( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 24 નવેમ્બર, 2021)
પચાસ વર્ષ જૂનું હિન્દી ફિલ્મનું ગીત છે. તમે પણ બહુ સાંભળ્યું હશે. પણ એનો સાચો અર્થ હવે ખબર પડે છે કે આ કોઈ જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું ગીત નથી; ભવિષ્યમાં શું કરવાનું એનું ગાઇડન્સ આપતું ગીત છે.
જાવેદ અખ્તર પોતે સારા ગીતકાર છે અને એ કહેતા હોય છે કે એમને ગમતાં હિન્દી સિનેમાનાં ગીતોની યાદી બને તો એમાં પોતે આ ગીતને અચૂક સ્થાન આપેઃ ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ, વો ફિર નહિં આતે.
જાવેદ અખ્તરે એક વખત કહ્યું હતું કે ‘આપ કી કસમ’ માટે આનંદ બક્ષીએ લખેલું (અને આર.ડી. બર્મને સ્વરબદ્ધ કરેલું) આ ગીત એમને એટલું સ્પર્શી ગયું હતું કે એ ફિલ્મ રિલીઝ થઈ એ ગાળામાં એક પાર્ટીમાં આનંદ બક્ષીને મળ્યા ત્યારે એમણે બક્ષીસા’બને કહ્યું કે આ ગીત તમે જે પેનથી લખ્યું એ પેન મને આપી દો! બક્ષીજીએ કહ્યું કે ‘એ પેન તો હું તમને નહીં આપી શકું કારણ કે આશાજી (આશા ભોસલે)એ મને ભેટ આપી છે’ અને બીજે દિવસે આનંદ બક્ષીએ બીજી એક મોંઘામાંની પેન જાવેદ અખ્તરને ભેટ મોકલી આપી હતી.
‘આપ કી કસમ’ રિલીઝ થઈ એ પહેલાંથી આ ગીત રેડિયો પર વાગતું હતું. ખાસ્સું ફેમસ થઈ ગયું હતું. દોસ્તારના લાલ રંગના નાનકડા ચોરસ નૅશનલ પેનેસોનિકના કેસેટ પ્લેયર પર એની કેસેટ કંઈ કેટલીયવાર સાંભળી. આખું કંઠસ્થ થઈ ગયું. વીતેલા પાંચેક દાયકામાં અનેકવાર સાંભળ્યું. આર.ડી. બર્મનનાં ગીતોના કાર્યક્રમોમાં તો અચૂક હોવાનું જ. દર વખતે વિચાર આવે કે વાત તો સાચી છે કે જિંદગીમાં જે કંઈ અવસરો આવી ગયા તે કંઈ ફરી આવવાના નથી, જે કંઈ તક મળી (અને જવા દીધી) એ ફરીથી નથી આવવાની. વળી એ વાત પણ ખરી કે ‘કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈં, વો હજારોં કે આને સે મિલતે નહીં/ઉમ્રભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ, વો ફિર નહીં આતે…’
સાથે સાથે એ પણ એટલું જ સાચું કે સમય તો ઝડપથી વહ્યા જ કરતો હોય છે, કોઈનાય માટે રોકાતો નથી. એક જ પળમાં એ આગળ નીકળી જાય છે. એ પળને તમે જોઈ ન જોઈ ત્યાં તો બીજી પળ આવી પહોંચે છે અને જે જતું રહે છે એ ક્યારેય ફરી આવવાનું નથી હોતું.
હજારોવાર આ ગીત માણ્યું. દર વખતે એના શબ્દાર્થની ગહનતાને વખાણી. (અફકોર્સ આરડીનું સંગીત અને કિશોરકુમારની ગાયકી તો લાજવાબ છે જ). પણ આ ગીતમાં છુપાયેલો, ગર્ભિત અર્થ, એમાં રહેલો બિટ્વીન ધ લાઇન્સનો ભાવ હમણાં અચાનક જ પ્રગટ થયો અને શું કહીએ, અમે તો ઝળાંહળાં થઈ ગયા.
આ ગીત ઢોળાઈ ગયેલા દૂધ પર અફસોસ કરવા માટેનું નથી. જિંદગીના જે જે મુકામ વીતી ગયા છે તે ફરી ક્યારેય પાછા નહીં આવે એવું વિચારીને નિસાસા નાખવા માટેનું નથી. આ ગીત હવે પછી આવનારા મુકામો વિશેનું છે, હવે પછી જિંદગીમાં આવનારી (કે ઑલરેડી આવી ચૂકેલી) વ્યક્તિઓ વિશેનું છે.
જે વ્યક્તિઓથી તમે છૂટા થઈ ગયા છો એમને યાદ કરવા માટેનું આ ગીત નથી. અત્યારે આપણા જીવનમાં જે જે લોકો છે એમની કદર કરતાં શીખીએ, એમનું મૂલ્ય સમજીએ, એમની સાથે નાનીમોટી વાતે વાંકું પાડીને એમને આપણાથી દૂર ના કરી નાખીએ. કારણ? કારણ કે એ વ્યક્તિઓ જો આપણને છોડીને જતી રહેશે તો ભવિષ્યમાં એમની ખોટ બીજા હજારો લોકોથી પણ પુરાવાની નથી. અત્યારે જે જે લોકો તમારી નિકટ છે, તમે જેની જેની નજીક છો એ સૌને સાચવી રાખવાના, દૂર નહીં જવા દેવાના. એમની સાથેનું તમારું વર્તન, તમારા વ્યવહારો એવા હોવા જોઈએ કે એ લોકોને પણ તમારી સાથેના સંબંધોનું ગૌરવ થાય. એમનામાં પણ એ લાગણી દ્રઢ થાય કે પોતે તમારી સાથેના આ સંબંધોને વેડફી નાખવા માગતા નથી, એને સાચવવા માગે છે.
થાય છે શું કે મોટાભાગના લોકો જિંદગીની મોટાભાગની વાતોને કેઝ્યુઅલી લેતા હોય છે. આસપાસના લોકોને, મિત્રો અને સંબંધીઓને તેમ જ પરિવારજનોને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતા હોય છેઃ એ તો છે જ ને મારી જિંદગીમાં.
પણ આ લોકો, કે આમાંની કોઈ એક વ્યક્તિ તમારા જીવનમાં નહીં હોય તો તમને કેટલી ખોટ સાલશે એની આપણને કલ્પના જ નથી હોતી. એ વ્યક્તિ તમારી દુનિયામાં નહીં હોય, તમારા નિકટવર્તુળમાં નહીં હોય તો તમે કઈ કઈ બાબતે મોહતાજી અનુભવશો, ક્યાં ક્યાં તમને એમની ખોટ સાલશે — કદાચ એવું પણ બને કે એ વ્યક્તિ અચાનક આ દુનિયામાંથી જ વિદાય લઈ લે, ભગવાન પાસે પહોંચી જાય, ત્યારે તમે કેવી મજબૂરી અનુભવશો? આવું બધું વિચાર્યું હોય તો તમને ભાન થાય કે તમારી આસપાસના લોકોનું કેટલું મૂલ્ય છે તમારી જિંદગી માટે, શા માટે તમારે એ સૌની સાથેના સંબંધોને જીવની જેમ સાચવી રાખવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આવું જ જીવનમાં મળતી અનેક તકનું હોય છે. તમે જે કોઈ ક્ષેત્રમાં હો — દરેક ક્ષેત્રમાં તમારો વિકાસ થાય, તમારી ઉન્નતિ અને પ્રગતિ થાય એવી તક વારંવાર આવતી જ હોય છે. કેટલીયવાર એવું બનતું હોય છે કે તમે તમારા તોરમાં હો, તમારી મસ્તીમાં હો અને જે તક મળી છે એ વિશે બહુ કંઈ ગંભીર ન હો. આવી તો અનેક તક જિંદગીમાં આવ્યા કરશે — તૂ નહીં તો ઔર સહી એવું તમે માનતા રહો છો. એ તક નોકરીની હોય, કોઈ કામની હોય, સોદાની હોય કે પછી વ્યક્તિ સાથેના સંબંધની પણ હોઈ શકે.
તમને ખબર છે કે સમય તો સતત પસાર થતો જ રહેવાનો છે. આજે તમને જે તક મળી છે એને જો તમે નહીં સાચવો તો બીજું કોઈ એ તક છીનવી જશે. અથવા તે કુદરત જ કંઈક એવું કરશે કે તમે આ તક માટે સિરિયસ નથી, એને વેડફી રહ્યા છો તો ચાલો બીજા કોઈને ચાન્સ આપવામાં આવે.
વર્તમાનની દરેક પળ માટે સજાગ રહીએ. એક પણ વાત માટે કે કોઈ પણ વ્યક્તિ માટે બેદરકાર ના રહીએ. જે જતું રહેશે તે લાખ પ્રયત્નો પછી પણ પાછું આવવાનું નથી એવી સભાનતા સાથે જીવીએ (આમાં માત્ર સંજોગો વગેરેની જ વાત નથી. તમારા સ્વાસ્થ્યની, તબિયતની પણ વાત છે એમ માનજો).
તમે ગમે એટલા કાલાવાલા કરશો, ગમે એટલો ખર્ચ કરવા તૈયાર હશો, કોઈ પણ પ્રકારનો ભોગ આપવા તૈયાર હશો તો પણ જિંદગીમાં અમુક વાતો તમને ફરી પાછી ક્યારેય નથી મળવાની એ વાત જો તમારા મનમાં દૃઢ થઈ ગઈ હશે તો આજનું, હવે પછીનું જીવન વધારે સારી રીતે જીવી શકીશું.
જે વીતી ગયું તે વીતી ગયું. એના વિશે અફસોસ કર્યા કરવાથી કંઈ વળવાનું નથી. જે આજે અને અત્યારે તમારી પાસે છે તે મૂલ્યવાન છે એ સમજવાનું છે. એને વેડફી દેવાની મૂર્ખાઈ નથી કરવાની. તમારા સ્વભાવની ઉતાવળ, ઉગ્રતા, તમારી ટૂંકી દૃષ્ટિ, નાસમજ, કુસંગત કે પછી કોઈની ચડામણી-ઉશ્કેરણીથી જે કંઈ નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે એવું માનીને આ જ ક્ષણે નિર્ણય લઈ લેવાનો છે કે એ ભૂલોને, એ આદતોને હવે ભોંયમાં દાટી દેવાની છે. ફરી ક્યારેય એ દેખા ન દે એટલે ઊંડે સુધી દાટી દેવાની છે.
ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ ગીતની સિચ્યુએશન ફિલ્મમાં ભલે કંઈક એવી હોય કે રાજેશ ખન્નાને મુમતાઝ સાથેના પોતાના વર્તાવ બદલ પસ્તાવો થઈ રહ્યો છે; પણ ગીતના વધુ ઊંડાણમાં ઉતરીશું તો આ લેખમાં લખેલી તમામ વાતો તમારા પોતાના જીવનના સંદર્ભમાં, તમારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે, ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે જોડાયેલી છે તે તમે સમજી શકશો. એક વખત ફરીવાર આ ગીત સાંભળીને આનંદ બક્ષી સાહેબની સ્મૃતિને વંદન કરી લેજો. તમારી આજ તાજગીસભર બની જશે. તમારું ભવિષ્ય ભૂતકાળના પડછાયાઓથી મુક્ત બની જશે.
સાયલન્સ પ્લીઝ!
કલ તડપના પડે યાદ મેં જિનકી,
રોક લો, રૂઠકર ઉનકો જાને ના દો,
બાદ મેં પ્યાર કે ચાહે ભેજો હજારો સલામ
વો ફિર નહીં આતે
વો ફિર નહીં આતે…
—આનંદ બક્ષી
•••
આ લેખ તમને ગમ્યો?
‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.
નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
https://www.newspremi.com/gujarati/cutting-chai-series-all-articles
ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://www.newspremi.com/gujarati/support-newspremi
તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.
Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis
Paytm No. : 90040 99112
સૌરભ ભાઈ, “પાનખર માં…..” વાળો લેખ બહુજ હૃદયસ્પર્શી રહ્યો. આપની વાત તદ્દન સાચી છે, અને હું હક્કથી કહી શકું છું કેમકે મેં હમણાં જ આત્મીય જન ગુમાવ્યું છે. લાખો અફસોસ અને કરોડો નિસાસા પણ જે જે કરવાનું રહી ગયું છે અને જે જે કરી શકત પણ પાછળ ઠેલાતું ગયું તે શક્ય બનાવી શકતું નથી.
સલામ, તમારી કલમ ને..
Geet khoob maannyun chhey .
Saurabhbhai , tamaree chhanavat atyant gamee.
Javedbhai no reference aapyo, tanee jaroor na lagee.
Javed Akhtar na amuk vicharo no main khullo, emnu naam laine kadak ma kadak virodh karyo chhe e pan te jamanathi jyare koi na ma evi himmat nahoti… But one must accept that he is one of finest lyricists and amongst the greatest scriptwriters of hindi cinema.
Baki, matra galagal karine j potanu Hinduwadipanu pragat karnarao thi hu dur rahu chhu and bahetar chhe k e loko mari range ni bahar rahe nahi toh kutai jashe!
સર આવા લેખ રોજ પોસ્ટ કરો એવી ગુજારીશ….🙏
ખૂબજ સુંદર લેખ
One of my favorite from troika of rajesh khanna,kishor kumar and RD. આ ગીત નાનપણ થી સાંભળતા- ગાતા, મોટા થયા ત્યારે મતલબ સમજાયો. રાજેશ ખન્નાની ઉમદા અદાકારી છલકાય છે આ ગીતમા. જાવેદ અખ્તર-આનંદ બક્ષી ની પેન વાળી વાત સાચી છે પણ અમર પ્રેમ ના ” યે કયા હુઆ , કૈસે હુઆ ” ગીત માટે થયેલી. I may be wrong. પણ એક tv show માં જાવેદ અખ્તરે કહેલુ. રાજેશ ખન્ના જયારે superstardum ના અસ્ત કાળે આ ગીત જોતા કે સાંભળતા હશે ત્યારે એમની મનઃસ્થિતિ શૂં હશે ?. ઊપર જણાવેણ troika of genius ની એમની હયાતીમાં યોગ્ય મરતબો આપ્યો નહી આપણા દેશે.