બાબરી ધ્વંસના પવિત્ર દિવસે વીતેલા ત્રણ દાયકા વિશે અને આવી રહેલા ત્રણ દાયકા વિશે થોડું ચિંતનઃ સૌરભ શાહ

(ગુડ મોર્નિંગઃ માગસર સુદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૬ ડિસેમ્બર ૨૦૨૧)

ત્રણ દાયકા ક્યાં વીતી ગયા એની ખબર પડી કોઈને? 1992ની સાલની છઠ્ઠી ડિસેમ્બરના રવિવારે, અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ ઊભી કરવામાં આવેલી બાબરીની જર્જરિત ઇમારતના, એક પછી એક ત્રણેય ગુંબજ ધ્વસ્ત કરવામાં આવ્યા. એ વખતે સૌની ભાવના હતી, માગણી હતી અને યોજના પણ હતી કે આ ટીંબાના કાટમાળને સાફ કરીને, પરિસરના એક ખૂણે જર્જરિત તંબુમાં શરણું લેનારા રામલલ્લાની મૂર્તિની એમને શોભે એવા ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે. પણ કોણે વિચાર્યું હતું કે આ કામ કોઈ હોહા-વિવાદ વિના, કાયદાના માર્ગે પરિપૂર્ણ થઈ શકશે. ભારતની પ્રજાને સાત વર્ષ પહેલાં જે નવું નેતૃત્વ મળ્યું એનો આ પ્રતાપ છે. બાકી પ્રજાના ઉશ્કેરાટના પરિણામે આપણે કંઈક અલગ જ દૃશ્યો જોયાં, કરતા હોત. હજુય જોતા હોય. દાયકાઓ સુધી જોયા કરતા હોત.

ભારતની પ્રજાની લાગણીને યોગ્ય રીતે, યોગ્ય સમયે ભૌતિક આકારમાં ઢાળવાનું કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. કેટલાક અધીરાઓ (અને અધૂરાઓ) સમજ્યા કર્યા વિના મોદીના કાર્યની રિધમ ખોરવી નાખીને મોદીના બાપ બનવાની કોશિશ કરી રહ્યા છે. મોદીએ ક્યારે શું બોલવું અને ક્યારે શું કરવું તેનો એજન્ડા નક્કી કરી આપવાની હોંશ ધરાવનારા હુંશીલાલોને જણાવવાનું કે તમે જાણી જોઈને કે પછી અજાણતાં જે નુકસાન કરવાની કોશિશ કરી રહ્યા છો તે નુકસાન જો થઈ ગયું તો 2024 પછી બીજાં ત્રીસ વર્ષે પણ આવા ( વીતેલા સાત વર્ષ જેવા) દિવસો ફરી નહીં આવે. લખી રાખજો.

છઠ્ઠી ડિસેમ્બરના, બાબરી ધ્વંસના આ પવિત્ર દિવસે પાછળ નજર કરીને જુઓ કે કેવા કેવા દિવસોમાંથી આપણે પસાર થયા છીએ. રામ જન્મભૂમિ જેવી પવિત્ર ભૂમિ પર જાજરૂ બાંધવાનાં સૂચનો મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા થતાં રહ્યાં અને આપણે સમસમીને બેસી રહેવું પડતું. હિન્દુવાદી હોવું એટલે કોમવાદી હોવું એ માહોલમાં આપણે સૌ જીવ્યા છીએ. સેક્યુલરો અને વામપંથીઓ આપણા પર રાજ કરતા. 59 હિન્દુઓને જીવતા સળગાવી દીધા પછી હિન્દુઓ પર જ ફિટકાર વરસાવવામાં આવતો. ખૂનના તદ્દન જુઠ્ઠા આરોપસર શંકરાચાર્યની દિવાળીના દિવસોમાં ધરપકડ થતી અને અઠવાડિયાઓ સુધી એમને જામીન મળતી નહીં એટલું જ નહીં દેશદ્રોહી ન્યુઝ ચેનલોની ચિબાવલી રિપોર્ટરો ફોર્જરી કરીને દર્શકોને વીડિયો દેખાડતી કે જુઓ, તમારા ધર્મના સર્વોચ્ચ ગુરુ પોતે કરેલા ખૂનનો એકરાર કરી રહ્યા છે. ધિક્કાર છે આવી ટીવી ચેનલોને અને ધિક્કાર છે આવી પત્રકારિણીઓને.

પાકિસ્તાની આતંકવાદીઓ છાશવારે ભારતનાં શહેરોમાં બૉમ્બ ધડાકાઓ કરીને સેંકડો નિર્દોષ ભારતીયોના અને ભારતના લશ્કરના જવાનોનો જીવ લેતા અને તે વખતની સરકાર આ મુસ્લિમ આતંકવાદીઓને પકડવાને બદલે હિન્દુ ટેરરિઝમનો માહોલ ઊભો કરવા બનાવટી કેસો કરીને હિન્દુ સાધ્વીઓ, સાધુઓ, કાર્યકર્તાઓને પાંચ-દસ વર્ષ માટે જેલમાં નાખી દેતી. આપણે હાથ પર હાથ રાખીને બેસી રહેતા.

કોઈ કલ્પના જ નથી કેટલાક લોકોને કે 1992ની છઠ્ઠી ડિસેમ્બરથી 2014ની 26 મે વચ્ચેનાં વર્ષોમાં આ દેશે શું શું સહન કર્યું છે. મોદી, ભાજપ, ભાગવત, સંઘને ટપલાં મારનારાઓની જો 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી-ભાજપ-ભાગવત-સંઘની શક્તિને ઓછી કરવામાં સફળ થશે તો આ દેશ પર રાહુલો-કેજરીવાલો-મમતાઓ-ઉદ્ધવો અને વામપંથીઓ-ખાલિસ્તાનીઓ ચડી બેસશે. પાંચ જ વર્ષમાં આ દેશને ખલાસ કરી નાખશે. તબાહ કરી નાખશે આપણને સૌને.

પંચ્યાશી ટકા હિન્દુ વસ્તીવાળા દેશ પર રાજ ચલાવતી ઇટાલિયન મહિલા પોતાની કઠપૂતળી જેવા પીએમ પાસે બોલાવડાવતી કે આ દેશનાં સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે. આતંકવાદીઓનાં એન્કાઉન્ટર થતાં ત્યારે પોલીસોને બિરદાવવાને બદલે આતંકવાદીઓના મોત પર આંસુ વહેવડાવવામાં આવતાં અને પોલીસ અફસરોને જેલભેગા કરવામાં આવતા એટલું જ નહીં પોલીસખાતું – જેલખાતું જેમના તાબામાં હોય એ ગૃહમંત્રીને પણ મહિનાઓ સુધી જેલવાસ થતો.

કોઈ કલ્પના જ નથી કેટલાક લોકોને કે 1992ની છઠ્ઠી ડિસેમ્બરથી 2014ની 26 મે વચ્ચેનાં વર્ષોમાં આ દેશે શું શું સહન કર્યું છે. મોદી, ભાજપ, ભાગવત, સંઘને ટપલાં મારનારાઓ, ખુલ્લેઆમ આ સૌની ઠેકડી ઉડાડનારાઓ, આ સૌને શીખામણ આપીને પોતાનું મહત્ત્વ વધારવા માગનારાઓ, વિદેશી ફંડિગથી તગડા થઈ ગયેલા વામપંથીઓ અને અરાજકતા સિવાય બીજો કોઈ જ એજન્ડા જેમનો નથી એવા અભી બોલા – અભી ફોકવાદીઓ અને ભારતના ટુકડા કરી એ ટુકડાઓની આગમાં પોતાની ભાખરી શેકી લેવાની મંછા રાખનારાઓ – આ બધા લોકો જો 2022માં ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કે 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી-ભાજપ-ભાગવત-સંઘની શક્તિને ઓછી કરવામાં સફળ થશે તો આ દેશ પર રાહુલો-કેજરીવાલો-મમતાઓ-ઉદ્ધવો અને વામપંથીઓ-ખાલિસ્તાનીઓ ચડી બેસશે. પાંચ જ વર્ષમાં આ દેશને ખલાસ કરી નાખશે. તબાહ કરી નાખશે આપણને સૌને.

મોદી છે એટલે એ બધું સંભાળી લેશે એવું માનીને પગ પર પગ ચડાવીને વૉટ્સઍપ પર આવતા મજાકિયા ફોરવર્ડિયાઓને સમજ્યાકર્યા વિના આગળ ધકેલવાનું તમને ભારે પડવાનું છે. મોદીની તાકાત તમે છો. તમને ભરમાવવા સ્યુડો હિન્દુવાદીઓએ અને હાઇપર હિન્દુવાદીઓએ વામપંથી સેક્યુલરો સાથે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. બનાવટી હિન્દુવાદીઓએ પોતપોતાનાં કામ વહેંચી લીધા છે — કોઈ માત્ર ભાજપને ગાળો આપશે, મોદીનાં વખાણ કરશે. કોઈ મોદીના કેબિનેટના સાથીઓને અડફેટે લેશે, ભાજપને બિરદાવશે. કોઈ આરએસએસ અને ભાગવતને લપડાક મારશે, મોદીને વહાલ કરશે. કોઈ મોદીહટાવ ઝુંબેશ ચલાવશે અને સંઘને આ કામ કરવા માટે ઉશ્કેરશે. સૌ પોતપોતાનો એજન્ડા સિદ્ધ કરવામાં હિન્દુઓની એકતામાં ભંગાણ પાડીને વામપંથી લિબરાન્ડુઓને સાથ આપી રહ્યા છે.

આ અબૂધો સમજતા નથી કે કોઈ પણ વસ્તુને આકાર આપવો એ ઘણું કઠિન કામ છે. એ આકારને નષ્ટ કરવાનું કામ અત્યંત આસાન છે. કોઈ છોડને ઉખાડી નાખવાનું સહેલું છે, બીજને જમીનમાં વાવીને એમાંથી છોડ બનાવવાનું અઘરું છે.

આજકાલ જેને જુઓ તે તોડફોડ કરવામાં મગ્ન છે- ખાસ કરીને જાહેરજીવનમાં અને રાજકારણમાં. કોઈની પ્રતિષ્ઠા ભોંયભેગી કરવાથી માંડીને કોઈએ દાયકાઓ દરમ્યાન કરેલાં કામને રાતોરાત ભૂંસી નાખવાની નાદાની થતી આપણે જોઈ રહ્યા છીએ.

એક માણસ જ્યારે કોઈ કામ શરૂ કરે છે ત્યારે એ દિવસરાત એક કરીને રોજના છ-આઠ-બાર-સોળ કલાક એ કામ કામ કરવામાં ખર્ચી નાખે છે. આ રીતે કરેલું કામ બે-ચાર વર્ષ વીતે એ પછી દુનિયાની નજરે ચડતું હોય છે. પાંચ-દસ વર્ષે દુનિયા એ કામને ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે. બેએક દાયકા બાદ એ કામ સોળે કળાએ ખીલીને દુનિયાની સમૃદ્ધિમાં ઉમેરો કરે છે એની સૌ કોઈને ખાતરી થવા માંડે ત્યારે કેટલાક નવરા લોકોની આંખમાં એ ખૂંચવા લાગે છે.

દાયકાઓથી કરેલી તપસ્યાના ફળ સ્વરૂપે દુનિયાને કોઈ કશું આપી રહ્યું હોય તે આ નવરા લોકોથી જોઈ શકાતું નથી. તેઓ જતનપૂર્વક ઉછરેલા કોઈના કામને ધ્વસ્ત કરવામાં પિશાચી આનંદ મેળવતા થઈ જાય છે. એમની આ ભાંગફોડ જોવામાં કેટલાક તમાશબીનોને આનંદ આવે છે. તેઓ તાળીઓ પાડીને આવા નવરા લોકોને ટેકો આપવાનું પાપ કરતા થઈ જાય છે. નવરા લોકોને આને કારણે પાનો ચડે છે. એમને લાગવા માંડે છે કે આ ભાંગફોડનું કાર્ય સમાજ ઉપયોગી છે, એટલે તો આટલા બધા લોકો તાળીઓ પાડવા ભેગા થયા છે.

દરેક સમાજમાં, દરેક પ્રદેશમાં, દરેક દેશમાં કેટલાક લોકો એવા હોવાના જેઓને કશુંય રચનાત્મક કાર્ય કરવામાં રસ નથી હોતો. એમની પાસે એવી કોઈ બુદ્ધિ કે તાકાત પણ નથી. તેઓને માત્ર ભાંગફોડ કરવામાં, અરાજકતા ફેલાવવામાં રસ હોય છે. કોઈ કંઈક રચનાત્મક કામ કરતું હોય તેમાં વિઘ્ન નાખવામાં રસ હોય છે. પોતાની પતંગ ચગાવવાને બદલે બીજાનામાં લંગસિયું નાખવામાં રસ હોય છે. બીજું માણસ કંઈ કામ કરતું હોય તો એમાં ખોડખાંપણ કાઢીને એને ઉતારી પાડવામાં રસ હોય છે.

જુઓ ભાઈ, કોઈ કામ કરશે તો એમાં ક્યારેક ઉન્નીસબીસ પણ થવાનું. ક્યારેક આગળ વધીને પચ્ચીસ-પચ્ચાસ ટકા કામ પણ બગડવાનું. દસ કામ હાથમાં લીધાં હશે તો એમાંથી એક-બે કામમાં સદંતર નિષ્ફળતા મળવાની અને બેચાર કામ અધૂરાં રહી જવાનાં. સરવાળે ગણતરી એ કરવાની હોય કે અગાઉ જે કંઈ નહોતું થયું એની સરખામણીએ કેટલું કામ થયું. દુનિયાને, બીજાને કે તમને પોતાને મૂલવવાની આ દૃષ્ટિ સાચી દૃષ્ટિ છે.

પણ કેટલાક લોકોને કામ કરવામાં કંઈ રસ જ નથી હોતો. એ લોકો માત્ર મોટા મોટા દાવાઓ કરતા રહે છે, મોટી મોટી ઘોષણાઓ કરીને બણગાં ફૂંકતાં રહે છે અને કોઈ પૂછે કે બેપાંચદસ વર્ષ થવાં આવ્યાં છતાં આમાંનું એક પણ કામ હજુ શરૂ પણ નથી થયું એનું શું કારણ? તો તેઓ બહાનાં કાઢશે. પોતાની નાકામિયાબીનો વાંક બીજાના પર ઢોળશે, જાણે લોકો મૂરખ છે કે એમની વાત માની લેશે.
જૂનીને જાણીતી કહેવત છેઃ જેને નૃત્ય નથી આવડતું તે હંમેશાં જમીન વાંકીચૂકી છે એવું બહાનું કાઢશે. અને જે નૃત્ય કરી જાણે છે તે ભરતડકામાં તપેલી જમીન પર વીખેરાયેલા કાચના ટુકડાઓની પરવા કર્યા વિના જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી મન મૂકીને નૃત્ય કરશે.

કુટુંબમાં, સમાજમાં કે દેશમાં તમારા કામમાં ખોડખાંપણ કાઢવાવાળા અનેક નીકળી આવવાના. તમે એમને કહેશો કે હા ભાઈ, મારા કામમાં તમે જે કહો છો એ ખામી છે પણ જો તમે સાથ આપો તો એ ખામી પૂરવામાં મદદ મળે એમ છે- તો તરત જ તેઓ બહાનાં કાઢીને છટકી જશે.
નવરા લોકોનું બીજું પણ એક કામ હોય છે. તેઓ તમારી સામે જેમતેમ બોલીને તમને અને બીજાઓને ઉશ્કેરે છે, વળતો જવાબ આપવા માટે સળી કરતા રહે છે. એમને ખબર હોય છે કે તમે એમને જવાબ આપશો તો એમનું મહત્વ વધશે. એટલું જ નહીં, તમારો એટલો સમય બરબાદ થશે, કામમાંથી તમારું ધ્યાન બીજે દોરવાઈ જશે, તમારું કામ રખડી પડશે. તમારા પર ઉછાળવામાં આવતા આક્ષેપો બેપાયાદાર હોય, આધાર વિહોણા હોય તો પણ તમારે નવરા લોકોના આક્ષેપોનો જવાબ આપવામાં તમારાં સમય-શક્તિ વેડફવાનાં ન હોય. તમે ગમે એટલા સાચા હો તો પણ તમારી સચ્ચાઈના પુરાવાઓ આ નિમ્નસ્તરના લોકો સમક્ષ આપવાની જરૂર નથી. જેમને કામ નથી કરવું કે જેઓ કામ કરવાની ક્ષમતા/દાનત ધરાવતા નથી એવા લોકો તમને કામ કરતાં રોકવામાં સફળ જાય તો જ તેઓ તમારા સમકક્ષ બની શકે એમ છે એટલું ધ્યાન રાખવાનું; અને જે કામ કરી રહ્યા હો તે કરતાં રહેવાનું.

નવરા લોકોનું ત્રીજું પણ એક કામ હોય છે. તમારા વિશે ગેરમાહિતી ફેલાવવાનું જેનો સીધો રસ્તો છે તમને મિસક્વોટ કરીને તમારા સમર્થકોને ઊંધે રસ્તે લઈ જવાનું.

વખત અત્યારનો ઘણો કપરો છે. કોઈ કંઈ પણ તમને કહી જાય અને તમે એના કહેવામાં આવી જાઓ. તમારા ભરોસાને અને ભોળપણને વટાવી લેવા માટે અનેક ઠગ રસ્તામાં ઊતરી આવ્યા છે. તમને ગેરરસ્તે દોરવાના એમના પ્રચ્છન્ન એજન્ડાને તમે ઓળખી નથી શકતા. આવાં તોફાની અને મવાલી તત્ત્વોને ખુલ્લાં પાડીને સૌને એમના વિશે જાણ કરવાની આપણી પવિત્ર ફરજ છે.

તમને ગેર માર્ગે દોરવાનો સૌથી આસાન તરીકો છે અધૂરાં અને સંદર્ભહીન વાક્યો ટાંકવાં. આ ચાલબાજી મૂળ ડાબેરીઓની, સેક્યુલરોની. હવે તો આપણાવાળામાંના કેટલાક પણ આવી રમત તમારી સાથે રમી રહ્યા છે.

નાનપણમાં સાંભળેલી કોઈ વાર્તાનું એક વાક્ય છે જેને સહેજ જ તોડવા-મરોડવામાં આવે તો આખો અર્થ બદલાઈ જાયઃ ‘દીવા નથી છે રાજ્યમાં અંધારું ઘોર’. આ જ વાક્યને આ રીતે બોલીએ તો? ‘દીવાનથી છે રાજ્યમાં અંધારું ઘોર’. આ તો જાણે કે શબ્દરમતની બાળગમ્મત થઈ.

મિસક્વોટ કરવા, આગળપાછળના સંદર્ભોને ઢાંકીને કોઈને ક્વોટ કરવા, કોઈ જે શબ્દો બોલ્યું હોય એને પોતાની રીતે ઢાળીને એની હેડલાઇન બનાવવી – આ બધું થાય છે ત્યારે જે લોકોની શક્તિ જોડીને તમારા કામને ઊંચાઈ મળી હોય છે એ ઊંચાઈ ઓછી થઈ જવાનો ભય સર્જાય છે. તમે જેમને આદર્શ માનતા હો, તમે જેમને આદર આપતા હો એવી તમામ વ્યક્તિઓ વિશે કોઈ નવરું માણસ કંઈક અષ્ટમપષ્ટમ તમને કહી જાય તો વિચાર કરજો કે આવા નવરાઓની વિશ્વસનીયતા કેટલી અને એની તુલનામાં જેમનો તમે આદર કરો છો એમની વિશ્વસનીયતા કેટલી. કોઈના વિશે આડુંઅવળું બોલીને એમનો માનભંગ કરવાની ચેષ્ટા કરનારાઓનું બૅકગ્રાઉન્ડ તમારે તપાસી લેવાનું. એણે પોતે આ સમાજને ઉપયોગી થાય એવાં કેટલાં કામ કર્યાં છે, ક્યાં ક્યાં? અને એની સામે જે મહાનુભાવ પ્રત્યેનો તમારો આદર ઓછો થઈ જાય એવી ચેષ્ટા થઈ રહી છે એ મહાનુભાવે આ સમાજ માટે દેશ માટે કરેલું કામ કર્યું છે તે જોવાનું.
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

મોદી, ભાજપ, ભાગવત અને સંઘ સામે ડાબેરીઓ દ્વારા કેટલાક બાળબુદ્ધિ ધરાવતા હિન્દુવાદીઓને પડખામાં લઈને શરૂ કરવામાં આવેલી ઝુંબેશથી વાકેફ થવાનો અને ચેતી જવાનો આ દિવસ છે. તમારા ખભા પરના મોદીને રાહુલ ઠેરવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે. સાવધ નહીં રહ્યા તો ત્રીસ વર્ષ પાછળ ફેંકાઈ જશો.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. આ દેશની સૌથી મોટી સમસ્યા જ એ છે કે દેશનો હિંદુ સંગઠિત નથી. ચાહે એ ઘોરી નો સમય હોય કે પછી ગાંધી નો સમય હોય કે પછી સોનિયા ગાંધી નો સમય હોય કે મોદી નો સમય હોય. અસંગઠિત હિંદુઓ ને આ દેશના રાજનેતાઓ એ ટેકન ફોર ગ્રાંટેડ સમજે છે. કેજરીવાલ હોય કે મુલાયમ સિહ યાદવ હોય કે લાલુ પ્રસાદ યાદવ હોય કે મમતા બેનર્જી કે પછી શરદ પવાર હોય.. આ બધા નેતાઓ નો ભારતની રાજનીતિ માં ઉદ્ભવવું અને પરિપક્વ થવું એ કોંગ્રેસની નપુંસકતાનુ પરિણામ છે. જેમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ થી લઈ ને મનમોહન સિંઘ સુધીના દરેક કોંગ્રેસી નેતાઓની રાજનીતિ શામિલ છે. જે તે વખતે દેશ આઝાદ થયો ત્યારે જ દેશને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની જરૂર હતી. સેક્યુલરવાદ નો ચેહરો બનવાની કોઇ જરૂર નહોતી. હિંદુ રાષ્ટ્રમાં જ મુસ્લિમો સુરક્ષિત રહ્યા છે અને રહેશે. સમજવાની જરૂર હિંદુઓ ને જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here