ચિઠ્ઠી આયી હૈ… વાચકોના પત્ર, લેખકના ઉત્તર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ફાગણ સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૩ માર્ચ ૨૦૨૨)

વર્ષો પહેલાં એક લેખ લખ્યો હતો – ‘પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું.’

લેખકના વાચકો સાથેના સંપર્ક વિશેની ઘણી વાતો હતી એ લેખમાં. કોરોના પછીના પ્રથમ લૉકડાઉનનની દ્વિતીય એનિવર્સરી આ મહિનાના અંતમાં આવી રહી છે. આ બે વર્ષના ગાળામાં વાચકો, સ્વજનો, મિત્રો, કુટુંબીજનો તેમ જ અપરિચિતોને પણ મળવાનું ઘણું ઘટી ગયું, સાવ ઓછું થઈ ગયું, સમજો ને કે લગભગ લગભગ બંધ જ થઈ ગયું. હોપફુલી હવે એકદમ થાળે પડી જવાનું છે — એપ્રિલ-મે, બહુ બહુ તો જૂન સુધીમાં. જેમની યાદ બહુ સોરતી હતી એ મારા તમામ વાચકો સાથે સંવાદ કરવાના ઇરાદે પચ્ચીસેક દિવસ પહેલાં અમે ‘ન્યુઝપ્રેમી’ના દરેક લેખની નીચે ખાસ નોંધ લખવાનું શરૂ કર્યું કે ભૈ, પ્રતિભાવ આપો, કમેન્ટ કરો, શું ગમ્યું – શું ન ગમ્યું તે વિશે જણાવો. અને જે કમેન્ટ્સમાં કંઈક વિશેષ ટિપ્પણી કરવા જેવી લાગી તેનો ઉત્તર આપીને તમારા બધાની સાથે સોર્ટ ઑફ વાતચીત શરૂ કરી.

તમે બધાએ આ તમામ કમેન્ટ્સ અને એના ઉત્તરો કદાચ વાંચ્યા નહીં હોય – સમયનો અભાવ હશે કે પછી કમેન્ટ્સ બૉક્સ સુધી પહોંચતાં પહોંચતાં બીજા કોઈ લેખ તરફ ફંટાઈ જવાતું હશે.

આજના ‘ગુડ મૉર્નિંગ’માં આ કમેન્ટ્સ વત્તા એના ઉત્તરોની એક ઝલક આપવા ધારી છે.

કેટલાક લેખકો રોજ મળતી ટપાલમાંથી અલગ તરી આવતી એકાદ બે ટપાલનો ઉત્તર આપતા હોય છે. કેટલાક પોતાને મળતી તમામ ટપાલોનો ઉત્તર આપતા હોય છે… વાચકો જેમ અલગ અલગ માથાનાં હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે.

પણ તે પહેલાં આજથી અઢીએક દાયકા પહેલાં અગાઉ ‘પત્રો લખવા…’ વાળા લેખમાં જે વાતો લખી હતી એમાંની થોડીક અહીં શેર કરી લઈએ. (આખો લેખ મારા ‘કંઈક ખૂટે છે’ નામના નિબંધસંગ્રહમાં 14મો લેખ છે.પુસ્તક તમે bookpratha પરથી ખરીદી શકશો. પ્રમોશન પૂરું થયું)

લેખનો આરંભ કંઈક આ રીતનો છે:

‘લેખકોએ વાચકોના દરેક પત્રનો જવાબ લખીને મોકલવો કે નહીં? ઉમાશંકર જોશી ભાગ્યે જ કોઈના પત્રનો જવાબ આપતા. આમ છતાં ક્યારેક ઉમાશંકર એમના કેટલાક નિકટના મિત્રોને પત્ર લખતા જે ગુજરાતી સાહિત્યનો એક અંશ બની જતો. લેખકોએ વાચકોના પત્રોનો જવાબ આપવો કે નહીં? કેટલાક લેખકો અત્યંત ચોક્સાઇપૂર્વક પોતાને મળતી ટપાલના જવાબમાં ટૂંકો તો ટૂંકો પણ વળતો પત્ર જરૂર લખતા હોય છે. કાં તો સાદો પોસ્ટકાર્ડ હોય, કાં મોંઘા ભાવની સ્ટેશનરી હોય. કેટલાક લેખકો રોજ મળતી ટપાલમાંથી અલગ તરી આવતી એકાદ બે ટપાલનો ઉત્તર આપતા હોય છે. કેટલાક પોતાને મળતી તમામ ટપાલોનો ઉત્તર આપતા હોય છે. કેટલાક પોતાને મળતી વાચકોની તમામ ટપાલ વાંચીને એને બાજુએ મૂકી દેતા હોય છે. કેટલાક લેખકોને વાચકોની ટપાલ ઉઘાડવાની કે ઉઘાડીને વાંચવાની ફુરસદ કે ઇચ્છા આ બેઉ નથી હોતાં. વાચકો જેમ અલગ અલગ માથાનાં હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે.

‘ચંદ્રકાંત બક્ષી, રજનીકુમાર પંડ્યા અને પ્રિયકાન્ત પરીખના વાચકો પાસે એમના પ્રિય લેખકોએ લખેલા પત્રો તમને મળી આવશે. હરીન્દ્ર દવે ભાગ્યે જ એમના વાચકોને વળતો જવાબ લખતા. નિરંજન ભગત પણ ભાગ્યે જ ચાહકોના પત્રોના જવાબ આપે છે. મોટા મોટા લેખકોમાંથી જેઓ ગાંધીયુગના હતા એમાંના લગભગ બધા જ લેખકો સૌજન્ય કે ઔપચારિકતા ખાતર પણ ઉત્તરરૂપે બે લીટીનું પોસ્ટકાર્ડ વાચકને લખી દેતા. નવી પેઢીના લેખકોમાંથી એક અશોક દવે એવા લેખક છે જેઓ સુંદર મરોડદાર અક્ષરે પોતાના વાચકોને અચૂક જવાબ લખે છે. બકુલ ત્રિપાઠીના અક્ષરો અશોક દવે કરતાં સામા છેડાના. એમનો પોસ્ટકાર્ડ વાંચવા માટે સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવું પડે કે પત્રનો છતો છેડો કયો અને ઊંધો કયો!

આજે તો આ બધા પોસ્ટકાર્ડ, ઇન્લૅન્ડ લેટર અને પરબીડિયાં હવે ભૂતકાળ થઈ ગયાં. એ પછી ઇમેઇલનો જમાનો આવ્યો અને ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં ઇમોજીસ આવી ગયા

‘ખુશવંત સિંહ એંશી વર્ષની ઉંમરે પણ પોતાને મળતા એકેએક વાચકોના પત્રનો જવાબ લખતા. કેટલાક લેખકો નરી આળસને કારણે વાચકોના પત્રોના જવાબ નથી આપતા. કેટલાક લેખકો વાચકોને આપેલા જવાબની ફોટો કૉપી કે કાર્બન કૉપી પોતાની પાસે રાખી મૂકે છે. તેઓ કદાચ એવા ભ્રમમાં હોય છે કે પોતાના મર્યા પછી પોતે લખેલા પત્રોનું સંપાદન થશે અને પત્રસાહિત્યમાં એ સંપાદન અમર બની જશે (ઝવેરચંદ મેઘાણીના ‘લિખિતંગ હું આવું છું’ની જેમ. એ પુસ્તક વાંચવા જેવું છે. ‘બુકપ્રથા’ પર મળે છે. ‘બુકપ્રથા’ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર નીરજ મેઘાણીનો ઑનલાઇન બુકસ્ટોર છે.) કેટલાક લેખકોને વહેમ હોય છે કે વાચકને પોતાનો પત્ર મળશે એટલે એ ગાંધીજીના પત્રની જેમ અડોશપડોશમાં દોડીદોડીને બતાવશે અને મિત્રોને કહેતા ફરશે કે જોયું, ફલાણા લેખકે મને લેટર લખ્યો. આ લેખકોનું એક મીઠું દિવાસ્વપ્ન એ હોય છે કે પોતાના મૃત્યુનાં પચાસ-સો-દોઢસો વર્ષ પછી પોતે લખેલા પત્રોનું લંડનમાં જાહેર લિલામ થશે અને લાખો પાઉન્ડમાં આ પત્રો વેચાશે…’

આજે તો આ બધા પોસ્ટકાર્ડ, ઇન્લૅન્ડ લેટર અને પરબીડિયાં હવે ભૂતકાળ થઈ ગયાં. એ પછી ઇમેઇલનો જમાનો આવ્યો અને ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં ઇમોજીસ આવી ગયા. લેખ ગમી જાય એટલે એક થમ્સ અપ મોકલી દેવાનું. પત્યું. પણ અમારી ‘તાજા કલમ’ મૂકાતી થઈ એ પછી ‘ન્યુઝપ્રેમી’ના કમેન્ટ બૉક્સમાં સુજ્ઞ વાચકોએ ઇમોજીસ મોકલી દેવાને બદલે દિલથી કમેન્ટો લખી છે જેના અમે દિલથી જવાબો આપ્યા છે.

આ ફેબ્રુઆરીની પહેલી તારીખથી જ મેં ‘સંદેશ’ની બે કૉલમો માટે છેલ્લા બે-ત્રણ મહિના દરમ્યાન લખાયેલા અને છપાયેલા પણ ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ નહીં થયેલા લેખોમાંથી પસંદ કરીને ચારેક ચુનંદા લેખો પોસ્ટ કર્યા જે હું માનું છું કે ભવિષ્યમાં મારાં પુસ્તકોમાં પણ લઈશ. આટલા સારા લેખોને વાચકો તરફથી કોઈ કમેન્ટ નહીં, ક્યાંક હોય તો બે-ચાર જ, બસ! એ પછી સ્વામી સચ્ચિદાનંદજી વિશેની સિરીઝનો અદ્‌ભુત ઉપાડ થયો, લતાજી વિશે અત્યાર સુધી ગુજરાતીમાં કોઈએ ન જણાવી હોય એવી એવી વાતો શોધીને સિરીઝ શરૂ કરી. બે-ચાર કમેન્ટ્સ સિવાય એકદમ શાંતિ. મને થયું કે ઇતના સન્નાટા ક્યું હૈ ભાઈ? વાચકોએ ‘ન્યુઝપ્રેમી’ પર આવવાનું બંધ કરી દીધું કે શું? ગૂગલ એનેલિટિક્સના આંકડા તપાસ્યા. હજારો વાચકો આવે છે. તો શું હું આ જે બધું દિવસરાત એક કરીને, આંગળાં તોડીને ફાઉન્ટન પેનથી કાગળ પર ઘસડ્યા કરું છું તે લોકોને નહીં ગમતું હોય? આ ચિંતામાં તે ચિંતામાં મેં દસમી ફેબ્રુઆરીથી નક્કી કર્યું કે દરેક લેખમાં ઉપર-નીચે અને વચ્ચે જેમ સ્વૈચ્છિક આર્થિક કૉન્ટ્રિબ્યુશન માટેની અપીલોની લિન્ક મૂકવામાં આવે છે એ જ રીતે લેખના અંતે હવેથી આવી તાજા કલમ લખવાનું શરૂ કરવું : ‘તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બૉક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!’

બસ, આટલી જ ટકોર કરી જે ‘ન્યુઝપ્રેમીના તેજીલા વાચકો માટે કાફી હતી. દસમીનો દિ’ અને આજની ઘડી—એટલી કમેન્ટો આવવા માંડી અને એવી એવી શાર્પ કમેન્ટો આવવા માંડી કે ઘણી વખત તો સવારનો નાસ્તો કે બપોરનું ભોજન ઠંડાં પડી જાય અને તમે એ કમેન્ટોના જવાબો આપવામાં મગ્ન થઈ જાઓ. પરમ દિવસે સવારે જ બ્રેકફાસ્ટ વખતે નવ મુદ્દાનો લાંબો જવાબ લખીને પ્રસન્ન થઈ ગયો, આ બાજુ ઇડલી-સંભાર ઠંડાં થઈ ગયાં!

જે દિવસે (10મી ફેબ્રુઆરીએ) પહેલી વાર તાજા કલમના ત્રણ વાક્યો લખ્યા તે દિવસના લેખ (‘શુકન-અપશુકન અને લતાજી’) નીચે તમે જોઈ શકો છો કે બે-પાંચ-દસ નહીં પૂરી 47 કમેન્ટ્સ દેખાશે (આમાં મેં આપેલા જવાબોને પણ એ લોકો કમેન્ટ્સમાં જ ગણતા હોય છે). સુભાષ દેસાઈએ અત્યંત સાદી-સહજ રીતે ઉમળકો વ્યક્ત કર્યોઃ ‘આપના બધા જ લેખ સુંદર અને સ્વસ્થ હોય છે. શુકન-અપશુકનમાં મઝા આવી.’ મેં એમને લખ્યુઃ ‘આભાર. વાચકો પ્રતિસાદ આપે છે તો મહેનત કરવી લેખે લાગે છે.’

ક્યારેક એવું બને કે અમુક કલાક પછી પેન્ડિંગ કમેન્ટ અપ્રુવ થાય કારણ કે તે દરમ્યાન અન્ય કામમાં વ્યસ્તતા હોય. મોટા ભાગની પેન્ડિંગ કમેન્ટ વંચાઈને તરત જ અપ્રુવ થઈ જતી હોય છે

હેમન્ત વોરાએ હિન્દીમાં લખ્યું : ‘લતાદીદી કભી અમાવસ્યા કો રિકૉર્ડિંગ નહીં કરતી થી… મૈં લતાભક્ત હોને કે નાતે એક બાત કહના ચાહતા હૂં કિ દીદી જિસ તરહ સે સાંસ લેતી થી – ગાને કે વક્ત – વો ભી મેરે લિયે એક પીસ ઑફ મ્યુઝિક હૈ…’ આટલું જણાવીને હેમન્ત વોરાએ ‘કેસરિયા બાલમા’નો દાખલો આપીને પોતાનું સરસ ઑબ્ઝર્વેશન વિસ્તૃત રીતે સમજાવ્યું છે. જેમને રસ હોય તે વાંચી શકે છે.

અનીશ ભટ્ટ નામના વાચકે ફરિયાદના સૂરમાં લખ્યું કેઃ ‘કૉમેન્ટ ન લખવાનું કારણ મૉડરેટર છે. પહેલાંની કોમેન્ટને મંજૂરી નથી આપી. થોડી પણ જો તમારી વિષયવસ્તુની વિરુદ્ધ હોય તો કોમેન્ટ લાઇવ વેબસાઇટ પર આવતી નથી. મૉડરેટરને પ્રણામ. લેખ તો સરસ હોય છે.’

અનીશભાઈને મેં શું જવાબ લખ્યો તે ક્વોટ કરતાં પહેલાં જણાવી દઉં કે ‘ન્યુઝપ્રેમી’ પર એક પણ કમેન્ટ વાચક લખે કે તરત પોસ્ટ થઈ જાય એવી સગવડ અમે પાછી ખેંચી લીધી છે. કમેન્ટ મળે તે પછી પેન્ડિંગના બોક્સમાં મને દેખાય. અપ્રુવ થાય તે પછી જ વેબસાઇટ પર દેખાય. ક્યારેક એવું બને કે અમુક કલાક પછી પેન્ડિંગ કમેન્ટ અપ્રુવ થાય કારણ કે તે દરમ્યાન અન્ય કામમાં વ્યસ્તતા હોય. મોટા ભાગની પેન્ડિંગ કમેન્ટ વંચાઈને તરત જ અપ્રુવ થઈ જતી હોય છે. ક્યારેક કોઈ કમેન્ટમાં એડિટિંગ કરવા જેવું લાગે તો નિર્દોષ (કમેન્ટનું હાર્દ 100 ટકા સચવાય તે રીતનું) એડિટિંગ કરવું પડે. એ બે પ્રકારનું હોય— જોડણી કે વિરામ ચિહ્નો કે વ્યાકરણની એટલી બધી અને એવડી મોટી ભૂલો હોય જેને કારણે વાંચવામાં તકલીફ હોય અથવા તો કોઈ વખત ગેરસમજ થાય. આ થઈ ટેક્નિકલ વાત. બીજું, એડિટિંગ ત્યારે કરવું પડે જ્યારે કેટલાક સ્માર્ટ વાચકોને ખબર હોય કે અમારી કમેન્ટ અપ્રુવ થવાની જ નથી એટલે તેઓ બિટ્વીન ધ લાઇન્સ લખીને, મારા ખભા પર બંદૂક મૂકીને પોતાને જેમની સામે વાંધો હોય એવા મારા પ્રિય ધર્મગુરુઓ, રાજકારણીઓ કે પછી મારા સાથી કટારલેખક મિત્રોને ટાર્ગેટ કરે. આ પ્રકારની કમેન્ટોને એડિટ કરીને અપ્રુવ થઈ શકતી હોય તો હું કરું જેથી કમેન્ટ કરનારને ખબર પડી જાય કે એમની લુચ્ચાઈ પકડાઈ જાય છે અને તેઓ ફરી ક્યારેય આવા ધંધા ન કરે.

મારા અભિપ્રાયો સાથે અસંમત થતા વાચકોને મેં હંમેશાં માન આપ્યું છે. ‘ન્યુઝપ્રેમી’ પર, એફબી પર, વૉટ્સએપ ગ્રુપોમાં – બધે જ

બાકી, 99.99 ટકા કમેન્ટ્સ યથાવત્ ‘ન્યુઝપ્રેમી’ પર આવી જતી હોય છે – પેલી પોઇન્ટ એક ટકાવાળી ગરબડો ન થાય એ માટે લાઇવ કમેન્ટ્સ પોસ્ટ ન થાય એવી ગોઠવણ છે. આને કારણે વિદેશી સ્પામર્સની કમેન્ટ્સ પણ ચળાઈ જતી હોય છે – તેઓ આપણી સાઇટમાં ઘૂસીને બેહદ સ્પામિંગ કરતા હોય છે – સ્પામ અટકાવવાની ગોઠવણનું ફિલ્ટર રાખ્યું હોય તો પણ કંઈ અવનવી ટેકનિકલ રીતે તેઓ તમારા કૉમેન્ટ બોક્સમાં આવી જઈ શકે છે – જો તમે કૉમેન્ટ્સને મૉડરેટ કરવાનું ઑપ્શન ન રાખ્યુ હોય તો. બાકી, કમેન્ટ પોસ્ટ થતાંની સાથે જ બોક્સમાં જોવા મળે તો એનો કેટલો બધો ચાર્મ છે તેનો એક વાચક તરીકે મને અનુભવ છે જ. ક્યારેક એવા અચ્છે દિન પણ આવશે.

ખેર.

અનીશ ભટ્ટને મેં ધીરજથી લંબાણભેર સમજાવવાની કોશિશ કરીઃ
‘…એવું નથી. મારા અભિપ્રાયો સાથે અસંમત થતા વાચકોને મેં હંમેશાં માન આપ્યું છે. ‘ન્યુઝપ્રેમી’ પર, એફબી પર, વૉટ્સએપ ગ્રુપોમાં – બધે જ અને આ આજનું નથી. 1981માં એકવીસ વરસની ઉંમરે ‘નિખાલસ’નું સંપાદન શરૂ કરીને છ જ મહિનામાં એને પંચાવન હજારના ફેલાવા સુધી પહોંચાડી દીધું ( તે વખતે અમે વાચકોના પત્રોના પાનાનું નામ ‘ પ્રિય નિખાલસ ‘ રાખેલું ) ત્યારથી શરૂ કરીને 1999માં ‘મિડ-ડે’ના તંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યાં સુધીનાં મારાં દરેક પ્રકાશનમાં ભિન્નમત (dissent)નું મહત્ત્વ મેં જેટલું સ્વીકાર્યું છે એટલું મારા કોઈ કન્ટેમ્પરરીઓએ કે અનુગામીઓએ અમલમાં મૂકવાની કોશિશ પણ નથી કરી. મને આ સંસ્કાર મારા મહાન પૂર્વસૂરિઓ (તીર્થરૂપ હસમુખ ગાંધીથી લઈને ખુશવંત સિંહ) તરફથી મળ્યા છે. મારા લેખો પર મૂકાતી દરેક કમેન્ટ હું વાંચું છું અને હું જ મૉડરેટ કરું છું. જો કોઈ કમેન્ટ અપ્રુવ ન થઈ હોય તો એનું કારણ વિરોધ નહીં પણ એની ભાષા, રજુઆત કે મારા માટેનો ડંખીલો પૂર્વગ્રહ અથવા અપ્રસ્તુતા હોય. આ સિવાય અન્ય કોઈ પણ કારણથી મેં મારી ટીકા કરતી, મારો કાન આમળતી કે મારી સાથે પોલાઇટલી કે પછી ઉગ્રતાપૂર્વક અસહમત થતી કમેન્ટ મંજૂર ન કરી હોય એવું બન્યું નથી.’

૧૯૯૯માં ‘મિડ-ડે’માં જોડાયો ત્યાં સુધીમાં મુંબઈમાં વાચકોના પત્રો લખતી એક ગૅન્ગ બની ગઈ હતી જેમને મારા પૂરોગામી તંત્રી જનકભાઈ એ ખૂબ માથે ચડાવી હતી. મેં આ નેક્સસ તોડવા વાચકોના પત્રોની કૉલમ જ કાઢીને ફેંકી દીધી. એને બદલે એક આખું વર્ષ દર અઠવાડિયે (શનિવારની સાંજે) હું વાચકોના ઘરે જતો.

આ લેખ લખતી વખતે યાદ આવે છે કે હસમુખ ગાંધી અને ખુશવંત સિંહ સાથે વિનોદ મહેતાનું નામ પણ ઉમેરવું જોઈએ. આ બધા જ તંત્રીઓ પોત પોતાનાં પ્રકાશનોમાં પાયોનિયરિંગ કામ કરી ગયા. ગાંધીભાઈ પોતાની આકરામાં આકરી ટીકાના પત્રો છાપતા. પોતાનાથી 180 ડિગ્રી વિરુદ્ધ મત ધરાવતા લોકોની (દા.ત. નગીનદાસ સંઘવી, પ્રકાશ ન. શાહ) નિયમિત કૉલમો પ્રગટ કરતા. મેં એમની ટીકા કરી હોય એવા લેખો પણ એમણે ‘સમકાલીન’ની મારી કૉલમમાં બેત્રણ વાર છાપ્યા છે. ખુશવંત સિંહ અને વિનોદ મહેતાના સેક્યુલર ઝુકાવની 1992માં અને તે પછી મેં ઘણી ટીકા કરી છે. આમ છતાં આ બંને પત્રકારો આઇકોનિક હતા તે વાતમાં કોઈ શંકા નથી. આ બેઉ તંત્રીઓ ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં કે ‘સન્ડે ઑબ્ઝર્વર’ (અને પાછળથી ‘આઉટલૂક’)માં પોતાની ટીકા કરતા પત્રને વાચકોના પત્રોના પાના પર સૌથી ઉપર અથવા બૉક્સ બનાવીને છાપતા. હું એમની આ પ્રથાનું અનુકરણ કરતો.

૧૯૯૯માં ‘મિડ-ડે’માં જોડાયો ત્યાં સુધીમાં મુંબઈમાં વાચકોના પત્રો લખતી એક ગૅન્ગ બની ગઈ હતી જેમને મારા પૂરોગામી તંત્રી જનકભાઈ એ ખૂબ માથે ચડાવી હતી. મેં આ નેક્સસ તોડવા વાચકોના પત્રોની કૉલમ જ કાઢીને ફેંકી દીધી. એને બદલે એક આખું વર્ષ દર અઠવાડિયે (શનિવારની સાંજે) હું વાચકોના ઘરે જતો. બાવન અઠવાડિયા સુધી મુંબઈના ખૂણે ખૂણે હું ગયો. વાચકો પાસેથી સામેથી આમંત્રણ માગતો અને જતો. અમે એને ‘મિડ-ડે મિલેનિયમ ગોષ્ઠિ’ એવું નામ આપેલું. વાચક પોતાની અનુકૂળતા મુજબ પાંચ-પચીસ પચાસ પોતાના આજુબાજુવાળા કે ઓળખીતા મિત્રો વગેરેને બોલાવી રાખે. આ બધા જ અમારા વાચકો હોય. કોઈ એક વિષય પર ચર્ચાઓ થાય જે બીજા અઠવાડિયે એ સૌના ફોટા સાથે એક આખું પાનું ભરીને છપાય. ચર્ચાના અડધો કલાક પહેલાં અને પૂરી થયા પછી અડધો-એક કલાક સુધી હું બધાને પૂછતો કે તમને અમારે ત્યાં છપાતું શું ગમે છે, શું નથી ગમતું, કયા ફેરફારો કરીએ વગેરે. એરકંડિશન્ડ કેબિનમાં બેસીને વાચકોના પત્રો છાપીને પોતાની મૂળભૂત જવાબદારી પૂરી થઈ ગઈ છે એવું માનીને હાથ ખંખેરી નાખતા તંત્રીઓ કરતાં આ તદ્દન નવી તરાહનું કામ હતું. મીરા રોડ, ભાયંદર, ડોંબિવલીથી માંડીને બોરિવલી, પાર્લા-જુહુ, લોઅર પરેલ અને ભૂલેશ્વર, વાલ્કેશ્વર, શિવાજી પાર્ક સુધીના તમામ એરિયામાં અમે આવી ગોષ્ઠિઓ કરી. વરસના વચલે દહાડે હું વાચકોના ટીકાભર્યા પત્રો પણ છાપતો —છાપાના ફ્રંટ પેજ પર ! મારા મત કરતાં વિરુદ્ધ મત ધરાવનારાઓની કૉલમો પણ, ગાંધીભાઈનું અનુકરણ કરીને, બહુ છાપી પરંતુ જ્યારે મારી ઉદારતાનો ગેરલાભ લઈને કટાર લેખકો પોતાની હદ વટાવી જતા ત્યારે એમને કાબૂમાં લાવવા પડતા, કૉલમો બંધ કરવી પડતી. કુલદીપ નાય્યર મહાન પત્રકાર હતા. હું જોડાયો તે પહેલાં મારા પૂરોગામી તંત્રી એમની કૉલમ છાપતા. મેં બંધ કરી કારણ કે સેક્યુલરબાજીમાં જ એ પડ્યા પાથર્યા રહેતા. મિડ-ડેના સ્થાપક-માલિક ખાલિદ અન્સારીના એ ખાસ દોસ્તાર હતા તે જાણવા છતાં બંધ કરી. નાય્યરસાહેબે ફરિયાદ કરી. અન્સારીસાહેબ તરફથી ઇમેલ આવ્યો. મેં ખુલાસાનો જવાબ મોકલ્યો. અન્સારીસાહેબે તંત્રીની સ્વતંત્રતાને માન આપીને મારો નિર્ણય ફેરવી તોળવા માટે મને ઇશારો પણ નહોતો કર્યો.

વાચકો બધા જ સારા હોય છે. વિવેકી હોય છે. સૌને વિવેકી વર્તન કરવામાં, સામેવાળાનું માન જાળવવામાં રસ હોય છે. હું ઘણી વખત કહું છું કે કલ્પના કરો કે આ બધા જ વાચકો સાથે મારા દીવાનખંડમાં કુંડાળું કરીને પલાંઠી મારીને ગપ્પાં મારતાં હોઈએ, રસોડામાંથી ચાપાણી આવ્યા કરતા હોય, મજાની વાતો થતી હોય, મતભેદો પણ પ્રગટ થતા હોય, એ વિશે પણ ચર્ચા થતી હોય તેવે વખતે કોઈ એક માણસ ઊભો થઈને કહે કે મારે બાથરૂમ જવું છે તો હું એને ઇશારો કરું કે એણે કઈ તરફ જવાનું છે અથવા તો કોઈને કહું કે ભાઈને બાથરૂમ બતાવી આવો અને કબાટમાંથી નવો નેપકીન કાઢીને મૂકજો. પણ મારા આવા ભલમનસાઈભર્યા વર્તનને અવગણીને જો એ અવળચંડાઈ કરીને બધાની હાજરીમાં ઊભો થઈને સૌના દેખતાં દીવાનખંડમાં જ લઘુશંકા કરવાનું શરી કરી દે તો હું શું ચૂપચાપ જોયા કરું? એને એની અભિવ્યક્તિની સ્વતંત્રતા મારે આપવાની? હું ભલે અસહિષ્ણુ ગણાઉં, મારે તો સિક્યુરિટીને બોલાવીને જે પગલાં લેવાનાં છે તે લઉં જ. આવું જ હું એફબી કે વૉટ્સઍપ ગ્રુપ કે ટ્વિટર કે અન્ય દરેક જગ્યાએ કરતો હોઉં છું. પણ આવું તો દર દસ હજાર કે લાખે એક વાર બને અને કોઈ પણ જેન્યુઇન વાચક તો આવું કરે જ નહીં. આવું કરનારાઓ સહેતુક તમારા વાચક બનીને તમારી સાથે કમ્યુનિકેશન કરતા હોય છે અને ક્યારેક ને ક્યારેક સૌની આગળ ઉઘાડા થઈ જતા હોય છે. આવા ગણ્યાગાંઠ્યા કિસ્સાઓને કારણે મારે જે સાવધાની વર્તવાની હોય તે હું વર્તતો જ હોઉં છું. પણ આવી સાવચેતી રાખવામાં નવ્વાણું ટકા વાચકો જે મારા સહ્રદયી છે, જે સંસ્કારી છે, જે સજ્જનતાના અવતાર છે – એમની સાથે ભૂલેચૂકેય અન્યાય કે બેઅદબી ન થઈ જાય એ બાબતે હું અત્યંત સભાન હોઉં છું. જેમની સાથે ન ફાવે એમની જોડે જીભાજોડી કરવાને બદલે મૌન થઈ જવું, એમાં જ એક લેખક તરીકેનું ગૌરવ છે એવું હું સમજું છું અને મારા અન્ય લેખકમિત્રોને પણ હું આ વાત સમજાવવાની કોશિશ કરતો હોઉં છું.

કિરીટભાઈ સ્વાદિયાએ લખ્યું કે ‘આ પ્રકારના લેખોમાં તમારી માસ્ટરી છે. સરસ બહુ જ સરસ.’

આ પ્રકારના એટલે કે બાયોગ્રાફિકલ, વ્યક્તિચિત્રો જેને સાહિત્યમાં રેખાચિત્રો કહેવાય. મેં એમને લખ્યું,
‘આવા લેખો ભેગા કરીને ‘પોતપોતાના ધ્રુવના તારા’ નામનું પુસ્તક બનાવવાની ખ્વાહિશ વીસ વર્ષ પહેલાં પ્રગટ કરી હતી. પુસ્તક તો હજુ નથી કર્યું પણ આવા લેખો એ પછી એટલા લખાયા કે બે પુસ્તક કરવાં પડશે. બીજાનું નામ હશે. ‘ગમતા માણસોની ગમતી વાતો’. આવતાં વીસ વર્ષ પહેલાં પ્રગટ કરી શકું તો ગંગા નાહ્યા!’

(વધુ આવતી કાલે)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

35 COMMENTS

  1. હયાત હોય એવા તમે, અશોકભાઈ દવે, અને ડૉ.શરદભાઈ ઠાકર જ એવા કૉલમિસ્ટ છો, જે આટલી ખેલદિલી રાખે છે. સ્વ.વિનોદભાઈ આવા હતા, એમને તો રૂબરૂ પણ ૪-૫ વાર સમય લઈને મળ્યો છું. અન્ય કોઈ (હયાત કે સ્વર્ગસ્થ)નો આટલો સરસ અનુભવ નથી. બીજાઓ છે, હાલના કૉલમિસ્ટ્સ, કે જેમના વિચાર વિરુદ્ધ જાવ એટલે દરવાજા બંધ કરી દે.
    એક વાત ખાસ કરવાની કે તમે બુકપ્રથામાં આવો, ત્યારે ભાવનગરમાં આવું એક નાનકડું સ્નેહમિલન રાખો એવી વિનંતિ છે…

  2. સર આપ ઘણીવાર રિપબ્લિક ભારત પર ડીબેટ માં આવો છો. આવી ડીબેટોમાં ઘણું કરીને શોર બકોર હોય છે અને ઘણા ગંભીર વિષયોમાં આપના જેવા વ્યક્તિના વિચારો-વિષ્લેષણ જે રીતે વિસ્તાપૂર્વક માંડવાની આવશ્યકતા હોય છે ત્યાં જાણે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની હોય એમ એંકર “આપકા પ્રતિભાવ બિસ સેકન્ડ મે, જલ્દી સે” એવી સમય સીમા ની મર્યાદા મૂકી દે એ એનો અધિકાર છે પણ મને નથી ગમતો એટલે હું આવી ડીબેટ જોતો નથી. આપ, સૂચન યોગ્ય લાગે તો, યુ ટ્યુબ ચેનલ શરૂ કરો અને આવા વિષયો પર આપનું વિસ્તૃત વિશ્લેષણ યુટ્યુબ ચેનલ પર નિયમિત મૂકો તો મજા આવશે.

  3. જય શ્રી કૃષ્ણ, આમાં એવું ગોઠવી શકાય કે જે વાચકે કોમેન્ટ કરી હોય અને આપે તેનો પ્રત્યુત્તર આપ્યો હોય તે, તે વાચકને અગ્રક્રમે દેખાય? બીજું કે કોમેન્ટ બોક્સ સૌથી ઉપર હોય તો વધુ સારું

  4. તમારા દ્વારા ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અવિરત ચાલતું જ રહે તમે લખતા રહો, અમો માણતા રહીએ એજ અભ્યર્થના

  5. તમને કદાચ યાદ ના ય હોય
    હું તમને રૂબરૂ તમારા ઘરે પવઇ ખાસ મળવા આવ્યો હતો
    મે 2011 માં
    મને સ્વામી સચીદાનંદજી નો એકદમ નિખાલસ પરિચય તમારા 1997 ના ઇન્ટરવ્યૂ થી થયો હતો.એ દિવાળી અંક હજુ મેં સાચવી રાખ્યો છે
    ત્યાર પછી તો સ્વામીજી નો ઘણો પરિચય થયો છે .મારા જીવન પર એમનો ખુબ જ પ્રભાવ છે & હંમેશા રહેશે.
    એટલે સ્વાભાવિક છે એમના લેખો વાંચી ને હું તો રાજી રાજી જ થાઉં .
    સ્વામીજી વિષે તો હું શું કહું ?
    HE IS LAST OF ITS KIND,FOR CENTURIES WE SHALL NOT SEE ONE LIKE HIM AGAIN.
    વાત મારે તમારા વિષે કરવી હતી .પવઈ રહેતા મારા બનેવી તમને મહિનાઓ પહેલા મારી વિનંતી થી તમને કઈંક નાની ચીજ આપવા તમારે ઘેર આવ્યા હતા & એ મુલાકાત ના અંતે એમની પેન એ તમારાં ઘેર ભૂલી ગયા હતાં.મારા બનેવી ને એ હકીકત બરાબર ખ્યાલ હતી જ . મહિનાઓ પછી હું તમને જયારે મે 2011 માં મળ્યો ત્યારે એજ પેન તમે યાદ રાખી ,મારા બનેવી ના અગાઉ ના સંપર્ક ને યાદ કરી મને પરત કરી હતી .જયારે એ પેન મારા બનેવી ને પાછી આપી ત્યારે,એમની આંખોમાં જે તમારી યાદશક્તિ માટે જે અહોભાવ જોયો હતો,ભુલાતો નથી. આટલા બધા વર્ષો પછી પણ અમને બધા ને તમારી આ યાદ શક્તિ નું આશ્ચ્રર્ય થાય છે.કેટલાય લોકો તમને મળતા હોય,છતાંય આવી રીતે એજ પેન એકદમ યોગ્ય વ્યક્તિ નેજ પરત કરવી ,સમજણ માં આવતું નથી .આ એકદમ વ્યક્તિગત & તદ્દન સત્ય નિર્ભેળ હકીકત ખાસ તો વાચકોને આપના ચરિત્ર નો પરિચય થાય એ હેતુ થી લખ્યો છે.ખુબઆભાર & અનેક અનેક શુભેછાઓ

  6. સૌરભભાઇ ,આપે the newspremi શરૂ કર્યું ત્યાર થી નિયમિત વાંચું છું. આપ ના વિષય નું ઊંડાણ અને તેની છણાવટ નો ચાહક છું.
    આપે આ માધ્યમ પસંદ કરી ને મારા જેવા વાંચકો ને પ્રતિભાવ આપવા ની પણ તક આપી , હું આપ ને નિખાલસ, સમકાલીન,અભિયાન માં છેલ્લા 30 વર્ષ થી વાંચું છું.
    બહુ મઝા આવે છે.
    આજે પ્રથમ પ્રતિભાવ આપવા નો પ્રયત્ન કર્યો છે.
    હું તાનસેન નથી પણ કાન સેન છું.
    આભાર

  7. Mari sathe pan aavu thayu che..kadach mari comment..approve nahi thai hoy evu lagyu…baki aa lekh vanchvani maja aavi…saras lekhan …

  8. I am fond of your bold thoughts.These thought should spread to young generation.
    Theses difficult work can be possible by Youtube chanale. Harhal Pushkarna (GYPSY Magazine) has started. I hope that is possible.

  9. Aa lekh vanchine paheli vaar comments par najar kari… Ne paheli vaar ahiya comment lakhi rahyo chhu…Whatsapp groupma jyarthi aap lekh post karo chho tyarthi aapna lekh vanchu chhu… Vishayo ni vividhta ane darek vishay par tamaro abhyas gajab no hoy chhe.. bas aam j lakhta raho one pen army ni safar avirat chalti rahe aevi shubhechhao.

  10. સૌરભભાઈ,
    આપના વિચારો, સંસ્કારો, કલમની કસબ, રાષ્ટ્રપ્રેમ અને સદવિચારો સાચે જ કુદરતની ભેટ છે.
    વિચારોનું વાવેતર કરતા રહો અને અવનવા પ્રસંગો રજૂ કરવાની અખૂટ શક્તિ પ્રભુ આપો એ જ આશા.

  11. Sir ,
    We will be eagerly waiting for your both the books

    ધ્રુવ ના તારા અને ગમતા માણસો ની ગમતી વાતો.

    But this time do write and publish it at the earliest please . Thanks .

  12. સૌરભભાઇ ને ગુજરાતી ભાષા ને વધુ સારી રીતે લોકો સુધી પહોચાડવા બદલ આભાર

    • હા ભાઈ
      લેખો વાંચવા તાજગી ની અનુભવતી વાતો …
      મજો પડી જાય …

  13. Namaskar
    Saurabh bhai
    Ek var approx 15 varsh pahela tamaru ek magazine kandivali Railway station stall par mangyu tyare vendore mane tamari tarif kareli .

  14. સૌરભ ભાઇ,
    જાને મન તુમ કમાલ કરતે હો. 😇😇😇

  15. સાહેબ શ્રી, નમસ્કાર.

    આજે ફરીથી ખૂબ જ મજા આવી ગઈ. થોડા વખતથી સમયનો અભાવ રહે છે, પરંતુ આજે તો લેખનું મથાળું વાંચીને જ આખો લેખ એક જ બેઠકે વાંચી લીધો. આપની સાથે ” સંવાદ. ” કરવાની ઈચ્છા થાય છે, ” ખૂબ બધો હૂંફાળો સંવાદ “. ફરીથી એક વખત વાંચકોના પ્રશ્નો અને આપના જવાબો કરવાની જરૂર લાગે છે. આપનું નવું પુસ્તક કયારે આવી રહ્યું છે? તે ખાસ જણાવશો તેવી વિનંતી છે.

  16. સૌરભભાઇ ,આપે the newspremi શરૂ કર્યું ત્યાર થી નિયમિત વાંચું છું. આપ ના વિષય નું ઊંડાણ અને તેની છણાવટ નો ચાહક છું.
    આપે આ માધ્યમ પસંદ કરી ને મારા જેવા વાંચકો , હું આપ ને નિખાલસ, સમકાલીન,અભિયાન માં છેલ્લા 30 વર્ષ થી વાંચું છું.
    બહુ મઝા આવે છે.
    આજે પ્રથમ પ્રતિભાવ આપવા નો પ્રયત્ન કર્યો છે.
    હું તાનસેન નથી પણ કાન સેન છું.
    આભાર

  17. Idli Sambhar thanda pade e na chale sir , savare nasta ma garam garam idli sambhar khavo cho eno ullekh amne vachko ne jealous feel karavava karo cho evu lage che.. btw mumbai ma avu tyare status ma idli sambhar khava javu j pade, tame pan swad na rasiya cho, tamari kai south indian restaurant favorite che mumbai ma – e janavajo , tamara food par na article vachya ne ghano samay thayo…mumbai ni tamari favorite restaurants kai che e mate ek article lakho sir…

    • સારો આઇડિયા આપ્યો. લેખને બદલે યુટ્યુબ કરીએ તો! Btw, favorite restaurants તો ઘણી બધી છે અને નવી નવી ઉમેરાતી જાય છે, પણ એક વાત ખાસ કહું તમને — ખાવા માટેની best જગ્યા મારું ઘર અને એમાં ય મિત્રો આવે અને સાથે જમવા મળે ત્યારે સ્વર્ગ ઉતરી આવે.

      • સૌરભ ભાઈ તમે આટલા વ્યસ્ત હોવા છતાં પણ મારી એક નાની કોમેન્ટ વાંચી તેની નોંધ લીધી અને તમારા લેખમાં સ્થાન આપ્યું એના માટે હાર્દિક આભાર. જ્યારે તમે સેક્યુલર મીડિયા અને જર્નલિસ્ટ ની ધુલાઇ કરતા હો છો ત્યારે એકદમ કડક ભાસો છો ! બાકી તમારા જેવા મોટા ગજા ના જર્નલિસ્ટ એમના ફેન્સ સાથે સંવાદ પણ કરે છે અને ઈમોશનલ પણ થઈ જાય છે , નહીતો એક મુકામ પર પહોંચી ને વ્યક્તિ ની પર્સનાલિટી માં એક કડકાઈ આવી જતી હોય છે . .એક સાધારણ વાચક ને પણ જવાબ આપી દેવાની તમારી સરળતા જ એક યુએસપી છે ! બાપુની ભાષા માં કહીએ તો અમે ફોલોવર નહીં પણ ફ્લાવર છીએ એવું લાગે છે , અને તમે એમની બહુજ સારી રીતે માવજત પણ કરો છો ! બાકી સોશિયલ મીડિયા ના જમાના એટલું બધું વાંચવાનું હોય છે કે સો જનમ પણ ઓછા પડે , અને ઈચ્છા હોવા છતાં જવાબ આપી શકાતો નથી હોતો .મારું એવું માનવું છે કે વાચકોએ પરત જવાબ નો આગ્રહ રાખવો ના જોઈએ . મને હંમેશ લાગે છે કે તમે તમારા વાચકો સાથે મોનોલોગ કરતા જ નથી એ હંમેશા એક ડાયલોગ જ હોય છે . તમે આવી જ રીતે વાચકો ને અન્નકૂટ પીરસ્યા કરો એવી ભાવના સાથે જય શ્રી કૃષ્ણ 🙏

      • reply apva badal khub khub abhar sir, youtube karo to e vadhare interesting rehse…saheb tamara last sentence ne invitation ganu ? baki tamara mitro nasibdar to kehvay j..

  18. સ.. રસ! આપની કોલમ એકબેથકે… એક્શ્વાસે વાંચીને તરબતર થઈ જઈએ છીએ. કયારેક ચંદ્રકાન્ત બક્ષી ની જેમ બિન્દાસ્ત બેફિકર ને ક્યારેક ગુણવંત શાહ ની જેમ સૌમ્ય સાલસ… વિષયોની વિવિધતા અને સાંપ્રત ઘટનાઓનું અદભુત વિશ્લેષણ… આપનું ગુજરાતી સાહિત્ય ને અમૂલ્ય પ્રદાન ક્યારેય નહી વિસરાય.

  19. સર ,

    મારી એક ખામી સાથે શરૂ કરું, અભિપ્રાય આપવા માં હું ઘણો નબળો અને મોડો પણ ખરો, એની દૂરોગામી અસર થી અપરિચિત એમ નહિ પણ આળશ ખરી. પણ આજે આપ ના આ લેખ થી મન થયું કે આપ ને સહૃદય લાગણી પહોચાડવા આ જરૂરી છે

    કિરીટ ભાઈ ની વાત સાથે સો ટકા સહમત..Biographical બાબત માં આપ અદભુત અને એકમેવ છો ..આટલું detail research અને અજાણી વાતો થી આપ અમને માહિતગાર કરો તે અમને અન્ય થી જુદા પાડે ( અન્ય સાથે ચર્ચા કરતી વખતે )

    અન્ય એક વિષય જે બાબત અમારા હૃદય ને પહોંચે તે જ્યારે આપ સંગીત, નાટક વિશે જ્યારે આપ ના અનુભવો શેર કરો ત્યારે

    સર જેમ midday માટે કર્યું તેમ ચાલો પ્રેમી of The news premi માટે એક વાર્તાલાપ ગોઠવીએ.રાજકોટ અને રાજકોટ ના વાચકો આપ ની રાહ જોવે છે

    અને સર, તમારા શબ્દ ની આ તીવ્રતા છે એ અમને તમારી વધુ નજીક લઈ જાય ( દીવાનખંડ.લઘુ શંકા.) આવો વિચાર .આટલી સ્પષ્ટ રીતે મે ત્રણ લોકો ને વાંચ્યા..( આપ, શ્રી ચંદ્રકાંત બક્ષી, સ્વામી સચચિદાનંદજી )

    આપ ના આગમન ની પ્રતીક્ષા

    ખાસ નોંધ …આપે એક વધુ નવો ચિલો ચાત્ર્યો છે .જે ગુજરાતી ભાષા માટે નવો રાહબર બનશે …આપ નો, આપ પર, શબ્દો પર, લેખિની પર અને અમારા સૌ વાચકો પર જે વિશ્વાસ અને શ્રદ્ધા છે તે ને કારણે ફક્ત વાચકો પાસે થી ખૂલે આમ સપોર્ટ માગવો એ વંદનીય છે અને અમારી ફરજ છે કે અમે તમારો વિશ્વાસ સાચો પડીએ

    • જરૂર ગોઠવીએ, મનોજભાઈ!
      રાજકોટમાં પાંચ વર્ષ પહેલાં તમે મિત્રોએ મારા માટે યોજેલું વાચકમિલન યાદગાર હતું.

      • એથી વધુ મિત્રો આપ ની રાહ જોવે છે ..ખૂબ ગમશે

  20. Swami sachidanand na darek lekho kubaj saras hata khas Ram ji ashanti thi bhage …. Liked too much. As a jain I have been taught I have to listen and follow only jain saints but to be very Frank whenever I read or listen osho I feel it. સ્વામી સચ્ચિદાનંદ ના લેખો મે દશાશ્રીમાલી પત્રિકા માં વાચેલા ત્યારબાદ આપના ગ્રુપમાં, દરેક લેખો ખુબજ સરસ છે. તમારા પોતાના જીવન વિશે તમે જે લખેલું બહુ વર્ષો પહેલા કે જીવનમાં જ્યારે નબળાં દિવસો આવે ત્યારે પોતાના જૂના વ્યવસાયને મૂકવાનો નહિ……. હજુ પણ યાદ છે.

  21. સૌરભભાઈ, અઠવાડિયામાં એકદ વાર, તમારી ૫-૧૦ મીનીટ ની કોઈ વીડીયો કલીપ ન્યુઝ પ્રેમી પર મુકી શકાય તો કેવું? કાંઈ નવું નહી, બસ તમારા આવા લેખ ની જ વાત, બસ એક જુદી રીતથી… અમને તમને રુબરુ જોયા/સાંભળ્યા નો અને થોડોક વધુ નજીક હોવાની અનુભૂતિ લાગે.. પોસીબલ ..? 😊🙏🏻

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here