શ્યુગર 321/231માંથી 139/144—હરદ્વારના યોગગ્રામમાં ૭મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૭ એપ્રિલ ૨૦૨૨)

આજે મને અહીં આવ્યે એક અઠવાડિયું પૂરું થશે. પહેલી એપ્રિલના શુક્રવારે સવારે અગિયાર વાગ્યે આવ્યો હતો. આજે સાતમી એપ્રિલનો ગુરુવાર.

અહીં આવ્યા પછી આ જગ્યા દિવસેને દિવસે એટલી બધી ગમતી જાય છે કે ઘરે પાછા ગયા પછી અહીંની રોજ યાદ આવવાની. 21મી મેએ મુંબઈ પાછો જવા નીકળીશ ત્યારે યોગગ્રામને હું બહુ મિસ કરીશ. તે વખતે મને એવો કોઈ અફસોસ ન થાય કે મેં યોગગ્રામમાં આ ન કર્યું, તે ન જોયું, અમુક અનુભવ ન લીધો, અમુક લોકોને ન મળ્યો-એટલા માટે અહીં જીવાતી દરેકે દરેક મિનિટને દુર્લભ ગણીને એનો સદુપયોગ કરી રહ્યો છું.

ગઈ કાલે યોગપીઠમાં સ્વામીજીના સાંન્નિધ્યમાં બાપુની કથા સાંભળવાનો લહાવો અભૂતપૂર્વ હતો. બાપુ વ્યાસપીઠ પર પધારે તે પહેલાં ‘સંગીતની દુનિયા’ના નીલેશભાઈ વાવડિયા અને નરેશભાઈ વાવડિયાને મળ્યો. બાપુની કથાનાં ઑડિયો-વીડિયોની ભારેખમ જવાબદારી વર્ષોથી તેઓ સંભાળે છે, મહુવા-તલગાજરડામાં અને બાપુની કથાઓમાં અવારનવાર એમને મળ્યો છું. હવે તો આત્મીયતા થઈ ગઈ છે. બાપુની સંગીત મંડળીના શરણાઈવાદક ગજાનન, બેન્જોવાદક હિતેશ, તબલાંવાદક. પંકજ ભટ્ટ, હાર્મોનિયમવાદક હકાભાઈ, ગાયકભાઈ તથા દલાભાઈ—સૌને બેબે મિનિટ મળી લીધું. બે વર્ષના લાંબા અંતરાલ પછી સૌને રૂબરૂ મળીને હેમખેમ જોઈ ભારે પ્રસન્નતા થઈ. સંગીતની દુનિયાના અન્ય સહાયકો પણ મળ્યા. આ સૌ મિત્રોને મુંબઈમાં પવઈના મારા ઘરે બોલાવ્યા હતા. આગલા દિવસે બાપુ અને કેટલાક મહેમાનો અને બીજા દિવસે આ તમામ મિત્રો. જેથી એમની સાથે નિરાંતે જમાય, વાતો થાય. જમવામાં બેઉ દિવસે પાણીપુરી, ભેળપુરી, સેવપુરી…

યોગગ્રામના વાતાવરણમાં આવી વાનગીઓ યાદ કરવાની ન હોય! પણ સભાગૃહમાં એક મિત્રે મને મળીને કહ્યું, ‘સૌરભભાઈ, તમારા હાથની પાણીપુરી તો વાસ્તવમાં પ્રેમપુરી હતી!’

યોગગ્રામમાં આવીને મારા માટે યોગાભ્યાસ જેટલો અનિવાર્ય છે એટલું જ અનિવાર્ય મારા માટે બાપુની કથાનું શ્રવણ છે. રૂબરૂ તો દર વખતે ન જવાય પણ વારંવાર ટીવી પર લાઇવ કથા સાંભળવા બેસી જઉં. સગવડ ન હોય અને ક્યાંક બહાર હોઈએ તો મોબાઇલ પર.

વીડિયો કે યુટ્યુબ જોવા માટેનો મારો અટેન્શન સ્પાન ઘણો ટૂંકો છે. પાંચ-દસ મિનિટ તો વધુમાં વધુ. પછી તરત જ કંટાળી જાઉં. કોઈક બીજી પ્રવૃત્તિમાં સરી પડું. પણ વડા પ્રધાન બોલતા હોય, સ્વામીજી યોગ શીખવાડતા હોય કે બાપુ કથારસમાં ખેંચી જતા હોય ત્યારે સમય ક્યાં વીતી જાય તેની સરત જ ન રહે.

શરદી-ખાંસી-માઇલ્ડ ફિવર ખરેખર તો મારા માટે આશીર્વાદરૂપ છે. ડૉક્ટર આરામ કરવાનું ફરમાવે છે અને મને લેખ લખવાનો સમય મળી જાય છે.આજે આખા દિવસ દરમ્યાન મેં ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ અને છઠ્ઠા દિવસનો પોણો લેખ-એમ કુલ સાતેક હજાર શબ્દો લખ્યા. છાપામાં એક કૉલમ હજારેક શબ્દની હોય. સાત દિવસની કૉલમ જેટલું મૅટર એક જ દિવસમાં લખ્યું. ખૂબ સ્ફૂર્તિથી લખાયું. સારું લખાયું.

મારા માટે આ બધું જેમ જરૂરી છે તેમ લેખન પણ અનિવાર્ય છે. એક-બે દિવસ કાગળ પર પેન ન મૂકી હોય તો લિટરલી અસુખ થાય. યોગગ્રામ આવીને પ્રથમ બે દિવસ વિશે લખ્યા પછી સળંગ ચાર દિવસ કશું લખ્યું નહોતું. જેની માનસિક અસરરૂપે સ્ટ્રેસ અને શારીરિક અસરરૂપે શરીર ફિટ નથી એવું ક્યારેક લાગે.

આજે સારું એ થયું કે શરદી-ખાંસી-મંદ તાવને લીધે ડૉક્ટરે મને થોડા દિવસ બેડરેસ્ટ કરવાની સલાહ આપી. આજે હું માત્ર ફળનો આહાર લેવાનો છું. બીજી ટ્રીટમેન્ટોમાં લંગ (ફેફસાં) બસ્તી, મધુતાલિકા બસ્તી ઇત્યાદિ છે જેમાં મારે આગામી થોડાક દિવસ નથી જવાનું. એને બદલે એન્ટી કોલ્ડ મસાજ લેવાનો – તળિયાં પર અને હથેળી પર લસણનું તેલ, લવંગનું તેલ, કલોંજિ ઇત્યાદિ ઔષધિઓને ઉકળીને જે મિક્સ્ચર તૈયાર થાય તેના વડે માલિશ.

આજે આખા દિવસ દરમ્યાન મેં ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ અને છઠ્ઠા દિવસનો પોણો લેખ-એમ કુલ સાતેક હજાર શબ્દો લખ્યા. છાપામાં એક કૉલમ હજારેક શબ્દની હોય. સાત દિવસની કૉલમ જેટલું મૅટર એક જ દિવસમાં લખ્યું. ખૂબ સ્ફૂર્તિથી લખાયું. સારું લખાયું. અગાઉ વર્ષો પહેલાં, અઢી દાયકા પહેલાં, મારે પરિવાર સાથે શ્રીનાથજીનાં દર્શને નાથદ્વારા જવાનું હતું તે વખતે હું સવારથી મંડી પડ્યો હતો અને મોડી રાત સુધી જાગીને એડવાન્સમાં છ લેખ પૂરા કર્યા હતા. એ વખતે ફૅક્સ વગેરે હતાં, ઇમેલ નહીં.

આજે મેં છ નહીં સાત લેખ જેટલું મૅટર લખ્યું અને તે પણ અઢી દાયકા પહેલાં જેટલો સમય લાગ્યો હતો એના કરતાં અડધા જ સમયમાં અને એ પછી પણ કોઈ થકાન નહીં. ઊલટાનું ટેન્શન ગાયબ અને સ્ફૂર્તિ જ સ્ફૂર્તિ. યોગગ્રામના ભૌતિક-માનસિક વાતાવરણનો આ પ્રતાપ છે. આ જ રીતે ચાલુ રહેશે તો સોમા વર્ષે હું ભારતની ફૂટબૉલ ટીમમાં બ્રાઝિલની સામે રમતો હોઈશ.

આજે સવારે ગાર્ડનમાં સ્વામીજીની નિશ્રામાં યોગાભ્યાસ કરતી વખતે ઉત્તર પ્રદેશ રાજ્યના ભૂતપૂર્વ ડી.જી.પી. (ડિરેક્ટર જનરલ ઑફ પુલીસ) મળ્યા. અહીં આવ્યાના બીજા જ દિવસે એમની સાથે પરિચય થયો. લખનૌ રહે છે. ગોપાલ ગુપ્તા એમનું નામ. મારી બાજુમાં જ તેઓ પોતાની યોગમૅટ પાથરીને જે ચપળતાથી એક પછી એક આસન કરતા હતા તે જોઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો, ઇન્સ્પાયર થઈ રહ્યો હતો. ઉંમરમાં મારા કરતાં મોટા હશે એવું મેં ધારી લીધેલું. સાડા સાતે યોગાભ્યાસ પૂરો થયા પછી મેં એમની આગળ મારો ભાવ વ્યક્ત કર્યો. પછી આગળ વાત થઈ એટલે મને એમના અને એમને મારા કામકાજ વિશે જાણકારી મળી. તેઓ વાસ્તવમાં બાપુની કથા સાંભળવા આવ્યા હતા અને યોગપીઠમાં જ રહેતા હતા. પણ રોજ સવારે અહીં આવીને યોગાભ્યાસ કરતા હતા. સાથે એમનો અંગરક્ષક પણ આવે. રોજ બાપુની કથા અને રોજ સ્વામીજીના સાન્નિધ્યમાં યોગાભ્યાસ. મારી જ ઉંમરના છે.

પ્રથમ મુલાકાતના અંતે મેં એમને એક કામ સોંપ્યું. એમણે ખુશી ખુશી મારી વિનંતી માન્ય રાખી. મુંબઈથી નીકળતી વખતે યુટ્યુબ વીડિયોના ઇનપુટના બૅકઅપ માટે સોલિડ સ્ટેટ ડ્રાઇવ સાથે લેવાની રહી ગઈ હતી. હરદ્વારમાં કલાકેક રખડીને તપાસ કરી પણ ઋષિકેશના ક્રોમા સ્ટોરમાં મળશે એવી ખબર પડી. ત્યાં સુધી માત્ર આના માટે જવાનો અર્થ નહોતો, એટલો સમય પણ ક્યાં હતો. હરદ્વારમાં જ અચાનક યાદ આવ્યું એટલે ‘સંગીતની દુનિયા’વાળા નીલેશભાઈ વાવડિયાને ફોન કર્યો. સૅનડિસ્કની 1 ટેરાબાઇટવાળી એસ.એસ.ડી. ખરીદીને મારા માટે લાવી શકો? નીલેશભાઈએ તરત હા પાડી – શોધીને ખરીદી લઈશ, તમે બાપુની કથામાં આવો ત્યારે તમને આપી દઈશ.

બીજે દિવસે એમનો વૉટ્સઍપ આવી ગયો કે ડ્રાઇવ આવી ગઈ છે, કથામાં મળીશું. એમનો સંદેશો આવી ગયા પછી મેં એમને જી.પે. કરી દીધું પણ કથામાં ક્યારે જવાશે અને જવાશે કે નહીં એવું તે વખતે નિશ્ચિત નહોતું. મનમાં વિચારેલું કે કંઈક ગોઠવણ થઈ જશે. રામજીના ભરોસે આખી જિંદગી વીતાવી છે, કંઈ કેટલીય કટોકટીઓમાંથી એમણે ઉગાર્યા છે, તો આ એસ.એસ.ડી. શું ચીજ છે?

અને ભગવાને મારું કામ કરી આપવા સાક્ષાત ડી.જી.પી.ને મોકલી આપ્યા! એમના દ્વારા મને યોગગ્રામમાં બેઠાં બેઠાં ડ્રાઇવ મળી ગઈ. પછી તો જોકે, હું જ કથામાં ગયો, પણ તે પહેલાં ડ્રાઇવ મને મળી ગઈ હતી. ડીજીપી ગુપ્તા સાથે હવે પરિચય થઈ ગયો હતો એટલે એ મને પૂછી રહ્યા હતા કે, ‘તમે અહીંથી પણ તમારી ઑફિસ ચલાવો છો? કેવી રીતે ગોઠવો છો બધું?’

મેં એમને કહ્યું કે મને રોજ કુલ મળીને ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક જોઈએ. લેખ લખીને અહીંથી અમદાવાદ જાય. ટાઇપસેટિંગ થઈને પાછો આવે એટલે પ્રૂફની ભૂલો સુધારીને અને એડિટિંગ કરીને એને અપલોડ કરવા માટે પૂના મોકલું અને એના હિંદી વર્ઝન માટે મુંબઈના સત્યપ્રકાશ મિશ્રાને મોકલું.

પૂનામાં મારા મિત્ર અને ‘ન્યુઝપ્રેમી’ના ઍડમિન વિનયભાઈ ખત્રી જરૂરી સંસ્કારો કરીને મારી ફાઇનલ અપ્રૂવલ પછી લેખ શેડ્યુલ કરે. ઑનલાઇન મૂકાય તે પછી મારા એંશી જેટલા વૉટ્સએપ ગ્રુપોમાં, એફબી-ટેલિગ્રામ વગેરે પર તેઓ પોસ્ટિંગ કરે. જે કંઈ કમેન્ટ્સ આવે તે હું દિવસ દરમ્યાન સમય મળે એ મુજબ વાંચી લઉં. આ કામ માટે હું મુંબઈથી એરટેલનું એક રાઉટર અને બીજું એક વધારાનું સિમકાર્ડ લઈને આવ્યો છું. જોકે, યુટ્યુબ બનાવવાનો હજુ સમય મળતો નથી. તક મળ્યે ફોટા અને વીડિયો ફૂટેજ જમા કરતો રહું છું. બધા સાથે વાતચીત પણ કરું છું પણ હજુ કોઈની મુલાકાત રેકૉર્ડ નથી કરી. કરીશું.

રાજ્યના ડીજીપીએ તો હજારો પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું તંત્ર સંભાળ્યું હશે. મારા વન પેન આર્મીનું ટચુકડું તંત્ર કેવી રીતે ચાલે છે તે જાણીને એમને આનંદ થયો.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડિજીપી ગોપાલભાઈ ગુપ્તા સાથે

રાત્રે ભોજનમાં અડધું સફરજન. બપોરે લંચમાં અડધું જમરુખ ખાધું હતું. શરદી વગેરેની તકલીફ એક્ચ્યુઅલી શરીર ડિટૉક્સ થઈ રહ્યું છે એની નિશાની છે.

શરદી-ખાંસી-માઇલ્ડ ફિવર ખરેખર તો મારા માટે આશીર્વાદરૂપ છે. ડૉક્ટર આરામ કરવાનું ફરમાવે છે અને મને લેખ લખવાનો સમય મળી જાય છે.

હું અહીં આવ્યો તે દિવસે મારી શ્યુગર, સ્વામીજીએ બાપુની કથામાં મારા વિશે કહ્યું ત્યારે એમણે એ આંકડો જાહેર કરી દીધેલો (જે ‘આસ્થા’ ટીવી દ્વારા દુનિયાના 170 દેશોમાં પહોંચી ગયો હતો!) 321 (જમ્યા પછીની) અને 231 (ફાસ્ટિંગ) હતી. હવે ફાસ્ટિંગ 114 અને જમ્યા પછીની 139 છે. બ્લડપ્રેશર 140/98માંથી હવે 122/83 રહે છે. વેઇટ 79 કિ.ગ્રામાંથી 73 કિ.ગ્રા. થઈ ગયું છે. પલ્સ પણ રેગ્યુલર થઈ ગઈ છે.

આમ છતાં હું અહીંની લૅબમાં બ્લડ ટેસ્ટ કરાવીને હિમોગ્લોબિન, થાઇરોઇડ, લિપિડ પ્રોફાઇલ, કિડની વગેરેનાં બીજાં બે-ત્રણ ટેસ્ટના રિઝલ્ટ મગાવી લઈશ. ગાડી પચાસ દિવસ માટે ગૅરેજમાં આપી જ છે તો નાનુંમોટું જે કંઈ સમારકામ જરૂરી હોય તો થઈ જાય, જ્યાં કોઈ જરૂર ન હોય ત્યાં ફ્યુચર માટે શું સાવધાની રાખવી તેની સલાહ મળી જાય. અને સાથોસાથ નાનાં-મોટાં ગાબડાંનું ટિનવર્ક થઈ જાય તો નવા પેઇન્ટ સાથે જ પાછા જઈએ.

ડૉ. અનુરાગે પહેલી એપ્રિલે લખી આપેલી અડધો-પોણો ડઝન આયુર્વેદિક દવાઓ ક્યારની ખરીદી લીધી છે પણ હજુ એક પણ ગોળી લીધી નથી. સ્વામી રામદેવ કહેતા હોય છે કે શરીરની વિશુદ્ધિ થઈ જાય એ પછી જ આયુર્વેદિક દવાઓ, જરૂર હોય એમણે, લેવી જોઈએ.

છ દાયકા સુધી અનિયંત્રિત અને મર્યાદારહિત આહાર-વિહાર પછી શરીર સાજુનરવું છે એ જ ભગવાનની મોટી કૃપા છે અને જે કંઈ નાનીનાની તકલીફો પ્રવેશી તે યોગગ્રામમાં આવ્યાના એકાદ અઠવાડિયામાં જ ભાગવાની તૈયારીઓ કરી રહી છે એ સ્વામીજીની અને આચાર્ય બાલકૃષ્ણજીની કૃપા છે. એમણે ઇન્ટીગ્રેટેડ-પેથિના નામકરણ સાથે યોગ-પ્રાણાયામની સાથે આયુર્વેદ, નિસર્ગોપચાર, એક્યુપ્રેશર-એક્યુપંક્ચર ઇત્યાદિ ઉપચાર પદ્ધતિને એકસાથે વણી લઈને એલોપથીવાળાઓને માન્ય હોય એવી કસોટીઓ દ્વારા તમામ રોગને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું અભિયાન આદર્યું છે.

સ્વામીજી એકબે દિવસ પહેલાં યોગાભ્યાસ દરમ્યાન આસનો કરાવતાં કહી રહ્યા હતા કે અત્યાર સુધી આ બધાના જુદા જુદા મહોલ્લા હતા – યોગવાળાનો જુદો મહોલ્લો, પ્રાણાયામવાળાનો જુદો મહોલ્લો, આયુર્વેદવાળાનો, કુદરતી ઉપચારવાળાનો, એક્યુપ્રેશર-પંક્ચરવાળાનો-બધાના જુદા જુદા મહોલ્લા રહેતા. કોઈ એકબીજાના મહોલ્લામાં પ્રવેશતું પણ નહીં. અમે યોગગ્રામમાં એ બધાને એક જ ગામમાં લઈ આવ્યા! સૌ સાથે મળીને તમારી ઉપચાર પદ્ધતિ નક્કી કરે!’

એટલું જ નહીં સ્વામી રામદેવે તો એલોપથીની ઇમરજન્સી સારવારને પણ સ્વીકારી જ છે. કામચલાઉ ઇલાજરૂપે, ગંભીર અકસ્માત વગેરેના સંજોગોમાં એલોપથીના શરણે જવું જ પડે એવું તેઓ કહે છે. પણ એલોપથી કોઈ પણ રોગનો કાયમી ઇલાજ નથી એવું તેઓ વારંવાર આપણા મગજમાં ઠસાવવાનો પ્રયત્ન કરતા રહે છે અને ડૉ.મનુ કોઠારીને કારણે આ સત્ય બહુ વર્ષો પહેલાં મેં સ્વીકારેલું છે.

નિદાન માટે પણ સ્વામીજી આધુનિક મેડિકલ સાયન્સનો ઉપયોગ કરે જ છે. આયુર્વેદમાં નાડી ચિકિત્સા એક ઘણું મોટું શાસ્ત્ર છે. નાડી પરથી રોગ પારખનારા નાડીવૈદ્યો આજકાલ બહુ ઓછા જોવા મળે છે. પણ આ પારંપરિક શાસ્ત્ર અક્સીર છે. સ્વામી રામદેવે બ્લડ ટેસ્ટ વગેરે દ્વારા રોગ પારખીને આપણા દેશની ચિકિત્સાપદ્ધતિ અપનાવી છે. તેઓ જે આયુર્વેદિક દવાઓ બનાવે છે તેનાં લેબરિઝલ્ટ્સ અને રિસર્સ પેપર્સ પાશ્ચાત્ય મેડિકલ સાયન્સવાળાઓને ગળે ઉતરે એવાં મેડિકલ જર્નલ્સમાં છપાવે છે. વિરોધીઓની બોલતી બંધ કરવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. એમની સરહદમાં ઘૂસીને એમના જ ઘરમાં એમને પડકારો. મોદી પણ એક કુશળ રાજદ્વારી તરીકે વારંવાર એવું કરી ચૂક્યા છે.

આવું કરનારાઓને ક્યારેક બેઉ તરફથી ટપલાં ખાવાં પડે તો ભલે. આપણે આપણું કામ કરવાનું. લોકો તો તમારા છિદ્રો નહીં હોય તોય તે શોધવાના. બાપ ગધેડા પર બેઠો હશે તો કહશે કે બાપને દીકરાની પડી નથી. દીકરો બેઠો હશે તો કહેશે આવો કેવો દીકરો, બાપને પગપાળા ચાલવા દે છે. બેઉ જણ ગધેડા પર બેસીને પ્રવાસ કરશે તો કહેશે આ બંનેમાં મૂંગા પ્રાણી માટે સહેજ પણ દયા નથી. ગધેડાના પગે દોરડું બાંધીને વચ્ચે લાકડી મૂકીને બાપ-દીકરો એને ખભે લઈને ચાલ્યા જશે તો કહેશે કે કેવા મૂરખ છે આ બાપ-દીકરો, ગધેડો હોવા છતાં એના પર બેસીને પ્રવાસ કરવાને બદલે એનો ભાર ખભે ઊંચકીને ચાલે છે.

કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના.
તમે માનશો? આનંદ બક્ષીની આ અમર રચના બાપુએ પાંચમા દિવસની કથામાં સ્વામીજીની હાજરીમાં ગાઈ! આનંદ બક્ષીએ કલ્પના પણ નહીં કરી હોય કે એમનું ફિલ્મી ગીત વ્યાસપીઠ પરથી ગવાશે. નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે એમનું પ્રિય હિન્દી ફિલ્મ ગીત આ છે: કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના.

પાંચમા દિવસની જે કથા સાંભળી એની ઝલક આપવાની ઘણી ચટપટી છે. કાલે એ વિશે લખવા ધાર્યું હતું. પણ ડે વનથી પ્રેમાળ વાચકો જે પૂછ્યા કરે છે એમને આવતી કાલે એક લાંબો લેખ લખીને સંતોષ આપી દઈએ. યોગગ્રામ આવવા શું કરવું, રજિસ્ટ્રેશન કેવી રીતે થાય, ખર્ચ શું આવે અને એ ઉપરાંત બીજી ઘણી ઉપયોગી ટિપ્સ આવતી કાલના મહાવીર જયંતિ તથા આંબેડકર જયંતિના પવિત્ર અવસરે આપી દઈશું.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

32 COMMENTS

  1. ખુબ સુંદર માહિતિ સભર લખાણ,

  2. જાણે એવુ લાગે છે કે પતંજલી યોગ કેન્દ્ર માં જ સાથે રહી એ છીએ ને સાથે જ આ બધું અનુભવાય એવું વાતાવરણ તમારા લેખ માં ના વર્ણન માં થી સ્ફુરણ થાય છે, ખુબ જ માહિતિ સભર ને પ્રેરણાદાયી લખાણ🙏🙏

  3. યોગ ગ્રામ માં આંટો મારવાની મજા આવે છે.
    તમને યોગ ગ્રામ માં આવવાનો વિચાર કેમ આવ્યો?
    કાયા કલ્પ અને માયા કલ્પ તમારે કેમ કરવું છે??

  4. તમારા બધા જ લેખનું લખાણ ખૂબ જ સરસ છે. વાંચવાની ખૂબ
    મજા આવે છે.લખાણ સરળ, સચોટ અને માહિતી સભર છે. ઘરે
    બેઠાં યોગગા્મ વિષે ઘણું જાણવા મળ્યું. આભાર તમારો.🙏🏻
    Please share your photos after 50 days, after kayakalp.

  5. સૌરભભાઈ, આપ દ્વારા લખતા યોગગ્રામ ના લેખ એટલા તો અસરકારક છે કે વાંચતા વાંચતા મેં પણ રામદેવસ્વામી ના યોગ ની શિબિર માં ભગ લેવાનો પાક્કો નિર્ણય લઇ લીધો છે. અત્યાર સુઘી ના લેખ બધાજ લેખ માહિતી થી ભરેલા અને પ્રેરણાદાયક રહ્યા. આભાર

  6. લેખ વાંચીને as usual, મળ્યો ખૂબ જ આનંદ. લેખને અંતે અસંતોષ, પૂરો થઈ ગયો!

  7. વાંચવાનો જરાય કંટાળો ના આવે એવી સરળ ભાષા. માહિતીપ્રદ લેખ.ધન્યવાદ.

  8. ખૂબ જ સરસ મઝાનો લેખ. વાંચવાનો જરાય કંટાળો ના આવે એવી સરળ ભાષા. ધન્યવાદ.

  9. સૌરભભાઇ, તમારા જેવા લેખકો, સ્વામી રામદેવજી જેવા સંતો તથા મોદી જી જેવા લોકો ની આ સમયે લોકજાગૃતિ માટે ખુબ જ જરૂર છે. આ સનાતન સંસ્કૃતિ ને જીવંત રાખવા કરી રહેલ મહાન કાર્યો માટે સૌને મારા નમન.

  10. આપ ફીનીકસ પક્ષી ની જેમ આશ્રમ માં થી નવા અવતાર સાથે બહાર આવસો એવી શુભેચ્છા

    • Saurabhbhai, a million thanks for such an interesting, transparent and gripping live updates exactly like ‘Sanjay’ in Mahabharat. I already decided my next trip to India to spend atleast 3 weeks at Paranjalee for rejuvenation purpose, as I don’t have any health issue nor I am on any medication right now but I believe ‘prevention is better than cure’. I strongly pray and hope my dream will come true. I wish you the best of your health outcome, we need you for many more years. 🙏

  11. અમે પણ તમારી સાથે યોગ ગ્રામ નો પ્રત્યક્ષપણે અનુભવ કર્યો
    બહુ જ સરસ લેખ સૌરભભાઇ આપની કલમ પર માં શારદા ના આશીર્વાદ સદા વરસતા રહે લખતા રહો સદા

  12. ખૂબ સરસ લેખ અમને ઘર બેઠા યોગ ગ્રામ ની જીણી માહિતી મોકલવા બદલ ધન્યવાદલેખ વાંચી ને યોગગ્રામ સારવાર કરાવવા ની ઈચ્છા થઇ છે વધુ માહિથી આપતા રહો ધન્યવાદ.

  13. સો વરસે ફૂટબોલ ની વાત ઉપર થી તમારી ફીટનેસ ખરેખર કેટલી વધી રહી છે તે જાણી ને આનંદ થયો

  14. Jay siyaram
    Pranam sirji
    Aapni anukulta e ek lekh Ruchi soya mate pan lakhjo
    Babaji e debt free company kari..

  15. I am eagerly awaiting your day to day coverage of your experiences there. Makes very interesting reading. Now looking forward to your article on how to register in Yogagram.

  16. Bapu , swamiji ne modiji , jivanno adhar bapu ,swasth jivan mate swamiji ne rashtra mate modiji , wah saurabhbhai
    Dhanywad 🙏

  17. આપના આર્ટિકલ વાંચવા ખુબ ગમે છે આબેહૂબ વર્ણન હોય છે આભાર 🙏

  18. આપનો ઉત્સાહ, પ્રતિભા, સત્યનિષ્ઠા, સમાજસેવા, સત્સંગપ્રેમ, નિખાલસતા, જનતા જનાર્દનને સાચી વાતો જણાવી જાગૃત કરવાની તમન્ના અને અંગત વ્યસ્તતામાંથી સમય કાઢીને આવા અતિ અગત્ય માહિતી આપતા લેખો લખવાની અને પ્રગટ કરવાની સ્ફૂર્તિ, આવડત આ બધા સદગુણો એક સાથે અર્પણ કરવામાં પણ ભગવદકૃપા જ સમાયેલી છે.

    સ્વામીજીના સાનિધ્યમાં યોગગ્રામમાં કાયાકલ્પ કરી તંદુરસ્ત તન – મન સાથે મુંબઈ પાછા જઈ આપના આજીવન અનુભવોને સમાજમાં વહેંચતાં
    ’ શતમ જીવ શરદ: ’ ના
    શુભ આશિષ મેળવો એ જ અભિલાષા સહ સદભાવના ! 👏

  19. વાહ સૌરભ બાપુ આપ ના યોગગ્રામ ના સ્વાનુભવ ને આપ સરળ અને સજ્જન કલમે લેખ રુપે અવતરીત કરી અમને અર્પણ કરો છો, એ બદલ અમે આપના આભારી છીએ. યોગગ્રામ મા આપ તન ની તંદુરસ્તી મેળવી રહ્યા છો અને સાથે સાથે અમને મન ની મનદુરસ્તી આપી રહ્યા છો. આપના વિચારો ની સૌરભ માણતા રહીયે એ જ પ્રાથઁના. 🙏🏻🌹 ભરત વ્યાસ 🌹🙏🏻

  20. સૌરભ ભાઈ, લેખ ક્યારે પૂરો થઈ જાય છે , ખબર જ નથી પડતી, હંમેશા હવે પછી નાં લેખ ની પ્રતીક્ષા રહે છે.

    • ખુબ સરસ માહિતી આપી રહ્યાં છો, આપની તંદુરસ્તી માટે પ્રભુ પ્રાર્થના. આયુર્વેદની જેમ જ હોમિયોપથી પણ ખુબ સરસ ચિકિત્સા પદ્ધતિ છે, જો યોગ્ય ડૉ મળી જાય તો.

  21. ખૂબ સરસ સર જી સુગર કન્ટ્રોલ પણ દવા સાથે કે દવા વગર એ કહેજો એકદમ સજા સારા ફ્રેશ થઈ ને આવો અને અમને જ્ઞાન પીરસતા રહો એવી પ્રાર્થના.

    • મેં લખ્યું છે એમ અહીંના ડૉક્ટરે જ આયુર્વેદિક દવાઓ લખી આપી છે એ બધી હું યોગગ્રામના મેગા સ્ટોરમાંથી લઈ આવ્યો છું પણ હજુ સુધી એક પણ દવા શરૂ કરી નથી.

  22. આપના લેખો વાંચવાની ખુબ જ મજા આવે છે…..આમને પણ થાય છે કે ક્યારે યોગગામ જવાશે…..આ અનુભવ નું એક પુસ્તક જરૂર થી લખજો એવું આમ સૌની માંગ છે…. ખુબ આરોગ્ય લાભ પ્રાપ્ત કરો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here