હિન્દુવાદીઓમાં ઘૂસી ગયેલા સેક્યુલર ઘૂસપેઠિયાઓથી સાવધાન: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ કારતક વદ ત્રીજ , વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૨૨ નવેમ્બર ૨૦૨૧)

પોતાનું પર્સનલ નુકસાન ન થાય એ માટે હિન્દુવાદી વિચારોનો ત્યાગ કરનારો સાચો હિન્દુવાદી નથી.

હિન્દુવાદ અપનાવવાથી પોતાને પર્સનલી શું ફાયદો થશે એવું વિચારીને હિન્દુવાદમાં ઘૂસનારો સાચો હિન્દુવાદી નથી.

સેક્યુલરવાદનો વિરોધ કરવાથી પોતાનું પર્સનલ નુકસાન થશે એવું વિચારીને ચૂપ રહેનારો પણ સાચો હિન્દુવાદી નથી. અને સેક્યુલરવાદનો વિરોધ કરવાથી પોતાને લાડવો મળી જશે એ આશાએ સેક્યુલરોને ગાળો આપનારો પણ સાચો હિન્દુવાદી નથી.

26/11 રોજ અજમલ કસાબ અને એના બીજા નવ નાપાક સાથીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે એમના બનાવટી ઓળખપત્રોમાં એમની આઇડેન્ટિટી હિન્દુ નામ સાથેની હતી અને તેઓએ કાંડાં પર હિન્દુઓની જેમ પવિત્ર રક્ષાપોટલી જેવાં સૂત્રો બાંધ્યાં હતાં જેથી આ ફિદાયીન ગૅન્ગના તમામ દસ સભ્યો મુંબઈ પોલીસ અને ભારતીય લશ્કરના જવાનોની ગોળીઓના શિકાર બને ત્યારે એમની સાચી ઓળખ ખાનગી રહે અને તેઓ હિન્દુ તરીકે સ્થપાઈ જાય એવું એમના બેવકૂફ આકાઓએ માની લીધેલું.

રાયતા ગૅન્ગના સભ્યો પોતાને હિન્દુવાદી કહેવડાવવાની હોંશ રાખે છે પણ તેઓ હિન્દુવાદી નથી. હું જ્યારે રાયતા ગૅન્ગના સભ્યોનો વિરોધ કરું છું ત્યારે હિન્દુવાદીઓનો વિરોધ નથી કરતો, હિન્દુવાદના દુશ્મનોનો વિરોધ કરું છું, એમને ઉઘાડા પાડું છું. રાયતા ગૅન્ગ શું છે તે જાણવા માટે અગાઉનો લેખ મૂકી ગયા હોય તો વાંચી લેજો. આ રહી લિન્ક

મોદી-શાહ-ભાગવત-ભાજપ-સંઘ સામે સતત અપપ્રચાર કરીને આ રાયતા ગૅન્ગ આ ચારેય વ્યક્તિ/સંગઠનને મળી રહેલા પ્રજાના ટેકાને ઓછો કરવામાં સફળ થશે તો હિન્દુવાદને ઘણું મોટું નુકસાન જવાનું છે. છેલ્લાં 70 વર્ષમાં હિન્દુવાદને જેટલું નુકસાન કૉન્ગ્રેસ-ડાબેરીઓ દ્વારા થયું છે એના કરતાં અનેકગણું નુકસાન હિન્દુવાદીઓમાં ઘૂસી ગયેલા કેટલાક ઘૂસપેઠિયાઓ આપણા હિતેચ્છુઓ હોવાનો દેખાડો કરીને કરી રહ્યા છે.

મોદી-ભાગવત (કે પછી યોગી આદિત્યનાથ કે સ્વામી રામદેવ) જેવી હસ્તીઓ વારેઘડીએ પૃથ્વી પર અવતરતી નથી. એમના અને એમના જેવા બીજા અનેકના પુણ્યથી આજે આપણે હિન્દુત્વનો સૂર્ય ભર મધ્યાહ્ને ઝળહળતો જોઈ શકીએ છીએ. આ સૌનું સન્માન કરવાની જો હેસિયત ન હોય તો કમ સે કમ ચૂપ બેસી રહેવાનું હોય. રાયતો ફેલાવવાની કોઈ જરૂર નથી. પોતાનું ઇમ્પોર્ટન્સ વધારવાના, ન્યુસન્સ ફેલાવાના બીજા અનેક રસ્તાઓ છે. આ જે અત્યારે આપણને ફળ મળ્યું છે અને મળી રહ્યું છે તે અનેક દાયકાઓના અને અનેક સદીઓના તપ પછી મળ્યું છે. ભવિષ્યમાં હજુ બીજું ઘણું મળવાનું છે – જો રાયતા ગૅન્ગનો પ્રોપેગેન્ડા સફળ નહીં થાય તો.

રાયતા ગૅન્ગના સભ્યોના ત્રણ પ્રૉબ્લેમ છે. એક તો, પોતે હિન્દુત્વનું જે સંકુચિત સ્વરૂપ માની લીધું છે એમાં બંધબેસતું ન હોય એવું બધું હિન્દુત્વ વિરોધી જ હોવાનું એવું તેઓએ માની લીધું હોય છે.

બીજું, તેઓ હિન્દુત્વના પ્રહરીઓને લાત મારવા માટે સેક્યુલરો-લેફ્ટિસ્ટોને સાથ આપનારા લ્યુટ્યન્સ મીડિયાના રિપોર્ટિંગનો અને એ લોકો દ્વારા લખાયેલાં પુસ્તકોનો સહારો લેતા થઈ જાય છે. હિન્દુઓના આઇકન્સને, આપણા માટે જે માનનીય-વંદનીય મહાનુભાવો છે એમને, નીચા બતાવવા-એમની આભાને ઝાંખી કરવા ઍન્ટીહિન્દુત્વવાદી મીડિયા જાતજાતના હથકંડા અજમાવે છે. રાયતા ગૅન્ગ આવા અપપ્રચારને પોતાની દલીલો માટેની ઢાલ બનાવી દે છે. દાયકાઓથી આપણે જોતા આવ્યા છીએ કે સેક્યુલર મીડિયા કેવી રીતે તોડી મરોડીને, સિલેક્ટિવલી ક્વોટ કરીને, આગળપાછલનાં સંદર્ભો ઉખાડી નાખીને હિન્દુત્વને લગતી, હિન્દુત્વના પ્રહરીઓને લગતી માહિતીઓને આપણા સુધી પહોંચાડતું આવ્યું છે. વાજપેયીના ‘રાષ્ટ્રધર્મ’ વાળા નિવેદન તેમજ અડવાણીના ‘ઝીણા સેક્યુલર હતા’વાળા નિવેદનને તદ્દન જુઠ્ઠી રીતે પેલા લોકોએ પેશ કર્યું અને આપણે નાદાન બનીને એ લોકોના ઝાંસામાં આવી ગયા. આ બંને નિવેદનો વિશે વારંવાર વિગતે લખ્યું છે માટે અહીં એમાં ઊંડા ઊતરતા નથી. માત્ર એટલું જ કે સેક્યુલર મીડિયાએ મોદીનું નીચાજોણું થાય એ માટે વાજપેયીને સિલેક્ટિવલી ક્વોટ કર્યા હતા અને હિન્દુત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનારાઓનો વિશ્વાસ અડવાણીમાંથી ઊઠી જાય એ માટે એમના પાકિસ્તાનમાંના પ્રવચનોના તમામ સંદર્ભો તોડીમરોડીને એમને ‘જિન્નાપ્રેમી’ ચીતરી દીધા હતા.

હિન્દુત્વના પ્રહરીઓ માટે શંકા જન્મે એવાં ફૉરવર્ડિયાઓ તમારી પાસે આવે ત્યારે મહેરબાની કરીને એના ખરા-ખોટાપણાની ચકાસણી કર્યા વિના આગળ ધકેલતા નહીં. ‘હું શું કરું? મેં તો જે આવ્યું તે આગળ ફૉરવર્ડ કર્યું છે’ એવી ગંદી દલીલ કરીને જવાબદારીનો ઉલાળિયો કરી નાખશો તો ભવિષ્યમાં તમને જ ભારે પડવાનું છે. ગૂગલના જમાનામાં જાતે ફેક્ટ ચેક કરવાનું કામ અઘરું નથી. સર્ચમાં યોગ્ય રીતે પ્રશ્નો ઘડીને મૂકતાં શીખી જાઓ પછી કોઈને પૂછવું નહીં પડે કે શું આ સાચું છે? અને સૌથી મોટી તાકાત તો તમારી સિકસ્થ સેન્સમાં છે, તમારી પોતાની કોઠાસૂઝમાં છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે તમારા પર કોઈ એક ચોક્કસ મુદ્દો જડબેસલાક છવાઈ ગયો હોય – એ વખતે તમારી સત્ય સૂંઘવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે, બુદ્ધિ બહેર મારી જાય છે. આંખે ઘોડાના ડાબલા પહેરી લીધા પછી આજુબાજુની પરિસ્થિતિથી તમે નાવાકેફ થઈ જાઓ છો જેને કારણે તમારી કોઠાસૂઝ ઠરી જતી હોય છે.

ત્રીજો પ્રૉબ્લેમ એ છે કે તેઓએ ધારી લીધું હોય છે કે મોદી વડા પ્રધાન છે એટલે દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે તે રાજ્યોમાં કોઈ નાના-મોટા ખોટા નિર્ણયો લેવાય તેને પણ મોદીનું પર્સનલ સમર્થન છે. ભાજપશાસિત કોઈ રાજ્યના શહેરમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો એ માટે મોદી જવાબદાર છે એવું માનીને તેઓ ટ્વિટર પર પીએમઓને ટૅગ કરતા થઈ જાય છે. થોડા મહિના પહેલાં એક ગુજરાતી મહિલા પત્રકારે પોતાની બેદરકારીથી વિમાનપ્રવાસમાં હૅન્ડપર્સ આડીઅવળી મૂકી દીધી અને ના મળી તો કેન્દ્રના નાગરિકી ઉડ્ડયન ખાતાના મંત્રીને ટૅગ કરીને એમને ધમકાવી નાખવાની કુચેષ્ટા કરી હતી. આ તો જોકે, લ્યુટયન્સ મીડિયાના, મોદીવિરોધી અને હિન્દુદ્વેષી પત્રકારની વાત થઈ. પણ પોતાને હિન્દુવાદી કહેવડાવનારાઓ પણ સ્થાનિક સ્તરે નાનીઅમથી નિમણૂકોમાં કોઈ ગરબડ થઈ હોય ત્યારે મોદી-શાહ-ભાગવત વગેરેને ધક્કે ચડાવવાની કુચેષ્ટા કરતા હોય છે. એટલું જ નહીં તેઓએ માની લીધું હોય છે કે મોદી-શાહ-ભાગવત કરતાં પોતાનામાં વધારે આવડત છે. કૉન્ગ્રેસના જમાનામાં દેશના સૌથી મોટા મીડિયાગૃહ ટાઇમ્સના તંત્રી દિલીપ પાડગાંવકર મૂરખની જેમ જાહેરમાં નિવેદનો કરતા કરતા કે પીએમ પછીની સૌથી મોટી જવાબદારીવાળી નોકરી મારી છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૉબ આફ્ટર ધ પ્રાઇમ મિનિસ્ટર્સ! કૉન્ગ્રેસના જમાનામાં વડા પ્રધાન દર મહિને સેક્યુલર પ્રેસના લિબરાન્ડુ તંત્રીઓને બ્રેકફાસ્ટ માટે ઘરે બોલાવતા. આ વામપંથી તંત્રીઓએ માની લીધેલું કે રોજ સવારે પીએમ અમારો તંત્રીલેખ વાંચીને કેબિનેટમાં નીતિવિષયક નિર્ણયો લે છે. કેટલાક તંત્રીઓ તો આવા વહેમમાં રહીને અમુક બાબતો વિશે એ જ દિવસે પોતાના છાપામાં એડિટોરિયલ લખતા જે દિવસે કેબિનેટની બેઠક બોલાવી હોય!

ભઈલાઓ, મોદી-શાહ-ભાગવતને તમારા ગાઇડન્સની જરૂર નથી. મોદી પત્રકારોને ભાવ આપતા નથી. મોદી પત્રકારોને ઘાસ નાખતા નથી. મોદી પત્રકારોને પોતાના પ્લેનમાં બેસાડીને પોતાના હાથે તન્દુરી ચીકનના કોળિયા ભરાવતા નથી કે નથી બ્લેક લેબલના ઘૂંટ ભરાવતા. મોદી પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને ઉછાંછળા પત્રકારોને થૂંકવા માટેની થૂંકદાની ધરતા નથી. અને મોદીએ આ આજકાલનું નથી કર્યું. ગુજરાતમાં કોઈ પણ નવા સીએમ બને – ચાહે એ કૉન્ગ્રેસના હોય કે ભાજપના – સોગંધવિધિ પછી ચોવીસ કલાકમાં પ્રમુખ વર્તમાનપત્રોની ઑફિસે જઈને કેમ છો-કેમ નહીં કરીને પત્રકારોને ખુશ કરવા પડતા. મોદીએ આ ગંદો ચીલો છોડ્યો. મોદીએ 2001માં મુખ્યપ્રધાન બન્યા પછી પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર લઈ જતી ફોગટિયા બસ બંધ કરી દીધી. ઑફિસ જે ભાડુંભથ્થું આપે છે તે વાપરો. એટલું જ નહીં સચિવાલયમાં ટેબલે ટેબલે જઈને ફાઇલો ફેરવતા અને પ્રધાનોની કેબિનોમાં પડ્યાપાથર્યા રહેતા પત્રકારોની અવરજવર પર સંપૂર્ણ અંકુશ મૂકી દીધો. પછી પત્રકારોને મોદી આકરા જ લાગે ને.

સોશ્યલ મિડિયા પરની રાયતા ગૅન્ગમાં માત્ર પત્રકારો જ નથી. બીજા ઘણા ફિલ્ડના લોકો હિન્દુવાદની ગંગામાં હાથ ધોઈ લેવા આવી પહોંચ્યા છે. આમાંના ઘણા એવા છે જેઓ 2014માં રાહુલ ગાંધીને પીએમ બનાવવામાં કૉન્ગ્રેસને સફળતા મળી હોત તો તેઓએ કેસરિયો ખેસ પહેરવાને બદલે ગળાની ચેનમાં ક્રૉસનું પેન્ડન્ટ લટકાવી દીધું હોત.

રાયતા ગૅન્ગના સભ્યોને એક ઓપન ચૅલેન્જ છે. 2014ની 26મી મે પહેલાં, તમે હિન્દુવાદની અત્યારે જે જોરશોરથી વાતો કરી રહ્યા છો એમાંની દસમા ભાગની વાતો પણ કરી હોય એવા વધુ નહીં તો માત્ર પાંચ જ કિસ્સાનો તમારા સોશ્યલ મીડિયાના પ્રોફાઇલમાં ઉલ્લેખ કરીને એની લિન્ક આપી દો. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે, વાતો કરો છો…

મોદી કરતાં પોતાને સવાયા હિન્દુવાદી ગણનારાઓ કંઈ આજકાલના નથી. 2002ના રાયટ્સ વખતે મોદીને એના માટે જવાબદાર ગણીને એમને હડધૂત કરનારા કેટલાક તથાકથિતો આજે હિન્દુવાદી બનીને પહોળા થઈને ફરી રહ્યા છે. એ ગાળામાં હું ગુજરાતમાં એવા ઘણા લોકોને મળ્યો છું જેમાંના કેટલાક હિન્દુવાદી સંગઠનોમાં હોવા છતાં મોદીને ધુત્કારતા, મોદીને રાયટ્સની જડ ગણતા. રાજદીપ જેવા રાજદીપે અઢી વરસ પહેલાં મનુ જોસેફને આપેલી મુલાકાતમાં કબૂલ કર્યું છે (જે એણે 2014ની ચૂંટણી વિશેના પુસ્તકમાં પણ લખ્યું છે) કે ‘2002નાં રમખાણો માટે મોદી જવાબદાર છે એવો મેં (રાજદીપ સરદેસાઈએ) પ્રચાર કર્યો તે મારી ભૂલ હતી. મોદી બિલકુલ જવાબદાર નહોતા. આ બાબતમાં હું અપરાધી છું… રમખાણોનું લાઇવ રિપોર્ટિંગ કરવાથી પરિસ્થિતિ વકરી તે હું (રા.સ.) કબૂલ કરું છું – મારે (રા.દે.એ.) એવું નહોતું કરવું જોઈતું.’

રાયતા વિંગના કેટલાક લોકો એવા ભ્રમમાં રહે છે કે અગાઉ તો મેં હિન્દુત્વ માટે આટઆટલું કામ કર્યું, અમુકતમુક બાબતોનો ભોગ આપ્યો, જાન ન્યોછાવર કરીને પણ હિન્દુત્વનું રક્ષણ કરીશ એવી નિષ્ઠા સાથે કામ કર્યું છે તો હવે મને કેમ કોઈ પૂછતું નથી, પૂરતું રેકગ્નિશન આપતું નથી.

દેશના ટોચના લિબરાન્ડુમાં જેની ગણના થાય છે એ રાજદીપ સરદેસાઈથી પણ આપણા આ તથાકથિતો ગયાગુજરેલા નીકળ્યા. મોદીની આ બાબતમાં આકરામાં આકરી ટીકા કરીને એમના મુખ્યપ્રધાનપદની ખુરશીના પાયાને કરવતથી વહેરી નાખવાની મંછા જેમનામાં હતી તે પત્રકારો-બુદ્ધિજીવીઓ-એકેડેમિશ્યનો-સંશોધકો-વિચારકો-ચિંતકો-સાહિત્યકારો-કટારલેખકો અને અન્ય ક્ષેત્રના અગ્રણી અળસિયાઓ 26 મે 2014 પછી હમ ભી ડિચ કહીને આપણામાં ઘૂસી ગયા છે અને આપણને જતાવે છે કે રાયતા વિંગ વિશે લખીને આપણે હિન્દુવાદીઓમાં આપસમાં ઝઘડો કરાવીએ છીએ. ના. જે સાચા હિન્દુવાદીઓ છે, જે નક્કર હિન્દુવાદીઓ છે, જેની આજીવન નિષ્ઠા આ દેશની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવામાં રોકાયેલી છે એ સૌ તો અમારા માટે વંદનીય છે, પૂજનીય છે, પ્રાતઃસ્મરણીય છે. અમે તો સાલા એવા લોકોનો વિરોધ કરીએ છીએ જેઓ ટીલાંટપકાં કરીને કપડાંની ઉપર જનોઈ પહેરતા થઈ ગયા છે અને જેમની છાતી ચીરીને જોઈશું તો સોનિયામૈયા પોતાના પુત્રની સાથે પ્રગટશે.

રાયતા વિંગનો હજુ એક પ્રૉબ્લેમ એ છે કે એમને લાગે છે કે મોદી-ભાગવત કરતાં પોતાનામાં વધારે ડહાપણ છે. મોદીનો કોઈ નિર્ણય તમને ન ગમે એ શક્ય છે. ઘરમાં પડેલી દસ લાખ રૂપિયાની રોકડ નોટબંધી પછી પસ્તી થઈ જવાની હોય તો તમે હિન્દુવાદી થઈને પણ નોટબંધી કેટલો ખરાબ નિર્ણય છો એવું કહેતા થઈ જાઓ – જાણે અર્થશાસ્ત્રના નોબેલ વિજેતા હો. જીએસટી આવ્યા પછી બે નંબરના બિલો બનાવવાનું અઘરું થઈ જાય કે ખર્ચો વધી જાય ત્યારે મોદીકાકો તમને નકામો લાગે એ સ્વાભાવિક છે. આ કે આવા અનેક નિર્ણયો બદલ મોદીની ટીકા કરનારા રાયતા વિંગના હાઈપર હિન્દુવાદીઓ ભૂલી જતા હોય છે કે મોદીનો એક પણ નિર્ણય અંદરખાનેથી કોઈને કે પોતાને આર્થિક કે અન્ય લાભ કરાવવા માટેનો નથી હોતો પણ દેશના લાભાર્થે જ હોય છે. મોદીના નિર્ણયની ટીકા કરનારાઓના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય એવું બને અને ન હોય એવું પણ બને; પરંતુ મોદીના તો ક્યારેય કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી હોતા એવું તો એમનો સગો દુશ્મન પણ સ્વીકારશે.

મોદીના આર્થિક તથા નાણાકીય બાબતોના કેટલાક નિર્ણયો વિશે ટીકા કરનારાઓ ભૂલી જાય છે કે મોદી કંઈ એવા રાજકારણી કે નેતા નથી જે દેશની (કે રાજ્યની) તિજોરીઓ ખાલી થતી હોય તો કોઈ પરવા કર્યા વિના વેલ્ફેર યોજનાઓ જાહેર કરીને પ્રજાને ખુશ કરીને પોતાની લોકપ્રિયતા વધારવામાં રચ્યાપચ્યા રહે. સરકારની તિજોરીના ભોગે પ્રજાને મફત અનાજ, મકાન, વીજળી, પાણી, ટીવી, બાઇક, લૅપટૉપ આપીને મત ઉઘરાવતાં તો કોઈને પણ આવડે – જયલલિતાથી માંડીને કેજરીવાલ કે મમતા સુધીના રાજકારણીઓએ આ રીતે સસ્તી લોકપ્રિયતા મેળવી છે. આવા નેતાઓ જો કેન્દ્રમાં સત્તા પર આવી જાય તો દેશ બરબાદ થઈ જાય, દેવાળિયો બની જાય પછી પાકિસ્તાનની જેમ ભીખનો કટોરો હાથમાં લઈને દર દર ભટકવું પડે.

આવી કોઈ સમજ વિના મોદીની આર્થિક-નાણાકીય નીતિની ટીકા કરતા હિન્દુવાદીઓની તમને દયા આવે. મોદી દેશની તિજોરીઓ ખાલી કરવાને બદલે એને છલકાવી રહ્યા છે અને સાથોસાથ સમાજના તમામે તમામ સ્તરના, વર્ગના, ધર્મના લોકોનું ભલું થાય એવી યોજનાઓ પણ ધડાધડ અમલમાં મૂકીને સમયસર પૂરી કરી રહ્યા છે એવી જાણ કદાચ અમુક હાઇપર હિન્દુવાદીઓને લાગતી નથી અને એટલે જ તેઓ રાયતા વિંગના હાથા બની રહ્યા છે.

રાયતા વિંગના કેટલાક લોકો એવા ભ્રમમાં રહે છે કે અગાઉ તો મેં હિન્દુત્વ માટે આટઆટલું કામ કર્યું, અમુકતમુક બાબતોનો ભોગ આપ્યો, જાન ન્યોછાવર કરીને પણ હિન્દુત્વનું રક્ષણ કરીશ એવી નિષ્ઠા સાથે કામ કર્યું છે તો હવે મને કેમ કોઈ પૂછતું નથી, પૂરતું રેકગ્નિશન આપતું નથી. કૉન્ગ્રેસના રાજમાં સેક્યુલરવાદીઓને, વામપંથીઓને કે મુસ્લિમોની આળપંપાળ કરનારા મુસ્લિમ નેતાઓને જાતભાતનાં સ્વાદિષ્ટ પકવાન પીરસાતાં હતાં એવી મિજબાનીઓમાં મને કેમ કોઈ બોલાવતું નથી – આવી ફરિયાદ તેઓના મનમાં હોય છે જે પ્રગટપણે શબ્દોમાં વ્યક્ત નથી થતી. મોદીનો સીધોસાદો મંત્ર છે – હિન્દુત્વનું કામ કરવા માટે, રાષ્ટ્રનું કામ કરવા માટે કોઈને ટુકડા નાખવામાં નહીં આવે. તમારામાં જો નિઃસ્વાર્થભાવે એકનિષ્ઠાથી સખત પરિશ્રમ કરવાની દાનત હોય તો જ હું તમને બે હાથ પહોળા કરીને આવકારીશ કે તમારા ખભા પર હાથ મૂકીને ચાલીશ. મોદીની આવી ગર્ભિત વર્તણૂકને કારણે વ્યથિત થયેલા એક જમાનાના દ્રઢ હિન્દુવાદીઓ ક્રમશઃ રાયતા વિંગમાં પ્રવેશતા જાય છે.

અગાઉના લેખ નીચેની કમેન્ટ્સ ન વાંચી હોય તો વાંચી લેવા વિનંતી. યશોધર વૈદ્ય નામના એક વાચક લખે છેઃ ‘સાચી વાત છે. હું છેલ્લા કેટલાંક વર્ષોથી 24 x 7 ન્યુઝ ચૅનલો જોતો નથી, એટલે યુ ટ્યુબર્સને જોતો થયો. શરૂઆતમાં તો જયપુર ડાયલોગ્સ (સંજય દીક્ષિતવાળું)થી હું પણ પ્રભાવિત થઈ ગયો હતો પણ ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે આ રાયતા વિંગર છે. બીજા એક સંદીપ દેવ છે. એમના વીડિયો જોતાં જોતાં જ ખ્યાલ આવી ગયો કે એમને એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ અને મોદીજી એમની કોઈ સલાહ માનતા નથી. બીજી રીતે કહીએ તો સ્વયંસેવક બન્યા સિવાય જ સંઘ એમને ઘાસ નાખે એવી એમની ઇચ્છા પૂરી થતી નથી એટલે રાયતા ફેલાવે છે. જાણતાં-અજાણતાં તેમના દ્વારા જ તેમની આ છુપી ઇચ્છા વ્યક્ત થઈ જતી હોય છે?’

વાચક શ્રી વૈદ્યની વાત સાચી છે. સંદીપ દેવે તો સ્વામી રામદેવની એક સરસ જીવનકથા લખી છે જેના વિશે મેં બહુ ઉમળકાથી એક સિરીઝ પણ લખી હતી. આ ઉપરાંત એમણે યોગી આદિત્યનાથ અને ગુરુ ગોલવલકરની જીવનકથાઓનાં પુસ્તકો પણ આપ્યાં છે. આ એમનું અમુલ્ય પ્રદાન છે. પણ આ કામ કર્યા પછી જાણે લેખકના મનમાં હવા ભરાઈ ગઈ છે કે આ લોકો મને કેમ ગણકારતા નથી. સંદીપ દેવની વાતોમાં જે સૂર સાંભળવા મળે છે એવો જ સૂર અજિત ભારતીની વાતોનો હોય છે. તેઓ ઑપઇન્ડિયામાં હતા ત્યારે એમણે નેત્રદીપક કામ કર્યું અને 2020માં દિલ્હીના રાયટ્સ વખતે એમણે કરેલા પત્રકારત્વની સરાહના કરીએ એટલી ઓછી. પણ પછી એમના મગજમાં હવા ભરાઈ ગઈ. એમની વાણીમાં કડવાશ આવી ગઈ. ભાજપ અને સંઘ વિશે તેમ જ નામ લીધા વિના મોદી-ભાગવત વિશે કંઈક અભદ્ર ટિપ્પણો કરવાનું શરૂ કર્યું એમની કટાક્ષભરી જુબાનથી મનોરંજન પામતા નાદાન લોકોની ખૂબ મોટી ફૅન ક્લબ ભેગી થઈ. છેવટે ઑપઇન્ડિયામાંથી વિદાય પામીને તેઓ ‘ડુ પોલિટિક્સ’ના સહસ્થાપક બન્યા અને આ જ ઍટિટ્યુડ એમણે ચાલુ રાખી. તેઓ પણ માનતા થઈ ગયા છે કે મેં હિન્દુત્વ માટે આટઆટલું કર્યું હોવા છતાં ભાજપમાં કે સંઘમાં મને કેમ કોઈ પૂછતું નથી.

આવું જ એક નામ ફ્રાન્સવા ગોતિયેનું છે. 1992માં તેઓ ફ્રાન્સના પ્રતિષ્ઠિત દૈનિકના ભારત ખાતેના પ્રતિનિધિ હતા. બાબરી ધ્વંસ પછી લગભગ બધાં વિદેશી છાપાં-મૅગેઝિનોના પત્રકારો ભારતને અને હિન્દુત્વવાદીઓને કોસતા હતા ત્યારે ફ્રાન્સવાએ ભારતનો અને હિન્દુવાદીઓનો પક્ષ લીધો અને નોકરી ગુમાવી. એ પછી એમણે ભારતમાં સ્થાયી થઈને, ભારતીય નારી (નમ્રતા બિન્દ્રા કૌર) સાથે લગ્ન કર્યાં. હિન્દુત્વ માટે એમણે અજોડ કામ કર્યું છે. પણ ઇતિહાસમાં હિન્દુઓ પર થયેલા જોરજુલમને ધ્યાનમાં રાખીને પૂણેમાં હિન્દુ હોલોકૉસ્ટ મ્યુઝિયમ બનાવવાનું શરૂ કર્યું જેમાં સંઘપરિવાર કે ભાજપ તરફથી કોઈ પ્રત્યક્ષ મદદ ન મળી એટલે એમનું મન ખાટું થઈ ગયું. આજકાલ તેઓ જે કંઈ લખે છે એમાં એમની કડવાશ સ્પષ્ટપણે ભળેલી દેખાય છે. ગયા મહિને ફર્સ્ટપોસ્ટ નામના સેક્યુલર પોર્ટલ પર એમનો જે લેખ પ્રગટ થયો તેમાં એમની પરિવર્તિત થઈ રહેલી વિચારસરણીનો પડઘો સંભળાય છે.

રાયતા વિંગના સભ્યો વિવિધ કારણોસર રાયતો ફેલાવી રહ્યા છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં નવાઝુદ્દીન સિદ્દીકી રેલવે પ્લેટફૉર્મ પર સુનીલ દત્તનું પાકીટ મારતાં પકડાય છે ત્યારે લોકો એના પર હાથ સાફ કરવા આતુર છે. સુનીલ દત્ત વચ્ચે પડીને કહે છે કેઃ જેબ આણે મારી કાપી છે, પાકીટ મારું માર્યું છે, એને તો હું સીધો દોર કરીશ… આટલું કહીને સુનીલ દત્ત નવાઝુદ્દીનને પબ્લિકના ઢોરમારમાંથી બચાવી લે છે અને બાજુ પર લઈ જઈને એને કહે છે, જે મોદી-શાહ-ભાગવત-ભાજપ-સંઘની ધુલાઈ કરવા માટે આતુર એવા રાયતા વિંગના સભ્યોને બરાબર લાગુ પડે છે. સુનીલ દત્ત ખીસાકાતરુને કહે છેઃ ‘બોલ, કર દું ઇન કે હવાલે? જાનતે હો, યે કૌન હૈ? યે હમારે દેશ કી જનતા હૈ જનતા. ઇન કે ચહેરે દેખે-કિતને ગુસ્સે મેં હૈ… કોઈ બીવી સે લડકર આયા હૈ, કિસી કા બેટા ઉસકી બાત નહીં સુનતા, કિસી કો અપને પડોસી કી તરક્કી સે જલન હૈ, કોઈ મકાનમાલિક કે તાને સુનકર આયા હૈ, સરકાર કે ભ્રષ્ટાચાર સે લેકર ક્રિકેટ ટીમ કી હાર તક હર બાત પે નારાઝ હૈ. લેકિન સબ ચૂપ હૈ, કિસી કે મુંહ સે આવાઝ નહીં નીકલતી – ઔર યે સારા ગુસ્સા તુઝ પે નિકાલેંગે. કર દૂં ઉન કે હવાલે? સર ફોડ દેંગે તેરા…’

રાયતા વિંગના સભ્યો પોતપોતાનું ફ્રસ્ટ્રેશન વિવિધ સોશ્યલ મિડિયામાં ઠાલવી રહ્યા છે. ડર છે કે આ હતાશ લોકો ક્યાંક મોદીનું માથું ફોડી ના નાખે.

•••

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
https://www.newspremi.com/gujarati/cutting-chai-series-all-articles

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://www.newspremi.com/gujarati/support-newspremi

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

4 COMMENTS

  1. Sachi vaat. Pan aaj kal aaju bajuma loko ne etla modi virodhi jou chhu ke lohi ukli aave ke aamna man ma aatlo dwesh kone bharyo hashe. E pan pachha hindu hoy! Hinduoe to ek thavu j joishe. Daberi ane liberal vichar ne khatam karvo prathmikta chhe

  2. શ્રી સૌરભ સરે આ લેખમાં મારી એક કોમેન્ટ નો વિસ્તાર થી ઉલ્લેખ કર્યો છે એ મારા માટે ગૌરવ ની વાત છે. ૮૦/૯૦ ના દાયકામાં હું ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર પત્રોમાં ‘લેટર્સ ટુ એડિટર’ માં મારા મંતવ્યો લખી મોકલતો અને આવા પચાસ પત્રોમાં કોઈ એકાદ નિર્દય પણે એડિટ થયેલો પત્ર છપાતો.
    આજે નોંધ લેવાય એવી કોમેન્ટ લખવાની ક્ષમતા અને ખાસ તો એજન્ડાધારી રાષ્ટ્રવિરોધીઓ અને બદ ઈરાદો ના હોય છતા દોઢડાહ્યાપણું અને ઉંછાછળાપણા ને લીધે રાષ્ટ્ર અને હિન્દુહિતોને નુકસાન કરનારા તત્વો ને પારખવાની સમજણ સૌરભ સર ના લેખો વાંચીનેજ કેળવણી છે.

  3. શરુઆતમાં રાઈટ વિન્ગ માં આવી તેમણે લોકચાહના મેળવી લીધી છે, હવે પોતાને તેઓ હિન્દુત્વ ના હિતેચ્છુ માનીને, વામપંથી કરતાં પણ ખતરનાક રિપોર્ટિંગ કરી રહ્યા છે. મોદી સાહેબ ને જેમ-તેમ બોલી રહ્યા છે. ફક્ત અજીત ભારતી અને સંદીપ દેવ જ નહીં ઘણા નાના મોટા યુટ્યુબર પણ આમાં સામેલ છે. આપશ્રી નો લેખ આંખ ઉઘાડનાર છે. સાહેબ શ્રી, RSN singh ના પુસ્તક ” know the anti-nationals ” પર પ્રકાશ પાડવા માટે વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here