પપ્પાની વર્ષગાંઠ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ગુરુવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૪)

મારું નામ સૌરભ અશ્વિન શાહ.
પપ્પાનું નામ અશ્વિન વાડીલાલ શાહ.
દાદાનું નામ વાડીલાલ સબુરદાસ શાહ.
મારા પરદાદા સબુરદાસ જે રાઈટિંગ ટેબલ અને ખુરશી વાપરતા તે ૪૦ વર્ષથી હું વાપરું છું. દેવગઢ બારિયાના ઘરનું બીજું ઘણું ફર્નિચર હજુ પણ હું વાપરું છું. સબુરદાદાના ગયા પછી વાડીદાદાએ બનાવડાવેલું એમનું તૈલચિત્ર મારા ડ્રૉઇંગરૂમમાં શ્રીજીબાવાની છબિ અને ફ્રેમમાં મઢાવેલા આર.ડી.બર્મનના ફોટા સાથે શોભે છે. મારા કાકાના વાલકેશ્વરના બંગલામાં પ્રવેશતાં જ સબુરદાદાનું માર્બલનું બસ્ટ જોતા. મેં સબુરદાસને જોયા નથી. મારા જન્મના બે દાયકા પહેલાં ૫૧ વર્ષનું આયુષ્ય પામીને જતા રહ્યા. એમના વિશેની વાતો સાંભળીને ટીનએજથી જ અહોભાવ પ્રગટેલો. મારાથી નાની કઝિનો યાદ કરે કે એ વખતે હું કહેતો કે આપણે લોકોએ શાહને બદલે સબુરદાસ અટક રાખવી જોઈતી હતી. કસ્તુરભાઈ લાલભાઈ, વિક્રમ સારાભાઈ અને અભય મંગળદાસની જેમ સૌરભ સબુરદાસ!

દરેક સંતાનની જેમ મને પણ માતાપિતાના ગયા પછી એમની વધારે યાદ આવે છે. દરેક પુત્રની જેમ પેરન્ટ્સના ગયા પછી મને એમની વધારે કદર થાય છે. મમ્મી વિશેની નાનકડી વાત એને કેન્દ્રમાં રાખીને મેં  ‘બાટાનાં ગાદીવાળાં ચંપલ’ લેખમાં લખી છે. પપ્પા વિશે ‘અભિયાન’ના વિંશેષાંકમાં લખ્યું હતું. રતિલાલ બોરીસાગરસાહેબે પિતા વિશે સંપાદન કરેલા પુસ્તકમાં એ લેખ સમાવ્યો છે. પણ આજે મારી કને આમાંનું કશું હાથવગું નથી. જે હાથ આવ્યું છે તે અહીં મૂકી રહ્યો છું.

***

પર્સનલ ડાયરી

ગુરુવાર, ૫ જુન ૨૦૦૯

સવારે ૭.૫૫:

અત્યારે એકાએક હું નાસિક આવ્યો છું. મારા પિતા સિરિયસ છે અને એક મેજર ઑપરેશન ૧ કલાકમાં શરૂ થશે. બાકી વાત પછી.

સવારે ૧૧.૩૫:

ઑપરેશન પૂરું થઈ ગયું છે.

પપ્પાને કેન્સર છે. બે વરસ પહેલાં ખબર પડી ત્યારે ડૉક્ટર મનુભાઈ કોઠારીને મળ્યા હતા. ડૉ. કોઠારી આજના જમાનાના ઋષિ છે. અત્યારે જે રીતની પરિસ્થિતિ હતી તે સંજોગોમાં સર્જરીનો ઑપ્શન બરાબર હતો.

ડૉ. મનુ કોઠારી વિશે અને એમના કૅન્સર રિસર્ચ વિશે ગુજરાતીઓએ જાણવું જોઇએ. પછી લખીશ.

***

રવિવાર, ૭ જુન ૨૦૦૯

બપોરે ૩.૧૫

પપ્પા હજુ SICU (surgical intensive care unit)માં છે. બનતાં સુધી સાંજે એમને રેગ્યુલર ICUમાં અથવા એમના રૂમમાં ટ્રાન્સફર કરશે. દસેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે.

પપ્પાના મોટા આંતરડામાં કૅન્સરની ગાંઠ હતી. બે વર્ષ અગાઉ આ ગાંઠનું અસ્તિત્વ જાહેર થયું ત્યારે ડૉ. મનુ કોઠારીએ અમારી સાથે નિરાંતે વાત કરીને સમજાવ્યું હતું કે never trouble the trouble unless the trouble troubles you. જ્યાં સુધી કૅન્સરની આ ગાંઠને કારણે કોઈ તકલીફ ઊભી ના થાય ત્યાં સુધી એને છંછેડવાની જરૂર નથી એવી ડૉ. કોઠારીની સોનેરી શિખામણને લીધે પપ્પા વીતલાં બે વર્ષ દરમ્યાન સુંદર જીવન જીવી શક્યા છે, કેન્સર હોવા છતાં.

ત્રણ વર્ષ પહેલાં એમના હ્રદયમાં બે સ્ટૅન્ટ્સ નખાવ્યા પછી લોહી પાતળું કરવાની ઇત્યાદિ દવાઓ લેતા હતા તે પણ ડૉ. કોઠારીના કહેવાથી ક્રમશઃ બંધ કરી હતી કારણકે એ દવાઓ પાચનક્રિયા સાથે ગડબડ કરતી હતી. ઘી વગરની કોરી રોટલી, મીઠાઈ નહીં, ફરસાણ પર પાબંદી વગેરે જેવી પરેજીઓ પણ ડૉ. કોઠારીએ દૂર કરાવી દીધી હતી. જે ખાવાનું મન થાય તે બધું જ ખાઓ – પ્રામાણસર, એવી ડૉ. કોઠારીની સલાહને પપ્પા અનુસર્યા છે. પપ્પાનું જીવન પહેલેથી જ ઘણું નિયમિત, શિસ્તબદ્ધ છે. રોજ ચાલવાની એમની ટેવ હૉસ્પિટલાઇઝ્ડ થયાના અઠવાડિયા પહેલાં સુધી ચાલુ હતી.

દસ-બાર દિવસ પહેલાં તકલીફ ઊભી થઈ. મોટા આંતરડામાંની ગાંઠ ફેલાઈ ગઈ જેને કારણે મળમાર્ગમાં અવરોધ ઊભો થયો. મળવિસર્જન તેમ જ ખોરાક લેવાની ક્રિયાઓ બંધ થઈ ગઈ. ઑન્કો-સર્જ્યન ડૉ. વાળાવળકર, ડૉ. સિંહ અને ડૉ. ચાફેકરની ઍક્સપર્ટ ટીમે મોટા આંતરડાનો ક્ષતિગ્રસ્ત ટુકડો કાપી નાખ્યો છે. કાપ્યા પછી આંતરડાને ફરી જોડી દઇને મળમાર્ગ ચાલુ કરવો શક્ય નહોતું આથી કામચલાઉ પેટની બહાર કોથળી મૂકીને એમાં મળવિસર્જન થાય તેવી ગોઠવણ કરી છે જે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ચાલુ રહેશે, મે બી મોર.

આ ઉંમરે કૅન્સરની અન્ય કોઈ ટ્રીટ્મેન્ટ (કેમો થેરપી જેવી) પપ્પાના શરીરને માફક નહીં આવે એવું ડોક્ટરોનું તારણ છે. પપ્પા ૭૮ વર્ષના છે. આવતી ૧૧મી જાન્યુઆરીએ તેઓ ૭૯ પૂરાં કરીને ૮૦માં પ્રવેશશે. વધુ આવતી કાલે લખીશ.

***

સોમવાર, ૮ જુન ૨૦૦૯

ગઈકાલે મોડી સાંજે નાસિકની મુંબઈ-આગ્રા રોડ પર આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલના SICUમાં પપ્પાને મળ્યો. ઑક્સિજન માસ્ક અને બીજાં અનેક મૅડિકલ રમકડાં હોવા છતાં એમણે મારી સાથે થોડી વાતો કરી. ઑપરેશન પછી પેટના દર્દમાં ઘણી રાહત છે. કફ આવે ત્યારે આંતરડાં ખેંચાય તે વખતે દુખે છે.

નાસિકમાં મારાં બેન-બનેવી છે. પપ્પા મારા જન્મથી ૨૦૦૩ સુધી મુંબઈ રહ્યા, પછી વડોદરા સ્થાયી થયા. વડોદરા મારું મોસાળ છે. હું ૨૦૦૩માં અમદાવાદ આવ્યો (અને ૨૦૦૯માં મુંબઈ પાછો). અમદાવાદથી દર મહિને વડોદરા જઉં, એમની સાથે થોડાક કલાક ગાળું. એમની સાથે વાતો કરવાની ખૂબ મઝા આવે. એમના જમણા કાને હડતાળ છે એટલે મને ડાબે બેસાડે, જૂની વાતો યાદ કરીને ખડખડાટ હસે અને અમને હસાવે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં મેં એમને જેટલા પ્રસન્ન જોયા છે એટલા ક્યારેય નથી જોયા. મારી સાથે કુટુંબની વાતોથી માંડીને દિલ્હીની નવી સરકાર સુધીની વાતો કરે અને મેઘા સાથે સ્ટીફન હૉકિંગ અને થિયરી ઑફ રિલેટિવિટી જેવી મને સહેજ પણ પલ્લે ન પડે તેવી વાતો કરે.

ગયા મહિને મારો મોટો ભાઈ પરાગ પાંચ દિવસ માટે પપ્પા-મમ્મીને મળવા અમેરિકાથી વડોદરા આવ્યો ત્યારે અમે ખૂબ વાતો કરી. પપ્પાને મેં મારી આગામી નવલકથા ‘પૂજ્ય પપ્પા’નો પ્લોટ સંભળાવ્યો જે એમણે ધ્યાન દઈને સાંભ્ળ્યો. જોકે, આ નવલકથા આત્મકથનાત્મક નથી, આખી કાલ્પનિક છે. મારી પહેલી નવલકથા “વેર વૈભવ” છપાતી હતી ત્યારે પણ એ આટલા જ ખુશ હતા. એ કિસ્સો મેં ‘અભિયાન’માં દિવાળી અંક માટે કાન્તિ ભટ્ટે પપ્પા વિશેનો લેખ લખાવ્યો ત્યારે એમાં ટાંક્યો હતો. એ આખો લેખ હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં એડિટ પેજ પર ફરીથી છાપ્યો હતો.

મારા અને પપ્પા વચ્ચે ક્યારેક સર્જાયેલા મનદુઃખના નાનકડા ગાળાનો, મુંબઈ છોડ્યા પછી કાયમી અંત આવી ગયો. એમના હ્રદયરોગની તકલીફ વખતે તેમ જ એમને કૅન્સર ડિટેક્ટ થયું તે સમયે પપ્પા-મમ્મી અમદાવાદ મારે ત્યાં આવીને રહ્યા હતા. મને અને એમને- બેઉને એક્બીજાની બહુ હૂંફ મળી હતી. એ પછી એમના બાળપણના મિત્ર મનુભાઈ પટેલ, જે રબર ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે, તરફથી મને એક ઇમેઈલ મળ્યો હતો. મનુકાકા લખતા હતા કે : અશ્વિન (મારા પપ્પા) કહે છે, સૌરભ મારો શ્રવણ છે…

…ગયા વર્ષે જુનમાં અમદાવાદ પોલિસની ક્રાઇમ બ્રાંચ પાસે મારી ધરપકડ કરાવવાના સમાચાર મેઘાએ એમને ફોન પર આપ્યા ત્યારે પપ્પા-મમ્મી તાબડતોબ અમદાવાદ આવી ગયા હતા. ૯ દિવસ રિમાન્ડના અને ૬૩ દિવસ, જામીન મળ્યા ત્યાં સુધી સાબરમતી સેન્ટ્રલ જેલના- અઢીત્રણ મહિનાની એ કસોટી દરમ્યાન એમણે મને અને મેઘાને તન-મન-ધનથી સાથ આપ્યો હતો. આ એ ગાળો હતો જ્યારે મારા સારા દિવસોના અનેક સગાં-મિત્રો-સાથીઓએ મને પડતો મૂક્યો હતો.

પપ્પાની આવરદા હજુ ઘણી લાંબી છે. આ ઉંમરે એમને મારી જરૂર હશે એના કરતાં વધારે મને એમની જરૂર છે. મારાં સગાં-વહાલાં સાથેની મારી છેલ્લી નિઃસ્વાર્થ કડી મારા પપ્પા છે.

***

ઉપરનો અને નીચેનો—બંને ફોટા મોટો ભાઈ પરાગ અમેરિકાથી ફૅમિલી સાથે વૅકેશન ગાળવા વડોદરા આવ્યો ત્યારના, ૬ મે ૨૦૦૯ના, છે.

સોમવાર, ૨૨ જૂન ૨૦૧૫

મારા દિલમાં વર્ષોથી ઘૂંટાતી આવતી આ વાત કહી દઉં.

કેટકેટલા ઉપકારો હેઠળ આપણે જીવીએ છીએ, આપણને ખબર પણ નથી હોતી. નાનામોટા ઉપકારો કરનારા જાણીતા અને અજાણ્યા માણસો દરેકના જીવનમાં હોવાના. ક્યારેક તો આપણને હજુ સુધી ખબર ન પડી હોય એવા ઉપકારકો પણ જીવનમાં રહેવાના. કદાચ આજીવન આપણને એમના ઉપકાર વિશે ખબર નથી પડવાની. અને એટલે જ જ્યારે જ્યારે તક મળે જીવનમાં, આ ઋણભાર ઓછો કરવાની તક ક્યારેય જતી કરવી નહીં. આવી તક ઝડપવામાં મોડું થઈ ગયું છે એવું પણ માનવું નહીં. દેર આયે દુરસ્ત આયે…

શિક્ષકો અને અધ્યાપકોથી માંડીને સહાધ્યાયીઓ, મિત્રો, સગાં, સાથે કામ કરનારાઓ અને મારા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વાચકો. આ બધાના ઋણ હેઠળ હું જીવું છું એવો અહેસાસ મને વર્ષોથી થઈ રહ્યો છે. આ લાગણી વ્યક્ત કરવામાં કોઈ ઉદારતા, નમ્રતા કે મોટાઈ નથી – સચ્ચાઈ છે. હું જેન્યુઈનલી માનું છું કે મારા પર થયેલા અસંખ્ય ઉપકારો વિના આજે હું જે કંઈ છું તે ન હોત.

થોડાં વર્ષ પહેલાં દંતાલી-પેટલાદવાળા સ્વામી સચ્ચિદાનંદે, એમણે લખેલા પુસ્તક ‘મારા ઉપકારકો’ની નકલ મને ભેટ આપી ત્યારે મેં કૌતુકભાવથી એમને આ પુસ્તક લખવાનું કારણ પૂછ્યું હતું. એમણે કહ્યું હતું કે ‘બસ, હવે ક્યારે જવાનું થાય કંઈ કહેવાય નહીં. મારે જતાં જતાં આ સૌનો ઋણસ્વીકાર કરતાં જવું છે.’

સ્વામીજી તો હજુ ઘણું લાંબું જીવવાના છે (અને હું પણ). ભવિષ્યમાં શક્ય છે કે મને પણ એ પ્રકારનું પુસ્તક લખવાનું મન થાય તો હું લખીશ. પુસ્તક લખાય ત્યારની વાત ત્યારે. મારા તમામ ઉપકારકોને યાદ કરીને એમાંથી માત્ર એકની વાત અહીં કરું.

***

ફ્લેશબૅક

મેં નવેમ્બર ૧૯૭૮માં પરિચય ટ્રસ્ટના ‘ગ્રંથ’ માસિકમાં પ્રથમ નોકરી લીધી ત્યારે મારી ઉંમર ૧૮ વરસની. સાડા ત્રણસો રૂપિયાના માસિક પગારવાળી નોકરી મળી. પપ્પા સખત નારાજ. પપ્પા સાથે ઝઘડો કરીને મેં ઘર છોડવાની તૈયારી કરી. બેએક મહિનામાં હૉસ્ટેલમાં રહેવાની ગોઠવણ થઈ એટલે જાન્યુઆરી ૧૯૭૯ની એક સવારે પપ્પા જાગે તે પહેલાં ઘરેથી નીકળી ગયો.

વરસ પછી ‘ગ્રંથ’ છોડીને ‘જન્મભૂમિ-પ્રવાસી’ દૈનિકમાં તંત્રી હરીન્દ્ર દવે તથા મદદનીશ તંત્રી હસમુખ ગાંધીના હાથ નીચે કામ કરવાનું શરૂ કર્યું. ઘરે પાછો આવી ગયો. એ પછી ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. એ પછી ‘ચિત્રલેખા’માં ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને 24-25 વર્ષની ઉંમરે મારી સૌપ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ ‘ચિત્રલેખા’માં ધારાવાહિક શરૂ થઈ. એ ગાળામાં એક દિવસ મોડી સાંજે ઘરે આવીને પપ્પાએ મને કહ્યું કે, એમના એક એન્જિનિયર મિત્રે આજે કોઈની ઓળખાણ કરાવતાં કહ્યું કે : આ ‘વેરવૈભવ’ના લેખક સૌરભ શાહના ફાધર છે.

તે દિવસે મેં પહેલીવાર પપ્પાની આંખમાં મારા કામ માટે સંતોષનો ચમકારો જોયો હતો. પછીનાં વર્ષોમાં હું મારા ક્ષેત્રમાં નવાં નવાં કામ કરતો રહ્યો. ક્યારેક ભૂલો કરતો, ક્યારેક સિદ્ધિઓ મેળવતો. મારી પર્સનલ લાઈફ અને મારી પ્રોફેશનલ લાઈફમાં જ્યારે જ્યારે ડિસ્ટર્બન્સ આવતાં ત્યારે પપ્પા સાથે બેસીને મારી મૂંઝવણો કે વ્યથાઓ ઠાલવીને એમનું ગાઈડન્સ લેવાને બદલે હું મારા કોચલામાં ભરાઈ જતો. એમની સાથે વગર કારણે ઝઘડો કરી નાખતો. એ મને કંઈક કહેવા જાય તો સામે બોલતો. અમારી વચ્ચે કંઈક એવી અદૃશ્ય દીવાલ ઊભી થઈ જતી કે પપ્પા અને હું એકબીજાની સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરવાને બદલે મમ્મી થ્રુ જે કહેવાનું હોય તે એકબીજાને કહેતા.

‘મુંબઈ સમાચાર’માં મારી ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમની પહેલી સિઝન શરૂ થઈ અને ‘મિડ-ડે’માં હું તંત્રી તરીકે જોડાયો એ વચ્ચેના ગાળામાં મેં ઘર કાયમ માટે છોડી દીધું.

પછીનાં વર્ષોમાં હું થોડાં વર્ષ મુંબઈ છોડીને અમદાવાદ રહ્યો. આ બાજુ પપ્પા-મમ્મી પણ મુંબઈ છોડીને વડોદરા રહેવા આવી ગયા. પપ્પા વડોદરામાં અને હું અમદાવાદમાં. વર્ષો સુધી એમની સાથે રહ્યા પછી અલગ-અલગ ઘરમાં જ નહીં, અલગ-અલગ શહેરમાં. મને વારંવાર એમની સાથેના વ્યવહારની મારી ભૂલો યાદ આવતી. આય વૉન્ટેડ ટુ સે સૉરી ટુ હિમ. પણ મારો અહમ્ આડે આવતો. હું એમને મળવા જતો નહીં, મમ્મી સાથે ક્યારેક ફોન પર વાત કરતો. એ બોલાવતી. પણ જતો નહીં.

એક દિવસ મને રિયલાઈઝ થયું કે હું આ શું કરી રહ્યો છું? પપ્પા ઑલરેડી 70 વર્ષના છે. એમણે ક્યારેય મારું કશું બગાડ્યું નથી. ઊલટાનું મારી ભૂલોને સ્વીકારીને હંમેશાં મારા માટે સારી ભાવના રાખી છે. અમદાવાદ ગયા પછી હું પ્રેક્ટિકલી દર મહિને ડાકોર રણછોડજીનાં દર્શને જતો. એક દિવસ ડાકોરથી પાછા આવતાં મેં અમદાવાદને બદલે વડોદરાનો રસ્તો પકડ્યો. ઘરે ગયો, મમ્મીને મળ્યો. બહુ પ્રેમથી મળ્યો. મમ્મી ખુશ થઈ ગઈ. પપ્પાના ચહેરા પર કોઈ ઉમળકો નહોતો. હું સમજી શકતો હતો કે અમારા અબોલા પછી આમ અચાનક મારું ઘરે આવવું એમને નવાઈભર્યું લાગતું હશે. મમ્મીએ મને એના હાથની મને સૌથી વધારે ભાવતી વાનગી બનાવીને જમાડ્યો. રાત્રે વડોદરાથી નીકળતી વખતે હું મમ્મીને પગે લાગ્યો. મમ્મીએ ભેટીને મને ખૂબ આશીર્વાદ આપ્યા. પપ્પાને પગે લાગવા ગયો અને એમણે પોતાના પગ પાછા લઈ લીધા. મેં મમ્મી સામે જોયું. એની આંખમાં આંસુ હતાં. મેં પણ ભરેલી આંખે ઘરેથી વિદાય લીધી.

એ પછી લગભગ છ મહિના સુધી આ ક્રમ નિયમિત ચાલ્યો. ડાકોર જઉં. ત્યાંથી વડોદરા. ઘરે જમું. મમ્મી સાથે ખૂબ વાતો થાય. નીકળતી વખતે મમ્મી આશીર્વાદ આપે, પપ્પા દર વખતે પોતાના પગ પાછા લઈ લે. પણ એક વખતે હું ડિટરમાઈન્ડ હતો. હું પપ્પાનો સારો દીકરો છું એ મારે મારી જાત આગળ પુરવાર કરવું હતું. એમણે મારા પર કરેલા ઉપકારો પછી મેં કરેલા ગેરવર્તનોનો પશ્ચાતાપ કરવો હતો. મારી પાસે આ માટે ઝાઝો સમય નથી તે હું જાણતો હતો. એમની તબિયતમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો પણ એમની વધતી જતી ઉંમર મારા મનમાં ધ્રાસકો પેદા કરતી હતી.

એ દિવસે ડાકોરથી વડોદરા જઈને મેં ઘરે પ્રસાદનું પડીકું આપ્યું અને પપ્પાને પૂછ્યું, ‘તમારા સબુરદાદા નિયમિત પૂનમ ભરતા ને…’ પપ્પાએ પ્રસાદ મોઢામાં મૂકીને કહ્યું, ‘મને ગમે છે કે તું દર મહિને ડાકોરજીનાં દર્શને જાય છે.’ પછી તો એ વાતોએ વળગ્યા. એ પોતે નાના હતા, સ્કૂલમાં, ત્યારે એમના દાદા એમને દેવગઢ બારિયાથી કેવી રીતે પૂનમ ભરવા ડાકોર લઈ જતા એની વાતો કરી. દર્શન પછી મંદિરના પરિસરમાં પ્રદક્ષિણા બાદ મંદિરની બહારથી એમના દાદા રૂપિયાનું પરચૂરણ લેતા-પાઈ પાઈની ઢગલીઓ મળતી અને એમાંની એક ઢગલી પપ્પાના હાથમાં આપીને બધા યાચકોને અપાવતા.

મારી અને પપ્પાની વચ્ચેનો આઈસ-બ્રેક થઈ ગયો. અમે ફરી બોલતા થઈ ગયા. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, ‘મારે તમને ને મમ્મીને ડાકોર લઈ જવા છે. આવશો મારી સાથે?’ આવ્યા. પછી મેં કહ્યું, ‘અમદાવાદ આવો ને રોકાવા.’ કોઈ પ્રસંગ હતો. મારા ઘરે પણ આવ્યા.

મારા જીવનનો આ એમની સાથેનો બેસ્ટ ગાળો હતો. પછી મને ખબર પડી કે તે વખતે ઈ-ટીવી ગુજરાતી પર મેં જે ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શૉ શરૂ કરેલો તે એ રોજ જોતા. રિપીટ ટેલીકાસ્ટ પણ જોતા. મમ્મીએ મને કહેલું. મને ખબર નહોતી. અબોલા તૂટ્યા પછી પપ્પા જૂના જૂના એપિસોડ્સ યાદ કરીને એના પર ચર્ચા કરતા. અમારી વચ્ચે વાતો માટે વિષયોની તો ક્યારેય કમી હોય જ નહીં. ઘણી વખત હું ડાકોરની ટ્રિપની રાહ જોયા વગર અમદાવાદથી બપોરે નીકળીને વડોદરા આવી જતો. માત્ર એમની સાથે રહેવા માટે.

એક દિવસ મને ખબર પડી કે એમને હાર્ટની તકલીફ ઊભી થઈ છે. સ્ટેન્ટ મૂકાવાની જરૂર ઊભી થઈ. મેં એમને અમદાવાદ બોલાવી લીધા. વર્ષો પછી મને અઠવાડિયાઓ સુધી એમની ને મમ્મીની સાથે રહેવાનું મળ્યું. અમદાવાદમાં મારા ડૉક્ટર મિત્રોએ એમની ખૂબ સારવાર કરી. દિવસ દરમિયાન હું ઑફિસે હોઉં ત્યારે એમને મેઘાની કંપની મળતી. બેઉને ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ પડે અને ઊંડી જાણકારી પણ ખરી. હું વિજ્ઞાનના વિષયમાં ઔરંગઝેબ. પપ્પા અમદાવાદ રહ્યા એ ગાળામાં હું મારાં પાપ ધોયા કરતો હોય એવું મને લાગતું. એમણે મારા પર કરેલા ઉપકારોનો બદલો વાળી શકું એવું તો હતું જ નહીં પણ પપ્પાને મારે કારણે ખુશ અને સ્વસ્થ જોઈને મને લાગતું કે ભગવાને પપ્પાને માંદગી આપી તેની પાછળ આ જ કારણ હોવું જોઈએ – મને એમની સાથે રહીને એમની સેવાનો મોકો મળે.

સ્ટેન્ટ મૂકાવ્યા પછી એ પાછા વડોદરા ગયા. અમારી નિયમિત મુલાકાતો ચાલુ રહી. દોઢ-બે વર્ષમાં જ ખબર પડી કે એમને મોટા આંતરડાનું કેન્સર છે અને ગાંઠ કઢાવવા ઑપરેશનની જરૂર છે.

સારવાર માટે પપ્પા અમદાવાદ આવી ગયા. અમદાવાદના બેસ્ટ ઓન્કોલોજિસ્ટને મળ્યા. ઑપરેશનની વિગતો નક્કી થઈ. એ સાંજે મેં હિંમત કરીને પપ્પાને કહ્યું કે, ‘મને લાગે છે કે ઑપરેશન કરાવતાં પહેલાં આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ.’

પપ્પા કહે, ‘વડોદરામાં ડૉક્ટરને બતાવ્યું, અહીં ફરી રિપોર્ટસ કરાવ્યા, બીજા મોટા ડૉક્ટરે પણ કન્ફર્મ કર્યું. કેટલી જગ્યાએ ફરવાનું.’

મેં આગ્રહ કર્યો કે એક જ દિવસનો સવાલ છે. કાલે સવારે મુંબઈ જઈએ, રાત્રે પાછા આવી જઈશું. પછી તમે ને ડૉક્ટરો જે કહેશો તે પ્રમાણે જ થશે.

પપ્પાએ રિલક્ટન્ટલી સંમતિ આપી. મુંબઈમાં હું મારા વડીલમિત્ર અને કેન્સર સંશોધનના અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય રેક્ગ્નિશન પામી ચૂકેલા ડૉ. મનુ કોઠારી પાસે પપ્પાને લઈ આવ્યો. બે-અઢી કલાક ડૉ. મનુભાઈએ પપ્પા સાથે વાતો કરી. પછી રિપોર્ટ્સ જોયા. કેન્સરની ગાંઠ તો હતી જ. ડૉ. મનુભાઈ કહે કે ઑપરેશન કરાવશો તો કેન્સર નાબૂદ નહીં થાય, થોડા વખત પછી બીજે સ્પ્રેડ થશે.

એમણે સલાહ આપી કે અત્યારે આ ગાંઠને કારણે તમારી નૉર્મલ શૌચક્રિયાને કોઈ તકલીફ નથી કે તમને દુખાવો પણ નથી થતો તો ઑપરેશન ન કરાવો તો સારું અને બાકી જે ખાતાપીતા હો તો મોજથી ખાઓ. બીજી કોઈ તકલીફ નથી તમને.

ડૉ. મનુભાઈ કોઠારીની સલાહ પપ્પાને ગળે ઊતરી. અમદાવાદ પાછા જતાં એમણે મને કહ્યું કે સારું થયું તું મને ડૉ. મનુભાઈ પાસે લઈ આવ્યો. ઑપરેશન કૅન્સલ.

પછી ડૉ. મનુભાઈના કહેવા મુજબ જ થયું. બે-એક વર્ષ પછી ગાંઠને કારણે તકલીફો વધવા લાગી. ઑપરેશન અનિવાર્ય બની ગયું. છેવટે ઑપરેશન કરાવ્યું અને ડૉ. મનુભાઈએ જે કહ્યું હતું તે જ થયું – ઑપરેશન પછી એમની આવરદા દોઢ-બે વર્ષમાં પૂરી થઈ. મમ્મી એમના જવાના થોડા મહિના પહેલાં ગુજરી ચૂકી હતી.

ડૉ. મનુભાઈની મુલાકાત અને ઑપરેશન વચ્ચેના બે-એક વર્ષના ગાળામાં પપ્પાને મેં ખૂબ ખુશ જોયા. બહુ સરસ જીવ્યા. ડૉ. મનુભાઈને લીધે એમનું આયુષ્ય બે વર્ષ સુધી લંબાયું એટલું જ નહીં પણ એ બે વર્ષની ક્વૉલિટી લાઈફ એમને મળી. પપ્પાના અવસાન પછી મને સંતોષ એ વાતનો રહ્યો કે કુદરતે અને ડૉ. મનુભાઈએ પપ્પાને જે આ બે વર્ષની ભેટ આપી તેમાં હું નિમિત્ત બની શક્યો.

પિતા તમારી જિંદગીના સૌથી મોટા ઉપકારક હોય છે,  માતા કરતાં પણ મોટા. માબાપ ઉપરાંત જિંદગીમાં અગણિત ઉપકાર કરનારાઓ હોય છે. હું નથી કહેતો કે પપ્પાના ઉપકારોનો હું બદલો વાળી શક્યો છું. એમના ઋણમાંથી તો હું ક્યારેય મુક્ત થઈ શકવાનો નથી.

પપ્પાની જેમ મારી જિંદગીમાં એવી અસંખ્ય વ્યક્તિઓ છે અને હોવાની જેમના ઉપકારનો બદલો હું ક્યારેય ચૂકવી શકવાનો નથી.

જિંદગીમાં જ્યારે જ્યારે કંઈક સારું બનતું રહ્યું છે ત્યારે મને ‘મરીઝ’ની આ પંક્તિઓ યાદ આવી છે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

માણસ ગમે એટલા મોટા અહમમાં રહે, એ એકલો કશું જ કરી શકતો નથી. એની નનામી ઊંચકવા માટે જેમ બીજાઓના ખભાની જરૂર પડે છે એમ એની હસ્તી દરમિયાન પણ એને બીજાઓના સહારાની જરૂર પડવાની જ છે.

***

આજે ૧૧મી જાન્યુઆરી. હવે મને યાદ રહે છે કે આજે પપ્પાની વર્ષગાઠ છે. હોત તો ૯૩ના થયા હોત. ૧૯૩૧માં એમનો જન્મ. ૨૦૧૨ની ૧૭મી ઑગસ્ટે ૮૧ વર્ષની ઉંમરે ગુજરી ગયા. શ્રાવણી અમાસ હતી. મમ્મી એમના કરતાં ત્રણ વરસ પહેલાં ગુજરી ગઈ હતી.

૧૯૭૯ની જાન્યુઆરીમાં મેં ઘર છોડ્યું એ દિવસે કઈ તારીખ હતી એ વિશે પપ્પાએ મને ક્યારેય કહ્યું નહીં પણ મમ્મીએ વર્ષો પછી મને કહ્યું હતું કે અગિયારમી તારીખ હતી.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. બહુ અસરકારક લેખ. વાંચીને બે વાતની પ્રેરણા મળી –

    (૧) ઋણ સ્વીકાર તથા ઋણભાર ઓછું કરવાની તક ક્યારેય જતી ન કરવી અથવા કોઈ પણ સંજોગોમાં મોડું ન કરવું .

    (૨) આપણા અધકચરાં જ્ઞાન અને તેમાંથી ઉદ્દભવતાં ખોટા અહમને પોષીને મા-બાપ સાથે ક્યારેય અબોલા કરીને તેમને દુઃખી ન કરવા.

    તમારા નિખાલસ તથા તેજ શબ્દો વડે અલંકારિત લેખ વાંચવાની એક અનેરી મજા છે. જીવનમાં આ મજા આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ !

  2. આપણી ઉમર ના (75 ) બધાજ વાંચકોને પોતાના પપ્પાની યાદ અપાવી દીધી. પપ્પાના આપણા પરનાં ૠણને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા પ્રેરણા આપી છે.ખુબ ખુબ ધન્યવાદ.

  3. એકદમ નિખાલસ લેખ લખ્યો છે, તમે પ્રખ્યાત વ્યક્તિની કક્ષામાં આવો છો, છતાં પણ તમે જાહેરમાં નિખાલસ વાતો કરી છે અમે વાંચકો સામાન્ય કક્ષામાં આવીએ છીએ. આર્ટિકલ વાંચીને હું પણ કબુલ કરૂં છું કે હું પણ ક્યાંક ક્યાંક (ચૂકી ) ગયો છું, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે, ગેરહાજરી પછી જ કિંમત સમજાય છે પણ હવે અફસોસ સિવાય કોઈ વિકલ્પ નથી., એ એટલી હદે કે મન થી આગળ વધીને હવે શરીર પર પણ અસર દેખાય છે.
    આ લેખ એક રીતે તમારી આત્મકથા નો એક અંશ ગણાશે

  4. આપના પિતાજીનો આત્મા જ્યાં હશે ત્યાં જરૂરથી સંતુષ્ટ હશે આપને જોઈને. તમે દીલ ખોલીને આજે તમારી વાત કરી છે. ખટરાગ અને લગાવ – બન્ને દર્શાવીને પૂરા હ્રદયથી લાગણીઓ વહાવી દીધી છે.

  5. હરિ ઑમ. ખાસ કોઈ મોટી વાત કરી નથી તમે… ફક્ત તમારી પર્સનલ લાઇફ ના થોડા અંશ શેર કર્યા છે.
    પણ તો પછી આ લેખ આટલો દમદાર કેમ લાગે છે ?
    કારણકે તમે દીલ થી લેખ નથી લખ્યો…કદાચ … તમારૂ દીલ નીચોવી દીધુ છે લેખ મા. લાગણી ને વાચા નથી આપી શકાતી એ વાત ને તમે લગભગ ખોટી ઠેરવી દીધી. તમારા પપ્પા…ફોર સ્યોર…એમના આશિષ રુપે તમારી સાથે જ રહેશે.

  6. પિતૃ દેવો ભવ. 🙏🏾🌹🙏🏾 બીજી વાત તમારા સૂચનથી ઓલે આલે મરાઠી પિકક્ચર જોયું ખૂબ ઉત્તમ છે પિતાની પુત્ર પ્રત્યેની લાગણી પ્રેમ. ખૂબ આભાર સૂચન બદલ.. Ishwar પુરોહિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here