પુલવામામાં આતંકવાદી હુમલો: આપણે સૌએ શું કરવું, શું ન કરવું

ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯

રિવેન્જ ઈઝ અ ડિશ બેસ્ટ સર્‌વ્ડ કોલ્ડ. મારિયો પુઝોની ‘ગૉડફાધર’ નવલકથાએ આ ઈટાલિયન કહેવતને વર્લ્ડ ફેમસ કરી. વેરની વસૂલાત ઠંડે કલેજે કરવાની હોય.
અત્યારે આ વખત નથી જિંગોઈઝમનો, આ વખત નથી આક્રોશની બેજવાબદારીભરી અભિવ્યક્તિનો, અત્યારે વખત નથી વડા પ્રધાનને સલાહ આપવાનો કે સર્જિકલ સ્ટ્રાઈક કરો, ૩૭૦ હટાવી દો, ઓપન વૉર ડિક્લેર કરો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહીને પ્રાઈમ મિનિસ્ટર ઑફ ઈન્ડિયાને સલાહ આપવાની આપણી કોઈ હેસિયત નથી. મોદી જાણે છે કે શું કરવું, નહીં જાણતા હોય તો એમની પાસે નૅશનલ સિક્યુરિટી ઍડ્વાઈઝર અજિત દોભાલ સહિતના ડઝનબંધ નિષ્ણાત, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી સલાહકારો છે. આપણે કેટલું જાણીએ છીએ ડિફેન્સ સ્ટ્રેટજી વિશે. ઘરમાં રસોડામાં ટિંડોળાનું શાક બનતું હોય ત્યારે એમાં કેટલો ગોળ પડે એની જેઓને ગતાગમ નથી એ લોકો મંડી પડયા છે દેશના વડા પ્રધાનને સલાહ આપવા: સર્જિકલ સ્ટ્રાઈક કરો, યુદ્ધ કરો.

પાકિસ્તાન હવે જાણે છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. આ વખતે પાકિસ્તાનની પૂરેપુરી તૈયારી હશે. ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરે એવી ઉશ્કેરણી કરવા માટે પણ આ હુમલાનું આયોજન થયું હોઈ શકે છે, જેથી આ વખતે એલ.ઓ.સી. પાર કરનારા ભારતીય જવાનોને પોતાના છટકામાં સપડાવીને તેઓ પાછા ભારતભેગા ન થાય એવી રીતે એમને ટૅકલ કરવા. આવું પ્લાનિંગ હોઈ શકે છે. મોદી અને દોભાલ શું આ વાતની કલ્પના નહીં કરી શકતા હોય એવું તમે માનો છો?

ખુલ્લેઆમ યુદ્ધ જાહેર કરવું શક્ય નથી. અમેરિકામાં કોઈ મેઈડ ઈન ઈન્ડિયા ચંપલ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફેંકે તો એ માટે ભારત જવાબદાર છે એવું ન કહી શકાય.
આતંકવાદીઓ પાસે પાકિસ્તાનના માર્કાવાળા હથિયાર કે અન્ય ચીજવસ્તુઓ મળે એનાથી એ પુરવાર ન થઈ જાય કે આતંકવાદીઓને પાકિસ્તાન સરકારનો ટેકો છે.

પાકિસ્તાની શાસકો અને લશ્કરી સત્તાવાળાઓ તો પાગલ છે. ભારત સામે પોતાની રક્ષા કરવાના બહાના હેઠળ મિસાઈલથી અણુ બૉમ્બ છોડી નાખે. નાગાને નહાવું શું અને નીચોવવું શું. પોતે તો આમેય બરબાદ થયેલું રાષ્ટ્ર છે. ભારતને ગંભીર નુકસાન કરવાની તમન્ના પૂરી પાડવાની તક પાકિસ્તાનને તાસકમાં મૂકી આપવાની મૂર્ખામી નરેન્દ્ર મોદી ન કરે.

મોદી સ્ટ્રેટેજીના માણસ છે. અને રણનીતિઓ ઠંડે કલેજે ઘડાતી હોય છે. અમેરિકા અને ચીન બેઉ ભારતના દોસ્તાર છે. અમેરિકા ઘણે બધે અંશે હવે પાકિસ્તાનની ખિલાફ છે. ચીન અત્યારે ભારત અને પાકિસ્તાન બેઉને વારાફરતી રમાડે છે. પણ વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રો ભારતનું કહ્યું માનતા થઈ ગયા છે. આમાં સાઉદી અરેબિયા જેવા ઈસ્લામિક રાષ્ટ્રો પણ આવી ગયાં. આતંકવાદના મુદ્દે યુનો આપણે જે કહીએ તે કરવા તૈયાર છે. આ બધાનો મતલબ એ કે યુદ્ધ જાહેર કર્યા વિના ભારત રાજકીય,આર્થિક તેમ જ લશ્કરીય રીતે પાકીસ્તાનને સીધું દોર કરી શકે એમ છે.

કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીને બોલાવીને મોદી ભવિષ્યમાં કેવાં પગલાં લેવાં એ વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. એમના પર આપણે પ્રેશર ન લાવીએ. એમને એમનું કામ કરવા દઈએ. આપણે ટિંડોળાના શાકમાં ગોળ નાખતાં શીખીએ.

ખંધાર અપહરણ યાદ છે? મને બરાબર યાદ છે. ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના શુક્રવારે કાઠમંડુથી દિલ્હી જવા ઉપડેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર આઈસી વનએઈટફોરનું અપહરણ કરીને એને અમૃતસર, લાહોર, દુબઈ જેવાં લોકેશન્સ પર લઈ ગયા પછી અફઘાનિસ્તાનમાં ખંધાર ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. વિમાનમાં ૧૫ ક્રુ મેમ્બર્સ સહિત ૧૭૩ પેસેન્જર્સ અને ૩ અપહરણકર્તા હતા. આમાથી ૨૭ પેસેન્જર્સને દુબઈમાં છોડી મૂકવામાં આવ્યા પણ એમાંના ઘણા પર છુરીથી હુમલો કરવામાં આવ્યો. કેટલાક ગંભીર રીતે જખ્મી થયા, એક પેસેન્જરનું મોત થયું.

બાકીના મુસાફરોના ભારત સ્થિત સગાંવહાલાઓએ કાગારોળ મચાવી કે અમારા સગાને હેમખેમ ભારત પાછા લાવો. મીડિયાએ આ કાગારોળને લાઉડસ્પીકર આપ્યું. વાજપેયી સરકાર ભારે પ્રેશર હેઠળ આવી ગઈ. જનાક્રોશ ભભુકી ઉઠશે તો દેશમાં પરિસ્થિતિ બેકાબુ બની જશે એવી દહેશતથી સરકારે શરણાગતિ સ્વીકારી લીધી. રક્ષામંત્રી જસવંતસિંહ ભારતની જેલમાં સબડતા ત્રણ ખૂંખાર આતંકવાદીઓને વાજતેગાજતે પોતાની સાથે ખંધાર લઈ ગયા અને એમના બદલામાં બાકીના ક્રુ વત્તા પેસેન્જરોને છોડાવી લાવ્યા. કોણ હતા એ ત્રણ આતંકવાદીઓ? યાદ કરો?

પુલવામામાં ૧૦૦ કિલોથી વધુ સ્ફોટક સામગ્રીની એસયુવીથી આત્મઘાતી હુમલો કરીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૪૦થી વધુ જવાનોનો જાન લેવાનું જેણે કાવતરું ઘડ્યું તે, જૈશ-એ-મોહમ્મદનો લીડર મૌલાના મસૂદ અઝહર, જેણે ૨૦૦૧માં દિલ્હીમાં પાર્લામેન્ટ પર હુમલો કરાવ્યો હતો.

બીજો અહમદ ઉમર સઈદ શેખ, જેણે ડેનિયલ પર્લ નામના વૉલ સ્ટ્રીટ જર્નલ દૈનિકના ઈઝરાઈલી પત્રકારનું અપહરણ કરીને ખૂન કરાવ્યું.
અને ત્રીજો મુશ્તાક અહમદ ઝર્ગર, જે પીઓકેમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો.

મસૂદ અઝહરને સરકારે પ્રજાના દબાણ હેઠળ આવીને છોડી મૂક્યો ન હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. માટે જ અત્યારે વખત નથી મોદીને સલાહ આપવાનો. વેવલી કવિતાઓ કે વાયડા વૉટ્‌સએપ મેસેજીસને ફોરવર્ડ કરવાની પ્રવૃત્તિ બંધ કરીએ. મનોમન શહીદોના આત્માની સદ્‌ગતિ માટે પ્રાર્થના કરીએ અને જો ખરેખર દેશદાઝ વ્યક્ત કરવી હોય તો એમનાં કુટુંબીઓ પાસે જઈને એમને ભરપૂર આર્થિક મદદ કરીને સાંત્વન આપીએ કે અમે તનમનધનથી શહીદોના પરિવારજનો સાથે છીએ. આવું કરવાની ત્રેવડ કે દાનત કે સગવડ ન હોય તો સમજી શકાય એમ છે. ઈન ધૅટ કેસ ચૂપ રહીએ. મોદીને એમનું કામ કરવા દઈએ. બાકી, અત્યારે આપણે સૌ જે કરી રહ્યા છીએ તે કંઈ દેશદાઝ વ્યક્ત કરવાનો સહી તરીકો નથી.

જયહિંદ.

2 COMMENTS

  1. બહુ સરસ વિગત આપીને સરસ વર્ણન કર્યું છે.

  2. એકદમ સાચી વાત……..આ લેખ નો હિન્દી અનુવાદ જરૂર થી મૂકજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here