( આ દીર્ઘ લેખ જો શુષ્ક લાગે તો વચ્ચે બે વખત રોકાઈને ચાપાણી કરી લેજો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ નવી વિદેશ નીતિઓને કારણે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે એનો વિસ્તૃત ગ્રાફ આ લેખમાં છે. મરાઠી ભાષાના અગ્રગણ્ય સાપ્તાહિક ‘વિવેક’ના જાન્યુઆરી 2022માં પુસ્તક આકારે પ્રગટ થનારા દળદાર વિશેષાંક માટે ખાસ લખેલો આ લેખ ‘ન્યુઝપ્રેમી’ના વાચકો માટે રજુ કર્યો છે. તમારા પ્રતિભાવો અવશ્ય મોકલશો.)
( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : કારતક વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૨૫ નવેમ્બર ૨૦૨૧)
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી એમની વિદેશનીતિની દિશા નક્કી થઈ ગઈ હતી.
મુખ્ય પ્રધાનોને વિદેશનીતિ નક્કી કરવાનો હક્ક નથી હોતો અને મુખ્યપ્રધાનો ક્યારેય એ દિશામાં વિચારતા પણ નથી હોતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 2006ના નવેમ્બરમાં 6 દિવસ માટે ચીનની સત્તાવાર બિઝનેસ ટુર કરી ત્યારે તેઓ પોતાની સાથે ગુજરાતના 35 જેટલા ઉદ્યોગપતિઓ તેમ જ ટોચના બ્યુરોક્રેટ્સને લઈ ગયા. એસ્સાર ગ્રુપના શશી રૂઈયા, ટોરન્ટ ફાર્માના સુધીર મહેતા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અને નિરમાવાળા કરસનભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓને સાથે લઈને ચીન ગયેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સરકારને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આમંત્રણ આપ્યું. મોદીએ ગુજરાત આવીને પત્રકારોને કહ્યું: ‘હું ઈચ્છું છું કે ગુજરાત ચીન સાથે સ્પર્ધા કરે.’
ભારતનું એક રાજ્ય વિશ્વની તોતિંગ અર્થવ્યવસ્થા સાથે સ્પર્ધા કરી શકે એમ છે એવું સપનું ભારતના કોઈ મુખ્ય પ્રધાને અત્યાર સુધી જોયું નહોતું. અને યાદ રાખો કે આ એ ગાળો હતો જ્યારે 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ગુજરાતમાં કેટલાક ઠેકાણે થયેલાં રમખાણો માટે મોદીને જવાબદાર ઠેરવીને રાજદીપ સરદેસાઈ સહિતના અનેક સેક્યુલર પત્રકારોએ મોદીને ગુજરાતમાં, ભારતમાં અને દુનિયાભરમાં બદનામ કરવાનું સામૂહિક ષડયંત્ર ગોઠવ્યું હતું જેને પરિણામે મોદીનો અમેરિકાનો વિઝા રદ કરવામાં આવ્યો હતો. (રાજદીપ સરદેસાઈએ મનુ જોસેફ સાથેના ઇન્ટરવ્યુમાં, પંદરેક વર્ષ પછી આ બાબતે પોતાની ભૂલ કબૂલ કરી અને સ્વીકાર્યું કે ગુજરાતનાં રમખાણોના ટીવી કવરેજ બદલ તથા મોદીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ પોતે ગુનેગાર છે.) તમામ વિઘ્નો પાર કરીને મોદી વિદેશી ઇન્વેસ્ટરોને ગુજરાતમાં આવકારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત અને બીજા કાર્યક્રમો યોજતા રહ્યા. મોદીના આયોજન પર શ્રદ્ધા મૂકીને ભારતમાં જે ઉદ્યોગપતિઓ એમનો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા એ અઝીમ પ્રેમજી અને રતન તાતા પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ લઈ આવ્યા. આંતરરાષ્ટ્રીય બદનામી છતાં ચીન-જાપાન જેવા પ્રગતિશીલ રાષ્ટ્રો ગુજરાતમાં ઉદ્યોગ ધંધા નાખવા લાગ્યા. અહીંથી મોદીની વિદેશનીતિની દીર્ઘદૃષ્ટિનો પરિચય દુનિયાને થવા લાગ્યો.
મોદીની આ નીતિથી 7 ટકાના વાર્ષિક વિકાસદરથી આગળ વધતા ભારતીય અર્થતંત્રની સરખામણીએ ગુજરાતનું અર્થતંત્ર 12.5 ટકાનો વિકાસદર ધરાવતું થઈ ગયું. 2006થી 2011ના ગાળામાં ગુજરાતની ઇકૉનોમી સરાસરી 10 ટકાના દરે આગળ વધી.
ભારત કોઈનું મોહતાજ નથી. ભારતનું કોઈ દુશ્મન નથી. ભારત પોતાના પગ પર ઊભા રહીને જગતના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં મૂકાઈ ગયું છે— આ સ્પષ્ટ સંદેશો નરેન્દ્ર મોદીએ જગત આખાને પહોંચાડી દીધો
2014માં મોદી વડા પ્રધાન બન્યા ત્યારે એમણે સોગંદવિધિમાં હાજર રહેવા માટે ભારતના પડોશીઓ સહિત દક્ષિણ એશિયાના રાષ્ટ્રોના વડાઓને આમંત્રણ આપી સૌના માટે દોસ્તીનો હાથ આગળ લંબાવ્યો – પાકિસ્તાન માટે પણ. વડા પ્રધાન બન્યા પછી એક વર્ષ કરતાં ઓછા ગાળામાં, માર્ચ 2015માં શ્રીલંકાની મુલાકાત લીધી. છેલ્લા ત્રણ દાયકામાં એક પણ ભારતીય વડા પ્રધાને શ્રીલંકા જવાની હિંમત નહોતી દાખવી. ભારતના ટચુકડા પડોશીઓને ભારત ભરપૂર મદદ કરતું રહેતું છતાં એમાંના કેટલાક દેશો અન્ય મહાસત્તાઓની ચડામણીથી ભારતને ગણકારતા નહીં, એટલું જ નહીં ભારતનું અપમાન કરતા એ વર્ષોમાં મોદીની આ પહેલની નોંધ જગતઆખાએ લેવી પડી. (નેપાળ જેવાએ તો ધરતીકંપ વખતે ભારતે મોકલેલી મદદ ઠુકરાવી દીધી હતી).
2015માં મોદી અમેરિકા ગયા. અગાઉના ભારતીય વડા પ્રધાનો કાં તો અમેરિકાથી ડરતા, કાં અમેરિકા સાથે દુશ્મની રાખતા, કાં અમેરિકા આગળ ભીખનો કટોરો લઈને ઊભા રહેતા. મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાને 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આવવાનું આમંત્રણ આપ્યું. અત્યાર સુધી કોઈ અમેરિકન પ્રેસિડન્ટ આ રીતે ભારત આવ્યા નહોતા. ઓબામા આવ્યા. અમેરિકાના પત્રકારોને મોદીએ કહ્યું હતું: ‘ભારત-અમેરિકા વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ અને ભારત અમેરિકાને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે કે પછી અમેરિકા ભારતને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એ બધી બાબતો ગૌણ છે, સંકુચિત દૃષ્ટિનું પરિણામ છે. હું માનું છું કે ભારત અને અમેરિકા સાથે મળીને આ વિશ્વ માટે શું કરી શકે એમ છે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
એક જમાનો હતો જ્યારે ભારત, આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલા ઇઝરાયલને સાથ આપવાને બદલે ઇઝરાયલને નષ્ટ કરવા ચાહતા પેલેસ્ટાઈનને પોતાનો દોસ્ત માનતું. પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઝેશન (પીએલઓ)ના ચૅરમૅન મરહૂમ યાસર અરાફતનું ભારતમાં જોરદાર સ્વાગત થતું અને ઇઝરાયલને આપણું વિદેશ ખાતું બહુ ભાવ આપતું નહીં. નરેન્દ્ર મોદીના આવ્યા પછી ઇઝરાયલ સાથેની દોસ્તી વધી અને પાકી થઈ. ઇઝરાયલ પાસેથી આપણે મિલિટરી ટેક્નોલોજી, વિજ્ઞાન અને કૃષિ ઇત્યાદિ બાબતોમાં ભાગીદારી કરી. ઇઝરાયલની મશહૂર જાસૂસી સંસ્થા ‘મોસાદ’ની નિપૂણતાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. અને સાથોસાથ આપણે પેલેસ્ટાઇનને દુશ્મન બનાવવાને બદલે એને પણ યોગ્ય માનપાન આપી રહ્યા છીએ. એટલું જ નહીં જે બાબતમાં આપણો સ્વાર્થ ન હોય ત્યાં યુનોમાં ઇઝરાયલ તરફી વલણ અપનાવવાને બદલે તટસ્થ રહ્યા છીએ. ભારત કોઈનું મોહતાજ નથી. ભારતનું કોઈ દુશ્મન નથી. ભારત પોતાના પગ પર ઊભા રહીને જગતના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં મૂકાઈ ગયું છે— આ સ્પષ્ટ સંદેશો નરેન્દ્ર મોદીએ જગત આખાને પહોંચાડી દીધો છે.
મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે, કાશ્મીર માટેની 370મી કલમ રદ કરવામાં આવી તથા સીએએનો કાનૂન પસાર થયો ત્યારે એનો વિરોધ કર્યો — પોતાના દેશના મુસ્લિમોને રાજી રાખવા. ભારતે કોઈ જાહેર નિવેદનો કર્યા વિના અને સત્તાવાર પ્રતિબંધ લાદયા વિના ચૂપચાપ તત્પૂરતું મલેશિયાથી પામ ઑઇલ મંગાવવાનું બંધ કરી દીધું. મલેશિયન પામ ઑઇલનો ભારત સૌથી મોટો ખરીદાર છે. ભારતે ઇન્ડોનેશિયા પાસેથી ખરીદી શરૂ કરી. મલેશિયું ચૂપ થઈ ગયું
આરબ-ઇસ્લામિક રાષ્ટ્રોમાં કોઈ ભારતીય પગ મૂકે ત્યારે એના સામાનમાંથી દેવી-દેવતાઓનાં ફોટા-પ્રતિમાઓ જપ્ત થઈ જતાં. એ જ મુસ્લિમ દેશોમાં રહેતા ભારતીયો આજે ત્યાં મોટાં મોટાં મંદિરો બાંધી રહ્યા છે એ કંઈ નાનીસૂની વાત નથી. ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની કૉન્ફરન્સમાં ભારતને આમંત્રણ મળી શકે એવી કલ્પના પણ કોઈએ કરી હતી? માર્ચ 2019માં સુષમા સ્વરાજે ઓઆઈસીમાં અતિથિ વિશેષ તરીકે પ્રવચન કર્યું. એટલું જ નહીં ઓઆઈસીએ ભારતને જે માનપાન આપ્યું એને કારણે પાકિસ્તાનના પેટમાં દુખ્યું એટલે પાકિસ્તાન વિરોધ કરીને આ કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યું! એક જમાનામાં બધા ઇસ્લામિક રાષ્ટ્રો ભારત વિરુદ્ધના મુદ્દે પાકિસ્તાનને પડખે રહેતા. ટેબલ ટર્ન કરવા કોને કહેવાય એ મોદીની વિદેશનીતિ પાસેથી શીખવાનું.
મોદીને ખબર છે કે કોઈ પણ રાજ્યની કે દેશની સૌથી મોટી તાકાત એનું અર્થતંત્ર છે. મોદી હિન્દુત્વના પ્રહરી તો છે જ, સમગ્ર પ્રજાનો આર્થિક વિકાસ એમના હૈયે છે — સમગ્ર પ્રજાનો, માત્ર હિંદુઓનો નહીં. મોદી જાણે છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈનાથીય ડર્યા વિના ભારતે પોતાની સંસ્કૃતિ સાચવવી હશે, એનું જતન કરીને એને ઉછેરવી હશે, સર્વોચ્ચ શિખરે લઈ જવી હશે તો ભારત પાસે એટલી આર્થિક તાકાત હોવી જોઈશે જેને કારણે ભારત ક્યારેય પરાવલંબી ન બને; એટલું જ નહીં બીજા રાષ્ટ્રો પોતાની આર્થિક સમૃદ્ધિ માટે ભારત સાથે દોસ્તી રાખવામાં પોતાનો સ્વાર્થ છે એવું પણ સમજતા થાય.
ભારતને ગરીબની જોરુ ગણીને ભારતની આંતરિક બાબતોમાં માથું મારવાનો જમાનો હવે પૂરો થયો. નાના અમથા ઇસ્લામિક દેશ મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે, કાશ્મીર માટેની 370મી કલમ રદ કરવામાં આવી તથા સીએએનો કાનૂન પસાર થયો ત્યારે એનો વિરોધ કર્યો — પોતાના દેશના મુસ્લિમોને રાજી રાખવા. ભારતે કોઈ જાહેર નિવેદનો કર્યા વિના અને સત્તાવાર પ્રતિબંધ લાદયા વિના ચૂપચાપ તત્પૂરતું મલેશિયાથી પામ ઑઇલ મંગાવવાનું બંધ કરી દીધું. મલેશિયન પામ ઑઇલનો ભારત સૌથી મોટો ખરીદાર છે. ભારતે ઇન્ડોનેશિયા પાસેથી ખરીદી શરૂ કરી. મલેશિયું ચૂપ થઈ ગયું. ભારતે પાઠ ભણાવીને પાછું મગાવવાનું શરૂ કર્યું.
આ તો જાણે કે એક ચિરકુટ દેશની વાત થઈ. ચીન તો બધી રીતે ડ્રેગન છે. મોદીનું ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીનનું મહત્વ સમજે છે, સ્વીકારે છે પણ ચીન જોડે નાના ભાઈની જેમ કે હજુરિયાની જેમ વર્તવાને બદલે સમોવડિયા થઈને એની બાજુમાં ટટ્ટાર ઊભું રહે છે. મોદીએ સરહદ પર ચીનનો સામનો કરવા લશ્કરને છૂટો દોર આપી દીધો છે. ચીની સૈન્યની તાકાત સામે મુકાબલો કરવા ભારતીય લશ્કર માટેનો સરંજામ અને સુવિધાઓ વધારી આપ્યાં છે. ચીન 1962 જેવું આક્રમણ કરે તો ઇંટનો જવાબ પથ્થરથી મળે એવી મિલિટરી તાકાત મોદીએ ઊભી કરી છે. ચીન બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશ્યેટિવ (બીઆરઆઈ) દ્વારા 70 દેશોનો ‘સહકાર’ માગીને એશિયા અને યુરોપ પર આધિપત્ય જમાવવા માગતું હતું. જૂના જમાનાના સિલ્ક રૂટ જેવો આ મહામાર્ગ બાંધવા પાછળની ચીનની ચાલાકી સમજીને ભારતે ચીનની આ અતિ મહત્વાકાંક્ષી યોજના આડે મોટું વિઘ્ન ઊભું કરી દીધું. આ માટે ભારતે અનેક આંતરરાષ્ટ્રીય દબાણોનો સામનો કરવો પડ્યો પણ નરેન્દ્ર મોદી ટસના મસ ના થયા. ચીન ઔર એક ભયંકર ગતકડું લઈને આવ્યું. રિજિનલ કૉમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી) હેઠળ એશિયા પેસિફિકના દેશો ‘હળીમળીને’ પરસ્પર વેપારધંધો કરીને સમૃદ્ધ થાય એવા ઓઠા હેઠળ ચીન પોતાની ઇજારાશાહી સ્થાપવાનો ઇરાદો ધરાવતું હતું, ભારતની બજારમાં પ્રવેશીને કોઈ રોકટોક વિના આધિપત્ય જમાવવા માગતું હતું. વૈશ્વિક સ્તરે જબરજસ્ત પ્રેશર હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નમતું ન જોખ્યું. ભારત સિવાયના 14 દેશો ચીનની આ ચુંગાલમાં ફસાઈ ગયા (ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈથી માંડીને કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ વગેરે). ભારતના પડોશીઓ ચીનના પ્રભાવથી મુક્ત થાય એ માટે મોદીએ ભુતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે સાથે ફરી પાછા હૂંફાળા સંબંધો સ્થપાય એ માટે ભરપૂર પ્રયત્નો કર્યા. આ ટચુકડા અને ભારત કરતાં આર્થિક રીતે ઘણા પછાત એવા દેશોને મદદ કરીને ભારતનો તોતિંગ સંરક્ષણ ખર્ચ બચી રહ્યો છે એ વાત કેટલાક વાંકદેખાઓની સમજમાં આવતી નથી. ચીની માલનો બહિષ્કાર કરવાની જાહેરાત કર્યા વિના મોદીએ આત્મનિર્ભર ભારતની ઝુંબેશ ચલાવી. મોબાઈલની એપ્સ થકી ભારતીયોનો ડાટા ઝૂંટવી જતા ચીની મૂડીરોકાણને મોદીએ અટકાવ્યું. ભારતનાં સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ હડપ કરવાનો ઇરાદો ધરાવતા ચીની ઇન્વેસ્ટમેન્ટને પણ રોક્યું.વડા પ્રધાનપદના આરંભિક દિવસોથી ચીન માટેની એમની નીતિ સ્પષ્ટ હતીઃ ‘આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારત ચીનની સાથે હળીમળીને કામ કરે છે પણ વ્યાપાર-ઉદ્યોગની બાબતમાં અમે ચીનના પ્રતિસ્પર્ધી છીએ.’
ચીન સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ જાહેર કર્યા વિના ચીનનો સામનો કરવો, રશિયા સાથે સંબંધો તોડ્યા વિના અમેરિકા સાથે ગાઢ મૈત્રી કરવી, આરબ દેશોને નારાજ કર્યા વિના ઇઝરાયલ સાથે હાથ મિલાવવા— આવી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી ભારતે (કે પછી દુનિયાએ) અગાઉ ક્યારેય નથી જોઈ જે મોદીના શાસનકાળમાં જોવા મળે છે.
2014 પછી ભારતનાં આયુર્વેદ, યોગ, અવકાશ વિજ્ઞાન, વેક્સિન – ફાર્મા ઇન્ડસ્ટ્રી, ઇવન બૉલિવૂડે – અગાઉ જેટલી લોકપ્રિયતા નહોતી મેળવી એટલી લોકપ્રિયતા જગતમાં મેળવી. વિદેશોમાં થયેલો આ પગપેસારો મોદીની દીર્ઘદૃષ્ટિ ધરાવતી વિદેશનીતિની આ અસર છે. અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ સહિતનાં રાષ્ટ્રોમાં હવે જનરલ ઇલેક્શન્સ થાય છે ત્યારે ત્યાંના ઉમેદવારો ત્યાં રહેતા ભારતીયોના મત મેળવવા જે પડાપડી કરતા હોય છે એ અગાઉ ક્યારેય નથી બન્યું. વિદેશમાં રહેતા કોઈ પણ ભારતીયને પૂછો — મોદી વડા પ્રધાન બન્યા પછી ત્યાંના સ્થાનિક રહેવાસીઓની દૃષ્ટિમાં નવો ભાવ ઉમેરાયો છે. અગાઉ આટલાં માનપાન વિદેશી ભારતીયોને ક્યારેય નથી મળ્યાં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધતી જતી ભારતની ઇન્ફ્લ્યુઅન્સને કારણે આ બધું થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા ભારતીયોએ ઑક્ટોબર 2021 સુધીમાં ભારતમાં 87 બિલિયન અમેરિકી ડૉલર મોકલ્યા છે. કોઈ દેશના વતનીઓએ વિદેશમાં રહીને આટલી મોટી રકમ પોતાના વતનમાં મોકલી નથી. ભારતે પણ ક્યારેય આટલી મોટી રકમ મેળવી નથી. મોદીશાસન પરના વિશ્વાસનું આ સીધું પરિણામ છે.
તથાકથિત વિકસિત દેશો પોતાના સ્વાર્થી એજન્ડાને આગળ વધારવા પોતાના દેશની અબજો ડોલર્સનું ટર્નઓવર ધરાવતી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીને છૂટો દોર આપતી આવી છે. આ મલ્ટીનૅશનલ કંપનીઓએ એશિયા-આફ્રિકાના દેશોને દાયકાઓ સુધી પોતાના દાબમાં રાખીને ખૂબ મોટી લૂંટ ચલાવી. મોદીએ આવીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓને ખાળવા બે દિશામાં કામ કર્યું. એક તરફ આયુષ મંત્રાલયની રચના કરીને આયુર્વેદ-યોગ-નેચરોપથી-હોમિયોપથી-યુનાની-સિદ્ધ ઉપચાર પદ્ધતિને જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું. તો બીજી તરફ જન ઔષધિ યોજના હેઠળ દેશભરમાં જનરિક મેડિસિનની દુકાનો ખોલીને દેશના ડૉક્ટરો દ્વારા મોંઘી બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ દસમા ભાગની કિંમતે બનતી (અને એફ.ડી.એ. દ્વારા માન્યતા પ્રાપ્ત કરી ચૂકેલી ) દવાઓને પ્રિસ્ક્રાઈબ થાય એવું અભિયાન ચલાવ્યું. ભારતમાં વિદેશી ફાર્મા લૉબીની તાકાત આને કારણે ક્રમશઃ ઘટતી જવાની.
મોદીની સફળ વિદેશનીતિનું એક જ્વલંત ઉદાહરણ આ પેન્ડેમિકના ગાળામાં આપણને અને દુનિયાને મળી ગયું. કોરોના આવતાંવેંત મોદીની વિદેશનીતિ સોળે કળાએ ખીલી ઊઠી
માનવ અધિકારની રક્ષા કરવાના નામે એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ જેવી કે પછી પર્યાવરણની રક્ષા કરવાના નામે ગ્રીનપીસ જેવી સેંકડો-હજારો એન.જી.ઓ. દુનિયાના અનેક દેશોને અમેરિકા-યુરોપના તાબેદાર થવા માટે મજબૂર કરતી આવી છે. ભારતમાં આ ઉપરાંત બીજી અનેક એનજીઓ એવી છે જે વિદેશી સત્તાઓ પાસેથી આડકતરી રીતે ફંડિંગ મેળવીને ભારતને અસ્થિર બનાવવાનાં કાવતરાં કરતી રહી છે. મોદીના આવ્યા પછી ઈન્ટેલિજન્સ બ્યુરોએ આવી ૧૮૮ એનજીઓ સુંઘી કાઢી. વખત જતાં કુલ ૧૪,૦૦૦ કરતાં વધુ એનજીઓ પર વિદેશથી નાણાં લાવવા સામે પ્રતિબંધ લાદવાની હિંમત મોદીશાસને દેખાડી. એક જમાનામાં એમ્નેસ્ટી જેવી સંસ્થાઓ પંજાબ, કાશ્મીર, આસામમાં જઈને ભારત સરકારને બ્લૅકમેઈલ કરીને પોતાનું ધાર્યું કરાવતી.
મોદીની સફળ વિદેશનીતિનું એક જ્વલંત ઉદાહરણ આ પેન્ડેમિકના ગાળામાં આપણને અને દુનિયાને મળી ગયું. કોરોના આવતાંવેંત મોદીની વિદેશનીતિ સોળે કળાએ ખીલી ઊઠી. ચાર જ મુદ્દાનો માત્ર ઉલ્લેખ કરીને આગળ વધીએ: ૧. કોઈ અજાણ્યા રોગચાળાની સામે ભારત કેવી રીતે વૅક્સિન બનાવી શકે એવી ડિફિટિસ્ટ અને ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સથી ભરેલી માનસિકતા રાખીને વિદેશીઓ આગળ હાથ લંબાવવાને બદલે મોદીએ એક નહીં ત્રણ-ત્રણ વૅક્સિનો તૈયાર કરાવી. ૨. અમેરિકી ફાર્મા ઉદ્યોગની દાદાગીરી સામે ઝૂક્યા વિના ફાઈઝરની વૅક્સિનને ભારતમાં આવતાં રોકી. ૩. કેટલાક તથાકથિત વિકસિત દેશોએ શરૂઆતમાં ભારતની વૅક્સિનને માન્યતા ન આપી પણ છેવટે એ સૌએ ઝૂકીને ભારતમાંથી વૅક્સિન મગાવવી પડી. અને ૪. યુ.કે. જેવા દેશોએ ભારતીય વૅક્સિનનો ડોઝ લેનારાઓ માટે ક્વૉરન્ટાઈન ફરજિયાત કર્યું તો સામે ભારતે પણ એવી જ નીતિ અપનાવી. છેવટે યુ.કે.એ નમતું જોખીને ભારતના મુલાકાતીઓ સાથે અમેરિકા વગેરેથી આવતા પ્રવાસીઓ જેવો જ વહેવાર થશે એવી જાહેરાત કરવી પડી.
જૂન ૨૦૨૧માં ભારતમાં એક અભૂતપૂર્વ ઘટના બની. અત્યાર સુધી અવૉર્ડ વાપસી ગૅન્ગ સહિતના તથાકથિત બુદ્ધિજીવીઓ-કળાકારો-ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ વગેરે પચીસ-પચાસ સહીઓ ભેગી કરીને મોદી સરકાર વિરુદ્ધ જાહેર નિવેદનો બહાર પાડતા રહ્યા. દેશમાં (અને કદાચ દુનિયામાં ) પહેલવહેલીવાર એવું બન્યું કે વિવિધ દેશોમાંની ભારતીય ઍમ્બેસીઓમાં ઍમ્બેસેડર તરીકેની ફરજ બજાવી ચૂકેલા ત્રણ ડઝન જેટલા ભૂતપૂર્વ રાજદૂતોએ વર્તમાન વડા પ્રધાનની વિદેશ નીતિઓની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપતું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. મે ૨૦૨૧ સુધી ૧૦૯ વાર વિદેશયાત્રા કરી ચૂકેલા મોદીએ ૬૦ દેશોની મુલાકાત લઈને ત્યાંના વડાઓ તથા અગ્રણીઓ સાથે જે વાટાઘાટો-ચર્ચાઓ કરી તેના પરિપાકરૂપે ભારતની વિદેશ નીતિએ જે આકાર ધારણ કર્યો એની ઝલક આ નિવેદનમાં છે. આ લાંબા અને વિગતવાર નિવેદનનો સાર એ છે કે પાકિસ્તાન, ચીન, રશિયા, ગલ્ફના દેશો, જાપાન, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના દેશો, યુરોપના દેશો સહિતના દુનિયાના અનેક રાષ્ટ્રો સાથે વ્યવહાર રાખવાની મોદીની નીતિ સહી છે, સચોટ છે; અને પશ્ચિમી દેશો અત્યાર સુધી ‘વિશ્વગુરુ’ બનીને જગતને દોરતા રહ્યા, હવે ભારત એવી કોઈ મંછા પ્રગટપણે જાહેર કર્યા વિના એ દિશામાં આગળ વધી રહ્યું છે. અંગ્રજીમાં લખાયેલા આ સ્ટેટમેન્ટમાં સંસ્કૃતનો ‘વિશ્વગુરુ’ શબ્દ વાપરવામાં આવ્યો છે— વર્લ્ડ લીડર નહીં.
મોદીની વિદેશનીતિની સફળતાનું કોઈ એક જ ઉદાહરણ આપવું હોય તો તે છે 26 ફેબ્રુઆરી 2019ની બાલાકોટની ઍરસ્ટ્રાઇક
અમેરિકાથી ડર્યા વિના ભારત પોતાના સંરક્ષણ માટે પોતે ધારે તે કરશે એવો એક જબરજસ્ત સંદેશો નરેન્દ્ર મોદીએ જગતને આપી દીધો છે. અમેરિકાએ મિસાઈલ સહિતના હવાઈ હુમલાઓને ખાળવા પેટ્રિયટ મિસાઈલ બનાવ્યાં છે (રામાયણ-મહાભારતની ટીવી સિરિયલોમાં શત્રુ તીર છોડે અને આપણાવાળા એ તીરને તોડવા સામે તીર છોડીને એને અધવચ્ચે જ રોકી દે એવી જ ટેક્નોલોજી પેટ્રિયટ મિસાઈલની છે ). અમેરિકાના પેટ્રિયટ જેવાં જ મિસાઈલ રશિયાએ બનાવ્યાં — એસ-400. પેટ્રિયટ કરતાં વધારે શક્તિશાળી છે. અમેરિકાએ જાહેર કર્યું કે જે કોઈ દેશ રશિયાનાં આ મિસાઈલ ખરીદશે એની સામે આર્થિક પ્રતિબંધ (સેન્ક્શન્સ ) લાદવામાં આવશે. ટર્કીએ ખરીદવાની કોશિશ કરી તો અમેરિકાએ કાંડું આમળીને ટર્કીને એસ-400 લેવા ન દીધાં. ભારતમાં નવેમ્બર ૨૦૨૧માં એસ-400 મિસાઈલના ઑર્ડરમાંના પહેલા પાંચ મિસાઈલ ડિલિવર થઈ ગયાં. અમેરિકા ભારતનું કાંડુ આમળી શકે એમ નથી. એટલું જ નહીં આર્થિક પ્રતિબંધોવાળા કાયદામાં ભારતને અપવાદ ગણવાનો સુધારો અમેરિકાની સંસદે લાવવો પડ્યો છે. આ છે ભારતની નવી વિદેશનીતિની તાકાત. આ છે ભારતની ૫૬ ઇંચની છાતીનો પુરાવો.
મોદીની વિદેશનીતિની સફળતાનું કોઈ એક જ ઉદાહરણ આપવું હોય તો તે છે 26 ફેબ્રુઆરી 2019ની બાલાકોટની ઍરસ્ટ્રાઇક. અગાઉના ભારતીય વડા પ્રધાનો પાકિસ્તાનની નાપાક હરકતોને ચૂપચાપ સહન કરી લેતા. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રો છે એવું કહીને પાકિસ્તાની આતંકવાદીઓ જે કંઈ કહર મચાવી જાય તેની સામે બહુ બહુ તો શાબ્દિક વિધવાવિલાપ કરતા. મોદીએ રાતોરાત પી.ઓ.કે.માં ઘૂસીને વાર કર્યો અને દુશ્મનને જ નહીં, આખી દુનિયાને સંદેશો આપી દીધો કે 2014 પછી ભારતની નેતાગીરી બદલાઈ છે, ભારત બદલાયું છે. ટેક્નિકલી ભારત માટે પી.ઓ.કે. વિવાદાસ્પદ પણ વિદેશની ભૂમિ કહેવાય, તે છતાં ન તો યુરોપ-અમેરિકા-ચીને ભારત સામે આર્થિક પ્રતિબંધો લાદતાં પગલાં લીધાં, ન પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને ભારત વિરુદ્ધ ફરિયાદ કરી — ભારત પર અણુમિસાઇલ છોડવાની તો વાત જ બાજુએ રહી. અમેરિકાએ એના દુશ્મન નંબર વન એવા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને ઠાર માર્યો અને જગત આખાએ (કેટલાક મામૂલી અપવાદ સિવાય) ચૂપકીદી સેવીને અમેરિકાનું સમર્થન કર્યું એવી જ આ વાત હતી.
ભારત એક જમાનામાં ભીખનો કટોરો લઈને અમેરિકા પાસેથી પી.એલ.-480 હેઠળ ડુક્કરો પણ ન ખાય એવા લાલ ઘઉં મેળવીને પ્રજાને રેશનિંગની દુકાનેથી વેચતું હતું. ભારત એક જમાનામાં હિંદુ-ચીની ભાઈભાઈના નારા લગાવીને ચીનને ભાઈબાપા કરતું હતું. રશિયા દ્વારા ભારતના વિદેશી સંબંધોની નીતિ નક્કી થતી. પાકિસ્તાન આરબ દેશોનો સાથ લઈને ભારતને નચાવતું. આ જમાનો હવે પૂરો થઈ ગયો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ભારતની નવી વિદેશનીતિનો આ યુગ છે, મોદીયુગ છે.
••• ••• •••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Congratulations N Thanks for Balanced But Courageous Writing.
Keep it Up..
મોદી સરકારની વિદેશ નીતિ નું સચોટ માર્ગદર્શન આપવા બદલ આભાર
Ati sunder keep it up
Excellent and lucid explanation of Indian foreign Affairs policy by our Hble P.M Shri Narendra Modiji ,which is absolutely true and correct and highly appreciable and opening the eyes of People at large in the World Thank you very much
એકદમ સચોટ અને સરસ.
સૌરભભાઈ
તમે લેખની શરૂઆતમાં લખ્યું કે લેખ લાંબો છે પણ મને તો ટૂંકો લાગ્યો.. આમ પણ તમારી લેખન શૈલી જકડી રાખે છેક સુધી અને એમાંય પાછો મોદી સાહેબ વિષે લેખ હોય તો ( ગમતો વિષય) લાંબો લેખ પણ ટૂંકો જ લાગે.
આભાર
આ લેખ વાચીને જાણે મલ્ટી વિટામીન ટોનીક થી જે શક્તિઓ મળે એવી સ્ફૂર્તિદાયક feeling અનુભવી. આપણા સૌરભભાઈ મરાઠી સાપ્તાહિકોમાં પણ ધૂમ મચાવે છે એ જાણીને આનંદ થયો.લેખ જરાપણ શુષ્ક નથી. ભવિષ્યમાં ભારત દેશના ઈતિહાસમાં આ વિદેશ નિતિ સુવર્ણ અક્ષરે લખાશે.
Excellent analysis of the foreign polcy of our POM very courageous and bold decision.God bless INDIA.
આપની આ વાત સો ટકા સત્ય છે.
પેટેબળતા કેટલાક લોકો કદાચ આ વાત સમજવા સક્ષમ નથી.
આવી જ એક વાત સાથે મેં પણ મારા બ્લોગ www babulalvariya.wordpress.com પર બે પોસ્ટ લખી છે, તેમાંથી એકનું શિર્ષક હતું “ઉત્કૃષ્ટ ભારતની ઉગતી દિશાઓ.”
Superb article explaining in depth analysis which a common man can also understand easily.
Excellent article, each and every Indian needs to understand
Very nice
Very nice article
વાહ સૌરભભાઇ, મોદીની વિદેશનીતિ આટલી સરસ રીતે, સમજાવવા બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન.
ખૂબ સરસ , મૂળ માં પહોંચીને કોઈ પણ લેખ ની ઊંડાઈ આટલી સારી રીતે આપ કરો છો,
Perfect Analysis
ખૂબ સુંદર… ✔️✔️
👍👍👍
Saurabhbhai ,
Superb write up.