તમને સાચી રીતે ટીકા કરતાં નથી આવડતું અને સારી રીતે પ્રશંસા કરતાંય નથી આવડતું : સૌરભ શાહ


(તડક ભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 29 નવેમ્બર, 2021)

તમારાથી જે વધારે મોટા છે એના વિશે તમે ટીકા કરશો તો તમે એના કરતાં વધારે મોટા લાગશો, તમારા કરતાં જે વધારે હિંમતવાળા છે એમની ટીકા કરશો તો એમના કરતાં વધારે હિંમતવાન લાગશો પણ જો તમે એમનાં વખાણ કરશો તો તમે એમનાથી નાના લાગશો, એમની ચાપલૂસી કરો છો એવું લાગશે — આવું તમે માની લીધું છે.

અને એટલે જ તમે બીજા લોકોની, ખાસ કરીને તમારાથી વધુ ગજું ધરાવતા લોકોની મનફાવે તેમ, આડેધડ ટીકા કરતા રહો છો. સોશ્યલ મીડિયાની ભાષામાં કહીએ તો તમે ટ્રોલિંગના ઉસ્તાદ બની ગયા છો.

તમારા કરતાં મોટો માણસ તમારા જેવાઓની ટીકાનો જવાબ આપવા નથી આવવાનો એની તમને ખબર હોય છે. ભૂલેચૂકેય જો એ તમને થપ્પડ મારતો જવાબ આપશે તો એ થપ્પડને તમે સિરપાવ ગણીને તમારી છાતી પર લગાવીને બધાને બતાવવા ફરશો કે જુઓ, જુઓ આવડા મોટા માણસની મેં લાત ખાધી, એણે મને આ રીતે બે કોડીનો કરી નાખ્યો, મને બ્લૉક કરી નાખ્યો. તમારા માટે શરમજનક હોય એવી વાતોનું જ્યારે તમે ગામઆખામાં પ્રદર્શન કરતા હો છો ત્યારે તમને નિર્વસ્ત્ર કહેવામાં આવે છે. તમારી આબરૂના ધજાગરા કોણે કેવી રીતે ઉડાડ્યા એને જો તમે તમારા ઇમ્પોર્ટેન્સનું સર્ટિફિકેટ માનતા હો તો તમારા જેવો નિર્વસ્ત્ર બીજો કોઈ નથી. નિર્વસ્ત્રના પર્યાયરૂપે જો કોઈ દેશી કે સડકછાપ શબ્દ મેં વાપર્યો હોત તો એક જ વારનો ઉપયોગ પૂરતો હોત એટલો એ અસરકારક છે — મારે વારંવાર નિર્વસ્ત્ર, નિર્વસ્ત્ર એવું લખવું પડતું ન હોત.

સોશ્યલ મીડિયામાં જેમ તમે તમારી ઓળખાણ ગુપ્ત રાખી શકો છો એવું જ રૂબરૂ વાતચીતમાં પણ હોવાનું. તમે પાનના ગલ્લા પર કે ચાની કિટલી પર કે દારૂના બારમાં કે પછી ગમે ત્યાં કોઈ મહાનુભાવ વિશે — ચાહે એ દેશનો વડો પ્રધાન હોય કે પછી કોઈ અભિનેતા, ક્રિકેટર કે અન્ય કોઈ પણ ક્ષેત્રની જાણીતી હસ્તી હોય એના વિશે — એલફેલ બોલતા હો છો ત્યારે તમને ખબર છે કે તમારી આ વાત એમના સુધી પહોંચવાની નથી. એનું ખરું કારણ શું હોય છે? તમારી કોઈ ઔકાત જ નથી એમના સુધી પહોંચવાની કે તમારી વાતને પહોંચાડવાની.
ઘડીભર કલ્પના કરો કે કોઈ વખત એવું બન્યું કે તમને વડા પ્રધાને, લતા મંગેશકરે કે પછી સચિન તેન્ડુલકરે કે અમિતાભ બચ્ચને કે પછી આવી કોઈ પણ વીવીઆઈપી કક્ષાની વ્યક્તિએ તમને મુલાકાતનો સમય આપ્યો. તમને મળતાં પહેલાં તમારો પરિચય કોઈએ એમને આપી દીધો છે એવું માની લઈએ. એમણે તમને ચા-પાણી પીરસ્યાં અને તમારા એક હાથમાં ચાનો કપ છે, બીજા હાથમાં રકાબી છે અને તમને એ પૂછી રહ્યા છે કે: ‘હા, તો તમે પાનના ગલ્લે કે કિટલી પર શું કહેતા હતા?’

ધરતીકંપ સર્જાશે. તમારાં કપડાં બગડી જશે. તમે તતપપ કરીને ધરતી મારગ આપે તો સમાઈ જઉં એવી પ્રાર્થના કરશો. તમારામાંના એક ટકા જેટલા લોકો, જે તમારાથીય વધુ નફ્ફટ અને વધુ નિર્વસ્ત્ર હશે તેઓ કહેશે કે ના, હું તો એમને મોઢામોઢ સંભળાવી દઈશ કે પાનના ગલ્લે હું એમના વિશે શું બોલ્યો હતો. પણ તમારા જેવા 99 ટકા લોકોની બોલતી બંધ થઈ જશે.
જે ટીકા તમે તમારી ઓળખાણ છુપાવીને કરી શકો છો તે ટીકા તમે તમારા નામથી, ઓળખાણ ખુલ્લી પાડીને, કરી શકતા નથી. આ તમારી કાયરતા છે. જે ટીકા સામેની વ્યક્તિ સુધી પહોંચવાની નથી, અને પહોંચી તો એને તમારા જંતુ-અળસિયા જેવા અસ્તિત્વની કોઈ પડી નહીં હોય, એવી વ્યક્તિની ભરપેટ ટીકાઓ તમે કરતા રહો છો. આ તમારી કાયરતા જ નહીં, નપુંસકતા પણ છે.

ટીકાકારોમાં આવી સમજ હોતી નથી. માટે એવા લોકોને આવી સમજ આપવી પડતી હોય છે.

કોઈનાં વખાણ કરવાથી અમે નાના થઈ જઈશું એવું આ લોકોને લાગતું હોય છે. એટલે વખાણ પણ તેઓ એવા લોકોનાં કરશે જેમના સુધી એ વખાણ પહોંચવાના જ ન હોય. પોતાની આસપાસના કે પોતાની પહોંચમાં હોય કે પોતાને જેઓ ઓળખતા હોય એમના સારા કામને બિરદાવતા શબ્દો એ લોકોના મોઢામાંથી કે એમની કલમમાંથી ભાગ્યે જ નીકળશે. અને ભૂલેચૂકેય નીકળ્યા તો વાક્ય પૂરું કર્યા પછી ‘પણ’ ઉમેરીને બીજું વાક્ય બોલીને ‘બૅલેન્સિંગ’ કરી નાખશે.

જેમની કોઈ વાત તમને ગમી ગઈ હોય, જેમનું કોઈ કામ ગમી જાય એમની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં હૃદયની વિશાળતા જોઈએ જે બધામાં નથી હોતી.

બીજાનાં કોઈ વાતે વખાણ કરવાથી મારામાં એ ક્વૉલિટી નથી એવું લાગશે એમ માનીને લોકો કાં તો ચૂપ રહેતા હોય છે અથવા મોળા વખાણ કરતા હોય છે. મારાથી મોટી વ્યક્તિનાં વખાણ કરવાથી હું એમનો હજૂરિયો લાગીશ કે પછી મારે એની ગુડ બુક્સમાં રહેવું છે, મારો કોઈ સ્વાર્થ છે એટલે મારે એની નજીક જવું છે એવું લાગશે એમ માનીને આપણે સાચી પ્રશંસા કરવામાં કૃપણતા દેખાડતા હોઈએ છીએ. વખાણ કરવા માટે આપણે એમનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી રાહ જોતા હોઈએ છીએ.

ટીકાઓ કરવી જ હોય તો એવા શબ્દોમાં કરવી જે શબ્દો એ વ્યક્તિ જો તમારી સમક્ષ પ્રગટ થાય તો કોઈ પ્રકારની નફ્ફટાઈ દેખાડ્યા વિના અત્યંત સાહજિક અને સૌજન્યતા પૂર્વક એના મોઢે બોલી શકો એવા શબ્દોમાં કરવી.

અને પ્રશંસા એવી રીતે કરવી કે એ વ્યક્તિના મર્યા પછી એમના વિશે બોલવાનું આવે તો તમે છાતી ઠોકીને કહી શકો કે આ શબ્દો હું એમના જીવતેજીવ બોલી ચૂક્યો છું.

પાન બનાર્સવાલા

તમે દિવસમાં ઓછામાં ઓછી બે-ત્રણ વાર તમારી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું હોય એને સ્વસ્થતાપૂર્વક, નિર્લેપભાવે, દૂર રહીને જોવાની કોશિશ કરો. તમને હસવું આવશે કે જીવનમાં નાટક જ ચાલી રહ્યું છે.

—ઓશો

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. ઘણીવાર એમ લાગે છે કે સૌરભ ભાઈ માનસ શાસ્ત્રી છે.
    ઘણીવાર એમ લાગે છે કે સૌરભ ભાઈ સમાજ શાસ્ત્રી છે.
    ઘણીવાર એમ લાગે છે કે સૌરભ ભાઈ જાગૃતિ નાં મશાલચી છે.
    તેઓ એક સાચા સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here