ગુડ મોર્નિંગ
સૌરભ શાહ
આજકાલ ભારતના અને વિદેશના સામ્યવાદીઓ અને સેક્યુલરો કાર્લ માકર્સની 200મી જન્મજયંતી ઉજવી રહ્યા છે. કાર્લ માકર્સ અને તેની માકર્સવાદી વિચારધારાએ રશિયા અને ચીન જેવા તોતિંગ દેશો સહિત ક્યુબા-કોરિયા જેવા અનેક ટચૂકડા દેશોની ઘોર ખોદી હતી, એ દેશોની પ્રજાનું શોષણ કર્યું હતું, એ દેશોના અર્થતંત્રને ભિખારી બનાવી દીધું હતું.
ભારતમાં પંડિત નેહરુ માકર્સવાદના લાલ રંગે રંગાયેલા હતા એટલે એને મોકળું મેદાન મળ્યું. આઝાદી પછીના છ-સાત દાયકાઓ દરમ્યાન કૉન્ગ્રેસ દ્વારા ભારતમાં પસરેલા આ માકર્સવાદે ભારતનું જબરજસ્ત નુકસાન કર્યું. કાર્લ માકર્સને માથે ચડાવવાને બદલે, એની વિચારસરણીને ઊંચે સ્થાને બેસાડવાને બદલે એને શા માટે દેશવટો આપવો જોઈએ એ વિશે વિગતે વાત કરવાનું શરૂ કરીએ.
તમિળનાડુના તૂતિકોરિનમાં દેશનું ત્રીજા ભાગનું તાંબું ઉત્પાદન કરતી ફેક્ટરીની સામે પર્યાવરણવાદીઓએ સ્થાનિક પ્રજાને ઉશ્કેરીને આંદોલન કર્યું. પોલીસ ગોળીબારમાં 13 જણ મરી ગયા. તમિળનાડુની સરકારે વેદાન્ત લિમિટેડ કંપનીનો આ સ્ટરલાઈટ કૉપર પ્લાન્ટ બંધ કરાવી દીધો. હવે દેશમાં તાંબાની અછત ઊભી થશે. મોટર પમ્પ સહિતનાં અનેક ઈલેક્ટ્રિક સાધનો મોંઘાં થશે. દેશના લગભગ 800 જેટલા નાના-મધ્યમ ઉદ્યોગો પર આની સીધી અસર થવાની. અમુક હજાર લોકોની રોજીરોટી છીનવાઈ જશે.
કૉન્ગ્રેસના રાજમાં છાશવારે આવું બનતું આવ્યું હતું. દેશમાં મેધા પાટકરોનું રાજ ચાલતું, જ્યાં ક્યાંય પ્રગતિને લગતું, દેશના વિકાસને લગતું કાર્ય થતું હોય ત્યાં પર્યાવરણના નામે કે પછી મજૂરોના શોષણના નામે લાલ ઝંડો લઈને પહોંચી જવાનું. યોજના બંધ કરાવવા માટે કોર્ટમાં જઈને લડવાનું. સ્થાનિક પ્રજાને ઉશ્કેરીને એમની પાસે હિંસક આંદોલનો કરાવવાનાં. પોલીસની સહનશક્તિને ચેલેન્જ કરવાની. છેવટે કાયદો હાથમાં લેવાનો અને પાંચ-પચીસનો ભોગ લેવાય તો ભલે પણ એ બહાને સરકારને બદનામ કરીને એને પ્રેશરમાં લાવીને પોતાનું ધાર્યું કરવાનું.
કૉન્ગ્રેસને જે માકર્સવાદી-સામ્યવાદી – કમ્યુનિસ્ટ બ્રિગેડને છૂટો દોર આપ્યો તેનાં માઠાં પરિણામો છ-છ દાયકા સુધી આ દેશે ભોગવ્યા: ઠેર ઠેર હડતાળો, આંદોલનો અને અંતે લોકઆઉટ. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી તોતિંગ મિલો, ફેક્ટરીઓની મશીનરીઓ મહિનાઓ અને વર્ષો સુધી ધૂળ ખાતી રહે. મજૂરોને માલિકો વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હોય અને ઉપરથી દમદાટી તથા હિંસાખોરીનો ડર હોય એટલે ગરીબ શ્રમિકો દેવાના ડુંગર તળે દબાઈ જાય, પણ કામ પર પાછા ન ચડે. બૅન્કો, રેલવે, ટપાલ ખાતું, જીવન વીમા – દરેક ક્ષેત્રમાં છાશવારે કામકાજ ખોરવાઈ જાય. ડાબેરીઓએ કાળોકેર વર્તાવી મૂક્યો હતો આ દેશમાં. ગઈ કાલ સુધી પશ્ર્ચિમ બંગાળમાં આવો જ કેર હતો (આજે મમતાની તૃણમૂલ કૉન્ગ્રેસનો સવાયો કેર છે). કેરળમાં પણ સામ્યવાદીઓ આવો જ કેર વર્તાવી રહ્યા છે. ભલું થજો આ નવી સરકારનું જેણે આવતાંવેંત આ ડાબેરીઓને પરદેશથી મળતાં નાણાં પર રોક લગાવીને એમની એન.જી.ઓ.નાં શટર પાડી દીધાં.
આમ છતાં છદ્મ વેશે તેઓ હજુય છૂટક ધોરણે કામ કરી રહ્યા છે. કાર્લ માકર્સની વિચારસરણીના ઝેરી સાપનું માથું છૂંદી નાખવામાં નહીં આવે ત્યા સુધી છુટપુટ સાપોલિયાઓ તૂતિકોરિન જેવી જગ્યાઓએ જઈ જઈને આ દેશનું નુકસાન કરતા રહેવાનાં.
ખાદીના કપડાં, પગમાં કોલ્હાપુરી ચંપલ, વધેલી દાઢી, વિખરાયેલા વાળ અને ખભે ગંધાતો બગલ થેલો – માકર્સવાદી ઝનૂનીઓને ઉતારી પાડવા માટે લોકો એમને ‘ઝોલાવાલા’ કહેતા. તેઓ પોતાને એક્ટિવિસ્ટ કે કર્મશીલ ગણાવતા. વાસ્તવમાં તેઓ ભાંગફોડવાદીઓ હોય છે. નકસલવાદી અને માઓવાદી સાથે એમને મામાફોઈના સંબંધ. અંતે તો આ બધા હવાડાનું પાણી એક જ કૂવામાંથી આવે જેનું નામ કાર્લ માકર્સ.
માકર્સની વિચારધારાએ આ દુનિયાનું જેટલું મોટું નુકસાન કર્યું છે તેના કરતાં હિટલરે ઓછું કર્યું છે. માકર્સ હિટલર કરતાં મોટો રાક્ષસ હતો. માકર્સના વિચારોને લીધે જે શાસકો જન્મ્યા તે દુનિયાના વિવિધ દેશોના જુલમી શાસકોએ માકર્સવાદના નામે કુલ હિટલર કરતાં વધારે લોકોને મોતના મોંમાં ધકેલ્યા અને હિટલરે મની ટર્મ્સમાં આ વિશ્ર્વનું જેટલું નુકસાન કર્યું તેના કરતાં અનેકગણું નુકસાન આ માકર્સવાદી વિચારસરણીના અનુયાયીઓએ કર્યું.
તૂતિકોરિનની વાત પૂરી કરીને પછી માકર્સવાદની વાત આગળ લંબાવીએ. વેદાન્તનો પ્લાન્ટ વર્ષે 4 લાખ ટન તાંબું બનાવતો. ભારતમાં જેટલું તાંબું (10 લાખ ટન) બને છે (એટલે કે પ્રોસેસ થાય છે, બાકી તાંબું એલીમેન્ટ છે, તત્ત્વ છે, એ કશામાંથી બને નહીં, એનું શુદ્ધિકરણ થઈને એને વિવિધ ઉપયોગમાં લેવા માટે પ્રોસેસ કરવામાં આવે) તેમાંનું ત્રીજા ભાગનું તાંબું, ટુ બી પ્રિસાઈસ 40 ટકા તાંબું વેદાન્તવાળા બનાવે છે. ભારતમાં બનતા પમ્પ અને ઈલેક્ટ્રિકસ કેબલ્સમાં આ તાંબુ વપરાય છે. ફ્રિજમાં કે એ.સી.માં આવતી તાંબાની નળીઓ બહારથી ઈમ્પોર્ટ કરીએ છીએ એટલે એ ઈન્ડસ્ટ્રીઓને તકલીફ નહીં પડે, પણ બાકીની મોટાભાગની ઈલેક્ટ્રિકલ ઈન્ડસ્ટ્રીઝ પર ભારે અસર થવાની અને તાંબાનું ‘ઉત્પાદન’ કરતી બીજી એક તોતિંગ કંપની હિન્ડાલકો પર જબરજસ્ત પ્રેશર વધવાનું.
તૂતિકોરિનના કૉપર પ્લાન્ટ જેવી દરેક ઈન્ડસ્ટ્રી ભારતની આર્થિક પ્રગતિ માટે અનિવાર્ય છે. તમિળનાડુ સરકારે ચળવળિયાઓના દબાણ હેઠળ પર્યાવરણના નામે એને તાળાં લગાવી દીધાં તેને તમે દેશદ્રોહનું કામ કહી શકો. માકર્સવાદીઓ અગાઉ મજૂરોના હક્કના નામે અને હવે પર્યાવરણના નામે ભારતને આગળ વધતું રોકી રહ્યાં છે. આ સૌ માકર્સવાદીઓ જેમની સવારમાં જ આરતી ઉતારતાં થાકતા નથી અને ચોવીસે કલાક જેના ગુણગાન ગાતા રહે છે તે કાર્લ માકર્સ વિશે કાલે થોડીક વાતો કરીએ અને બસો વર્ષ કરતાં ય ઓછી જૂની આ વિચારસરણીએ હિન્દુત્વની હજારો વર્ષ જૂની પ્રણાલીને કંઈ રીતે રગદોળી નાખવાનો પ્રયત્ન કર્યો તેની વાત કરીએ.
આજનો વિચાર
જેમને એકલા ઊડવાની આદત છે તેઓ સૌથી ઊંચી ઉડાન ભરી શકે છે.
– વૉટ્સઍપ પર વાંચેલું.