

  5. My belief for Krishna is Truth.
    Truth means Krishna and Krishna means truth. જે સાચું છે અને જે સત્ય છે એ જ કૃષ્ણ છે.

  6. સમગ્રતયા શ્રી કૃષ્ણને સમજવા તમારે વધુ ચિંતન મનન અને વેવલી ભક્તિ નહીં પણ શ્રધ્ધાયુક્ત ભક્તિ આવશ્યક છે, ગીતા અને મહાભારતના દ્રષ્ટનતો આપી તમે ફક્ત અન્ય પુસ્તકોના લેખકોની માહિતી ન લખો, બાલકૃષ્ણ પણ ગીતાની જેમ દૂસ્તોના દમનકારી રહ્યા છે. ગીતાજી સર્વાન્ગ સમજવા જ્ઞયનની વાતો નીરસ છે, યોગ જોડો તો ભક્તિ સમનવિત જ્ઞાન દીપી ઉઠે, શ્રધ્ધાને ભગવાને અનેક વખત ઉલ્લેખઈ છે,
    શરધ્ધા મયો અયં પુરુષઃ, યો શ્રદ્ધ :એવ સ :, યો યો યાં યાં શ્રદ્ધ: તાં તાં શ્રદ્ધાં વીદધામ્યમહં ll જે જેવી શ્રધ્ધા રાખે તેવી તેવી તેને પૂર્ણ કરું છું,
    આમાં મૂર્ખ લોકો ખોટી ગાડી લઈ ચાલે તો હું રોકતો નથી, કારણ મેં તો ઉ ત્તમોત્તમ બસ્તુઓ નિર્માણ કરી સાથે જુગાર ચોરી ne પણ, હવે તારે વિચારવાનું ke શું લેવું, ચોર્ય વિદ્યા પણ અને સુરક્ષા માટે રાજા પોલીસ જેલ પણ, ઝેર પણ અમૃત પણ, chois is yours. કર્મની ફિલોસોફી. પણ.
    ઉપનિષદ કહે che. વધુ shu લખું ચોક્કસ અતયારની પરિસ્થિતિ ધર્મની સમજાવવાવી સmજવી મુશ્કેલ છે, વ્યાપાર વધ્યો che દુકાનો જોરમાં છે, તેથી બીક લાગે પણ મહાભારતના જ શ્રી કૃષ્ણ સ્વીકૃત બાકી ધ્યાન ન આપો તે જાતુ નથી. ગીતાનો અભ્યાસુ છું પણ પૂર્ણ નથી. તમે ભાણદેવ લીખિત શ્રી કૃષ્ણnu અધ્યાત્મ દર્શન જોઈ લેવા વિનંતી લગભગ લગભગ ઉત્તમ જવાબો આપ્યા છે,🙏🙏🙏🌹🌹🌹

  7. ખૂબ સરસ લેખ. મારો મનગમતો. ગોકુળના કૃષ્ણ 11/12 વર્ષ સુધી, પછી મથુરા અને .. રાધા 5/6 વર્ષ મોટી, પરણેલી, બરસાના 60km દૂર – એ જમાનામાં.. એક નિર્દોષ સબંધને આ બધા લોકોએ બગાડી નાખ્યો. નંદ head હતા, નંદધામ મોટું હતું, માખણ ને માટે માર્કેટ મોટું. ગોકુળ પછી મળ્યા નથી.
    કૃષ્ણ જેવા બાહોશ, પૂર્ણ ને બગાડવાનો એક મોકો છોડ્યો નથી. તમારી આ પહેલ ખૂબ જરુરી છે. ચાલુ રાખશો એવી આશા.ધન્યવાદ.

  8. ખરેખર તમે ખુબજ સતિક વાત કહી છે.
    પોતાના ધંધા ખાતર કૃષ્ણને બાળ લીલા માં જ રચ્યા પચ્યા રાખે છે ને એનાથી આગળ કંઈ છે જ નહીં એવું વર્તન કરે છે.
    ભગવાન જે ગીતા દ્વારા સાચી સમજણ આપી એ આવા લોકો ને માન્ય જ નહિ.
    તમારો લેખ ખુબ જ ગમ્યો ને આશા રાખું કે લોકો આને અનુસરશે પણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here