આજે નહીં તો કાલે આપત્તિઓ તો આવવાની જ છે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૩ એપ્રિલ ૨૦૨૩ )

નિષ્ફળતામાં અને કામચલાઉ હારમાં ઘણો મોટો ફરક છે. જિંદગીની કોઈ પણ નાની મોટી તત્કાલીન હારનું આયુષ્ય લાંબું નથી હોતું, સિવાય કે એ હારને સ્વીકારીને ચિરકાલીન બનાવી દો. એવું કરો ત્યારે એ નિષ્ફળતામાં પલટાઈ જાય. પછી એનું કંઈ જ ન થઈ શકે.

કામચલાઉ હાર નિષ્ફળતામાં ન પરિણમે તે માટે થોડીક ધીરજની જરૂર હોય છે. નસીબની એકાદ થપ્પડ કે પ્રારબ્ધની એકાદ લાત જિંદગી માટે સોનેરી તક પુરવાર થઈ શકે. એકાદ અવરોધ આવતાં સાવ બેસી પડવાને બદલે થોડા થંભી જવાની તક ઝડપી લેવાની હોય. બે નવા શ્ર્વાસ લઈને વધુ મજબૂત બનવાની એ તક છે. આવી તકો જ માણસમાં વધુ ક્ષમતા લાવે. જે પ્રયત્નો સફળ નથી થતા એ દરેક પ્રયત્ન દરમિયાન કશુંક એવું શીખવા મળે છે જે તમને સફળતાની વધુ નિકટ લઈ જાય છે.

ગણિતના દરેક દાખલાઓનો જવાબ કે વિજ્ઞાનના કોઈ પણ સમીકરણનો ઉકેલ દર વખતે એક જ હોય એ શક્ય છે—વિવિધ પરિસ્થિતિઓમાં પણ ઉકેલ કે પરિણામ એ જ રહે, કાળ અને સંદર્ભો બદલાઈ જાય તો પણ.

જીવનની સમસ્યાઓના નિશ્ર્ચિત ઉકેલો નથી હોતા. કોઈ એક ચોક્કસ જવાબ વડે જ આ પ્રશ્ર્ન હલ થઈ શકે એવું નથી. એક જ પ્રશ્ર્નના દસ અલગ અલગ ઉકેલ હોઈ શકે છે અને આ દરેક ઉકેલ એટલો જ સાચો હોય એ પણ શક્ય છે. તમને કોઈ ફરક નથી પડતો કે તમારો પ્રશ્ર્ન ત્રીજા ઉકેલથી સૂલઝે છે કે સાતમા. પ્રશ્ર્ન ઉકેલાય છે એ જ મોટી વાત છે. સમસ્યા સર્જાય ત્યારે મનમાં ધારી લીધેલા કોઈ એક ચોક્કસ ઉકેલવાળી પરિસ્થિતિ સર્જાવાની રાહ જોઈને બેસી ન રહેવાય.

આપત્તિઓ આવતી રહેવાની. દરરોજ. માત્ર સ્વરૂપ બદલાયા કરતું હોય છે એનું. આવી આપત્તિઓને પહોંચી વળવા માટે મનમાં એક વ્યવસ્થાતંત્ર ઊભું થવું જોઈએ. દુશ્મનનો હુમલો થાય તે ઘડીએ લશ્કરમાં ભરતી કરવા માટે જવાનો જોઈએ છે એવી જાહેરખબર છાપાંમાં આપવાનો શું અર્થ?

સમસ્યાઓના પ્રકારો ભલે ખબર ન હોય પણ એ આવવાની છે એની તો તૈયારી રાખવી પડે. વળી એ આવશે ત્યારે એકલી નહીં જ આવે, સાથે પોતાની ઘણી બધી બહેનપણીઓને લઈને આવવાની છે એવી તૈયારી રાખવાની. જે મુદ્દે પ્રશ્ર્ન સર્જાવાનો છે એ પ્રશ્ર્નની ચિંતા તમારા રોજિંદા જીવનમાં કેટકેટલે ઠેકાણે તમારું રૂટિન અપસેટ કરી નાખશે એની તમને ખબર હોવી જોઈએ. અને રૂટિન અપસેટ ન થાય, અણીને વખતે તમે ભાંગી ન પડો એ માટે, કટોકટીના સમયે તમારી મદદે આવી પહોંચે એવા વિચારો પહેલેથી જ કરી રાખવા જોઈએ.

બધું જ તમારી વિરુદ્ધમાં જતું હોય એવા વિપત્તિકાળમાં તમારી હિંમતની ખરી કસોટી થવાની. આવા સમયે કોઈ તમારા આત્મગૌરવને, તમારા સ્વ-માનને કચડી નાખી શકે એવા બનાવોથી તમારે દૂર થઈ જવું, એવી વ્યક્તિઓનો સંપર્ક ઓછો કરી નાખવો. કારણ કે તળિયે પહોંચી ગયેલી માનસિક શક્તિવાળી પરિસ્થિતિમાં જો આત્મસન્માન પણ હણાઈ ગયું તો ફરી પાછા ઊભા થવાનું કામ ખાસ્સું મુશ્કેલ બની જવાનું. આવી ઘોર આપદાના વખતમાં પોતે જેના આધારે વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે તે વિચારોને, તે આદર્શોને, તે નિયમોને, તે સિદ્ધાંતોને અને તે શ્રદ્ધાને વળગી રહેવું. આ જ બધું કામ આવવાનું છે. અને એ હશે તો જ પોતાની પાસેની સૌથી મોંઘી જણસ નામે આત્મગૌરવ જળવાઈ રહેવાનું.

માથા પર પડેલા પ્રહારોને કારણે તમ્મર આવી જાય અને આંખ બંધ કરીને ઘૂંટણિયે બેસી જવું પડે ત્યારે ઘડીભર એવું લાગવાનું જ કે આ જિંદગીનો અંત નજીક છે, આખીય દુનિયા ઊંધી વળી ગઈ છે. જબરદસ્ત આઘાતથી હચમચી ગયા પછી થોડો સમય એવું જરૂર લાગવાનું કે એક પણ ડગલું આગળ વધવાની શક્તિ નથી બચી.

પણ કળ વળે છે એ પછી સમજાય છે કે ગમે એવા કપરા સમયમાં પોતાની માલિકીની બે વાતને કોઈ છીનવી શકતું નથી: એક તો માનસિક શક્તિ અને બીજી એનો ઉપયોગ કરવાની તમારી સ્વતંત્રતા. આ જુગલબંદીમાંથી મક્કમતા જન્મે છે, ફરીથી બેઠા થવાની શક્તિ બહાર આવે છે. બધું જ જતું રહ્યું હોય – પૈસો, સગવડો, સંબંધો, શાંતિ – બધું જ, ત્યારે પણ ભગવાને થોડુંક તો તમારા માટે બાકી રાખ્યું જ હોય છે. પ્રામાણિક પ્રયાસો કરવાથી ફરી એક વાર જિંદગી ધાર્યા મુજબની ગોઠવી શકાય છે. જે નથી તેની પરવા કર્યા વગર નવી દુનિયા વસાવી શકાય છે. જે થઈ ગઈ છે તે ભૂલોનું પુનરાવર્તન ટાળીને નવા માર્ગ પરનાં ગાબડાં વળોટીને આંચકાઓમાંથી બચી શકાય છે.

જિંદગીનાં વીતેલાં વર્ષોને અને એ વર્ષોમાં અનુભવેલી નિષ્ફળતાઓને યાદ કરીએ તો લાગશે કે કામચલાઉ હાર વખતે ઝૂકી ગયા અને હાથ જોડીને બેસી રહ્યા એટલે જ એ હાર નિષ્ફળતામાં પલટાઈ ગઈ. વર્ષો પછી હવે રહી રહીને સમજાય છે કે એ ખોટું થયું. હાથ જોડીને બેસી રહ્યા તે ખોટું થયું.

પણ હવે એવું નથી થવા દેવું. આપત્તિઓએ અને કાળની થપાટોએ વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. ટિપાઈ ટિપાઈને ખૂબ સુંદર આકાર તૈયાર થયો છે. વિપરિત સંજોગો હોય ત્યારે જ ભરોસો, શ્રદ્ધા, ધીરજ જેવા ગુણો નીખરે છે. બહાર નીકળવાના બધા જ દરવાજા બંધ થઈ ગયેલા જણાય ત્યારે જ શરીરની તમામ શક્તિઓ કામે લાગે છે અને કોઈક નવી દિશા ઉઘડે છે.

પાન બનારસવાલા

ખોટી વ્યક્તિને ચાહ્યા કરશો તો તમારા પોતાના માટે કંઈ નહીં બચે.

—અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. મનોબળ વધારનાર જીવંત લૈખ

  2. જીવન સે ના હાર તુ જીને વાલે, તુ બઢતા ચલ ….. ( દુર કા રાહી) one of the best of kishor kumar songs, આ લેખ વાચતા આ અને કિશોર કુમારજી ના બીજા ઘણા ગીતો યાદ આવ્યા. સૌરભભાઈ ના આ બધા જીવન વીશે ના લેખો , કીશોર કુમાર ના ગીતો , ઓર જીને કો કયા ચાહીયે.

  3. Suuuuuuuuuuperb…….શાઆઆઆઆઆઆનદાર
    સીધેસીધી મુદ્દાસર ની વાત … to the point
    જબરદસ્ત અસરકારક….. imaaaaaaaactful
    જોરદાર ………strrrrrrrrong
    લેખ છે આ ….જાણે મોતી ના હાર મા હીરા નુ પેંડટ
    જય હો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here