કોણ, ક્યારે, શું કામ તમારાં વખાણ કરે છે અને શું કામ તમારી ટીકા કરે છેઃ સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 21 નવેમ્બર 2021)

ક્યારેક તમને નવાઈ લાગે કે આ માણસ પણ હવે તમારાં વખાણ કરતો થઈ ગયો! એનો મતલબ એ કે હવે તમારે સમાજમાં ફુલાઈને ફાળકા થઈને ફરવું જોઈએ. પણ આ બાબતમાં તમારે ટાઇમિંગ જોવું જોઈએ અને અત્યારે રાજકારણમાં બહુ પ્રચલિત થઈ રહેલો રૂઢિપ્રયોગ વાપરીએ તો ક્રોનોલોજી તપાસવી જોઈએ.

લતા મંગેશકર અને કવિતા કૃષ્ણમૂર્તિ બેઉ પ્લેબૅક સિંગર્સ માટે ભરપૂર આદર છે. તાજેતરમાં કવિતાજીએ લતાજીની ગાયકીની બારીકીઓ વર્ણવીને એમનાં ખૂબ વખાણ કર્યાં. આ જ વાત કવિતાજીએ પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં, પોતાની સ્ટ્રગલના કાળમાં, (જ્યારે એવું કહેવાતું અને કવિતાજી પોતે પણ માનતાં હશે કે લતાજી બીજી કોઈ ગાયિકાને ઉપર નથી આવવા દેતાં ત્યારે) કહી હોત? ના. બિલકુલ નહીં. પણ અત્યારે કહી શકે છે. કારણો ગમે તે હોય.

કોણ ક્યારે તમારાં વખાણ કરે છે એ તપાસવું ખૂબ અગત્યનું છે. તમને અંદરખાનેથી ધિક્કારનારા અથવા તો કહો કે ડિસ્લાઇક કરનારાઓ પણ જાહેરમાં તમારાં વખાણ કરતા હોય ત્યારે એમનું જ સારું લાગવાનું છે. તમને જેન્યુઇનલી ચાહનારાઓનાં વખાણ અને આવાં લોકોનાં વખાણ – આ બંને વચ્ચેનો ભેદ પારખતાં તમને આવડવું જોઈએ.

તમારી પ્રશંસા કરનારા તમામ લોકોના દિમાગમાં તમારા વિશેનું ઝેર ભરેલું નથી હોતું. તમને સાચા દિલથી ચાહનારાઓ આ જગતમાં બહુમતીમાં છે એની ખાતરી રાખજો. પણ સાથે સાથે, મતલબી પ્રશંસકોથી સાવધ રહેજો. તેઓ ક્યારે, કોની આગળ, તમારા કયા કામનાં કે તમારી કંઈ બાબતનાં વખાણ કરે છે એ તપાસ્યા વિના જો તમે એ પ્રશંસક પર ઓળઘોળ થઈ જશો તો ભોંઠા પડશો.

આ દુનિયામાં તમારી આસપાસ કેટલાક લોકો એવા હોવાના જેઓ તમારા જેવા બનવા માગે છે પણ નથી બની શકતા. કદાચ ક્યારેય નથી બની શકવાના. તમારા જેટલી મહેનત, લગન, પ્રતિભા એમનામાં નથી એની એમનેય ખબર હોય છે. અંદરખાનેથી તેઓ તમારા સામાજિક મોભાની, તમારી જીવનશૈલીની તમારા સ્વભાવની તમારી ધન-સંપત્તિની ઇર્ષ્યા કરતા હશે. પણ તમારી નજીક આવીને તમારો લાભ લેવા માટે એમણે સતત તમારાં વખાણ જ કરવાં પડે. અન્યથા કોણ એમને તમારી નજીક આવવા દે?

આવા લોકો ક્યારેક, એક જમાનામાં, માનતા હોય છે કે પોતે જાહેરમાં કે બીજાઓ આગળ તમારાં વખાણ કરશે તો એને કારણે તમને લાભ થશે, તમારા પર એમનાં વખાણનો ઠપ્પો લાગશે તો તમે એમના કરતાં આગળ નીકળી જશો. એમને લાગતું હોય છે કે તમારાં વખાણ કરીને પોતે પોતાની લઘુતાગ્રંથિનું પોતાના ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સનું પ્રદર્શન કરે છે એવું બીજાઓ માની લેશે. હકીકત એ હોય છે કે એમનામાં ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ નથી હોતો, તેઓ તમારી સરખામણીએ ઇન્ફિરિયર જ હોય છે.

આવા લોકો વખત જતાં પામી જાય છે કે હવે પોતાનો લાભ શેમાં છે. બાકીની દુનિયાની જેમ પોતે પણ તમારાં વખાણ કરતાં થઈ જશે તો સારું એમનું પોતાનું જ લાગવાનું છે.

વખાણની જેમ જ તમારી ટીકા થતી હોય ત્યારે પણ એના ટાઇમિંગ પર ધ્યાન આપવું જોઈએ, એની ક્રોનોલૉજિ તપાસવી જોઈએ. દિગ્દર્શક મહેશ ભટ્ટે સંગીતકાર નદીમ-શ્રણવણની સાથે કરેલી કેટલીક ફિલ્મો ખૂબ સફળ થઈ રહી હતી ત્યારે મહેશ ભટ્ટની એક ફિલ્મ લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીત સાથે બની રહી હતી તે વખતની વાત છે. લક્ષ્મીકાંતે મહેશ ભટ્ટને એક દિવસ કોઈ ફિલ્મ મૅગેઝિન બતાવીને ફરિયાદ કરી કે નદીમનો ઇન્ટરવ્યુ વાંચો – કહે છે કે નદીમ-શ્રવણના આગમન પછી લક્ષ્મીકાંત-પ્યારેલાલ હવે આઉટ થઈ ગયા છે. મહેશ ભટ્ટે લક્ષ્મીજીને સમજાવતાં કહ્યું: ‘એક જમાનામાં આ ઇન્ડસ્ટ્રીમાં શંકર-જયકિશનનું રાજ હતું, બરાબર? એ વખતે તમે નવા નવા આવીને સફળ થઈ રહ્યા હતા ત્યારે તમે પણ શંકર-જયકિશન વિશે ક્યારેક ને ક્યારેક, કોઇકની આગળ આડુંઅવળું બોલ્યા જ હશો.’ લક્ષ્મીજીએ હા પાડી. ‘શું કામ બોલ્યા હતા? કારણ કે તમને ખબર હતી કે ઇન્ડસ્ટ્રીમાં નંબર વન સંગીતકાર કોણ છે – શંકર જયકિશન. નદીમ તમારા વિશે ઘસાતું બોલે છે એ તો તમારા માટે સર્ટિફિકેટ છે કે તમે અત્યારે નંબર વન છો!’

ક્યારેક એવું પણ બને કે ટીકા કરનારી વ્યક્તિ તમારી સહૃદયી હોય પણ એની મજબૂરી હોય કે ટીકા કરતી વખતે એણે કોઈ એવા લોકોની મંડળીમાં હાજરી આપવી પડી હોય જે તમારા શુભેચ્છકો ન હોય અને ત્યાં રહીને એણે તમારા વિશે કોઈ સાચી પણ તમને ન ગમે એવી ટિપ્પણી કરી હોય જે બઢાવી ચડાવીને તમારા સુધી પહોંચાડવામાં આવી હોય – આગળ પાછળના સંદર્ભોને ઉડાવીને.

તમારી ટીકા કરનારાઓના આશય અનેક પ્રકારના હોવાના. બધા ટીકાકારોનો એકસરખો આશય નથી હોતો. કોઈ તમને પરભવના શત્રુ માનીને બેઠું હોય તો કોઈ તમને પોતાની જિંદગીમાં આવેલું સૌથી મોટું વિઘ્ન માનતું હોય. કોઈને એમ હોય કે પોતાને જે નથી મળ્યું તે તમને કેવી રીતે મળી ગયું તો કોઈને એમ હોય કે પોતાને જે મળ્યું છે એ તમને વળી કેવી રીતે મળી ગયું.

કેટલાકને તો જન્મજાત ટીકાદૃષ્ટિ મળેલી હોય છે. તેઓ વખત જતાં પેટના બળેલા તરીકે ઓળખાતા થઈ જાય છે. એમની દૃષ્ટિએ જુઓ તો દુનિયાની સારામાં સારી વાતમાં ખોડખાંપણ શોધી શકશો. આવા લોકો ફ્રસ્ટ્રેટેડ હોય છે, પોતાના જીવનથી કંટાળેલા હોય છે, પોતાની આસપાસની વ્યક્તિઓથી ત્રાસેલા હોય છે અને તેઓ પોતાની હૈયાવરાળ તમારી અને સૌ કોઈની ટીકા કરીને બહાર કાઢતા હોય છે. આવા હતાશ લોકોને ચૂપ કરવાની કોશિશ કરવાને બદલે સારા માનસચિકિત્સક પાસે મોકલવા જોઈએ અને ત્યાં જવાની ના પાડે તો એમને મનોરોગીઓની ઇસ્પિતાલમાં ઍડમિટ કરાવી દેવા જોઈએ.

પ્રશંસાઓ અને ટીકાઓ થયા કરે. તમારી જ નહીં ગામ આખાની ટીકાઓ અને પ્રશંસાઓ થતી હોય છે. જગતના સર્વશક્તિશાળી ગણાતા રાષ્ટ્રવડાઓની પણ થતી હોય છે. આપણા ભગવાનો પણ પોતાના જીવનકાળમાં આ બધામાંથી પસાર થયા છે. આજની તારીખે પણ થાય છે. એક વાત લખી રાખવાની. કોઈએ કરેલાં વખાણ કે કોઈએ કરેલી ટીકા તમારા જીવનની બૅલેન્સશીટ તપાસીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરેલી સહીનો દરજ્જો ધરાવતાં નથી. જે ઘડીએ તમે એ વખાણ કે ટીકાને સીએનો સિક્કો માની બેસશો તે ઘડીએ તમારું હોકાયંત્ર ખોરવાઈ જશે, તમે દિશાભાન ભૂલી બેસશો. વખાણ સાંભળીને બે સેકન્ડ માટે સારું લાગે અને ટીકા સાંભળીને બે સેકન્ડ મન ખાટું થઈ જાય તો એ ઠીક છે, સ્વાભાવિક છે. પણ બેમાંથી એકેયને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી – વખાણને તો નહીં જ ટીકાને પણ નહીં. શીખવું હશે તો તમારી કોઠાસૂઝ પૂરતી છે, બીજાઓ ટીકા કરે એમાંથી શીખવાની તસદી લેવાની કોઈ જરૂર નથી.

મનને બહેલાવવાના બીજા અનેક રસ્તા છે, બીજાઓએ કરેલાં વખાણો સાંભળીને બહેકી જવાની કોઈ જરૂર નથી.

પાન બનાર્સવાલા

જિંદગી ઘણી સરળ છે, આપણે જ એને ગૂંચવી નાખીએ છીએ.

—કન્ફ્યુશ્યસ

•••

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
https://www.newspremi.com/gujarati/cutting-chai-series-all-articles

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://www.newspremi.com/gujarati/support-newspremi

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here