તાકીદના ત્રણચાર છુટક મુદ્દાઓ

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

માર્ક્સવાદી માફિયાઓની કૂવામાંના દેડકા જેવી સંકુચિત અને મર્યાદિત વિચારસરણી કોક્રોચ જેવી છે. લાખ ઉપાય કરશો તો પણ એ કાયમ માટે નાબૂદ નહીં થાય. માટે દર થોડા સમયે પેસ્ટ ક્ધટ્રોલવાળાને બોલાવતા રહેવાનું. 

આપણી પેસ્ટ ક્ધટ્રોલ સર્વિસને સોમવાર પર મુલતવી રાખીને તાકીદના એવા એકદમ પ્રેસિંગ ત્રણચાર મુદ્દાઓ જોઈ લઈએ-માર્ક્સવાદીઓને નેક્સ્ટ કૉલમમાં લઈશું.

જે ત્રણચાર મુદ્દાઓ તાત્કાલિક અને ઝડપથી લઈ લેવા છે તે આ રહ્યા:

૧. સોનાના ભાવ તમે રોજ વાંચતા હશો. રોજની વધઘટ થાય છે. ક્યારેક તો દસ ગ્રામના ભાવમાં માત્ર એક રૂપિયા જેટલી મામૂલી વધઘટ થાય છે. 

તમારા શેરબજારમાં પણ દરેક શેરના ભાવમાં માત્ર રોજેરોજ નહીં, દિવસમાં કેટલીયવાર વધઘટ થતી હોય છે. 

રૂપિયાના ડૉલર સાથેના ભાવમાં કે અન્ય વિદેશી હૂંડિયામણ સાથેના ભાવમાં પણ આટલી જ તીવ્ર વધઘટ હોવાની. તમે મુંબઈથી ન્યુ યોર્ક જતી વખતે જે ભાવે ડૉલર લીધા હોય તે ભાવ દુબઈ જતાં, લંડન કે ફ્રેન્કફર્ટ જતાં અને ફાઈનલી જેએફકે પર ઊતરો ત્યારે બદલાઈ જતા હોય છે. 

અરે આ બધી હાઈફાઈ વાત જવા દો. એક જમાનામાં શહેરોમાં તબેલાઓવાળા ડેરી ચલાવતા. દુકાનમાં દૂધના મોટાં મોટાં કૅન હોય. ત્યાં ‘આજના દૂધનો ભાવ’ લખેલું કાળું પાટિયું હોય. દૂધના ભાવ રોજેરોજ બદલાતા. 

તો પછી (હવે હું ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહ્યો છું, સંભળાય છે?) પેટ્રોલનો ભાવ રૂપિયો ઘટેવધે કે એક પૈસો વધેઘટે એને નૅશનલ ઈશ્યુ બનાવવાની મૂર્ખાઈ શું કામ કરો છો?

ડીઝલ-પેટ્રોલનો ભાવવધારો એક નૉન ઈશ્યુ છે, નૉન ઈશ્યુ છે, નૉન ઈશ્યુ છે. મે, ર૦૧૮ના મહિનામાં અશોક લેલૅન્ડના કમર્શિયલ વાહનોના વેચાણમાં પ૧ ટકા વધારો થયો, મારુતિના વેચાણમાં ર૬ ટકા, એસ્કોર્ટ્સ ટ્રેક્ટરના વેચાણમાં ૨૧ ટકા, બજાજ ઑટોમાં ૩૦ ટકા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧૨ ટકા અને આઈશરમાં ર૩ ટકા વધારો થયો. આ આંકડા કોટક જેવી જવાબદાર ફાઈનેન્શ્યલ કંપની સાથે સંકળાયેલા અતિ જવાબદાર એવા નીલેશ શાહના ટ્વિટર પરથી મેળવેલા છે. આ નવા વાહન ખરીદારો ટાંકીમાં ડીઝલ-પેટ્રોલને બદલે શું બિસ્લેરી નાખવાના છે? વાત કરો છો, કૉન્ગ્રેસીઆ.

ર. પેટાચૂંટણીમાં ભાજપ લોકસભાની ત્રણમાંની બે બેઠક ન જીતી શક્યું. એ બંને બેઠકો ર૦૧૪ની ચૂંટણીમાં ભાજપે જેમની પાસેથી ખૂંચવી લીધેલી એમની પાસે જ પાછી જતી રહી. અને શું મોટો ઉપાડો મીડિયાએ લીધો છે. ભાજપ તારાં વળતાં પાણી, મોદીજી બૅગબિસ્તરાં બાંધીને ઉચાળા ભરવાની તૈયારી કરો. વિપક્ષો એકસાથે થઈ જશે તો ભાજપને ભારે પડશે. 

આ શોરબકોરમાં કેમ કોઈ પૂછતું નથી કે કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જનતા દળ એસની સરકાર રચાયે અઠવાડિયું થઈ ગયું. કોણ નાણાં ખાતું ઝાપટે અને કોણ ગૃહ મંત્રાલય તેની સમજૂતી થતાં સાત દિવસ લાગ્યા. બાકીનાં ખાતાં તો હજુ બાકી. જે બે બાઘડાઓ સત્તા પર આવ્યા પછી ખાતાંની વહેંચણી શાંતિથી નથી કરી શકતા, હળીમળીને પ્રધાનમંડળ રચીને કર્ણાટકની પ્રજાના કાર્યો કરવાનું શરૂ નથી કરી શકતા તે બિલ્લા-બિલ્લીઓ ર૦૧૯માં શું ધૂળ એકત્રિત થવાના? માયાવતીએ તો ઑલરેડી કહી દીધું છે કે અમને સરખી સીટો નહીં મળે તો અમે કોઈની સાથે નહીં જોડાઈએ. એકલદોકલ પેટાચૂંટણીમાં ઠીક છે. કોઈએ કંઈ બહુ ગુમાવવાનું નથી હોતું ને કોઈએ કંઈ ઝાઝું મેળવવાનુંય નથી હોતું. 

જૂની વાર્તા છે. વાંઝિયણ બજારમાં જતી હતી ત્યાં પવન આવ્યો ને એની સાડીમાં ભરાયો, લોકોને લાગ્યું કે એ પેટથી છે. વાર્તામાં તો પુત્રજન્મના પેંડા વેચાયા હતા કે નહીં તેની ખબર નથી, પણ સપા /બસપા/જદ/કૉન્ગ્રેસ/સેના/આપ/સીપીઆઈ વગેરેઓએ કૈરાનાની પેટાચૂંટણી પછી ટનબંધ પેંડાઓ વહેંચી નાખ્યા છે. 

‘મને ચિંતા થાય છે ર૦૧૯માં મોદીજીનું શું થશે’ આવી રોતલ વાતો બંધ કરો. વાંઝિયણને ત્યાં જો સંતાન જન્મવાનું હોત તો ક્યારનું જન્મી ચૂક્યું હોત. 

૩. સ્વામી રામદેવ પ્રોગ્રેસિવ માણસ છે. હલકા લોકો એમને બિઝનેસમૅન કહીને ઉતારી પાડે છે. ભલે. રામદેવે વૉટ્સઍપ જેવી નવી ઍપ બજારમાં મૂકી-‘કિમ્ભો’ નામે. એ વાપરવા માટે એટલી પડાપડી થઈ કે સાઈટ ક્રેશ થઈ ગઈ. ભવિષ્યમાં એ ઍપ જેવું કામ કરે તે. અત્યારે એના સિક્યુરિટી ફીચર્સને લઈને કોઈ વિદેશી ટેક્નોલોજી નિષ્ણાતે મોટો વિવાદ ઊભો કર્યો છે અને ગુગલ પ્લે સ્ટોરવાળાએ આ ઍપને પોતાનામાંથી ઉડાવી દીધી છે.

આ સમાચાર ગાઈબજાવીને તમને આપનાર છાપાં/ચેનલોએ તમને શું એ જણાવ્યું કે એક સૌથી જાણીતી ટેક્સીની ઍપવાળાએ પોતાની પ્રાઈવસીની શરતોમાં ‘ફેરફાર’ કર્યો છે. લીગલ અને ટેક્નિકલ ભાષામાં આપણા જેવાઓને ઝાઝી સમજ ન પડે, પણ ‘ફેરફાર’ એ છે કે તમે એ ટેક્સીવાળાની ઍપ પરથી ટેક્સી બોલાવો તો એ તમારી ફોનબુકના તમામ કોન્ટેક્ટ્સ, બૅન્ક ડીટેલ્સ અને બીજી તમામ માહિતી ઝડપી લઈને બીજાઓ સાથે શેર કરી શકશે. હું ટેક્સી મગાવું એમાં એને મારો નંબર જોઈએ, મારા પાડોશી-ડૉક્ટર-મિત્રો-ગર્લફ્રેન્ડ્સો વગેરેનો શું કામ જોઈએ?

રામદેવને બદનામ કરનારા મીડિયાને આ ટેક્સીવાળાએ તમારી પ્રાઈવસીનો ભંગ કરવા માટે જે ‘ફેરફારો’ કર્યા છે તેની કંઈ પડી નથી. શું આ જવાબદારી મીડિયાની નથી, પણ ટેક્સીવાળો અબજો ડૉલર વેરીને ધંધો કરે છે એટલે એની સામે કોઈ ચૂં કે ચાં નથી કરતું. 

૪. છેલ્લી વાત. તમને ખબર છે કે દેશ ક્રમશ: કેટલો સમૃદ્ધ થઈ રહ્યો છે? દેશની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં નૉટબંધી અને જીએસટી પછી (પછી)ના છેલ્લાં ૭ ક્વાર્ટર્સમાં અર્થાત્ ગત પોણા બે વર્ષ દરમિયાન સતત વધારો થતો રહ્યો છે. એગ્રિકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને ક્ધસ્ટ્રકશન-ત્રણેય ક્ષેત્રોમાં ધરખમ પ્રગતિ થઈ છે: ટૂંકમાં આંકડાબાજી કરી લઈએ તો ર૦૧૭-૧૮ના નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં પ.૬ ટકા, બીજામાં ૬.૩ ટકા, ત્રીજામાં ૭ ટકા અને માર્ચ ર૦૧૮માં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં દેશની જીડીપી આંકડો ૭.૭ ટકાના દરે આગળ વધ્યો. 

ટૂંકમાં મોદી સરકાર સારું કામ કરે છે. કકળાટ નહીં કરતા.

આજનો વિચાર

કોઈમાં કોઈ કમી દેખાય તો એની સાથે વાત કરવાની 

પણ દરેકમાં કોઈને કોઈ કમી દેખાય તો પોતાની સાથે વાત કરી લેવાની.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: પકા, એક શાયરી યાદ આવે છે.

પકો: કેમ?

બકો: આ પેટાચૂંટણીનાં પરિણામો જોયાં ને એટલે.

પકો: ઈર્શાદ

બકો: કાગઝ કી એક નાવ અગર પાર હો ગઈ…

પકો: વાહ વાહ, કાગઝ કી એક નાવ અગર પાર હો ગઈ

બકો: ઉસમેં સમંદર કી કહાં હાર હો ગયી!

1 COMMENT

  1. સાહેબ, આપે આ ચાર મુદ્દાઓ પર વાત કરીને વિરોધીઓને ‘ ચારો ખાને ચિત્ત’ કરી નાખ્યાં છે, તેમની બોલતી બંધ કરી નાખી છે.
    ૧. લોકો ને નકારાત્મક વિચારતાં કરવામાં મિડિયાનો મોટો હાથ છે.
    ૨. કીડી ને એક દાણો ખાન્ડ મળી એમાં એ ખુશ થઈ ગઈ છે, પરંતુ હજુ તો ખાન્ડ નો આખો ઠગલો બાકી છે. ( રિફાઇનરી)
    ૩. સ્વદેશી ના બિઝનેસ ને રોકવાના કાવતરા ચાલે છે.
    ૪. દેશ નું અથૅતંત્ર ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here