વાચકોના સંદેશા આવતા રહે છે, તડપતા લેખકને ધરપત આપતા રહે છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ફાગણ સુદ ત્રીજ ,વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૫ માર્ચ ૨૦૨૨)

ગઈ કાલે માંડેલી વાત આગળ વધારીએ.

જગદીશ રાવળે લતાજીના શુકન-અપશુકનવાળા લેખ માટે એક લાંબી કમેન્ટ મોકલીઃ
‘તમે વિષયની માવજત ખૂબ જ સારી રીતે કરી જાણો છો. લતાજી મારાં આરાધ્યદેવી છે – તુઝ મેં રબ દીખતા હૈ એવા સ્વીકારભાવ સાથે હું એમને સાંભળતો રહું છું. સાચે જ એમને સાંભળતાં એમના અવાજની દિવ્યતાની અનુભૂતિ થતી રહે છે. ચીલાચાલુ કહી શકાય એવું લતાજી માટે કશા સંદર્ભ વિનાનું સોશ્યલ મીડિયામાં કૉપી-પેસ્ટ-ફૉરવર્ડ થતું જ રહે છે. તમારું લતાજી વિશેનું લખાણ ઑથેન્ટિક છે. અભ્યાસુ નજરે લખાયાની એ પ્રતીતિ કરાવે છે. તમારાં સ્વામી સચ્ચિદાનંદજી વિશેનાં લેખો અને ખાસ કરીને જીવનને સ્પર્શતા તમારા લેખો મારા માટે બ્રેઇન સ્ટૉર્મ જેવા હોય છે. તમારો મિજાજ કોઈની સાડાબાર રાખ્યા વગર યથાર્થને પોંખતો રહે છે. ગાળાગાળી કરતા લેખકો-એ ચોપડે મહાન હતા એટલે એમના વિરુદ્ધ લખવું નહિ એ તમારી નીતિ નથી. નકરા આદર્શોને તમે પૂજનારા નથી. તમારું ફોકસ વિષય પર અને વ્યક્તિત્વ પર કેન્દ્રિત હોય છે. સારા સાથે નરસું, ભલેને કોઈને અપ્રિય લાગે, એવું લખવામાં તમારી કલમ ખોટકાતી નથી. તમારા પ્રત્યેની આદરની ભાવના તો ઘણા સમયથી જન્મેલી છે. આજે લતાજીના તમારા લેખે અનાયાસે એને મેં વાચા આપી છે. લખતા રહો. એવા ઘણા બધા મારા જેવા હશે જે તમને અહોભાવથી વાંચતા હશે, માણતા હશે પણ અભિવ્યક્ત નહિ કરતા હોય. તમારા પ્રત્યે આભાર નહીં, પણ અહોભાવ પ્રગટ કરું છું.’

કોઈ જ્યારે મારા લેખોના વખાણ કરે કે લેખોની વિવિધ બાજુઓની પ્રશંસા કહે ત્યારે હું એનો અર્થ એવો કાઢતો હોઉં છું કે મા સરસ્વતીએ મારા માથે જે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તે હાથની સ્તુતિ થઈ રહી છે.

આટલો બધો ભાવ કોઈ પ્રગટ કરે ત્યારે તમે તો સાવ ચૂપ જ થઈ જાઓ. રૂબરૂમાં કોઈ તમારાં વખાણ કરે ત્યારે તમે શું કરો? શાણા પુરુષો કહી ગયા છે કે કોઈ પણ સમજદાર માણસે પોતાનાં વખાણો સાંભળવાથી દૂર રહેવું. અને આ વાતને અમલમાં મૂકનારા મહાન પુરુષો મેં મારી લાઇફમાં ઘણા જોયા છે. પૂજ્ય મોરારિબાપુનો દાખલો આપું. એમની આગળ કોઈ પણ વ્યક્તિ એમની પ્રશંસા કરવા જાય તો એક-દોઢ વાક્ય પૂરું થતાં જ બાપુ સમજી જાય એટલે વાતને આડે પાટે લઈ જતાં ભાવપૂર્વક પૂછેઃ ‘ઘરે બધાં કેમ છે? છોકરાઓની પરીક્ષા થઈ ગઈ?’ કે પછી ‘તમારી તબિયત વચ્ચે પ્રતિકૂળ હતી તે હવે સારી થઈ ગઈ? સાચવજો…’

સામેવાળો સમજી જાય એટલે વખાણ કરવાનું બંધ કરીને નૉર્મલ વાતો કરવા માંડે. બાપુનું જોઈને હું પણ શીખ્યો કે આપણા જેવા સામાન્ય માણસોએ પણ વખાણો-પ્રશંસાથી દૂર રહેવાનું હોય. રૂબરૂમાં કે ફોન પર આવું જ કરવાની કોશિશ હોય છે. પણ ‘ન્યુઝપ્રેમી’ની વાત જુદી છે. વાચકો પોતે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય ત્યારે એમની વચ્ચે આવવાને બદલે એમની અભિવ્યક્તિનો આદર કરવો પરંતુ આવી વાતોને લીધે તમારા મગજમાં રાઈ ન ભરાઈ જાય તેનું ધ્યાન રાખવાનું. કોઈ જ્યારે મારા લેખોના વખાણ કરે કે લેખોની વિવિધ બાજુઓની પ્રશંસા કહે ત્યારે હું એનો અર્થ એવો કાઢતો હોઉં છું કે મા સરસ્વતીએ મારા માથે જે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તે હાથની સ્તુતિ થઈ રહી છે.

આ બધો પ્રતાપ મારા પૂર્વસૂરિઓનો છે…એમણે આપેલું હજુ સુધી ચાલે છે અને મા સરસ્વતી સગા દીકરા જેટલું ધ્યાન રાખે છે એટલે મઝાથી આપણું ગાડું ગબડ્યે રાખે છે

જગદીશભાઈ રાવળને મેં જવાબમાં લખ્યું:
‘આ બધો પ્રતાપ મારા પૂર્વસૂરિઓનો છે. ‘મારા તંત્રીઓ’ લેખમાં એમના વિશે વિગતવાર લખ્યું છે. સદ્‌ભાગ્યે મારી કારકિર્દી યશવંત દોશીના હાથ નીચે શરૂ થઈ. ગુજરાતી ભાષાની સ્વચ્છતા અને સજ્જતાની તાલીમ મને એમના ‘પરિચય ટ્રસ્ટ’માં મળી જે પુસ્તક સમીક્ષાનું માસિક ‘ગ્રંથ’ અને જનરલ નૉલેજ તથા કરન્ટ ટૉપિક્સ પરની પખવાડિક ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતું. યશવંત દોશીના ગયા પછી સુરેશ દલાલે ‘ઇમેજ’ વતી ‘પરિચય પુસ્તિકા’નું પ્રકાશન ચાલુ રાખવું અને સુરેશ દલાલના ગયા પછી ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ આ જવાબદારી નિભાવી રહી છે. યશવંતભાઈ પછી મેં હસમુખ ગાંધીના હાથ નીચે ‘સમકાલીન’માં કામ કર્યું. વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ ઉમેરાઈ. હરકિસન મહેતા માટે ‘ચિત્રલેખા’માં કૉલમ લખી, રિપોર્ટિંગ કર્યું અને નવલકથાઓ લખી. એમની પાસેથી વિચારોની સરળ રજુઆત કરવાની કળા શીખવા મળી. મારા માટે આ ત્રણેય પત્રકારો-લેખકો-તંત્રીઓ તીર્થ સ્વરૂપ છે. એમણે આપેલું હજુ સુધી ચાલે છે અને મા સરસ્વતી સગા દીકરા જેટલું ધ્યાન રાખે છે એટલે મઝાથી આપણું ગાડું ગબડ્યે રાખે છે.’

હેમંત દવેએ કમેન્ટ કરી કેઃ ‘લતાજી, આશાજી, પ્રદીપજી અને સી. રામચન્દ્ર વચ્ચે કંઈક વિવાદ કે વિખવાદ થયો હતો, એ મેરે વતન કે લોગો ગીત બાબતમાં?’

મેં કહ્યું : ‘ઊડતી વાત ઘણી હશે. પણ હું ગૉસિપ કૉલમનિસ્ટ નથી. કોઈ આધારભૂત માહિતી મળશે જે મારા ગળણામાંથી પસાર થશે તો જરૂર શેર કરીશ.’

ધર્મેન્દ્ર દેસાઈએ અંગ્રેજીમાં કંઈક આ મતલબનું લખ્યું: ‘સૌરભભાઈ, કોઈ કમેન્ટ્સ આપે કે ન આપે કોઈ ફરક નથી પડતો. તમારા આર્ટિકલો હંમેશાં સરસ જ હોય છે, ઇન્સ્પાયરિંગ હોય છે.’

મેં લખ્યું : ‘ગામના ચોરે ઝાડ નીચે ટોળે વળેલાઓ સાથે બેસીને મેં ફાનસના અજવાળામાં વાત માંડી હોય ને કોઈ હોંકારો ભણનાર ન હોય તો મઝા આવે?’

લતાજી મને બહુ ગમે, એમના વિશે લખવાની બહુ મઝા આવે. કામ કરું છું એવું ન લાગે, કોઈ હિલ સ્ટેશન પર જઈને વૅકેશન લેતો હોઉં એવું ફીલ થાય

ધીરેન દોશીની કમેન્ટમાં લખાયું કેઃ ‘લતા મંગેશકર હોય કે અન્ય કોઈ વ્યક્તિ વિશેષ હોય, દરેક મહાન હસ્તી કે સામાન્ય અદના માનવીનાં કામ કે આચારવિચાર વિશેનું તમારું જ્ઞાન અદ્‌ભુત છે જે તમારા લેખોમાં જણાઈ આવે છે. હંમેશાં વૉટ્સઍપ કે ટેલીગ્રામ પર આવતા તમારા લેખો વાંચવાનો પ્રબળ ઇન્તજાર રહેતો હોય છે. રાજકારણ વિશેના લેખો પણ ખૂબ જ રસપ્રદ હોય છે, જે લખવા માટેની તમારી મહેનત, ધગશ, સચોટ રેફરન્સીસ સાથેની રજુઆત કાબિલેદાદ હોય છે. પ્રભુ તમને તમારા કામમાં વિશેષ સહાયરૂપ બની રહે એવી શુભેચ્છાઓ.’

ધીરેનભાઈની કમેન્ટના જવાબમાં મેં લખ્યુઃ ‘તમને વાંચવાની જેટલી મઝા આવે છે એટલી મને લખવાની મઝા આવે છે. સવારે સ્ટડીમાં આવીને મારા પરદાદાના વારસામાં મળેલા એક સદી જૂના ટેબલ ઉપર કાગળ પેન ગોઠવું, ઇન્ક ભરું ત્યારે હવનકુંડ ગોઠવીને હોમ કરતા હોઈએ એવું માનસિક વાતાવરણ સર્જાય છે.’

સુશીલ ઠક્કર કહેઃ ‘આખી શ્રેણીની (લતાજી વિશેની) કાગડોળે રાહ જોઉં છું… રોજેરોજ.’

મેં એમને જણાવ્યું: ‘મને પણ ચટપટી હોય છે કે ક્યારે આ સિરીઝનો નવો લેખ લખું. લતાજી મને બહુ ગમે, એમના વિશે લખવાની બહુ મઝા આવે. કામ કરું છું એવું ન લાગે, કોઈ હિલ સ્ટેશન પર જઈને વૅકેશન લેતો હોઉં એવું ફીલ થાય.’

“‘મારા અનુભવો’ પુસ્તક મગાવીને વાંચવાની શરૂઆત કરી અને ભૂમિકાનાં બે પાનાં વાંચતાં જ શબ્દો સોંસરવા ઉતરવા લાગ્યા”

11 ફેબ્રુઆરીએ સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો વિશેના પાંચમા લેખમાં બ્રહ્મચર્ય, ખાદી અને ગાંધીજી વિશેના એમના વિચારો વિશે લખ્યું. એ પહેલાં આ સિરીઝના ઑલરેડી ચાર લેખો (5, 6, 8 અને 9 ફેબ્રુઆરીએ પોસ્ટ થઈ ચૂક્યા હતા). આ ચારેય લેખ વિશે રોજ એકાદ-બે-ચાર કમેન્ટ આવી. ભરત વાઘાણીએ લખ્યું, ‘સૌરભભાઈ, આપ જ્યારે પણ સ્વામીજી માટે લખો છો ત્યારે એક ખાસ આદરભાવ ડગલેને પગલે દેખાય છે. આપને અને આપની કલમને આજના પવિત્ર દિવસે (વસંત પંચમીએ) ખાસ વંદન.’

રિપલકુમાર પરીખે યાદ કરાવ્યું કે, ‘સાહેબશ્રી, આપ પોતે સ્વામીજીને મળવા દંતાલી આશ્રમ ગયા હતા. જ્યાં આપ લગભગ બેથી ત્રણ દિવસ રોકાયા હતા (એક્ચ્યુઅલી, એક જ રાતનો મુકામ હતો -સૌ.શા.) આપનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણને ગીતાકાર તરીકે આજના પ્રવર્તમાન સમયે વાચકોને જણાવવાનો હતો. તે સમયના આપના બધા જ લેખો અદ્‌ભુત હતા. ત્યારથી સ્વામીજીનું પુસ્તક ‘મારા અનુભવો’ મારી પાસે છે.’

બીજો ભાગ પોસ્ટ કર્યો ત્યારે સંદીપ કોટેચાએ યાદ દેવડાવીને અંગ્રેજીમાં કમેન્ટ કરી કે, ‘સ્વામીજી સાથેના 24 કલાકવાળી મુલાકાત ‘નેટવર્ક’ મૅગેઝિનમાં પ્રગટ થઈ હતી તે મને યાદ છે. હજુ હમણાં સુધી એની નકલ મારી પાસે હતી. મને યાદ છે ત્યાં સુધી તમે એમાં આશ્રમની દીવાલ પર લખેલું એક સૂત્ર ટાંક્યું હતુઃ ‘દરરોજ આવે તેને એક પ્રણામ, એક વાર આવે એને હજાર.’

સંદીપ કોટેચાને સારું યાદ રહ્યું. થોડોક ફેરફાર છે સૂત્રમાં, જે તમે સૌએ આ ઇન્ટરવ્યુ થોડા દિવસ પહેલાં પોસ્ટ થયો ત્યારે એમાં વાંચ્યું જ હશેઃ ‘આવે એને એક સલામ, જાય , એને સો સલામ, ન આવે એને હજાર સલામ’ આ સૂત્રનો ફિલસૂફીભર્યો અર્થ બાપજીએ મને સમજાવ્યો હતો જે એ ઇન્ટરવ્યુમાં તમને વાંચવા મળશે.

ત્રીજા ભાગ માટે એક જ કમેન્ટ આવી પણ મારા માટે એ એક લાખ કમેન્ટ જેવી હતી. મુકુન્દ વ્યાસે લખ્યુઃ ‘સૌરભભાઈ, મેં ‘મારા અનુભવો’ પુસ્તક મગાવીને વાંચવાની શરૂઆત કરી અને ભૂમિકાનાં બે પાનાં વાંચતાં જ શબ્દો સોંસરવા ઉતરવા લાગ્યા. ધન્ય છે સ્વામીજીને અને તમારા પ્રયત્નોને.’

krupa karine roman lipi ma aatlu lambu na lakhsho

દસમી ફેબ્રુઆરીએ પાંચમો લેખ પોસ્ટ કર્યો તે દિવસથી લેખના અંતે તાજા કલમ મૂકવાની શરૂઆત કરી હતીઃ તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે…

એ દિવસે 14 કમેન્ટ આવી! પંકજ પટેલે લખ્યું : ‘સ્વામીજીને નજીકથી સાંભળ્યા છે અને ઘણાં પુસ્તકો વાંચ્યાં છે?’

જિજ્ઞાએ જણાવ્યું: ‘સ્વામીજીનાં લગભગ બધાં પુસ્તકો વર્ષોથી વાંચ્યાં છે. સ્વામીજી જેટલા સ્પષ્ટવક્તા સંન્યાસી ભાગ્યે જ ધરતી પર અવતરિત થાય છે. એમનાં પુસ્તકો પરના તમારા લેખો મંથન પછી નીપજેલા નવનીત જેવા છે. ચાલુ રાખજો, સાહેબ.’

ધર્મેશ કાન્તિલાલ લિંબચિયાએ વિલે પાર્લેથી ઘણી મોટી વાત લખીને મોકલી: ‘હું સ્વામી સચ્ચિદાનંદને જાણતો ન હતો. પણ આપના સ્વામીજી પરના લેખો વાંચીને મને એમનો પરિચય થયો. સૌરભભાઈ, આપનો ખૂબ આભાર. આપણા સાધુસંતો અને વૈચારિકો તો કહે જ છે કે અમે શું કરીએ છીએ એ નહીં પણ અમે શું કહીએ છીએ એનો અમલ કરવો.’

હું માનું છું કે ધર્મેશભાઈ એવું કહેવા માગે છે કે સ્વામી સચ્ચિદાનંદ બીજા ઘણા સાધુ-સંતો-વિચારકો કરતાં જુદા છે — સ્વામીજીનું કહેવાનું અને કરવાનું બેઉ સરખાં જ છે.

એક વાચકે રોમન લિપિમાં ખૂબ લાંબી કમેન્ટ લખી. પણ મારો આ બાબતે સ્પષ્ટ મત છે કે Gujarati ma tame roman lipi ma lakhayela ekad vakya vanchata pan thaki jao જ્યારે અહીં તો ખૂબ લાંબું લાંબું લખ્યું હતું જે વાંચવાની તસદી લીધા વિના મેં એમને વિનંતી કરીઃ ‘krupa karine roman lipi ma aatlu lambu na lakhsho…’

સૌ પોતપોતાના મિત્રો માટે આવું કરવાની તસદી લે તો મને મઝા પડી જાય!

કમલ ઝવેરીએ લખ્યું : ‘ભાઈશ્રી ભરત વાઘેલાએ અત્યંત આગ્રહપૂર્વક ‘ન્યુઝપ્રેમી’નો પરિચય કરાવ્યો. સમકાલીન રાજકીય પરિસ્થિતિઓ અંગેના આપના વિચારો, સ્વામીજી પ્રત્યેનો આદરભાવ એ તો જાણે મારા જ અભિપ્રાયો… ભરત વાઘેલાનો હૃદયપૂર્વક આભાર. વિચારું છું કે આટલી સુંદર અભિવ્યક્તિઓથી હું આટલો બધો સમય દૂર કેવી રીતે રહ્યો. વાંધો નહીં, હવે તો મળે છે. માણી રહ્યો છું. ધન્યતા અનુભવી રહ્યો છું.’

મેં કમલભાઈનો આભાર માનતાં લખ્યું : ‘તમારા મિત્રને મારી સલામ. સૌ પોતપોતાના મિત્રો માટે આવું કરવાની તસદી લે તો મને મઝા પડી જાય!’

આ લેખમાં સ્વામીજીએ ગાંધીજીના જીવન-કર્મ-વિચારો વિશે પોતાની જે સહમતિ-અસહમતિ પ્રગટ કરી એનું વિશ્લેષણ મેં કર્યું હતું અને સાથે સાથે સંદર્ભ નીકળતાં મેં નાથુરામ ગોડસેને વીર સાવરકર, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ સાથે સરખાવનારાઓની ટીકા કરી હતી.

ગાંધીજી ન હોત તો સરદાર ન હોત અને તો આ દેશ ન હોત, પચીસ-પચાસ ટુકડામાં વહેંચાઈ ગયો હોત

રમેશ દેવાણી નામના વાચકે લખ્યું: ‘નાથુરામ ગોડસે વિશેના આપના મત સાથે અસહમત.’

બસ, આટલું જ. અસહમત!

મારે એમને વિગતે સમજાવવું પડ્યું: ‘નસીબ તમારા. વૉટ્સઍપિયા અને ટ્વિટરિયાઓ દ્વારા ફેલાવવામાં આવતા અધકચરા અને અસત્યપૂર્ણ કચરાને કારણે ઘણા લોકોમાં ભૂંસું ભરાઈ જતું હોય છે. મારી આપને વિનંતી છે કે મેં જે લખ્યું છે તેને સો ટચનું સોનું માનો. અન્યથા તમે જાતે ગોડસેનાં તથા એ વિષય પર લખાયેલાં લખાણો વાંચવાની મહેનત કરો, ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં 100 જેટલાં દળદાર ગ્રંથો વસાવીને વાંચો, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ડઝનબંધ પુસ્તકો છે તે પણ વાંચો (જેથી સરદારના ઘડતરમાં ગાંધીજીનો કેટલો બધો ફાળો છે તેની સમજ પ્રગટે – ગાંધીજી ન હોત તો સરદાર ન હોત અને તો આ દેશ ન હોત, પચીસ-પચાસ ટુકડામાં વહેંચાઈ ગયો હોત.) ગોડસે, ગાંધી, સરદાર, નેહરુ, વિશે જ્યારે પણ હું લખું છું કે બોલું છું ત્યારે આ સૌની તરફેણ કે ટીકા કરનારા મેગીના ટુ મિનિટ્સ નૂડલ્સ ખાઈને પંડિત બની ગયેલાઓની જેમ નહીં પણ એક આખી દીવાલ ભરીને આ પર્ટિક્યુલર વિષય પરનાં મારી પાસેનાં પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી કંઈક કહેતો હોઉં છું. સાવરકર, ભગતસિંહ અને બોઝ ભારતમાના સપૂતો છે, ગોડસે અક્ષમ્ય અપરાધ કરનાર કપૂત છે, કપૂત છે, કપૂત છે – એક નહીં હજાર વાર કપૂત છે. બીજી વાત. આજની તારીખે કેટલાક હાઈપરડા હિન્દુવાદીઓ મવાલીની જેમ, સમજ્યા કર્યા વિના મોદી અને મોહનજી ભાગવતની ટીકા કરી રહ્યા છે. આમાંનું કોઈ ઝનૂની જીવડું ગોડસેવાળી કરવા જાય તો શું એને વાજબી ઠેરવશો? અસહમતી હોય ત્યાં ગોળી ચલાવવી એવું માનનારાઓ અને એવું માનનારાઓને માથે ચડાવીને ફરનારાઓ જંગલી છે. આ પૃથ્વી પર રહેવાને લાયક નથી. એ સૌની ગતિ ગોડસે જેવી થવી જોઈએ.’

“આપ બસ, લખતા જ રહો…”

બીજે દિવસે, 11મી ફેબ્રુઆરીએ લતાજી વિશેના લેખ (મેરી આવાઝ હી પહેચાન હૈ-લતાજીએ એક દિવસમાં સાત ગીત પણ રેકોર્ડ કર્યાં છે) માટે 34 કમેન્ટ્સ! ચોંત્રીસ!

હીના વોરાએ લખ્યુઃ ‘મને હંમેશાં આશ્ચર્ય થાય છે કે આટલી સ્મૃતિ તમે ક્યાં સાચવી રાખી છે.’

મેં એમને જવાબ આપ્યોઃ ‘આભાર. મારી સ્મૃતિમાં તો ઘણો મોટો ભંડાર છે જ, મારી રેફરન્સ લાયબ્રેરી અતિ સમૃદ્ધ છે. આ બેઉમાં જ્યારે ચિંતન તેમ જ અર્થઘટનનું મોણ ઉમેરાય છે ત્યારે મારા તાવડામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી બનાવીને ઝારા વડે ગરમાગરમ તમને સૌને પીરસાય છે!’

યુવાનવાચક બંસલ ભાલજાએ અંગ્રેજીમાં લખ્યું: ‘All articles about various aspects and incidences about the life and singing of Lataji are so interesting! Quite comprehensive and vivacious tribute from you, Saurabhbhai!’

મેં બંસલને કહ્યું : ‘She was an encyclopedia of music. એમના વિશે વાત કરીએ એટલી ઓછી.’

અમિત સોનીએ લખ્યું : ‘સૌરભભાઈ, તમારી મહેનત ખરેખર અજોડ છે. એક સાથે બંને સિરીઝ (સ્વામીજી અને લતાજી) પર લખવું તે ખાવાના ખેલ નથી. અદ્‌ભુત માહિતીનો સંગ્રહ છે જેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.’

નીતિન વ્યાસે મારી તાજા કલમના સંદર્ભમાં લખ્યુઃ ‘સૌરભભાઈ, આપ ક્યારેય પણ અંધારામાં તીર નથી ચલાવતા, બલ્કે અમારી અજ્ઞાનતાનું અંધારું ઉલેચીને અમને જ્ઞાનના પ્રકાશરૂપી મહાસાગરમાં લઈ જાઓ છો… આપ બસ, લખતા જ રહો…’

તમે આવું કહો છો ત્યારે મારી મહેનત લેખે લાગે છે

અર્પણા મહેશ્વરી લખેઃ ‘અદ્‌ભુત લેખ! લતાજી અમારી ત્રણ પેઢીનાં ફેવરિટ… હું પાંચ વર્ષની હતી ત્યારે પહેલું કાને પડેલું જાદુઈ ગીત ‘આયેગા આનેવાલા…’ આજે (એમના અવસાન પછીના) પાંચમા દિવસે પણ એમની જ સ્મૃતિમાં રત છું.’

મેં એમને લખ્યું : ‘સાચી વાત છે. તેર દિવસ પછી પણ શોક તો ઉતરવાનો જ નથી. બાકીની આખી જિંદગી એમને યાદ કરતા રહીએ, એમના કામમાંથી ઇન્સપાયર થતા રહીએ એટલું ગંજાવર એમનું કામ છે.

અનીશ ભટ્ટે લખ્યુઃ ‘મારાં માતા અને પિતા બંનેને લતા મંગેશકર અને રફીજીનાં ગીતો બહુ ગમતાં એમને આ લેખો વાંચવા નથી મળવાના એ અફસોસ છે. સુંદર લેખ આભાર.’

મેં અનીશભાઈને કહ્યું, ‘મારી પ્રાર્થના કે તમે વાંચતા હશો તો એમના સુધી એ જરૂર પહોંચશે.’

ધર્મેન્દ્ર દેસાઈએ અંગ્રેજીમાં કમેન્ટ કરી છે. યથાવત્ ક્વોટ કરું છું :
‘Saurabhbhai,
You always make our day. We get so fresh to work after reading your article and while reading it, we feel that all these things are happening in front of us.
Great.
We are thankful to you, Saurabhbhai.
You are a real inspiration.’

મેં પણ એમને અંગ્રેજીમાં જ લખ્યું : ‘I am always inspired while writing when I think about readers like you – what will be their reaction when they will read this article.’

ભાઈલાલ આર ઠક્કરે લખ્યું :
‘આપને હું વર્ષોથી વાંચું છું… આ બંને સિરીઝ પણ વાંચું છું. બંને અત્યંત સરસ જાય છે. આપની લેખનશૈલી, કન્ટેન્ટ, ભાષાની સરળતા છતાં સુંદરતા, આપનાં મૌલિક નિરીક્ષણો-વિશ્લેષણો બધું જ અદ્‌ભુત હોય છે. સ્વામીજીનાં પણ ઘણાં પુસ્તકો વાંચવાનો લાભ મળ્યો છે. સ્વામીજીનો પણ હું ચાહક છું. બાય ધ વે, સ્વામીજી અને મારા વતનનો પંથક એક જ છે. એમનું ગામ (વતન) મુજપુર, તાલુકોઃ સમી, જિ. મહેસાણા (હવે જિ.પાટણ). મારું મૂળ ગામ રાફુ, તાલુકો સમી…’

ડૉ. ધનંજય ત્રિવેદીએ કમેન્ટ કરતાં લખ્યું :
‘માનનીય શ્રી સૌરભભાઈ,
અભિનંદન.
તમારી સરળ અને સહજ શૈલીમાં લખાયેલા તમારા બધા જ લેખો ખૂબ ચિંતન અને મનન કરીને લખાયા છે. અમારા માટે તમે કરેલી મહેનત બદલ અંતઃકરણના આભાર સહ ધન્યવાદ.’

મેં એમનો આભાર માનતાં કહ્યું :
‘તમે આવું કહો છો ત્યારે મારી મહેનત લેખે લાગે છે.’

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. સૌરભ સર, તમારા બધા જ લેખ ખુબજ સરસ અને સચ્ચાઈ થી ભરપુર હોય છે…… હું કૉમેન્ટ લખતી નથી પણ તમારા આર્ટિકલ ની ઇંતેજારી હંમેશા રહે છે….લતાજી, સચ્ચિદાનંદજી લેખ એકદમ સરસ…. જીવન વિશે ના તમારા અભિપ્રાયો હોય કે પછી આત્મા પરમાત્મા ને મોક્ષ વિશે ના લેખ હોય સચ્ચા એટલા કે કોઈ લોભામણા ધર્મગુરૂ ને સાંભળવાની જરૂર નહિ કે ન કોઈ પોઝિટિવ થીંકિંગ ના લેક્ચર સાંભળવાની…..પ્રભુજી તમને આ રીતે જ જીવનભર લખાવડાવે એવી સરસ્વતીજી અને શ્રીજીબાવા ને પ્રાથના🙏🏻🙏🏻

  2. Respected Saurabhbhai,
    I beg apology for putting Chandrakant Baxi’s name here.I have read him in difficult times.

  3. મારી કોમેન્ટનો ઉત્તર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સૌરભભાઇ,
    વાત રહી હોંકારો દેવાની, તો તમારા લેખો કોઈપણ વિષય પરના એટલા સરસ અને સુંદર સ્વપ્ન સમાન હોય છે કે એ મનગમતું સપનું લંબાય, એમાં વિક્ષેપ ન પડે એવો નિજી સ્વાર્થ મનમાં ઉભો થઈ જાય છે, જેમ માં કે બાપના ખોળામાં છોકરું સરસ મજાની વાર્તા સાંભળતા સાંભળતા જ ઊંઘી જાય છે એવું કંઇક.
    પણ તમે ધખાવેલી ‘ જાગરણ ‘ ની ધુણીમાં હોંકારો તો દેવો જ જોવે એ પણ હું માનું જ છું, કારણ તમારા દરેક લેખો, પછી એ રાજકીય, આધ્યાત્મિક, કલાક્ષેત્રે કે અન્ય કોઈ પણ ક્ષેત્રે ખેડાયેલા હોય એ અમારી જેવા વાચકને અંદરથી ‘ જગાવી ‘ જનારા હોય છે.
    ખરેખર, અન્ય કોઈ મિત્રએ કરેલી કૉમેન્ટ કે સવારમાં તમે પોસ્ટ કરેલો લેખ વાંચ્યા પછી જિંદગીનો વધુ એક દિવસ જ્ઞાન પામ્યાનાં, થોડુંઘણું ‘ અંદર ‘ થી જાગ્યાં નાં સંતોષ સાથે પૂર્ણ થતો અનુભવાય છે.
    આવા રોજ થતા અનુભવો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  4. Respected Saurabha Sir,
    I have read most of your articles whether published in Newspaper or in this column and through your published books.You are a very analytical writer and a proficient journalist.
    Articles are exciting and inspirational and modern or contempory and truth prevails at each of your sentences.I am very small person in front of you to cricise.You are better than Chandrant Baxi in terms of simplicity.

    Mahesh B Vora

  5. Dear Saurabh Sir, Clarity of thoughts and Clarity of Expressions is the best about your articles. Some of your articles are really brainstorming sessions. e.g. My daughter is in 10th Standard… and as a career woman was little worried and confused about the career choice for her…. However reading your article from Sadguru’s speech…. all my worries were gone…. Some articles give a comprehensive view of the situations. Very much like to read the same.
    Gujrati by heart… However do not know Gujrati typing on keyboard… Will learn the same and next comment will be in Gujrati. Waiting for the article on Russia Ukraine War and our country’s stand on the same.

  6. Dear Saurabhbhai,
    Hope this will find you in best of health and happiness. Each day, we eagerly await your article and read with keen interest. We pray Almighty that the treasure of valuable thoughts, virtues and related anylatical process be inreased day by day, which not only enlighten your personal growth and satisfaction, but enrichment and beautification of the hearts of the readers..of all ages. Good luck. Do come to Surat.
    Mayur Shukla

  7. સૌરભભાઇ તમારા ૪૦ વર્ષ જૂના વાચકને લી તમને વિનંતી છે કે ગુજરાતી પત્રકારત્વ ની તવારીખ કે સંભારણાની એક લેખમાળા આપો.આપે ગુજરાતી પત્રકારત્વના સુવર્ણયુગ માં કામ કર્યું છે જેનું દસ્તાવેજીકરણ નવી પેઢીને માટે ખૂબ અગત્યનું રહેશે.આ ઉપરાંત નવોદિત લેખકો અને બ્લોગરોને ઉચ્ચ કક્ષાનું કેવી રીતે લખાય અને તે માટે કેવી તૈયારીઓ કરવી પડે તેવી કોઈ લેખમાળા લખો તેવી આશા છે.તમારી આ નવી શ્રેણી ગમી અને રૂબરૂ વાત કરીએ છે એમ લાગે છે.

  8. આપની રેફરન્સ લાયબ્રેરીનો (મદિર) નો ફોટો શેર કરશો. અમારે દર્શન કરવા છે..

  9. તમારા પ્રતિભાવમાં મારો ઉલ્લેખ જોઈ એક અદભુત આત્મિયતાની અનુભૂતિ થઈ. ક્યારેક કોઈ સુંદર લખાણ કે જે દ્વારા અબસોલ્યુટ મારા વિચારોની અભિવ્યક્તિ થઈ જતી હોય ત્યારે એક સ્પન્દન ઉદભવે છે. અજાણતાં કોઈ હારમોનિયલ ફ્રિકવન્સી પ્રકટ થાયછે. લેખક સાથે વાચક સમાન વેવલેંથમાં વિહાર કરતો હોવાનું અનુભવે છે , અને લેખક આનાથી અલિપ્ત હોય છે. એક તીવ્ર સંવેદના અનુભવાય છે અને આ આત્મીયતાને ગાઢ કરવા પ્રત્યાલાપ કરવો વાચક માટે જરૂરી બને છે.
    …………બસ, અહીં સુધી બધું ઠીક છે. સૌરભભાઈ બહુ તો નહીં પણ ઘણી વખત આમ અનુભવ થયો છે અને પેન ઉપડી ગઈ છે અને પ્રતિભાવ અપાઈ ગયા છે, પણ , ભાઈ, ઓ ભાઈ, હમણાં સુધી તો આ અનુભવ ” crying before the wailing wall” જ રહ્યો છે. એક માત્ર મારા આરાધ્ય કુંદનીકા બહેન કાપડિયા એ પોતાની આંખો નબળી પડી ગઈ હોવા છતાં જવાબ આપ્યો હતો અને… I almost wept with gratitude…
    ……અને અચાનક નવાઈ લાગી, અરે, આ લેખક તો સામેથી પ્રતિભાવો મંગાવે છે, અને વધુ આશ્ચર્યઘાત થયો કે સામે જવાબ પણ આપે છે.
    સૌરભ ભાઈ, તમારા લેખોની ઉત્કૃષ્ટતાથી રાહ જોવા છે….સલામ….

    • જી, બિલકુલ!
      કાગળ ઉપર ફાઉન્ટન પેનથી લખતી વખતે જે અનુભવ થાય છે તે અવર્ણનીય છે.

  10. સર

    આ સ્મૃતિ ને યાદ કરી ને આપ કેટલી બધી ક્ષણો ને જીવંત કરો છો ..

    આભાર ..એ બધા લેખો ફરી યાદ આવી ગયા.. એ બધા વ્યક્તિ વિશેષ આંખ સામે તરે અને સાક્ષાત્કાર થયો એવી લાગણી આવી

    સર એક લાગણી વ્યક્ત કરું છું

    સર , જીના ઇસી કા નામ હે ની બીજી.ત્રીજી શ્રેણી કરો તો કેવું અદભુત …જીવંત ઉદાહરણો ની સમાજ ને વધુ જરૂર છે …છેલ્લા આશરે 8 વર્ષે થી આપણા પદ્મ પુરસ્કારો હવે આવા વ્યક્તિત્વ તરફ ઢળ્યા છે તેમના વિશે પણ માહિતી સભર અને આપ ની કલમે રસ્પ્રચૂર રીતે લોકો સુધી મુકાય તો શક્યત 5 % લોકો એવા સત્કાર્ય તરફ વળે અને તમને એમના વિશે ઉજાગર કરવા ની તક અને આવનારી પેઢી ને એમના જેવું બનવા ની પ્રેરણા બંને મળે

    આ વિનંતી પર જરૂર વિચારજો

    આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here